Shakvarti books and stories free download online pdf in Gujarati

Shakvarti

શકવર્તી

ડો. ઈરફાન સાથીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


શકવર્તી

પુરા બારસો રૂપિયા ખર્ચીને લો ’રિઆલ સલૂનમાં ડાયમંડ ફેસિઅલ નામક ચહેરાનો મેકઅપ કરાવડાવ્યો હતો. સ્વભાવિક પણે આજે તમે બહુ જ ચમકી રહ્યા હતા સાહિલ. મોલનાં ઇલેકટ્રીક દાદર ઉતરતા સામે ભટકાતી બિન્દાસ્ત કોલેજિયન યુવતીઓ તમારાથી સંમોહિત થતી જોઈ તમે હર્ષઘેલા બની ઠેકડા મારીને ઉતરતા હતા. અને તમારાથી કોઈ કેમ ન આકર્ષાય ? તમે છો જ એવા ઊંચી પડછંદ કદ કાઠી વાળા. ગૌર ચહેરા પર ઝીણી પણ પાણીદાર આંખો. તમને કોલેજમાં અમસ્તુ હીરોનું બિરૂદ નહોતુ મળ્યું. યુવતીઓનું ઝુંડ મધમાખીઓની જેમ તમારી આસપાસ આમ જ નહોતું મંડરાતું. પણ તમે આકર્ષાયા હતાં નાની ઢીંગલી જેવી નિર્દોષ નેત્રા થી ! નેત્રાની બદામી આંખોનાં કામણે તમારી કોલેજનાં પુરા વર્ષો માટેની તમારી બ્રહ્‌મચર્યની પ્રતિજ્ઞા તોડી બતાવી હતી. અપ્સરા સમી કામિનિઓની ધરાર અવગણના કરનાર તમે નેત્રાની બાળસહજ વાતો વડે રીતસર ઘાયલ થઇ ગયા હતાં. અને તમે મનોમન નેત્રાને જીવનસાથી માની લીધી હતી.

અને એટલે જ ઉનાળા વેકેશનનાં લાંબા વિરહ પહેલાં તમે તમારી નેત્રાનાં સાંનિધ્યમાં થોડાં કલાક વિતાવવા માંગતા હતાં. તમારી પ્રેમઘેલી નેત્રાએ કોઇપણ જાતનાં ઔપચારિક નખરા બતાવ્યા વગર ઉનાળાની આગ ઓકતી બપોરે તમને મળવા આવવા માટે તરત હામી ભરી હતી .અને પ્રિયતમાને મળવા માટે આતુર તમે પણ જાણે જાતને શણગારવા માંગતા હતા .એક વાગ્યાનાં સુમારે પિરામીડ મોલ પાસે મળવાનું નક્કી કર્યુ હતું. પણ તમારી તડપ તમને બાર વાગતા પહેલા મોલ સૂધી ખેંચી લાવી હતી .

હવે ગરમી વધી રહી હતી. તમારી ડીઝલ બીગ ડાયલ કાંડા ઘડિયાળમાં જાણે કે કાંટાની ગતિ ધીમી પડી ગઇ હતી. માંડ એક ના બે વાગ્યા. તમારો ગૌર વર્ણ હવે તામ્ર થવા લાગ્યો હતો. તમે ફરી મોલમાં ઉપરનાં ફલોર ઉપર આવેલા વોશરૂમમાં મોઢું ધોવા ગયા હતાં. મોલમાં ફ્રેશ થઇને ગ્રાઉંડફલોર ઉપર આવેલા પાર્લરમાં આઇસક્રીમ ખાઇને શરિર અને મગજને ઠંડક પહોંચાડવાનો તમે નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા. ગમેતેમ કરીને મોલમાં અંહીતંહી આંટા મારીને તમે ત્રણ વગાડયા.. હવે ગરમીનો પારો તમારા મગજ ઉપર પણ ચઢવા લાગ્યો હતો. અને તેની અસર તમારા ચહેરા ઉપર વર્તાય રહી હતી. તમારો તામ્ર ચેહરો હવે લાલ થઇ ગયો હતો. તો પણ તમે મગજ પર લગામ કસવાનો એક નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતા. હવે તમારૂં કલાક પહેલાં કરાવડાવેલુ બ્યૂટી ટ્રિટમેંટ પરસેવામાં વહેવા લાગ્યુ હતું. રઘવાયા થઇને ફરી તમે મોલની બહાર ગયા. ચા ની ચુસકી મારી અને તમે એકી સાથે ત્રણ સિગારેટ ફૂંકી મારી અને ગમેતેમ કરીને ઘડિયાળમાં ચાર ઉપર કાંટો પહોંચતો જોયો !

તમારૂં મગજ હવે ચકડોળે ચઢી ગયુ હતું. એ વાત સાથે તમે નિઃસંદેહ સહમત હતાં કે નેત્રા તમને તૂટીને ચાહતી હતી. તમારા માટે એ છોકરી રીતસર ગાંડી હતી. એ તમારા માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. કેટલીયે વાર તેના ઘરમાં તમારા બન્નેનાં સંબધ વિષે જ્યારે ખબર પડી હતી ત્યારે ત્રણ ચાર વખત તો નેત્રાએ ઢોર માર પણ ખાધો હતો. અને નિતનવા આપવામાં આવતા સમ અને ધમકીઓ માથે લઇને પણ એ તમને મળવા માટે આવતી હતી. "તો આજે શું થયું ? એને નહોતું આવવું તો "ના" પાડી દેતી ". તમારા મનમાં ઉદભવેલો પહેલો સવાલ હતો. હવે નેગેટિવીટી તમારા મસ્તિસ્કમાં હાવી થઈ રહી હતી !

જ્યારથી તમે નેત્રાનાં મોબાઇલમાં અશોકનાં મેસેજ જોયા હતા, તમને છેતરપિંડી આકાર લઇ રહી છે એવું લાગવા માંડયુ હતુ. તમને નેત્રાએ ખુલાસા પણ આપ્યા કે "અશોક મારી સ્કૂલ નો સહપાઠી હતો. અને અહીં રહેવા આવ્યો છે. તો કોમન ફ્રેંડ મારફતે એને મારો નંબર મળ્યો હશે એટલે ફોર્મલ મેસેજ કર્યો હતો. બાકી ના હું કદી એને મળી છું ન તો મને એનામાં કોઈ રસ છે ." તમારા માથે હાથ મૂકીને રડીને ચિખિ ને કીધું હતું કે "સાહિલ આ જનમ તો શું, હું સાતે જનમ માટે તને વરી ચૂકી છું."

પણ કોણ જાણે કેમ તમને નિર્દોષ ચહેરાની વાતો છેતરપિંડી જ લાગવા લાગી હતી. તમે વારંવાર વોટ્‌સએપ ચેક કરતાં. અને તમારા કરમની કઠણાઇ કહો કે કંઈ પણ, પણ કયારેક સંજોગવસાત જ્યારે નેત્રા ઓનલાઇન થતી, અશોક પણ તમને ઓનલાઇન જોવા મળતો. " ચોક્કસ આમનું કંઈક ચક્કર છે " એ જોઇને તમારૂં મગજ રીતસર ભમી જતું .

હવે તો સૂર્ય પણ આથમતી દિશા તરફ જઇ રહ્યો હતો..મનોમન તમારૂં મગજ ચકરાવે ચઢયું હતું. કેમકે જયારથી નેત્રાનાં ઘરે તમારા સંબધોની જાણ થઇ હતી. ત્યારથી તમને ફોન કરવાનુ પણ સ્પષ્ઠ શબ્દોમાં ’ના’ કહેવામાં આવ્યું હતું, . મન મૂકીને તમને આવકારતી નેત્રાની મમ્મીએ પણ પપ્પાનાં ડરનાં કારણે વાત કરવાની સ્પષ્ઠ ’ના’ પાડી દીધી હતી

"એની જાતને સમજે છે શું ? અશોકનાં સંપર્કમાં. આવ્યા પછી સાલ્લીના તેવર બહુ બદલાય ગયા છે. ના મળવુ હોય તો ’ના’ પાડી દેતી. મારી પાછળ પણ છોકરીઓના ઝુંડ પડયા છે. કોઈ તારા ઉપર છાપ નથી મારેલી અને તારાથી બહુ સારી છોકરીઓ આ દૂનિયામાં અસ્તિત્વ ધરાવે છે " રઘવાયા થયેલા અને ગુસ્સામાં લાલઘૂમ આંખો સાથે તમે સ્વગતઃ બબડતા જોસભેર કારનો દરવાજો બંધ કર્યો .

"આજે એ બાસ્ટર્ડને બતાવું છું કે હું કોણ છું. જિંદગી ભર મારૂ મોઢું જોવા તરસતી રહેશે. "

હવે તમારામાં બદલાની ભાવના પ્રબળ બની ગઈ હતી. આજે કોઈ પણ રીતે તમે નેત્રાને એની હેસિયત બતાવી દેવાનાં મૂડમાં હતા. તમારો ગુસ્સો બધી સીમા પાર કરી ચૂકયો હતો .

ગુસ્સાના કારણે અધોગતિ પામી ચૂકેલા તમારા મગજમાં બદલો લેવાની ભાવના એટલી પ્રબળ બની ગઇ હતી કે તમે બીજુ કંઇપણ વિચારવા અસમર્થ હતાં. એક શૈતાનિક વિચારની વિજળી તમારા મગજમાં ઝબકી અને તરત જ તમે માલદાર બાપનાં બગડેલા નવાબ જેવા મિત્ર રાહુલનો ફોન નંબર ડાયલ કર્યો. અને સારામાં સારી કોલગર્લનાં નંબર માંગ્યા. તમારા મિત્ર રાહુલ ને પણ ઘડીક તો વિશ્વાસ ના થયો કે સામે છેડે તમે જ છો. કેમકે તમારી લવસ્ટોરી અને નેત્રાનું તમારા પ્રત્યેનું સમર્પણ કોલેજમાં દ્રષ્ટાંતરૂપ હતું .અને તમારી નેત્રા પ્રત્યેની ગંભિરતાને કારણે તમારી જોડી રોમિયો-જૂલીની જોડી ગણાતી .

રાહુલે આપેલા એજંટનાં નંબર ઉપર ફોન કર્યો. હતો. એજંટે તમને વોટ્‌સએપ મારફતે લલનાઓના ફોટા મોકલ્યા. જે પૈકી તમે એક સ્વરૂપવાન યુવતી પર પસંદગી ઉતારી હતી. અને શક્ય એટલો જલ્દી સમય માંગ્યો હતો. જેમ કાગળનાં ફૂલો હમેંશા લલચાવનાર હોય છે એવી જ એ દીલ્હીની કામણગારી યુવતીને લઇને તમે હોટેલનાં રૂમમાં ગયા. ચોવીસ કલાક માટે એજેંટ જોડે દસ હજારની ડીલ નક્કી કરી હતી. . હવે ઘડિયાળમાં સાંજનાં સાત વાગી ગયા હતા. અંધારૂં સારૂં એવું થવા લાગ્યુ હતું. રૂમમાં જઇને એ રૂપલલના મારિયા ચેંજ કરવા ગઈ. એને બાથરૂમમાંથી નીકળતી જોઇને તમે આભા બની ગયા હતાં. એણે છાંટેલી ખુશ્બૂ અને તેના પારદર્શવક વસ્ત્રોનાં લીધે વતાવરણ વધુ માદક બની ગયુ હતું. અને આ તમારો જિંદગીનો આવો પહેલો અનુભવ હતો. માટે તમે અભિભૂત થઈ ગયા હતા. ત્યાં જ તમારા મોબાઇલ ફોનની ઘંટી રણકી. ." ..તુમ મુઝે યું ભૂલા ન પાઓગે. . ". રિંગટોન રૂમનાં શાંત વાતાવરણમાં ગૂંજી ઉઠયો. તમે ગુસ્સામાં ફોન કટ કરી નાંખ્યો. ફરી પાછી રિંગ વાગી તમે જોયું જ નહી. ફરી પાછી રિંગ વાગી અને પૂરી થઈ. આમ ને આમ પાંચ વાર પૂનરાવર્તન થયું. તમે એક પણ ફોન રીસીવ ન કર્યો. અને ફોન સ્વિચઓફ કરીને બેડ પર ફેંક્યો. "સાલી ને હવે નવરાશ મળી ? , આજે બતાવું છું હું શું છુ ." બસ આ વાક્ય તમારા મસ્તિષ્કમાં જડાઇ ચૂકયુ હતું. તમારા મગજ ઉપર ગુસ્સો એટલો હાવી થઇ ગયો હતો કે એ સમયે તમારી કોઈ પણ નસ કપાતી તો તમારી નસોમાંથી લોહીની જગ્યાએ લાવા જ નિકળતો .

" કયા હુઆ બીબી કા ફોન હે" ?મારક હાસ્ય સાથે તમારા શર્ટનાં બટન સાથે રમતા જઇને મારિયાએ પુછ્‌યું. અને એ શ્રુંગારરસની કાબેલ અને માહિર યુવતીએ તમને બહુપાશમાં સામે ચાલીને જકડી લીધાં " બેબી, આજકી રાત બસ મે હું ઔર તૂમ હો. સારે ગમ ભૂલ કે મુજમે ખો જાઓ " મારીયાનો માદક અવાજ તમારા કાનમાં ગુંજયો અને તમારા શરિરમાં જાણે વીજળી દોડી ગઇ. તમારામાં મર્દાનગીનો શૈતાન સવાર થયેલો હતો. અને રાતનાં અંધકારમાં શૃંગારનાં દરેક રસ માણવામાં તમે તલ્લીન થઈ ગયા હતાં .

સવાર સુધી અવિરત આ સિલસિલો ચાલ્યો. અને સવારે તમારી આંખ મીંચાઇ તે સીધી બપોરે ખુલી! એર કંડીશન રૂમમાં સમયનું ભાન ના રહ્યું .

"સર ઔર રેહના હે તો આપ કો શંભૂ સે બાત કરની હોગી ઔર પહેલે તો મુઝે કુછ ખીલાના હોગા " બીજા દસ હજાર રૂપિયા આપીને બીજા ચોવીસ કલાક માટે મારીયા તમારી હતી ! આમ ને આમ બીજી રાત પણ પસાર થઈ ગઈ.

મારિયાને બીજા ક્લાઇંટસનાં ફોન આવવા લાગ્યા હતા. અને હવે તમે પણ કુત્રિમ રસ થી ઉબાય ચૂક્યા હતા. હવે તમારા મનમાં અપરાધભાવ હાવી થઈ રહ્યો હતો. કદી ખોટું કામ ન કરનારો નેત્રાનો સાહિલ આજે બધી સીમાઓ લાંધી ચૂક્યો હતો. અને તમે ગઈકાલનો આખો દીવસ નેત્રાને ભાંડવામાં કાઢી નાંખયો હતો કે "સાલી ને એક ફોન કરીને પૂછવાની દરકાર પણ નથી રહી શું ?"

પણ આજે સવારથી તમને એક અજીબ બેચેની થઇ રહી હતી. "શું નેત્રા ખરેખર બીજાની થઇ ચૂકી હશે ?" વાતે વાતે વફાદારીના સમ ખાનાર અને સાત જનમ સાથ નિભાવવાના વચનો આપનાર નેત્રા સાચે પોતાની અલગ કેડી કંડારીને ચાલી નીકળી હશે ? શું મે જે ક્રુત્ય કર્યુ એવું જ એને પણ કર્યુ હશે ? " તમને વિચારમાત્રથી અર્રેરાટી અને કમકમાટી છૂટી ગઈ હતી ." ના, ના, નેત્રા સાવ આવું કામ તો ના જ કરે પણ ખબર નહી. . " એક સેકંડ તમારાથી દુર નહી રહી શકનારી નેત્રા બે બે દિવસ સુધી કોઈ જ પ્રકારની ખબર ન આપે એ વાત તમારા માટે અસહ્ય હતી. હવે ચિંતાની રેખાઓ તમારા ખુબસૂરત ચેહરા પર સ્પષ્ઠ દેખા દેતી હતી. તમે મારિયાને એના નિર્ધારિત સમય કરતા પણ પહેલા રવાના કરી દીધી. તમે એકાદ બે વાર ફોન હાથમાં લીધો પણ તમારો અહમ તમને રોકી લેતો હતો સાહિલ .

હવે ખાસ્સુ અંધારૂં છવાઇ ગયું હતું. અને તમે વધુ અધીરા બની ગયા હતાં. તમને એક જ સવાલ તમારા મગજને કોરી ખાતો હતો કે " શા માટે એને મને દગો કર્યો ". નેત્રા. ફોન ઉઠાવે એટલી જ વાર હતી. તેના ઉપર શાબ્દિક આક્રમણ માટે મનોમન તમારી પાસે ગાળનો બારૂદ તૈયાર હતો. પણ...

" તમે ડાયલ કરેલો નંબર પહોંચની બહાર છે " નેત્રાનાં ફોનનંબર ઉપર આ કેસેટ વાગતા જ તમે હતપ્રભ થયાં. . અને તમારી શંકા હવે વધુ ગાઢ થઈ હતી .

ચાર- પાંચ વખત તમે નંબર ડાયલ કર્યો. પણ આજ કેસેટ વાગી. . " આજે તો રંગે હાથ પકડુ સાલ્લીને અને કિસ્સો ખતમ કરૂં" તમે ખૂબ જ આવેશમાં આવીને મનમાં બરાડયા .તમે ગમેતેમ કરીને હિમ્મત ભેગી કરી અને કાર હંકારી એના ઘર તરફ, " જે થવુ હોય થાય આમ પણ હવે ક્યાં સબંધ રાખવો છે " મનોમન બબડતા જઇને કારની ગતિ વધારી .

જાસૂસીના ઇરાદા સાથે સોસાઇટીનાં નાકે એક પાન ની દુકાન પર તમે ઊભા રહ્યા. અને સિગારેટનાં કસ ખેંચવા લાગ્યા. અને નજર નેત્રાનાં ઘર તરફ સ્થિર રાખી. ઘડિયાળમાં લગભગ બાર ઉપર થઇ ગયા હતાં. એટલે સોંપો પડી ગયેલો. પાન વાળો પણ દુકાન સમેટીને જતો રહ્યો હતો .. કોઈ જ અવર જવર નહોતી. " એનો બાપ રાતપાળીમાં ગયો હશે, એની મા અને બે એકલા હશે. . આજે આ પાર કે પેલે પાર, એની મા ને પણ ખબર પડે દીકરીનાં કરતૂત " તમારા ગુસ્સાહિત મસ્તિષ્કમાં આગ ઝરતા વિચારોનું તાંડવ ચાલી રહયું હતું .

તમે ચોરપગે નેત્રાનાં ઘર સુધી પહોચ્યા. અને હજુ ગેટ ખખડાવો એના પહેલાં જ કારમી રૂદન ની ચીસ સંભળાઇ. . " કાયમી અંધારૂં થઈ ગયું બેટા, મારા ઘરની ચાંદની જતી રહી " તમે આમ અચાનક રડવાનાં અવાજ થી ચોંકી ને ડરી ગયા. . " હરામખોર.. . પીધેલો હતો.. મારી ચાંદની.. .. ફૂલો લેવા.. ઊભી હતી ... ને ઘૂસી ગયો " ડુમા બંધાયેલા અવાજ સાથે ધ્રૂસ્કે ધ્રૂસ્કે નેત્રાની મમ્મીનું હૈયાફાટ રૂદન ખામોશ રાત ને વધૂ બિહામણી બનાવતુ હતું. .ત્રૂટક અવાજે નેત્રાની મમ્મી બોલતી ગઇ. " બપોરે બાર વાગે એક્સિડેંટ થયુ. અમે તરત હોસ્પિટલ લઈ ગયા હતાં. માત્ર પંદર મિનિટ ભાનમાં રહી મારી લાડલી. " ’ મમ્મી મારા સાહિલને બોલાવી લે હું સારી થઈ જઇશ. અને મને કાંઈ થઈ જાય તો મને વાયદો આપ મારો અગ્નિદાહ આપવા સાહિલને જ બોલાવીશ. સમાજ થી ડરે નથી મમ્મી. . એ જ મારો પતિ છે. હુ એને વરી ચૂકી છું ’ આટલું જ બોલવા જાણે એ થોડીવાર માટે જીવતી રહી હતી. બસ પછી એને આંખો ના ખોલી .

બેટા મે અને તારા અંકલ એ બહુ ફોન કર્યા પણ તે ફોન ઉઠાવ્યા જ નહી. પછી એના પપ્પા એ કીધું બિજ્‌નેસમેન છે કોઈ ઇમ્પોર્ટંટ મીટિંગમાં હશે. મારી દીકરીની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા સવાર સુધી તારી રાહ જોઈ પણ તારો ફોન ચાલુ ના જ થયો. પછી ના છુટકે એને અંતિમસંસ્કાર માટે લઈ ગયા. મારી દીકરીની કદી કોઈ ફર્માઇશ નહોતી રહેતી. જે આપ્યું તે ખાઈ લેતી. જે આપતા તે પેહરી ઓઢી લેતી. . અને આ એની આખી જિંદગી ની એક માત્ર માંગણી પણ અમે ના પૂરી કરી શક્યા.. ". અને અફાટ રૂદન થી તમારી ચોડી છાતી રીતસર ફાટી ગઈ. . તમને જાણે પગમાં ખીલા ઠોકી દેવામાં આવ્યા હતા. . તમારી આંખો સુકાઈ ગઈ હતી અને અવાજ બેસી ગયો હતો. અને તમને જાણે પક્ષાઘાત નો હુમલો થયો હતો. માત્ર " નેત્રા.. . " એટલું જ બોલી શક્યા. . અને હવે તમે ગમે તેટલું ચિલ્લાતા,ચીખતા પણ કોણ તમારૂં સાંભળવાનું હતું હવે. .

ઉપરવાળા પાસે તમે મોત માંગી પણ એ તમને ના મળી. કેમકે તમને જીવાડવુ એ જ તમારી સજા હતી. મોત આપી ને છૂટકારો આપી દે એવા ન્યાય ઉપરવાળા ને ત્યાં નથી જ થતા .

તમે રોજ ચિખો છો ચિલ્લાઓ છો, માથુ કુટો છો, પોક મૂકી ને રડો છો. . પણ નેત્રા નો પ્રતિઉત્તર કદી નથી આવવાનો. . કેમકે તમારા વ્હેમ તમારી શંકા અને તમારા ગુસ્સા એ બધું સાચે જ ખતમ કરી નાંખ્યું હતું ...

સમય બહાકર લે જાતા હૈ

નામ ઔર નિશાન

કોઈ હમ મેં રહ જાતા હૈ

ઔર કોઈ અહમ ઔર કોઈ વહમ મેં...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED