હાલ-એ-દિલ... એક નવી શરૂઆત Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ-એ-દિલ... એક નવી શરૂઆત

હાલ-એ-દિલ... એક નવી શરૂઆત

વસંતઋતુની એક મનમોહક સંધ્યા સમયે કંદર્પ એક ૨3 વર્ષીય નવયુવાન પોતાના 3 BHKના ફ્લેટમાં શમી સાંજે ઘરની બહાર જવા તૈયાર થઇ રહ્યો હતો. તે પોતાનો ટુવાલ વીંટીને બાથરૂમમાંથી બહાર આવ્યો અને બેડરૂમના અરીસા સામે ઉભા રહીને પોતાના આછા ભીના વાળને કાંસકા વડે ઓળવા લાગ્યો. પોતાના વાળને ઓળતા ઓળતા તે થોડા દિવસો પહેલા પોતાની ઓફીસમેટ કાવ્યા સાથે થયેલી વાતચીતની સ્મૃતિઓમાં સરી પડ્યો.

“કેટલા ઝડપથી બધા પરિવર્તનો થઇ રહ્યા છે. કાલ સુધી જેમની જોડે બોલવાના પણ સંબંધો નહતા એ વ્યક્તિ આજે મારા દિલની સૌથી નજીક છે.” થોડા દિવસો પહેલા જયારે કંદર્પ અને તેની ઓફીસમેટ કાવ્યા તેમની ઓફીસના ટેબલ પર એકબીજાની બાજુમાં બેઠા હતા એ વખતનો પ્રસંગ યાદ કરવા લાગ્યો.

“કાવ્યા, એ કેમે કરીને ભૂલાય એમ નથી. મેં કેટકેટલી કોશિશો કરી છે પણ એની સાથે વિતાવેલી પળો આજે મધમાખીની જેમ મને ડંખી રહી છે.” કંદર્પે બે કોફી ભરેલા મગ ટેબલ પર મુકીને કાવ્યાની બાજુની ખુરશી પર બેઠક લેતાં કહ્યું. ટેબલ પર એક LED સ્ક્રીન મોનીટર અને તેની સાથે એક કી બોર્ડ અને માઉસ હતા.

“જો કંદર્પ, તારી એની સાથે વિતાવેલી પળો ગમે તેટલી મધુર કેમ ન હોય પરંતુ એ મધ જેવી મધુર યાદોને યાદ કરતા મધમાખીના ડંખ લાગતા હોય તો તારે એને ભૂલી જવી જોઈએ એ જ તારા માટે વધારે અનુકુળ રહેશે.” કાવ્યાએ બે માંથી એક કોફીનો કપ ઉપાડતા કહ્યું.

સ્મૃતિમાંથી પાછા ફરતા કંદર્પે વોર્ડરોબ ખોલ્યું અને તેમાં હેન્ગર્સ પર લટકતા શર્ટસ જોયા. “હમમ...કદાચ પર્પલ એને ગમશે.!” એક બે શર્ટને આગળ પાછળ કરતા કંદર્પને વિચાર આવ્યો.

“હું એના પસંદ નાપસંદની ચિંતા ક્યારથી કરવા લાગ્યો.? કદાચ ત્યારથી જ જ્યારથી કોફી પીતાં પીતાં એની સલાહ સાંભળેલી.” પર્પલ શર્ટને વોર્ડરોબમાંથી કાઢી તેના બટન ખોલતા ખોલતા કંદર્પના મનમાં ફરી વિચારોનું એક મોજું આવ્યું જે થોડા દિવસો પહેલાની એ જ સ્મૃતિઓમાં લઇ ગયું.

“કાવ્યા તું નથી જાણતી અમારી વચ્ચે કેટલું અટેચમેન્ટ હતું. અમે લોકોએ કોલેજના ૫ વર્ષ એકસાથે પૂર્ણ કરેલા. કોલેજ પૂરી થતાં અલગ અલગ પ્લેસમેન્ટ થવાના લીધે ફિઝીકલી અને મેન્ટલી પણ ડિસ્ટન્સ વધવા લાગ્યું.” કંદર્પે કોફીનો મગ પૂરો કર્યો. તેના હાથ કમ્પ્યુટરના માઉસ પર ફરતા હતા. આંખો LED સ્ક્રીન પર મંડાયેલી હતી પરંતુ ધ્યાન બીજે જ ક્યાય હતું.

“જો કંદર્પ હું પોઝીટીવ થીન્કીન્ગમાં માનું છું. હું માનું છું કે જે થાય એ સારા માટે થાય છે. તારી સાથે જે થયું એમાં પણ કંઈક સારું હશે જ. પોતાની આસપાસ નજર કર જીવનમાં જીવી લેવા માટે તને બીજા ઘણા કારણો મળી રહેશે.” કાવ્યાએ કંદર્પ તરફ ફરીને કહ્યું પરંતુ તે હજુ કશુક યાદ કરી રહ્યો હોય એમ વિચારમગ્ન બેઠો હતો.

“કાવ્યા એવું કેમ થાય છે, જેમની સાથે એક લાંબો સમય પસાર કરેલો હોય, સાથે જીવન જીવવાના સ્વપ્નો જોયેલા હોય, જે અંગત જીવનમાં અતિ મહત્વનું પાત્ર બની ગયું હોય એ આપણાથી આમ જ સાવ અચાનક દુર થઇ જાય.” વિચારમગ્ન અવસ્થામાં જ કંદર્પ બોલવા લાગ્યો. કાવ્યાએ કહેલું તો કદાચ સાંભળ્યું પણ ના હોય એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. કાવ્યા તેની ગંભીર સ્થિતિને પામી ગઈ અને કંદર્પના ખભે હાથ મુક્યો.

“જો કંદર્પ, તું ખુબ યુવાન છો. હજુ તો આ તારી શરૂઆત છે. જીવનમાં આગળ ઘણું બધું જોવાનું છે. મારી સલાહ માન. તું એકદમ ખુલી જા. ખુલીને જીવ, જીવનને માણતા શીખી લે. મુવ ઓન કર.” કાવ્યાએ કંદર્પના ખભે હાથ મુકીને કહ્યું.

“એને ભુલાવવું કઈ રીતે શક્ય બનશે.?” કંદર્પે થોડા રડમસ સ્વરમાં કહ્યું. આ વખતે પોતાના કલ્પનાતીત વિશ્વમાંથી પાછા ફરતા કાવ્યાની વાત તેણે સાંભળી હોય એવું લાગતું હતું.

“તું મને એક મિત્ર તરીકે કેટલું મહત્વ આપશ.?” કાવ્યાએ સામો પ્રશ્ન કરતા કંદર્પ સામે જોયું. કોઈ જવાબ આપ્યા વગર જ કીન્કર્તવ્યમૂઢ અવસ્થામાં કંદર્પ કાવ્યા સામે જોઈ રહ્યો. “ઈશ્વર તને તારા ખરાબ સમયમાં લડી લેવાની હિંમત આપશે કંદર્પ અને હું પણ હરહમેશ તારી સાથે જ છું.”

‘તારી સાથે જ છું.!’ કાવ્યા તું જ તો સંગાથ હતી અને છો. મારા દુઃખોના સમયમાં તું જ તો હતી જેણે ખરાબ સમયમાં પણ મને હસવા પર મજબુર કર્યો. મારા એક એક આંસુને જમીન પર ન પડવા દેવા તારા દ્વારા કરાયેલા પ્રયાસોને કેમ વિસરી ગયેલો.? કદાચ આ પાછલા સંબંધોની યાદોએ મને અમુક અંશે સ્વાર્થી બનાવી દીધેલો નહીતર તારા ઉપકારોનો બદલો વાળવાનું ન ચુક્યો હોત.

‘જીવનમાં જીવી લેવા માટે તને બીજા ઘણા કારણો મળી રહેશે.’ હું એ કેમ ભૂલી ગયો કે જીવી લેવા માટે જે એક કારણ પુરતું હોય એ તું જ તો છો. તને ઓળખવામાં સમય લાગી ગયો પરંતુ હજુ મોડું તો નથી થયું.

પર્પલ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરની જોડીમાં કંદર્પ હવે ઘરની બહાર જવા તૈયાર હતો. તેણે પોતાનો મોબાઈલ ચેક કર્યો. કુલ મળીને છ નોટીફીકેશન હતા એક મિસ્ડ કોલ્સનું જેમાં કાવ્યાના 3-૪ મિસ્ડ કોલ્સ હતા, બીજું SMSનું જેમાં પણ કાવ્યાના જ મેસેજ હતા, ત્રીજું વ્હોટસએપનું જેમાં કાવ્યા અને બીજા લોકોના મેસેજ હતા. આ સિવાય અન્ય મોબાઈલ એપ્સના નોટીફીકેશન હતા. કંદર્પે કાવ્યાના મેસેજ ફટાફટ વાંચી નાખ્યા. SMS અને વ્હોટસએપ પરના કાવ્યાના મેસેજ એક જ વાતનું સુચન કરતા હતા કે કંદર્પ તું આટલો લેટ કેમ થયો છો.?

કંદર્પે જલ્દીથી ઘરની બહાર નીકળતા કાવ્યાને ફોન જોડ્યો.

“હાં કાવ્યા...કઈ નહિ બસ મારા વિચારોના વિશ્વમાં ખોવાઈ ગયેલો...બીજા લોકો આવતા જ હશે...હું પણ બે ક્ષણમાં પહોચું છું ત્યાં...બાય” જલ્દી જલ્દી બોલતા કંદર્પ હાંફી ગયો હતો. ફોન ખિસ્સામાં મુકીને તેણે બાઈકની ચાવી ભરાવી અને બાઈક સેલ્ફ સ્ટાર્ટ કર્યું. પછી લીવર મારીને ઘરની બહાર નીકળી ગયો.

>>>

(વાચકોમાં ઉત્સુકતા વધારવા અને થોડો વધુ સમય કાઢીને લેખનને વધુ રસદાર સંવાદોમય બનાવવાના ભાગરૂપે આ નવલિકાને બે ભાગમાં પ્રકાશિત કરું છું. કંદર્પ કાવ્યાને બહાર મળવા શા માટે જાય છે. અને તેની આ મુલાકાતનું શું પરિણામ આવે છે એ બીજા અને અંતિમ ભાગમાં આપણે જોઈશું. મારે વાચકોના સૂચનો પણ જોઈએ છે. તમને પસંદ આવે એવો અંત આપવા પણ હું વિચાર વિમર્શ કરીશ. ધન્યવાદ.)