Ek patangiyane pankho aavi - 19 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 19

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 19

વ્રજેશ દવે “વેદ”

બીજા દિવસનો પહેલો પિરિયડ. ક્લાસ ચાલુ થઈ ગયો. થોડી વારે એક નોટિસ લઈને પટાવાળો આવ્યો. ટીચરે નોટિસ વાંચી સંભળાવી.

“આથી સૌને જણાવવામાં આવે છે, કે શાળા તરફથી ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. પ્રવાસની સંપૂર્ણ વિગત નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ છે. પ્રવાસની ઇન્ચાર્જ તરીકે મેડમ પુષ્પાને જવાબદારી સોંપેલ છે. આ અંગે મેડમ પુષ્પાનો સંપર્ક સાધવો.”

વિદ્યાર્થીઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ. સૌ પ્રવાસના ખયાલોમાં ખોવાઈ ગયા.

નીરજા અને વ્યોમાના ખયાલોમાં કશુંક અલગ જ હતું. તેને સમજાઈ ગયું કે કોઈ ષડયંત્ર રચાઇ રહ્યું છે.

“વ્યોમા, તને પ્રવાસની આ નોટિસમાં કાંઇ સમજાયું?”

“હા. નીરજા. પ્રવાસ તો દર વર્ષે થાય છે પણ.. પહેલી વાર ઉત્તર પૂર્વ ભારતમાં...”

“યસ. ઉત્તર પૂર્વનો જ કેમ?”

“જરૂર હવે આ વાતમાં આપણાં ડેડીઓનો કોઈ હાથ હશે.”

“મતલબ, એક મોરચે મમ્મીઓ દ્વારા મેડમ નેહાનો ઉપયોગ કરવો, અને બીજા મોરચે પપ્પાઓ દ્વારા પ્રિન્સિપાલ મિશ્રાનો ઉપયોગ કરી, ઉત્તર પૂર્વ ભારતનો પ્રવાસ નક્કી કરાવવો. વ્યોમા, આપણી લડાઈ ઘણી લાંબી અને ઊંડી છે.”

“હા. બધું જ સમજાવા લાગ્યું છે. એકલા મેઘાલય જવાની આપણી યોજનાને કોઈ પણ રીતે રોકવા આપણાં માં-બાપ મથી રહ્યા છે.”

“હવે આપણે દાવ બદલાવો પડશે. રમતનો જવાબ આપવો જ પડશે. પણ..”

“પણ શું? નીરજા ?”

“એ જ કે હવે આપણે પણ રમત રમવી પડશે.”

“કેવી રમત?”

“રમતનો જવાબ રમતથી જ આપવાનો. રમત પણ એની, નીયમો પણ એના. પણ તાકાત આપણી. દિશા આપણી “

“કાંઇ સમજાયું નહીં, નીરજા. શું રમે છે તારા મનમાં.?”

“બસ, જોતી જા.” નીરજાએ વ્યોમાના કાનમાં કશુંક કહ્યું. વ્યોમાની આંખો ચમકી ગઈ. લુચ્ચું સ્મિત આવીને જતું રહ્યું.

મમ્મી-પપ્પાની મંજૂરી લઈ નીરજા અને વ્યોમાએ પ્રવાસ માટે પોતાના નામ મેડમ પુષ્પા પાસે નોંધાવી દીધા. બીજા પણ ઘણાએ નામ નોંધાવ્યા. ટ્રસ્ટી મંડળનો આદેશ હતો કે ઓછામાં ઓછા 80 ની સંખ્યા થાય તો જ પ્રવાસ લઈ જવો.

********

ગાડી ફરી કોઈ સ્ટેશન પર ઊભી ગઈ. બારી બહારના અંધારામાં કશું જ વાંચી ના શકાયું. લખનૌ બાદ રાત્રે દોઢ વાગ્યા સુધી કોઈ સ્ટેશન આવવાનું ન હતું. પણ હજુ તો સાડા અગિયાર જ થયા છે.

નીરજા હજુ જાગતી હતી. વ્યોમા થોડી વાર પહેલાં જ ઉપરની સીટ પર ઊંઘી ગઈ હતી. નીરજાની આંખમાં નીંદરને બદલે વિતેલા દિવસોની યાદોનું ઘેન હતું.

મંઝિલ સુધીની યાત્રા કેવી અને કેટલી કઠિન હશે, એ તો નથી ખબર પણ નીરજાને લાગ્યું કે યાત્રાનો વિચાર આવ્યો ત્યારથી યાત્રા શરૂ કરી ત્યાં સુધીની યાત્રા, કદાચ વડુ કઠિન હતી.

શું કોઈ યાત્રાની શરૂઆત હંમેશા આટલી કઠિન જ હોય છે? તેણે જાતને જ પ્રશ્ન કર્યો. કોઈ જવાબ શોધવા પ્રયાસ ના કર્યો. પોતાના અનુભવોમાં એનો જવાબ હતો જ.

કોઈ ગાડી બાજુના પાટા પરથી સડસડાટ નીકળી ગઈ. ટ્રેન ચાલવા લાગી. નીરજાના મનમાં પણ ટ્રેન દોડવા લાગી. યાત્રા આગળ વધવા લાગી.

યાત્રા ! ઉત્તર પૂર્વ ભારતની યાત્રાનું આયોજન સ્કૂલમાંથી થયેલું. સૌ સાથે આવશે. એક મોટું ટોળું નીકળી પડશે, કૂદરતના અખૂટ સૌંદર્યને માણવા.

માણવા?

ટોળું ક્યારેય કશું જ માણતું નથી હોતું. તે તો બસ દોરવાઈ જતું હોય છે. આ ટોળું પણ એમ જ દોરવાઈને જંગલ અને ધોધ સુધી પહોંચી જશે. પછી?

ટોળાંની આંધીમાં ખોવાઈ જશે મારૂ અને વ્યોમાનું હોવું. અમે હોઈએ કે ના હોઈએ, ટોળાને શું ફરક પડે?

પણ અમને તો ફર્ક પડે ને? ટોળામાં ઓગળી જવું નહીં પાલવે. જો કુદરતને માણવી હશે, તો ટોળાથી અલગ પડવું પડશે. કોઈ તરકીબ વિચારવી પડશે.

નામ નોંધાવવાનો દિવસ વિતી ગયો. ધાર્યા કરતાં વધુ નામો આવ્યા. એ દિવસે છેલ્લા બે પિરિયડમાં એસેમ્બલી હોલમાં પ્રવાસે જવા માંગતા વિદ્યાર્થીઓની સાથે એક મિટિંગ, પ્રવાસ બાબતે રાખેલી.

111 ભાવિ પ્રવાસીઓ અને શિક્ષકોનું, નામ વિનાનું એક ટોળું ભેગું થાઓ ગયું. ટોળાને તે નામ હોતા હશે? ટોળાની શૂન્યતા વ્યાપી ગઈ સમગ્ર હોલમાં. વ્યોમાને તે અકળાવવા લાગી. નીરજાએ ધીરજ રાખવા કહ્યું.

“મિત્રો, પ્રવાસ માટે તમે સૌ ઉત્સાહિત છો ને?” મેડમ પુષ્પાના અવાજે સૌનું ધ્યાન તે તરફ ખેંચ્યું. ટોળું સફાળું જ ઉત્તેજિત થઈ ગયું.

કેટકેટલી ય વાતો અને ચર્ચાઓ થઈ. નીરજા અને વ્યોમા યુક્તિ પૂર્વક મૌન હતા. તેના સિવાય બાકી બધા જ, કોઈક મુદ્દે કાં તો બોલતા રહ્યા, કાં તો સંમતિ કે વિરોધ દર્શાવતા રહ્યા.

એકાદ કલાક બાદ બધું પૂરું થવા આવ્યું. લગભગ બધું જ નક્કી થઈ ગયું. ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં સાત દિવસ માટે નોર્થ ઈસ્ટના ચાર રાજયોના, જુદા જુદા શહેરોની અને ધોધની મુલાકાત લેવી, વગેરે... પાકું થઈ ગયું. જવા આવવાનું પ્લેન દ્વારા, અને રહેવા માટે ફાઇવ સ્ટાર કહી શકાય તેવી હોટેલ. હોટલથી પ્રવાસ સ્થળો સુધી લક્ઝરી ગાડી. કુલ મળીને સમગ્ર પ્રવાસ મોંઘો બની ગયો. પ્રતિ વ્યક્તિ પ્રવાસ ખર્ચની રકમ જાહેર થઈ. ઘણી મોટી રકમ હતી એ.

થોડી વાર પહેલાં લહેરોથી ઊભરાતા ટોળામાં, ફરી શૂન્યતા વ્યાપી ગઈ. બધા આ રકમ ભરી શકે તે શક્યતા ઓછી હતી. ઘણા નામો આપોઆપ કપાઈ જશે. નીરજાને પાક્કી ખાત્રી હતી,

ધીરે ધીરે ટોળામાં જીવ આવ્યો. સળવળાટ થવા લાગ્યો. ગણગણાટ અને પછી ઘોંઘાટ વ્યાપવા લાગ્યો.

મેડમ પુષ્પાએ શાંતિની અપીલ કરી. પણ ખાસ પ્રભાવ ના પાડી શકી. વ્યોમાએ નીરજાને ઈશારો કર્યો. સ્મિતની આપલે થઈ. બસ. આ જ સમય છે આપણાં બોલવાનો.

નીરજા સ્ટેજ પર ગઈ. મેડમ પુષ્પા પાસેથી માઇક માંગી લીધું,“મારા મતે આ પ્રવાસ ખૂબ જ મોંઘો છે. જે બધાને પોષાય તેમ નથી. જો તેમાં થોડો ફેરફાર કરવામાં આવે તો બધા પ્રવાસમાં જોડાઈ શકે. બધા સાથે જવામાં મજા પડે ને?” હવે તે ટોળાં તરફ ફરી, “કોઈ પ્રવાસમાં રહી જાય તો મજા આવે?”

ટોળાએ જવાબ આપ્યો.”ના...ના....”

“તો શું સૂચન છે તારું?” પ્રિન્સિપાલ મિશ્રાએ પૂછ્યું.

“પ્રવાસનો ખર્ચ ઘટાડવા, યાત્રા ટ્રેન દ્વારા કરી શકાય. સાદી હોટેલોમાં રોકાઈ શકાય. લક્ઝરી ગાડીઓને બદલે સાદી ગાડીઓથી ચલાવી શકાય.“નીરજા હવે પોતાનો દાવ રમવા લાગી.

નીરજાના સુચનો પર થોડી વાર વિવિધ પ્રતિક્રિયાઓ ચાલતી રહી. નીરજા મૌન બની જોતી રહી. માત્ર વ્યોમા જોડે આંખના ઈશારાઓથી વાત થતી રહી.

“ટ્રેનમાં જઈએ તો કેટલો સમય લાગે?” અંતે મિશ્રા સાહેબે પૂછ્યું.

નીરજા તૈયાર હતી તે માટે,”58 થી 60 કલાક.“

“એટલે કે અઢી દિવસ. ઓહ.”

’અઢી દિવસ જવાના, અને અઢી દિવસ આવવાના. કુલ પાંચ દિવસ લાગે માત્ર આવવા જવામાં.“

“એમાં બીજા સાત દિવસ ઉમેરો, એટલે પ્રવાસના કુલ દિવસો થયા 12. પ્રવાસના આગળ પાછળના એક એક દિવસ મળીને કુલ 14 દિવસ થાય. કુલ બે અઠવાડીયા.” મેડમ પુષ્પાએ પૂરી ગણત્રી કરીને જાહેર કર્યું.

“એટલે કે બે અઠવાડીયા શૈક્ષણિક કાર્ય બંધ રાખવું પડે.” મિશ્રા સાહેબે ચિંતા વ્યક્ત કરી.

“ભલે ભલે. મંજૂર છે.” ટોળામાથી અવાજો ઉઠ્યા.

“ના. એવું ન કરી શકાય. આટલો લાંબો સમય શિક્ષણ બંધ ન રાખી શકાય. જવું હોય તો પ્લેનમાં જ જાઓ. અને જેને પરવડે તે જ ભલે જાય. બાકી આટલો બધો સમય પ્રવાસને હું ના આપી શકું. પરીક્ષાઓ પણ માથે જ આવી રહી છે.” મિશ્રા સાહેબે વટહુકમ બહાર પાડી દીધો.

ટોળામાં ફરી શૂન્યતા પ્રસરી ગઈ. નીરજાએ તકનો લાભ લીધો.

“તો પછી આ પ્રવાસ વેકેશનમાં રાખીએ તો કેવું?” વ્યોમા હવે સ્ટેજ પર પહોંચી ગઈ. પોતાનો દાવ રમવા લાગી. ટોળામાં હલચલ મચી ગઈ.

“ના હો... વેકેશનમાં પ્રવાસ ના હોય. ... વેકેશનમાં તો...”

વ્યોમા અને નીરજા મલકાવા લાગ્યા. દાવ બરાબર નિશાન પર લાગ્યો હતો.

“તો એવું ન કરી શકાય, કે ખર્ચ પણ ઓછો થાય અને સમય પણ બચી જાય. તો બધાના મનની વાત સચવાઈ જાય.” નીરજાએ નવો દાવ નાંખ્યો.

“હા. હા. બરોબર છે...” ટોળું ફરી જાગ્યું.

“તેવું કેમ કરી શકાય?” મેડમ પુષ્પાએ પૂછ્યું.

“નજીકના રાજસ્થાન, મધ્ય પ્રદેશ કે મહારાષ્ટ્ર ના કોઈ સ્થળોએ પ્રવાસ ગોઠવીએ તો કેવું?’ વ્યોમા ટોળાની દિશા બદલવા લાગી.

“બરાબર છે. .. નજીકના સ્થળોએ જ રાખો. છેક એટલે દૂર મોંઘો પ્રવાસ... ન પોષાય... નજીક જ ગોઠવો... “ ટોળામાથી અનેક આવજો આવવા લાગ્યા.

નીરજા અને વ્યોમા શાંત હતા. ટોળાની દિશાને બદલવામાં તેઓને સફળતા મળી હતી. ધાર્યા પ્રમાણે જ બધું બની રહ્યું હતું.

ટોળાને ઉન્માદમાં અને શિક્ષકોને દ્વિધામાં રહેવા દઈ, બંને સ્ટેજ પરથી સરકી ગઈ.

કેટલીય ચર્ચાઓને અંતે અનિર્ણાયક ટોળું વ્યક્તિઓમાં ફેરવાઇ ગયું.

નીરજા અને વ્યોમાએ આકાશ તરફ જોયું. વાદળો વિખરાવા લાગ્યા હતા.

ટ્રેનની ગતિ ધીમી પડવા લાગી. અકબરપુર સ્ટેશન આવ્યું. બહાર એક નજર કરી લીધી. રાત્રિની ગાઢતા પ્રવર્તતી હતી. ટ્રેનના આવવાથી સ્ટેશન જાગ્યું હોય તેવું લાગ્યું. પ્લેટફોર્મ પર નજર દોડાવવા પ્રયાસ કર્યો ત્યાં તો ટેન ચાલવા લાગી. માત્ર બે મિનિટનો હોલ્ટ. વિચારોનો હોલ્ટ પણ પૂરો થયો. તે પણ ચાલવા લાગ્યા.

ચેરાપુંજી. સૌથી વધુ વરસાદ પડે છે અહીં. વરસાદ તો પડે મે જૂન માસમાં. અને સ્કૂલે પ્રવાસ યોજ્યો હતો ફેબ્રુઆરીમાં ! ત્યારે તો વરસાદ ક્યાંથી હોય? ચેરાપૂંજી જઈએ અને વરસાદ ન મળે તો જવાનો કોઇ અર્થ ખરો ?

સ્કૂલનો પ્રવાસ રદ્દ થઈ ગયો. નીરજા અને વ્યોમાના પ્રવાસનો માર્ગ મોકળો થઈ ગયો.

ટોળાએ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા. નિજરા અને વ્યોમાએ કોઇ જ પ્રત્યાઘાતો ના આપ્યા.

બન્ને ખુશ હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED