Agar tum sath ho books and stories free download online pdf in Gujarati

અગર તુમ સાથ હો...

 • વિકાસે પોતાના ઘરમાં પગ મુક્યો. સાંજના સાત વાગ્યાનો સમય હતો. શિયાળાનો સમય હોવાથી આ સમયે બહાર ખુબ અંધારું થઇ ચૂક્યું હતું. શિયાળો ચાલતો હોવા છતાં વિકાસના કપાળે ખુબ પરસેવો બાઝેલો દેખાતો હતો. તે થોડી ચિંતામાં તથા થોડી વ્યથામાં જણાતો હતો. રૂમાલથી પરસેવો લૂછતાં તેણે પોતાની બ્રીફકેસ સોફા પર મૂકી ટાઈ ખેંચીને હળવી કરી પછી બેગની બાજુમાં જ સ્થાન લીધું. થોડો સમય વીત્યો ત્યાં સંધ્યા-વિકાસની પત્ની આવી.
 • શુભ સંધ્યા વિકાસ” સંધ્યાએ ફક્ત આવશ્યકતા પૂરી કરવા કહ્યું. સંધ્યા રસોડામાંથી બેડરૂમ તરફ જઇ રહી હતી, પરંતુ વિકાસ પાસેથી કઈ જવાબ ના મળતા તેણે વિકાસ તરફ એક નજર નાખી. તેનો આવો ઉદાસ ચેહરો જોઈ તેણે પોતાના પગ થોભાવ્યા અને થોડીવાર વિકાસને એક નજરે જોઈ તેનું અવલોકન કર્યું. હાં, તે ખરેખર ખુબ ઉદાસ હતો. સંધ્યા પામી ગઇ કે ખરેખર આજે કઈ બન્યું હોવું જોઈએ નહીતર વિકાસ આટલો ઉદાસ બેસી ના રહે અને મને ‘શુભ સંધ્યા’ કહ્યા વિના ના રહે ઉપરાંત આજે તો તે આવ્યો ત્યારથી કઈ જ નથી બોલી રહ્યો. સંધ્યા તેની પાસે ગઇ અને તેની બાજુમાં રહેલી પેલી બ્રીફકેસ હટાવીને બેસી ગઇ.
 • શું થયું વિકાસ..?” સંધ્યાએ તેના વાળમાં હાથ ફેરવતા-ફેરવતા પૂછી જોયું. પરંતુ વિકાસે કઈ ના કહ્યું, તે બસ ચુપ-ચાપ ત્યાં જ બેસી રહ્યો. તેણે પોતાના બંને હાથ જોડ્યા પછી એક નિસાસો નાખીને નીચે જમીન તરફ જોવા લાગ્યો.
 • કઈ બન્યું છે આજે...?કોઈ ખરાબ ઘટના..?” સંધ્યાએ વિકાસના ખભે હાથ મૂકી ફરી અધીરાઈપુર્વક પૂછી જોયું. વિકાસ હજુ એજ મુદ્રામાં માથું નીચું ઢાળીને બેઠેલો હતો. પરંતુ હવે તેનો ચેહરો લાલ થવા જઈ રહ્યો હતો, જાણે હમણાં જ તે રડી પડશે.
 • બોલોને વિકાસ કઈ થયું તમારી સાથે..? મને તમારી ચિંતા થઇ રહી છે.” સંધ્યા પણ હવે તો ટેન્શનમાં આવી ગઇ હતી, પરંતુ વિકાસ હજુ પણ સાવ શાંત બેઠો હતો તે જ મુદ્રામાં. તેની આંખોમાંથી પાણી પડી રહ્યું હોય એવું સંધ્યાને લાગ્યું એટલે સંધ્યા સોફા પરથી ઉભી થઇ વિકાસની સામે જમીન પર ઘૂંટણના જોરે બેસી ગઇ.
 • તમે કઈ બોલશો નહિ તો કેમ ચાલશે..?કઈ પરેશાની હોય તો મને જણાવો, હું એ દુર કરવામાં તમારી મદદ કરીશ.” સંધ્યાએ કહ્યું. તેણે ધ્યાનથી વિકાસની આંખોમાં જોયું તો વિકાસ હવે ખરેખર રડી રહ્યો હતો.
 • વિકાસ તમને હવે મારા સોગંદ છે જો હવે કાંઇ ના બોલ્યા તો. મને જણાવો તમને કોનાથી વાંધો પડ્યો છે કે તમે આમ સુન-મુન બેસીને રડી રહ્યા છો...?” સંધ્યાનો આ સવાલ વિકાસે સાંભળ્યો. સંધ્યાએ કદાચ મુદ્દાનો સવાલ પૂછી નાખ્યો હોય એવું વિકાસને લાગ્યું, તેથી જવાબમાં વિકાસે પોતાનું માથું ઉચકી સંધ્યા સામે જોયું. તેનો ચેહરો ખાસ્સો એવો લાલ પડી ગયો હતો તથા તેના ગાલ તો પુરેપુરા આંસુઓથી ખરડાયેલા હતા. તેણે એક વેધક નજર સંધ્યા સામે નાખી.
 • પ્રિય સંધ્યા,મારા પ્રેમમાં કોઈ ખામી રહી ગઈ હતી.?” બોલવામાં ખુબ તકલીફ પડી રહી હોય એમ વિકાસ બોલી રહ્યો હતો. તેણે સંધ્યાની આંખ પરથી નજર હટાવી તેના હાથ પર નજર ટેકવી અને તેનો હાથ પસવારતા કહ્યું. થોડીવાર શાંતિ બની રહી. બંનેમાંથી કોઈ કશું જ ના બોલ્યું. આ દરમ્યાન વિકાસ સંધ્યાનો હાથ પોતાના હાથમાં લઇ નીચું જોતા-જોતા તેને પસવારી રહ્યો. સંધ્યા એકીટસે વિકાસ સામે કીકર્તવ્યમુંઢ બની રહી જોવા લાગી.
 • વિકાસ હું કઈ સમજી નહિ તમે શું કહ્યું.” સંધ્યાએ સાવ ઢીલી પડીને કહયું. કદાચ તેણે આવા કોઈ સવાલની ઝંખના નહિ કરી હોય. વિકાસે સંધ્યાનો હાથ છોડ્યો પછી સોફા પરથી ઉભો થઈને ધીમે-ધીમે ચાલતો એકબાજુ જઈને ઉભો રહ્યો.
 • મારામાં કોઈ ખામી છે કે પછી એવું કઈ જે હું તને ના આપી શક્યો હોઉં.” વિકાસે પૂછ્યું. તે હવે સ્પષ્ટ બોલી રહ્યો હતો. તે સંધ્યા પાસે પીઠ રાખીને ઉભો હતો.
 • વિકાસ તમારી કોઈ વાત મને સમજમાં નથી આવી રહી.” સંધ્યા સોફા પાસેથી ઉભી થઇ અને વિકાસની નજીક આવી થોડીવાર રહીને પછી તેણે થોડું મક્કમતાથી કહ્યું, પરંતુ ઘરના ટેલીફોનની ઘંટડી વાગી એટલે સંધ્યા ત્યાંથી ફોન પાસે ગઈ.તેણે ફોન ઉપાડ્યો ”હલ્લો...જી..જી નહિ...રોંગ નંબર..” આટલું કહી તેણે ફોન મૂકી દીધો ફરી તે વિકાસ પાસે આવી અને તેની સામે જઈ ઉભી રહી ગઇ.
 • વિકાસ મને બધું વિગતે જણાવો વાંધો શું છે..આમ કોયડાઓમાં બધી વાત નહિ કરો.” સંધ્યાએ કહ્યું. તેની અધીરાઈ હવે વધતી જતી હતી. થોડીવાર બંને એક-બીજા સામે આંખમાં આંખ પરોવી જોઈ રહ્યા. વાતાવરણમાં એકદમ શાંતિ બની રહી, સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ.! વિકાસે પોતાના હાથ પેન્ટના ખિસ્સામાં નાખ્યા અને થોડો સંધ્યાની નજીક આવ્યો. તે કંઈક બોલવા જ જઈ રહ્યો હતો ત્યાં રસોડામાંથી કુકરની સીટીનો અવાજ આવ્યો એટલે સંધ્યા દોડીને તરત ત્યાંથી રસોડામાં જતી રહી. તેને ત્યાંથી થોડીવાર માટે જવું પડ્યું. સંધ્યા રસોડામાં ચાલી ગઈ, થોડો–ઘણો સમય ત્યારબાદ વિતી ગયો.
 • હાં, બોલો હવે...” સંધ્યા જેવી રસોડામાંથી બહાર આવી એવું નેપકીનથી પરસેવો લૂછતાં-લૂછતાં વિકાસને પૂછી લીધું. વિકાસ હવે સોફા પર બેઠા-બેઠા ટેલીવિઝન જોઈ રહ્યો હતો, તેણે સંધ્યાના પ્રશ્નનો ફરી એકવાર જવાબ ના આપતા તેને વણસાંભળ્યો કરી નાખ્યો. સંધ્યા તેની બિલકુલ પાસે આવી અને બે ઘડીક જોઈ રહી. આજે એવું તે શું બન્યું હશે કે વિકાસનું વર્તન પોતાના સાથે આટલું બદલાઈ ગયું છે.!
 • વિકાસ હજુ પણ સોફા પર જ બેઠો હતો. તે ટી.વી. તો જોઈ રહ્યો હતો પરંતુ હાથમાં રહેલા રિમોટના બટન એકધારી ઝડપે દબાતા હોવાથી એમ કહી શકાય કે તેનું ધ્યાન ટી.વી. સિવાય બીજે ક્યાંક જ દોડતું હતું. સંધ્યા આ બધું થોડીવાર નિહાળી રહી, ત્યારબાદ થોડા ગુસ્સા સાથે વિકાસના હાથમાં રહેલું રિમોટ ઝૂંટવી લીધું. વિકાસ હજુ કઈ ના થયું હોય એમ ટી.વી. સામે જોઈ રહ્યો, એટલે સંધ્યાએ ટી.વી. બંધ કર્યું અને વેધક નજરે વિકાસ સામે ભંવરો ચઢાવી.
 • હવે તમે કઈ નથી બોલ્યા તો તમને મારા સમ છે.!” સંધ્યા ત્યાંજ સોફા પાસે વિકાસની બાજુમાં ઉભી હતી. પોતાના લાગણીશીલ સ્વભાવના લીધે ગુસ્સામાં હોવા છતાં હવે તે પણ વિકાસને જોઈ રડવા લાગી હતી. તેનો ચેહરો પણ હવે લાલ બની ગયો હતો. તેના ગાલ પણ હવે આંસુઓથી ખરડાઈ રહ્યા હતા.
 • વિકાસ હવે સોફા પરથી ધીમે-ધીમે ઉભો થયો અને થોડું ચાલીને પછી સંધ્યાની એકદમ નજીક આવીને ઉભો રહ્યો. તેણે નીચુ જોઈને એક નિસાસો નાખ્યો પછી ફરીથી ઊંચું જોતા સંધ્યાની આંખોમાં નજર કરી. સંધ્યા પોતાના બંને હાથો વડે રિમોટ પકડીને ઉભી હતી. વિકાસે તે રિમોટ તેના હાથમાંથી લઇ લીધું અને પછી હળવેકથી બાજુમાં રહેલા સોફા પર ફેંક્યું.
 • આજે મેં તને પડોસમાં રહેતા કૃણાલની સાથે જોઈ હતી.” વિકાસે ફરીથી અગાઉની માફક પોતાના હાથ પોતાના ખિસ્સામાં નાખતા કહ્યું. હવે તે પોતાને પડેલો વાંધો, શું કામ તે આટલો બધો દુખી હતો તે, શું કામ તેણે પરસેવો પાડ્યો હતો તે, શું કામ તે સુનમુન હતો તે, શું કામ તેણે આટલીવાર આંસુઓ સાર્યા તે બધું જ અટક્યા વગર કહી શકતો હતો. આ દરમ્યાન સંધ્યા કશું જ બોલી નહિ કેમકે તે પણ પામી ગઇ હતી કે વિકાસ એક લાંબી વાત રજુ કરવા જઈ રહ્યો છે માટે તેને હવે ચુપ-ચાપ એ બધું જ સાંભળવાનું હતું.
 • આજે બપોરે મેં તને કૃણાલની બાઈક પાછળ બેસેલી જોઈ હતી. તમે લોકો કૃષ્ણા સિનેમાના ગેટ પાસે ઉતર્યા અને તે પછી અંદર જતા રહ્યા હતા.” વિકાસ સંધ્યાની આંખમાં આંખ પરોવી જોતા બોલી રહ્યો હતો. બંને જણા એકબીજાને વેધક નજરે તાકી રહ્યા હતા. સંધ્યા હજુ કઈ બોલતી નહતી કેમકે તેને લાગ્યું કે વિકાસ હજુ કંઇક બોલીને પછી પોતાને બોલવા માટે મોકો આપશે અને ખરેખર એવું જ કંઇક થવાનું હતું વિકાસ હજી આગળ બોલવા જઈ રહ્યો હતો.
 • સંધ્યા પ્રેમ-લગ્નમાં કે કોઈ પણ અરેન્જડ મેરેજમાં વિશ્વાસએ ખુબ મહત્વની કડી છે એ હું ખુબ સારી રીતે જાણું છું. જો તમે લગ્ન થયા પછી તમારી જીવન સંગીની પર વિશ્વાસ ન કરી શકતા હો તો તમારું દામ્પત્યજીવન ખરડાઈ જવાની પુરેપુરી સંભાવના છે.” વિકાસને એક ઉધરસ આવી એટલે એટલું એ ત્યાં થોભ્યો પછી પાછું બોલવાનું ચાલુ કર્યું. ”એવું નથી કે મને તારા પર વિશ્વાસ નથી પરંતુ નજરે જોયેલું પણ અવગણી તો ન શકાય જ ને.?” વિકાસે પોતાના ભાગનું પૂરું કર્યું અને વેધક નજરે સંધ્યાને જોવા લાગ્યો. તે સંધ્યાના જવાબની પ્રતીક્ષા કરવા લાગ્યો.સંધ્યા ને લાગ્યું કે હવે વિકાસ પોતાના તરફથી જવાબની માંગણી કરી રહ્યો છે.પોતાને હવે બોલવા માટેનો સમય પાકી ગયો છે.
 • તમે સાચી જ વાત કહી છે વિકાસ, વિશ્વાસએ દામ્પત્યજીવનમાં ખુબ જ મહત્વની કડી છે. જો તમારો મારા પરનો વિશ્વાસ ન રહે અને તમે નિરંતર મારા ઉપરની શંકામાં જ રચ્યા-પચ્યા રહો તો આપણું દામ્પત્યજીવન સો ટકા ખરડાઈ જ જાય.” સંધ્યાએ પણ થોડો વિરામ લીધો બંને જણાના મૌન વચ્ચેની શાંતિ કોઈ તોફાનનો અણસાર આપતી હતી.
 • તારા ઉપર વિશ્વાસ હતો સંધ્યા, મને મારા શ્વાસ કરતા તારા પર વધારે વિશ્વાસ હતો. આ અગાઉ પડોશીઓ પાસેથી તારા અને કૃણાલના વધતા જતા સંબંધો વિશે સાંભળ્યું હતું. ખુદ મને પણ કેટલાક પડોસી મિત્રોએ એકાંતમાં મળીને આ વિશે જાણ પણ કરી હતી. ઓફીસમાં મારા આગમન વખતે કેટલાક લોકો તારા કૃણાલ સાથેના સંબંધ વિશે ગુસ-પુસ્ વાતો કરતા. મારા ઓફીસના મિત્રોએ પણ કેટલીવાર તને પેલાની સાથે ફરતા જોઈ હતી અને એ વિશે મને જાણ પણ તેઓ કરતા.” વિકાસમાં જાણે ક્યાંકથી અજાણી શક્તિ આવી ગયી હોય એમ તે આવેશમાં આવી જોર-જોરથી બોલવા લાગ્યો. સંધ્યા તેને ચુપ-ચાપ સાંભળી રહી હતી. વિકાસે હવે આગળ ચલાવ્યું.
 • એ સમયે હું તારા પર વિશ્વાસ કરતો કે તારે પેલાની સાથે એક પડોસીઓ વચ્ચે હોય એનાથી વિશેષ કોઈ જ વ્યવહાર નથી. આપણા આટલા વર્ષોના સંબંધોએ મને શીખવ્યું હતું કે એકબીજા પ્રત્યે કદી શંકા ના કરવી જોઈએ. પણ આજે તે એ વિશ્વાસની કડી તોડી નાખી છે અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.” હિટલરની માફક બોલતા વિકાસે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું અને હવે સંધ્યાના જવાબની ફરીથી પ્રતીક્ષા કરવા લાગ્યો. ફરીથી વાતાવરણમાં ખુબ જ શાંતિ પથરાઈ ગઇ. સંધ્યા થોડીકવાર શાંત બની રહી, બંને એકબીજાને એકીટશે જોવા લાગ્યા. કદાચ સંધ્યા મનમાં પોતાને શું જવાબ આપવાનો છે એ તૈયાર કરી રહી હશે.
 • મેં તમારો વિશ્વાસ નથી તોડ્યો વિકાસ. તમે મને નહિ બીજી કોઈને કૃણાલ સાથે જોઈ હતી. આજે બપોરે અમારી મહિલા મંડળની મીટીંગ હોવાથી આખી બપોર હું ત્યાં જ રહી હતી.” આખરે સંધ્યાએ થોડીવાર રહીને પોતાનો જવાબ રજુ કર્યો.
 • નહિ સંધ્યા હવે જુઠ્ઠું બોલી વાતને ટાળવાની કોશિશ નહિ કર મેં તને જ જોઈ હતી. મેં તને તારી એ લાલ સાડીમાં જોઈ હતી જે પાછલી દિવાળીએ માંએ તને ગિફ્ટ કરી હતી. ઉભ હું તને એ બતાવું.” આટલું કહી વિકાસ બેડરૂમમાં ગયો. તેણે સંધ્યાના કબાટમાં પેલી સાડી જે પાછલી દિવાળીએ વિકાસની માંએ સંધ્યાને આપી હતી એ ફંફોસી પણ એ ક્યાય ન મળી. એણે ફરી ફરીને ખુબ તપાસ કરી જોઈ, બેડરૂમમાં બીજે પણ તપાસ કરી પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું.
 • એ લાલ સાડી તમને નહિ મળે વિકાસ “ સંધ્યાએ પાછળથી આવીને કહ્યું.
 • હા એ અહિયા ક્યાંથી મળે એ તે આજે પહેરી હતી, પછી તો એ તે કદાચ ધોવામાં નાખી હશે. ચલ હું ત્યાં તપાસ કરી આવું પછી તને બતાવું.” વિકાસ હજુ બેડરૂમમાંથી નીકળવા જતો જ હતો ત્યાં સંધ્યાએ તેને બાવડું પકડીને રોક્યો.
 • એ નહિ મળે વિકાસ કેમ કે એ સાડી મેં કૃણાલની ફિયાન્સને ગિફ્ટ કરી દીધી છે અને આજે તમે કૃણાલ સાથે મને નહિ પણ એની ફિયાન્સ આરતીને જ જોઈ હતી.” સંધ્યાએ ખુબ મોટા અવાજે આત્મવિશ્વાસ સાથે કહ્યું.
 • વિકાસે સંધ્યાની આંખોમાં અહોભાવ સાથે નજર કરી. તેનું મો ખુલ્લું રહી ગયું, તે પણ આ વિષે વિચાર કરી રહ્યો. વિકાસના મગજમાં સંધ્યાએ કહેલા શબ્દો ફરીથી ગુંજવા લાગ્યા ‘આજે તમે કૃણાલ સાથે મને નહિ પણ એની ફિયાન્સ આરતીને જ જોઈ હતી’ અને સાથેસાથે બપોરે જયારે કૃણાલ સાથે પેલી સાડીમાં જે યુવતીને જોઈ હતી એનું સ્મરણ કરી રહ્યો. તેણે યાદ કર્યું કે પોતે કૃષ્ણા સિનેમા સામે પોતાની કાર પાર્ક કરી હતી તે લેવા ગયો હતો. પોતે જેવો કારમાં બેઠો અને કાર ચાલુ કરી ત્યાં જ સામે એક બાઇક કૃષ્ણા સિનેમાના ગેટ પાસે આવીને ઉભું રહ્યું. યુવક યુવતી બંને બાઇક પરથી ઉતર્યા, યુવકે બાઇક પાર્ક કર્યું અને પછી બંને જણા ત્યાંથી ધીમે-ધીમે ચાલતા સિનેમાના ગેટની અંદર ચાલ્યા ગયા. અહી વિકાસે હમણાં જ નોંધેલી બાબત એ હતી કે યુવક હોય કે યુવતી બંનેને વિકાસે પાછળથી જ જોયા હતા. એ છતાં વિકાસે યાદ કર્યું કે તે યુવક-યુવતીમાં યુવક તો કૃણાલ જ હતો કેમકે તે કૃણાલને તથા તેના બાઈકને સારી રીતે ઓળખતો હતો પણ યુવતી વિષે તે ચોક્કસ ના હતો, કદાચ સંધ્યાએ કહયું એ પ્રમાણે તે યુવતી કૃણાલની ફિયાન્સ આરતી જ હશે.
 • શું વિચારો છો વિકાસ.? હજુ કોઈ પ્રશ્ન કે મારો કૃણાલ સાથે હોવાનો પુરાવો હોય તો રજુ કરો, બેશક એને પણ હું વ્યર્થ સાબિત કરી આપીશ.” સંધ્યા અદબ વાળીને વિકાસની સામે ઉભી હતી. વિકાસ હજુ અવાક હતો, હજુ સંધ્યાને મો ખુલ્લું રાખીને એકીટશે જોઈ રહ્યો હતો. પોતાનાથી કેવી ગંભીર ભૂલ થઇ ગઇ. જેની સાથે જનમોજનમનો નાતો હોય એવું લાગતું હોય, જેની સાથે કોલેજ કાળથી જ સારા સંબંધ રહ્યા હોય, જેની સાથે એક સફળ પ્રેમ સંબંધ ચાલ્યો હોય, એક સફળ લગ્ન જીવન ચાલતું હોય એને માત્ર નજરોથી જોયેલી અમુક પળો જેના વિષે પોતે પણ ચોક્કસ નથી એના આધારે શંકા જ કેમ કરી શકાય.
 • વિકાસ હવે તમે થોડા સ્વસ્થ થયા લાગો છો.ચાલો તમે બહાર સોફા પર બેસો હું હમણાં જ ચાય લઈને આવું છુ. આદું અને એલચીવાળી ચાય પીશો એટલે બધો થાક ઉતરી જશે.” સંધ્યા આમ બોલતા-બોલતા વિકાસને પકડીને સોફા સુધી લઇ આવી.
 • વિકાસ હવે સોફા પર બેઠો હતો. સંધ્યા રસોડામાં ચાય બનાવવા માટે ગઈ હતી. વિકાસ પોતાના હાથ જોડીને જમીન તરફ જોતા ફરી વિચારી રહ્યો. એ બાઇક પરથી ઉતરેલામાં યુવક તો કૃણાલ જ હતો કેમ કે આટલા સમયથી જેને ઓળખતા હોઈએ એને પાછળથી જોતા હોવા છતાં એના વિશેનું અનુમાન તો બંધાઈ જ જવું જોઈએ, ઉપરાંત પેલું બાઈક પણ કૃણાલનું જ હતું એ વાત તો ચોક્કસ રહી. પણ યુવતી વિષે તે ખોટો પડ્યો, તેને સંધ્યાની વાત સાચી જ લાગી એ યુવતી કૃણાલની ફિયાન્સ હોવી જોઈએ જેને સંધ્યાએ સાડી ગિફ્ટ કરી હતી. સંધ્યા ચાય લઈને આવી અને વિકાસની સામે ધરી.
 • તે એ સાડી પેલીને ગિફ્ટ કેમ કરી.? શું એ તને પસંદ નહતી પડી.?” વિકાસે ચાયની ચુસ્કીઓ લેતા કહ્યું.
 • ના એવું નથી પણ એ દિવસે કૃણાલ મને તે યુવતી-તેની ફિયાન્સને મળાવવા માટે ઘરે લઇ આવ્યો હતો એ વિષે તમને કહેતા ભૂલી ગઇ હતી. હજુ હમણાંની જ વાત છે એક બપોરે જમ્યા પછીના સમયે કૃણાલ મને તે યુવતી જેનું નામ આરતી છે તેને મળવા માટે લઇ આવ્યો હતો. એ સાડી ત્યારે મેં પહેરીને જોવા માટે ટેબલ પર જ મૂકી હતી. એને એ ખુબ ગમી તો મેં એવા સમયે એને ગિફ્ટ કરી દેવાનું યોગ્ય સમજ્યું. તમે જ કહો મેં કઈ ખોટું કર્યું હોય તો.?” સંધ્યા વિકાસની પાસેના સોફા પર બેઠી હતી. તેણે વિકાસને બધી જ વાત વિગતે જણાવી.
 • હમમમ.....નહિ સંધ્યા તે એ બરાબર જ કર્યું. તો તે પહેલી મુલાકાત માટે એને ગિફ્ટ આપી એમ જ કહેવાય. જેમ માંએ તને એ સાડી ગિફ્ટ કરી એમ તે પેલીને...” વિકાસે ચાય પૂરી કરી અને કપ-રકાબી ટેબલ પર મુકતાં કહ્યું. સંધ્યાએ એ કપ-રકાબી ત્યાંથી ઉપડ્યા અને રસોડામાં મુકવા ત્યાંથી જતી રહી.
 • એક વાત તમારી સમક્ષ ખુલ્લા દિલથી અને સાચી કહું છું. કૃણાલ દરરોજ સાંજે આપણા ઘરે આવે છે અને મારી પાસે આરતી સાથે થયેલી બધી જ વાતો જણાવે છે. તેની પાસે પોતાની આવી વાતો કહેવા મારા સિવાય બીજું કોઈ જ નથી. અમે વાતો કરવા બીજે બહાર પણ જઈએ છીએ પરંતુ અમારા વચ્ચે કોઈ ગેરસંબંધ નથી.” સંધ્યાએ રસોડામાંથી આવી નેપકીનથી હાથ લુછતા કહ્યું.
 • સંધ્યા મારા વર્તન અને મારા દ્વારા થયેલી ભૂલો માટે હું દિલગીર છું,બની શકે તો મને માફ કરી દેજે પ્રિયે.” વિકાસે ટેલીવિઝનમાંથી માથું ઉચકીને સંધ્યા સામે જોતા કહ્યું.“ચાલો હવે અત્યારે આપણે જમી લેવું જોઈએ રાત ખુબ જ વિતી ગઈ છે અને તમારે સવારે વહેલા જવાનું હોવાથી વહેલા સુઈ જવું ઉચિત રહેશે.” સંધ્યાએ કહ્યું. બંને જણાએ ટેબલ પર એકસાથે એક જ થાળીમાં ભોજન લીધું.
 • બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED