એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 17
વ્રજેશ દવે “વેદ”
નેહાએ પુસ્તક પૂરું કરી લીધું. નેહા મેડમને પરત આપી દિધું.
નેહાએ વધુ એક આશ્ચર્ય સર્જયું. તેણે બંનેને ફરીથી એક નવું પુસ્તક વાંચવા આપ્યું. “સિદ્ધાર્થ”
વ્યોમાએ આદત પ્રમાણે ત્રણેક દિવસમાં વાંચી નાંખ્યું. નીરજાએ પણ ચારેક દિવસમાં વાંચીને નેહા મેડમને પરત કરી દિધું.
“આ વખતે ખૂબ ઝડપથી વાંચી લીધું, આ પુસ્તક?” નેહાના આવાજમાં ઉત્સાહ હતો.
“હા. મેડમ. એક જ વખત વાંચ્યું છે. “વ્યોમાએ જવાબ આપ્યો
“કેવું લાગ્યું?”
“સરસ છે. મજા આવી.” વ્યોમાએ ટૂંકમાં જવાબ આપ્યો.
“નીરજા, તારો શું અભિપ્રાય છે?” નીરજાના મૌનને નેહાએ છંછેડ્યુ.
“બંને પુસ્તકો ખૂબ જ સરસ છે. ખૂબ ગમ્યા. અને હા, પુસ્તકો સાથે પરિચય કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. મેમ.”
“ઓહ, તેમાં આભારની જરૂર નથી. શિક્ષકે જ ખરેખર તો વિધ્યાર્થીઓનો પુસ્તકો સાથે પરિચય કરાવવો જોઈએ. જગતની દરેક નવી વસ્તુઓ સાથે પરિચય કરાવવો જોઈએ. ખરું ને?” નેહા સ્મિત સાથે વાત કરવા લાગી.
તેના સ્મિતમાં જાદુ તો હતો જ, છતાં વ્યોમા અને નીરજા હવે થોડું થોડું નેહાથી અંતર રાખવા લાગ્યા. નેહાને પણ તે સમજાઈ રહ્યું હતું કે બંને પહેલાંની જેમ ખુલ્લા મનથી વાત નથી કરતાં. નેહા તે અંતર ઘટાડવા માંગતી હતી. અને જો અંતર ઘટે તો જ જયા અને દીપાએ સોંપેલું કામ પાર પાડી શકાય.
“ચાલોને મેદાનમાં પેલા ઝાડ નીચે બેસી થોડી વાતો કરીએ.” નેહા તે બંનેને સ્ટાફ રૂમમાંથી બહાર લઈ ગઈ. ત્રણેય ઝાડ નીચે ગોઠવાઈ ગયા.
“ખુલ્લા આકાશ નીચે કેવી મજા પડે.” નેહાએ વાતનો દોર શરૂ કર્યો.
“હા. કુદરતને ખોળે તો આનંદ જ આનંદ છે. મને તો ખૂબ જ ગમે.” નીરજા બોલી રહી હતી તેને વચ્ચેથી જ અટકાવતાં વ્યોમા બોલવા લાગી,”એટલે તો અમે પ્લાન કર્યો છે...” નીરજાએ વ્યોમાનો હાથ પકડી અટકી જવા કહ્યું. વ્યોમા અટકી ગઈ.
“શો પ્લાન કર્યો છે,“ નેહાએ શબ્દોને પકડી લીધા.
“અલ્કેમિસ્ટ જેવી બીજી પુસ્તકો વાંચવાનો, ખરું ને વ્યોમા?” નીરજાએ સમયસૂચકતા વાપરી વાત બદલી નાંખી.
“હા, હા, એવા બીજા પુસ્તકો વાંચવા ગમશે.” વ્યોમા હવે સ્વસ્થ થવા લાગી.
“ઓહ, ખરેખર? હું પ્રયાસ કરીશ તેવા પુસ્તકોને શોધવાની.”
“થેંક્સ. મેડમ.”
“પણ એ કહો કે અલ્કેમિસ્ટ કેવું લાગ્યું? ચાલો તેના પર થોડી ચર્ચા કરીએ.” નેહાએ આમંત્રણ આપી દીધું.
“ખૂબ મજા પડી. પણ.. આટલી લાંબી મુસાફરી કરીને તે જ્યારે પિરામિડ પાસે પહોંચે છે, ત્યારે તેને ત્યાં ખજાનો તો મળતો નથી. શું મતલબ આવી અઘરી યાત્રા કરવાનો?” વ્યોમાએ પ્રતિભાવ આપી દીધો.
“યાત્રા તો ખૂબ કઠિન હતી જ, પણ ખજાનો ના મળ્યો તે વાતથી મને પણ દુખ થયું.” નેહાએ વાત આગળ ચલાવી.
“ખજાનો તો મળે જ છે. પણ તે તેના જ દેશમાં, સ્પેનમાં જ હોય છે, જ્યાંથી તે શરૂ કરે છે.” નીરજાએ દલીલ કરી.
“માત્ર એક સપનાના સંકેતોને આધારે કલ્પનાના ખજાનાને શોધવા નીકળી પડવું, રસ્તામાં અનેક મુશ્કેલીઓ વેઠવી, બધું જ છોડીને જવું, બધું જ ખોતા જવું, અને અંતે...યાત્રાને અંતે કશું જ હાથ ના લાગવું. આવી યાત્રાઓ ખરેખર ટાળવી જોઈએ. “નેહા હવે વાતને ધારેલી દિશામાં વાળવા લાગી.
“ખરું છે. અંતે તો નિષ્ફળ જ ગયો ને એ.” વ્યોમાએ સમ્મત થતાં કહ્યું.
“એક સપનાને આધારે જ નીકળી પડીએ, તો આવું જ થાય ને.”
“સપનાનો આધાર તો હતો જ, પણ તેને મળતા સંકેતો પણ તેને ખજાનાની દિશા તરફ આગળ વધવા પ્રેરતા હતા.” નીરજાએ સંકેતોની વાત કરી.
“તો પણ ખજાનો તો ત્યાં હતો જ નહીં ને?” નેહાએ કહ્યું.
“મેડમ, તમે કદાચ બધા જ સંકેતોને સમજયા નથી લાગતા.” નીરજાએ ધારદાર નજરે નેહા તરફ નજર કરી.
“કેમ? મેં બધા જ સંકેતો વાંચ્યા, જાણ્યા અને સમજ્યા છે. પણ તેમાંથી કોઈ સંકેતોએ તે છોકરાને ખજાના સુધી પહોંચાડ્યો નથી.“નેહાએ દલીલ કરી.
“હા, નીરજા. મેં પણ તે નોંધ્યું છે.” વ્યોમા બોલી.
“તો કદાચ તમે પુસ્તકને ધ્યાનથી નથી વાંચ્યું.“
“તો તું જ કહે ને, નીરજા.” નેહા અને વ્યોમા એક સાથે બોલી ગયા.
“પિરામિડ પાસે છોકરા પર હુમલો થાય છે. ત્યારે હુમલાખોર જતાં જતાં સંકેત આપે છે, કે મને પણ આવું જ સપનું આવેલું કે સ્પેનમાં, ચર્ચમા પીળા ફૂલના ઝાડ નીચે ખજાનો છે. પણ હું તારી જેમ મૂર્ખ નથી, કે ત્યાં જવા માટે સપનાના આધારે નીકળી પડું. તે હુમલાખોર પોતે યાત્રા નથી કરતો પણ છોકરાને સંકેત આપી દે છે, કે ખજાનો કયાઁ છે. અને સેંતિયાગોને પેલા પીળા ફૂલના ઝાડ નીચે ખજાનો મળે જ છે.” નીરજાએ વિસ્તારથી સમજવ્યું.
“અરે, હા. એમ જ બને છે. અને આ સંકેતને તો હું ભૂલી જ ગઈ હતી.“નેહાએ આનંદ વ્યક્ત કર્યો.
“સંકેતોને વાંચતાં અને સમજતાં શીખી જઈએ, તો બધા જ ખજાના મળી જાય છે. બસ દ્રષ્ટિ હોવી જોઈએ, સંકેતોને પકડવાની, ઉકેલવાની અને અમલ કરવાની. કુદરત હર પળ સંકેતો આપે જ છે. રસ્તો બતાવે જ છે. ચેતવે છે. પણ આપણે જ આપણી આંખોને, નાકને અને કાનને બંધ રાખીને બેઠા છીએ. બસ, તેને ખોલવાની જરૂર છે. આ પુસ્તકે મને એટલી સમજ આપી છે. થેંક્સ મેડમ.” નીરજા હવે પૂરા ઉત્સાહમાં આવી ગઈ.
“થેંક્સ તો મારે તને કહેવાનું છે, નીરજા. તેં મને પુસ્તકોને જોવાની નવી દ્રષ્ટિ આપી છે.“ નેહા, નીરજા અને વ્યોમાના ચહેરાઓ પર સાચું સ્મિત રમવા લાગ્યું.
સૌ મૌન બની ગયા. કેટલીક ક્ષણો એમ જ વિતી ગઈ. સૌના મનમાં કશુંક ચાલી રહયુ હતું. પણ નેહાના મનમાં જે ચાલી રહ્યું હતું તે જાત સાથેનું યુધ્ધ હતું.
શું યોજના હતી? ને શું ચાલી રહ્યું છે?
મારે મારી યોજના પ્રમાણે જ વર્તવું જોઈએ.
પણ નીરજાએ તો મારી જ દ્રષ્ટિ બદલી નાંખી. અને મેં એ દ્રષ્ટિને સ્વીકારી પણ છે. પણ,
તેમાં ક્યાંય તારી યોજના બંધબેસતી નથી. તેં કોઈને વચન આપ્યું છે. તે વચન માટે તારી યોજનાને અનુરૂપ નવી મળેલી દ્રષ્ટિને વળી નાંખ. યોજના પર અમલ કર.
યોજના માટે નવી પણ સાચી દ્રષ્ટિને હું નહીં બદલું. જરૂર પડ્યે યોજના બદલીશ. પણ દ્રષ્ટિ નહીં.
યોજના તો બદલી શકાય તેમ છે જ કયાઁ?
તો યોજના પડતી મૂકીશ. પણ દ્રષ્ટિ નહીં બદલું. નહીં જ બદલું.
તો પછી જયા અને દીપાને શો જવાબ આપીશ? તેઓ નારાજ થશે તો?
કોઈ વાંધો નહીં. જે સ્થિતિ આવશે તેનો સામનો કરીશ, પણ હવે હું તેને શરણે નહીં જ થાઉં.
તારી મરજી !
હા. હવે મારી જ મરજીથી કામ કરીશ. અન્ય કોઈ મને પ્રભાવિત નહીં કરી શકે.
“કોઈ નહીં, કોઈ જ નહીં.” નેહા સ્વગત બબડી. નીરજા અને વ્યોમાનું ધ્યાન નેહાના શબ્દો તરફ ગયું.
“શું થયું, મેડમ?”
“ઓહ, હું જરા મારા વિચારોમાં હતી.” નેહા ખ્યાલોમાંથી જાગી.
“બધું બરાબર તો છે ને?”
“હા. હવે બધું જ બરાબર થઈ ગયું.”
“મતલબ?”
“એ જ કે તમે મેઘાલયની ટુર પર જવા માંગો છો, ખરું ને?”
“હા. પણ તમને એ વાતની કેમ ખબર પડી?” બંને ચોંકી ગઈ.
“તમારી મમ્મીઓએ કહી.” નેહાએ પૂરી વાત બંનેને કહી દીધી,”આ પુસ્તકો પણ એ જ યોજનાનો ભાગ હતો.”
“તો હવે?”
“હવે હું તમારી સાથે છું. તમને શક્ય તેટલી મદદ કરીશ, પ્રોત્સાહિત કરીશ. તમે મને તમારી મિત્ર ગણશો.”
“ઓહ, મેડમ. થેંક્સ.”
“મારી ઈચ્છા તો તમારી સાથે, તમારા પ્રવાસમાં આવવાની પણ હતી. પણ પછી મેં જ મનને ટપાર્યું કે તેઓને એકલા જ જવા દે.”
“કેમ એવું?”
“એટલા માટે, કે એ તમારું સપનું છે અને તમે તે સપનાને એકલા જ પૂરું કરવા ચાહો છો. તો મારે તેનાથી અળગા જ રહેવું જોઈએ. તમને એકલા જ જવા દેવા જોઈએ.”
“ઓહ, મેડમ. થેંક્સ અગેઇન. આટલી જ વાત અમારા માતા પિતા સમજી જાય તો?”
“હું તેને સમજાવીશ.”
“તો પછી તેઓએ આપેલી ધમકીનું...”
“મને હવે તેની પરવા નથી.“ નેહાના ચહેરા પર દ્રઢતા છલકાવા લાગી. નિશ્ચિતતા અને નિશ્ચિંતતા આવી બેઠી. નીરજા અને વ્યોમાના ચહેરા પર પણ, એ જ ભાવો આવી ગયા.
એક ઠંડો પવન સૌને સ્પર્શીને નીકળી ગયો.