બે મિત્રો, બાંકડો ને પેંડા! Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે મિત્રો, બાંકડો ને પેંડા!

નાટક : બે મિત્રો, બાંકડો ને પેંડા!

લેખક : યશવંત ઠક્કર

પાત્રો: [૧] જગદીશભાઈ- ગુજરાતીના નિવૃત્ત પ્રોફેસર. [૨] નયનાબહેન- જગદીશભાઈનાં પત્ની. [૩] ચિન્કી- ઘરકામ કરનારી યુવતી. [૪] રમણભાઈ- જગદીશભાઈના મિત્ર

[પ્રવેશ: ૧]

[સ્થળ: જગદીશભાઈ અને નયનાબહેનું ઘર.]

નયનાબહેન:એ.. આજે આપણે આંગણે કોઈ પધારવાનું છે રે. તમે ઘેર હાજર રહેજો રે. તમને યાદ હશે રે.

જગદીશભાઈ:કોણ પધારવાનું છે?

નયનાબહેન:અરેરે! તમારે કશું જ યાદ રાખવું નથી. શહેરમાં ફિલ્મની કોઈ હીરોઇન પધારવાની હોય એ યાદ રહે છે. પણ આપણા જ ઘરમાં કોણ પધારવાનું છે એ યાદ રહેતું નથી. તમારામાં સુધારો ક્યારે થશે રે...

જગદીશભાઈ:સુધારાની જરૂર મને નથી, તને છે. જ્યારે હોય ત્યારે રે...રે...રે! આ આપણું ઘર છે. ગરબાનું મેદાન નથી.

નયનાબહેન:તમારે કહેવાની જરૂર નથી. મને ખબર છે કે આ આપણું ઘર છે. પણ ઘરને ઘરની રીતે રાખવા માટે પણ કોઈની જરૂર પડે છે. અને જેની જરૂર પડે છે એ વ્યક્તિ આજે આપણે ત્યાં આવવાની છે રે.

જગદીશભાઈ:હવે, કોણ આવવાનું છે એ કહી દે ને. વાતવાતમાં પૂર્વભૂમિકા બાંધવાની ટેવને તું ક્યારે તિલાંજલિ આપીશ?

નયનાબહેન:એ ટેવ તો તમારા જેવા ગુજરાતીના પ્રોફેસરને પરણ્યાં પછી પડી છે. બાકી હું તો અસલ કાઠિયાવાડીની દીકરી હતી રે. એક ઘા ને બે કટકા કરવાવાળી રે.

જગદીશભાઈ:તો કરી નાખને એક ઘા ને બે કટકા. બોલી નાખને કે આજે આપણે ત્યાં કોણ આવવાનું છે.

નયનાબહેન: અરેરે! આપણે ત્યાં આજે નવાં કામવાળાં બહેન આવવાનાં છે રે. [ગરબાની જેમ ગાય] આજ મારે આંગણે રે આવશે કામવાળાં બહેન. આજ મારે આંગણે રે આવશે કામવાળાં બહેન.

જગદિશભાઈ:લો કરો વાત! નવાં કામવાળાં બહેન આવવાનાં છે એમાં તો રાસગરબાના કાર્યક્રમનું આયોજન પણ થઈ ગયું

નાયાનાબહેન:તમને પ્રસંગની ગંભીરતાનો ખ્યાલ નથી એટલે આવાં બેજવાબદારીભર્યાં નિવેદનો કરો છો. ખ્યાલ આવશે ત્યારે તમારી બોલતી બંધ થઈ જશે રે.

જગદીશભાઈ:આમાં ગંભીરતાનો સવાલ જ ક્યા છે? નવાં કામવાળાં બહેન આવવાનાં છે તો આવશે. આવશે અને કામ કરીને જતાં રહેશે.

નયનાબહેન:માનનીય આધ્યાપકશ્રી, નવાં કામવાળાં બહેન આજે કામ કરવા નથી આવવાનાં. મામલો તમે માનો છો એટલો સરળ નથી રે.

જગદીશભાઈ:તો શું આપણી મુલાકાતે આવવાનાં છે?

નયનાબહેન:હા, તમે ભલે ગુસ્સામાં બોલ્યા હો. ભલે મજાકમાં બોલ્યા હો. પરંતુ જે બોલ્યા છો એ સત્ય બોલ્યા છો રે.

જગદીશભાઈ:તો કામવાળાં બહેન માત્ર આપણી મુલાકાતે આવશે? કામ કરવા નહિ આવે?

નયનાબહેન:આ કામવાળાં બહેન અલગ જ પ્રકારનાં છે. કોઈ પણ પરિવારનું કામ સ્વીકારતાં પહેલાં એ જે તે પરિવારના વાતાવરણનો પૂરો અભ્યાસ કરી લે છે. વાતાવરણ યોગ્ય લાગે તો જ કામનો સ્વીકાર કરે છે. મેં તો એમને અનુકૂળ થવા માટે મારી જાતને તૈયાર કરી લીધી છે. એટલે હું તો એમની પરીક્ષામાં સફળ થઈ જઈશ. પણ તમારું કાંઈ કહેવાય નહિ રે.

જગદીશભાઈ:આ અરે ઘરકામનો આખો મામલો જ તને સ્પર્શે છે. મારે એમાં શી લેવાદેવા?

નયનાબહેન:છે. તમારે લેવાદેવા છે. આ કામવાળાં બહેન સિદ્ધાંતવાદી છે. જે ઘરમાં કચકચ થતી હોય એ ઘરનું કામ નહિ કરવાનો એમનો વર્ષો જુનો સિદ્ધાંત છે. ને કચકચ કરવાની તમારી જૂની ને જાણીતી આદત છે રે. ચાલો, ડાહ્યાડમરા થઈને સામે ખુરશી પર બેસી જાવ. એમનો આવવાનો સમય થઈ ગયો છે રે. [બેલ વાગે] આવી ગયાં રે. કામવાળાં બહેન આવી ગયાં રે. હે માતાજી, હે બાપજી, હે હજાર હાથવાળા.. અમારી લાજ રાખજો રે. [ફરી બેલ વાગે] એ ખોલું છું રે. [બારણું ખોલે] આવો. આવો બહેન પધારો. અમારે આંગણે પધારો જી રે.

ચિન્કી:ગુડ મોર્નિંગ. મારું નામ ચિન્કી છે. આઈ મીન ચિન્કી ધમાલિયા. તમારા ઘરકામ માટે તમને સર્વિસ આપવી કે નહિ એ ડિસાઈડ કરવા માટે આવી છું.

નાયનાબહેન:ગુડ મોર્નિંગ ચિન્કી બહેન. આપને મળીને ઘણો જ આનંદ થયો રે. બેસો આ સોફા પર બેસો. હું તમારા માટે પાણી લાઈ આવું રે.

ચિન્કી :રહેવા દો આન્ટી. પાણી નથી પીવું. મારી પાસે ટાઇમ ઓછો છે. બીજી બેત્રણ વિઝિટ પણ છે. યા તો હું તમારો ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરું છું.

નયનાબહેન:જરૂર કરો બહેન. જે પૂછવું હોય એ પૂછો. પણ કોર્સ બહારનું ન પૂછતાં. અમારા પર દયાભાવ રાખજો રે.

ચિન્કી:યા! તો પહેલી વાત તો એ કે આ તમે વાતવાતમાં રે રે કરો છો એ મને પસંદ નથી. યુ સી, બહુ જ ઓલ્ડ ફેશનનું લાગે છે.

નયનાબહેન;તો શું બોલવાનું? તમે એ બાબત કશું કહેશો રે.

જગદીશભાઈ:યા! યા! યા! બોલવાનું. બીજું શું? લાગે છે કે આ બહેનને ગુજરાતી ભાષા સાથે દુશ્મનાવટ છે.

ચિન્કી:યુ આર રાઈટ અંકલ. મને ગુજરાતી પરફેક્ટ નથી ફાવતું. યુ સી, મારા મોટાભાગના કસ્ટમર એનઆરઆઈ છે. હું પોતે ત્રણ વખત અમેરિકા જઈ આવી છું.

નયનાબહેન :યા! યા! યા! શું વાત કરો છો? તમે અમેરિકા રિટર્ન છો?

ચિન્કી:યા! મારા એક કસ્ટમર છે કોકિલા બહેન. એમની ત્રણે ત્રણ દીકરીઓ અમેરિકામાં રહે છે. જ્યારે જ્યારે એ દીકરીઓને ડિલિવરી આવવાની થઈ ત્યારે ત્યારે કોકિલાબહેન અમેરિકા ગયાં હતાં. એવરી ટાઈમ આઈ વોઝ વિથ હર.

નયનાબહેન:યા! તમને વિદેશમાં પણ સેવા આપવાનો અનુભવ છે.

ચિન્કી:નોટ અનુભવ. ઇટ ઇઝ વેરી ઓલ્ડ એન્ડ હાર્ડ વર્ડ! સેય એક્સપિરિયન્સ. ઇટ ઇઝ વેરી ઇઝી.

જગદીશભાઈ:પણ શા માટે? આપણી ગુજરાતી ભાષામાં ‘અનુભવ’ જેવો સરસ મજાનો શબ્દ છે તો પછી એના માટે અંગ્રેજી શબ્દ શા માટે? આવું ને આવું બોલતા રહેશો તો પછી આપણી ગુજરાતી ભાષા બચશે કેવી રીતે? ચિન્કીબહેન, અંગ્રેજી ભાષા માટે મને નફરત નથી. પરંતુ ગુજરાતી બોલતી વખતે બિનજરૂરી અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરવાનું આપણે ટાળવું જોઈએ.

ચિન્કી:[ગુસ્સામાં] અન્કલ, તમે મને લેક્ચર આપો છો? આર યુ એ પ્રોફેસર?

જગદીશભાઈ:પ્રોફેસર નહિ, આધ્યાપક. ન જાણતા હો તો જાણી લેજો કે હું આ શહેરની એક મહા પાઠશાળામાં ગુજરાતીનો આધ્યાપક હતો. છેલ્લા બે વર્ષોથી નિવૃત્ત થયો છું. તમારા જેવી કેટલીય યુવતીઓ મારી પાસે ભણી ભણીને ગુજરાતી ભાષાની ઉત્તમ લેખિકાઓ બની છે.

ચિન્કી:લેખિકા? યુ મીન રાઈટર? નો નો સર, મારે ભૂખે નથી મરવું. પ્લીઝ, તમે મારો ટાઈમ વેસ્ટ નહિ કરો. મને મારું કામ કરવા દો. ચાલો એ કહો કે, તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે?

નયનાબહેન:ઓનલી ટુ. હું અને આ પ્રોફેસર સાહેબ. એક દીકરો છે જે એની વહુ સાથે મુંબઈ રહે છે. એક દીકરી છે જે એને સાસરે વાપી છે. અહી અમે બે ને અમારું કોઈ નહિ.

ચિન્કી:વેરી ગુડ. હવે મને તમારું કિચન બતાવો. તમારાં વાસણ બતાવો.

નયનાબહેન:આવો. આ રહ્યું અમારું કિચન. અને આ રહ્યાં અમારાં વાસણ.

ચિન્કી:ઓહ માય ગોડ! આટલું જુનું કુકર? આને તો સાફ કરવું કેટલું ડિફિકલ્ટ છે! તમને કેવી રીતે ફાવે છે? આન્ટી. હવે તો સારાં સારાં કુકર માર્કેટમાં મળે છે. નવું લઈ આવજો ઓકે?

નયનાબહેન:યા! યા! ઓકે! ઓકે! નવું કુકર લઈ આવશું. જરૂર લઈ આવશું.

ચિન્કી:આ સ્ટીલના થાળીવાટકા! તમે જમવા માટે આ વાપરો છો? મેલમીન કે કાચનો ડીનર સેટ નથી?

નયનાબહેન:યા! છે. કબાટમાં સાચવીને રાખ્યો છે. અમને તો આ સ્ટીલના ફાવે. પણ તમને નહિ ફાવે એટલે અમે એ સેટ કબાટમાંથી બહાર કાઢશું. યુ ડોન્ટ વરી.

જગદીશભાઈ:અરે પણ! મારું કહેવું એમ છે કે આ બહેન આપણું ઘરકામ કરવા આવ્યાં છે કે આપણું ઘર વસાવવા?

ચિન્કી:ઓ અન્કલ, હું તમારું ઘરકામ કરું એનો મીનિંગ એ નહિ કે તમારાં ભંગારમાં આપવા જેવાં વાસણો સાફ કરી કરીને હું મારા હાથ બગાડું. મારી સાથે એગ્રી થવું હોય તો થાવ નહિ તો આ ચાલી. મારી પાસે બીજા ઘણાં કસ્ટમર્સ છે.

નયનાબહેન:ના ના! ચિન્કીબહેન, એવું ન કરશો. એમના બોલવા સામે હું ક્યારેય નથી જોતી. તમે પણ ન જોતાં. આવો, હું તમને અમારી ચોકડી બતાવી દઉં. બહુ જ મોટી છે. તમે આરામથી બેઠાં બેઠાં વાસણો ધોઈ શકશો.

ચિન્કી:મને બેસીને વાસણો ધોવાનું નહિ ફાવે. હું વૉશબેસિન પાસે ઊભાં ઊભાં જ વાસણો ધોઈશ.

નયનાબહેન:પણ કપડા તો ચોકડીમાં બેસીને ધોશોને?

ચિન્કી: કપડાં માટે તો વૉશિંગ મશીન હશેને? પછી ચોકડીમાં બેસવાની શી જરૂર?

નયનાબહેન:વૉશિંગ મશીન તો નથી. અમને ન ફાવે એટલે લીધું જ નથી.

ચિન્કી:લઈ લેજો. મને તો વૉશિંગ મશીન વગર કપડાં ધોવાનું નહિ ફાવે. યુ સી આન્ટી, હવે કોઈ કામવાળી વૉશિંગ મશીન વગર કપડાં નથી ધોતી.

નયનાબહેન:પણ થોડા દિવસ તો ચલાવશોને?

ચિન્કી:નોટ એટ ઓલ! મને વૉશિંગ મશીન વગર નહિ ફાવે.

નયનાબહેન::યા! અમે વૉશિંગ મશીનનો ખર્ચો કરી નાખીશું.

ચિન્કી:આન્ટી, હવે રહી પોતાં કરવાની વાત. તો તમારી આ ટાઈલ્સ બહુ જ જૂની છે. એમાં પોતાં કરવાનો કોઈ મીનિંગ નથી. સારી મજાની નવી ટાઇલ્સ નખાવી દેજો. હું એને ચકચકતી રાખીશ. ઓકે?

જગદીશભાઈ:એટલે તમેં નચાવો એમ અમારે નાચવાનું છે?

ચિન્કી:નાચવાની વાત નથી. માણસની રીતમાં રહેવાની વાત છે. આન્ટી, અંકલની કચકચ હું જરા પણ સહન નહિ કરું હા.

નયનાબહેન:યા! તમે કામ કરવા આવો ત્યારે આ માણસ ઘરની બહાર હશે એની હું ખાતરી આપું છું. અમે નવી ટાઇલ્સ નંખાવી લઈશું. ખરેખર બહુ ખરાબ થઈ ગઈ છે.

ચિન્કી:હવે લાસ્ટ કન્ડિશન. જે દિવસે તમારે ત્યાં ગેસ્ટ હશે એ દિવસે એક્સ્ટ્રા ચાર્જ થશે. પર હેડ ટવેન્ટી રૂપિઝ.

નયનાબહેન:અમારે ત્યાં ગેસ્ટ આવે એવા અમારાં ભાગ્ય ક્યાં છે! આવે ત્યારે ચાર્જ ગણી લેજો.

ચિન્કી:તો આ કોન્ટ્રાકટ પેપર પર સાઈન કરો અને એડવાન્સમાં એક મંથનો સેલેરી આપો.

જગદીશભાઈ:કામવાળાંને આગાઉથી પૈસા? પહેલી વખત સાંભળી આ વાત!

ચિન્કી:અંકલ, ટાઈમ ઇઝ ચેઈન્જડ નાઉ.

નયનાબહેન::યા યા! કામવાળાંની આજકાલ મોનોપોલી છે. મહિનાનો કેટલો પગાર ગણશો બહેન?

ચિન્કી:આમ તો ત્રણે કામના એક હજાર રૂપિયા થાય. પણ તમારું ફેમીલી નાનું છે અને તમે લોકો સીનિઅર સિટીઝન છો એટલે બસ્સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપું છું. એટલે મારું પેકેજ તમને આઠસો રૂપિયામાં પડશે. ઓકે?

નયનાબહેન:યા! યા! ઓકે ઓકે. એકદમ ઓકે. અરે આધ્યાપકશ્રી, કાઢો આઠસો રૂપિયા અને કરો ચિન્કીબહેનને રાજી. ચિન્કીબહેન રાજી તો આપણે રાજી.

ચિન્કી:યા!યા! યુ આર હેપ્પી આન્ટી.

નયનાબહેન: યા!યા! બટ યોર અન્કલ ઇઝ અનહેપ્પી!

[બંને હસે]

[પ્રવેશ : ૨]

[સ્થળ : જાહેર બગીચો. જગદીશભાઈ બેઠા છે. રમણભાઈ આવે છે.]

જગદીશભાઈ:એ આવો આવો રમણભાઈ, આ બાજુ આવો.

રમણભાઈ:લે કરો વાત! જગદીશભાઈ, તમે અહીં મંદિરના બાંકડે?

જગદીશભાઈ:હું તો રોજ આવું છું ભાઈ. ઘરબાર છોડીને આવવું પડે છે.

રમણભાઈ:કેમ? ઘરવાળાંનાં ત્રાસથી?

જગદીશભાઈ:ઘરવાળાંનાં ત્રાસથી નહિ. કામવાળાંનાં ત્રાસથી. અમારાં કામવાળાં ચિન્કીબહેનને વાતવાતમાં અંગ્રજી શબ્દો બોલવાની આદત છે. જે મારાથી સહન નથી થતી.

રમણભાઈ:આવ ભાઈ હરખા આપણે બંને સરખા!

જગદીશભાઈ:એટલે શું કહેવા માંગો છો? તમારે પણ કામવાળાં બહેનનો ત્રાસ છે.

રમણભાઈ:હા. અમારાં નવાં કામવાળાં પૂનમબહેનની તો વાત જ કરવા જેવી નથી. એના ત્રાસના લીધે જ આજથી જ આ બગીચામાં આવીને બેસવાનું નક્કી કર્યું છે.

જગદીશભાઈ:શું કહો છો! તમારાં કામવાળાં બહેનને પણ અંગ્રેજી બોલવાનો શોખ છે?

રમણભાઈ:ના. એમનો શોખ જરા અલગ પ્રકારનો છે. એમને કામ કરતી વખતે ગુજરાતી ગીતો સાંભળવાનો શોખ છે.

જગદીશભાઈ:એ તો બહુ મજાની વાત કહેવાય. તમારાં પૂનમબહેન આપણી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતાં હોય એવું લાગે છે. .

રમણભાઈ:પૂરી વાત તો સાંભળો જગદીશભાઈ. પૂનમબહેને પોતાના મોબાઈલમાં ઢગલો ભરીને ગુજરાતી ગીતો રેકર્ડ કર્યાં છે.

જગદીશભાઈ:એમ?

રમણભાઈ:એમણે કેવાં કેવાં ગીતો મોબાઇલમાં ભર્યાં છે. યાદી સાંભળો. પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે, મારો સોનાનો ઘડૂલો રે, વા અવ્યા ને વાદળ ઉમટયાં, વાદલડી વરસી રે...

જગદીશભાઈ: વાહ ભાઈ વાહ! આ તો મજાનું કહેવાય.

રમણભાઈ: પૂરી વાત તો સાંભળો. પૂનમબહેન કામ કરતી વખતે આવાં ગીતો મોટેથી વગાડે અને એની સાથે સાથે તાલ મેળવતાં મેળવતાં કામ કરતાં જાય. આવું ચાલે?

જગદીશભાઈ:કેમ ન ચાલે? મને તો એમાં કશું ત્રાસદાયક લાગતું નથી.

રમણભાઈ:તમે નહિ સમજો જગદીશભાઈ. મારે ઉદાહરણ આપવું પડશે. ધારો કે ગીત વાગી રહ્યું છે. ... પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે, પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે. આ ગીત બાગતું જાય, પૂનમબહેન પણ સાથે સાથે ગાતાં જાય, વાસણ ધોતાં જાય., તાલ મેળવતાં જાય અને તાલ મેળવવા માટે હાથમાં જે વાસણ હોય એ પછાડતાં જાય. પરિણામે અમારાં એકાદ બે વાસણ રોજ નંદવાતાં જાય છે. બોલો, સગી આંખે આવું નુકશાન જોવું એના કરતાં અહિ બાંકડે આવીને બેસવું શું ખોટું? દેખવું નહિ ને દાઝવું નહિ.

જગદીશભાઈ:સાચી વાત છે. કામવાળાંને કશું કહેવાય નહિ. કહીએ તો કામ છોડી દે. એવું થાય એટલે ઘરવાળાં નારાજ થાય.

રમણભાઈ: એ પાછું બીજું દુઃખ.

જગદીશભાઈ:એ દુઃખ તો પાછું મોટું. એનાં કરતાં ભલા આપણે ને ભલો આ બાંકડો. લો એ વાત પર મોઢું મીઠું કરો.

રમણભાઈ:પેંડા! કઈ ખુશીમાં?

જગદીશભાઈ:તમારા ભાભીએ આજે અમારી સોસાયટીમાં પેંડા વહેંચ્યા છે.

રમણભાઈ: [હાથમાં પેંડો લઈને] પણ કઈ ખુશીમાં એ તો કહો.

જગદીશભાઈ:આ અમારાં કામવાળાં બહેન અમારે ત્યાં કામ પર લાગ્યાં એને સો દિવસ પૂરા થયા એની ખુશીમાં.

રમણભાઈ:[હસતાં હસતાં] કામવાળાં બહેન સો દિવસ પૂરા કરે એ પણ નસીબની વાત છે. એ વાત પર પહેલાં તમે મોઢું મીઠું કરો.

[બંને મિત્રો એકબીજાને પેંડા ખવડાવતાં હોય એ દૃશ્ય સાથે નાટક પૂરું થાય.]