પ્રિત જન્મો જનમની--2 dr Irfan Sathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત જન્મો જનમની--2

પ્રિત જનમો જનમની...2

આજે સોમવાર હોવાથી અક્સા બીચ પર નિરવ શાંતિ હતી. ઠેરઠેર વિખેરાયેલા વેફરના રેપર અને ફૂડ પેકેટના એલ્યુમિનિમ ફોઇલ ગઇકાલની હકડેઠઠ ભીડ અને માનવમેળાની ચાડી ખાતા હતાં. માધવ તમારા માથાના સફેદ વાળમાં બિનઅનુભવી કહેવા માટે એકપણ કાળો વાળ વધ્યો નહોતો. સિત્તેર વર્ષની જિંદગીના અનુભવનો ભાર તમારા ચહેરા પર કરચલી બની અંકિત થઇ ગયો હતો. મોતિયા કઢાવીને નવીન દ્રષ્ટિ પામેલી તમારી આંખો રેતીમાં મહેલ અને કિલ્લા બનાવી રહેલા નાનકડા અક્ષયની ચોકીદારી કરતી આજુબાજુ ગોચર કરતી હતી. થોડી થોડીવારે ફુગ્ગાવાળો છોકરાવનું મન લલચાવવા લટાર મારતો હતો. બીચ પર બે-ચાર ફુગ્ગાવાળા અને એક-બે ચણાચોર ગરમ વાળા સિવાય બે-ચાર સહેલાણીઓ જ નજરે ચઢતા હતા. માધવ તમે આ હવાઓથી પ્રફુલ્લિત થઇ ભરપુર શ્વસી લેવા માંગતા હતા. નાનકડા અક્ષયનાં રેતીના નાનકડા મહેલની દુર પેલે પાર તમારી નજર સ્થિર થઇ. એક નાનકડી ઢીંગલી ભેંકડા તાણીને મોટેથી રડતી હતી. નાના નાના ડગલા ભરતી ભીની રેતી તરફ જતી અને એક પ્રોઢ મહિલા છોકરીને ખેંચી લાવતી. ત્રણ ચાર વખત આવું થયું. ઢીંગલી માની જ નહિ અને વધુ મોટેથી ઘાંટા પાડીને રડવા લાગી. ઘુંટણ અને કમરને માંડ વાળી શકતી પ્રોઢ મહિલા લાચાર ચહેરે દુર પાર્કિંગ તરફ નજર નાંખતી અને બાળકીને સમજાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી હતી. માધવ તમે ભલે ઘરડા થયા હતા પણ તમારી અંદરનો આર્મીમેન ક્યારેય રાટાયર્ડ થયો નહોતો. તમારાથી દુર બેઠેલી મહિલાની વિવસતા જોઇ શકાઇ નહિ. તમે નાની ઢીંગલીને કંપની અપાવવા અક્ષયની નાનકડી આંગળી પકડી બે ફુગ્ગા લઇ એ મહિલા તરફ ચાલવા લાગ્યા હતા. તમને લાગ્યુ હતું કે બાળકી કોઇક વસ્તુ માટે જીદ કરે છે અને મહિલા ચાલી શકવા માટે અક્ષમ હશે અથવા પૈસાથી લાચાર હશે એટલે બાળકીની જીદ પુરી નહિ કરી શકતી હોય.

ઢળતી ઉમરે ,અડધા આયખા પછી તમારા કદમોએ આજે એક અજીબ તરવરાટ બતાવ્યો હતો જેનું તમારા અર્ધજાગ્રુત મનમાં અચરજ હતું જ. એક નવિન સ્ફુર્તીલી ચાલ સાથે તમે એ મહિલા તરફ વધતા ગયા.

"બેટા, તારી મમ્મી આવી જાય પછી લઇ જશે.પાણી અંહી જ છે.મને પાણીથી બહુ બીક લાગે છે"

આ શબ્દો તમારા કાનનાં પડદે અથડાતા જ તમારું રૂધિરાભિશ્રણ અચાનક વેગીલુ થઇ ગયું. પગ ત્યાં જ થંભી ગયા. છાતીમાં જાણે ધમણ પંપ મુકાઇ ગયો હતો. જીભ લકવો મારે તેના પહેલા તમારો ભારેભરખમ હાથ એ પીઠ ફેરવીને શ્વેત વસ્ત્ર ધારણ કરેલી મહિલાના ખભા ઉપર પડ્યો..

"રમવાદે ફલુ, હું છું ને?

અચાનક ખભા પર સ્પર્શ અનુભવતા જ મહિલાની આંખો સામેથી ઘુઘવતા દરિયાના નીર ઓટ બનીને પાછા વળવા લાગ્યા. અને જાણે એક પલમાં તો દરિયો વહેતી નદીમાં તબદીલ થઇ ગયો. દુર દેખાતા મોટા જહાંજો શઢ વાળી હોડીમાં રૂપાંતરિત થઇ ગયા. આમથી તેમ સતત લટાર મારતા રેસ્કયૂ કોસ્ટ ગાર્ડની જગ્યાએ તરાપાવાળા નજરે ચઢવા લાગ્યા.અને લાઇફ જેકેટની જગ્યાએ મોટરકારની ટયૂબો ટીંગાળેલી દેખાવા લાગી. મહિલાના ધ્રુજતા હાથો વડે પકડાયેલા મોબાઇલમાં વાગેલુ વૉટ્સએપ નોટિફીકેશન સાયકલની ઘંટડી વગાડતા જઇને આવેલા ટપાલીમાં ફેરવાય ગયું. ખભા ઉપર મુકાયેલા તમારા હાથની ઉપર જ પોતાનો હાથ મુકીને પાછળ વળ્યા વગર જ મહિલા બોલી ઉઠી..

"માધવ તમે?..!"

અને પાછળ વળીને તમારી સામે જોયું માધવ.આખા એક જમાનાનો ભાર તે મહિલાના ચહેરા પર સમેટાઇને કરચલીઓ બનીને અંકિત થઇ ગયો હતો. તેના ગળામાં ડુમો બાઝી ગયો હતો. માધવ તમારી આંખોના કુત્રિમ પરદાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં. તમારી ધુંધળી દ્રષ્ટી વાળી બની ગયેલી આંખો અને ફલુની બોલી ન શકતી જીભને કારણે તમારા બન્નેના શરીર વચ્ચેનું પચ્ચીસ મિલિમીટરનું અંતર પચાસ વર્ષનું બની ગયુ હતું. નાનકડી બાળકીએ તાણેલા ભેકડાનાં કારણે ધુંધળુ જોતી તમારી આંખોની શરમ તોડી જીભ બોલી ઉઠી હતી.

"ફાલ્ગુની..મને ખબર છે તને પાણીથી બહુ ડર લાગે છે. પણ હું છું ને.. રમવાદે બાળકીને."

"હા, માધવ તમે છો તો મને કોઇ જ ડર નથી" કહેતા જઇને ફાલ્ગુનીએ બાળકીનો હાથ છોડી દીધો. કિલ્લોલ કરતી જઇને બાળકી ભીની રેતીમાં પંહોચી ગઇ. નાત-જાતની સમજણ વગરના બાળકોને એકબીજામાં ભળતા વાર ના લાગી. અને બન્ને બાળકો ભેગા મળીને રેતીમાં મહેલ બનાવવા લાગી ગયા. તેમને નીરખતા જઇને માધવ તમે સિત્તેર વર્ષનાં નાના બાળક બનીને ફલુનો હાથ થામીને એ રેતીના મહેલમાં વિહરવા લાગ્યા.તમારી આંખોમાંથી અશ્રુઓની ભરતી ઓસરવા લાગતા તમને ફાલ્ગુનીનો ચહેરો સ્પષ્ઠ દેખાવા લાગ્યો હતો. ફાલ્ગુનીનાં ધોળા વાળમાં નામ માત્ર કાળા વાળ જોઇને તમે ટીખળ કરી જ લીધી માધવ.

"હજુ પણ હું તારામાં છું જ ફલુ.." ફાલ્ગુનીના સફેદ ચાંદી જેવા ઉડતા વાળને તમે ભુતકાળની સાધના કટ વાળી ફલુની લટો સવારતા હોય તેમ તમે બોલ્યા.

"તમે હંમેશા મારામાં હતાં, છો અને હંમેશા રહેશો. આ ધોળા વાળની શું વીસાત? એ તો ડાઇ લગાવીને પણ ફરી કાળુ આવરણ ધારણ કરી શકે છે. પણ આ મારું શરીર નિસ્ચેતન થઇ જાય અને અગ્નિદાહ પામીને, અસ્થિની એક એક પેશી અને રાખના એક એક કણને પણ પૂછશો તો દરેક કણ બોલી ઉઠશે કે "એનામાં માધવનો જ વાસ છે"

પાંસઠ વર્ષની ફાલ્ગુનીનો તરડાતો અવાજ હવે વીસ વર્ષની ફલુનો તીણો મધુરો અવાજ બની ગયો હતો. અને તેની પાસે બેસેલા સફેદ ખમીશ-લેંઘાધારી માધવ તમે જાણે કે સફારી સુટ પહેરીને બેઠેલા ધર્મેન્દ્ર બની ગયા હતાં.

"પણ તમે તો...."પાણીમાં ડુબી ગયેલી ફાલ્ગુનીની સ્વરપેટી આટલું જ બોલી શકી. તેની આંખો સામે પચાસ વર્ષ પહેલાનું દ્રષ્ય ઉપસી આવ્યુ. રોજની જેમ તે દિવસે પણ સાબરમતીના કિનારે બંન્ને જણ બેઠા હતાં. દરરોજની જેમ ઉંડા પાણીથી ડરતી ફાલ્ગુની પાણીમાં ઉતરવા આનાકાની કરતી હતી. અને દરરોજની જેમ તેના માધવની "હું છું ને ફલુ"ની હિમ્મત પર નાવડીમાં બેસી ગઇ હતી. ચારઆનામાં સામે તટેથી પાછા ફેરવીને લાવતા નાવિકના હલેસાના અવાજ ખળખળ વહેતી નદીના નીરમાં ટકરાતા બિહામણો અવાજ સાંભળી આંખો બંધ કરીને ખડતલ માધવનો હાથ મજબુતીથી પકડી રાખતી. આવતા-જતાં "એ મગર આવ્યો" જેવી માધવની ટીખળ ચાલતી રહેતી. તે દિવસે પણ આંખો બંધ કરી ફાલ્ગુની તેના માધવનો હાથ પકડીને સપનામાં ખોવાયેલી નાવડીમાં બેઠી હતી. સામે તટેથી પાછા વળીને આવતા કિનારા પરથી પડાતી માધવના નામની બુમોએ ફાલ્ગુનીની આંખો ખોલી. કિનારા ઉપર રમેશ ટપાલી ઉભો હતો. તેને જોતા જ ફાલ્ગુનીને ધ્રાસ્કો પડ્યો હતો. અને તેને બન્ને હાથો વડે માધવનો હાથ વધુ મજબુતીથી પકડી લીધો હતો. કિનારે પહોંચતા જ ટપાલીએ તાર સંદેશ આપ્યો હતો."ચીને યુદ્ધ છેડી દીધું છે. તાત્કાલિક સેનામાં જોડાય જવાનો હુકમ છે".

ગળાડુબ પ્રેમી પંખીડાઓ માટે ટપાલી જાણે કે યમરાજ બનીને આવ્યો હતો. બે મહિના પછી લેવાનારા લગ્નને કોઇની નજર લાગી ગઇ હતી. તાર સંદેશો સાંભળીને ફાલ્ગુની શૂન્યમનસ્ક બની ગઇ હતી. કંઇ પણ બોલ્યા વગર માધવે સહી કરીને ટપાલીને રવાના કર્યો અને ભારતમાના સિપાહીએ ત્વરીત નિર્ણય લીધો. ફાલ્ગુનીનો હાથ પકડીને ત્યાં નદી કીનારે જ રાધાક્રુષણના મંદિર લઇ ગયો હતો. બહાર ઉભેલા ફેરિયા પાસેથી ફૂલહાર લીધો અને પોતાના ગળામાંથી ચાંદીની સાંકળ ઉતારીને ફાલ્ગુનીના ગળામાં પહેરાવી. તેની સેંથીમાં સિંદુર પુરીને કહ્યું હતું "ફલુ, ભગવાનની સાક્ષીએ આપણે સાત જનમ માટે પતિ-પત્ની બની ચૂક્યા છે. હું દેશ માટે લડીને બહુ જલદીથી તારી પાસે આવીશ. અને આ સાબરમતીના નીરની જેમ જ ખળખળ વહેતો આપણો સંસાર હશે" દ્રઢ નિશ્ચયી માધવને નિર્જીવ જેવી બની ગયેલી ફાલ્ગુની કોઇ જવાબ આપી શકી નહોતી. અને જતા માણસને રોકવાનું અપશુકન કરવાની હિમ્મત દર્શાવી શકી નહિ. બસ એ શૂન્યમનસ્ક ચહેરે સૈનિકોને લઇ જતી મોટરમાં દુર સુધી માધવનો અભિવાદન કરતો હાથ અદ્રશ્ય થતા જોઇ રહી હતી.

"હાં, હું...મને માફ કરી દે ફલુ. હું વચન પાળી શક્યો નહિ". માધવ તમારા ગંભીર અવાજે ફાલ્ગુનીની તંદ્રા તોડી. તંદ્રામાંથી અચાનક જાગેલી ફાલ્ગુની બોલી.

"પણ તમે એકવાર જાણ તો કરતા. હું આજીવન તમારી..." ફાલ્ગુનીના મોઢા પર હાથ મુકી તમે તેને આગળ બોલતા અટકાવી.

"ફલુ યૂદ્ધવિરામની જાહેરાય થઇ ચુકી હતી. એટલે મેં તરત જ તને પત્ર લખ્યો હતો કે દશ દિવસમાં જ તારો પતિ તારી પાસે હશે. પત્ર ટપાલીને આપીને અમે બીજી છાવણીનાં ઘાયલ સૈનિકોને ભેગા કરવામાં લાગી ગયા હતાં. પણ અચાનક આવી ગયેલા બર્ફીલા તોફાને અમારા રાહતકાર્યમાં અડચન નાંખી હતી. એટલે અમને અમારી છાવણીઓ તરફ પરત ફરવાનો આદેશ થયો. અમે છાવણી પર પહોંચ્યા તો છાવણીની જગ્યાએ મોટી મોટી હિમશીલાઓ હતી. અમે વધુ કંઇ સમજી શકીયે એના પહેલા એક ગુરખા સૈનિકે અમને "અંહી ભેખડો ધસી પડવાથી સો થી વધુ દટાય ગયા છે. અને તાત્કાલિક ત્યાંથી સ્થળાતંર કરવાની" સૂચના આપી. અમે તેનિ પાછળ દોરવાતા ગયા કેમ કે હિમાલયનો એ ભોમિયો હતો. હાડ થીજાવી નાંખતી ઠંડીમાં અમને પરસેવો છુટી ગયો. જ્યારે અમારા લમણે બંદુકો મુકાઇ ચૂકી હતી ત્યારે અમને અમારી સાથે મોટો ધોખો થયો હોવાનું ભાન થયં. અમે કંઇ સમજી શકીએ તેના પહેલા અમારા હાથોમા હાથકડી અને પગમા બેડીઓ લાગી ચૂકી હતી. એ અંધાર કોટડીઓમાં દિવસ કે રાતની કંઇ જ ખબર પડતી નહોતી. બસ તારી યાદો હતી કે જે મને જીવાડતી.અને તારા સપનાઓને સથવારે હું ઉંઘી જતો. કેટલા વર્ષનો સમયગાળો હતો એ અમને ખબર નહોતી. છેક ગયા વર્ષે સરકારી પ્રત્યારોપણમાં અમને ભારતને સોંપવામાં આવ્યા.ત્યારે ખબર પડી કે એ સદિયો જેવો લાંબો સમયગાળો પચાસ વરૂષનો હતો. ઘરવાળાઓને ફરીથી દુખી કરવાની અને તારી સામે આવવાની હિમ્મત હું કેળવી શક્યો નહિ. અને મેં અંહિ એક અનાથાશ્રમમાં જ નોકરી કરીને બાકીનું આયખું પુરુ કરવાનુ નક્કી કર્યું. " અચાનક ભારે થઇ રહેલા વાતાવરણને હળવુ કરવા તમે પ્રશ્ન કર્યો.

કેટલા બાળકો છે તારે? શું કરે છે તારો પતિ?"

પ્રશન સાંભળીને અચાનક ફાલ્ગુનીના અવાજમાં સખતાઇ આવી ગઇ.

"કેવો પતિ?તમારી સાથે જ હું તન અને મનથી વરી ચૂકી હતી. હું સતત વીસ વર્ષ એટલે કે પૂરા સાત હજાર દિવસ ટપાલીની તાર અને ટપાલ માટે રાહ જોતી રહી. અને ટપાલી કદી મારે આંગણે પધાર્યો જ નહિ. 1975માં સરકારે મરણોપરાંત પરમવીર ચક્રની જાહેરાત કરી હતી. અને ગામમાં શહિદ માધવના માનમાં માધવનું બાવળુ મુકાયુ. એ દિવસ મારા માટે કુઠારાઘાત સમાન હતો. સમયની થપાટો ખાયને હું નદીની જેમ વહેતી ગઇ. રોજ એ બાવલાને પગે લાગતી. ઘરના દરેક દબાણોને વશ થયા વગર લગ્ન માટે ધરાર ના કહેતી. અને સમય જતા ઉમરની પરતો ચઢતા મારા માટે લગ્નના દ્ધવાર પણ બંધ થઇ ગયા હતાં. બાવલાની દરરોજ બે પ્હોરની પૂજાએ મને ગામમાં માનસિક અસ્થિર ગણાવી દેવાઇ. ગામ પ્રગતિના પંથે હતું. વિકાસ માટે નડતર રુપ બાવલાને હટાવવાની માંગ પ્રબળ બનવા લાગી. મારાથી રોજ એ બાવલાનું અપમાન સહન ના થતા એક રાત્રે હું એ બાવલાને લઇને અંહી મુંબઇ આવી ગઇ હતી. ત્યાર પછી કદી એ ગામમાં પાછું વળીને નથી જોયું. એક સેવાભાવી સંસ્થાની મદદ વડે મને અંહી શિક્ષિકા તરીકે નોકરી મળી ગઇ હતી. થોડા સમયમાં મેં વિધવા અને ત્યકતાઓ માટે આશ્રમ પ્રસ્થાપિત કર્યુ. આ છોકરી તે પૈકીની જ એક વિધવાની દીકરી છે જે અત્યારે નાશ્તો લેવા ગઇ છે. "

માધવ તમારી આંખોમાં આંસુઓના દરિયાની ભરતી ફરીથી આવવા લાગી હતી. તોફાની મોજા વધુ ડુબાડે એના પહેલા તમારી નજર ફાલ્ગુનીના ગળા પર પડી. તેમાંથી ડોકીયું કરતી કાટ ખાયને થોડી કાળી પડેલી સાંકળીને બહાર કાઢી. વિધવા આશ્રમ અને અનાથાશ્રમના હળીભળી ગયેલા દુર રમી રહેલા બાળકોના બની રહેલા રેતીના મહેલ તરફ ઇશારો કરતા જઇને કહ્યું..

"ચાલ ફલુ આપણે પણ આવું એક ઘર બનાવીયે"..

અને અચાનક આકાશમાંથી ફૂલોની વરસાદ થતી હોય એમ ઝરમર વર્ષા થવા લાગી....બન્નેની સુકાયેલી આંખો ફરીથી પલળવા લાગી...

-ડો.ઇરફાન સાથિયા