Ek patangiyane pankho aavi - 21 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 21

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 21

વ્રજેશ દવે “વેદ”

સૌ લોકો ભક્તિ ભાવે નગ્ન ટોળાને નમન કરતું રહ્યું. નગ્નતાને પણ નમન !

શું નગ્નતા પણ પવિત્ર હશે? વિચારવા લાગ્યા બે કુમળા મન.

ટ્રેનની સિટી વાગી. ફટાફટ ચડી ગયા. ટ્રેન ચાલવા લાગી. હજુ તો ટ્રેને પ્લેટફોર્મ પણ પૂરેપુરું છોડ્યું ન હતું ત્યાં તો સામેની સીટ પર એક ભિખારી બેસી ગયો.

લગભગ 25 વર્ષની ઉંમરનો હશે. મોઢા પર ક્યાંય ગરીબીની અસર નહોતી દેખાતી. આછી પણ કાળી દાઢી. ગોરો વાન. છએક ફૂટની હાઇટ હશે. દેખાવે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. શરીર પણ મજબૂત અને સ્ફૂર્તિલું લાગતું હતું.

નીરજા અને વ્યોમાએ તેની તરફ એક ઊડતી નજર નાંખી. તેને આ માણસ શંકાસ્પદ લાગ્યો. કોઈ રીતે આ માણસ ભિખારી ન હોવો જોઈએ, એવું બન્ને દ્રઢપણે માનવા લાગી.

તે નીરજા અને વ્યોમાને જોઈ રહ્યો હતો. એકધારો, સતત જોઈ રહ્યો હતો. વ્યોમાએ નજર હટાવી લીધી. નીરજાએ તેની આંખમાં આંખ નાંખી સામી નજર કરી. તેની આંખમાં કોઈ ભયાનક ભાવો હતા. કદાચ તે નીરજા તરફ ભય પ્રસરાવવા માંગતો હતો. પણ નીરજા તેનાથી જરા પણ ડરી નહીં. નીરજાની આંખો નિર્ભય હતી. કદાચ તેને જોઈને પેલો ભિખારી વિચલિત થઈ ગયો હોય.

તેનું મિશન નીરજાને ભયભીત કરવાનું હશે કે, કેમ તે નક્કી ના કરી શકી, નીરજા. પરંતુ, તે જાગૃત થઈ ગઈ. આ માણસ પર સતત નજર રાખવી પડશે.

કદાચ આવનારા સ્ટેશન પર તે ઉતરી પણ જાય. તે ટિકિટ કે રિઝર્વેશન વિના જ ચડ્યો હશે. કંપાર્ટમેંટના અન્ય પ્રવાસીઓને પણ તેનું આમ બેસવું ન ગમ્યું. પણ કોઈ કશું ના બોલ્યા. સૌ મનોમન ધૂંધવાઈને રહી ગયા.

નીરજાથી એ સહેવાયું નહીં,” મિસ્ટર, આપકા સીટ નંબર કૌનસા હૈ?“નિર્ભિક રીતે નીરજાએ તેને સવાલ કર્યો.

“મેરા?”

“હાં, આપકા.”

“મેરા કોઈ સીટ નંબર નહીં હૈ.”

“તો ફીર આપ યહાં ક્યાં કર રહે હૈ?” વ્યોમાએ પણ હિમ્મત બતાવી.

“ભીખ માંગના કામ હૈ મેરા. ભીખ દે દો. ફીર કહીં ઓર ચલા જાઉંગા.”

“ભીખ? આપકો શરમ નહીં આતી, ભીખ માંગને પર?” વ્યોમા આક્રમક મૂડમાં આવી ગઈ.

“નો. નોટ એટ ઓલ.”

“ક્યોં? ઇતને હટે કટટે હો. કુછ મહેનત મજદૂરી કર સકતે હો. તો ફીર ભીખ કયું માંગ રહે હો.” નીરજાએ દલીલ કરી.

“મેડમજી, યદિ સમાજ ઔર સરકારકો શરમ નહીં આતી, તો ફીર મુઝે કૈસે આએગી.’

“આપકા મતલબ ક્યા હૈ?’

“I am an engineer with MBA. But where is the job? ઇતના પઢ -લીખને કે બાદ ભી નૌકરી ના મિલે તો આપ ક્યા કરતી?”

“ભીખ તો કભી નહીં માંગતી.”

“શાદી કર લેતી. કિસિકે માથે ડાલ દેતી અપની જિમ્મેદારીયાં. પર મૈં પુરુષ હું. મુઝે પૈસા કમાના હોગા, મેરે પરિવારકે લિયે. કિસી ભી તરીકે સે. ચાહે વહ ભીખ હી ક્યોં ના હો.”

“પર યહ ઠીક ..”

“સબ કુછ ઠીક હી હોતા હૈ. આપ ચાહતી હૈ કી મૈં ચોરી ડકૈતી કરું? યા ગુંડા, મવાલી, નેતા ય સાધુ બન જાઉં?”

“નહીં, નહીં, પર...”

“ઇસસે તો ભીખ હી અચ્છી. આપ કિતના દોગી મુઝે, મેરી ભીખ?”

“મૈ તો કુછ ભી નહીં દુંગી. મહેનત કરો ઔર કમાઓ.” નીરજાએ સ્પષ્ટ વાત કરી.

“ઠીક હૈ. નૌકરી દોગી આપ મુઝે? મૈં કામ કરને કો તૈયાર હું.”

“મૈં... મૈં .. તો..”

“મેડમ, ઉપદેશ દેના આસાન હૈ. યહાં વારાણસીમમેં તો સેંકડો સાધુ સંત ઉપદેશ દેતે હૈ. રોજ-રોજ, સુબહ-શામ. આપ ભી યહી કર રહી હો. ઉપદેશ નહીં, નૌકરી દો મુઝે. યા ફીર ભીખ દે દો. મૈં ચલા જાઉંગા.”

ભિખારીને ટાળવા સાથી યાત્રીઓએ યથા શક્તિ ભીખ આપવા માંડી. નીરજા અને વ્યોમાએ કશું જ ન આપ્યું.

બંને તરફ એક તીખી –તિવ્ર નજર કરી તે ચાલ્યો ગયો. તેને જતાં જોઈ રહી બંને.

નીરજાએ નોંધ્યું કે તેની ચાલમાં ગજબની સ્ફૂર્તિ હતી. તે ખૂબ જ ઝડપથી ચાલતો હતો. તેની ચાલમાં તરવરાટ પણ હતો. જો આ માણસ ગરીબ હોય, તો તેનું શરીર આટલું સ્વસ્થ અને ચપળ કેમ હોઇ શકે?

તો શું ભીખમાં તેને એટલી બધી રકમ મળતી હશે કે તેનાથી તે સારું ભોજન લઈ શકે?

આ માણસે ધાર્યું હોત તો અનેક સાધુ બાબાઓની જેમ કોઈ સાધુઓની જોડે જોડાઈ ગયો હોત. ત્યાં પણ તેને ખાવા પીવામાં કોઈ તકલીફ ન પડત. સાધુ હોવાનો ઢોંગ રચી, ખૂબ પૈસા કમાઈ શક્યો હોત. કેટલાય ચેલાઓ બનાવી શક્યો હોત.

ભણેલો છે આ માણસ. હિન્દી તો સારું બોલી જાણે છે, પણ અંગ્રેજી પણ સ્પષ્ટ અને સાચું બોલતો હતો. ધારે તો મોટો ગુરુ બની શકે. અનેક અમીરોને ચેલા બનાવી, ફસાવી શકે. ભવ્ય આશ્રમો બનાવી શકે.

પણ.. પણ.. તેને બદલે તેણે ભીખ માંગવાનુ જ કેમ સ્વીકાર્યું? દરેક ક્ષણે અપમાનની પૂરેપુરી સંભાવના હોય છે, ભીખ માંગવામાં. તો બીજી બાજુ ઢોંગી સાધુ બનીને, સતત ખોટા માન અને સમ્માન મળતા હોય છે. સાધુ બનવું આ ભૂમિમાં સહજ છે. પણ આ માણસ કેમ સાધુત્વનો ગેરલાભ ઉઠાવતો નથી? કેમ પળેપળ અપમાન સહીને પણ ભીખ જ માંગે છે? કશુંક તો ખાસ છે આ માણસમાં.

“ના. આ માણસ દેખાય છે તેવો નથી. તને શું લાગે છે, નીરજા?” વ્યોમાએ વાતનો પ્રારંભ કરી દીધો.

“હા, વ્યોમા. આ માણસ જરા ભેદી લાગે છે. જરા સાવચેત રહેવું પડશે.“નીરજાએ વ્યોમાને સજાગ કરી.

“પણ, હવે તો તે જતો રહ્યો છે. કદાચ કોઈ સ્ટેશને ઉતરી પણ જાય. ફરી આપણને જોવા ના પણ મળે.” વ્યોમાએ ચિંતાના વાદળો હટાવવા પ્રયાસ કર્યો.

મુગલસરાઈ સ્ટેશન પર ગાડી આવી પહોંચી. સ્ટેશન પર બંને નજર કરવા લાગ્યા. રાબેતા મુજબ જ ભીડ હતી. લોકો હતા. ચા નાસ્તાની લારીઓ હતી, છાપાઓ અને પુસ્તકોની પણ. બધા સ્ટેશન પર હોય છે તેવું જ અહીં પણ હતું.

સ્ટેશનથી નજર ધરાઇ ગઈ. બસ એમ જ બારી બહાર નજર ફરતી રહી.

પેલો ભિખારી દૂરથી આવતો દેખાયો. નીરજાની નજરે તેનો પીછો કર્યો. તે નજીક આવવા લાગ્યો. નીરજાની બારી પાસે આવી ગયો. તે એકાદ ક્ષણ ઊભો રહ્યો. તેણે નીરજાને ધારી ધારીને જોયા કર્યું. નીરજા પણ તેને જોઈ રહી હતી. તે હજુ પણ નીરજાને ડરાવવા માંગતો હોય તેમ જોઈ રહ્યો. 35 થી 40 સેકંડ્સ માટે બંનેની નજરે એક્બીજા પર ત્રાટક કર્યું.

ટ્રેન ચાલવા લાગી. નજારોનું ત્રાટક તૂટ્યું. ભિખારીની નજરમાં હજુ પણ ભયાવહ ભાવ હતા. નીરજાએ તેને અવગણ્યા. ટ્રેન પ્લેટફોર્મ છોડી આગળ વધી ગઈ. નીરજા પણ. વ્યોમા પણ.

ટ્રેન બહાર સરકતા રહ્યા રસ્તાઓ, ગામો, લોકો, ખેતરો, ઝાડો, અને ટ્રેનની અંદર સમયની પળો. વ્યોમા અને નીરજા માણતા રહ્યા આ બધું.

બપોરની હવા જામી. જમીને ઊંઘી જવાની યોજના બનાવી લીધી. વ્યોમા ઉપરની બર્થ પર ચડવા જ જતી હતી ત્યાં ટ્રેન રોકાઈ ગઈ. સ્ટેશનનું નામ વાંચ્યું.- ‘બરૌની’ .

ટ્રેન પ્લેટફોર્મ છોડી દે પછી જ ઊંઘવાના ઇરાદે, વ્યોમા નીરજાની બાજુમાં બેસી ગઈ.

બારી બહાર એ જ સ્ટેશન અને તેના રૂપને જોવા લાગ્યા. હવે તેઓ આ રૂપથી પૂરેપૂરા પરિચિત થઈ ગયા હતા. ખાસ કાંઇ નવું નહોતું. બધા જ સ્ટેશન સરખા જ. હવે સ્ટેશન પરત્વે જાગેલો વિસ્મયનો ભાવ ઊડી ગયો હતો. છતાં ત્યાં નજર કરવી ગમતી હતી.

રાબેતા મુજબ જ કેટલાક મુસાફરો ઉતરી ગયા. કેટલાક નવા ચડી પણ ગયા.

પણ... આ માણસ.. ફરી અહીં...? હા. પેલો ભિખારી. ફરી દેખાયો બરૌની સ્ટેશન પર. ફરીને તે નીરજાની બારી પાસે આવવા લાગ્યો.

આવી ઊભો. એ જ ભયાવહ નજરથી જોવા લાગ્યો. ફરી ભય પમાડવાનો ઇરાદો હોય તેમ જોવા લાગ્યો.

નીરજા ફરી ભય ના પામી. પણ એટલું જરૂર પામી ગઈ કે આ માણસ તેને નિશાન બનાવવા માંગે છે. જરૂર તે કોઈ રમત રમી રહ્યો છે. સવારે વારાણસીથી ચડેલો ભિખારી છેક બરૌની સુધી સાથે સાથે આવ્યો છે.

સામાન્ય રીતે ભિખારીઓ ટ્રેનમાં ઝાઝો સમય યાત્રા નથી કરતાં હોતા. પોતાના એરિયાને પણ છોડતા નથી હોતા. એક સ્ટેશનથી ચડીને, બીજા સ્ટેશન પર ઉતરી જાય. ફરી કોઈ બીજી ટ્રેન પકડી પોતાના એરિયા તરફ ચાલ્યા જાય.

પણ આ માણસ સાત આઠ કલાકથી આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. એનો અર્થ એ, કે તે કોઈ પણ રીતે ભિખારી તો નથી જ.

આ માણસ કોઈક રહસ્ય સાથે લઈને ચાલી રહ્યો છે. નીરજાએ તેને ધ્યાનથી જોવા માંડ્યુ. પેલાની નજરથી જરા પણ વિચલિત થયા વગર, તેણે તેનું નિરીક્ષણ કરવા માંડ્યુ. તેની નજર તેના હાથ પર બાંધેલ ઘડિયાળ પર ગઈ. તે ઘડિયાળની આકૃતિ નીરજાએ મનમાં પાકી કરી લીધી.

બીજી નજરમાં તેણે તેના પગના બૂટને જોઈ લીધા. સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. તે મોંઘી બ્રાંડના હતા. નીરજાએ તે પણ નોંધ્યું. તેનો શક પાકા વિશ્વાસમાં બદલાઈ ગયો કે આ માણસ ભિખારી નથી જ.

તેણે ફરી તેના ચહેરા પર નજર કરી. ત્યાં હજુ પણ કડકાઇ હતી. તે હજુ પણ નીરજાને તાકી રહ્યો હતો. નીરજા હજુ પણ સ્વસ્થ હતી. તેને પોતાના આત્મવિશ્વાસ પર પૂરો ભરોસો હતો. ન ધારેલી કોઈ પણ ક્ષણ આવે, તો પણ તેને પહોંચી વળવા માટે કરાટેની વિદ્યા પર પણ વિશ્વાસ હતો. વ્યોમા પણ કરાટેમાં એટલી જ ચપળ અને માહિર હતી. બન્નેને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો.

બંને નીડર પણ સાવચેત થઈ ગયા. પણ ભિખારી એટલો સાવચેત ન લાગ્યો. નીરજાને ડરાવવાની નજરમાં એ ચૂકી ગયો કે નીરજાની નજરે તેને ધ્યાનથી જોઈ લીધો છે. તેની ઘડિયાળ અને બૂટ, નીરજાની નજરમાં કેદ થઈ ગયા છે.

ટ્રેન ચાલવા લાગી. બરૌની સ્ટેશન પાછળ છૂટી ગયું. પણ ભિખારી પાછળ રહી ગયો હોય તેવું બંનેમાંથી કોઈએ સ્વીકાર્યું નહીં.

બંનેને સમજાઈ ગયું કે એ ભિખારી તો નથી જ. વધુમાં તે નીરજાને એવી નજરથી જોઈ રહ્યો છે, કે કદાચ તે નીરજાને કોઈ નુકશાન પહોંચાડવાનો ઇરાદો ધરાવતો હોય. વ્યોમાને પણ, કદાચ.

ગમે તે હોય પણ આ માણસનો ઇરાદો ઠીક નથી. હવે નિશ્ચિંત થઈને સૂઈ નહીં જવાય. વારાફરતી જાગવું પડશે. વ્યોમાને ઊંઘી જવા દઈ નીરજા જાગતી રહી.

“કોઈ પણ સ્થિતિ આવે, તેનો મક્કમ સામનો કરીશું.“ કહી વ્યોમા ઊંઘી ગઈ. નીરજા સાવધ બની જાગતી રહી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED