એક પતંગિયાને પાંખો આવી - 18 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 18

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 18

વ્રજેશ દવે “વેદ”

તે સાંજે જયા અને દીપા, નેહા મેડમના ઘેર પહોંચી ગયા. ખરેખર તો મેડમ નેહાએ જ તેમને ફોન કરી બોલાવ્યા હતા. જયા અને દીપાને હતું, કે નીરજા અને વ્યોમાને મેડમ નેહાએ સમજાવી લીધા હશે. એથી એ ઉત્સાહમાં હતા. પણ વાત સાવ જુદી હતી.

નેહાએ સીધી જ વાત શરૂ કરી દીધી.,”સોરી, હું તમારું કામ નથી કરી શકી. અને, કરવાની હવે કોઈ ઈચ્છા પણ નથી.”

બંનેના ચહેરા કડક થઈ ગયા. નેહાએ તે બદલાયેલા ભાવોને જોયા. તે જરા પણ વિચલિત ન થઈ. નેહાની સ્થિરતાએ જયા અને દીપાને વિચલિત કરી દીધા. જે આંખોમાં ભય જ નથી તેને ડરાવવી કેમ? જયા અને દીપા એક નવી પહેલીમાં ઉલઝાઇ ગયા.

“કેમ, મેડમ એવું તે શું થયું?” જયા

“ખાસ કાંઇ નહીં. પણ મેં મારો પ્રયાસ કરી જોયો. પણ હું નિષ્ફળ ગઈ. “

“તમે શો પ્રયાસ કર્યો?”

“મેં તેઓને પહેલાં એક પુસ્તક આપ્યું. વ્યોમાએ એક વખત અને નીરજાએ તે બે વખત વાંચ્યું. તેમાં માત્ર સ્વપ્નાને આધારે ખજાનની શોધમાં નીકળી પડતાં એક કિશોરની કથા છે. ખજાનાને પામવા માટે તે પોતાની બધી જ સંપત્તિ વેંચી નાંખે છે. ખાજનાના સ્થળ સુધી પહોંચતા રસ્તામાં તેને અનેક મુશ્કેલીઓ પડે છે. કેટલીક વાર તો તે પોતાનું બધું જ ગુમાવી બેસે છે. તે જ્યારે સ્વપનામાં દેખાયેલી ખજાનાની જગ્યાએ પહોંચે છે, ત્યારે તેને ત્યાં કોઈ જ ખજાનો હાથ નથી લાગતો.“

“સરસ. એકદમ ફિટ છે સ્ટોરી. પુસ્તકની તમારી પસંદગી પણ પરફેક્ટ છે. શું નામ છે તે બૂકનું?”

“અલ્કેમિસ્ટ.”

“એક બીજું પુસ્તક પણ મેં તેઓને આપેલું. તેમાં પણ એક કિશોર, જીવનના અર્થને શોધવા, મોક્ષની તલાશમાં જીદ કરી ઘર છોડી, સાધુઓ જોડે નીકળી પડે છે. અને ક્યારેય પરત પોતાના ઘેર નથી આવતો. ખૂબ જ કષ્ટદાયક જીવન જીવે છે.”

“અરે વાહ, આ પણ તદ્દન પરફેક્ટ સિલેકશન છે તમારું. એ બૂકનું નામ શું છે?”

“સિધ્ધાર્થ “

“તો આ બંને પુસ્તકો વાંચ્યા બાદ શું ફરક પડ્યો, નીરજા અને વ્યોમાના નિર્ણયમાં?”

“ખૂબ જ મોટો ફરક પડી ગયો છે. સ્પષ્ટ ફરક પડ્યો છે.”

“તો, તો, તેઓએ પોતાનો પ્રવાસ પડતો મૂક્યો હશે. મને ખાત્રી જ હતી કે મેડમ નેહા આ...”

“હું પહેલાં જ કહી ચૂકી છું, કે હું તમારું કામ નથી કરી શકી.”

“તમે તો કહો છો ને કે તેઓમાં ખૂબ જ મોટો ફરક પડી ગયો છે. ...”

“હા. એ તદ્દન સાચું છે. ખૂબ મોટો ફરક, એ પડ્યો છે કે હવે તેઓ તેના યાત્રાના નિર્ણયમાં વધુ દ્રઢ બની ગયા છે. મક્કમ બની ગયા છે. તેઓ યાત્રા પર જરુર જશે. એ પણ એકલા જ.“

“તો પછી આ બંને પુસ્તકોમાંની યાત્રાને અંતે મળતી નિષ્ફળતાનું ઉદાહરણ આપે તેમને...”

“યાત્રાની નિષ્ફળતાએ તેઓને ભયભીત નથી કર્યા. ઉલટાના...”

“એવું કેમ? નિષ્ફળ અને કઠિન યાત્રા, ભલભલાના નિર્ણયો બદલી નાંખે છે. તો આ તો...”

“આ તો નીરજા અને વ્યોમા છે. જરા જુદી માટીના છે.”

“એટલે?”

“એ જ, કે જ્યારે મેં બંને નિષ્ફળ યાત્રા વિશે વાત કરી, ત્યારે તેઓએ જે જવાબ આપ્યો હતો, તે જવાબ સાંભળવો છે? કદાચ તમે પણ...”

“હા. અમારે તે સાંભળવો છે.”

“નીરજાનો જવાબ હતો ‘ખરેખર ત્યાં કોઈ ખજાનો છે કે એમ એની પણ તેને ક્યાં ખબર હતી? તે તો નીકળી પડ્યો હતો બસ, પોતે જોયેલા એક સ્વપ્નાને આધારે. રસ્તામાં મળતા સંકેતોને આધારે, તો પછી નિષ્ફળતા પણ મળે. જ્યારે બીજી કથામાં મોક્ષની ચાહમાં નીકળેલા સિધ્ધાર્થને પણ ખબર નથી કે મોક્ષ જેવુ કાંઇ હોય પણ છે કે નહીં. તેને તો એ પણ ખબર નથી કે મોક્ષ એટલે શું. બંને વાર્તામાં અનિશ્ચિત મંઝિલ માટે યાત્રા થાય છે. જ્યારે અમારી મંઝિલ ખરેખર અસ્તિત્વ ધરાવે છે. તે આ જગત પર છે જ. તેનું સ્થળ નિશ્ચિત છે. તેનો રસ્તો પણ સ્પષ્ટ છે. અને સફળતા પણ પાક્કી જ છે.

જો કોઈ દાયકાઓ પહેલાં નીકળી પડે, આજની મંઝિલ તરફ અને તેનો આનંદ માણે, નવો અનુભવ લે, અને નિષ્ફળતાઓની કોઇ પરવા જ ન કરે, તો આજના યુગમાં તો આપણી પાસે બધું જ નિશ્ચિત છે. તો પછી અમારે આ યાત્રા તો કરવી જ પડશે. મારી મંઝિલ, મારૂ જંગલ, મારો ધોધ, વરસાદ... વગેરે બધું જ હકીકત છે. કોઈ કલ્પના નથી. માટે અમારો પ્રવાસ અમે જરૂર કરીશું.’

બોલો આ જવાબ અને આ હિમ્મત હતી એની.” નેહાએ પૂરી વાત કહી.

“ઓહ આટલો બધો આત્મવિશ્વાસ?” જયા સ્તબ્ધ હતી.

“મેડમ, આપની જ દીકરી છે.” નેહાના શબ્દો સાંભળી જયાના હોઠો પર અભિમાની સ્મિત ફરકી ગયું. નેહાએ તે નોંધ્યું.,”હું તેને રોકવાને બદલે તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું વધુ પસંદ કરીશ. તેને પૂરતું મનોબળ આપીશ. તેને ક્યાંય હારવા નહીં દઉં.”

“ઓહ, તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ મજબૂત થયો લાગે છે.” દીપાએ કટાક્ષમાં કહયું.

“મને તેનો સાથ આપવામાં કોઈ ભય નથી. તમારી ગર્ભિત વાતોનો પણ નહીં.” નેહા હવે અડગ બની ગઈ.

તેની અડગતા જયા અને દપાને પ્રભાવિત કરી ગઈ. બન્નેએ ચૂપચાપ ત્યાંથી વિદાય લીધી.