મુલાકાત Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુલાકાત

મુલાકાત

શિયાળાની તે એક ખુબસુરત સવાર હતી. સૂર્ય હજુ પૂર્વ દિશામાંથી માથું ઉચકી રહ્યો હતો. તેનો કેસરી પ્રકાશ દ્રશ્યને કેસરી બનાવી રહ્યો હતો. જાન્યુઆરી મહિનાની તીવ્ર ઠંડીને લીધે લોકોની અવરજવર ઓછી હતી, છત્તા નોકરી કરતા કેટલાક યુવક-યુવતીઓ તથા શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ત્યાં રસ્તા પરથી પસાર થતા હતા. રસ્તાના છેડે આવેલી ચાની લારીઓ પર આવા જ બધા યુવાનોની ભીડ જામેલી હતી. આવો જ એક યુવાન કોઈ ચાની દુકાન બહાર રહેલી ખુરસી પર બેસી છાપુ વાંચતા-વાંચતા ચા પી રહ્યો હતો. તેનું નામ વિવેક હતું અને તે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેને તેના કામના સ્થળ પર જવાને હજુ ખાસ્સી વાર હતી માટે તે આરામથી ચા પીને છાપું વાંચી શકતો હતો.

તે રસ્તો શહેરનો અતિ મહત્વનો માર્ગ હતો જેના છેડે ચા ઉપરાંત નાસ્તાની નાનીમોટી તથા જાણીતી બીજી મોટી દુકાનો પણ હતી. વિવેકે છાપું પૂરું કર્યું પરંતુ ચા હજુ પૂરી નહતી થઇ.! તેને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને ફેસબુક પર પોતાનું સ્ટેટસ અપડેટ કર્યું. “good morning, I’m here waiting for none…” સુપ્રભાત કહેવાની તેની આ અનેરી અદા હતી. તે દરરોજ સવારે આ જ ક્રમ મુજબ વર્તતો, મતલબ ચા પીતાં-પીતાં છાપું વાંચવું અને પછી ફેસબુક ચાલુ કરી પેલું સ્ટેટસ અપડેટ કરવું. આ પછી તે જગ્યા છોડી પોતાના કામ પર જતો રહેતો.

પરંતુ આજે કંઇક જુદું થવાનું હતું. વિવેકની નજર ચા પૂરી થતાંની સાથે જ રસ્તો ઓળંગી, રસ્તાની સામેની બાજુ આવેલી એક શોપ પર પડી. તે નાસ્તાની એક પ્રતિષ્ઠિત અને બહુ જાણીતી એવી શોપ હતી. શોપમાં એક યુવતી પ્રવેશી અને તેણે તે શોપમાંના એક ટેબલ પાસેની ખુરશી ખેંચી. યુવતી એ રીતે બેઠી હતી કે રસ્તાની સામેની બાજુથી વિવેક એને જુએ તો તેની પીઠ વિવેકને દેખાય. ખબર નહિ કેમ પરંતુ પાછળથી જોતો હોવા છતાં તે યુવતી વિવેકને બહુ જાણીતી-નજીકની લાગી. ચા પીવામાં આમેય વિવેકે આજે વધારે સમય લીધો હતો, તેની પાસે હવે અહી બેસી રહેવા વધારે સમય નહતો પરંતુ છતાં તે રસ્તો ઓળંગી પેલી શોપમાં દાખલ થયો.

તે યુવતી હજુ ત્યાં ખુરશી પર જ બેઠેલી હતી. શોપમાં દાખલ થતાની સાથે જ વિવેકે “excuse me,….આરતી” કહ્યું. પેલી એ પાછળ જોયું. મતલબ તે એ જ યુવતી હતી જેના વિષે વિવેકે અનુમાન લગાવ્યું હતું. વિવેકને જોતાની સાથે જ પેલી યુવતી આરતીએ ભંવા ઉંચે ચડાવ્યા. ”હું અહી બેસી શકું?” વિવેકે આગળ ચલાવતા પૂછ્યું. આરતીએ કઈ જવાબ ન આપ્યો તે બસ વિવેકને જોતી રહી, કદાચ યાદ કરતી હશે કે આગંતુક યુવક કોણ હોઈ શકે જે મને ઓળખે છે. વિવેક તેની આ વિસામણ પારખી ગયો અને તેની સંમતિ મળે એ પહેલાં જ સામેની ખુરશી પર બેઠક લઇ લીધી.

થોડીવાર સુધી બંને એકબીજાને તાકીને જોતા રહ્યા, બેમાંથી કોઈપણ કશું ન બોલ્યા. મૌન થોડું વધારે જ થઇ રહ્યું હતું. આરતી યાદ કરતી રહી, તે જાણતી હતી કે આગંતુક યુવક જાણીતો છે પરંતુ તેને તેનું નામ યાદ નહતું આવતું. વિવેક હવે થોડો ગભરાયેલો જણાતો હતો. આ રીતે અચાનક છોકરી પાસે તેની સામેના ટેબલ પર બેસી જવું, તેનાથી વાત કરવી વગેરે તેને હવે થોડું અજુગતું લાગતું હતું. આટલી ઠંડીમાં પણ તેના કપાળે પરસેવો બાજી ગયો. તેને લાગ્યું આરતી પોતાને ઓળખી ન શકે અને ક્યાંક બુમા-બુમ કરી મુકે તો તેની પોતાની છાપ ખરાબ થાય. ગમે તે હોય હવે આટલું થયા પછી મિથ્યા અહીંથી ભાગી જવું મુર્ખામી ની વાત હતી માટે ત્યાં જ બેસી રહ્યો.

“તમે મને ઓળખ્યો.? હું...વિવેક” વિવેક બોલતા બોલતા થોડો ખચકાતો હતો.

“આપણે કોલેજની એક જ બેચમાં B.Sc. પૂરું કરેલું છે.” વિવેક હવે એવી રીતે બોલતો હતો જાણે તેને અગાઉ જણાવ્યા વિના કોઈ સ્ટેજ પર ઉભો કરી દેવામાં આવ્યો હોય.

“હા..હા..હું હવે ઓળખી બરાબર” આરતી થોડું શરમાતી હતી, તે આ બધું નીચું જોઇને બોલી.

“તમને...મારો મતલબ તને મળીને આનંદ થયો આરતી.” વિવેક આગળ બોલ્યો, તે હજુ બોલવામાં થોડો ગભરાતો હતો. હવે તો બધું બરાબર લાગતું હતું છતાં તે ગભરાતો હતો કેમકે તેને જે ખરેખર કહેવાનું હતું તે કહી નહતો શકતો.

“હમમમ...મને પણ તને મળીને આનંદ થયો વિવેક. કોલેજની યાદો ફરી તાજી થઇ ગઈ.” બંને હવે સામાન્ય વાતો કરવા લાગ્યા. જેમ વર્ષો જુના સહાધ્યાયીઓ એકબીજાને વર્ષો બાદ મળે અને જેવી વાતો કરે તેવી વાતો બંને કરવા લાગ્યા.

આ દરમ્યાન અડધો કલાક વીતી ગયો. બંને એ કોલેજ પછી શું કર્યું, અત્યારે ક્યાં રહેવાનું, જોબ વગેરે વિષે વાતો કરતા રહ્યા. આરતીને પણ લાગ્યું કે કોલેજમાં વિવેકને તેના પ્રત્યે જે આકર્ષણ હતું તે હવે નહિ રહ્યું હોય માટે જ તે હવે આત્મવિશ્વાસથી તેની સાથે એક સામાન્ય જુના કલાસમેટની જેમ વાતો કરી રહ્યો છે. આરતી એ જરૂરત સમજી થોડી વધારે વાર તેની સાથે વાતો કરી, પરંતુ હવે ખુબ મોડું થતું હોવાથી તેને ત્યાંથી જવાનું મન થતું હતું.

“મને લાગે છે હવે મારે જવું જોઈએ, કોઈ મારી માટે રાહ જોઈ રહ્યું છે.” આખરે આરતીએ પોતાની ઈચ્છા જાહેર કરી.

“બસ થોડી જ વાર હવે, મારે તને જે વાત ખરેખર કહેવાની હતી તે સાંભળ પ્લીઝ.!” વિવેક બોલ્યો, આટલી બધી વાત થયા પછી તે પોતાની જે વાત ‘ખરેખર’ કહેવા માંગતો હતો તે કહી શકતો હતો.

“જો વિવેક, હું એ બધું જાણું છું કદાચ. મતલબ તારે શું કહેવું છે એ બધું હું જાણું છું.” આરતીએ જવાબ આપ્યો.

“હા એ જ વાત આરતી જે કોલેજના ત્રણ વર્ષ સાથે રહેવા છતાં હું તને ના કહી શક્યો. પરંતુ આખરે તને ફરી મળવાની મારી માંગણી ઈશ્વરે સ્વીકારી ખરી.”

બંને વચ્ચે ભયંકર મૌન છવાઈ રહ્યું હતું. વિવેકના હોઠ સુકાઈ રહ્યા હતા. તેના હૃદયની ધડકનો ઝડપી બની ગઈ હતી.

“જો આરતી હું તને પહેલી નજરથી જ પ્રેમ કરતો હતો પણ કોલેજ દરમ્યાન હું એ બધું કહી ના શક્યો.” વિવેક બોલતો રહ્યો આરતી સાંભળતી રહી.

“હું ત્યારે એટલો સક્ષમ નહતો કે આટલી મોટી વાત તને ખુલ્લા દિલથી ખુલ્લેઆમ કહી શકું.” વિવેક થોડીવાર અટક્યો અને આમતેમ જોવા લાગ્યો.

“હા એકવાર મેં કોશિશ કરી હતી અને લગભગ હું સફળ બની ગયો હોત જો તે તારા સંબંધીઓવાળું બહાનું ના કાઢ્યું હોત” વિવેક હવે થોભવાના ઈરાદેથી જ અટક્યો, તેને એમ હતું કે આરતી કંઇક બોલશે. તેને આરતીની આંખોમાં આંખો પરોવી જોયું, પરંતુ તેને એવું લાગ્યું કે આરતી તેને હજુ વધારે સાંભળવા માંગે છે.

“મને અત્યારે આ એક સારો સમય મળ્યો છે તને એ બધું કહેવાનો. હજુ એ બધી મારી તારા વિષેની લાગણીઓ કે જે પહેલા હતી અને હજુ પણ એવી જ છે અને ચોક્કસ તે કદી નહિ બદલાય તે કહેવાનો.” વિવેક થોડું અટક્યો અને ફરી બોલ્યો.

“હું તને પસંદ કરું છું, ચાહું છું, પ્રેમ કરું છું, શું તું મારી સાથે બાકીની ઝીંદગી વિતાવવાનું પસંદ કરીશ.?” વિવેકે લગભગ પૂરું કર્યું. ફરીથી બંને વચ્ચે થોડા સમય માટે મૌન છવાઈ રહ્યું.

“આટલા બધા વર્ષો પછી તને મળી એનો મને આનંદ છે વિવેક, પરંતુ તારી માંગણી પૂરી કરવા હું સક્ષમ નથી. કદાચ તું મારી પસંદગી નો નથી અને અત્યારે તો તું બહુ મોડો છો એવું પણ કહી શકું.” આરતીએ બહુ ટૂંકમાં સમજાવી દીધું. વિવેક હજુ તેના ચેહરા તરફ તાકી રહ્યો હતો, તેને હતું આરતીએ હજુ થોડું બોલવું જોઈએ. થોડા સમય ફરી મૌન છવાઈ રહ્યું, બંનેમાંથી કોઈ કશું નાં બોલ્યું.

આરતી નો ફોન વાગી રહ્યો હતો. ફોન ઉપાડતાની સાથે-સાથે તેને બાજુની ખુરશી પરથી પોતાનું પર્સ ઉચક્યું. “હા, ડાર્લિંગ હલ્લો...થોડી વ્યસ્ત હતી....કોઈ મળી ગયું હતું વાતો કરવા...બસ જુના મિત્રો સિવાય કોણ હોય.” દુર-દુર જઈ રહી હોવાથી તેના સ્વર ધીમા પડતા જતા હતા. તે શોપ છોડી ચાલી ગઈ. વિવેક તેની પીઠ સામે તાકી રહ્યો.

ફરી એક નવી સવારે રોડ પર યુવક-યુવતીઓની અવર-જવર ચાલુ હતી. ચા-નાસ્તાની દુકાનોમાં ભીડ હતી પરંતુ ત્યાં કોઈ વિવેક હાજર નહતો. હા, છતાં ફેસબુક પર કોઈ વિવેકનું અપડેટ હતું ‘Good morning, I’m here waiting for none..!’