પુસ્તક એ કોઈ વસ્તુ નથી.મારા માટે તો એ એક વ્યક્તિથી પણ વિશેષ છે.વ્યક્તિને તો સંજોગો પ્રમાણે કદાચ છોડવા પડે પણ પુસ્તકો ન છોડી શકાય.એ તો એવો સથવારો છે જે સારા ખરાબ બધા જ સમયમાં સાથે હોય.એક સારા પુસ્તકમાં તો તમારા દુઃખ ,દર્દ,નિરાશા,ચિંતા,અજંપો આ બધું જ મહાદેવની જેમ નીલકંઠ બનીને પી જવાની તાકાત હોય છે.એ હાથ પકડીને ચાલે છે...જ્યાં સુધી તમે એનો હાથ પકડેલો હોય ત્યાં સુધી કોઈ સવાલ જ નથી કે એ તમારો હાથ છોડી દે.આપણે એને જેટલો પ્રેમ કરીએ એનાથી એ તો સહેજ વધુ જ પ્રેમ કરવાના.પુસ્તકો તો ફરિશ્તા જેવા હોય છે જેનો હાથ પકડો એટલે તમને કોઈક બીજી જ દુનિયામાં લઇ જાય જ્યાં તમારા દુઃખ દર્દ નું તો કોઈક નામો નિશાન જ ન હોય.જ્યાં માત્ર બીજાની દુનિયા હોય..બીજાનું સુખ હોય ..બીજાનું દુઃખ હોય...બીજાની મુશ્કેલીઓ અને પડકાર હોય .આપણે તો બસ સાક્ષીભાવે જોવાના જ હોય.ઘણીવાર કોઈ પાત્ર એવું પણ લાગે કે જેનું જીવન અને વ્યથા તમારા જીવનની વ્યથા સાથે આબેહુબ મળતા હોય અને જો એવું પાત્ર એની લડત જીતી જાય તો તમારામાં પણ એક નવો જુસ્સો અને જોમ ભરાય જાય.તમારા પોતાના પડકારો અને પરિસ્થિતિ સામે લડવાની તમને તાકાત મળી જાય.અસંભવ લાગતી વસ્તુઓ સંભવ લાગવા માંડે.
ઘણીવાર તો એવું બન્યું હોય કે જે પુસ્તકને આપણે શોધતા હોઈએ એ સામે ચાલીને આપણને શોધતું આવ્યું હોય.ક્યાંક પુસ્તકાલયના કોઈક શેલ્ફ પર કે કોઈ મિત્ર પાસેથી એનો ભેટો થઇ જાય.ક્યારેક વળી અનાયાસે જ કોઈ પુસ્તક હાથમાં આવે અને પહેલી નજર નો પ્રેમ થઇ જાય.કોઈક પુસ્તકને વાંચતા જઈએ એમ દરેક પાના સાથે પ્રેમ થતો જાય અને પુસ્તક પૂરું થતા પહેલા તો એની સાથે લગ્ન ગ્રંથીએ જોડાઈ ગયા હોય એવું લાગે.આવા પુસ્તકોના સાનિધ્યમાં તો આખા બ્રહ્માંડમાં માત્ર આપણે અને આપણું પુસ્તક જ અસ્તિત્વ ધરાવતા હોય એવું અભિમાન થઇ આવે.પુસ્તકો પ્રેમ કરીને ક્યારેય દગો પણ નથી દેતા.એમનો પ્રેમ પણ શરતો વિનાનો હોય છે.જ્યાં સુધી તમે એમનો સાથ ન છોડો ત્યાં સુધી એ તમારી સાથે જ રહે.ઘણીવાર તો પુસ્તક હાથમાં લઈએ ને રોમરોમમાં ઝણઝણાટી ઉપડી જાય..રૂવાંટા ઉભા થઇ જાય..કોઈક સુંદર છોકરીને ચુંબન કરતા હોય અને હોઠ ધ્રુજતા હોય અને જે અનુભૂતિ થાય એવી અનુભૂતિ થાય.પુસ્તકો તો ચમત્કાર પણ કરી જાણે છે.જીવન બદલાવી નાખે એવા ચમત્કાર.
ઘણા પુસ્તકો તો એવા છે જે વાંચ્યા પછી તમને ગાંડા બનાવીને વાંચવા પર મજબૂર કરી મૂકી.પુસ્તક માથે મુકીને નાચવાનું મન થઇ આવે.પુસ્તકના દરેક શબ્દોને ચુંબન કરવાનું મન થઇ આવે અને દરેક પાનાને ગળે લગાડવાનું મન થઇ જાય.અંતરમનમાં જેટલો પણ પ્રેમ ભરેલો હોય એ પુસ્તક પર વરસાવવાનું મન થાય.
પુસ્તક ઘણું બધું આપીને પણ મૂંગા જ હોય છે.પુસ્તકો તો એક માનું વાત્સલ્ય અને મહાપુરુષનો ત્યાગ લઈને જન્મે છે.કઈ કહ્યા વગર માનવતા,કરુણા,પ્રેમ,ત્યાગ,બલિદાન,ભક્તિ શીખવાડે છે.સારા પુસ્તકોની કિમંત હમેશા તેના પર છાપેલા ભાવ કરતા તો અનેકગણી વધુ જ રહેવાની..અને એ તો કશું સામે માંગ્યા વગર આપવામાં જ મને છે.પુસ્તકો તો કર્ણ જેવા દાનવીર હોય છે જેની પાસેથી કોઈ ખાલી હાથે પાછુ નથી જતું.જેને દેખાય એના માટે પુસ્તકો તો હીરા મોતી કે સોના ચાંદીથી પણ વધુ મૂલ્યવાન છે અને ન દેખાય તો માત્ર કોરા કાગળ.જ્યાં સુધી આપણી પાત્રતા ના હોય ત્યાં સુધી સારા પુસ્તકો હાથમાં આવતા પણ નથી અને કદાચ આવે તો પણ વધુ ટકતા પણ નથી...જેમ સિંહણના દૂધને સાચવવા સોનાનું પાત્ર જોઈએ એવું જ કંઇક.....
પુસ્તકોએ તો વિશ્વને ઘણાય મહાપુરુષની ભેટ આપેલી છે જેમણે દુનિયાને વધુ સારી અને વધુ સુંદર બનાવવામાં મદદ કરી છે.એટલે પુસ્તકોએ તો ઘણી જગ્યાએ સાઈલન્ટ હીરોનું કામ કર્યું છે.ઘણા લોકોના જીવનને પુસ્તક વાંચીને એક નવી જ દિશા મળી છે.આપણી પાસે જો લેવાની તાકાત હોય તો પુસ્તકો પાસે આપવા જેવું ઘણું બધું છે...ઘણું જ...આ ધરતી પરના ત્રણ ભાગમાં ફેલાયેલા સમુન્દ્રો ભરાય જાય એનાથી પણ વધુ...
પુસ્તકો તો ટાઇમ મશીન જેવા છે જેમણે સમય કે સ્થાનના કોઈ પરિમાણ નડત્તા નથી.તમારે ભૂતકાળમાં જવું હોય તો ત્યાં પણ લઇ જઈ શકે છે અને ભવિષ્યમાં જવું હોય તો ત્યાં પણ...એક રોલર કોસ્ટર રાઈડ જેવો પણ અનુભવ કરાવી શકે..
એ તમને ઘડીભરમાં તો તમારા ગમતા સ્થળ પર લઇ જઈ શકે છે,ત્યાના લોકો અને સંસ્કૃતિને નજર સામે મૂકી આપે અને ચાહો તો આખા બ્રહ્માંડની સફર પણ કરાવી શકે છે.એનામાતો આધ્યાત્મિક અનુભૂતિ કરાવી શકવાની શક્તિ રહેલી છે.
ઘરે બેઠા દરિયાના મોજા પગને સ્પર્શ કરતા હોય એવી અનુભૂતિ કરાવે કે પછી કોઈ પહાડ પરની સાંજની ગુલાબી ઠંડી અને ખુશનુમા હવા આજુબાજુ ભરી શકે છે..ચાહો તો શહેરની ભીડમાં લઇ જઈને વાહનોના ધુમાડા વચ્ચે ગૂંગળાઈ જાવ એવો અનુભવ પણ કરાવી શકે..એકસાથે ડર અને રોમાંચની મિશ્ર લાગણી પણ ભરી દે .ગાત્રો શિથિલ કરી નાખે એવી તાકાત હોય છે.એમની પાસે...
એક પળમાં બાળક બનવું હોય કે જુવાની માણવી હોય કે વૃધ્ધાવસ્થાની વ્યથા જીવવી હોય તો એ તાકાત માત્ર પુસ્તક પાસે જ છે.જેમના ઘરની આજુબાજુ એકાદ પુસ્તકાલય હોય તો એમ સમજવું કે સ્વર્ગનું એક સેન્ટર ધરતી પર ત્યાં ખોલવામાં આવ્યું છે અને તમને પુસ્તકો વાંચવામાં પ્રત્યે પ્રેમ હોય તો તમને સ્વર્ગમાં પ્રવેશ માટેના બધા હકો મળી ગયા એમ સમજવું.એનાથી પણ વિશેષ જો ઘરમાં જ એક નાનકડી લાઈબ્રેરી બનાવી શક્યા તો તો ઘરમાં જ સ્વર્ગ.....
પુસ્તકોનો હાથ પકડીને ચાલવા મળે અને સ્મશાન સુધીની સફરમાં એકબીજાનો હાથ ઝકડીને પકડી શકાય એનાથી મોટું અહોભાગ્ય બીજું શું હોય શકે?