આંધળું અનુકરણ-ભાગ-૧ Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંધળું અનુકરણ-ભાગ-૧

આંધળું અનુકરણ-ભાગ-૧

પૂર્વભૂમિકા

આ પહેલા જયારે રાજીવ દિક્ષિત: એક ભૂલાયેલા લોક પ્રતિનિધિ લેખને માતૃભારતી પરના મારા સૌથી પહેલા લેખ તરીકે મુકેલો ત્યારે લેખના અંત ભાગમાં કહેલું કે હું રાજીવ દિક્ષિતજીના વ્યાખ્યાન સાંભળવાનો બંધાણી બની ગયેલો છું. તેની કહેલી ઘણીબધી વાતોને મેં જીવનમાં ઉતારેલી છે જે મારા જીવન ઘડતરમાં ખુબ ઉપયોગી બની રહી છે. મૂળ વાતથી થોડા દુર ખસીને કહું તો મારા આ લેખને પૂરતા ડાઉનલોડ નહતા મળેલા, મારા ઓળખીતા મિત્રો મારી પાસે લઘુનવલકથાઓ મુકવાની માંગણી કરતા. તેમની ઈચ્છાને માન આપીને મેં અમુક લઘુનવલકથાઓ મુકેલી જેમને અપેક્ષા અનુસાર સારા પ્રતિભાવો મળેલા. ત્યારબાદ મેં નક્કી કરેલું કે હવેથી વાચકોની ઈચ્છાને ધ્યાને રાખીને લઘુનવલકથાઓ જ લખવી છે. પરંતુ દરરોજ રાજીવભાઈના વ્યાખ્યાનો સાંભળતા ફરીથી તેના વ્યાખ્યાનો દ્વારા પ્રેરિત એક લેખ લખવાની ઈચ્છા થઇ. એ ઈચ્છાઓને વધારે સમય દબાવી ન શકતા આ લેખ લખી રહ્યો છું. માફ કરશો વાચક મિત્રો આ લેખ કદાચ તમને લઘુ નવલકથાઓની જેમ મનોરંજન પૂરું નહિ પાડે પરંતુ જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો ઉપયોગી જરૂરથી બની રહેશે એ વાતની ખાતરી આપું છું. શક્ય છે આ લેખને પૂરતા ડાઉનલોડ નહિ મળવાથી મારી માતૃભારતી પરની સફર અટકી જાય પરંતુ મને તેનો કોઈ વાંધો નથી કારણ કે જે કોઈ લોકો આમાં લખેલી અમુક વાતો પણ સ્વીકારશે તો એ પોતાના સ્વાસ્થ્ય માટે ઉપરાંત રાષ્ટ્રના આર્થિક લાભ માટે ઉપયોગી બની રહેશે અને એ જ મારા માટે સૌથી મોટી સફળતા છે. બીજી એક એ પણ સ્પષ્ટતા કરી દઉં કે આમાં લખેલી દરેક વાતોને હું સત્ય માનું છું પરંતુ એક યા બીજા કારણોસર સંપૂર્ણ રીતે તેને અપનાવી નથી શક્યો. આમાં લખેલી દરેક બાબતોને ધીરેધીરે અનુસરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને ચોક્કસ એક દિવસ આમાંની દરેક બાબતોને હું મારા જીવનમાં અનુસરતો હોઈશ એવી ખાતરી આપું છું.

અહીંથી હું હવે આ લેખને શરૂ કરી રહ્યો છું. આજથી ૪૦૦ વર્ષ પૂર્વે પશ્ચિમ દિશામાંથી અમુક દેશની સભ્યતાઓ ભારતમાં આવી. તેમણે વેપાર કરવાના બહાને આ દેશ પર ૨૦૦ વર્ષ સુધી શાસન કર્યું. તેમની જીવનશૈલીનો અભ્યાસ કરીને તેનો ભ્રામક પ્રચાર કરી કેટલાક અજ્ઞાની લોકોએ આ દેશનો જે સત્યાનાશ કર્યો છે એનો જ અહી હું ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું.

આંધળું અનુકરણ એવું શીર્ષક શા માટે આપ્યું છે એ સમજાવવા આપણી દિનચર્યાથી જ હું શરૂઆત કરું છું. સામાન્ય રીતે આધુનિક ભારત વ્યવસ્થામાં બાળક, યુવાન કે કોઈ પણ વૃદ્ધ જયારે પ્રાતઃકાળે ઉઠે છે ત્યારે ઉઠીને સૌથી પહેલા બ્રશ કરવાનો આગ્રહ રાખે છે. તો મારા આંધળા અનુકરણનું પ્રથમ દ્રષ્ટાંત છે ઉઠીને બ્રશ કરવું.! હવે કેટલાક લોકો કહેશે બ્રશ કરવામાં ભાઈ શું વાંધો પડ્યો.? જો તમે અમેરિકા કે યુરોપના કોઈ દેશોમાં રહો છો અને દરરોજ ઉઠીને બ્રશ કરો છો તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે ભારત જેવા સાધન સંપન્ન દેશમાં રહીને બ્રશ કરો છો તો તમારા સ્વાસ્થ્ય અને દેશની આર્થિક સ્થિતિ માટે સમસ્યાઓ જ સમસ્યાઓ છે. સૌથી પહેલા તો ઉપરના વિધાનને મારે ટૂંકમાં સમજાવવું છે.

અમેરિકા કે યુરોપ દેશના લોકો પ્લાસ્ટીકના બ્રીસલ્સવાળા બ્રશ જે આજે ભારતના દરેક ઘરમાં પહોચી ગયેલા છે એ કરવા પાછળના અમુક કારણો પ્રસ્તુત છે. આમાંનું સૌથી પહેલું કારણ છે ત્યાં લીમડો અને બાવળ જેવી ઔષધીય વનસ્પતીઓની અનુપસ્થિતિ. બધા લોકો જાણે છે એમ યુરોપ અને અમેરિકા ખંડ એ વિશ્વમાં જાણીતા સૌથી ઠંડા પ્રદેશો છે ત્યાં બે પ્રકારની ઋતુઓ જ જોવા મળે છે એક તો ઠંડી અને બીજી ખુબ વધારે ઠંડી. આ બંને ઋતુઓમાં ઉપર જણાવેલી વનસ્પતિઓ ઉપલબ્ધ નથી. આવી વનસ્પતીઓની કુમળી ડાળીઓ સદીઓથી આપણા દેશમાં દાતણ તરીકે દાંત સાફ કરવા માટે વપરાય છે. જો કદાચ તેઓ ભારત જેવા દેશો પાસેથી આવી ઔષધીય વનસ્પતીઓની આયાત પણ શરૂ કરે તો પણ તેનો દાતણ તરીકે ઉપયોગ ન કરી શકે કારણ કે ઠંડા પ્રદેશોમાં વસતા હોવાના લીધે તેમના જડબા ખુબ જ સખ્ત બની ગયેલા હોય છે શુન્ય ડિગ્રી કે તેથી પણ નીચા તાપમાને તેમના માટે દાતણને ચાવતા રહેવું ખુબ અઘરું કામ છે તદુપરાંત પેઢા પણ સખ્ત હોવાના લીધે બ્રીસલ્સવાળું બ્રશ જ તેને યોગ્ય રીતે સાફ કરી શકે છે.

ભારત દેશમાં તો લીમડો અને બાવળ જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેટલી કદાચ જ કોઈ બીજી વનસ્પતિ ઉપલબ્ધ હોય. આ બંને વનસ્પતિની કુમળી ડાળીઓનો સદીઓથી દાતણ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. ભારત જેવા દેશમાં વસતા લોકો પણ જો દરરોજ સવારે ઉઠીને બ્રશ કરતા હોય તો એને પશ્ચિમી સભ્યતાનું ‘આંધળું અનુકરણ’ જ કહી શકાય. કારણ કે એક તો પ્રચુર માત્રામાં ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓ આ દેશમાં બારેમાસ ઉપલબ્ધ રહે છે બીજું ભારત સમશીતોષ્ણ પ્રદેશ હોવાના લીધે અહીના લોકોના જડબા સહેલાઈથી ચાવવાની પ્રક્રિયા કરી શકે તેવા હોય છે ઉપરાંત પેઢા નરમ હોવાના લીધે તેને વાનસ્પતિક દાતણ જ માફક આવી શકે એમ છે. પ્લાસ્ટીકના બ્રીસલ્સ પેઢાને ઘસી નાખે છે અને દાંત ઉપરના ઈનેમલના આવરણને પણ ઘસી નાખે છે જેના ભોગ બનીને આપણને ડેન્ટીસ્ટ પાસે જવું પડે છે. તમે ઘણી હોલીવુડની ફિલ્મોમાં કે પશ્ચિમી ટીવી શોમાં જોયેલું હશે કે તેઓ રેગ્યુલર દાંતના ડોક્ટર પાસે જતા હોય છે. એ કોઈ સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે નથી જતા, એ તો એમની મજબૂરી છે કેમકે બ્રશ કરવું હજ્જારો દાંતના રોગને નોતરું દેવા સમાન છે. એ લોકો રેગ્યુલર દાંતના ડોક્ટર પાસે જાય છે કારણકે તેમના પાસે દાતણ કરવા જેવો કોઈ યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી અને બ્રશ કરતા રહેવાથી દાંતના ઈનેમલને તથા પેઢાને ઘસારો આવતો રહે માટે તે ઘસાય અને દુખાવો ઉપડે જેના માટે કરીને તેઓને રેગ્યુલર ડેન્ટીસ્ટ પાસે જવું પડે છે.

સદીઓથી આપણા પૂર્વજો લીમડા તથા બાવળ જેવી ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિની કુમળી ડાળીઓનો ઉપયોગ દાતણ તરીકે કરતા આવ્યા હતા તો અચાનક એવું શું બન્યું કે આવી પ્રથા બંધ થઇ ગઈ.? ખરેખર તો આ ટૂથબ્રશ પર લગાવવામાં આવતા ટૂથપેસ્ટ નામના દ્રવ્ય વેંચતી કંપનીઓનો ભ્રામક પ્રચાર તેના માટે જવાબદાર છે અને તેમની બકવાસ વાતોને લોકો સુધી પહોચાડવા માટે પેલું ઇડીયટ બોક્સ જવાબદાર છે. ૧૯૯૧માં કોલગેટ કંપની કહેતી કે નમક નો ઉપયોગ દાંત માટે હાનીકારક છે માટે કોલગેટનું સુરક્ષા કવચ આજે જ અપનાવો. આજે એ જ કોલગેટ કંપની તમને પૂછે છે ‘ક્યાં આપકે ટૂથપેસ્ટ મેં નમક હે.?’

દાતણ કરવાના અમુક ફાયદા છે સૌથી પહેલા તો જેમ ઉપર કહ્યું એમ તે ભારતના કોઈ પણ ગામડામાં સહેલાઈથી અને બારેમાસ ઉપલબ્ધ રહે છે. બીજું આપણી આબોહવા પ્રમાણે આપણા દાંત અને પેઢાંનું જે બંધારણ છે એને વાનસ્પતિક દાતણ જ માફક આવી શકે છે. ત્રીજું આવા દાતણને ખુબ ચાવતા રહેવાથી મોમાં લાળ બને છે અને તેના દ્વારા દાતણમાં રહેલા ઔષધીય તત્વો લાળ સાથે ભળે છે. આવી લાળને થૂંકી ન દેતા પેટની અંદર ઉતારવાથી અન્નનળી અને જઠર સુધીનો જે વિસ્તાર છે તેને હાનીકારક જીવાણુંઓથી મુક્તિ અપાવે છે અને દાંતની સાથે સાથે બાયોલોજીમાં જેને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટીનલ ટ્રેક કહેવામાં આવે છે એમાંના અન્નનળી અને જઠર સુધીના ભાગનું શુદ્ધિકરણ થઇ શકે છે. તો દાતણ કરવાથી તમે પેટના રોગોથી પણ બચી શકો છો. દુર્ભાગ્યવશ આપનું બ્રશ આટલું શુદ્ધિકરણ કરી શકતું નથી.

દાતણ કરવાની આદત રાખવાથી તમે સમાજસેવા અને રાષ્ટ્રસેવા પણ કરી રહ્યા છો. જો તમે બજારમાંથી દાતણ ખરીદવાનું ચાલુ કરશો તો આપણા દેશના કોઈ ગરીબને બે પૈસા મળશે અને તેનું ગુજરાન ચાલી શકશે. સવારે તમે ઉઠીને જે પેસ્ટ રગડો છો એ પેસ્ટ રગડવામાં દેશને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે કેમકે એટલો બધો રૂપિયો વિદેશી કંપનીઓ પાસે જતો રહે છે. મેં શરૂઆત કરી દીધેલી છે ને શપથ લીધી છે કે આજ પછીથી બ્રશ નહિ કરું પરંતુ દેશી દાતણ જ કરીશ. તમને યોગ્ય લાગ્યું હોય તો તમે પણ સ્વદેશી અપનાવો અને આપણા દેશને બચાવો.

હવે આગળના લેખમાં આપણી દિનચર્યાને આગળ વધારતા ક્યાં ક્યાં આંધળું અનુકરણ થઇ રહ્યું છે એ જણાવીશ અને એવા આંધળા અનુકરણને બંધ કરાવવા પ્રયાસ કરીશ.

જય હિન્દ

વંદે માતરમ્

(સ્વર્ગસ્થ રાજીવ દિક્ષિતજી ના વ્યાખ્યાનો પરથી પ્રેરિત.)