આંચકો ...! Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંચકો ...!

આંચકો???......!!!

આમ તો તેની ફોઈએ તેનું નામ ભાર્ગવ રાખ્યું હતું, પણ તેના માં અને બાપ બંને અભણ. વળી તેનું ગામ પણ શહેરથી ઘણે દૂર આવેલ એટલે આવું ફેશનેબલ નામ ગામ લોકોને ઝટ મોઢે ચડે નહીં એટલે બધા તેને ભગલો કહીને બોલાવે.

ભાર્ગવ નાનપણથી જ શાંત, ગામમાં ક્યારેય તેણે કોઈ ચીજ વસ્તુ માટે વાદ કર્યો હોય કે કજિયો કર્યો હોય તેવું ગામમાં કદી બન્યું નથી. શરીરે દુબળો, અને પાછી ઊંચાઈ ઓછી અને અધૂરામાં પૂરું નાનપણથી જ જાડા કાચના ચશ્મા એટલે લોકોને ભાર્ગવની જગ્યાએ ભગલો કહેવું જ ઠીક લાગતું.

ભગલો પાછો કોઈ જોડે જલ્દી ભળે નહીં, પણ તેના ઘરથી થોડે દૂર રહેતા ટીકુ સાથે તેને ફાવી ગયું એટલે તેની સાથે રમ્યા કરે. અને ટીકુના ઘરની બરાબર સામે રહેતી નિર્મળા રહેતી જો કે ગામ લોકો તેને નીમું કહીને બોલાવે. અને ટીકુ મજાકમાં નીમુંને મુનિ પણ કહે. આ ત્રણેની ટોળકી રમ્યા કરતી હોય.

હજુ આ ત્રિપુટી પાંચ છ વરસની થઈ એટલે ઘર ઘર અને બીજી ગામમાં ચાલતી નાના બાળકોની રમતો રમતી. ઘર ઘર રમે ત્યારે ટીકુ વર બને અને નીમું વહુ થાય, અને ભગલો ગોર થાય અને ટીકુ અને નીમુના લગ્ન કરાવી આપે.

એક વખત ભગાએ વર વહુ રમતી વખતે વર બનવાની હઠ કરી, અને નીમુને વહુ બનવાનું કહ્યું નીમું એવી ખીજવાઈ અને ભગલાને એક ધોલ મારી કે ભગલો નીચે ચતો પાટ પડ્યો. સુંડલો એક ધૂળ મોઢામાં જતી રહી. આજની ઘડી અને કાલનો દી, ફરી ભગાએ ક્યારેય વર થવાનું નામ ન લીધું.

ધોરણ બારમામાં ટીકુ અને ભાર્ગવને લગભગ સરખા ગુણ આવેલ, પણ તે વખતે એંન્જીનીઅરીંગના ડિગ્રી કોર્ષની બેઠકો બહુ ઓછી હતી એટલે તેમાં તો પ્રવેશ ન મળ્યો પણ ત્યારની રાજકોટની એક માત્ર ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રોનિક્સ અને બીજા વિષયો ભણાવતી કોલેજમાં એડમિશન મળી ગયું.

તે વખતના પ્રિન્સિપાલે બધા વિદ્યાર્થીને આપેલ પોતાના લેક્ચરમાં સર્વ વિદ્યાર્થીને આવકાર આપીને છાતી ઠોકીને કહ્યું કે તમે આ કોલેજમાં એડમિશન લીધું એટલે તમારી જોબ પાક્કી. અને પ્રિન્સિપાલની વાત પણ સાચી હતી કારણ કે ગઈ બેચના બધા જ વિદ્યાર્થીઓને નોકરી મળી ગઈ હતી.

કોલેજની હોસ્ટેલમાં ભાર્ગવ અને ટીકુ એક જ રૂમમાં સાથે રહે, ટીકુ ભાર્ગવને ભગલો કહી બોલાવે એટલે ધીરે ધીરે આખો ક્લાસ તેને ભગલો કહેવા લાગ્યો.

કોલેજમાં જમવા માટે મેશ હતી, પણ તે કોઈ કારણસર ચાલી નહીં એટલે કોલેજના વિદ્યાર્થીઓ અન્નપૂર્ણા ડાઇનિંગ હોલમાં જમતા. જો કે ત્યાં હકો કરીને એક નાનો વિદ્યાર્થી જેટલી જ ઉંમરનો યુવક તેનો વહીવટ સંભાળતો એટલે તે ભોજનાલય હકાની મેશ નામે પ્રસિદ્ધ થઈ ગયું.

ભગલાના પિતા ઘણીવાર ભગલાને સમયસર પૈસા મોકલી શકતા નહીં, એટલે ભગલો નિમાણાં જેવો થઈ જતો. અને ટીકુના ઘેરથી પણ ટીકુને જોઈએ તેટલા જ પૈસા આવતા. એટલે તેની પાસે પણ પૈસા માંગી શકતો નહીં. ફૂડ બિલ ન ભરી શકવાને કારણે ભગલો હકાની મેશમાં જમવા જતો નહીં.

જ્યારે હકાને ખબર પડતી કે ભગલો પૈસા ન હોવાને કારણે તેની મેશમાં જમવા આવતો નથી ત્યારે હકો ભગલાની રૂમમાં જઈને ભગલાને ખેંચી લાવતો, તેને સારી રીતે જમાડતો એટલું જ નથી પણ તેને પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા પણ આપતો.

ભગલો હોસ્ટેલમાં કપડાં ધૂંવે ત્યારે ચશ્મા કાઢીને ધોતો, એટલે તેને બરાબર દેખાતું નહીં, આનો લાભ બે -ત્રણ અવળચંડા છોકરાઓ લેતા તેઓ પોતાના કપડાં પણ ભગલાને સિફતથી વાતોમાં પરોવી સરકાવી દેતા. અને ભગલો પણ એટલો ડફોળ કે તેણે કેટલા કપડાં ધોયા? તે બાબત પર તેનું ધ્યાન પણ ખેંચાતું નહીં. પેલા છોકરાઓ કપડાં સુકાઈ જાય એટલે ભગલો કપડાં લેવા જાય તે પહેલા લઈ નાસી છૂટતા.

અભ્યાસ પૂરો થયા પછી ભગલાની સાથે અભ્યાસ કરતા કુલ પચાસેક વિદ્યાર્થી વડોદરાની એક અર્ધ સરકારી કંપનીના નોકરી પર લાગ્યા. એટલે અહીં પણ લોકો તેને ભાર્ગવની જગ્યાએ ભગલો કહીને જ બોલાવે.

કંપનીના જુના કર્મચારીઓ ભગલાનો બહુ ફાયદો ઉઠાવે ભગાભાઇ આ કામ મને જરા અઘરું લાગે છે, પણ તમારા માટે તો ડાબા હાથના ખેલ જેવું છે તો પ્લીઝ કરી આપોને? એમ કહી પોતાનું કામ કઢાવી લે. વળી કંપનીમાં કેટલીક ચિબાવલીઓ જરા મલકીને પોતાનું કામ વળગાડી જાય.

આમ ભગલો ઘેરથી સહુથી વહેલો આવી જાય અને સહુથી મોડો ઘેર જાય તો પણ બીજાના કામ કરી આપવાથી પોતાનું કામ તો બાકી જ રહી જાય. અને બોસ બધાની વચ્ચે ભગલાને બરાબરનો ઠપકો આપે ત્યારે જેણે કામ આપ્યું હોય તે ચિબાવલા અને ચિબાવલીઓ મૂછમાં હસતા હોય.

સમય જતા ભગલાના લગ્ન પણ થયા, અને તેની તેની પત્ની રૂપના અંબાર જેવી જોઈને લોકો કહેતા કે કાગડો દહીંથરું લઈ ગયો. અને ભગાભાઇના દોસ્તારો પણ વધ્યા. અને ભગલાની પત્ની રેણુકા ચા પણ સરસ બનાવતી એટલે ચાના વખાણની સાથે રેણુકાના વખાણ પણ થઈ જાય. અને રેણુકા પોતાના વખાણના જવાબમાં આંખોનો ઉલાળો પર કરે.

સમય વીતતો ગયો, ભગલાને ત્યાં બે બાળકો જન્મ્યા. ભગલો ભગવાનમાં પહેલેથી જ બહુ માનતો હવે ભગવાનની પૂજા એક કલાક સુધી કરતો. કંપનીમાં પણ શરૂઆતની પહેલી 10 મિનિટ પૂજામાં ગાળતો. હવે ભગલો ભગત થઈ ગયો. તે બે જ કામ કરતો કંપનીમાં હોય ત્યારે કંપનીનું કામ અને ઘેર આવે ત્યારે પ્રભુ કીર્તન.

મહેમાન કે દોસ્ત આવે તેની સરભરા રેણુકાના માથે આવી, રેણુકા ભગલાને સમજાવે કે ઘરમાં થોડું ધ્યાન દો. છોકરા હવે જુવાન થયા. હું એકલે હાથે કેટલે પહોંચું? પણ ભગાને તો પોતાનો ભગવાન વાલો અને કંપની વાલી જ્યાં તે નોકરી કરે.

ભગાને તો હવે સપનામાં પણ ભગવાન દેખા દે, કોઈવાર સાથે વૈકુંઠ લઈ જાય, રાણી રૂક્ષમણી પાસે મહેમાનગતિ કરાવે. ભગો તો ખુશ થયા કરે. ભગાને ભગવાનની દાસી છપ્પન ભોગ પોતાના હાથે ખવડાવે. દાસી પણ એટલી સુંદર કે અપ્સરા પણ પાણી ભરે, ભગાએ દાસીનો હાથ પકડવા પોતાનો હાથ લંબાવ્યો ત્યાં રેણુકાનો હાથ તેના હાથમાં આવ્યો. રેણુકા બરાડી રહી હતી કેટલા વાગ્યા ભાન છે કે નહીં? આજે કંપનીએ નથી જવાનું?

ભગો ખાસિયાણો પડી ગયો, તે ફટાફટ ઉઠ્યો. આના પહેલા પણ ભગવાનના સપનાઓ આવેલ. પણ આ વખતે તો ખબર જ ન પડી? પોતે વૈકુંઠમાં છે તેમ સમજી ભગવાનની મહેમાનગતિ માણતો રહ્યો અને તેની પત્ની રેણુકાએ મણ મણની ચોપડાવી દીધી.

ભગલાને હવે કોઈક કોઈક વાર ભગવાન સપનામાં આવવા લાગ્યા, એટલે ભગલાએ પણ પોતાનો ભગવાન તરફનો ભક્તિ ભાવ વધારી દીધો, હવે તે ઉપવાસ પણ કરવા લાગ્યો. તેણે ઘરમાં ઘર્મના પુસ્તકો વસાવ્યા અને તે વાંચવા લાગ્યો.

એક રાતે ભગલો સૂતો છે અને સપનામાં સુદર્શન ચક્ર લઈ ભગવાન આવ્યા. ભગલો તો આભો બની ગયો. ભગવાનની આસપાસ તેજોમય વર્તુળ રચાયેલું છે. ભગલો તો પ્રભુના પગમાં પડી ગયો. ભગવાને તેને ઉઠાડ્યો અને કહ્યું વત્સ તારે જે વરદાન જોઈતું હોય તે માંગી લે. સંકોચ ન કરીશ.

ભગલો બોલ્યા, પ્રભુ આપના દર્શન પામી ધન્ય થઈ ગયો છું. મારે કોઈ વરદાન ન જોઈએ. પણ ભગવાનને તો વરદાન આપવું જ હતું. ભગવાને વરદાન આપ્યું જે કોઈ તારી સામે ક્રોધ કરે ત્યારે તું એની આંખો સામે તારી આંખો પરોવીશ તો તને તેણે કરેલ દશ પાપ કર્મ દેખાશે. જ્યારે તું તેને તેના પાપો વિશે કહીશ ત્યારે તેની બોલતી બંધ થઈ જશે. આટલું કહી પ્રભુ અલોપ થઈ ગયા.

પથારીમાંથી ભગલો આળસ મરડી બેઠો થયો, આજે સાચા નહીં તો સપનામાં પણ પ્રભુ તેની પર પ્રસ્સન થયા અને દર્શન આપ્યા તે જાણી અત્યન્ત હર્ષ અનુભવ્યો.

કંપનીમાં ગયો ત્યારે મેનેજર તેની રાહ જોઈ રહ્યો હતો, કંપનીના કામમાં એક મોટી ચૂક થયેલી, એટલે માલિક નારાજ હતા. અને ભગલાના ડિપાર્ટમેન્ટવાળાએ તે ભૂલ માટે ભગલાને જવાબદાર ઠેરવેલ.

ભગલાને મેનેજરે ફાયરિંગ આપવાનું શરૂ કર્યું અને ભગલાએ મેનેજરની આંખોમાં પોતાની આંખો પરોવી. હવે ભગલાને મેનેજરના ભાંડાની જાણ થઈ. ભગલો તાડૂક્યો સાહેબ આ ભૂલ મારી નથી પણ તમે કંપનીના ખર્ચે વિદેશમાં સેલ્વી જોડે રંગ રેલીયા મનાવતા હતા. ત્યારે તે કંપનીના સેલ્સમેને સેલ્વીને એટલે જ મોકલી હતી કે તમારી સહી થઈ જાય. અને તેમને ઓર્ડર મળી જાય.

મેનેજરની તો કાપો ન લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ, વાત સાવ સાચી હતી. એટલે તેણે મૌન રહેવામાં જ ભલાઈ સમજી અને ચુપચાપ પોતાની ઓફિસમાં જતો રહ્યો.

જો કે કંપનીનો પટાવાળો પણ સેલ્વી અને મેનેજરને કિસ કરતા જોઈ ગયેલ. બીજી કંપનીની સેલ્વી મેનેજરની ઓફિસમાં અવાર નવાર આવતી એટલે ઓફિસમાં આ બાબત પર ગણગણાટ તો ઘણા સમયથી થતો હતો, પણ ભગલા દ્વારા આવો ભાંડો ફૂટશે તેવું કોઈએ નહોતું વિચાર્યું.

મેનેજર રણ છોડી ભાગી તો ગયો પણ ભગલાને નોકરીમાંથી પાણીચું આપવાનું વિચારી લીધું. તેણે પોતાના ચમચાઓને પોતાની કેબીને બોલાવ્યા, અને ભગલાને હેરાન, પરેશાન કરવાનું કહી દીધું, અને પછી પોતે ભગલાને કેવી રીતે કંપનીમાંથી છૂટો કરવો તે બાબતે વિચારવા લાગ્યો.

મેનેજરના ચમચાઓ રમેશ, ગિરધર, રેખા, અને લતા આ ચારેયનું મોટાભાગનું કામ તો ભગલો જ કરી આપતો હતો, એટલે ચારેયે માન્યું કે ભગલો આપણને તો કશું કરી શકે તેમ નથી. અને સહુને મેનેજરને વ્હાલું થવું હતું.

ગિરિધર એક લેટર લઈ ભગલા પાસે ગયો, આ લેટર હાલ જ ટાઈપ કરવાનો છે, ત્યાં લતા બોલી આ પી. સી. બી. ચેક કરવાની છે, ત્યાં રમેશ કૂદ્યો મેં પરમ દિવસે કામ આપ્યું તે થયું કે નહીં? રેખાએ તો ભગલા ઉપર સીધો છેડતીનો જ આરોપ લગાવ્યો, અને એલફેલ બોલવા લાગી.

રઘલાએ ચારેની આંખોમાં આંખો મિલાવી, સહુથી પેલા ગર્જ્યો રેખલી ઉપર રાંડ મેં તારી ક્યારે છેડતી કરી? હજુ ચાર દિવસ પહેલા આ જ ઓફિસમાં તે ગિરઘર સાથે મોઢું કાળું કર્યું હતું તે ભૂલી ગઈ? રેખા અને ગિરધર તો સજ્જડ પૂતળા જેવા સ્થિર થઈ ગયા.

હવે રમેશ અને લતાને આડે હાથે લીધા, લતાને કહ્યું તમારી ઉંમરની તો જરા શરમ ભરો? તમે અને રમેશે એક મહિના પહેલા કિરીટને બનાવટી સહી કરી નોકરીમાંથી કાઢી મુક્યો તે માલિકને કહીશ તો એક મિનિટ પણ અહીંયા ઉભા રહી નહીં શકો. રમેશ અને લતાના મુખ રૂની પૂણી જેવા થઈ ગયા. લતા તો થરથર ધ્રુજવા લાગી નોકરીની તેને તાતી જરૂર હતી.

થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, તેના પુત્રને બુલેટ બાઈક લેવું હતું. ભગલાએ કહ્યું બે મહિના પછી બોનસ આવે ત્યારે અપાવી દઈશ. અને તેના પુત્રની કમાન છટકી. બાજુના અંકલ અને તમે એક જ કંપનીમાં નોકરી કરો છો, બંનેની પોઝિશન સરખી છે. અને તેનો પુત્ર તો એક વરસથી બુલેટ ફેરવે છે.

તો હું શું કરું? ભગો બોલ્યો?

તમને કશી ખબર જ નથી પડતી, તેનો પુત્ર ધૂંધવાયો.

ભગાએ એક નજર તેના પુત્ર તરફ નાખી.

નાલાયક તારી ગર્લ ફ્રેન્ડ પાછળ મહિનામાં રૂપિયા 6000 નો ધુમાડો કરે છે તે બંધ કરે અને ત્રણ મહિના પહેલા મુંબઈ એક સેમિનારમાં જાઉં છું તેમ કહી થાઈલેન્ડ ફરી આવ્યો તે ખર્ચમાં તો ત્રણ બુલેટ આવી જાત.

તેનો પુત્ર અવાચક બની ગયો

ભગાને એક સામાજિક પ્રસંગે પોતાના વતન જવાનું થયું.

બધા ભાઈઓ ભેગા થયા હતા, અને માબાપને હવે ક્યાં રાખવા તેની પળોજણ ચાલતી હતી,

વચેટભાઈ બોલ્યો ભગાને તો વહેવારની કશી પડી જ નથી.

ભગાએ જણવ્યું કે તે દર મહિને વતન પૈસા તો મોકલે છે.

વચેટભાઈ ગરમ થઈ ગયો, તું મહિને ત્રણ હજાર રૂપરડી મોકલે છે તો એમાં શું નવાઈ કરી?

મોંઘવારી કેટલી છે એની ખબર છે?

ભગાએ વચેટભાઈની આંખોમાં આંખો પરોવી.

મોંઘવારી અને વેવારની વાત પછી કરજો ભાઈ

પહેલા માં બાપુએ સાચવેલ ત્રણ હજાર રાણી છાપ રૂપિયા, માંની સોનાની મગ માળા, સોનાની લોકેટ, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના કંડલા, વગેરે ક્યાં સંતાડ્યું છે? પહેલા એ બહાર કાઢો પછી આગળ વાત કરીએ.

વચેટભાઈને જાણે સાપ સૂંઘી ગયો. બીજા ભાઈઓને પણ વચેટના કરતૂતોની જાણ થઈ.

થોડા દિવસ પછી તેના મિત્ર અને તેની સાથે કામ કરતા જયેશના પુત્રની સગાઈમાં રઘો અને તેની પત્ની ગયા. વિધિ પતિ ગઈ, જમણવાર પણ પતિ ગયો, જયેશ અને તે બે એક રૂમમાં વાતોએ વળગ્યા.

વાત વાતમાં જયેશ બોલી ગયો કે રઘલા તે મેનેજરને ઉઘાડો પાડી તે ઠીક ન કર્યું?

રઘલો બોલ્યો સાચું હોય તે કહેવામાં તકલીફ શાની?

તું બોચિયો ને બોચિયો જ રહ્યો, હવે જયેશ ગીન્નાયો.

અને રઘલાની નજર જયેશની આંખોમાં પરોવાઈ,

હે ભગવાન. રઘલો મનમાં જ બોલ્યો આ જયેશ, મેનેજરની સાથે મળીને મને કાઢી નાખવાનું કાવતરું કરે છે.

આ જયેશને તો હું મારો જીગરી દોસ્ત સમજતો હતો.

તેણે કઈ પણ બોલ્યા વિના રૂમમાંથી દોટ મૂકી.

રઘલો સીધો જ ઘર પર આવ્યો, તે દુનિયાના માણસોને પોતાના જેવા સીધા જ માનતો હતો, વચેટભાઈની સહિયારા ઘરેણાં ઓળવી જવાની દાનત, તેની ઓફિસમાં તે સહુના વ્યક્તિગત કે વ્યવસાયિક કામ પોતે વહેલો આવીને અને મોડે સુધી રોકાઈને કામ કરી આપતો હતો, પણ સામેથી મળેલ દગો અને છેલ્લે જે મિત્રને તેણે સહુથી ભરોસાપાત્ર માન્યો હતો તે આવો નીકળશે તેનો તો ભગાને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.

ઘરના ડોર બેલ પર કોઈ ટકોરા મારી રહ્યું હતું.

પરાણે ઉભા થઈ તેણે દરવાજો ખોલ્યો.

તેની પત્ની પરસેવે રેબઝેબ, હાંફતા હાંફતા થાકી ગઈ હતી.

તમે અચાનક જ જયેશભાઈને ત્યાંથી આવતા રહ્યા, મને જાણ પણ ન કરી?

મારો જીવ ગભરાતો હતો, ભગલો બોલ્યો.

જીવ ગભરાતો હતો કે તમારી ઓફિસની તમારી અને મેનેજરના ઝઘડાની વાત થતી હતી?

છોડ ને એ બધું, તને કોણે કીધું.

જયેશભાઇએ જ કીધું. તમને કેટલી વાર કીધું છે કે સાવ જડની જેમ વર્તન ન કરો.

જો મેં તને લગ્ન પહેલા જ કહ્યું છે કે આપણે ઓફિસની વાત ઘરમાં નહીં કરીએ. રઘલો બોલ્યો

એ તો કરવી પણ પડે, મારે ઘર ચવાલવાનું હોય છે, તમારી જેમ વેદિયાવેડા કરીએ તો કેમ ચાલે?

શેના વેદિયા વેડા? રઘલો ગર્જ્યો. રહેવા દો, હવે આ તો હું છું તે તમારી જોડે આખો જન્મારો કાઢી નાખ્યો. બીજી હોય તો તમને પડતા મેલીને નાસી જાય. રેણુકા હવે બરાબરની ધૂંધવાઈ.

હવે રઘલાની નજર અચાનક જ રેણુકાની નજર જોડે ટકરાઈ.

પ્રભુ, પ્રભુ ...રઘલો મનમાં બબડયો, રેણુકા તો તેના લગ્ન પહેલા એક છોકરા જોડે નાસી ગઈ હતી.

રઘલાને આખી દુનિયા ચક્કર ચક્કર ફરતી હોય તેવું લાગ્યું.

તેની ભીતર એવો આંચકો લાગ્યો કે ડોળા તગતગાવતો એમ જ બેસી રહ્યો.

રેણુકા હબક ખાઈ ગઈ,

તેણે આજુ બાજુના પાડોશીઓને બોલાવ્યા.

ડોક્ટર આવ્યા, નાડ તપાસી. પણ નિદાન થતું નથી.

ભગલો બોલતો નથી, ભગલો ચાલતો નથી, ભગલો પૂતળાની જેમ માત્ર ચારે કોર ડોળા ફેરવે છે.

ભગલો જાણે સ્ટેચ્યુ બની ગયો.