વરસો આગળના પાછળના Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસો આગળના પાછળના

વરસો આગળનાં પાછળનાં

હરીશ મહુવાકર

વહેલી ઉઠાડી હતી અનમોલને. કમને એણે પોતાનું થોડું કામ કર્યું. અનિચ્છા છતાં અમારે એને તૈયાર કરવી પડી. સવારે વડોદરા જવા આઠની બસમાં અમે બેઠાં ત્યારે અનમોલને નિરાંત થઇ.

અનમોલ ઘડી વાર ખોળામાં બેઠી. નીચે ઉતરી. એની મમ્મી પાસે ગઇ. બારી બહાર જોવા લાગી. મમ્મીનો દુપટ્ટો ખેંચ્યો. મારી પેન લીધી. આંખો ઉપરનીચે કરી ડાન્સ કરતી હોય તેમ શરીરને હલાવ્યું. મારા ખોળામાં બેસીને શરીરને લંબાવ્યું. મારી દાઢી પર હાથ ફેરવ્યો. મજા પડી. રમત થઇ. ખરબચડું લાગ્યું એટલે મારી સામે ફરી, એના માથાને મારા માથા સાથે હળવેથી અફળાવ્યુ . પોએમ્સ ગાવા માંડી. બસમાં ગીતો વાગતાં હતાં તેની સાથે ઝૂમવા માંડી.

એ કંઇક ને કંઇક પૂછ્યાં કરતી અમને ને અમે એને જવાબો આપતા રહેતા ને એ રીતે વાતો કરતા રહ્યાં. ઠંડક વધી સ્હેજ. હલનચલન ઓછું થયું. એને મારા ખોળામાં સરખી બેસાડી માથા પર હાથ ફેરવવા માંડ્યો ને થોડીવારમાં તે ઊંઘી ગઇ – સાવ નિશ્ચિંત બનીને. અમે પણ નિશ્ચિંત બની ગયાં. વહેલી ઊઠી હતી. હવે મજેથી નીંદર કરશે એથી ઉત્પાત પણ એટલો ઓછો રહેશે.

દિકરીના પિતા હોવું એક સુખદ ઘટના છે. મારી દિકરી અનમોલના આવવાથી મારી જિંદગી બદલાઇ. નવો દ્રષ્ટિકોણ મળ્યો અને હવે જગત પહેલાના કરતાં મજાનું લાગે છે. કેટલી બધી બાબતોની ગહનતા હાથ લાગી ! અણસમજાયેલું સમજી શકાયું. લાગણીઓની પરિભાષા અને તેનું મૂલ્ય હૈયાવગુ કરી શકાયું.

અનમોલ અત્યારે છ વર્ષની છે. ખૂબ વ્યસ્ત હોઉં છતાં એના માટે અચૂક સમય કાઢી લઉં. બહાર ફરવા કે બગીચામાં અમે જઇએ. ઘરઆંગણે દોડમદોડી કરીએ. તે કહે તે હું રમું ને હું કહું તે એ રમે. વાર્તાનું પણ એવું જ. એ મને વિષય કે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કે તેને ગમતી વસ્તુનું નામ કહે તેની વાર્તા મારે બનાવવાની અને સંભળાવવાની. તેની શાળા, શિક્ષક અને દોસ્તોની વાતોથી મારું મન હિલ્લોળાયા કરે – ભર્યા ડેમનાં પાણીની માફક. ઘર આખાનું અસ્તિત્વ ચંચળતા, મજા-મસ્તી, નિર્દોષતા, આતુરતા અને કલ્લોલથી વીંટળાયેલું રહે.

સતત ખેવના રાખું દીકરીની. એના વિકાસની ચિંતા હરપળ રહે. એના ગમા-અણગમાને પામતો રહું સતત. એનું વલણ, એની ક્રિયા-પ્રતિક્રિયા નોંધુ. દિવસ આખો ધમાચકડી કરી રાત્રે શાંતિથી સૂઇ જાય ત્યારે ખૂબ વ્હાલ ઊભરાઇ આવે તેના નિર્દોષ ચહેરાને જોઇને. કોઇ દૂરની દુનિયામાં સરી પડાય.

મારી જમણી બાજુની સીટ પર મારા પડોશી મિ.બેનરજી અને તેની દિકરી રેણુ બેઠાં હતાં. રેણુનું મન ચંચળ હોય તેમ લાગી રહ્યું. બારી બહાર નજર કરે, મેગેઝીનનાં પાના ઉથલાવે, આંખો બંધ કરે, શરીરને લંબાવે, પગને હલાવે. વળી, આંખો ખોલી વાળની લટને સરખી કરે. વારેવારે ડેડીને જોયાં કરે. ડેડી સામે જૂએ ત્યારે એ અહીંની દુનિયામાં ન હોય એમ લાગતું. કોઇ દૂરની દુનિયાનું અસ્તિત્વ એનામાં આવી જતું હોય તેમ લાગતું. એ મરક-મરક હસી પડતી ને વળી મેગેઝીનનાં પાના પર આંખો સ્થિર કરતી.

મિ. બેનરજી ઊંઘતા હતા. ચહેરો સ્થિર અને શાંત. કોઇ સમાધિસ્થ ઋષિ લગતા હતા. ક્યારેક ચહેરા પરની ચમક વધતી, કોઇ ભીતરી ભાવો ઉપસી આવતા હોય તેમ ! એકદમ નિશ્ચિંત અને હળવા લાગતા હતા. મને મજા પડી. હું રેણુ અને મિ.બેનરજીને અવાર-નવાર જોયાં કરતો હતો. બસમાં ગુંજતાં મધુર ગીતોને લીધે મારું મન ગતિ કરી રહ્યું. એ કઇ દિશામાં ઉડતું હતું તેની સમજ પડતી નહોતી. કોઇ જગ્યાએ હું ખેંચાતો હતો. અનમોલના માથા પર હાથ ફેરવવા લાગ્યો. રેણુ અને મિ.બેનરજી મારામાં પ્રવેશી ગયાં. પછી કિન્નર-લોક ઊઘડી આવ્યો. શાશ્વત આનંદ મળી રહ્યો. આગળનાં વરસો ધીમે ધીમે ખૂલી રહ્યાં.

કોઇપણ બાબત લાંબી ટકતી હોતી નથી. સ્થિતિ તુરંત બદલાઇ જાય છે ને ! સુમધુર ગીતોની જગ્યાએ ઉદાસીન, કરુણ ગીતો વાગવા માંડ્યાં. રેણુ પર તેની અસર પહેલા થઇ. ચહેરો અને આંખો ખેંચાયા ને તંગ થયાં. બસની છતને તાકી. સરખું ન બેસી શકાયું હોય તેમ સહેજ ઊભી થઇ ડ્રેસ સરખો કરી, ટટ્ટાર થઇ બેઠી. મોં પર હાથ ફેરવ્યો. ચીકાશ વધી હતી. દુપટ્ટો ફેરવ્યો. શરીરને લંબાવ્યું. હાથને ખોળામાં રાખી આંખો બંધ કરી. હૃદયમાં મૂંઝારો થતો હોય તેમ લાગ્યું. બારી ખોલવા જેવું કર્યું. કશુંક શોધતી હોય તેમ ડોક ફેરવતી રહી.

મારામાં ઉદાસીનતા આવવા માંડી. મન વ્યાકુળ થયું. રેણુ મારામાં પ્રવેશી જાણે. શરીર ઢીલું થયું. ઊંડો શ્વાસ લેવા માંડ્યો. કપાળે પરસેવો બાઝ્યો. ગળું સુકાયું. અનમોલની મમ્મી મારી આ સ્થિતિથી અજાણ હતી. એની આંખો બંધ હતી. લગભગ સૂઇ ગઇ હોય એમ લાગતું હતું. એને ખલેલ ના પહોંચે એમ પાણીની બોટલ લઇ અનમોલ પણ ન જાગે તેની કાળજી રાખતા પાણી પીધું. સારું લાગ્યું. શરીર હળવું થયું.

કરુણ ગીતોથી ઉદાસીનતા ઘેરી થઇ. ડ્રાઇવર આવાં ગીતો શા માટે વગાડતો હતો એનું આશ્ચર્ય થતું હતું. ખુશીના માહોલને બદલી નાખવાનો એને શો અધિકાર હતો ? ઘડીભર થયું, લાવ કહી દઉં કે આવાં ગીતો વગાડવાનું બંધ કરે. પણ એમાં એનો શો વાંક ? એ એને ગમતું કરે. રોજનું થયું. એણે જવા-આવવાની રોજિંદી એકલતા ટાળવાને સાવ અજાણપણે આવાં ગીતોની કેસેટ ચડાવી. એકવિધતા હોય. અમે ભાવાવેગમાં આવી ગયાં. સામેલ થયાં એ અમારો વાંક કહેવાય. એનામાં આવા ભાવ આવ્યા હશે ? એ પળે ગીત ગુંજી ઊઠ્યું :

‘ બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે,

મઇકે કી કભી ના યાદ આયે, સસુરાલ મેં ઇતના પ્યાર મિલે...’

અત્યાર સુધી જાળવી રાખેલા સર્વ બંધનો તૂટી પડ્યાં. રેણુની આંખો ઊભરાઈ. કાબુમાં રાખવાની કોશિશ ઘણી કરી જોઇ, પણ ઝરો પાતાળમાંથી નીકળ્યો હતો. જબરો ઉત્પાત મચી રહ્યો. બાળપણની દુનિયા એને ખેંચી ગઇ. ડેડીનો લગાવ જ એના આંખમાંથી બહાર આવ્યો હતો.

મારી સ્થિતિ રેણુ કરતાં જુદી નહોતી. રેણુ અને મિ.બેનરજીને જોયાં કર્યા. અનમોલને પણ જોઇ લેતો. આ બધા ભાવજગત વચ્ચે મિ.બેનરજી હજુય ઊંઘતા હતા. તેમને ક્યાંથી કશી ખબર હોય ! શું આટલા બધા એ દૂર જતા રહ્યા હશે કે પોતાની દીકરીનાં સંવેદનોય પામી ન શકે ? મેં મનને વાર્યું. મિ.બેનરજી પ્રત્યે સહાનુભૂતિ થઇ. દીકરીની નિશ્ચિંતતાથી એને સંતોષ હતો, કદાચ એટલે જ એમના મનમાં કોઇ બાબત પ્રવેશી નહિ હોય. બચપણથી લઇ આજ દિવસ સુધીની યાત્રા એટલી તો સભર હશે કે ત્યાં કોઇ કમી મહેસૂસ નહિ થતી હોય. મિ.બેનરજી તમે કેટલા ધન્ય છો ! મેં મને જ કહ્યું : ‘સાચું સુખ હતું આ. ખુશી સર્વ હતી આ. વ્હાલસોઇ દીકરીને પરણાવી તેની ખુશી મેળવવી એ શું જીવનનું સર્વસ્વ નથી ? પહાડ નદીને મુક્ત કરતો હશે ત્યારે એનેય કદાચ આ લાગણી જ અનુભવાતી હશે.’

મેં મને મિ.બેનરજીની જગ્યાએ મૂકી જોયો અને રેણુમાં અનમોલને મૂકી. આગળનાં આવનારાં વરસોની કલ્પનામાં મન વિશાળ આકાશ બની ગયું – અનેક તારકો, ગ્રહો, નક્ષત્રોથી ભર્યું ભર્યું.

હોલ્ટ આવ્યો. અનમોલને મેં એની મમ્મીના ખોળામાં મૂકી. એ જાગી ગઇ. મારી સાથે નીચે ઊતરી. ફ્રેશ કરાવી, બિસ્કીટ લઇ આપ્યાં. એની મમ્મી પાસે એ ચાલી ગઇ. વેફર્સ લઇ રેણુ પણ બસમાં ગઇ. મિ.બેનરજી અને હું રેસ્ટોરાંમાં બેઠાં. મેં ચા પીધી, એમણે સિગરેટના કસ ખેંચ્યા.

  • હાઉ ડુ યુ ફિલ મિ.બેનરજી ?
  • ફાઈન, થેંક યુ.
  • તમને સિગરેટ ફૂંકતા અવાર-નવાર જોઉં છું. ઈટ અફેક્ટસ.
  • નથીંગ ઇઝ લેફ્ટ મિ.દેસાઇ. જીવનને પૂરેપૂરું માણ્યું છે. વોટ એલ્સ આઈ રીક્વાયર !
  • રાઈટ. એ દેખાય છે તમારી દીકરીમાં.
  • થેંક્સ મિ.દેસાઇ, પણ તમે એમ કેવી રીતે કહો છો ?
  • - તમને કશી ખબર નથી. તમે સૂતા હતા ત્યારે રેણુ તમને જોયાં કરતી ને ખુશ થયાં કરતી. તમને ખબર નહિ હોય કે ‘બાબુલ કી દુઆએ..’ ગીત વાગતાં એ રડી પડી હતી. મૂગું મૂગું ઘણું રડી. હું સ્પષ્ટ જોઇ શકતો હતો. તમારા પ્રત્યેનો એનો ભાવ જોઇ શકાય. તમે ખરેખર ખુશનસીબ છો આવી લાગણીશીલ સ્નેહાળ દીકરીને પામીને.

  • આઈ ટુ વેપ્ટ મિ. દેસાઇ. હું પણ રડ્યો.
  • મને આશ્ચર્ય થયું. ધારણાથી ઊલટું થયું કે ધારણા મુજબનું તે જ ન સમજાયું. હવે ખબર પડી કે ઉપર દેખાતા શાંત ચહેરામાં ઊંડે ઊંડે કોઇ દર્દ હતું, જે મારાથી ન પામી શકાયું.

  • શા માટે ?
  • માઠું નહિ લગાડતા, તમારી પાસે જરા હૈયું હળવું કરું તો.
  • પછી પહેલા વરસાદના આગમન બાદ અહીંતહીં ન દેખાયેલાં અનેક બીજ લીલું ઘાસ બની ઊગી નીકળે તેમ અનેક વસ્તુઓ મારી સામે આવી. રેણુ છવ્વીસની થયેલી ને એ ચોપનના. એકમાત્ર સંતાન. લાડકોડથી ઉછરેલી. નહવડાવવી, કપડાં પહેરાવવાં ને વાળ ઓળી દેવા સુધીનું જતન કર્યું હતું. ચોકલેટથી લઇ રમકડાં અપાવ્યાની ખુશી અરસ-પરસ મળી હતી. પહેલી વખત બાર્બી ડોલ મળેલી ત્યારે એ એને લઇને સૂતી હતી તે ક્ષણોનો આનંદ અકબંધ. બાર્બીના કપડાં, ફર્નીચર, ઢીંગલીઓથી ઘર ભરી આપેલું. નવાં કપડાં-રમકડાં હરદમ. પછી ટ્રાઇસિકલ, સાઇકલ ને મોપેડ સુધીની સવારી. એ સ્પષ્ટ ભાષા બોલતા એથી રેણુની ભાષા પહેલેથી સ્પષ્ટ રહી. ઘરની દીવાલો પરનું ચિતરામણ એને પેઈન્ટીંગના ક્ષેત્ર સુધી લઇ ગયું. અક્ષરો સાફ-સુથરા નીવડ્યા. પહેલી વખત એનું શાળાએ જવું, એકલા મૂકીને આવવું આકરું થઇ પડેલું. વહેતી નદી અટકી ગઇ હતી જાણે. શાળાએથી હસતી-કૂદતી બહાર આવી ત્યારે જીવ સંધાયો. શાળા, હાઇસ્કૂલ ને કૉલેજ મોસમી ઘાસ-ફૂલ માફક ઝડપથી ગયાં.

    મિ.બેનરજી ઊઘડ્યા હતા. નદીનો પટ વિસ્તર્યો હતો. ઉપરવાસ બરફ પીગળવાને લીધે વહેંણ વિસ્તર્યું હતું ને ફોર્સ પણ વધ્યો હતો. પહાડને પણ નિર્બંધ થવું હતું. પણ મારી ધીરજ ગઇ. હું તણાયો. મિ.બેનરજીને પકડ્યા સિવાય બહાર આવવું અશક્ય થઇ પડ્યું. બાવડું પકડી જ લીધું.

  • બટ વ્હાઈ ડીડ યુ વીપ મિ. બેનરજી ?
  • - કમિંગ કમિંગ મિ. દેસાઇ ; એ દિવસ યાદ આવે છે. એ નાજુક હતી, માત્ર ત્રણ વરસની નાની અમથી જીદ કરી બેઠી. મારા હાથ એના ગાલ, પીઠ અને પગ પર ગયા. હું રાક્ષસ થઇ ગયો હતો. સોળ ઊપસી આવેલા. આજેય મારા હૃદયમાં એ છે. એ પછી મારા આખા શરીરે કાંટા ઊગ્યા. હું બેસી રહ્યો. ન રહી શક્યો. એને તેડી લઇ હું નીકળી પડ્યો ઘરની બહાર. બગીચામાં ફેરવી. ઘોડેસવારી કરાવી. ચકડોળમાં બેસાડી. આઇસક્રીમ ખવડાવ્યો. ચોકલેટ ને નવાં રમકડાં આપ્યાં. અનેક વાનાં કર્યા, પણ બોજ હૃદય ઉપર રહ્યો જ. પણ એ તો તદ્દન ભૂલી ગઇ બધું. બધે આનંદ લેતી રહી. હળવા ફૂલશી ઊઘડતી રહી. પતંગિયું બની નવાં નવા ફૂલ પર બેસી મજા માણી. ઘરે પાછા ફર્યા ત્યારે હું માંડ માંડ પેલી રાક્ષસી દુનિયાને દૂર દૂર હડસેલી શકેલો. રાત્રે એ સૂઇ ગઇ ત્યારે એના ચહેરા પર હાથ પસવારતા ડર લાગ્યો. જાતને ખૂબ કોસતો રહ્યો.

    મિ. બેનરજીનું પકડેલું બાવડું ગતિમાન પ્રવાહમાં છૂટવાની અણીમાં હતું. એમની આંખો સજલ થઇ, મારી પણ. બસનું હોર્ન સાંભળ્યું. બસ આગળ ચાલી. મિ. બેનરજી સાથે હજુ મારે વાતો કરવી હતી. મેં શ્રીમતીને કહ્યું. એમણે મિ.બેનરજીની જગ્યા લીધી ને મારી વાતો આગળ ચાલી.

    એ ગંભીર પ્રકૃતિની છે. દરેક બાબતને બરાબર જુએ, જાણે અને ઠાવકાઇથી કામ કરે. કોઇ વખત અમસ્તુંય સૂચન કર્યું હોય તો એના દિમાગમાં વસી જાય. મારા થાક, ગમા-અણગમા, રુચિ-અરુચિને એ પામી જાય છે. કોઇ તકલીફ પડવા દીધી નથી મને. આનંદથી એ રહી છે; પરંતુ હવે નથી હોતી ત્યારે...

  • ત્યારે ?
  • - ખૂબ યાદ આવી જાય છે. એનાં ડ્રેસ, પુસ્તકો, ચપ્પલ, ફોટા અને અનેક લાવેલી વસ્તુઓ જોઉં ત્યારે હૈયું કાબુમાં રહેતું નથી. કોઇને ખબર નથી હોતી અને ગેલેરીમાં છાપું લઇ વાંચતાં રડી લઉં છું.

    મને યાદ આવે છે. અનમોલ અને હું આંગણામાં રમતાં હોઇએ ત્યારે મિ. બેનરજી અચૂક એમની ગેલેરીમાં આવીને બેસે. સામાન્યતઃ એ પોતાનામાં વ્યસ્ત રહેતા હોય છે એથી એમને કે કોઇને ખલેલ નહિ પહોંચાડવાનો મારો સ્વભાવ રહ્યો છે.

    ‘ડેડી, મને તમારી પાસે બેસવું છે.’ અનમોલે મારી પાસે આવીને કહ્યું. મેં એણે ખોળામાં લીધી.

    ‘ડેડી મને ભૂખ લાગી છે.’ એની મમ્મીએ થેલામાંથી બિસ્કીટનું પેકેટ કાઢી આપ્યું.

  • આવો બહેન, તમે અહીં આવી જાવ.
  • ના, ના, મિ.બેનરજી; કોઇ પ્રોબ્લેમ નથી. પ્લીઝ, વાત ચલાવો આપણે. મને એ કહો, રેણુ યાદ આવે ત્યારે તમે શું કરો છો ?

    બચપણથી લઇ આજ સુધીની શક્ય તેટલી સ્મૃતિઓ સાચવી છે. આલ્બમ લઇને બેસું ને ક્ષણ પછી ક્ષણનો સરવાળો થતો રહે છે. તાદૃશ્ય થઇ જાય બધું ને આનંદ આનંદ જ મળે, પણ એ હવે અહીં નથી એવું સતત થાય. એકલતા આકરી લાગે. એની ચિંતા થવા માંડે. વળી, એની દરેકે દરેક વસ્તુ સાથે જોડાયેલ યાદ સળવળે. હૃદય ઠંડુંગાર થતું લાગે. શ્વાસ થંભતો અનુભવાય. અટવાઇ જવાય. ગૂંચવાયા કરું. શ્રીમતી વારે-ટોકે, બાજુમાં આવી સહારો આપે, બધું નકામું થઇ જાય. પછી ફોન હાથમાં લેવાઈ જાય ને વાત કરી લઉં. એની ખુશીની વાતો સાંભળી એકલતા ક્યાંયની ક્યાંય ઊડી જાય, જાણે હતી જ નહીં એમ. અને ટકી જવાય છે.

    - ડેડી, મમ્મીને બોલાવોને, પ્લીઝ...

    - થોડીવાર બેટા હોં; ok ? અંકલ હમણાં જતા રહેશે.

    - પણ સાચું કહું મિ.દેસાઇ, મને તમારી ઈર્ષ્યા આવે છે. કહેતા કહેતા એમણે અનમોલના માથા પર હાથ પસવારી માથું થપથપાવ્યું.

    હું ચમક્યો. આ તબક્કે પણ આ માણસમાં ઈર્ષ્યા ! પણ મારા હાવભાવની એમણે કોઇ નોંધ લીધી નહિ. વાત ચાલુ રાખી :

    - મારી ઘણીય વખતની ઉદાસીનતામાં તમે મને જાળવ્યો છે. આનાથી વધુ આશ્ચર્ય તે એ કે માણસ ઘણો સંકુલ હોય છે તેવું સાંભળેલું. અત્યારે તે યથાર્થ લાગ્યું. ભાગ્યે જ એમના ઘરે ગયો હોઇશ હું અને એ મને સંભળાવે કે હું એની ઉદાસીનતામાં એમને જાળવી લઉં છું.

    - તમે સાંજના વખતે અનમોલ સાથે રમો છો. સાઇકલ પાછળ દોડતા હો છો. સંતાકૂકડી રમતાં હો છો – ફૂટબોલ કે લંગડી કે કૂદમકૂદ, દોરડાકૂદ કે દડાફેંક, તમારી એ મસ્તીભરી ચિચીયારીઓ, આશ્ચર્ય આનંદના એ ભાવ, તમારું સાચુંખોટું રીસાવું, છેતરાઇ જવું – છેતરવું મેં ઝીણવટથી જોયું છે એની તમને નહિ ખબર હોય. તમને જોતાં જોતાં હું તમારી જાતમાં ઊતરી જાઉં છું. અને અનમોલ રેણુ બની જાય છે. તમારો સ્વર્ગીય આનંદ મારો આનંદ બની રહે છે. મને ખોવાયેલાં, પાછળ રહી ગયેલાં વરસો મળી આવે છે.

    ઓહ મિ. બેનરજી ! આમ તો કદિ મેં વિચાર્યું જ નહોતું. હું એમને તાકી રહ્યો. શું બોલવું તે કંઇ સૂઝ્યું નહિ. કોઇ શબ્દો જ આવતા નહોતા. નહોતી આવતી કોઇ કલ્પના.

    - આમ ચાલ્યા કરે છે જિંદગી મિ.દેસાઇ. ચલ બેટા અનમોલ, તારા ડેડી સાથે ઘણી વાતો કરી. બી વિથ યોર મમ્મી, માઇ લવલી ચાઇલ્ડ, ઓ.કે. ?

    ગાલે ટપલી મારતા એ ઉભા થયા. શ્રીમતી આવીને બેઠાં. પણ બાકીની મુસાફરી દરમ્યાન અનમોલ રેણુ-મિ.બેનરજી અને હું અરસપરસ થતાં રહ્યાં. મારું મન આગળનાં વરસો ને પાછળનાં વરસોમાં ડૂબકી લગાવતું રહ્યું.