ખવાણ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખવાણ

વાર્તા

ખવાણ

હરીશ મહુવાકર

પવન તો એનું કામ કરે જ. સતત વહ્યા કરે. પશ્ચિમ દિશાનો પવન દરિયાના મોજાઓને ઉછાળ્યા કરે. ક્ષારવાળો પવન ફરી વળે આસપાસના વિસ્તારોમાં. ભેજવાળું વાતાવરણ રહે. ઠંડક પણ રહે એથી. કરાડો ઊભી છે ને પવન તેની સાથે એકધારો દિવસ ને રાત અફળાયા કરે. દીવાલો ઝીંક ઝીલે છે, હારતી નથી પણ મોજાઓય સાથે સાથે દબાણ કરતા રહે છે ને ડબ્બલ પ્રેશર થાય છે, અને આની સામે ટકવું મુશ્કેલ થઇ પડે છે.

દીવાલોનું ખવાણ થતું રહે છે. એક સમયે દરિયાની અંદર સુધી રહેલો લાઈટહાઉસ પાસેનો ભાગ અત્યારે પાતળો થઇ પડ્યો છે. ચારેબાજુથી એનું ખવાણ થઇ ગયેલું જોઇ શકાય. મૂળ જમીનના ભાગેથી એ છૂટી જવાની અણી પર છે.

ખવાણ કોને કહેવાય તેની સમજ પોતાને માત્ર દોઢ દાયકાથી થઇ હતી. પણ બાપુજીએ ખવાણને આશરે ચારેક દાયકાથી જોતા રહેલા. બાપુજી એને લાઈટહાઉસ લઇ ગયેલા ને આ ભાગ દેખાડેલો અને કહેલું, સમજાવેલું ખવાણ કોને કહેવાય તે. પણ તે વખતે આ ભાગ મજબૂત કરાડો રૂપે ટટ્ટાર ઊભો હતો. પવન ઝપાટાબંધ આવતો, મોજાઓને ઉછાળતો અને મોજાઓ દીવાલો સાથે અથડાઇને ચૂર ચૂર થઇ જતા.

◙ ◙ ◙

આમ તો ગેંગમેનને રેલ્વેના ક્વાટર્સ મળતા હોય છે. સહુ એમાં રહે. કોઇ ઝંઝટ નહિ. ભાડું નહિવત હોય. બદલી થાય તો બીજી જગ્યાએ પણ એવા જ ક્વાટર્સ આપવામાં આવે. પણ ભગતે આંખોમાં સ્વપ્ન આંજી રાખેલા : કોટર તો નોકરી હોય ત્યાં લગી. પછી ? આશરો ? વાંહે છોકરાવનું હું થાશે ?

ટૂંકા પગારમાંય કરકસર કરીને હિંમત કરી. વ્યાજે લીધા. ઉછીના લીધા. પૈસા ગમે તેમ એકઠા કરી લીધું એક નાનકડું મકાન. મજબૂત. નળિયાવાળું. ધાર્યું હતું એવું જ. વધારામાં આંગણે જ કૂવો ને નાળિયેરી.

મોટાભાગના ગેંગમેનના છોકરા જયારે હીરા ઘસી, દહાડી કરી, મજૂરી કરી કોઇ ભોગે કમાણી કરીને લાવતા હતા ત્યારે ભગતના છ સંતાનો અભ્યાસ કરી રહ્યા હતા. છોકરાઓ ભણવા તો જોઇએ જ એવું ભગત માનતા. ખબર નહિ ક્યાંથી પ્રેરણા મળી હશે ! કદાચ ઈન્સ્પેક્શન માટે આવતા બાબુસાહેબોને જોઇને મળી હોય !

મોટો હવે હાઇસ્કૂલ પૂરી કરી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતો હતો. પૈસા હતા નહીં. શહેરનો વસવાટ, પુસ્તકો, ફી, કપડાં ઇત્યાદિનો ખર્ચ ભગત માટે પહોંચની બહાર હતો. છોકરો ભલે ભણતો જ. બાબુસાહેબ બનવો જોઇએ. પણ ભગત લાચાર હતા. પૈસા ક્યાંથી મેળવવા એ ચિંતા હતી. આખરે પૈસા મેળવ્યા. હાથમાં લીધા ત્યારે આંખમાં આંસુ આવી ગયા ભગતને. ખબર નહી શેના હતા. છોકરો ભણીગણીને પોતાની ઇચ્છાઓ પૂરી કરી શકશે એ સ્વપ્નની હોંશના કે પછી બળથી ઊભું કરાયેલું મકાન વેચીને બીજાના હાથમાં મૂકવું પડ્યું હતું તેના તે નક્કી થઇ શકેલું નહીં. પછી મોટો ભણ્યો. નોકરી મળી ગઇ. એ ગોઠવાઇ ગયો. લોન લઇને પરણાવીને ઠેકાણે પણ પાડી દીધો.

છ-સાત વરસ પછી ભગતની આંખમાંથી ફરીથી આંસુ સરી પડ્યા. હવે દિકરીઓ મોટી થઇ હતી. પરણાવવા લાયક બની હતી. આવા વખતે એણે મોટા તરફ મીટ માંડેલી પણ એ વખતે દરિયાઇ પવન એવો તો ફૂંકાયો કે મૂળસોતાં અનેક વૃક્ષ ઊખડી પડ્યા. ભગતના આંગણેથી પણ એક વડલો આખેઆખો ઊખડી ફેંકાઇ ગયેલો. ઘરના છાપરા ઉડાડી દીધા હતા. ઘર વખરી ખેદાન-મેદાન થઇ ગઇ હતી. ભગત જોઇ જ રહેલા. કશું થઇ શકે એમ ક્યાં હતું ?

પીડા એટલી વ્યાપી ગઇ કે ભગતનું આખું શરીર બહેર મારી ગયું. સૂન્ન થઇ ગયા. પછી તો સહેજ વધુ પવન વહેતો કે ભગત ડરી જતા.

◙ ◙ ◙

વાવાઝોડું આવેલું તેણે દરિયાકિનારે પણ ભયંકર તબાહી મચાવી દીધેલી. ભયંકર મોજાઓ ઉછળેલા. દરિયે ગયેલા અનેક હોડકા પાછા ફર્યા નહિ. કિનારે રહેલા અનેક ઝૂંપડાઓને દૂર દૂર ફંગોળી દીધા. પંખીઓના માળા પીંખાઇ ગયા હતા. ખેડૂતોનો માલ ચત્તોપાટ થઇ પડ્યો હતો. નાળિયેરીના ઝૂંડના ઝૂંડ બટકી પડ્યા. કેટલીય જગ્યાએથી કિનારાની ભેખડો ધસી પડેલી. દૂર દૂર સુધી અમુક વિસ્તારોમાં પાણી ફરી વળેલા. નદીના પાણીનેય દૂર હડસેલી દઇ ખારો પટ રચાઇ ગયેલો. લાઈટહાઉસના એ ભાગને પણ વાવાઝોડાએ નબળો પડી દીધો ને કેટલીય જગ્યાએથી એમાં ગાબડા પાડી દીધા.

◙ ◙ ◙

લોકોએ પણ જબરી વાતો ફેલાવી દીધી. ભગતને તો એક જણે આવીને કહ્યું ત્યારે જ ખબર પડી. એ સાવ અજાણ હતા. કલ્પના પણ નહોતી. કિસ્સા તો અનેક સાંભળેલા પણ આવા તો નહીં જ. વિચિત્ર જ કહેવાય.

ક્વાટર્સની આસપાસની જમીન રેલ્વેની હતી. ભગત એમાં થઇ શકે તેવી ખેતી કરતા. અલબત્ત એ ચોમાસા પૂરતી જ સીમિત રહેતી. વાવાઝોડાની કળ વાળવા એણે ઉનાળું ખેતી કરવા વિચાર્યું. બાજુમાં જ સરપંચની વાડી. લીલો કૂવો. ભગત અને સરપંચને સારું બને. એથી સરપંચે જ સામેથી કહેલું એમને.

એ સાલ ભગત કંઇક મેળવી શક્યા. સરપંચની ભલમનસાઇએ એમને મદદ કરી ઊભા થવામાં. મિત્રતા ગાઢ બની. બંને ઘરની સ્ત્રીઓના પણ સગપણ નીકળ્યા ને સંબંધોમાં મીઠાશ વધી, ને એ દોરી ગઇ તેમને મજબૂત સંબંધો તરફ. ભગતની મોટી દીકરીની સગાઇ સરપંચના વચલા દીકરા સાથે કરવામાં આવી. ભગત ખુશ – સરપંચ ખુશ. એમને એમ ત્રણ લીલા ઉનાળા નીકળી ગયા, ને ત્યાં જ...

કોઇકે ભગતને કહ્યું સરપંચ આ વખતે એને પાણી નહિ આપે. ભગતે ઘઉં વાવેલા. ઘઉં ઊભા થઇ ગયેલા. હવે જો પાણી ન મળે તો વગર ગેરુએ ઘઉં ગેરુઆ થઇ જાય. ભગત ઉપડ્યા સરપંચ પાસે. બંને વચ્ચે ગેરસમજ વધી પાડીને સંબંધોમાં ઉનાળો આવી ગયો. ગામમાં વાત વહેતી થઇ કે ‘ ભગતે એની દીકરીનું વેવિશાળ તોડી નાખ્યું.’ ભગતને કાને આ વાત આવેલી પણ એણે કંઇ ધ્યાન આપ્યું નહિ. આ વાત દીકરીએ પણ સાંભળેલી.

એ દિવસે ભગત હાથમાં ત્રિકમ લઇ કામે ચડ્યા ત્યાં બાજુના ખેતરવાળો આવ્યો : ‘કાં ભગત ?’

‘મજા સે ઓઘડ. તું કે હું સે નવાજૂની ?’

‘જૂનું તો કંઇ નથ્ય પણ નવી વાત છે.’

ભગતના મનમાં ગામમાં વહેતી થયેલી વાત આવી પણ એ કંઇ બોલ્યા નહિ. એણે ચૂપ રહેવાનું પસંદ કર્યું એમ માનીને કે જોઇએ તો ખરા બીજા શું વાત કરે છે તે.

  • કેમ ભગત મૂંગા થઇ ગયા ? નથી હાંભળવી વાત ?
  • કે હું કેવુસ તારે ?
  • નંય હાંભળી એકો.
  • ભગતે માની લીધું એ જ વાત છે. મન મક્કમ કરી લીધું. ઓઘડને કહ્યું, ‘ક્ય દે જે કેવું હોય ઇ.’

  • ગામમાં વાત ફેલાણીસ કે તારી સોડી સરપંચના છોકરા હાર્યે ભાગી ગઇ.
  • ઓઘડા હરખી વાત કર મોઢું ઠેકાણે રાખીને. જેમ ફાવે એમ બોલ્ય મા.
  • મેલડીના હમ ભગત ખોટું નથ્ય બોલતો.
  • ભગતના હાથમાંનો ત્રિકમ ઢીલો થઇ નીચે પડ્યો. એણે ઘર ભણી દોટ મૂકી. હાંફતા હાંફતા ઘરવાળીને પૂછ્યું, ‘ક્યાં ગઇ મોટી ?’

  • ઇ તો એના મામાના ઘેર ઓથા ગઇ સે. બપોર લગણમાં પોગી ગઇ હશે. કેમ ? હું સે ?
  • ભગતે જવાબ દીધા વગર સાઇકલને મારી મૂકી ઓથા ગામ ભણી. ગભરાયેલા, શ્વાસ ચડી ગયેલા, હાંફળા – ફાંફળા આવેલા ભગતને જોઇ બધાને ફાળ પડી. ‘ કાં ભગત ! હું વાત સે ?’

  • અંબા આંયા આવી ?
  • ના રે ના. આંય તો કોઇ દેખાણું નથ્ય.
  • ભગત વીલા મોંઢે પાછા આવ્યા. ખાત્રી કરવા એક જણને સરપંચને ઘરે ખાનગીમાં મોકલ્યો. વાતમાં માલ હોય એમ સરપંચનો વચલો છોકરો ઘરેથી ગૂમ હતો. ત્યાં જ ગામના માસ્તર રમાશંકર આવ્યા.

  • ભગત તારી છોકરીએ કોર્ટે લગન કરી લીધા.
  • ભગત કંઇ બોલી ન શકયા. કોઇ એનું શરીર ખેંચતું હોય તેમ લાગ્યું. ચામડી ઉતારી મીઠું ભરાતું હોય તેવી અસહ્ય બળતરા ઊપડી. કોઇ નાડીઓને બહાર ખેંચી રહ્યું હતું જાણે.

    ◙ ◙ ◙

    હવે તો મોસમનું પણ ક્યાં ઠેકાણું હતું ? પૂનમ અને અમાસની ભરતી આવ્યા જ કરતી. એ દિવસોમાં મોજાઓ મોટા થઇ જતા અને દીવાલો જ તેમની વેરીઓ હોય તેમ તેમની સાથે જોરશોરથી અફળાતા. દીવાલોએ વાત જાણી લીધી હોય તેમ તેઓ અડગ ઊભી હતી. મોજાઓને ઝીલી લેતી. પણ અનેકની સામે એકથી લાચાર થઇ જવાતું. દીવાલો નબળી થયે જતી હતી. ક્યાંક તિરાડ થઇ જતી તો ક્યાંક ભેખડ ગબડી પડતી.

    હવાના દબાણોથી વધઘટ પણ થયા કરતી અને ભોગવવું પડતું દીવાલોને. અવારનવાર દરિયો ગાંડોતૂર થઇ જતો હોય એમ લાગતું. દીવાલોને લાગતું કે દરિયો જ હવે તો જાણી જોઇને પોતાને હરાવવા માંગે છે ને બળપૂર્વક હવાને મોકલતો, મોજાઓને મોકલતો ને એ બંને એકદમ સ્વામીભક્ત ! કહ્યું તેટલું જ કરે. દીવાલો ધ્રુજી રહેતી.

    ◙ ◙ ◙

    ગાયને વેચવી પડી. હતું કે છોકરા દૂધ ખાશે. પારેડી હતી ત્યારથી સાચવી હતી. કામે જતા – આવતા ઘાસ કે વેલા લેતા આવતા ભગત. ક્યારેક ચરવા પણ લઇ જતા. ખેતરમાં એના સારું જ જુવાર વાવેલી. ખોળ – કપાસિયા લઇ આવતા. આખરે એનાય દિવસો નજીક આવ્યા હતા. એકાદ મહિનામાં દૂધ આપતી થઇ જવાની હતી. ભગતને થયેલું ગામમાં જઇ દૂધ લેવાના ધક્કા મટશે. વળી ઘરનું ચોખ્ખું દૂધ તો ખરું ?

    પણ નાનીના લગ્ન આવ્યા. હમણાં એકાદ વરસ સુધી ભગતને એની ધારણા નહોતી. એણે માટે સગવડ્ય નહોતી. પણ મન મક્કમ કર્યું. ‘વળાવવાની તો સેજ તો ભલે આ વરહે’. ભગતે તૈયારી આદરી. ઝાઝો પૈસો ભેગો થયો નહોતો. બધે બખેડા ભરી લીધા. છેવટે આંખ સામે ગાય આવી. વેચી દીધી પછી બહાર જઇ એકલા રડી લીધું. વળાવતી વખતે – દિકરીને વળાવતા હોય એમ માથે હાથ ફેરવતી વખતે જ ભાંગી પડેલા ભગત.

    દીકરા કે દીકરીમાં ભગતે કદી ભેદ ન રાખેલો. એટલે નાનીના વેવિશાળ કે લગ્નપ્રસંગે પાઇ-પૈસો માંગ્યો નહોતો. દીકરીને વેચ્યાનું પાપ ગણતા. ભગવાનેય નો બચાવે નરકમાં જાતા આવું માનતા ભગત. માંગેલી માત્ર દીકરીની ખુશીની. દિકરી ગઇ. બાપની ફરજ પૂરી કર્યાનો રાજીપો છાતીમાં સમાયો.

    રેલ્વેના પાટા, બીટ, ત્રિકમ, પાવડા, બાવળની કાંટયને કાપવામાં, ગાડીની આવન-જાવનમાં ભગતનો સમય વહેતો ગયો – વહેતો ગયો. સવારના નીકળી પડતા ટિફિન લઇને અને ચાર-પાંચ વાગ્યે આવી જતા ઘેર. વધેલો સમય ખેતર ખાઇ જતું. ગૂંચવાયેલા રહેતા દિન-રાત. કાળના વહી જવાનું ભાન રહેતું નહીં પણ કાળ સામે આવે ત્યારે જ ખબર પડે છે એ માત્ર વહી નથી જતો પણ વહાવીને – ઢસડીને લઇ જાય છે.

    એક દિવસ નાની ઉંબરે આવીને ઊભી. એના હાવભાવ ઉપરથી સમજ પડે એમ હતી – અમંગળ થયાની. આ છોકરી બખેડા કરીને આવી હતી એમ જાણ્યું ત્યારે ભગત ઘા ખાઇ ગ્યા. ગાડી પાટા પર ચડવાને બદલે ખડી ગઇ હોય તેમ લાગ્યું.

    ધક્કા-ફેરા અને લોકોની વાતચીતોમાં ભગત ફસાઇ પડ્યા. અનેક મોંઢાની વાતોએ અનેક સવાલ ઊભા કરી દીધા. ગાડી પાટે ચડવાના લાખ પ્રયત્નો નકામા નીવડ્યા. ગાડી જ આખી છાતી પરથી નીકળી ગઇ. જાણે દબાણ એકદમ વધી પડ્યું. માંસાહાર અને દારૂની વાતે એને લાગ્યું કે હવે કોઇ આરો નથી. ભલે દિકરી ઘેરે જ રહે.

    સારા પરિણામની આશાએ ભગત ટકી રહ્યા. પરિણામ આવવાનું હતું પણ ક્યારે તે નક્કી નહોતું. રાહ જોઇ જોઇ ભગત થાક્યા. કોર્ટનું પગથિયું ક્યારેય નહિ માનનાર ભગતને કોર્ટે જવું પડ્યું. પછી કોર્ટની ફાઇલો એટલી બધી ખુલ્લી થઇ કે તેને વાંચતા ને ઉકેલ લાવવામાં બે-ત્રણ મેજીસ્ટ્રેટ પણ બદલાઇ ગયા.

    દરમિયાન છોકરી ઉપાધિ બની ગઇ. આખો દિવસ નાની મોટી ઉખાળે – સંતાપ કરે – કરાવે. ભગતનું માથું ખાય. વણમાગી સલાહો આપે. એમાંથી માથાકૂટ ઊભી કરે. કંકાસ-વાદ-વિવાદથી ઘર બહેકી જાય. ઘરકામમાં કોઇ મદદ નહિ. વર્તનના ઠેકાણા નહિ. કામ એકદમ ઢીલાશવાળું. કરે તો સામેવાળું જરાય પસંદ ન કરે તેવું. મોડું ઊઠવાનું. ઊઠે ત્યાં સુધીમાં મોટાભાગના કામ પતી ગયા હોય.

    આમ છેલ્લા કેટલાંય વરસ ચાલ્યું. સવાર-સાંજ ભગત માથે ટકટકાટી ઝીંકાતી. સમસમી જતા ભગત. પાટા ઉપર ક્યાંય સુધી જઇ આવે. સ્ટેશને આંટો મારી આવે. કોઇના ખેતરમાં ઘડી બે ઘડી વાતો કરી આવે પણ જેવો ઘરમાં પગ મૂકે કે હતું એનું એ.

    છેવટે છૂટાછેડા થયા. ભગતને હજુ ત્રણ છોકરા બાકી હતા. મોટા થયા હતા. ભણતા હતા ને ભણવાનું ચાલુ રખાવેલું. ખર્ચ વધતો રહેલો. હવે આ છોકરીનો એમાં કાયમી ઉમેરો થયો. છેલ્લા બે વરસમાં ભગતનું શરીર સાવ સુકલકડી થઇ ગયું. રીટાયર થયાને છ વરસ થઇ ગયેલા. લોનની ભરપાઇ કરતા થોડો પૈસો આવેલ તે પણ મકાન બંનાવવામાં વપરાઇ ગયો. કરજ ચૂકતે કરવામાં પેન્શન વપરાવા માંડેલું. વધે એટલું ઊંટના મોંઢે જીરું.

    પગની તળીઓ ખોતરતા ભગત બેસી રહેતા. શ્વાસ ચડી જતો. ખાટલામાં લંબાવતા. નાળિયેરી સામે જોઇ રહેતા. ચળાઇને આવતો પ્રકાશ આંખોને આંજી દેતો. ભગત ઝીણી આંખો કરતા. આછી સિસોટી વગાડતો પવન વહી જતો. પવનની ગતિ તેજ બનતી હોય એમ લાગતું. વાવાઝોડા સામે ઉભા રહી ગયા હોય તેમ લાગતું. ભગત આખા ધ્રુજી રહેતા.

    ◙ ◙ ◙

    કરાડો હજુય ઊભી છે. મોજાઓ સતત થપાટો મારતા રહે છે. ભરતી – ઓટ માંથી પવન વહ્યા કરે છે - આ કરાડોને ઓગાળી દેવા. દીવાલોનું ખવાણ થતું રહે છે. એક સમયે દરિયાની અંદર સુધી રહેલો લાઈટહાઉસ પાસેનો ભાગ ખવાઇને સાવ પાતળો થઇ ગયો છે અત્યારે. ચારેબાજુથી એનું ખવાણ થયેલું જોઇ શકાય. જમીન સાથે જોડાયેલો ભાગ ગમે ત્યારે છૂટો પડી જવાની અણી પર છે.

    ◙ ◙ ◙

    ખાખી કપડાવાળા કરડાકીભર્યા એક ચહેરાએ ડેલી ખોલીને પૂછ્યું : ‘નાનજી ખાટાનું ઘર ?’

    ભગત સડાક કરતાંક ખાટલેથી બેઠા થઇ ગયા. આટલા વખતમાં પોલીસનું કોઇ કામ પડ્યું નહોતું. કોઇ ઓળખાણ એવી નહોતી કે પોલીસ ઘરે આવે.

    ‘હા.’ ભગત માત્ર એટલું જ બોલી શક્ય. એની આંખો બહાર ઊભેલી જીપ અને પોલીસના માણસોને પામી શકી.

    ‘તમારો છોકરો માધો ક્યાં છે ?’

    ‘કેમ ? હું સે ?’ ભગતે થોથવાતી જીભે પૂછ્યું.

    ‘હું એટલ્યે ? મોટરસાઇકલ ચોરી છે ?’

    ‘હેં ?!!!’ અચાનક વંટોળ સર્જાવાથી પવનના સૂસવાટા વધી પડતા કડાકા સાથે તૂટી ફંગોળાતા ઝાડ જેવી ભગતની સ્થિતિ થઇ ગઇ. અંગ ખેંચાતું લાગ્યું. શરીર કાબૂ બહાર જવા માંડ્યું. કાબૂ મેળવવા જાય એ પહેલા શરીરનો એક ભાગ સૂન્ન થતો લાગ્યો.

    પવન વધ્યો હોય એમ ભગતને લાગ્યું. કરાડો પર દરિયાઇ મોજા હાવી થઇ રહ્યા. ચારેબાજુથી દબાણ વધ્યું. જાણે કે પૂર્વેની કોઈ શક્તિ બહાર ફંગોળવાની ની હોય તેમ!

    ભગત ભોંય પર ફસકાઇ પડ્યા. મોંઢામાંથી ફીણ નીકળી આવ્યા. શરીરના એક ભાગે થોડી ધ્રુજારી અનુભવી પછી સ્થિર થઇ ગયો. પોલીસના પછીના શબ્દોને પવન કઇ દિશામાં તાણી ગયો તેની કોઇ ખબર ભગતને રહી નહીં.