A Mere Humsafar... books and stories free download online pdf in Gujarati

A Mere Humsafar...

એ મેરે..હમસફર...

ડિસેમ્બર મહિનાની વહેલી પરોઢે કડકડતી ઠંડીમાં બહારગામ જવા માટે પોતાની બસ પકડવા અર્ચિતે પગ ઉપાડ્યા. આમ તો તેને મહીને એકાદ વખત આ બસમાં પ્રવાસ કરવાનો તો થતો જ. તે જાણતો હતો કે પાંચ વાગ્યા પછી એક પણ મિનીટ બસ ઉભી નહિ રહે અને જો તે આ બસ ચુકી ગયો તો બીજી બસ સવારે આઠ વાગ્યે મળશે જે તેને આજની કોર્પોરેટની મિટીંગમાં સમયસર નહિ પહોચાડી શકે માટે તેને થોડી ઉતાવળ રાખતા બસ સ્ટેશન જલ્દી પહોંચી જવું આવશ્યક હતું.

પોતાની મંજીલે પહોચતા અર્ચિતે જેવો બસ સ્ટેશનમાં પગ મુક્યો ત્યાં જ તેને બહારગામ જતી પેલી બસ પોતાની સામે આવતી દેખાઈ. હાથ ઉંચો કરી અર્ચિતે બસને થોભવા માટે ઈશારો કર્યો. થોડા હળવા ડચકા ખાતાં-ખાતાં બસ થોભી અને કંડકટરે દરવાજો ખોલ્યો. તેણે તેમાં પ્રવેશ કર્યો અને આગળ પાછળ બેસવા માટે સીટ તપાસી જોઈ. બસમાં મોટાભાગની સીટો ખાલી હોવાથી અર્ચિતે બસની મધ્યમાં આવેલી એક વિન્ડો સીટ પર આસન જમાવ્યું. બારીમાંથી પવનની ઠંડી લહેરો આવતી હોવાથી તેણે બારી બંધ કરી દીધી અને થોડીવારમાં નિંદ્રા દેવીને આધીન થઇ અર્ચિત નીંદરમાં સરી પડ્યો. બસ પોતાની સફર પર નીકળી પડી. બહાર હજુ અંધારાનો માહોલ હતો અને બસમાંના ગણ્યા ગાંઠ્યા પ્રવાસીઓ અર્ચિતની જેમ જ નીંદર માણતા હતાં.

“ચાલો ભાઈ ગાડી દસ મિનીટ ઉભી રહેશે જેમને ચાય-નાસ્તો કરવો હોય એ દસ મિનીટમાં જલ્દીથી પાછા ફરે.” અર્ચિતની સીટ કંડકટર સીટની પાછળ જ હોવાથી કંડકટર દ્વારા બોલાયેલા આ શબ્દો અર્ચિતને કાને લાઉડસ્પીકર જેવા લાગ્યા. સહસા તે ઊંડી નીંદરમાંથી જાગી ગયો. સૂર્યનો કુમળો તડકો તેની આંખો પર આવતો હતો. પોતાની બસ એક સ્ટેશન પર ઉભેલી હતી. લગભગ બધી જ બસો આ સ્ટેશન પર ચાય નાસ્તા માટે હોલ્ટ લેતી હતી. ખુબ જ નીંદર આવતી હોવાના લીધે ચાય નાસ્તા માટે બસ નીચે ન ઉતરતા અર્ચિતે પાછા સુઈ જવા માટે પ્રયાસ કરી જોયો.

“જો જો ભાઈ બધા જલ્દી આવી જજો ગાડી દસ મિનીટ પછી ઉભી નહિ રહે.!” કંડકટર નામના લાઉડસ્પીકર પર ઘોષણા થતી હોવાથી ફરી એકવાર અર્ચિતની ઊંઘમાં ખલેલ પહોચી. કંડકટરની ઘોષણા સિવાય બસમાંથી ઉતરતા પ્રવાસીઓ, બસમાં સફર કરવા માટે ચડતા પ્રવાસીઓ અને ફેરિયાઓના કોલાહલને લીધે અર્ચિતની ઊંઘ ઉડી ગયેલી. તેણે સુવાનું માંડી વાળ્યું, ઘડિયાળમાં જોયું તો સાડા આઠ વાગી ચુક્યા હતા. અર્ચિતની અડધી સફર અહી પૂરી થતી હતી અને હવે અડધી સફર જ બાકી હતી.

તેણે પોતાની આસપાસ નજર કરી. હજુ ઘણીબધી સીટો ભરાયેલી નહતી. જેટલા લોકો બસમાં ચડી રહ્યા હતા તેટલા લોકો ઉતરી ગયા હોવાના લીધે બસ હજુ પણ ખાલી હતી. અર્ચિતે આગળ-પાછળ નજર કરી કેટલાક ફેરિયાઓ પોતાનો સામાન વેંચવા મોટેથી બુમો પાડતા હતા, કેટલાક પ્રવાસીઓ હજુ પણ પોતાનો સામાન ઊંચકી ઊંચકીને બસમાંથી ઉતરતા હતા, તો કેટલાક નવા મુસાફરો પોતાનો સામાન યોગ્ય જગ્યાએ ગોઠવી સીટ લઇ રહ્યા હતા. અચાનક અર્ચિતની નજર પોતાની જમણી બાજુએ આવેલી વિન્ડો સીટ પર બેઠેલી એક યુવતી પર પડી. તેના કર્લી વાળ બારીમાંથી આવતા ઠંડા પવનોમાં લહેરાતા હતા. તેણે બ્લુ જીન્સ અને બ્લુ ફ્લાવર્સની પ્રિન્ટ ધરાવતું સફેદ ટોપ પહેરેલું હતું, સાથે ગળાની આસપાસ ગુલાબોની ભાત ધરાવતું ગુલાબી કલરનું સ્કાર્ફ પહેરેલું હતું.

“આરાધ્યા.! શું આ મારી જુનિયર આરાધ્યા જ છે.?” યુવતીને જોઇને અર્ચિતે મનોમન વિચાર કર્યો. થોડીવાર અર્ચિત તેને એકીટસે જોઈ રહ્યો. પેલી યુવતીએ કાનમાં સફેદ કલરના ઇઅરફોન લગાવેલા હતા અને પોતાની જમણી બાજુ બારીની બહારના દ્રશ્યો જોઈ રહી હતી. તેણે પોતાની પાસેની ખાલી સીટ પર રહેલા હેન્ડબેગમાંથી વેફરનું પેકેટ કાઢવા ડાબી તરફ જોયું તો તેની નજર અર્ચિત પર પડી. પળવાર બંનેની આંખો એકબીજાથી ટકરાઈ ત્યાં થોડો પણ વિલંબ કર્યા વગર બંને જણ ફરીથી એકબીજાની વિરુદ્ધ દિશામાં જોવા લાગ્યા. એકબીજાને ઓળખતા હોવા છતાં ન ઓળખવાનો ડોળ કરવાનો આ સારો પ્રયાસ હતો.

“આ તો આરાધ્યા જ છે.! હજુ પણ નથી બદલાઈ.! એવા જ વાળ ને એવી જ કપડા પહેરવાની રીત. શું તેને હજુ પણ બધું જ યાદ હશે.? ચોક્કસ તે હજુ કશું જ નહિ ભૂલી હોય, ભૂલી જવું એના શબ્દકોષમાં ક્યાય નહતું આવતું. ભૂલી જવું અને ભૂલવા દેવું એ આરાધ્યાની આદતોમાં જ નહતું માટે મને પણ યાદ છે એ પહેલી પહેલી મુલાકાતો જયારે તે કોલેજમાં પોતાના ડાઉટસ પૂછવાના બહાને દરરોજ કેમેસ્ટ્રી લેબમાં આવતી. સામાન્ય હોય એવા મુદ્દાઓના પણ પ્રશ્ન બનાવીને મને પૂછતી. પછી એ પ્રશ્નો પૂછતા પૂછતા મૂળ પ્રશ્નો સિવાય તેની વાતો હમેશા એક પરથી બીજા અને બીજા પરથી ત્રીજા મુદ્દે લઇ જતી. આવા મુદ્દાઓ મોટેભાગે પોતાના મિત્રવર્તુળ અને તેમના ક્રશ ઉપર જ રહેતા.” બારીમાંથી બહાર જોતાજોતા અર્ચિતના મનમાં વિચારોનું ઘોડાપુર આવ્યું.

“આ તો મારો કોલેજકાળનો સિનિયર અર્ચિત છે.! હજુ પણ એવો જ ખડૂસ છે.? પહેલાની માફક જ હજુય સરખું જોતો પણ નથી. એ પહેલી પહેલી મુલાકાતો જયારે મહામુસીબતે ફીઝીક્સનો ક્લાસ બંક કરીને એને પ્રશ્નો પૂછવાના બહાને મળવા કેમેસ્ટ્રી લેબમાં જતી ત્યારે તેને જરાયે અંદાજો પણ નહતો કે હું એના પ્રેમમાં પડી છું. આ વિષે થોડા સંકેતો આપવા હમેશા મારી વાતને મૂળ પ્રશ્નોથી દુર હટાવીને એ વિષય તરફ વાળી લેવા પ્રયાસ કરતી રહી. પણ એણે કદી મારી આવી વાતો પર ધ્યાન જ ન આપ્યું.” એ યુવતી આરાધ્યા પણ હવે અર્ચિત વિષે વિચારવા લાગી.

“તેનો આ રીતે પ્રશ્નો પૂછવાના બહાને મને મળવા પાછળનો ઉદેશ્ય હું ક્યારનો સમજી ગયેલો હતો છતાં શરમાળ હોવાના લીધે તેની દરેક વાતોનો યોગ્ય પ્રત્યુતર ન આપી શકતો. સાચી વાત તો એમ હતી કે મને તેની હાજરી ગમતી હતી. હું પણ એ દિવસોમાં તેના આવવાની રાહ જોતો રહેતો.” બસ ફરી એકવાર શરુ થયેલી અને બંનેના મનમાં એકબીજા માટે વિચારો પણ શરૂ થયા.

“કઈ નહતો સમજતો એ બુધ્ધુ.! કેટલીવાર સીધી કે આડકતરી રીતે ઈશારા કરેલા તો એ મોમાંથી એક શબ્દ પણ ન નીકાળે. એને તો એ પણ ખબર ન રહેતી કે હું ત્યાં હાજર છું કે નહિ.!” આરાધ્યાએ વેફરનું પેકેટ પૂરું કર્યું અને પ્લાસ્ટિક રેપર બારીમાંથી બહાર ફેંકી દીધું. પોતાના વાંકળિયા વાળ કાનની પાછળ લેતા એક નજર અર્ચિત પર નાખી જોઈ પરંતુ તે હજુ બારી બહારના દ્રશ્યો જોવામાં જ મશગુલ હતો. આરાધ્યા પણ પોતાની બારી બહારના દ્રશ્યો જોતા ફરી એકવાર જૂની યાદો વાગોળવામાં પરોવાઈ ગઈ. બસ પુરપાટ રસ્તા પર દોડતી જઈ રહી હતી અને બંનેના દિમાગમાં એકબીજા વિશેના વિચારો પણ પુરપાટ દોડી રહ્યા હતા.

“એને પ્રોપોસ કરવા માંગતો હતો પણ દિલ અને દિમાગ તરત જ યુધ્ધે ચડી જતા. મને ખબર હતી કે એક સારો સંબંધ શરૂ થઇ શકે એમ છે છતાં સારા નરસાનો વિવેક અવિવેક કરતા સાલું જે કહેવાનું હતું એ જીભે જ ન આવતું.!” અર્ચિતે પણ એક નજર આરાધ્યા પર કરી જોઈ પણ તે હજુ બહારના દ્રશ્યો જોઈ રહી હતી. અંતે કંટાળીને ફરીથી સુઈ જવા અર્ચિતે પ્રયાસ શરૂ કર્યો.

“આખરે એ દિવસ પણ આવેલો જયારે યોગ્ય સમય મળતા મેં જ એને પ્રોપોસ કરવાની પહેલ કરી હતી. એની સાથે જીદ કરીને શોપિંગ કરવા સાથે ગયેલી ત્યારે એનો હાથ મારા હાથમાં લઈને ‘આઈ લવ યું' કહી દીધેલું. ભાવ ખાવા તો હમેશા તત્પર હોય એમ મારા વિષે ‘વિચારીશ’ એમ કહી વાતને માળીયે ચડાવી દીધેલી.” અણગમો વ્યક્ત કરવાના ભાવ સાથે આરાધ્યાએ મોં મચકોડ્યું.

“એ દિવસ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ હતો જયારે મારા સાથે શોપિંગ કરવા તું આવેલી હતી. જયારે તે મારો હાથ તારા હાથમાં લીધો ત્યારે તારા દ્વારા થનારી ગતિવિધીઓથી હું માહિતગાર હતો. આ પહેલા આવી રીતે કોઈની નજીક નહતો આવેલો. મનમાં ડર હતો અને હૈયું ફાટ ફાટ થતું હતું, શ્વાસ ધમણની માફક ચાલતા હતા. સમય મારા માટે ઉભો રહી ગયેલો હતો. તારા મુખેથી મારા કાનમાં પડેલા એ ત્રણ શબ્દો હ્રદય સોંસરવા ઉતરી ગયા. શું બોલવું અને શું નહિ એનું ભાન ભૂલી ગયેલો માટે ફક્ત એક શબ્દ જ બોલી શક્યો, ‘વિચારીશ’.!” આંખો બંધ કરી તે છતાં નીંદર આવવાને બદલે અર્ચિતના મનમાં સ્મૃતિઓ આવવા લાગી હતી.

“મારી માંગણીને સ્વીકારતા અંતે તે હા પાડી દીધી. તારી સાથે વિતાવેલો એ સમય મારા જીવનનો સૌથી સારો સમય હતો. મારી સવાર તારા સુપ્રભાત કહેવાના મેસેજ વાંચવાથી શરૂ થતી અને શુભ રાત્રી કહેવાના મેસેજ પર મને ઊંઘ આવતી. એ સિવાયનો સમય કોલેજમાં એકબીજાની રાહ જોવામાં જતો રહેતો.” પોતાના પ્રથમ પ્રણય સમયને યાદ કરતા આરાધ્યાની આંખો ભીની થઇ ગઈ. બારીના સળિયા પર માથું મુકીને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

“હું ફરી એકવાર એ સમયમાં જીવવા માંગું છું જે વખતે મને તું મળી હતી. તને મેસેજ કરીને જગાડવું અને સુવાડવું આ સિવાયનો સમય તારી યાદોમાં વિતાવવો એ એ વખતનું મારું સમય પત્રક હતું.” અર્ચિતના ખુબ પ્રયાસો છતાં પોતાના પ્રથમ પ્રેમ વિશેના વિચારો મનમાંથી દુર થતા જ નહતા.

“એ નવા નવા અનુભવોમાંથી પસાર થવું મારા માટે અદભુત હતું. આપણા ભવિષ્ય માટે સ્વપ્નો બંધાઈ રહ્યા હતા. બધું જ બરાબર ચાલતું હતું. છતાં કંઇક ઓછપ લાગતી હતી. અને એ ઓછપ દિવસેને દિવસે વધતી જતી હતી.”

“મારા માટે એ બધા અનુભવો નવા હતા. એક ગર્લફ્રેન્ડ તો દૂરની વાત મારી લાઇફમાં કદીય એક સ્ત્રી મિત્ર પણ નહતી. તારાથી કેવો અને કેટલો વ્યવહાર રાખવો એ સમજાતું નહતું. અતિશયોક્તિની ક્યારેક હદ વટાવી ગયો હોઉં એવું પણ ક્યારેક લાગતું.”

“મને તારી બધી આદતો સ્વીકાર હતી બસ એક શંકા કરવાની આદત મુકીને.! તારા ઉલટતપાસ જેવા લાગતા પ્રશ્નો મને વ્યથિત કરી મુકતા. ક્યાં હતી, શું કરતી હતી, આજે કોની કોની સાથે વાતો કરેલી આવા દરરોજ થતા પ્રશ્નો મને દિવસેને દિવસે તારાથી દુર લઇ જઈ રહ્યા હતા.”

“તારી કાળજી લેવી મારે મન સૌથી મહત્વની વાત હતી. ફોન પર વાત કરતા કરતા કેટલાક પ્રશ્નો કરવા મારી આદત બની ગઈ હતી. મારા આ પ્રશ્નો તને ખરાબ સોબતથી બચાવવા અને તારું રક્ષણ કરવા માટે હતા. મને ખ્યાલ હતો કે આ પ્રશ્નો તને વ્યથિત કરતા હતા પણ એ આદત મને હમેશ માટે તારાથી દુર લઇ જશે એવી કદી કલ્પના પણ નહતી કરેલી.”

“પિંજરામાં પુરાયેલા પંખીની જેમ આપણો આ સંબંધ મને ઘેરી રહ્યો હતો. હું તેમાંથી બહાર આવવા માંગતી હતી. અનંત આકાશ મને સાદ આપી રહ્યું હતું એટલે જ અંતે હમેશ માટે તારાથી અંતર રાખીને હું બીજા શહેરમાં ભણવા માટે ચાલી ગયેલી.”

“તારી એ વિદાય મારા માટે વસમી હતી. કેટલાક વર્ષો સુધી તારી ખોટ સતત સાલતી રહી પરંતુ કહેવાય છે ને સમય દરેક દુખો માટે દવા છે એને અનુસરતા ક્યારે જિંદગીની ઝાકઝમાળમાં ફસાઈ ગયો કે તારી સાથે વિતાવેલો સમય અને તારી અણધારી વિદાય માનસપટ પરથી ભુંસાઈ ગયેલી.”

“એટલું સહેલું નહતું તારી સાથે વિતાવેલા સમયને ભૂલવું. કેટકેટલા પ્રયાસો કર્યા તને ભૂલવાના. વધારેથી પણ વધારે પ્રોજેક્ટસ હાથમાં લીધેલા, તને ભૂલી જવા મારું સમયપત્રક અત્યંત વ્યસ્ત બનાવી દીધેલું, ભણવામાં વધારે સમય પસાર કરેલો જેના ફળસ્વરૂપે મને સફળતા પણ મળેલી. આજે સારી પરિસ્થિતિમાં છું. તને ભૂલાવવા પાછળ જે પ્રયાસો કરેલા એ પ્રયાસો થકી જીવનમાં બધું મળ્યું પણ ના મળ્યો તો બસ તારા જેવો એક હમસફર...!”

“તારા ગયા પછી જીવનમાં બીજા કોઈને આવવાનો મોકો નથી આપ્યો. પોતાની જાતને એકલું જીવી લેવા જેટલી સક્ષમ બનાવેલી. આજે બધું બરાબર ચાલે છે. સારી કંપનીમાં નોકરી છે, પૈસેટકે સુખી છું. પરંતુ તને જોયા પછી યાદ આવ્યું કે હજુ પણ હૃદયના એકાદ ખૂણે તારી ખોટ સાલે છે.”

કેટલાક સ્ટેશનો પર એકાદ મીનીટનો વિરામ લેતી બસ હવે પોતાના અંતિમ પડાવ પૂર્ણ કરવાના આરે હતી. તેણે શહેરમાં પ્રવેશ લીધો હતો. એકબીજા વિષે વિચાર કરતા કરતા ક્યારે સમય પસાર થઇ ગયો તેની બંનેમાંથી કોઈને જાણ ન રહી.

“એ જો હજુ મને પ્રેમ કરતી હોત તો આ રીતે મોં ન ફેરવી લેત. કદાચ હજુ પણ મારાથી નારાજ હશે કે કદાચ બીજો કોઈ મળી ગયો હશે હમસફર. જે પણ કારણ હોય એના દિલમાં મારા માટે હવે કોઈ સ્થાન નથી રહ્યું એ આ પરથી પ્રતિપાદિત થાય છે. અને તેને ફરી એકવાર બોલાવીને જાત સાથે દુર્વ્યવહાર કરી જોવાનો પ્રયાસ વ્યર્થ છે.”

“કદાચ હજુ મારા માટે એના દિલમાં લાગણી હોત તો આમ પોતાનું મોં ન ફેરવી લેત, કદાચ હજુ મારા માટે એના દિલમાં લાગણી હોત તો આ 3 કલાકની સફરમાં એકાદી વખત મને બોલાવવાનો પ્રયાસ કરી લેત એટલો મને એના પર વિશ્વાસ છે. પણ હવે એ શક્ય નથી. ખુબ મોડું થઇ ગયું છે. એને પણ હવે પોતાની લાઈફ હશે. સુખી સંપન્ન ઘરની સાથે એક હમસફર પણ હશે. એને ફરી બોલાવવાનો પ્રયાસ કરી જોવો હવે વ્યર્થ છે.”

થોડા થોડા અંતરે નક્કી કરેલા સ્ટોપ ઉપર બસ ઉભી રહેતી અને એકાદ પેસેન્જર તેમાંથી ઉતરી જતો. શહેરમાં આવ્યા બાદ બસના પૈડા જમીન સાથે ચીપકી ગયેલા હોય એમ ચાલતા હતા. ટ્રાફિકના લીધે બસની ગતિ અત્યંત મંદ પડી ગઈ હતી. વાહનોનો કોલાહલ અને હોર્ન શોરબકોરમાં વધારો કરતા હતા.

આરાધ્યાએ પોતાના ઇઅરફોન્સ કાઢીને હેન્ડબેગમાં નાખ્યા. સાથે ગુલાબોની પ્રિન્ટ ધરાવતું પોતાનું ગુલાબી કલરનું સ્કાર્ફ પણ વીંટીને હેન્ડબેગમાં નાખ્યું. ઉભા થઈને પોતાનો સામાન ઉપરથી નીચે ઉતાર્યો. બસમાંથી ઉતારવા માટે તે તૈયાર હતી. આ દરમ્યાન અર્ચિત તેને એકીટસે જોઈ રહ્યો. કદાચ એક વખત ફરી એમની નજર મળે તો નાનકડી સ્માઈલ આપવા તે તૈયાર હતો. આ નાનકડી સ્માઈલનો કોઈ પ્રત્યુતર મળશે તો અર્ચિત માટે તે જીવનભરનું સંભારણું બની શકે એમ તે માનતો હતો.

એક સ્ટોપ પર બસ ફરી ઉભી રહી. આરાધ્યાએ પોતાનો સામાન ઉચક્યો અને હેન્ડબેગને ખભા પર ઉચકી દરવાજા તરફ પ્રસ્થાન કર્યું. એ પણ ઈચ્છતી હતી કે અર્ચિતથી નજર મળેતો એક મુસ્કાન આપવી જ છે. એને પણ સંકેત મળે કે હું હજુ એને ભૂલી નથી. આરાધ્યાએ અર્ચિતની સામે જોયું પણ દુર્ભાગ્યવશ તે પોતાનો સામાન ઉતારવામાં વ્યસ્ત બનેલો.

અર્ચિતે સામાન ઉતર્યા બાદ આસપાસ નજર કરી પરંતુ હવે આરાધ્યા બસમાંથી ઉતરી ગઈ હતી. બસમાં કોઈના મોબાઈલમાં સ્પીકર પર એક ગીત વાગતું હતું...

“એ મેરે હમ સફર,

એક જરા ઈન્તેજાર,

સુન સદાએ દે રહી હૈ,

મંઝીલ પ્યાર કી...”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED