ABHIMAAN books and stories free download online pdf in Gujarati

ABHIMAAN

અભિમાન (૧૯૭૩)-કિશોર શાહઃસંગોઇ

હૃષીકેશ મુખર્જીની દાંપત્ય જીવન દર્શાવતી આ સુંદર ફિલ્મ છે. એક જ વ્યવસાય ધરાવતા દંપતિની વાત છે. પુરૂષ પ્રધાન સમાજમાં જો પત્ની પતિ કરતાં ચઢીયાતી હોય તો લગ્નજીવનમાં ઘવાયેલા અહમ્‌ થકી ઘર્ષણ જન્મે છે. આ ઘર્ષણ લગ્ન જીવનમાં ભંગાણ પણ પાડી શકે છે. આ વાત ‘‘અભિમાન’’માં સુંદર અને સહજ રીતે વણાઇ છે. આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે જયા ભાદુરીને ૧૯૭૪નો ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો.

કલાકાર : અમીતાભ બચ્ચન-જયા ભાદુરી-અસરાની-બીંદુ-એ. કે. હંગલ-ડેવીડ-દુર્ગા ખોટે-માસ્ટર રાજુ અને અન્ય

સ્ક્રીન પ્લે : નબેન્દુ ઘોષ

સંવાદ : રાજેન્દ્રસીંઘ બેદી

ગીત : મજરૂહ સુલતાનપુરી

ગાયક : લતા મંગેશકર-કિશોર કુમાર-મહમદ રફી-મનહર-સુનીલ કુમાર-અનુરાધા પૌડવાલ-એસ.ડી. બર્મન

સંગીત : એસ.ડી. બર્મન

ફોટોગ્રાફી : જયવંત પાઠારે

ઍડીટીંગ : દાસ ધાઇમોડે

આસી. ડિરેકટર : નિતીન મુકેશ-શકીલ ચંદ્રા

ડિરેકશન - સ્ટોરી : હૃષીકેશ મુખર્જી

સુબીર કુમાર (અમિતાભ બચ્ચન) વિખ્યાત ગાયક છે. એ પ્લેબેક આપવા ઉપરાંત સ્ટેજ શો પણ કરે છે. એ અત્યંત વ્યસ્ત ગાયક છે. એનો સેક્રેટરી ચંદ્રુ (અસરાની) એના હિસાબો અને એપોઇન્ટમેન્ટો સાચવવા ઉપરાંત એનો અંગત મિત્ર પણ છે. ચંદ્રુની મહેચ્છા એ છે કે સુબીર ભારતનો શ્રેષ્ઠ ગાયક બને. સુબીર સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતી ચિત્રા (બીંદુ) એની મિત્ર અને ફેન છે. સુબીર કુમારની ખ્યાતી એટલી છે કે એના ઑટોગ્રાફ માટે પડાપડી થતી હોય છે. એ કુંવારો છે. એકલતા એને સતાવે છે. એટલે એણે શરાબ-સીગારેટ અને રેસના શોખ પણ કેળવ્યા છે. ચંદ્રુ એને લગ્ન કરવા સમજાવે છે, પણ ચિત્રા સાથે લગ્નની વાત ચંદ્રુને મંજુર નથી.

એક દિવસ ગામડેથી સુબીરની દુર્ગા માસી (દુર્ગા ખોટે) નો પત્ર આવે છે. સુબીર માસીને મળવા એક દિવસ ફાળવીને ગામડે જાય છે. ગામડામાં નદી કિનારે ફરતાં એ કોઇ કન્યાના કંઠે ગવાતી શીવ-વંદના સાંભળે છે. એ મહિલા વિશે માસીને પૂછે છે. એ કન્યા ગામમાં વસતા સંગીતના પ્રકાંડ પંડિત સદાનંદ (એ.કે.હંગલ)ની પુત્રી ઉમા (જયા ભાદુરી) છે. બીજા દિવસે શહેરમાં પાછા ફરતી વખતે સુબીર મંદિરે દર્શન કરવા જાય છે. એ ફરી ઉમાનું ગીત સાંભળી મંત્રમુગ્ધ થઇ જાય છે. બન્ને મળે છે. સંગીતની વાતો થાય છે. સુબીર રોકાઇ જાય છે. બીજા દિવસે એ માસી સાથે સદાનંદ પંડિતના ઘરે જાય છે. ઉમા-સુબીરની મૈત્રી થાય છે. તેઓ કુદરતના સાનિધ્યમાં વિવિધ ધ્વનિ સાંભળતાં ફરે છે. સુબીર એકલતાનો સ્વીકાર કરતાં ઉમાનો સંગાથ ઇચ્છે છે. માસી પણ લગ્ન માટે ઉમા પસંદ કરે છે. ઘડિયા લગ્ન લેવાય છે. ઉમા-સુબીર પરણી જાય છે.

પરણીને તેઓ શહેર પાછા ફરે છે. ચંદ્રુ લગ્નની વાત જાણીને અવાચક થઇ જાય છે. આ પ્રસંગ ઉજવવા એ રીસેપ્શન રાખે છે. રીસેપ્શનમાં એમને આશિર્વાદ આપવા શાસ્ત્રીય સંગીતના પ્રખર જાણકાર બ્રીજેશ્વર રાય (ડેવીડ) આવે છે. એમની ફરમાયેશ પર સુબીર-ઉમા યુગલ ગીત ગાય છે. રાય સાહેબ ઉમાની ગાયકીની ખુબીઓ જાણી રાજી થાય છે. સુબીર એમને કહે છે કે હવે તેઓ બન્ને સાથે જ ગાશે. આ સાંભળી રાય સાહેબ અન્ય મહેમાનને કહે છે ‘‘ઇતની બડી ભૂલ સુબીર ન કરે તો અચ્છા હૈ.’’ મહેમાન ‘‘કૈસી ભૂલ સર ? ’’ રાય સાહેબ ‘‘યે એક સાથ ગાને કી. મહેમાન ‘‘ક્યોં ?’’ રાય સાહેબ ‘‘તુમ નહીં સમજે ? સુબીર સે ઉમા જ્યાદા પ્રતિભાશાલી હૈ. ઔર ઇતિહાસને શીખાયા હૈ કી પુરૂષ નારી સે શ્રેષ્ઠ હૈ. ઔર જબ ઉસકી પત્ની ઉસ સે આગે બઢ જાયે તો વો બરદાસ્ત કર શકેગા ? રાય સાહેબના ચહેરા પર અકળ ચિંતાના ભાવ અંકાય છે.

સુબીર-ઉમાના સુખી દાંપત્યના દિવસો પસાર થતા રહે છે. ઉમા સગર્ભા થાય છે. એક પ્રોડ્યુસર માત્ર ઉમાના સોલો ગીત માટે આવે છે. ઉમા ઇન્કાર કરે છે. સુબીર એને એકલી ગાવા સમજાવે છે. ઉમા કમને એ ગીત ગાય છે. ઉમાની ખ્યાતી વધતી જાય છે. ઘરમાં ઍવોડરેની ટ્રોફીઓની લાઇન લાગે છે. ઉમાની લોકપ્રિયતા સુબીરની લોકપ્રિયતાને અતિક્રમી જાય છે. સુબીર અકળાઇ જાય છે. એના રોજીંદા અંગત જીવનની આદતોમાં ફેરફાર થતો જાય છે. ઉમા ન ગાવાનો નિર્ણય કરે છે. ચંદ્રુ ઉમા ન ગાય

એના માટે એના ભાવ વધારી દે છે. પ્રોડ્યુસરો વધેલા ભાવ આપવા તૈયાર થાય છે. સુબીર ધુંધવાય છે. એ પણ એના ભાવ વધારવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. આ નિષ્ફળતા એને પચતી નથી. એ રેકોડર્ીંગ પર જવાને બદલે ચિત્રાના ઘરે પહોંચી ત્યાં શરાબમાં ડૂબી જાય છે. એને ફરી એકલતાનો અહેસાસ થાય છે. એ કહે છે : કૌન કમબખ્ત બરદાસ્ત કરને કે લીયે પીતા હૈ. મૈં તો ઇસ લીયે પીતા હું કી હોશ મેં ન રહું.’’

રેકોડર્ીંગ પર સતત ન પહોંચવા બદલ ચંદ્રુ અને સુબીર વચ્ચે વિવાદ થાય છે. પોતાનું અપમાન થતાં ચંદ્રુ સુબીરને છોડી જાય છે. સુબીર ગાવાને બદલે ચિત્રાના ઘરે જ શરાબમાં ચકચુર થઇ પડ્યો પાથર્યો રહે છે. ઉમા એને ઘરે તેડવા આવે છે. ઘરે પહોંચતાં સુબીર ઉમા સાથે ઝગડે છે. આઘાત પામેલી ઉમા એને કહ્યા વિના પિયર ચાલી જાય છે. ચંદ્રુ અને ઉમા વિના સુબીર તદ્દન એકલો પડી જાય છે. ઉમા અને ચંદ્રુ વચ્ચે પત્ર વહેવાર રહે છે. એક પત્રમાં ઉમા ચંદ્રુને જણાવે છે કે એ સગર્ભા છે. ખુશીનો માર્યો ચંદ્રુ તરત સુબીર પાસે જાય છે. એને ખુશખબર આપે છે કે એ પિતા બનવાનો છે. સુબીરને ગામડે જઇ ઉમાને મળવા કહે છે. જીદ્દી સુબીર માનતો નથી. ચંદ્રુ ઉમાને મળવા ગામડે જાય છે. ઉમા ધીરે ધીરે નિરાશ થતી જાય છે. આઘાતમાં ઊંડે ઉતરતી જાય છે. ઉમાનું બાળક જન્મતાં જ મરણ પામે છે. ઉમા મૂઢ થઇ જાય છે. માસી ચંદ્રુને પત્ર લખી ઉમાની હાલત જણાવે છે. ચંદ્રુ ફરીથી સુબીરને ઉમા પાસે જવા સમજાવે છે. એ નિષ્ફળ જાય છે. સુબીરના વર્તનથી નારાજ થયેલી માસી ગામડેથી આવીને સુબીરને ધમકાવે છે. એ સુબીરના ઘરનું પાણી પણ પીધા વિના ચાલી જાય છે.

ઉમાના પિતા સદાનંદ ઉમાને સાજી કરવા ફરી સંગીતનો સહારો લેવાનો પ્રયત્ન કરે છે. એમને નિષ્ફળતા મળે છે. સુબીર ગામડે આવીને ઉમાની હાલત જુએ છે. પથ્થર થઇ ગયેલી ઉમાની એ માફી માગે છે. એ ઉમાને શહેરમાં લઇ આવે છે. અહીં સાઇકીયાટ્રીસ્ટ પાસે ઇલાજ કરાવે છે. ડૉકટરનું નિદાન છે કે ઉમા એની જૂની યાદોથી દૂર રહેવા માગે છે. સુબીર અને ચંદ્રુના પ્રયત્નો છતાં ઉમા પથ્થર જ રહે છે. સુબીર રાય સાહેબને મળે છે. રાય સાહેબ કહે છે કે આ સમસ્યાનો ઉકેલ સંગીત છે. કારણ કે સમસ્યાનું મૂળ પણ સંગીત છે. જો સુબીર ફરી ગાવાનું શરૂ કરે તો કદાચ કશુંક થાય. રાય સાહેબ એક કાર્યક્રમમાં સુબીરને ગાવા આમંત્રે છે. સ્ટેજની વીંગમાં ઉમા બેઠી છે. સુબીર ગાવાનું શરૂ કરે છે. ઉમાનો ડૂમો ધીરે ધીરે ઓગળે છે. એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડે છે. રાય સાહેબ સમય પારખીને ઉમાને ગાવા આમંત્રે છે. સુબીર-ઉમા બન્ને સાથે ગાય છે. શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લે છે. સુબીર-ઉમાનું નવું જીવન ફરી શરૂ થાય છે.

ગીતો આ ફિલ્મના બધા જ ગીતો મધુર અને અર્થપૂર્ણ છે. બધા જ ગીતોના શબ્દો ફિલ્મની કથા અને પ્રસંગોના વળાંકો સાથે પાત્રોના મનોજગતને તાદૃશ કરે છે. ભાગ્યે જ કોઇ ફિલ્મમાં આટલા બંધબેસતા ગીતો હશે. એસ.ડી. બર્મને એમાં જાન રેડી દીધી છે. આ ફિલ્મમાં એસ.ડી. બર્મને સુબીરના એક જ પાત્ર માટે કિશોર કુમાર-મનહર ઉધાસ-મહંમદ રફી અને સુનીલ કુમાર પાસેથી ગીતો ગવડાવ્યા છે. આ એક અનોખો પ્રયોગ કહેવાય.

*મીત ના મીલા રે મન કા (કિશોર કુમાર) : આ ગીત સ્ટેજ પર ગવાયું છે. આ ગીતના હાર્દમાં એકલતાથી ઝૂરતા હૃદયની વાત છે. ગીતની એક કડી છે : શામ હી સે પ્રેમ દિપક મૈં જલાઉં. સાંજ પડે અને મનુષ્ય હુંફ અને પ્રેમ માટે ઝંખે. સુરેશ દલાલની એક પંક્તિ છે ‘‘સાંજ પડે ને શું યે થાતું, હૈયું ખાલી ખાલી.’’ એકલતાના ઝૂરાપા જેવા ગીતને એકોડર્ીયન અને સેક્સોફોન રમતીયાળ બનાવે છે.

*શીવ વંદના (અનુરાધા પૌડવાલ) : ફિલ્મના બેકગ્રાઉન્ડમાં આ શીવ વંદના ગવાય છે.

*નદીયા કિનારે ઘીર આયે (લતા) : નાયિકા દ્વારા ગવાયેલું આ ગીત કુદરતના વાતાવરણમાં નીખરી ઊઠે છે. વહેતી નદી સાથે સંગીતના સૂરો અને શબ્દો એક અનોખું વાતાવરણ સજર્ે છે.

*તેરી બિંદીયા રે...(લતા-રફી) : આ એક સુંદર યુગલ ગીત છે. બિંદીયા-ઝૂમકા અને કંગના દ્વારા લગ્ન જીવનના પ્રેમની વાત કહેવાઇ છે. છેલ્લી કડીમાં છૂટે ના તેરા અંગના દ્વારા પરિણીત સ્ત્રીના સમર્પણની વાત વણાઇ છે.

*તેરે મેરે મીલન કી યે રૈના (કિશોર-લતા) : આ સુખી દાંપત્યનું ગીત છે. ફિલ્મનું આ અગત્યનું ગીત છે, જે ફિલ્મમાં વહેતું જ રહે છે. લગ્ન જીવનના સુખી ફળોની ઇચ્છાનું આ ગીત છે.

*તેરે મેરે મીલન કી યે રૈના (સુનીલ કુમાર) : આ ગીતની કડીઓ માત્ર પિયાનો પર જ ગવાઇ છે.

*લુટે કોઇ મન કા નગર બન કે મેરા સાથી (લતા-મનહર) : સુખી દાંપત્યના પ્રતિબીંબનું આ ગીત છે. આ ગીતમાં સંતુરના તાર મનને રણઝણાવી દે છે.

*અબ તો હૈ તુમ સે હર ખુશી અપની (લતા) : પતિની જીદથી લાચાર સ્ત્રીની વ્યથા આ ગીતમાં વ્યક્ત થાય છે. આ ગીતમાં પણ સંતુરનો સુંદર ઉપયોગ થયો છે.

*પીયા બીના પીયા બીના બાંસીયાં (લતા) : વાંસળીના સૂરોમાં સજાયેલું આ ગીત જાણે વીરહીણીનું ગીત છે.

*સુન મેરે બંધુ રે (એસ.ડી. બર્મન) : આ ગીત ફિલ્મના બેકગ્રાઉન્ડમાં મૂકાયું છે.

*તેરે મેરે મીલન કી યે રૈના (લતા-કિશોર) : ફિલ્મને અંતે આવતું આ યુગલ ગીત આંખમાં આંસુઓ છલકાવી જાય એવું છે.

દિગ્દર્શન : હૃષીકેશ મુખર્જીનું દિગ્દર્શન હોય એટલે ફિલ્મ જેટલી કલાકારની એનાથી વધુ દિગ્દર્શકની. એમણે બધા જ કલાકારો પાસે ધાર્યો અભિનય કરાવ્યો છે. એમના કથા સાથે વહેતા દૃશ્યોની વાત કરીએ. સુબીરને વિખ્યાત દર્શાવવા ફિલ્મફેર મેગેઝીનના કવર પેજ પર એનો ફોટો દર્શાવ્યો છે. એના ઘરમાં એવોડરેની ટ્રોફીઓની વણઝાર બતાવી છે. એના ફેનના પત્રો દર્શાવ્યા છે. ઓટોગ્રાફ માટેની પડાપડી બતાવી છે. એનું ગીત ઠેર ઠેર વાગતું બતાવ્યું છે. ઉમાની ગાયકીની ઉચ્ચ કક્ષા બતાવવા તેરી બિંદીયા રે ગીતમાં કૅમેરાની મદદથી એની ઉચ્ચતા દર્શાવી છે. સુબીરના હૃદયની જલન બતાવવા સળગતા લાઇટરનો ઉપયોગ કર્યો છે.

અભિનયમાં બધા જ પાત્રોનો સંયમીત અભિનય ફિલ્મને એક અલગ જ પરિમાણ બક્ષે છે. બિંદુ જેવી ગ્લેમરસ અભિનેત્રી પાસેથી પણ અત્યંત સંયમીત કામ લેવાયું છે. આ ફિલ્મમાં જયાનો અભિનય પણ ફિલ્મની કથાની જેમ અમિતાભના અભિનયને અતિક્રમી જાય છે.

દાંપત્યના પાયા પર રચાયેલી, કોઇ પણ જાતની અતિશયોક્તિ અને આડંબર વિનાની આ ફિલ્મ હૃદયસ્પર્શી છે. એટલે જ આજે પણ દર્શકો આ ફિલ્મ વિસર્યા નથી.

-કિશોર શાહ

kishorshah9999@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED