તેરી મહેરબાનીયા.... dr Irfan Sathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેરી મહેરબાનીયા....

~~~~~~તેરી મહેરબાનીયાં~~~~~~~

હરિશ પટેલ, મધ્ય ગુજરાતનાં એક નાનકડાં ગામડાંનો યુવાન . ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજુયેટ થયો હતો . પણ બેકારી એને અમદાવાદ ખેંચી લાવી હતી . સહપાઠીઓએ એની આર્થિક પરિસ્તિથિ જોતા કહયું હતું કે હરિયા અહિં આવીજા . કોઈક કોચિંગ ક્લાસમાં કે ગમે ત્યાં કામ મળી જશે . અને સહપાઠીઓના ભરોસે હરિશ અમદાવાદ આવી ગયો હતો . પણ અહીં શહેરમાં આવીને ડાર્વિનનો " અસ્તિત્વ માટેનો સંઘર્ષ" વાળો નિયમ હરિશને બરાબર સમજાયો. જે મિત્રોએ કીધું હતું મદદ માટે એમાંથી કોઈક કહેતું કે પત્નિ બિમાર છે. કોઇકનાં છોકરાંને સ્કુલનાં ફોર્મ ભરવાના , કોઈકનો બોસ ઓવરટાઇમ કરાવડાવે છે . .બે દિવસ તો ખાવાં પીવાં રહેવાનું થઈ ગયું . પછી આ બધી ગાથાઓ શરૂ થઈ . પૈસા તો પાછાં જવાનાં પણ માંડ હતા .અને ઘરની એ પરિસ્તિથિ હતી જ નહીં કે પરત જઈ શકતો ! એની પાસે સ્ટેશન પર રાત ગુજરવા સિવાય કોઈ જ ચારો નહોતો . આટલો હોંશિયાર યુવાન કિસ્મતને કોસતો છાપાં બિછાવીને થેલાનું ઓશિકું બનાવી આડો પડ્યો. એમાં એનાં બે જોડી કપડાની સીક્યૂરિટી પણ થઈ જાય એમ હતું . મચ્છર અને હતાશા હરિશને ઊંઘવા દેતા નહોતાં . ત્યાં જ બાંકડા પર કોઇકનું ભુલાયેલુ છાપું એની નજરે ચઢયું . રાતી આંખોને જાણે સહારો જડી ગયો. લીટીલીટી વાંચતા જાણે અંધારામાં આગીયો નજરે પડ્યો !

" ચોકિદાર જોઇએછે , રહેવા-જમવાનું મફત , બે હજાર વેતન " ટચૂકડી જાહેર ખબર વાળાં પાના ઉપર એના ડોળા સ્થિર થયાં .

ગામડાંના હરિયામાં ઘરે પરત ફરવાની લાયકાત પણ નહોતી . " અને શું મોઢું લઇને ઘરે જવુ?? કોશિશ તો કરીયે ". સ્વગત: હરિયો મનમાં બબડયો. છાપાંની જાહેર ખબરમાં સ્ટેશન પાસેનું જ એડ્રેસ લખેલું હતું !

ટ્રેનના વ્હિસલનો ઘોંઘાટ, મૂસાફરોનો કોલાહલ અને ફેરિયાઓની "ચાય...ગરમ ચાય.." વાળી બુમો વચ્ચે એ પડખાં ફેરવતો રહયો . સવાર પડતામાં જ છાપાંનાં સરનામા પ્રમાણે ગુલાબચંદ શેઠનાં બંગલા ઉપર પહોંચી ગયો . બરાબર સવારનાં આઠ વાગ્યે મોટો લોખંડનો ગેટ ખુલ્યો . અને એક ઘરડા કાકા બહાર નિકળ્યા. હરિયાએ કાકાને છાપાં વાળી વાત કરી . " શેઠ પૂજામાંથી ઉઠે એટલે વાત કરું " ઘરડા ચોકિયાતે બીડીનું ઠૂંઠૂ હોલવતા જઇને કહ્યું .

દેખાવે જ સજ્જન અને સાદગીથી ભરેલા ગુલાબચંદ શેઠ હરિયાની લાયકાત જોઈ ખુશ થયા . અને કાકાની ઈમાનદારીની વાતો અને ચાળિસ વર્ષ નોકરીની વાતો કહી . "કાકા અમારા ઘરનાં સભ્ય બની ચુક્યા છે . પણ ઉંમરનાં કારણે અને પૂત્રની ઇચ્છાને માન આપીને કાકા વતન પરત જાય છે.""આવી બધી અનેક વાતો થઈ અને નોકરી માટે આજથી જ જોડાઇ જવા જણાવ્યું !

શેઠનો મહેલ જેવો બંગલો બહુ વિશાળ હતો . મોટું કમ્પાઉન્ડ હતું અને ગેટ પાસે ચોકીદાર માટે એક રૂમનું ક્વાર્ટર . અંહી બધુ જ બહુ સારુ હતું . સમયથી જમવાનું , શેઠ , પગાર . . બસ સમય પસાર કરવો અહીં અઘરો હતો .

આમ ગમેતેમ કરીને દિવસો વિતતા હતાં . એક દિવસ બપોરે જમીને હરિયો ગેટ પાસે આંટા મારતો હતો . અને એની નજર પડી . એક નાનું ગલુડીયું સમડીનાં મોઢાં માંથી પડ્યુ . ગભરાયેલું ગલુડીયું સીધું એના કવાર્ટરમાં પેશી ગયું .

ખબર નહી કેમ પણ એને આ અબોલ પ્રાણી પોતિકું લાગ્યું . એ લાચાર જીવ ને થોડું વહાલથી હાથ ફેરવીને ખોળામાં બેસાડી ને પોતાને જમ્ચા પછી વધેલી હતી એ રોટલીનાં ટુકડા કરી ગલુડીયાનાં મોઢામાં મુકતો ગયો . અને આ જ જાણે એનો નિત્ય ક્રમ બનવા લાગ્યો હતો .

અને બે:- ચાર દી માં તો જાણે કુદરતની મહેર થઈ હતી હરિયા પર . .

એક તો એની એકલતા દુર થઈ ગઈ. એણે હવે ગલુડીયાનું નામકરણ પણ કરી નાંખ્યુ હતું " મોતી ". નવરાશનો બધો સમય મોતી સાથે ગેલ કરવામાં નિકળી જતો ! હવે મોતીનાં વાળ મોટા થઈ ગયા હતાં. અને થોડું શરીર પણ ભરાયું હતું. અને મોતી હવે સુંદર લાગવાં લાગ્યો હતો ! દિવસે દિવસે હરિયાને મોતી પ્રત્યે લગાવ વધતો જતો હતો. એ રોજ મોતીને બે વાર નવરાવતો . જોડે જ જમવા લઇને બેસતો . એક દિવસ એને ત્યાં કંપાઉંડની બહારનાં રસ્તેથી તૂટેલો દોરો મળ્યો . પોતાનાં વ્હાલા મોતીનાં વાળમાં હાથ પસારતાં જઇને મંગળસૂત્ર જેવા મણકાનાં એ દોરામાં પોતાનું નામ નંબર લખીને મોતીનાં ગળામાં લટકાવી દીધો . કે ક્યારેક વહાલો મોતી ખોવાઈ જાય તો . . .

ઓફીસમાં એક ક્લાર્કની અનિયમિતતાએ હરિયા માટે જગ્યા કરી આપી . હરિયાની લાયકાત જોઈને શેઠ એ ઓફિસની વધારાની જવાબદારી હરિયાને સોંપી . કુશળતા અને સૌમ્ય સ્વભાવને લીધે હરિયો ટૂંક સમયમાં જ ઓફિસનો માનીતો બની ગયો . અને હરિશભાઈ તરીકે ઓળખાવા લાગ્યો ! શેઠ એ હરિશનાં લગ્ન શાંતિ નામની એક ગરીબ પરિવારની છોકરી જોડે કરાવી આપ્યા. અને રહેવા માટે પાસે જ એક ટેનામેન્ટ ભાડે અપાવી દીધું. હવે હરિશ, શાંતિ અને મોતી સારી રીતે દિવસો પસાર કરવાં લાગ્યાં હતાં . શાંતિ દરરોજ ટિફિન તૈયાર કરીને મોકલાવતી . સાંજે ઓફિસથી આવીને મોતીને સાથે લઇને શાંતિ જોડે ફરવા નિકળી પડતો.

ઓફિસમાં હરિશની સલાહથી શેઠ એ અમુક શેર વેંચીને નવા ખરીદ્યા . અને શેઠને કરોડો નો ફાયદો થયો. હરિશની આ કુનેહથી શેઠ ખાસ્સા પ્રભાવિત થયા . હરિયાને એક નવી ઓફીસ ખોલી આપી. અને સ્વતંત્ર મેનેજર બનાવી દીધો.. સાથે લાખ રૂપિયા પગાર કરી આપ્યો કેમ કે હરિશની કુનેહનાં કારણે શેઠ કરોડો કમાવવાં લાગ્યા હતાં . ઓફીસમાં હવે એ હરિશસર તરીકે ઓળખાતો . નિધિ નામની સ્માર્ટ સેક્રેટરી એના ખભા થી ખભો મેળવી કામ કરતી . અને મહેનતુ હરિશ મોટે ભાગે ઓફીસમાં સમય વ્યતીત કરવા લાગ્યો ! સાદા કપડામાં રેહતો હરિયો હવે ઘડીબંધ સુટ બુટમાં જ જોવાતો .અભણ શાંતિ નું ટીફીન હવે હરિયાને બોરિંગ લાગતું. અને એની વાતો બકવાસ અને ગમાર જેવી લાગતી .

પોતાનો મોટાભાગનો પગાર એ નવી સ્ક્રિપ્ટમાં રોકવા લાગ્યો. અને માત્ર છ મહિનામાં એનું નસીબ જોર કરી ગયું કે કરોડોમાં રમવા લાગ્યો .

હવે એને લાલચ લાગી હતી . અને એણે પોતાનો સ્વતંત્ર ધંધો કરવા વિચારી લીધું . શેઠએ બહુ પ્રલોભન આપ્યા કે હરિયો નોકરી ના છોડે . પણ હરિયો એક નો બે ના થયો . અને પોતાની અલગ ઓફીસ ખોલી નાંખી ! ટુંક સમયમાં જ મેળવેલી નામનાનાં કારણે મોટા રોકાણકારોની અવરજવર એનાં ઘરે વધવા લાગી . અને એ હવે હરિશશેઠ તરીકે ઓળખાતો . એને હવે આ ઘર અને આ પત્નિ એનાં સ્ટેટસને અનુરૂપ સહેજ પણ નહોતાં લાગતા . એણે નવો બંગલો ખરીદવાનો અને શાંતિને અમુક રકમ આપીને છૂટી કરવાનો નિર્ણય કર્યો. . શાંતિ એ બહુ કાક્લુદિ કરી કે એ અહીં અલગ પડી રહેશે . પણ એને છૂટી ન કરે . . પણ અભિમાનમાં ચૂર થઈ ચુકેલ હરિશશેઠ એ પૈસાનાં જોરે શાંતિને ઘરભેગી કરી દીધી . . અને તેનાં પૈસા અને પ્રતિષ્ઠાથી અંજાઈ ગયેલી હંમેશા સેક્સી કપડામાં સજ્જ , ફર્રાટેદાર ઇંગ્લીશ બોલતી , તરવરતી હોટ નિધિ સાથે લીવઇન રિલેશનશીપમાં રહેવાનું નક્કી કર્યુ ! બંગલામાં શિફ્ટ થવા માટે અહીંથી પેપર્સ સીવાય કોઈ સામાન તો હતો નહી હરિશ શેઠને છાજે એવો . એટલે એણે બધું મૂકી જવા મનોમન નક્કી કર્યુ . જેને સાથે લઇને ઊંઘતો , જેને સાથે લઇને જમતો અને હંમેશા જેની જોડે મમત કરતો એ મોતીને સાથે લઈ લેવા એક વાર નિધિને કહીં જોયુ . .

" યુક્ક , આ લાળીયો , ? ? કાળી પનોતિ ? ? " આને તો લઈ જવાય કંઈ ?મારે લોકોમાં મજાક બનવું નથી . હોઉન્ડ , શેફર્ડની પેર લઈ આવીશ હું ! "નિધિ એ ઉધ્ધતાઇથી કહી દીધું. અને તેઓ કારમાં બેસી રવાના થયા . એ બેજુબાન પાસે બોલવા શબ્દો તો હતાં નહિં . હાં એની આંખોમાં પાણી જરૂર હતું . અને પડોશીઓએ સાંભળ્યુ હતું કે મોતી આખી રાત રડતો રહયો હતો . અને અઠવાડિયાં સુધી એ ઓટલી પર ગુમસુમ બેસી રહયો હતો !

સમય ઝડપભેર વધી રહયો હતો . હરિશશેઠ જ્યાં હાથ નાંખે ત્યાં સોનું જ નિકળતુ . અને એક તરફ પોતાનાં માલિકની ચિંતામાં મોતી દિવસે ને દિવસે શરીર ગુમાવી રહ્યો હતો. પણ એની સૂંઘવાની શક્તિનાં લીધે મોતી એના માલિકનાં નવા બંગલો સુધી પહોંચી જ ગયો . એકાદ બે વાર ગેટની અંદર ઘુસવાની કોશીશ કરી પણ ચોકિદારનાં ડફણા ખાવા સીવાય કંઈ જ ન મળ્યુ . એ કણસતો કરગરતો ત્યાં જ ગેટ બહાર ગટર પાસે બેસી જતો . અને રોજ નિધિ મેડમ એના ઇંગ્લીશ કૂતરાઓને બિસ્કીટ અને માંસ નાખતીં . પમ્પાળતી એ લાચાર બની જોયા કરતો . અને શેઠશેઠાણીનીં મસ્તી જોયા કરતો . દરરોજ શેઠની ચમકતી કાર નીકળતી અને એ પાછળ દોડતો. અને ચોકિદારનો માર ખાતો . શેઠ તો જાણે હવે સાવ ઓળખતાં જ નહોતાં કેમ કે મોતીમાં હવે માત્ર હાડકાં જ બચ્યા હતા !

કહેવત છે ને કે સમયને પલટાતા વાર નથી લાગતી . ઉપર વાળો નવ્વાણું દીવસ તમને આપે પણ એક દીવસ એની પાસે રાખે છે . હરિશશેઠને એક ઓફર મળી . એક નવી કમ્પનીનાં દસ ટકા શેર ખરીદે તો બોર્ડ ઑફ ડિરેક્ટરમાં સ્થાન અને પચાસ ટકા શેર ખરીદે તો કમ્પનીનાં M D બનવાની . લાલચુ સ્વભાવનાં હરિશશેઠ આવી લલચામણી ઓફર માટે પોતાની જાતને રોકી શક્યા નહિ .માર્કેટમાંથી બધું રોકાણ ખેંચીને અને ખૂટતી રકમ બંગલો પર ફાયનાન્સ કરાવીને પચાસ ટકા શેર ખરીદી લીધાં . અને બોમ્બેમાં પોતાની માલિકીની કંપની જોવા જવા નિધિ સાથે પ્લાન કરવા બેઠો હતો . ત્યાંજ ટીવીમાં સમાચાર આવ્યાં કે આલ્ફા પ્રોટિન્સ નામની ફ્રોડ કંપની કરોડો ની છેતરપિંડી આચરીને જતી રહી છે "

હરિશશેઠનાં પગ તળેથી જમીન સરી ગઈ. જાણે ભુકંપનો ભયંકર આંચકો આવ્યો હોય એમ શૂન્યમનસ્ક થઈ ગયા . .

આમને આમ મહિનો વીતી ગયો . અને હતાશાંને લીધે શેઠનું ઓફીસ જવાનું પણ બંધ થઈ ગયું હતું . સ્વભાવ એકદમ ચીઢીયો થઈ ગયો હતો . અને લેણદારોનાં ફોન જંપવા દેતા નહોતા . ફરી જૂના શેઠ પાસે જવાનુ નક્કી કર્યુ . કેમકે હવે હાથ પર ખાવાનાં પણ પૈસા નહોતા ! અને બંગલો સોંપી દેવો પડે એની મોહલત થઈ ગઈ હતી . રાતોરાત સડક પર આવવાનાં વિચારથીજ ધ્રુજવા લાગતો હતો હરિશશેઠ .

શેઠને મળવા જવા કાર કાઢી . અને રાબેતા મુજબ એ કાળુ હાડપિંજર કૂતરુ કારને ચાટીને એની પાછળ પાછળ જવા બીજી સાઇડ જવા કરતુ હતું ત્યાં જ હતાશા અને ગુસ્સામાં હરિશશેઠ ચિલ્લાયા. , સવારસવારમાં કાળી પનોતિ . . જ્યારથી અહીં આંગણે આવીને ભસ્વાનું ચાલુ કર્યુ છે મારા માઠા દિવસો બેઠા છે . . ગુસ્સામા એસ.યૂ.વી નાં તોતિંગ પૈડાં એ કાળા હાડપિંજર પર ચઢાવી દીધા . . . થોડુંક જ બાઉ બાઉ થયું અને અવાજ સમી ગયો ! !

ગુલાબચંદ શેઠે કાપીને ના પાડી દીધી .અને હરિયાને એહસાન ફરામોસી માટે આડે હાથે લીધો અને બહુ બુરૂ ભલુ સુણાવ્યુ .

તકવાદી નિધિ પણ બે દિવસથી જતી રહી હતી . મોઢું લટકાવીને નિરાશ વદને જે સોંપી દેવાનો છે એ બંગલાની દિવાલોને તાકતો હરિયો સોફા પર ઢળી પડ્યો હતો . .

લગભગ બેસુદ્ધ અવસ્થામાં પડેલો હતો અને અચાનક ફોનની ઘંટડી રણકી . .

" હરિશ પટેલ બોલો છો ? હું મ્યુ ન્સિપલ કોર્પોરેશન થી બોલું છુ , આપનો કૂતરો નંદનવન સોસાઇટીનાં વ્રજ બંગલો પાસે મરેલો પડ્યો હતો. એનાં ગળામાં આપનો નંબર નામ લખેલ છે .તો જો આપનો જ હોયતો નિકાલ કરાઈનાં ત્રણસો રૂપિયા સૂધરાઇ ખાતામાં જમા કરાવી દોરો લઈ જશો "

અને એને યાદ આવ્યું કે એક વાર મળેલો દોરો એને મોતીનાં ગળામાં નામ નંબર લખીને બાંધી દીધો હતો! " દોરો તો લઇ આવું , પણ બીજા કોઇકને કરડી ગયો હશે તો મારે નવી ઉપાધિ થશે .અને એટલેજ આ પાલિકા વાળાઓએ સામેથી ફોન કર્યો હશે ! " સ્વગત: બડબડ્યો.

દોરો લઇને આવીને પાછો ઘરમાં બેઠો અને દોરો બાળી નાખવાનું નક્કી કર્યુ . પણ બે દિવસથી ભૂખ્યાં શરીરમાં ઊભુ થવાની તાકાત નહોતી. અને એ એમજ.સુઇ ગયો . અને થોડું માંડ આંખ મિચાઇ એટલામાં તો ડોરબેલ વાગ્યો . . માંડમાંડ ઊભો થઈને જોયું તો પેલો સોની ફાયનાન્સર હતો . હરિયાનાં પગ તળેથી જમીન ખસી ગઈ . ગભરાટનાં માર્યો દરવાજો ખોલવા ગયો. . મનમાં નક્કી કરી નાખ્યું હતું કે આ બંગલાનાં દસ્તાવેજ કરી આપવાનાં આજે જ કેમકે હવે પૈસાનો બંદોબસ્ત અશક્ય હતો . .

સોફા પર બેઠા હતા અને અચાનક સોનીની નજર પેલા સેન્ટર ટેબલ પર પડેલ દોરાપર પડી . અને હાથમાં લઈ ને બોલ્યો " હરિશશેઠ , ઠાઠ તો તમારો હોં , અસલી હિરો આમ ફેંકી રાખો છો . તો આ બધા નાટક . . પાર્ટી ઉઠી ગઈ અને એ બધુ.,? તમેતો ભારે ખેલાડી નિકળ્યા હો . ? ઇનકમ ટેક્ષ થી બચવા કે . . ??કહેવું પડે હોં શેઠ " અને સોની મોટેથી હસવાં લાગ્યો . .

હરિયાને કંઈ સુઝ નહોતી પડતી. એને મજાક લાગતી હતી ત્યાં જ સોની હાથમાં હિરો લઇને બોલ્યો . . " ચાલો આનો નિકાલ કરવો છે બોલો ? ? આપણું જે ફાયનાન્સ છે એના ઉપર બે કરોડ લઈ લ્યો . . નહી ? ? ચાલો અઢી રાખો અને ફાઇનલ કરો . . લો આ ચેક અને હવે એક પણ શબ્દ આગળ બોલસો નહિ "

બંગલો બચી ગયો અને ઉપર અઢી કરોડ , હરિયાને વિશ્વાસ નહોતો બેસતો પોતના નસીબ પર!

તો મોતી રોજ એ અમાનત પરત આપવા આવતો હશે ? અને હું ડફણાં મારીને રોજ ભગાડી દેતો . . . ? ? રડવા માટેની લાયકાત ખોઈ ચૂક્યો હતો હરિયો . .

પોતાના કમ્પાઉન્ડમાં મોતીની સમાધિ બનાવી , જ્યાં દીવો તો રોજ બળતો હતો એ બેજુબાન માટે... પણ ભસવાનો અવાજ હવે ક્યારેય નહોતો આવવાનો . . . .