Pappa mane beta kahone.. books and stories free download online pdf in Gujarati

પપ્પા મને બેટા કહોને...

ભવ્ય ડેકોરેશનવાળા વિશાળ આલિશાન મંડપમાં વિદેશી ફુલોની મધમધતી ખૂશ્બૂ સાથે શહેરનાં પ્રખ્યાત ઓરક્રેસ્ટ્રાનાં સૂર રેલાય રહયા હતાં. નેતા, અધિકારીઓ અને શહેરનાં નામી અગ્રણીઓનો જાણે મેળો લાગ્યો હતો . લાલ બત્તીવાળી અને ઇમ્પોર્ટેડ મોટરકારોની આવાજાહી સતત ચાલુ હતી . અને કેમ ન હોય? શહેરનાં કલેકટર મારા મિત્ર અનુપકુમારની દીકરીની સગાઇનો સત્કાર સમારંભ હતો . મહેમાનોની સરભરામાં વ્યસ્ત અનુપ લોકોનું અભિવાદન સ્વીકારતો હતો . આટલી બધી ચકાચોંધ વચ્ચે પણ મને અનુપનાં ચહેરા પર એ ચમક નહોતી જોવાતી . મને થયું કદાચ દીકરીની પસંદથી એ બહુ ખુશ નહી હોય. અથવા એકલે હાથે બધા આયોજન કરીને થાકયો હશે. હાઇ પ્રોફાઇલ માણસો વચ્ચે મને એને પુછવું મૂનાસીબ ના લાગ્યું. અને હું પણ મહેમાનોની સરભરામાં લાગી ગયો . આમતેમ દોડાદોડીમાં મારી નજર એક ખૂણાંમાં બેઠેલા અનુપનાં ગામડેથી આવેલા મમ્મી પપ્પા ઉપર પડી . હું તરત દોડીને એમની પાસે ગયો . " અરે અંકલ, તમે અંહી ખૂણામાં બેઠા છો.? પૌત્રીની સગાઇ છે .ચાલો ઉપર સ્ટેજ પાસે બેસો."

" ના બેટા, અમે ઘરડાને ઉપરથી ગામડીયા માણસ છે એટલે અંહી જ બરાબર છે . ત્યાં અમે ના શોભીયે ." ઠાવકાઇથી અંકલે જવાબ આપ્યો.

મને લાગ્યું અંકલ મજાક કરે છે . એટલે મે હાથ પકડીને ચાલો ચાલો કરીને જીદ કરી. એટલે અંકલે ગંભીર અવાજમાં કહ્યું .

" જો ભઇ, ખોટી જીદ ના કર અને તમે તમારા કામમાં ધ્યાન આપો. અમે અંહી બરાબર બેઠેલા છીએ . અને અમારે ખાવું કેટલું? માંડ એક રોટલી.. લઇને જમી લેશું, તમે જાવ બીજા મહેમાનોને સાચવો."

પાછળની ચેર બરાબર ગોઠવી રહેલા અનુપનાં કઝીને આંખો વડે ઇશારો કરીને મને ત્યાંથી જતા રહેવા કહયું . હું થોડો પાછળ ફૂડ કાઉંટરની પોઝિશન જોવા ગયો એટલામાં અનુપનાં કઝીને હળવેકથી બુમ પાડી. મને કહયું "ભાઇ, અંકલ માંડમાંડ આવવા માટે માન્યા છે. તમે કેમ જીદ કરો છો? એ તો રાહ જોઇને જ બેઠા છે અંહીથી નીકળી નાસવા માટે . અને આખું ગામ થૂંકે છે આ અનુપ પર . ઘરડા મા-બાપને આમ એકલા મૂકીને એ શહેરમાં મજા કરે છે. ધુળ છે એવી જિંદગી અને ધુળ છે એવી કલેકટરી".. પ્રોગ્રામ આખો પત્યો અને હું અનુપનું અવલોકન કરતો રહયો . નોકરોની આખી ફોજ ધરાવતો અનુપ ડોસાની રીતસર જી હુજુરી કરતો હતો . પણ ડોસાનાં અક્કડ ચહેરા પર આવા શૂભ પ્રસંગે પણ હાસ્યની એક લકીર ના જોવાઇ. પ્રોગ્રામ પતવા આવ્યો ત્યાંજ અનુપનો કઝીન રીકશા લઇને આવી ગયો . અંકલ રીકશા તરફ ચાલવા લાગ્યા અને અનુપની નજર પડી. એ સમયે એ એમ.પી. અને એસ.પી ને જમવા લઇને બેઠો હતો . પણ એ તરત જ દોડીને બહાર આવ્યો . " પપ્પા, વેવાઇને વિદાય કરીયે એટલી વાર તો રોકાઇ જાઓ. અને ઘરે પાંચ ગાડી પડી છે.તમે આમ બારોબાર રીકશા મંગાવો તે સારૂ લાગે? અત્યારે મોડી રાત્રે તમને કઇ બસ મળશે? અને આવી ઠંડીમાં તમે બસમાં જશો? થોડું તો મમ્મીની તબિયતનું વિચારો ." શહેરમાં હાંક ધરાવતા કલેકટરને હું લાચાર અને હાથ જોડતો જોઇ રહયો હતો . અનુપે કરડાકીથી આંખો બતાવી એટલે રીકશાવાળો ત્યાંથી છટકી ગયો. અમુક વી.આઇ.પી. આ તમાશો દૂરથી જોતા હતાં . "અમને કોઇ જરૂર નથી તારી ગાડીયોની. બહુ બસો ચાલે છે . જતાં રહેશું"

અંકલની અકડ ,અહમ અને જીદ બને એનાં પહેલાં અનુપે ડ્રાઇવરને ઇશારો કરીને લાલ લાઇટ વાળી ગાડી મંગાવી લીધી .અને મમ્મી પપ્પાનાં પગે લાગ્યો . પપ્પાએ આશિર્વાદ તો દુર વ્હાલભરી નજર પણ ના આપી . અને ગાડીમાં બેસી ગયાં . હું વિવશ કલેકટરને હારેલા સિપાહીની જેમ પાછો ફલતો જોઇ રહયો .

બધો સામાન સમેટવાની જવાબદારી મારી હતી એટલે હું પાર્ટી પ્લોટ ઉપર જ રોકાયો હતો . બધાં મહેમાનોને વિદાય કરીને રાત્રે મોડો અનુપ પૈસાનું ચૂકવણું કરવા મારી પાસે આવ્યો . મારા મનમાં બહુ અવઢવ અને અણગમો હતો એટલે મેં તેને એકલો જોઇને પુછી જ નાંખ્યું . " યાર, તુ આમ ઘરડા મા-બાપને એકલા મરવા માટે ટટળતા કઇ રીતે મુકી શકે?" અને જાણે વ્રજઘાત થયો હોય એમ એ શકિતમાન માનવી નાનું બાળક બનીને રડવા લાગ્યો. " તું પણ? તને શું લાગે છે મને મા-બાપની કાંઇ જ પડી નથી એમ? મારા સર્વન્ટ માટે ત્રણ આવાસ છે . મારો પોતાનો સાત બેડરૂમવાળો સરકારી આવાસ છે. મને શું ભાર પડતો હશે બે માણસનો? આ શહેરતો શું આખા રાજ્યમાંથી કોઇ પણ તબીબને અર્ધી રાત્રે ઉઠાડી શકું છું . તો મને કોઇ અગવડ પડતી હશે ઘરડા મા-બાપને ઘરમાં રાખવાની ? દીકરીની સગાઇમાં પચાસ લાખ વાપરી નાંખ્યા છે . બિલકુલ આપરિચિતોને ભોગ ધર્યા છે. તો મને કોઇ કષ્ઠ પડતુ હશે બે સગા મા-બાપ ને જમાડવાનું?

'તો તારી સાથે રાખતો કેમ નથી?' મારાથી અનાયાશે પૂછાઇ ગયું .

અને જાણે બહુ દિવસથી ધૂળ ખાતી બંધ પડેલી ચોપડી મારી સામે ખૂલી ગઇ.

" મને ખબર છે એક સામાન્ય કારકૂનની નોકરી કરતા મારા બાપે અપાર વેખલા કરીને મને ભણાવ્યો છે. રાતનો વાસી ખોરાક ખાઇને પેટ ભરતા પણ મેં એમને જોયા છે . મને શિક્ષક તરીકે નોકરી મળી ગઇ હતી . પણ એમની મહત્વકાંક્ષા હતી કે હું યુ.પી.એસ.સી. કલિયર કરું. એમણે થોડી જમીન હતી એ વેચીને મને કોટા શહેર કોચિંગ માટે મોકલ્યો. મારા મગજ બહારની વાત હતી પણ મેં દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરીને ગમેતેમ યુ.પી.એસ.સી. પાસ કર્યુ. ત્યાં સૂધી હું એમની આંખનો તારો હતો. એમના મન નાનો કીકલો હતો .પણ જે દિવસે મે ઘરે ઘટસ્ફોટ કર્યો કે હું મારી કોચિંગકલાસની સહપાઠી માલતી દૂબે સાથે લગ્ન કરવા માંગુ છું તે દિવસથી હું એમની આંખની કીકીમાંથી કણો બની ગયો. અને કીકલામાંથી "તુ મોટો માણસ" બની ગયો. એમની ઇચ્છા અથવા કહે કે જીદ હતી કે ગામડાની છોકરી સાથે જ લગ્ન કરું . મારૂ આસિસટંટ કલેકટર તરીકે સિલેકશન થયું અને માલતી એસ.ડી.એમ તરીકે સિલેકટ થઇ. અમે જોબ અને લગ્નનું ડબલ સેલિબ્રેશન કરવા માંગતા હતાં . પણ બાપૂજી કોઇ રીતે માન્યા નહી .એમનાં જકકી હઠાગ્રહનાં કારણે અમારે કોર્ટમેરેજ કરવા પડ્યા. બંગાળી છોકરી સાથે લગ્ન કરીને મેં જાણે બાપૂજીનું નાક કપાવી નાંખ્યુ હતુ. પરરાજ્યની હોવાને કારણે જાણે એમની ઇજજત દાવ ઉપર લાગી ગઇ હતી . બે વર્ષ સૂધી એમને અમારા ફોન સૂધ્ધા નથી ઉઠાવ્યા. અમારી નોકરીનાં કારણે અમારે સતત સ્થળાતંર કરવુ પડતું . અને માલતીનાં આગ્રહને લીધે હું સતત એમનો સંપર્ક કરવા પ્રયત્ન કરતો. પછી માલતીનું પોસ્ટીંગ આ જીલ્લામાં થયું. એન્ડ કેન યૂ ઇમેજીન એક સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટે

પોતાનાં પતિનાં માતા પિતાને મેળવવા માટે સમાજની પંચાયતમાં અભણ લોકો સામે રાવ નાંખવી પડી હતી. એક એસ.ડી.એમ.નો અહમ કેટલો ઘવાયો હશે? ખેર..અમારે એમના અહમને સંતોષવો હતો. અને યેનકેન તેઓ માન્યા અમારી સાથે રહેવા માટે . થોડા મહીના બધું જ બહુ સારૂ અને બરાબર ચાલ્યુ. એમના ખાવા પીવાનું અને દવાનું માલતી જાતે ધ્યાન રાખતી . એના મમ્મી પપ્પા બહુ દુર હતા અને એ ખોટ સાસુ સસરામાં પુરાતી જોઇને હું મનોમન બહુ હરખાતો. માલતીની મેટેરનિટિ લિવ પૂરી થઇ અને એને જોબ રીઝ્યૂમ કરી. અને એમને રોજ મનદુઃખ કરવાનાં કારણો મળતા ગયાં . એને સાડી પહેરવી જોઇએ. એ આમ રોજ સાત આઠ વાગ્યે આવે તો કયાંથી ચાલે? અમને નોકરનાં ભરોસે મૂકીને ફરતા ફરો છો. રોજ ઘર છોડીને જતા રહેવાની ધમકી આપતાં. અમે એમના અનુરૂપ થવાનો પૂરો પ્રયત્ન કરતાં. પણ આ સાડી, સમય આ બધુ પ્રેકટીકલી શક્ય નહોતું . આખા જીલ્લાની જવાબદારીમાં સાડી અને સમય ગૌણ હતાં . અમારી દીકરી મોટી થવા લાગી હતી . એનું ડેનિમ, પોપ મ્યૂઝીક અને મોડું ઉઠવાનું રોજ તકરારનાં કારણ બનતા. અને એક દિવસ અસંસ્કારીનુ લેબલ લગાવી અમને કહયા વગર તેઓ ગામડે જતા રહ્યાં. ધરાર અવગણના અને હડશેલા ખાઇને થાકેલા અમે લોકો તો પણ એમને મનાવવાની કોઇ તક આજ સૂધી ગુમાવી નથી. બસ એક સવાલ અમને કાયમ ચીરતો રહે છે.. કે અમે શું અસંસ્કારી રહ્યા??

આવા કેટલાયે અનુપ આપણાં દેશમાં રહેતા હશે . બાગબાન જેવી ફીલ્મો જોઇને નાલાયક સંતાનોને બે ચાર ઠોકી દેવાનું ખૂન્નસ આવી જાય. ઘરડાઘરમાં ડોસા-ડોસીઓને જોઇને , શહેરમાં એકલા રહેતા ઘરડાઓને જોઇને કેટકેટલી હાય, ગાળો અને બદદુઆઓ એમના સંતાનોને અપાતી હોય છે . પણ શું ખરેખર દરેક સંતાન નાલાયક જ હોય છે? શું એટલા હાઇલી એજ્યૂકેટ પિપલને મા-બાપ શું છે એ ખબર નહી પડતી હોય? શું આમાં મા-બાપનો કોઇ વાંક હોતો જ નથી? તમારી દીકરી બીજે ઘરે જઇને રાજ કરે એવું ઇચ્છો છો તો બીજાની દીકરીનું તમારા ઘરમાં રાજ કેમ અસહ્ય છે? સમય તો બદલાતો જ રહે છે. જમાનો હંમેશા નવો જ હોય છે .તમારા બાપ દાદા ધોતી પહેરતા હતાં તો તમે શા માટે લેંઘો-ખમીશ અપનાવ્યુ? તો નવી પેઢીનાં ફંકી ડેનિમથી કેમ નાકનું ટેરવુ ચઢાવો છો ? તમારા ફોટાઓમાં દેવ કટ, ડેનીકટ, સાધના કટ જોવાય છે .શું એ ફેશન નહોતી? તમારા બાપને સાયગલ ગમતો, તમને કિશોર રફી ગમ્યા, તમારા સંતાનને કૂમાર શાનુ ને ઉદીત ગમ્યા.એના સંતાનોને અરિજિત ગમે છે.. આ બદલાવ છે સમય નો . જો એ ન સ્વીકારતા તો નવા આતિફ અસ્લમો અને અંકીતોનો ઉદય થતો ખરો? આખી જિંદગી સંતાનને ભણાવવા કરેલા વેખલા ગણાવો છો. ઠીક છે કર્યુ પણ એમાં તમારી મહત્વકાંક્ષાઓ અને નાક પણ હતું એ કેમ ભૂલી જાઓ છો? સંતાન પેદા કરીને એને સારૂ શિક્ષણ આપવુ, સારો ઉછેર કરવો એ તમારી ફરજ છે ,અહેસાન નથી .વહેલા પાંચ વાગ્યે ઉઠાડીને કઇ પ્રભાત ફેરીમાં મોકલવા છે સંતાનો ને? કયાં લખેલુ છે કે પાંચ વાગ્યે ન ઉઠનાર અસંસ્કારી હોય છે. અને સંતાનને અસંસ્કારી કહી પોતાની જાતને ગાળો કેમ આપ્યા કરો છો? બાળકને પેદા કરીને બેશક તમે એહસાન કર્યો છે. પણ એ ગર્ભાદાનમાં તમે હનિમૂન પણ ભોગવ્યુ જ છે . મા કે પૈરો તલે જન્નત હૈ .. બરાબર હૈ ,તો સાવ એમ પણ નથી કીધૂ કે સંતાનોને પૈરો તળે રગડતા જ રહો. પોતાના જ સંતાન સાથે હરિફાઇમાં કેમ ઉતરી પડો છો ? આખી જિંદગી ખડૂસ બોસ અને ઉતરેલી કઢી જેવા સહકર્મચારીઓ સાથે કોઓર્ડીનેટ કરવા અંડરસ્ટેન્ડીંગ કરવામાં વેડફી નાંખી હોય તો પોતાનાં જ સંતાનો સાથે અહમનો અણગમતો ટકરાવ કેમ કરો છો? એક થી વધુ સંતાન હોય ત્યાં ટકરાવ વધુ જોવા મળતા હોય છે . અને મોટે ભાગે કારણ સાફ હોય છે . તમે એક સારા રેફરી નથી બની શક્યા એ સ્વીકારી લેવું . બે છોડ પૈકી એકને જ પાણી પોષ્યા કરો તો નિઃશંક પણે બીજો છોડ સુકાઇ જ જવાનો છે . કોઇપણ સંતાન પોતાના મા-બાપથી વિખુટું પડવા નહી જ ઇચ્છતુ હોય. પોતાનાં અહમને પોષવા પૂર્વાગ્રહયુક્ત મનઘડત આક્ષેપબાજી કરીને સમાજમાં શું સિદ્ધ કરો છો કે પોતાનું જ ખૂન ખરાબ નીકળ્યુ ? છોકરા ગમે તેટલા મોટા બને પણ એ બાપનાં બાપ નથી જ બની શકવાના એ વાસ્તવિકતા પર પોરસાઓ. .સંતાન ભલે સાઠનું થાય પણ એ મા-બાપ આગળ છોકરું જ રહેવાનું છે . જેને પામવા એક સમયે ભલભલી બાધા આખડી અને કાળા પીળા દોરા બાંધવા તૈયાર હતા, જેને પામવા ગંધાતા સ્વામીઓ અને અને અનહાયજેનિક બાબાઓનાં ખોરડાઓમાં મસ્તક નમાવીને બેસી જતા હતાં .એજ સંતાન માટે તસુભર એડજસ્ટમેંટ કરવા કેમ તૈયાર નથી થતાં? જે હેત એ પેદા થયો ત્યારે વરસાવતા હતાં એજ વ્હાલમાં અચાનક કંજુસાઇ કેમ આવી જાય છે? વહુ એના મા-બાપને છોડીને આવે છે અને મનોમન તમને જ મા-બાપ સ્વીકારતી હોય છે. એ વ્હાલ આપી તો જુઓ કદી. જ્યાં વહૂને દીકરી તરીકે જોવાય છે એ ઘરોનું સુખ જોવો કદી. એ ઘરોની મસ્તી અને કલરવ સાંભળો કદીક . રિટાયરમેંટ એટલે આરામ. આખી જિંદગી શરીર તોડયુ છે ત્યારે જઇને તમને સુખનો પાસવર્ડ મળ્યો છે.સુખનું લોકર ખોલો અને જમા કરેલી ખુશીયોની પૂંજી વાપરો . કુદરતની આપેલી આ અમૂલ્ય ભેટને પોતાનાં જ સંતાનો સાથે અહમની લડાઇ લડીને વેડફી નાંખો નહી. શૂદ્ધ અને દેશી ખોરાક ખાધેલા મજબૂત શરિર અને સજ્જડ મનોબળવાળા છો તમે. ફાસ્ટફૂડી અને ઇન્સટંટ પેઢી સાથે તમારી હરિફાઇ શક્ય જ નથી . ભલભલી ક્રાંતિ અને બેજોડ સાહિત્ય, સંગીત, અને વિવિધ બેનમુન કલાનાં સાક્ષી છો તમે . તમારા અનુભવ અને ક્રિએટીવિટિનો સદઉપયોગ કરવાનો આ જ તો પરફેકટ સમય છે. પૌત્રપૌત્રીઓને વાર્તાની આશા અને જરૂરત આજે પણ એટલી જ છે જેટલી તમારી બાલ્યાવસ્થાને હતી . અત્યાર સુધી કામનાં બોજ તળે દબાયને ફરી ન શકેલા સ્થળોની ભ્રમણા કરો . અનુભવો લખો,કવિતાઓ રચો, ચિત્રો દોરો. સમયનાં અભાવે જે સ્વપન અધૂરા રાખ્યા હતાં એ બધાને હકીકતમાં પલટાવો . તમે ખૂસડ બુડ્ઢા નથી જ. તમે અનુભવથી લેસ જુસ્સાદાર યુવાન છો . તમે આ દેશની ધરોહર છો . તમારી શકિતઓને આમ પોતાનાં જ સંતાનો સાથે અહમની અને જનરેશન ગેપની લડાઇમાં વેડફી નાંખશો નહીં . બસ થોડુ હેત વહાવો..અને જુઓ ભારતભરમાં પ્રેમનાં વાયરા કેવા ફુંકાય છે. ઘરડાઘરોમાં કાગડઓ કેવા ઉડે છે....

  • -ઇરફાન સાથિયા
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED