એ કાશ...કાશ યું હોતા...હર શામ સાથ તું હોતા Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ કાશ...કાશ યું હોતા...હર શામ સાથ તું હોતા

એ કાશ...કાશ યું હોતા...હર શામ સાથ તું હોતા

તેણે ફરી એક વખત ઓફીસના નોટીસ બોર્ડ પર લખેલું પોતાના સાથી કર્મચારીનું નામ વાંચ્યું. આજે ઓફીસમાં આવેલી દરેક ચેમ્બરમાં કામ કરવા માટે બે-બે કર્મચારિઓની પસંદગી થઇ હતી. નામ ખુબ જાણીતું હોવા છતાં નેહા તે નામ સાંભરી શકતી નહતી. થોડી અસમંજસ સાથે ઓફીસમાં હજુ એક જ મહિનો ગાળી ચુકેલી નેહા શર્મા પોતાની ચેમ્બરમાં દાખલ થઇ. જોકે ચેમ્બરમાં દાખલ થતાની સાથે જ તેની પોતાના સાથી કર્મચારીના નામ વિશેની અસમંજસ દુર થઇ ગઈ. પોતાનાથી બે વર્ષ મોટા દીપક કપૂરને જોતા જ નેહા સામે પોતાના કોલેજકાળના પ્રથમ બે માસ યાદ આવી ગયા. ઓફીસમાં એક ટેબલ, તેના પર ગોઠવેલ ફાઈલો, અન્ય બુકો તથા કેલેન્ડર અને ટેબલની સામ-સામે એક એક ખુરશી ગોઠવેલી હતી. સામેની ખુરશી પર બેઠેલ સીનીયર દીપકે પોતાની નજર ફાઈલમાંથી ઉંચી ક રી નેહા પર ગોઠવી અને નજર ગોઠવતાની સાથે જાણે તેની નજરો તેના પર થીજી ગઈ.

બંને એકબીજાને થોડી મીનીટો સુધી તાકતા રહ્યા. દીપકે વિચાર્યું, ’હજુ એ જ ઉંચાઈ.! નાની અમથી....જોનારા વિચારે પણ નહિ કે આ ચાર ફૂટીયું કોલેજ પાસ કરીને આવી હશે. એ જ રૂપ, એ જ કપડા પહેરવાની રીત, જીન્સની પેન્ટ અને ટી-શર્ટ, આ છોટુ તો હજી નથી બદલાઈ.! કોલેજના ચાર વર્ષ પછી પણ..!, દીપકને યાદ હતું કોલેજકાળ દરમિયાન તે નેહાને તેની ઉંચાઈના લીધે ‘છોટી’ કહીને બોલાવતો અને હિન્દીભાષી નેહા બદલામાં ‘મેં ઇતની ભી છોટી નહિ હું’ એમ છણકો કરતી. નેહાની આંખોમાં હજુ સ્મિત હતું દીપકે તેને બેસવા આગ્રહ કર્યો. થોડી આછી લજ્જા સાથે નેહાએ પોતાની સીટ લીધી. બંનેને જોતા કોઈ અજાણ્યું પણ કહી શકે કે કામ સિવાય બંને આજે જૂની યાદો વાગોળવામાં મશગુલ છે. બંનેને એકબીજાની આ હાજરી પસંદ પડી.

નેહા આજે દીપકની આ હાજરીથી કદાચ સૌથી વધારે ખુશ હતી. તેને કોલેજકાળ દરમિયાન પોતાનો સીનીયર દીપક યાદ આવ્યો જે હંમેશા લાંબી બાંયના શર્ટ બાયો ચડાવી ને પહેરતો. હજુ તો નેહા કોલેજમાં દાખલ જ થઇ હતી એ દિવસે તેના ફેસબુક અકાઉન્ટમાં એક નાનકડો મેસેજ જોયો. ‘I found you ..ha ..ha ..!’ એ પછીથી નેહા અને દીપક વચ્ચે વાતચીત શરૂ થઇ પરંતુ ફક્ત ફેસબુક પરજ ..! એક માસ સુધી આમ જ રોજ રોજની દિનચર્યા પર વાતો ચાલતી રહી. આ દરમિયાન દીપક તેના મોબાઈલ નંબર તથા તેની સાથે એકાંતમાં મળવાની માંગણી કરતો રહ્યો, પરંતુ નેહા તેની વાત ને મજાકમાં કે અન્ય કોઈ મુદ્દો વચ્ચે લાવી ટાળી દેતી હતી. અંતે દીપકે તેને ફેસબુક પર મેસેજ કર્યો, ‘જો નેહા, આમ તું ક્યાં સુધી ચલાવીશ.? હું તને પસંદ કરું છું માટે તને મળવા માંગું છું..’ બરાબર બીજા દિવસે સવારે દીપકે જયારે ફેસબુક અકાઉન્ટ ખોલ્યું તેમાં નેહાનો મેસેજ હતો, “મને માફ કર મિત્ર, હું તારી સાથે એવો કોઈ સંબંધ ન રાખી શકું કેમકે મારે પહેલા થી જ પુરુષમિત્ર છે. અમે એકબીજાને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ કરીએ છીએ.” અધીરાઈપૂર્વક આ મેસેજ વાંચ્યા બાદના તો દીપકે ફેસબુક પર નેહાને કોઈ મેસેજ કર્યો કે ના નેહાએ દીપકને કોઈ મેસેજ કર્યો. એક જ કોલેજમાં ભણતા હોવાથી તેઓ દિવસમાં એકાદ વખત એકબીજાને જોઈ લેતા પરંતુ કદી સામસામે વાતચીત ન કરી.

“મેડમ આજે તમે થોડા વધુ ખુશ દેખાઓ છો.” કોફીબારમાં નેહા પોતાની સૌથી જૂની સહેલી શ્રદ્ધા સાથે કોફી લેતી હતી ત્યારે શ્રદ્ધાએ નેહાને પૂછ્યું. નેહાએ સામે કઈ જવાબ ન આપ્યો અને બસ મલકતી જ રહી. “બોલને યાર અર્જુને ફરી પ્રપોસ કર્યું કે.?” અર્જુનનું નામ સાંભળતા જ નેહાના ચેહરાની રેખા તંગ બની ગઈ, તેને ધીમા અને દબાતા સ્વરે શ્રદ્ધાને એટલું જ કહ્યું કે ”અર્જુનનું નામ નહિ લેતી આજ પછી“ ત્યારપછી બંને વચ્ચે મૃત્યુવત શાંતિ પથરાયેલી રહી. બંનેએ પોતપોતાના કોફીના મગ પુરા કર્યા. કોફી પતાવ્યા બાદ નેહા ફરી બોલી, જાણે તેને આ વાત સંભળાવવા પહેલા કોફી પતાવવાની જરૂરી ના હોય.!” તને દીપક યાદ છે.?” શ્રદ્ધાએ આંખોના ડોળા ચડાવી યાદ કરી કહ્યું ”કોણ તારો પેલો એક માસવાળો ફેસબુકનો મિત્ર..?” નેહા એ તરત જ જવાબ આપ્યો. ”હા એ જ એ જ...” શ્રદ્ધા નેહા સામે તાકીને જોવા લાગી, તે નેહા આગળ કઈ બોલે એની રાહ જોવા લાગી ”અર્જુનની યાદ ભૂલવા, અર્જુનની ખાલી પડેલી જગ્યા પુરવા હવે મને દીપકની જરૂર પડશે.” નેહાએ આગળ ચલાવ્યું.

શ્રદ્ધાની ભમ્મર તંગ બની, તેણે પૂછ્યું ”દીપકને કોલેજના ચાર વર્ષે તે ફરી ક્યાં જોયો.?” નેહાએ જવાબ આપ્યો ”મેં જે નવી જોબ જોઈન કરી એમાં તે મારી ચેમ્બરનો સીનીયર છે. અમારી ઓફીસમાં આવેલી બધી ચેમ્બર્સમાં આ જ રીતે કામ ચાલે છે. દરેક ચેમ્બરમાં એક અનુભવી અને એક ન્યુકમર સાથે કામ કરે છે.” શ્રદ્ધા ઉભી થતા બોલી ”તો પછી વાત શાની..? કાલે જ એને પોતાની નવી જોબ જોઈન કરવા આદેશ આપી દે. નવી જોબ..! નેહા મેડમના નવા બોયફ્રેન્ડ ની..”, આટલું બોલી શ્રદ્ધા ખડખડાટ હસી પડી. નેહાએ તેનો હાથ પકડી તેને ફરી ખુરશી પર બેસાડી. ”પરંતુ એ મને હવે પસંદ કરશે.? અને મારે જ શરૂઆત કરવી.?”, નેહાએ ચિંતા ઠાલવી શ્રદ્ધાએ જવાબ આપ્યો ”પસંદ-નાપસંદ તો એની ઉપર છે પરંતુ એકવાર તેણે શરૂઆત કરી હતી હવે તારી વારી.” આટલું બોલી શ્રદ્ધા ઉભી થઇ પોતાનું પર્સ લઇને જતી રહી. નેહા શ્રદ્ધાને જતા જોઈ રહી. તે દેખાતી બંધ થઇ તેના પછી પણ નેહા ઘણીવાર સુધી ત્યાજ બેઠી રહી.

ગુલાબી ટી-શર્ટ અને બ્લુ જીન્સની પેન્ટ પહેરી સાથે એક મધુર સ્મિત ઓઢી નેહા ઓફિસે જવા તૈયાર હતી. એક નવા ચહેરાની પોતાની જીંદગીમાં પ્રવેશવાની ખુશી સાથે તેણે પોતાની સ્કુટી સ્ટાર્ટ કરી. તેને શ્રદ્ધાના ‘હવે તારી વારી’ એ શબ્દો યાદ આવ્યા. તેણે રસ્તા પર એકબાજુ પોતાની સ્કુટી ઉભી રાખી ફૂલોં વેચવાવાળી પાસેથી એક ગુલાબ ખરીદયું. તેણે ઓફીસ જવા ફરી એક વખત સ્કુટી સ્ટાર્ટ કરી. રસ્તામાં વિચાર કરી રહી આજ સુધી દીપકથી સામસામે બેસી વાત નથી કરી, આજે સાંજે એની સાથે કોફીબાર જઈશ, ત્યાં અમે ખુબ બધી વાતો કરીશું. એટલી બધીવાર બેસીશું કે કોફીબારવાળા બંધ કરતી વખતે અમને ત્યાંથી જવા વિનંતી કરશે. આવા વિચારો સાથે જ ઓફીસ આવી ગઈ. કેબીનની અંદર દાખલ થતા પહેલા તેને પહેલું ગુલાબ પોતાની પીઠ પાછળ છુપાવી દીધું અને મધુર સ્મિત રેડીને “મી આઈ કમ ઇન.!” બોલી પરંતુ અંદરનું દ્રશ્ય જોતાં જ તેના પેલા શબ્દો ધીમા પડી ગયા. દીપક કોઈ યુવતીને ભેંટી રહ્યો હતો, નેહાને જોતા જ બંને આલિંગનમાંથી છુટ્ટા પડ્યા. દીપક પેલી યુવતી સામું જોઈ બોલ્યો, “મીટ નેહા, માય ચેમ્બર પાર્ટનર એન્ડ નેહા શી ઇસ દિશા કપૂર માય વાઈફ”. આ સાંભળી નેહાના હાથમાંથી ગુલાબ સરી પડ્યું જે દીપકની આંખોથી દુર ન રહ્યું. દિશા કપૂર ત્યાંથી જતી રહી બાદમાં નેહાએ એ ગુલાબ કચરાટોપલીમાં ફેંક્યું અને પોતાની આંખોના ખૂણા સાફ કર્યા. એ દિવસ નેહા માટે ખુબ મુશ્કેલીથી પસાર થયો.

ભારે હિંમત ભેગી કરી બીજા દિવસે નેહા પોતાની ચેમ્બરમાં દાખલ થઈ પરંતુ ત્યાં કોઈ નહતું. પ્યુન પાછળથી ચેમ્બરમાં દાખલ થયો અને નેહાને એક પરબીડિયું આપતો ગયો. નેહાએ એ પરબીડિયું ખોલ્યું અને એમાંનો કાગળ વાંચ્યો. “પ્રિય નેહા, હું તારી લાગણીઓ સમજી શકું છું, પરંતુ આવી રીતે આપણે બંને સાથે કામ ન કરી શકીએ માટે મેં રાજીનામું આપ્યું છે. good bye.” અને નેહાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા.