Aa Manas Marvo Joie books and stories free download online pdf in Gujarati

આ માણસ મરવો જોઇએ

આ માણસ મરવો જોઇએ . !

સુરત જિલ્લાનું નાનકડું પણ રમણીય ગામ તડકેશ્વર. . મોહશિન તલાટી પુરા ચાળીસ વર્ષ પછી અમેરિકાથી આ ગામમાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસ તરફથી જમીન સંપાદન માટે એને નોટીસ આપવામાં આવી હતી . જોકે આવી નોટિસ તો પંદરેક વર્ષ પેહલાં પણ આવી હતી. પરંતુ એ આઠ દસ વીંઘા જમીન માટેની હતી . જે રોડનાં કપાતમાં જઈ રહી હતી ! પણ આ વખતે સાડા ચારસો વીંઘા જમીન સંપાદનની નોટિસ હતી એટલે આવવું અનિવાર્ય હતું. આમ પણ અમેરિકન ઈકોનોમી ડામાડોળ હતી અને ભરતીય ઈકોનોમી બૂમ પર હતી . આફ્રિકન દેશોમાં સેફ્ટી એક મોટો પ્રશ્ન હતો . રોજ એકાદ ભારતીય કે વિદેશીની લૂંટ કે હત્યાનાં સમાચાર છાપામાં ચમકતા . એટલે મનોમન ભારત એકવારતો આવવાનું વિચાર્યુ જ હતુ .દૂતાવાસમાં વગને કારણે વિસા મેળવ્વામાં બહુ માથાકૂટ નહોતી. અમુક ભારતીય મિત્રો હતાં. જેમનાં દ્વારા મોહશિનને જાણવા મળેલુ કે ભારત એક સરળ દેશ છે . અને એમાંયે ગુજરાતી લોકો બહુ મિલનસાર છે . પટેલ મિત્રોની સોબતમાં થોડું ગુજરાતી અને થોડું હિંદી બોલી લેતો હતો . મુંઝવાતા મનની ગડમથલ સાથે એક બર્ફીલી સાંજે એને ભારત જવાનો મક્કમ નિર્ણય લઈ જ લીધો . અહીંની આબોહવા વિશે અને બીજી જરૂરિયાત વિશે મિત્રો પાસેથી અને ખૂટતી માહિતી ઇંટરનેટ દ્વારા લઈ લીધી . બેગપેક તૈય્યાર કર્યું અને નિકળી પડ્યો. શિકાગો થી ડાયરેક્ટ મુંબઈની ફ્લાઇટ હતી .

વીસ બાવીસ કલાકની મુસાફરી પછી મુંબઈનાં છત્રપતિ શિવાજી ટર્મિનલ પર ઉતર્યો . ગુગલ મેપ અને જીપીએસને લીધે બહુ જહેમત તો ન પડી ગામ શોધવામાં . મુંબઇ એરપોર્ટ પર લેન્ડ કર્યુ અને ટેક્ષીમાં બેઠો ત્યારથી આશ્ચર્યથી અભીભૂત થતો ગયો હતો . ઝળહળતી સ્ટ્રીટ , જગમગાટ મોલ , ફેશનેબલ લોકો , મીની સ્કર્ટ અને સ્કીન ટાઇટ અહીં દેખાતા હતાં . આટલીબધી ભીડભાડ , અલગઅલગ પહેરવેશ , નાતજાતનાં લોકો , અને તો પણ એક રીધમમાં ચાલતું મુંબઇ. એ આશ્ચર્યમાં ગરકાવ હતો . અને હવે ટેકસીએ હાઈ- વે પકડી લીધો હતો . અહીંના ફોર લેન રસ્તાઓ . એને માન્યામાં નહોતું આવતું. કેમ કે અત્યાર સુધી ભારત વિષે ફિલ્મોમાં જોયું હતું. અને લોકો મારફત એક છબી બનેલી હતી કે ભારત એટલે જૂનવાણી , તૂટેલાં રસ્તા , ગીચ , ગંદુ, ગોબરુ , અને પારાવાર ગરીબી . પણ અહીંતો ચિત્ર સાવ વિપરીત હતુ ! આંખોને જાણે વિશ્વાસ નહોતો થતો .!

સાંજે ગમેતેમ એ તડકેશ્વર પહોંચી ગયો. લિગ્નાઇટની ખાણોં અને સુગર ફેક્ટરી નો જગમગાટ . અહીં પોતાના ખેતરો ક્યાં છે કોને પૂછવાં જવું કંઈ જ ખબર નહોતી. કોઇક એના પૂર્વજો રહેતા હતાં એટલું જ ખબર હતી . રાત હાઇ- વેની કોઇક હોટેલમાં રોકાઈને સવારે કોઈ ઓફીશિયલને મળવાનું નક્કી કર્યુ !

સવારે નિત્યક્રમ પતાવીને એ ગામ તરફ નિકળ્યો . અંહી કોઈ ઓળખતુ તો હતું નહિ એને . એટલે પોલીસ ઇન્સ્પેક્ટરને જઇને માહિતી મેળવી. પોલીસ ઇન્સ્પેક્ટરે તેને તલાટીને મળવા કહયું . થોડું તપાસ કરી જોઈ કે કોઈક જાણીતું મળી જાય, જે એને ઓળખતું હોય. કેમ કે એની પાસે કોઈનાં ફોટો કે નામ ઠામ તો હતાં નહિ . પણ આશા ઠગારી હતી કારણકે અંહી લિગ્નાઇટ અને ફેક્ટરીઓનાં કારણે હિંદીભાષી કારીગરો અને અધિકારીઓની કોલોનીઓ હતી .

તલાટી અટકનાં કારણે ગામનાં તલાટી સાથે થોડો ઘરોબો બની ગયો હતો . રેવન્યુ કચેરીમાં કાગળોની કાર્યકવાહી અને બીજી ફોર્માલિટી કરતા મહિનો તો લાગશે .એટલે અહીં અથવા શહેરમાં એક મકાન ભાડે લઈ લેવા તલાટીએ સલાહ આપી .અંહિની આબોહવા ખુશનુમા લાગી એટલે મોહશિન અહીંજ રોકાવ્વા તૈયાર થઈ ગયો!

બીજે દિવસથી દોડાદોડી ચાલુ કરી દીધી. મિલનસાર સ્વભાવ અને કાંઈક નવું રિસર્ચ કરવાનો મોહશિનનો હેતુ હતો .એટલે નવાંનવાં મિત્રો બનાવતો ગયો . અને દસેક દિવસમાં તો એ ખાસ્સુ મોટું મિત્ર વર્તુળ બનાવી ચૂક્યો હતો . અમેરિકાની સરખામણીએ અહીં જમીન બહુ સસ્તી છે એ જાણ્યુ. હ્યૂમન રિસોર્સિસ સસ્તા છે . હાં, અમૂક મંજુરી માટે થોડું ભ્રષ્ટાચાર છે . પણ એટલું તો અમેરિકામાં પણ સહજ છે . એ મનોમન વિચારતો ગયો . ત્વરિત નિર્ણય શક્તિ અને વ્યાપારી માનસ ધરાવતાં મોહશિને અહીંજ રોકાણ કરવા મન બનાવી લીધું. એણે વિચાર્યું કે " આમ પણ અમેરિકામા મંદી ચાલે છે. " પ્રયોગાત્મક ધોરણે એક વર્ષ અહીં ટ્રાય કરવામાં એને કંઈ જ ખોટું ન લાગ્યું !

જિજ્ઞાસુ અને ખંતીલા સ્વભાવનાં મોહશિને ત્યાં જ એક નાની ટૂલ્સ ની ફેક્ટરી શરૂ કરી દીધી . અને જમીન નામ પર હોવાને લીધે બેવડુ નાગરીકત્વ મેળવ્વામાં બહુ તકલીફ ન પડી . ઉત્સાહી અને ઉત્સુક સ્વભાવને કારણે ધીરે ધીરે તે ગામમાં લોકપ્રિય થવા લાગ્યો . ગામનાં મહત્વનાં નિર્ણયોમાં એની રાય અવશ્ય ગણાવવા લાગી . અને ચાર મહિનાનાં ટૂંકા ગાળામાં એ બિનહરિફ ગામનો મુખી ચૂંટાય ગયો . અંહી મોહશિને સારી સ્કૂલ અને હોસ્પિટલ માટે મેહનત શરૂ કરી . અને સ્વચ્છતા પર ભાર મૂકવાની શરૂઆત કરી . આજુબાજુનાં ગામમાં પણ તડકેશ્વર હવે મોડલ ગામ તરીકે પ્રખ્યાત થવા લાગ્યું . સમાજનો સભ્ય હોવાને નાતે અમુક સામાજિક ફેસલામાં પણ મોહશિનની હાજરી અનિવાર્ય લેવાતી . આ ગામનાં સમાજોની એક વાત સારી હતી કે કોઈ પણ નિર્ણય તેઓ સહિયારો લેતા અને કોઈ મડાગાંઠ પડે તો બારે ગામની પંચ ભેગી થતી અને સલાહ મશ્વરાથી કામ લેવાતું !

સર્વસહમતિથી ગામમાં ભીખારીઓ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો . કેમકે મોહશિનનો તર્ક હતો કે આ લોકો જ નાની મોટી ચોરી કરે છે . અને મેહનત કરી શકે એવા લોકો માંગી ખાય છે . જે સરાસર ખોટું છે. રાત્રે ચોકિયાત માટે પણ ગામનાં જ યુવાનોની ટુકડીઓ બનાવી દીધી .

હવે ગામ ઘણાં દૂષણોથી નિજાત પામી ગયું હતુ . ગામમાં સ્વચ્છતા ઉડીને આંખે વળગતી હતી .! ગામમાં એક ઘરડો ગાંડો રહેતો હતો . અહીંતહીં ભટકતો , ગમેતેના ઓટલે એ સુઇ જતો . એ ગાંડાને લોકો વધેલું ઘટેલું કાંઈક ખાવા આપતાં .ગામ લોકો કેહતા કે વર્ષોથી એ ગાંડો ગામમાં વસે છે . અમુક ગામવાસી કહેતાં એમાં જીનનો વાસ છે . જે હોય તે પણ એ ગામલોકોનાં જીવનનો એક હિસ્સો બની ગયો હતો .

સાવ લઘરવઘર , ફાટેલાં કપડા અને ગંધાતો, માખીઓનીં ગમાણ સમા આ પાગલ ડોસાને જોઈને મોહશિન બહુજ ચીઢાતો . એને આ ગાંડો એક માત્ર બચેલું દૂષણ લાગતું. અને એને કાઢવા એ કટિબદ્ધ હતો . ગામવાસીઓને સમઝાવતો કે આ હરતુ ફરતું બિમારીનું ઘર છે . એનાં લીધે ગામમાં ઘણી બિમારીઓ ફેલાય છે . અને જીન વીન એવું કંઈ ના હોય આ બધી મિથ્યા વાતો છે. પણ મોહશિનની દરેક વાતોમાં હાં એ હાં મેળવનારા ગામડીયાં આ વાતમાં કેમેય કરીને સહમત નહોતાં થતા . વાત અહમ પર આવી ગઈ હતી . અને મુખી હોવાને નાતે મોહશિને ગાંડાનો ગામનિકાલ નો ફેસલો લઈ જ લીધો . અને કઇ રીતે નિકાલ કરવો એનો ઉકેલ પણ ગામવાસીઓને જણાવ્યો . "આપણે મદ્રાસ તરફ જતી કોઈપણ ટ્રેનમાં આ ગાંડાને ચઢાવી દઇશું" . પણ ગામમાં આ વાતનો વિરોધ થવા લાગ્યો . અને છેલ્લે નક્કી થયું કે શુક્રવારે બાર ગામોની પંચ ભેગી થવાની છે ત્યારે જ આ વાત નો નિર્ણય લેવામાં આવે .

શુક્વારે પંચ ભેગી થઈ . અમુક મુદ્દા પર ચર્ચાઓ થઈ . પછી આ ગાંડાનો મુદ્દો આવ્યો . ગામનાં અમુક લોકોએ એમની આ પાગલ ડોસામાં શ્રધ્ધા છે એવી રજૂઆત કરી. અને મોહશિને એક મેનેજરને છાજે એ રીતે તર્કબદ્ધ પોતાની દલીલો રજૂ કરી . અને લગભગ પંચને પોતાની વાત ગળે ઉતારવા સફળ થયો હતો. પંચ ફેસલાને મંજૂરી આપવામાં જ હતી . અને એટલામાં જ પાછલી હરોળ માંથી એક તરડાયેલો અવાજ આવ્યો .

"આ માણસ ને મારી જ નાંખવો જોઇએ . . ." અચાનક સોંપો પડી ગયો આખી સભામાં . . પાછળ વળી ને બધાંએ જોયું તો એક નેવું વર્ષનાં ડોસીમા માંડ લાકડીના સહારે ઊભા હતાં . અને એમના તૂટેલી દાંડીવાળા જાડા કાંચનાં ચશ્માં માંથી સુકાયેલા ખાબોચિયા જેમ થોડું પાણી વહેતું સ્પષ્ઠ દેખાતું હતું .

" આજ થી ચાળીસેક વર્ષ પહેલા આ ગામ આજે જે છે એનાથી વધુ સુઘડ હતું. અહીં દરેક મુસાફરને આવકાર મળતો . કોઈ ભિક્ષુક ખાલી નહોતો જતો. આ ગામનો એક તરવરિયો મુખિયો હતો. જે આ ગામ માટે પોતાનું લોહી રેડી દેતો . ગામવાસીઓનું જીવનધોરણ ઊંચુ લાવવા દિવસરાત એક કરતો . એને એક જ ખોટ હતી . ..શેર માટીની ! ઘરડી ડોશીનો અવાજ વધુ તરડાતો જતો હતો .ભલભલી બાધાઆખડીઓ કરીને સત્તર વર્ષે એના ઘરે પારણું બંધાયું હતુ. બહુ લાડકોડથી એ દીકરાનો ઉછેર કરવા લાગ્યો . એ કેહતો આને તો હું કલેક્ટર જ બનાવીશ. જેથી એ આ ગામને એક અલગ ઓળખ અપાવશે . અને બધું ખુશહાલ ચાલતું હતું ત્યાંજ ભૂકંપમાં આ આખું ગામ તબાહ થઈ ગયું . અને આજુબાજુનાં ગામો પણ લગભગ તબાહ થઈ ગયા હતા . . અંગ્રેજી માધ્યમની શાળાની મંજૂરીની ખુશખબરી લઈને મુખિયો ગામમાં આવ્યો હતો. અને આખું ગામ જમીનદોસ્ત જોઈને એ મૂર્ચ્છીત થઈને ઢળી પડ્યો હતો . ગામમાં કોઈ જ બચ્યું નહોતું . અમુક ચાર પાંચ છોકરાં બચી ગયા હતાં . એને NGO વાળા દત્તક લઈ ગયા હતાં . પોતાનાં ગામની એવી હાલત જોઈ મુખિયો ફરી ક્યારે એ સદમા માંથી બહાર નિકળી શક્યો નહિ . પોતાનાં દીકરાને શોધતો તે અહીતહીં ભટકતો રહેતો . ત્રણ ચાર વખત પાગલખાનાંવાળા પકડીને લઈ ગયા . પણ એ ગમેતેમ અથડાતા કુટાતાં અહીં આવી જ જતો . કુદરતની મહેરથી અને સમયની સાથે આ બધાં ગામ ફરીથી વસવા લાગ્યા . આ ગાંડો મારો ભાઈ ગુલામ તલાટી છે . જે આ ગામનો મુખિયો હતો . જે ઘરે ઘરે ભટકીને પોતાનાં ખોવાયેલા પુત્ર અને પત્નીને શોધતો ફરે છે . મારા ઘરમાં હું એકલી બચી ગઈ હતી . લોકોનાં ઘરોમાં કામ કરી ગમેતેમ મારુ આયખું તો પુરુ કરી નાખ્યું છે . પણ મારાંથી મારા ભાઈની આવી હાલત જોવાતી નથી . એના છોકરાને તો અમેરિકાની કોઈ સંસ્થા લઈ ગઈ હતી . એ તો હવે મળવાથી રહયો . . એને મદ્રાસની ટ્રેનમાં ચઢાવોછો એના કરતાં . . ત્યાં મરે એનાં કરતા આ માણસ અહીં જ મરવો જોઇએ . એનો આ માટી પર હક લાગે છે . . "

અને ડોસી ત્યાજ ફસડાઇ ગઈ . . . લોકો આગળ નજર ફેરવે ત્યાં લગી તો મોહશિન પણ ગુલામ તલાટીની જમાતમાં વટલાય ચૂક્યો હતો. . . . .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED