આંધળું અનુકરણ ભાગ-૨ Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંધળું અનુકરણ ભાગ-૨

આંધળું અનુકરણ ભાગ-૨...

સ્વર્ગસ્થ શ્રી રાજીવ દિક્ષિતજી દ્વારા કહેવાયેલી કેટલીક એવી વાતો છે જેમાં તે આપણી દિનચર્યામાં સમાઈ ગયેલી કેટલીક આદતોનો વિરોધ કરે છે. આવી આદતો જેને આપણે પશ્ચિમી દેશોના લોકોની દિનચર્યા જોઇને અપનાવેલી છે તેને પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ ગણી શકાય. સ્વર્ગસ્થ શ્રી રાજીવ દિક્ષિતજીના વ્યાખ્યાનો પરથી પ્રેરિત ‘આંધળું અનુકરણ’ શીર્ષક હેઠળ લખવા માટે ઘણીબધી એવી બાબતો છે જેને લખીને આપ સુધી પહોચાડવાનો મારો ધ્યેય છે. થોડા સમય પહેલા આ શ્રેણીનો પ્રથમ ભાગ આ એપ્લીકેશન પર પ્રસ્તુત કર્યો હતો કે જેમાં આપણી દિનચર્યામાં આપણે ક્યાં અને કેવી રીતે પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એ કારણ સહીત સમજાવવાની શરૂઆત કરેલી. તદઉપરાંત પશ્ચિમના દેશોના લોકો શા માટે એવી આદતો અપનાવી છે તેનો પણ પક્ષ રાખ્યો હતો. હવે આ લેખને આગળ વધારી રહ્યો છું.

ગયા લેખમાં આપણે જોયું કે આધુનિક ભારતીય દિનચર્યામાં પ્રાતઃકાળે ઉઠીને સૌ કોઈ પશ્ચિમના લોકોની માફક પ્લાસ્ટીકના બ્રિસલ્સવાળું બ્રશ ઘસવાની આદત રાખે છે. આ આદતનો કારણ સહીત વિરોધ કરવા ઉપરાંત તેના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે આપણે લીમડા કે બાવળ જેવી ઔષધીય વનસ્પતિને દાતણ તરીકે વાપરવાનો આગ્રહ કર્યો હતો. હવે આ લેખમાં આપણી દિનચર્યાને આગળ વધારતા આંધળા અનુકરણનો ફરી એક વખત વિરોધ કરીશું. આપણી દિનચર્યામાં પ્લાસ્ટીકના બ્રિસલ્સ વડે પોતાના દાંત સાફ કરીને વ્યક્તિ શૌચાલય જાય છે. આપ સૌ જાણો છો એમ આપણે ત્યાં બે પ્રકારના શૌચાલયો જોવા મળે છે. એક ભારતીય શ્રેણીનું અને બીજું વિલાયતી શ્રેણીનું. મિત્રો આપણો વિરોધ અહિયાં વિલાયતી શ્રેણીના શૌચાલય સામે છે.

સૌથી પહેલા તો બંને શ્રેણીના શૌચાલયો વચ્ચેના ભેદને આપણે જાણી લઈએ. ભારતીય શ્રેણીના શૌચાલયો વ્યક્તિ ઘૂંટણ વાળીને બેસી શકે એવા હોય છે જયારે વિલાયતી અથવા તો પશ્ચિમી શ્રેણીના શૌચાલયો ખુરશી જેવી બેઠક ધરાવતા હોય છે કે જેમાં ઘૂંટણ નથી વળતા.

વિલાયતી અથવા તો પશ્ચિમી શ્રેણીના આ ખુરશી જેવી બેઠક ધરાવતા શૌચાલયો ત્યાંની સભ્યતા દ્વારા અપનાવાયા માટેનું પ્રથમ અને એકમાત્ર કારણ એ જ છે કે ત્યાં ખુબ વધારે ઠંડુ વાતાવરણ રહે છે. બારેમાસ ઠંડી જ હોય છે અને વર્ષના કેટલાક મહીનાઓમાં તો ભયંકર બરફની વર્ષા પણ થતી હોય છે. વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુને ગરમી આપતા તે ફૂલી જાય છે તથા ઠંડીમાં તે સીકુડાઈ જાય છે, સંકોચાઈ જાય છે. આ સિદ્ધાંત આપણા પેટમાં આવેલા આંતરડાઓને પણ લાગુ પડે છે. આ આંતરડાઓ કે જ્યાં મળ બનતું હોય છે એ પણ ગરમીમાં વિસ્તૃત અને સ્નિગ્ધ બને છે તથા ઠંડીમાં સંકોચાઈને સુખા થઇ જતા હોય છે.

તો એવી જ રીતે ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આંતરડા સંકુચિત હોવાના લીધે તેમને કબજિયાત જેવા રોગો રહે છે જેના કારણે મળનો નિકાલ કરવામાં પણ ખુબ સમસ્યા નડે છે. ખુબ ટાઇમ લાગે છે મળનો નિકાલ કરવામાં. તેઓ આટલો બધો સમય ભારતીય વ્યવસ્થાના દેડકા જેવી બેઠક ધરાવતી સ્થિતિમાં બેસી જ ન શકે માટે તેઓ ખુરશી જેવી બેઠક ધરાવતા શૌચાલયો બનાવે છે. આટલો બધો વખત સુધી ત્યાં બેસી રહેવા માટે ઘણીવાર કેટલાક ઘરોના એ શૌચાલયોમાં તમને નાનકડી એવી લાઈબ્રેરી પણ જોવા મળે છે. આપણે ઘણી હોલીવુડ ફિલ્મોમાં જોયું હશે કે તેઓ મળત્યાગ કરવાના સમયે છાપું પણ વાંચતા હોય છે આ બધું એટલા માટે કે આટલો બધો સમય બેસી રહેવા માટે કોઈ યોગ્ય એક્ટીવીટી હોય તો સરસ ટાઇમ પાસ થઇ શકે.

આધુનિકતાના શીર્ષક હેઠળ પશ્ચિમી સભ્યતાનું આ પ્રકારનું શૌચાલય પાછલા ઘણા વર્ષોથી હવે ભારતના મધ્યમ વર્ગીય પરિવારોએ પણ અપનાવેલું છે. ખુરશી જેવી બેઠક ધરાવતા એ શૌચાલયો પોતાના ઘરમાં હોય એવી દરેક મધ્યમ વર્ગીય ભારતીય પરિવાર ઈચ્છા રાખે છે અને સમાજ પણ આ બાબત ને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જુએ છે. ખરેખર જોવા જઈએ તો આમાં નુકશાન કશું જ નથી પરંતુ એ અપનાવવા પાછળ કોઈ યોગ્ય તર્ક ન હોવાના લીધે તેને પણ પશ્ચિમી સભ્યતાનું ‘આંધળું અનુકરણ’ જ ગણી શકાય છે.

આટલું ઓછુ હોય તેમ ગર્ભ-શ્રીમંત ઘરોમાં તો પેલી લાઈબ્રેરી અને છાપું પણ જોવા મળે છે. અરરે ભલા માણસો તમે છાપાની હેડલાઈન કે પુસ્તકનું શીર્ષક વાંચશો ત્યાંતો સ્ટોક ખલાસ થઇ ગયો હશે.! ખરેખર એવું જ છે કારણકે સમશીતોષ્ણ આબોહવા ધરાવતા ભારતવર્ષના લોકોને કબજિયાત જેવા રોગોની સમસ્યા ઓછી રહે છે. મળત્યાગ માટે વધારે સમય સુધી બેસી રહેવું પડતું નથી. આ બધી વ્યવસ્થાઓ પશ્ચિમે પોતાના માટે બનાવેલી છે અને એ ત્યાં રહે એ જ આપણા માટે સારું છે. માટે આપણે ત્યાં જે વર્ષોથી ચાલી આવે છે એને બદલવામાં ન આવે એમાં જ સૌની ભલાઈ છે.

અહી એક વાતની મારે સ્પષ્ટતા કરવી જોઈએ. આપણે ત્યાં ઘણા લોકોને ખાસ કરીને વયોવૃદ્ધ વડીલોને ઘૂંટણની તકલીફ રહેતી હોય છે તો એ વડીલો માટે પશ્ચિમી શ્રેણીનું શૌચાલય રાખવામાં કોઈ વાંધો નથી કેમકે તેને અપનાવવા પાછળ એક તર્ક રહેલો છે બાકી આવી રીત-ભાતને આધુનિકતાના નામે સ્ટેટસ સિમ્બોલ ગણવું એ તો નરી મુર્ખામી જ કહી શકાય.

કેટલાક લોકો પાસે મેં એવી વાતો પણ સાંભળેલી છે કે ભારતીય વ્યવસ્થાના શૌચાલયમાં પેટ પર દબાણ આવતું હોવાથી પેટ જલ્દીથી સાફ થાય છે જયારે પશ્ચિમી શ્રેણીના શૌચાલયમાં પેટ પર દબાણ આવતું ન હોવાથી પેટ યોગ્ય રીતે સાફ થતું નથી. આ બાબતને યથાર્થ માનવા મારી પાસે યોગ્ય કારણો ન હોવાથી એની અહી વધુ ચર્ચા કરતો નથી.

આ મુદ્દાની સાથે તર્કસંગત હોવાથી અહી એક બીજા મુદ્દાની ચર્ચા કરવી પણ યોગ્ય રહેશે. મિત્રો ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે. બધા લોકો હવે ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ચાલુ કરી દેશે. એક વાત માનો આ ઉનાળાથી ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું બંધ કરી માટલાનું ઠંડુ પાણી પીવાનું ચાલુ કરી દેશો તો એ એક આરોગ્યવર્ધક પગલું ગણાશે.

મિત્રો ઉનાળો ગમે તેટલો આકરો શું કામ ન આવે કદીય ફ્રીજનું ઠંડુ પાણી કે બરફવાળું પાણી ન પીઓ. કારણકે ફ્રીજમાં ઠંડા થયેલા પાણીનું તાપમાન અત્યંત નીચું હોય છે. ફ્રીજનું તાપમાન લગભગ ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે જયારે આપણા શરીરનું તાપમાન ૩૭૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે. આયુર્વેદની પરિભાષા પ્રમાણે આપણું પેટ ૨૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ધરાવતા કોઈપણ પદાર્થને અવગણીને પોતાનું કામ ચાલુ રાખી શકે છે. પરંતુ એથીય નીચું તાપમાન ધરાવતો પદાર્થ પેટમાં જાય તો પેટનું કામ ઠપ્પ થઇ જાય છે. આવા ઠંડા પદાર્થો જેમકે આઈસ્ક્રીમ ખાવાથી કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી પેટના ગરમ દ્રવ્યો અને ઠંડા પદાર્થો વચ્ચે ઝગડો ચાલુ થઇ જાય છે. આ ઉપરાંત ઉપર કહેલું તેમ આંતરડા સુકાઈને સંકોચાઈ જવાના લીધે કબજિયાત જેવી સ્થિતિ ઉભી થાય છે. આયુર્વેદમાં કબજીયાતને ‘રોગોની માતા’ કહેવામાં આવી છે.

ફ્રીજનું ઠંડુ પાણી પીવામાં બીજું નુકશાન એ છે કે તે CFC-ક્લોરોફ્લોરો કાર્બન જેવા હાનીકારક રસાયણોયુક્ત હોય છે. CFC એક કેન્સરકારક પણ હોવાથી ફ્રીજનું ઠંડુ પાણી પીવામાં જોખમ છે.

બીજી તરફ માટલાનું ઠંડુ પાણી પીવામાં ફાયદાઓ છે. એક તો માટલાના ઠંડા પાણીનું તાપમાન ઓછામાં ઓછું ૩૩૦ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે મોટેભાગે એથી ઓછુ જતું નથી. જે શરીર માટે અનુકુળ છે, પેટને માફક આવે છે તથા આંતરડાઓ સંકોચાતા નથી અને કબજિયાત જેવી પરિસ્થિતિઓ ઉભી થતી નથી. બીજું તે કોઈ પણ પ્રકારના હાનીકારક દ્રવ્યોથી મુક્ત હોવાના લીધે સ્વાસ્થ્ય અંગે કોઈ ચિંતા રહેતી નથી. ત્રીજું અને સૌથી મહત્વનું એ આપણા દેશના કુંભારોને રોજગારી પૂરી પાડે છે. આધુનિકતાના નામે આપણે કેટલાય લોકોની રોજગારી છીનવી લીધી છે. હવે આજથી જ આપણે બને એટલો પ્રયાસ કરીએ કે ફરીથી એ લોકોના જીવનમાં ખુશહાલી આવી શકે.

એ સાથે જ આપણી દિનચર્યાને આવતા ભાગમાં આગળ વધારીશું અને આંધળા અનુકરણનો વિરોધ કરીશું.

જય હિન્દ

વંદે માતરમ્

(સ્વર્ગસ્થ રાજીવ દિક્ષિતજી ના વ્યાખ્યાનો પરથી પ્રેરિત.)