રાજીવ દિક્ષિત એક ભૂલાયેલા લોક્પ્રતીનીધી Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજીવ દિક્ષિત એક ભૂલાયેલા લોક્પ્રતીનીધી

રાજીવ દીક્ષીત એક ભૂલાયેલા લોકપ્રતિનિધિ

આપણા બધા માટે ચિંતાનો વિષય છે કે આપણો દેશ ભારત અત્યારે કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે. ગરીબી, બેરોજગારી, ભૂખમરો અને રોગચાળા જેવી પરિસ્થિતિ દેશમાં સામાન્ય વાત બની ગઇ છે. એક તરફ કુદકે ને ભૂસકે થતો વસ્તીવધારો અને બીજી તરફ માનવ માટેની પ્રાથમિક જરૂરિયાતોની અછત તેના માટે કારણરૂપ છે. આ તે કેવું તંત્ર છે કે કોઈપણ પક્ષની સરકાર આવે પરંતુ આવી પાયાની સમસ્યાઓ પણ હલ કરી શકતી નથી. આ તે કેવું તંત્ર છે કે કોઈપણ સરકાર ભાવવધારો કે ફુગાવાનો દર ઓછો કરી શકતી નથી.? આપણે ઘણી જગ્યાએ સાંભળેલું હશે કે આવી સમસ્યા તો મેં પહેલા કદી જોઈ નથી, આવુ તો ભારતના ઈતિહાસમાં કદી બન્યું જ નથી.! તો પહેલા એવું કયું તંત્ર હતું કે જેમાં મોટાભાગના લોકો સુખી હતા અને અત્યારે એવા કયા પરિવર્તનો થયા કે જેથી આજનો માનવી પૈસેટકે સુખી હોવા છતાં માનસિક રીતે અશાંત છે.

અહી એક પૂછવા લાયક પ્રશ્ન બને છે કે તમે છેલ્લે એવા કયા રાજનેતા કે કોઈ સાંસદને સાંભળ્યા કે જેણે દેશની કોઈ ગંભીર સમસ્યા પર વિસ્તારપૂર્વક પ્રવચન આપ્યું હોય અને તેમાંથી બહાર આવવા માટેના ઉપાયો બતાવ્યા હોય. કદાચ કોઈ નહિ.! ખુબ વિચાર કરીએ તો અહી એક વાત સ્પષ્ટ થાય છે કે આ દેશમાં ગંભીર મુદ્દાઓની કોઈપણ પ્રકારના રાજનૈતિક આક્ષેપો વગર ફક્ત તેને હલ કરવાના આશયથી ચર્ચા થતી જ નથી.

અંગ્રેજોના આવ્યા પહેલા આ દેશમાં એક પ્રથા હતી. દેશના દરેક રજવાડાઓમાં દરબારો ભરાતા અને રાજાના પ્રધાનો દરબારમાં રાજા તથા પ્રજા સમક્ષ કોઈ સમસ્યા ઉભી થઇ હોય તો તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરતા ત્યારબાદ તેને હલ કરવાના ઉપાયો વિષે સમજણ આપતા. આ ચર્ચાના ભાગરૂપે જે કોઈ નિષ્કર્ષ આવે તેનું રાજા, પ્રજા સૌ સાથે મળીને ન્યાયપૂર્વક અમલ કરતા. ટૂંકમાં કહીએ તો આજની સંસદની જેમ એકબીજા પર કાદવ ઉછાળીને કોઈપણ સમસ્યાના દોષનો ટોપલો એકબીજા પર ઢોળી દેવાની વૃતિ ત્યારે અમલમાં નહતી. કોઈપણ સામાજિક આગેવાનો સ્વાર્થવૃત્તિ ત્યજીને નિષ્ઠાપૂર્વક સમસ્યાના સમાધાનમાં જ રસ દાખવતા.

આ દેશની હાલત આવી ખરાબ ક્યારેય નહતી. સમસ્યાના ગંભીર મુદ્દાઓની ચર્ચા તો થતી જ સાથે સાથે પ્રજા પણ ત્યારે એટલી જ જાગૃત હતી કે સામાજિક આગેવાનોના પ્રવચન સાંભળીને તેમણે ચીન્ધેલા માર્ગ પર મક્કમપણે આગળ વધતી જેના લીધે સુશાસન ટકી રહેલું. જે આપેલા બે ઉદાહરણો પરથી સમજી શકાય છે. ખુબ નજીકના સમયના જ બે ઉદાહરણ છે જેમાં પહેલું ઉદાહરણ સુભાષચંદ્ર બોઝનું આપેલું સુત્ર “તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા.” આઝાદીની લડાઈમાં સ્વતંત્રતા સેનાની રહેલા સુભાષચંદ્ર બોઝે ભારત દેશને અંગ્રેજોની જોહુકમીમાંથી છોડાવવા માટે સેના તૈયાર કરી પોતાના જ દેશ પર આક્રમણ કરવાની વ્યૂહરચના બનાવી હતી. જેમાં ભારતને ગુલામીની જંજીરમાં જકડી રાખવામાં મદદ કરતા અંગ્રેજ સૈનિકો એવમ આ દુષ્કૃત્યમાં તેમનો સાથ આપતા નમક હરામ દેશના ગદ્દારોનો ખાત્મો બોલાવી આ દેશની એક એક ઈંચની ભૂમિ પર ભારતીય વાવટો ફરકાવવાની તેમની યોજના હતી. જેના માટે યુવાનો-યુવતીઓની આવશ્યકતા હતી માટે તેમણે ખુબ પ્રચલિત એવું સૂત્ર આપ્યું “તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા.” જેના પરિણામ સ્વરૂપે દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આઝાદ હિન્દ ફૌજમાં જોડાયા અને સુભાષબાબુની આગેવાનીમાં ભારતના પૂર્વના છેડે આક્રમણ કરીને કોહિમા, મણીપુર તથા ઇમ્ફાલ વગેરે પ્રદેશો પર આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતીય વાવટો ફરકતો કરી દેવાયો.

બીજું ઉદાહરણ આઝાદી પછી સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન માનનીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી એ એકટંક ભોજન કરવા માટે આપેલું આહવાન. આઝાદી પછીનો એ સમય એવો હતો જયારે દેશમાં ઘઉં તથા અન્ય અનાજનું ઉત્પાદન લોકો માટે પુરતું નહતું. જેથી કરીને અમેરિકા દેશ પાસેથી ઘઉંની આયાત કરવી પડતી. અમેરિકા એ સમયે ખુબ ઊંચા ભાવે લાલ કલરના સડેલા ઘઉં ભારતને વેચતું હતું. અમેરિકામાં આ લાલ કલરના ઘઉં ત્યાના જાનવરોને પણ નાખવામાં નહતા આવતા બલકે ભારત જેવા મજબુર દેશને ઊંચા ભાવે વેંચી દેવામાં આવતા હતા. પરિસ્થિતિ એવી બની કે દેશના પશ્ચિમ છેડેથી પડોસી દેશ પાકિસ્તાને ભારતના અમુક રાજ્યોમાં ઘુસણખોરી કરી. યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સીમાપારથી બંદુકો વડે ફાયરીંગ કરવાનું ચાલુ કર્યું. દેશના અમુક સરહદી વિસ્તારો પર પાકિસ્તાની ફૌજે કબજો જમાવ્યો. આ બધી પરિસ્થિતિને ધ્યાને લેતા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું. જે પાકિસ્તાનના પરમપિતા પરમાત્મા સમા અમેરિકાને યોગ્ય ન લાગ્યું. અમેરિકાએ ધમકી આપેલી કે અમે ઘઉંની નિર્યાત બંધ કરી દેશું. આવી બેવડી આફતમાં ફસાયેલા દેશને બંને બાજુથી બચાવવા તથા અનાજની ખપત ટાળીને એટલું ધન સંરક્ષણ ક્ષેત્રે વાપરવા માટે લાલ બહાદુર શાસ્ત્રીજીએ ગરીબ તવંગર સૌ પાસે એક ટંક ભોજન કરવા માટે આહવાન કરેલું. જેના પરિણામ સ્વરૂપે દેશમાં અમીર ગરીબ સૌ કોઈએ શાસ્ત્રીજીનો સાથ આપ્યો, શાસ્ત્રીજી ખુદ પણ એક ટંકનું ભોજન લેતા થયા. અનાજની ખપત ઓછી થઇ, અમેરિકાના લાલ સડેલા ઘઉં ખરીદવા ભારતને વધારે ધન આપવું પડે તેમ ન રહ્યું. બલકે એ ધન સંરક્ષણ ક્ષેત્રે વપરાયું. પાકિસ્તાનના એ સમયે શું હાલ થયેલા એ તો સૌ કોઈ જાણે છે.!

મારા મતે આજે ભારત દેશ જે કોઈ સમસ્યામાં ફસાયેલો છે તે બધી સમસ્યાઓ પાછળ એક ઈતિહાસ છુપાયેલો છે એ ઈતિહાસની ચર્ચા જાહેરમાં કોઈ કરતુ નથી અને જે કોઈ એવી ચર્ચા કરવાની કોશિશ કરે તો તેને મુર્ખમાં ખપાવી દેવામાં આવે અથવા તો જાનથી મારી નાખવામાં આવે છે. ઉપર જેમ કહ્યું તેમ અંગ્રેજોની પહેલાના ભારતમાં સમસ્યાને ઓળખી શકે તેવા નેતાઓ હતા, તેઓ તેના પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરીને સમસ્યાઓને દુર કરવાના પ્રયાસોની ખોજ કરતા, ત્યારબાદ લોકપ્રતિનિધિઓ સાથે તેની ચર્ચા કરીને રાજા પ્રજા સૌ લોકો સમક્ષ પોતાનો મત પ્રગટ કરતા. આવી ચર્ચાના અંતે જે કોઈ પરિણામ, જે કોઈ નિર્ણયો લેવાય તેનું રાજા અને પ્રજા સૌ સાથે મળીને પાલન કરતા. આજે આવા પ્રતિનિધિઓ રહ્યા નથી.

આગળ આ લેખમાં એક એવા પ્રતિનિધી વિષે વાત કરવાની છે જે આઝાદી પછીના આધુનિક ભારતને નડતી ગંભીર સમસ્યાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવા અને વ્યાખ્યાનો આપવા માટે પ્રચલિત બન્યા હતા. વાત છે શ્રી રાજીવ દિક્ષિતની જેઓ દુર્ભાગ્યવશ આજે આ દુનિયામાં હયાત નથી.

ભારતને સ્વદેશી બનાવવા માટેની લડાઈ લડનારા, ૩૭૦૦થી પણ વધારે વિદેશી કંપનીઓની લુંટથી લોકોને સાવધાન કરનારા, એલોપેથીક દવાઓ વગર પણ સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન શીખવનારા શ્રી રાજીવ દિક્ષિતનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૬૭ ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે થયો હતો. તેમનું મૃત્યુ ૩૦ નવેમ્બર ૨૦૧૦ ના રોજ છતીસગઢના ભિલાઈ ખાતે થયું હતું. આ ૪૩ વર્ષની આયુના અડધાથી પણ વધારે સમય તેમણે બાર હજારથી પણ વધારે વ્યાખ્યાનો આપેલા. તેમણે આ દેશમાં આઝાદી પછી ઉત્પન્ન થયેલી સમસ્યાઓ વિષે વિસ્તારપૂર્વક જાણકારી આપી અને તેમાંથી મુક્ત થવા માટેના ઉપાયો પણ સૂચવ્યા. રાજીવભાઈએ ખેડૂતોને સમજાવ્યું કે કેવી રીતે તેઓ સસ્તી ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવી શકે છે, તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કેવી રીતે તેમની પ્રતિભા થકી વિકસિત દેશોને લાભ થઇ રહ્યો છે, આ દેશની સામાન્ય પ્રજાનું કેવી રીતે શોષણ થઇ રહ્યું છે, કેવી રીતે ભારતવર્ષ ફરી એકવાર ગુલામી તરફ ધકેલાઈ રહ્યું છે. સાડા છ લાખથી પણ વધારે ક્રાંતિકારીઓના બલિદાનના ફળ સ્વરૂપે મળેલી આઝાદીને કેવી રીતે આજના નેતાઓ વ્યર્થ કરી રહ્યા છે વેડફી રહ્યા છે.

૩૦ નવેમ્બર ૧૯૬૭ના રોજ ઉતર પ્રદેશના અલીગઢના નાહ ગામે દિક્ષિત પરિવારમાં જન્મેલા રાજીવભાઈના અંગત જીવનની વાત કરીએ તો માતા મીથીલેશકુમારી અને પિતા રાધેશ્યામ દિક્ષિતને ઘેર રાજીવ સિવાય સંતાનમાં પ્રદીપ દિક્ષિત હતા. રાજીવભાઈએ ૧ થી ૧૨ સ્કુલનું શિક્ષણ પોતાના ગામમાંથી જ લીધેલું ત્યારબાદ I.I.T. કાનપુર ખાતેથી M.Tech. ની પદવી પ્રાપ્ત કરેલી અને ટૂંકા ગાળા માટે વૈજ્ઞાનિક તરીકે કામ કરેલું. આજીવન અપરણિત રહેવાના સંકલ્પ સાથે શ્રી રાજીવભાઈએ જીવનના એક મહત્વના પડાવમાં જ ભારતને સ્વદેશી બનાવવાનો સંકલ્પ લઈને પોતાની ચળવળ આરંભ કરી દીધેલી.

સ્વદેશી ચળવળ અને આઝાદી બચાવો આંદોલનના પ્રણેતા રહેલા શ્રી રાજીવ દિક્ષિતજી સ્વદેશી વસ્તુઓ અપનાવી તેમનો જ ઉપયોગ કરવાના આગ્રહી હતા. વિદેશી વસ્તુઓના ઉપયોગથી પોતાના સ્વાસ્થ્ય તથા સમાજ અને રાષ્ટ્રને થતા આર્થિક નુકશાન પર તેમણે ખુબ બધા ભાષણો આપેલા છે.

ભારત સ્વાભિમાનના રાષ્ટ્રીય સચિવ તરીકે મૃત્યુપર્યંત કાર્ય કરી તેમણે સ્વદેશી ચળવળ સિવાય ભારતીય અર્થવ્યવસ્થા પર પણ ઊંડાણપૂર્વક ભાષણો આપેલા. રાજીવ દિક્ષિત દ્રઢપણે માનતા કે આપણી આ અર્થવ્યવસ્થા અંગ્રેજોના સમયની છે, આઝાદી પછી પણ તેમાં કોઈ ફેરફારો થયા નથી જેના લીધે જ આજે આપણો દેશ વધુને વધુ દેવાદાર બનતો જાય છે. આપણી આ અર્થવ્યવસ્થા આજે પણ સામાન્ય પ્રજાનું શોષણ કરતી વ્યવસ્થા છે.

ભારતીય અર્થવ્યવસ્થા સિવાય અન્ય ક્ષેત્રના પણ ઘણા કાયદાઓ અંગ્રેજોના સમયના છે જેના લીધે આજે પણ ભારતની સામાન્ય પ્રજાનું શોષણ થઈ રહ્યું છે. તેને બદલવા અત્યંત આવશ્યક છે, એના વગર જેવા સુશાસનની દરેક ચુંટણીઓ વખતે આપણે કોઈ પણ સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ તે શક્ય નથી.

બહુ ઓછા એવા સામાજિક આગેવાનો હોય છે જેઓ જાહેરમાં એવું કહી શકે કે અગર મારી કોઈ ભૂલ થતી હોય તો મને એ જગ્યાએ સુધારવાની કોશિશ કરજો કેમકે જો હું કોઈ ખોટું વિધાન કે ખોટું કાર્ય કરીશ તો આખો સમાજ તેને અનુસરીને ખોટા માર્ગે ચાલી પડશે. આવી હિંમત ફક્ત બે મહાપુરુષોમાં જોવામાં આવી છે એક હતા સ્વામી દયાનંદ સરસ્વતીજી અને બીજા આપણા રાજીવભાઈ.

શ્રી રાજીવ દિક્ષિતએ ભારતીય ઈતિહાસ પર ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને વ્યાખ્યાનો આપેલા છે. ભારતને સોનાની ચકલી શા માટે કહેવામાં આવતું એ તેમના વ્યાખ્યાનો સાંભળ્યા પછી જ સાચી રીતે સમજમાં આવી શકે છે. હાલ આપણને જે ઈતિહાસ અભ્યાસક્રમોમાં ભણાવાઈ રહ્યો છે. એ મેકોલે નામક અંગ્રેજ અધિકારીએ બદલીને પેશ કર્યો છે જેના લીધે આપણને ભારતના સ્વર્ણિમ ઈતિહાસની કઈ ખબર જ નથી.

૩૦ નવેમ્બર ૨૦૧૦ના રોજ રાજીવભાઈનું છતીસગઢના ભિલાઈ ખાતે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયેલું. તેમના મૃત્યુ માટે જીવલેણ હાર્ટ અટેકને કારણભૂત માનવામાં આવે છે પરંતુ રાજીવભાઈના સમર્થકોને તેમના આકસ્મિક મૃત્યુ પર સંદેહ છે કારણકે તેમના મૃત્યુ પછી કાયદેસર રીતે થવી જોઈએ એવી કોઈ પોસ્ટમોર્ટમની ક્રિયા કર્યા વગર જ તેમના શબને અંતિમદાહ આપી દેવામાં આવેલો.

ભારતનો સ્વર્ણિમ ઈતિહાસ, ભારતીય અર્થવ્યવસ્થા, સ્વદેશી ચિકિત્સા અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ વિષે રાજીવભાઈએ જે કોઈ વ્યાખ્યાનો આપેલા એને લેખનમાં ઢાળીને વાચકો સુધી પહોચાડવાનો મારો ધ્યેય હોવાથી આ લેખને અહી સ્થગિત ન કરતા દર વખતે આમાંથી જ કોઈ નવા મુદ્દા સાથે વિસ્તારપૂર્વકના લેખો લખવાની મારી ઈચ્છા છે. જો ઈશ્વર આજ્ઞા રહી તો વાચકો સુધી પહોચવામાં હું જરૂર સક્ષમ બની શકીશ. મારા આ પ્રયાસ થકી કદાચ મારા આદર્શ શ્રી રાજીવ દિક્ષિતનું સ્વપ્ન સાકાર થઇ શકશે. આ લેખો વાંચીને હજારો રાજીવ દિક્ષિત જન્મ લેશે જે ભારતને સમસ્યાઓમાંથી ઉગારી ફરીથી દેશને સોનાની ચકલી બનાવશે. રાજીવભાઈ તમે આ દુનિયા છોડી ગયા નથી, પરંતુ હજુ અમારા સૌના દિલમાં જીવતા છો. એ સાથે જ એ મહાન આત્માના ચરણોમાં વંદન કરીને આ લેખને અત્યારે પૂર્ણ કરું છું.

વંદે માતરમ....