એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 16
વ્રજેશ દવે “વેદ”
નીરજાએ કરાટે અને સ્વિમિંગ શીખવા માંડ્યુ. વ્યોમા પણ તેણે અનુસરી. નવો આત્મવિશ્વાસ અને તાજગી દેખાવા લાગ્યા. સ્કૂલમાં પણ બંનેની નવી આવડતની સૌને ખબર પડવા લાગી.
યૌવનનો પહેલો ઉઘાડ પ્રકટ થવા લાગ્યો. પણ નોહ કલિકાઈ ધોધની યાત્રાની યોજનાની કોઈને ખબર નહોતી. બંને ચૂપચાપ પોતાની યોજના પર કામ કરી રહયા હતા.
શનિવારની સવારના સ્પોર્ટ્સનો પીરિયડ પૂરો થઈ ગયો. સૌ પોતપોતાના ક્લાસરૂમમાં જવા લાગ્યા. નીરજા અને વ્યોમા હવે લોબીમાં આવી ગયા. ડાબા હાથ પર પ્રિન્સિપાલનો રૂમ હતો. તેની બાજુમાં સ્ટાફ રૂમ હતો.
ક્લાસરુમ ફર્સ્ટ ફ્લોર પર હતો. સ્ટાફ રૂમને અડીને ઉપર જવા માટેના પગથિયાં હતા.
સ્ટાફ રૂમ વટાવી પગથિયાં ચડવા જતાં હતા ત્યાં જ, પટવાળાએ સમાચાર આપ્યા,”તમને બન્નેને નેહા મેડમ બોલાવે છે, સ્ટાફ રૂમમાં.”
બન્નેએ એકબીજા તરફ જોયું. બંનેને કાંઇ ન સમજાયું. શા માટે નેહા મેડમ તેઓને સ્ટાફ રૂમમાં બોલાવી રહ્યા છે?
જ્યારે જ્યારે કોઈ વિશેષ કાર્યક્રમનુ આયોજન સ્કૂલ દ્વારા થવાનું હોય, ત્યારે ત્યારે નેહા મેડમ તે જવાબદારી તેના શિરે લેતા, અને તેની ટીમમાં નીરજા અને વ્યોમા સૌથી અગત્યના સભ્ય રહેતા.
પણ, હાલ તો એવા કોઈ આયોજનનો સમય નથી. લગભગ બધા જ કાર્યક્રમો યોજાઇ ગયા છે. તો પછી આમ બોલાવવાનું કારણ શું હશે? બંનેના ચહેરા પર એક સરખો પ્રશ્ન રમવા લાગ્યો.
તેઓ સ્ટાફ રૂમમાં દાખલ થયા. મેડમ નેહા સિવાય કોઈ ત્યાં ન હતું.
“આવો નીરજા, વ્યોમા.” નેહાએ સ્મિત અને ઉમળકા સાથે આવકાર્યા.
બન્નેએ જવાબી સ્મિત કર્યું.
મેડમના હાથમાં એક પુસ્તકની બે નકલો હતી. તેણે બંનેને એક એક પુસ્તક આપ્યું. પુસ્તક પર નજર પડી.
‘THE ALCHEMIST’ by PAULO COHELO.
પુસ્તક અંગ્રેજીમાં હતું. પુસ્તક હાથમાં લીધા બાદ બન્નેએ વિસ્મય સભર પ્રશ્નાર્થ નજરે મેડમ તરફ દ્રષ્ટિ કરી.
“આ પુસ્તક તમે વાંચજો. ખૂબ સુંદર છે. મને આશા છે કે તમને એ ગમશે.” નેહાના હોઠો પર સ્મિત હતું,” અને હા બહુ નાનું પુસ્તક છે, એટલે 8/10 દિવસમાં તો તે પૂરું થઈ જશે. વાંચીને મને પરત આપી દેજો.”
બંનેને વાત કાંઇ સમજાઈ નહીં. મેડમ નેહા સાંસ્ક્રુતિક પ્રવૃતિમાં હંમેશા સક્રિય રહેતા અને તેની ટીમમાં નીરજા અને વ્યોમાનું હોવું અનિવાર્ય ગણાતું. પણ, ક્યારય કોઈ બૂક વિશે તેમણે કોઈ ચર્ચા નથી કરી, કે નથી સજ્જેસ્ટ કર્યું.
મેડમને પુસ્તકોમાં રુચિ છે, એવું પણ ખાસ કાંઇ ધ્યાને નથી આવ્યું. છતાં આમ અચાનક જ, ખાસ બોલાવીને બંનેને એક જ પુસ્તક વાંચવા આપવું, એ જરા વિચિત્ર લાગ્યું.
મેડમનુ રિસ્પેક્ટ રાખવા તેઓએ પુસ્તક લઈ લીધું,”સ્યોર મેડમ, અમે વાંચીને તરત જ પરત આપી દઇશું.” સ-સ્મિત જવાબ આપી તેઓ બહાર નીકળી ગયા.
સૌ પહેલાં વ્યોમાએ પુસ્તક જોવાનો પ્રયાસ કર્યો. ખાસ રુચિ વિના જ તે પુસ્તકને હાથમાં રાખી પાનાઓ ફેરવવા લાગી. ખાસ મજા ન પડી. થોડી વારે પુસ્તક બાજુ પર મૂકી, એમ જ બેસી રહી.
તેને હજુ પણ એ રહસ્ય સમજાતું ન હતું, કે નેહા મેડમે શા માટે આ પુસ્તક આપ્યું છે. આમેય વાંચનમાં તેને કોઈ રસ ક્યારેય ન હતો. મેડમને પણ એ વાત ની ખબર જ છે. પણ તો ય, તેણે આગ્રહ કરીને ખાસ આ પુસ્તક જ કેમ આપ્યું? તેને કોઈ કડી નહોતી મળતી. તે કંટાળી ગઈ.
“તેં પેલું પુસ્તક જોયું?” તેણે નીરજાને મેસેજ કરી પૂછ્યું. ક્યાંય સુધી નીરજાનો જવાબ ન આવ્યો. વ્યોમા અન્ય કામોમાં પરોવાઈ ગઈ.
મોડેથી નીરજાનો જવાબ આવ્યો,”હા, જોયું ને? થોડા પેજ વાંચી પણ નાંખ્યા. તેં શરૂ કર્યું?”
વ્યોમા વિચારવા લાગી કે અહીં તેને પુસ્તકમાં જરાય રસ નથી પડતો, ને ત્યાં નીરજાએ તો વાંચવા પણ માંડ્યુ.
તેણે રિપ્લાય કર્યું,”ના. મેં નથી શરૂ કર્યું. તું વાંચી લે એટલે મને કહી દેજે. મારે નથી વાંચવું કોઈ પુસ્તક.”
નીરજા પુસ્તક વાંચવા લાગી. તેને તે ગમવા લાગ્યું. વાંચતી રહી. વિચારતી રહી.
‘આમ જ કોઈ પુસ્તક ક્યાં ગમવા લાગે છે? જ્યાં સુધી તેને વાંચવાનું ચાલુ ન કરો ત્યાં સુધી તે માત્ર નિર્જીવ વસ્તુ જ હોય છે. જેવુ વાંચવાનું ચાલુ કરો, એટલે કાંઇ કેટલાય નામોના ચહેરાઓ જીવંત થઈ જાય. કેટકેટલી ઘટનાઓ સામે આવીને મળી જાય. કેટલાય સ્થળો, પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપી જાય. ચહેરાઓના પદદાઓ હટતા જાય. દરેક ચહેરાઓને વાચક જીવવા લાગે. વાચક એકલો અને તેમાં જીવાતા અનેક પાત્રો. વાચકના મનની અંદર જ એક યુધ્ધ છેડાઈ જાય. લડાઈ પણ થઈ જાય.
પછી? પછી એ યુધ્ધ પૂરું ન થાય ત્યાં સુધી તે પાત્રો અંદરથી હચમચાવી નાંખે. અંતે તે પુસ્તક પૂરું કરીને જ એ યુધ્ધને શાંતિમાં ફેરવી શકાય.’
કોઈ પુસ્તકમાં આટલું બધું કરી શકવાની તાકાત હોય છે, એવું ભાન નીરજાને આજે પહેલી વાર જ થવા લાગ્યું. બે-જાન લાગતા શબ્દો, બિચારા લાગતા શબ્દો ! પણ, જીવતા માણસને ખળભળાવી નાંખે છે, આ શબ્દો. અંદરથી વલોવી નાંખે છે, આ શબ્દો.
નીરજા દ્વારા શબ્દો વંચાતાં ગયા. વાક્યો, ફકરાઓ અને પૃષ્ઠો પલટાતા ગયા. ચાર દિવસમાં તો પુસ્તક પૂરું થઈ ગયું. તેને મજા પડી ગઈ. ખુશ થઈ ગઈ તે.
પુસ્તકો પણ આટલા મજેદાર હોઇ શકે છે ! તે પુસ્તકોનાં પ્રેમમાં પડી ગઈ.
માત્ર ચાર દિવસમાં પુસ્તક પૂરું કરી નાંખ્યું હતું. જ્યારે મેડમ નેહાએ તો 8/10 દિવસ રાખવા કહેલું. હજુ બીજા 4/6 દિવસ પુસ્તક રાખી શકાય.
જો ચાર જ દિવસમાં પુસ્તક પરત કરી દઇશ, તો મેડમ એવું માનશે કે મેં આ પુસ્તક વાંચ્યું જ નથી. ભલે રહ્યું એ ઘરમાં બીજા 4/6 દિવસ.
‘તો શું કરવું?’
‘ચાલ ફરીને વાંચી નાંખું એને.’
“ફરીથી?” વ્યોમાએ આશ્ચર્ય અને અણગમા સાથે પૂછ્યું.
“હા, ફરીથી. કેમ?”
“પુસ્તક જેવી બોરિંગ ચીજ, મેં એકવાર પણ નથી વાંચી અને તું ફરીથી વાંચવાની વાત કરે છે?”
“જો ગમતી ફિલ્મ ફરીથી જોઈ શકાય, ગમતું ગીત વારંવાર સાંભળી શકાય, ગમતા મિત્રને અનેક વાર મળી શકાય, તો પછી ગમતા પુસ્તકને ફરી-ફરીને વાંચવામાં શો વાંધો?”
“તને ગમે તો તું વાંચ. પણ હું તો એકવાર પણ વાંચીશ કે કેમ, મને નથી ખબર.” યોમાએ વાત પૂરી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો.
નીરજા ફરીથી વાંચવા લાગી એ પુસ્તકને. એક વખત વંચાઇ ગયેલા શબ્દોને ફરીથી વાંચતાં, તેને એના એ જ શબ્દોના નવા અર્થો અને સંદર્ભો સમજાવા લાગ્યા. કેટલાક પુસ્તકો હોય છે જ એવા. જેટલી વખત વાંચો એટલી વખત, નવી દ્રષ્ટિ મળે, નવા દ્રશ્યો સર્જાય, નવી વાત સમજાય, નવી અનુભૂતિ થાય, નવી તાજગી અનુભવાય, નવો આનંદ મળે, નવી મસ્તી થાય, નવી દિશાઓ ખૂલતી જાય, નવી વિચાર શક્તિ ખીલતી જાય.
જાણે કોઈ ન જોયેલી, ન અનુભવેલી દુનિયામાં પહોંચી જવાય. ત્યાં જઈને આંખમાં ઊગી નીકળે વિસ્મયોના જંગલ. એ જંગલોમાં ખોવાઈ જવું ગમે. સદાય માટે એ હરિયાળીમાં વરસવા લાગે, આનંદ. શુધ્ધ આનંદ.
નીરજા આ બધું જ અનુભવવા લાગી. તેણે ફરીથી વાંચવા માંડ્યુ. વાંચતાં વાંચતાં કેટલાય પડાવો એવા આવ્યા, જ્યાં તે અટકી જતી. પુસ્તકને બંધ કરી દેતી. હાથમાં પકડી રાખતી. આંખો બંધ કરી દેતી. પુસ્તકમાં રહેલી ક્ષણોને ફરીથી જીવવા લગતી, અનુભવવા લગતી.
તે ઘટનાઓમાં ખોવાઈ જતી, ક્યાંય સુધી.
બીજા 6/7 દિવસ વિતી ગયા. પણ પુસ્તક હજુ પૂરું નહોતું થતું. વ્યોમાએ પૂરું કરી લીધું હતું. નીરજા સાથે તે પુસ્તક વિશે ચર્ચા કરતી એટલે તેને પણ પુસ્તકમાં રસ પડવા લાગ્યો હતો. તેને પણ પુસ્તક ગમ્યું. પણ ફરીથી વાંચવાની તેની જરાય ઈચ્છા ન હતી.
********
“મેડમ, લો આ પુસ્તક. મેં વાંચી લીધું.” વ્યોમાએ નેહાને પુસ્તક પરત આપી દિધું.
“ઓહ, ખરેખર? કેવું લાગ્યું તને?” આવા પ્રશ્નોની વ્યોમાને અપેક્ષા હતી જ
“સારું છે.” વ્યોમાએ ટૂંકો જવાબ આપ્યો.
“VERY GOOD. READING IS A BETTER HABIT.” મેડમ બોલતા રહ્યા. સ્મિત આપીને વ્યોમા છૂટી પડી.
બે ત્રણ દિવસ બીજા વિતી ગયા.
“નીરજા, તેં બૂક પૂરી કરી કે નહીં?” મેડમે ઉઘરાણી કરી.
“ના. થોડી બાકી છે. એકાદ દિવસમાં પૂરી કરીને પરત કરી દઇશ.”
“કશો વાંધો નહીં. કોઈ ઉતાવળ નથી. પણ પૂરેપુરી વાંચી જરૂર લેજે.”
“જરૂર, મેડમ.”
“વ્યોમાએ તો ક્યારનીય વાંચીને પરત કરી દીધી.”
“હા, પણ એણે તો એક જ વાર વાંચી છે ને?”
“એટલે?” મેડમને નીરજાની વાત ન સમજાઈ.
“એટલે કે હું તેને ફરીથી વાંચી રહી છું, બીજી વખત. પહેલી વખત તો મેં ચાર જ દિવસમાં પૂરી કરી નાંખી હતી.”
“ઓહ, તું બીજી વખત વાંચી રહી છે ! ખૂબ સરસ. લાગે છે કે ખૂબ ગમી ગઈ છે.”
“હા, ગઈ ગઈ છે. એટલે તો બીજી વખત વાંચવાનું મન થઈ ગયું.”
“બીજી વખત વાંચવામાં તો ઝડપ થાય ને?”
“મેડમ, સિલેબસના પુસ્તકો બીજી વખત વાંચવામાં અવશ્ય ઝડપ થાય, પણ આવા પુસ્તકો બીજી વખત વાંચીએ ત્યારે, વાર લાગે. ઘણી બધી વાર લાગે. એટલે જ તો એ પુસ્તકો સિલેબસના પુસ્તકોથી અલગ હોય છે. આવા પુસ્તકોની મજા પણ એ જ છે, અને બ્યુટી પણ એ જ છે.”
“એવું કેમ?”
“એવું એટલા માટે કે આવા પુસ્તકો સિલેબસના પુસ્તકોની જેમ જડ નથી હોતા. એમાં તો હોય છે, ચેતન. સતત ધબકતું જીવન. તેના પ્રશ્નોના જવાબોમમાં ગોખેલા મુદ્દાઓ નથી હોતા. વૈજ્ઞાનિક કે ભોગોલિક કારણો નથી હોતા. ગણિતના પ્રમેયો, સૂત્રો કે નિયમ નથી હોતા. સમીકરણો નથી હોતા. વિતેલા ઇતિહાસના ખંડેરો નથી હોતા. પહેલેથી નક્કી કરેલા રસ્તાઓ નથી હોતા. કોઈ ઘરેડમાં ગોઠવાયેલા પ્યાદાઓ નથી હોતા...”નીરજા અસ્ખલિત બોલતી રહી.
મેડમ નેહાને લાગવા માંડ્યુ કે તીર ધારેલી જગ્યાએ લાગવાને બદલે બીજી દિશામાં ફંટાઇ ગયું છે. પુસ્તક વાંચવા આપવા પાછળની યોજના નિષ્ફળ જઇ રહી હતી. ધાર્યું હતું તેનાથી અલગ અસર પડી રહી હતી- પુસ્તકની, વાર્તાની, કથાની.
અને જો યોજના સદંતર નિષ્ફળ ગઈ તો? તો તે શું જવાબ આપશે જયા અને દીપાને?
તેણે વાયદો કર્યો હતો, કે યોજના સફળ થશે જ અને એ પણ માત્ર 8/10 દિવસમાં જ. પણ હકીકત એ હતી કે આજે 15 દિવસ વિતી ગયા પછી પણ, કોઈ ધાર્યું પરિણામ નથી આવ્યું. ઊલટું, વિપરીત પરિણામના એંધાણ વર્તાતા હતા.
ચિંતિત થઈ ગઈ, મેડમ નેહા.
નીરજાના કોઈ શબ્દો તેના કાન પર કોઈ જ અસર છોડ્યા વિના વહેતા પવનની જેમ વહી રહ્યા હતા. નીરજાને તેણે બનાવટી સ્મિત આપ્યું. તે જતી રહી.
15 દિવસ પહેલાં જયા અને દીપા, મેડમ નેહાના ઘેર આવ્યા હતા. નેહાને એ સાંજ હજુ પણ યાદ છે.
ઢળતી સાંજના સૂરજને નિહાળતી તે બારી પાસે બેઠી હતી. સુમધુર સંગીત્ત વાગી રહ્યું હતું. ત્યારે જ દીપા અને જયા આવી ચડ્યા હતા.
નેહાએ ઊભા થઈ તેઓને સસ્મિત આવકાર્યા.
“મેડમ નેહા, આપનો ખૂબ જ પ્રભાવ છે અમારી દીકરીઓ પર.” જયાએ સીધી જ વાત શરૂ કરી દિધી.
નેહાએ ફરીથી એક સ્મિત આપ્યું. જવાબમાં જયા-દીપાએ પણ સ્મિત આપ્યું. નેહાને તે સ્મિત ખટકી ગયું. ખૂંચી ગયું.
તે સમજી ગઈ કે બોલાયેલા એ શબ્દો અને અપાયેલા એ સ્મિતને એકબીજા સાથે જોડવામાં આવે, તો નક્કી કોઈ યોજના લઈને આવી છે આ બંને.
તેણે સ્મિત ધારણ કરી રાખ્યું. સાથે સાથે જાગૃત પણ થઈ ગઈ.
“નીરજા અને વ્યોમા મેઘાલયની ટુર કરવા માંગે છે.” દીપાએ વાત ચલાવી.
“ઓહ, તો આ વર્ષની ટુર મેઘાલય ગોઠવી દઈએ, એમાં શું?” નેહા ઉત્સાહમાં આવી બોલી ગઈ.પણ તેનો ઉત્સાહ તરત જ ઠરી ગયો.
“ના, એવું નથી કરવાનું.”
“તો તમે સૌ ત્યાં જઇ રહ્યા છો?”
“ના.”
“તો?” નેહા હવે ખરેખર મૂંઝાઇ ગઈ હતી.
“અમે સૌ તો તેની સાથે જવા તૈયાર છીએ, પણ તે બંને એકલી જ જવા માંગે છે.“
“એકલી? બંને સાવ એકલી?”
“હા, મેડમ, એકલી જ જવા માંગે છે.” જયાએ ભારપૂર્વક કહ્યું.
“તમે જ કહો, કે બંનેને એકલી ત્યાં જવા દેવાય?” દીપા, નેહાના ચહેરાની સાવ સામે આવી ઊભી,“સાંભળ્યું છે કે તમારુ બહુ માને છે એ બંને. તમારે એ બંનેને તેમ કરતાં રોકવાની છે.”
“કેમ? શા માટે રોકવાની છે?” નેહાએ સામો સવાલ કર્યો.
“અમે નથી ઇચ્છતા, કે તેઓ ત્યાં એકલી જાય.”
“પણ તમારી સાથે તો જઇ શકે ને? તમે પણ તેઓની સાથે જાઓ ને?
“પણ એ બંને એકલા જ જવા માંગે છે. અને અમને સાથે લઈ જવા નથી માંગતા. બસ, આટલી જ સમસ્યા છે.”
“તો, હું શું કરી શકું?”
“તમારે તેમને રોકવાની છે.”
“રોકવા કરતાં હું એમને સમજાવીશ કે સૌ તેની સાથે આવે. તે માટે તેઓને મનાવું તો?”
“પ્રયાસ કરી જુઓ. પણ અમારા સૌનું સાથે જવું તેને મંજૂર નથી. એટલે જ તમારે તેઓને એકલા જતાં રોકવાના છે.”
“હું તો પ્રયાસ કરીશ કે તેઓ માની જાય, અને સૌ સાથે મેઘાલય ની યાત્રા કરો. પણ જો તે માટે તેઓ નહીં માને તો હું તેને રોકીશ નહીં.”
“કેમ? તેને તો રોકવી જ પડશે તમારે.”
“ના, એ કામ મારાથી નહીં થાય. હું તેઓને રોકીશ નહીં . ઉલટું આવી યાત્રાઓ, પ્રવાસો માટે હું તેને પ્રોત્સાહિત કરીશ, યાત્રાઓ માટે સજ્જ કરીશ. પણ ...”
“મેડમ, નેહા..” દિપાનો અવાજ હવે સત્તાવાહી થવા લાગ્યો,”તમારે માત્ર એટલું જ કરવાનું છે, જે અમે તમને કહી રહ્યા છીએ.”
“તમે મારી સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા છો, મેડમ દિપા.” નેહાએ ખૂમારી બતાવી,”મારે શું કરવું એ આપને નક્કી કરવાનો કોઈ અધિકાર નથી.”
“પણ સ્કૂલના ટ્રસ્ટી મંડળમાના અમારા અધિકારોની તમને તો ખબર જ છે ને?” જયાએ શબ્દોમાં ધમકી ઉમેરી.
સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં દિપેન અને ભરત સભ્ય હતા. સ્કૂલના બધા જ નિર્ણયો ટ્રસ્ટ લેતું. ટ્રસ્ટમાં દિપેન અને ભરતના મતનું મહત્વ રહેતું. નેહાને આ વાતની ખબર જ હતી.
તેને સમજાઈ ગયું કે જો તે આ કામ કરવાની ના પાડશે, તો તેની નોકરીમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. નોકરીમાંથી ટ્રસ્ટીમંડળ દૂર તો નહીં કરી શકે, પણ કોઈ નવી વાત ઊભી કરી, સમસ્યાઓ સર્જી શકે છે. સંભવિત સમસ્યાઓથી બચવું હોય, તો જયા દીપાની વાત માની લેવી પડે.
પણ નીરજા, વ્યોમાને રોકવા એ પણ યોગ્ય તો નથી જ. તેઓ દુનિયા જોવા માંગતી હોય તો ભલે જતી. જવું જ જોઈએ. તેને રોકવાનો પ્રયાસ તેના માતાપિતાએ કરવો જોઈએ. શિક્ષક તરીકે એ કાંઇ મારી ફરજ માં થોડું આવે છે?
કેવી વિચિત્રતા છે? પોતાના સંતાનો પર તેઓ પોતાની વાત લાદવા માંગે છે. તેને માટે તેઓ મારો ઉપયોગ કરવા માંગે છે. શું શિક્ષક તરીકે મારે એ પણ કરવાનું?
અને જો ન કરું તો? તો પછી હું શિક્ષક રહિ શકીશ કે કેમ? ખબર નહીં. પણ જો ન કરું તો સમસ્યાઓ સર્જાઈ શકે છે.
કેવી દુવિધા છે આ? શિક્ષક તરીકે મેં હંમેશા સૌ વિધ્યાર્થીઓને જીવનના સારા અને સાચા મૂલ્યો શિખવ્યા છે. સત્ય સાથે અડગ રહેવા શિખવ્યું છે, અને હવે મારે એવું કામ કરવાનું છે જે મારા વિચારો, સિદ્ધાંતો અને મેં જ આપેલ શિક્ષણ અને સંસ્કાર વિરુદ્ધનું છે.
પણ મારી પાસે કોઈ વિકલ્પ પણ નથી. નોકરીમાં નવી સમસ્યાઓ સર્જાય તે પણ હાલ સ્વિકારી શકાય તેમ નથી.
તો?
તો બસ થઈ જા શરણે. માની લે એની વાત. અને બની જા દંભી શિક્ષક !
હા, હું એમ જ કરીશ.
કેટલાય વિચારો, પ્રતિવિચારો નેહાના મનમાં ધસમસી ગયા.
તેના પ્રવાહોમાં તેના વિચારો અને સિદ્ધાંતો તણાઇ ગયા. તેણે દિપા, જયાની વાત માની લીધી. આઠ-દસ દિવસમાં જ તે આ કામ પૂરું કરી દેશે તેવો ભરોસો આપી જયા અને દીપાને વિદાય કર્યા.
********
એ વાતને 15 દિવસ વિતી ગયા. નેહાએ ધાર્યું હતું કે યાત્રામાં સૌથી વધુ કષ્ટ પડે તેવી કોઈ વાર્તાનું ઉદાહરણ આપી, નીરજા વ્યોમાને હતોત્સાહિત કરી શકાશે. અને જો તે વાર્તાનું મુખ્ય પાત્ર તેના જેવી જ કોઈ teenage વ્યક્તિ હોય તો?
તેના મનમાં ઘણી વાર્તાઓ આવી ગઈ, પણ એક પણ વાર્તા પર તેને અમલ કરવાનું મન ના થયું.
જો આવી કોઈ વાર્તા પોતે જ નીરજા ને વ્યોમાને રૂબરૂ કહે તો કદાચ યોગ્ય રીતે કહી નહીં શકાય. કારણ કે મન એક વાત સ્વીકારે છે, અને કરવાની અને કહેવાની વાત તેનાથી વિપરીત છે. આ બન્નેમાં તાલ નહીં બેસાડી શકાય.
તો? તો શું કરવું?
તો કોઈ ફિલ્મ જોવાનું કે પુસ્તક વાંચવાનું સૂચન કરી શકાય. જેમાં યાત્રાના દુખો વર્ણવેલા હોય. જેને જોઈને કે વાંચીને બંને હિમ્મત હારી જાય. અને યાત્રાનો વિચાર જ પડતો મૂકી દે, જાતે જ. તો મારે કશું જ કહેવું ના પડે અને ધાર્યું કામ પણ થઈ જાય. અને બંનેથી નજર પણ છુપાવી શકાય.
તે આખી રાત તેણે ઇન્ટરનેટ પર આવી મૂવી કે બૂકને શોધવામાં પસાર કરી. વિકિપીડિયાનાં બધા રિવ્યુ વાંચ્યા. અંતે પાઉલો કોહેલોની બૂક અલકેમિસ્ટ પર પસંદગી ઉતારી.
તેનો નાયક સેંટિયાગો પણ ટીનએજ હોય છે. આંખમાં અજાણ્યા કોઈ સપનાને લઈને ખજાનાની શોધમાં પિરામડો સુધી જાય છે, પણ તેને ત્યાં ખજાનો મળતો નથી .જ્યારે એ જ ખજાનો તેને તેના જ ગામના ચર્ચના પીળા ફૂલ વાળા ઝાડ નીચે મળે છે. નેહાને લાગ્યું એક અર્થહિન યાત્રા. કષ્ટોથી ભરેલી વાર્તા.
નેહાને આ વાર્તા ગમી ગઈ. બૂક સ્ટોલમાંથી બે નકલ મંગાવીને તેણે નીરજા અને વ્યોમાને આપી. અને તે વાંચ્યા બાદ વ્યોમાએ તો પુસ્તક પરત કરી જ દીધું પણ નીરજા હજુ તેને બીજી વાર વાંચી રહી છે. એકાદ દિવસમાં પૂરી કરી તે પરત આપશે. પણ આજના તેના શબ્દો તો ધાર્યા કરતાં જુદું જ પરિણામ આવવાના એંધાણ આપતા હતા.
નીરજાને તે પુસ્તક ગમ્યું તો છે, સાથે સાથે તેને તે સિલેબસના પુસ્તકો જોડે સરખામણી પણ કરી રહી છે.
હવે શું કરવું? કશું જ નહોતું સૂઝતું, નેહાને.
હજુ એક દિવસ બાદ તે પુસ્તક પરત આપશે. ચાલ, એક દિવસનો સમય છે તારી પાસે. ત્યાં સુધી વિચારી લેજે.
આવતીકાલની પ્રતિક્ષામાં નીરજાને એક હળવું સ્મિત આપી નેહા અને નીરજા છૂટા પડ્યા.