મોન્ટુ એટલે વાવાઝોડાનું બીજું નામ! Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોન્ટુ એટલે વાવાઝોડાનું બીજું નામ!

હાસ્યકથા

‘મોન્ટુ’ એટલે વાવાઝોડાનું બીજું નામ!

લેખક: યશવંત ઠક્કર

‘નાનો પણ રાઈનો દાણો’ એ કહેવતનો જીવતો ને જાગતો નમૂનો એટલે શહેરના પ્રખ્યાત બિલ્ડર ઉત્તમભાઈ આડતિયાનો મોન્ટુ! ઉત્તમભાઈને તો પ્રસિદ્ધિ મેળવવામાં અર્ધી જિંદગી ખર્ચાઈ ગઈ હતી પરંતુ એમનો મોન્ટુ હજી તો પ્લિન્થ લેવલે પણ નહોતો પહોંચ્યો તોય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યો હતો. કોઈને સ્વપ્નેય ન આવે એવા અવનવા વિચારો મોન્ટુને આવતા. એ વિચારોને મોન્ટુ અમલમાં પણ મૂકતો અને નવી નવી સમસ્યાઓનું સર્જન કરતો. પરિણામે ક્યારેક ક્યારેક ઉત્તમભાઈને પોતાનાં ઇમારત સર્જનનાં કામ છોડીને પણ એ સમસ્યાઓના ઉકેલ માટે દોડવું પડતું. બાંધકામ ક્ષેત્રે તેજીમંદી આવ્યા કરતી હતી પરંતુ મોન્ટુના પરાક્રમોમાં ક્યારેય મંદી આવતી ન હતી.

મોન્ટુના પરાક્રમો અપરંપાર છે. તમામ પરાક્રમોની કથા એકી બેઠકે કરવી અસંભવ છે. માટે અત્યારે માત્ર એક જ પરાક્રમની કથા રજૂ કરું છું.

મોન્ટુ નિયમિત લેસન નહોતો લાવતો એટલે એક દિવસ એના વર્ગશિક્ષિકા પુષ્પાબહેને એને સૂચના આપી કે : ‘કાલે તારા પપ્પાની ચિઠ્ઠી લઈને આવીશ તો જ તને વર્ગમાં બેસવા દઈશ.’ શિસ્તપાલન માટે પુષ્પાબહેન મજબૂત બિંબ અને પિલ્લર જેવાં હતાં. આથી મોન્ટુ પાસે પપ્પાની ચિઠ્ઠી લઈને શાળામાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. ગમે તેવી સમસ્યામાં રસ્તો કાઢવાનો ગુણ મોન્ટુને ઉત્તમભાઈ તરફથી વારસામાં મળ્યો હતો. બાંધકામની રજા માટે તેઓ કલેકટરથી લઈને તે મોટા મોટા મંત્રીઓની ચિઠ્ઠીઓનો મેળ પાડી દેતા હતા. એવી જ રીતે એમના મોન્ટુને પણ એના પપ્પાની એક ચિઠ્ઠીનો મેળ પાડવામાં તકલીફ પડે એમ નહોતી.

મોન્ટુએ એના પપ્પાની ચિઠ્ઠીનો મેળ પાડી દીધો અને બીજે દિવસે મેડમના હાથમાં ચિઠ્ઠી મૂકતા કહ્યું કે : ‘લો મેડમ, મારા પપ્પાની ચિઠ્ઠી.’

મેડમ જેમ જેમ ચિઠ્ઠી વાંચતાં ગયાં એમ એમ એમનો ચહેરો તપાવેલી ઈંટ જેવો થતો ગયો. ચિઠ્ઠી વાંચી લીધાં પછી તેઓ તાડૂક્યા : ‘મોન્ટુ, તું તો નાલાયક છે જ પણ તારા પપ્પા પણ નાલાયક લાગે છે.’

‘મેડમ, શું થયું? મારા પપ્પાએ ચિઠ્ઠી બરાબર નથી લખી? કાલે બીજી લેતો આવું?’ મોન્ટુને થયું કે પપ્પાની ચીઠ્ઠી બરાબર નહિ હોય.

‘હમણાં જ તને અને તારા બાપને બરાબરનો પાઠ ભણાવું છું.’ એવી ધમકી આપીને પુષ્પાબહેન સીધા પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યાં.

‘સર, પેલો મોન્ટુ અવારનવાર લેસન નથી લાવતો એટલે મેં એને એના પપ્પાની ચિઠ્ઠી લઈને આવવાનું કહ્યું હતું. આજે એ એના પપ્પાની કેવી ચિઠ્ઠી લઈને આવ્યો છે. તમે જ વાંચી લો. જેવો બેટો છે એવો જ એનો બાપ લાગે છે. તમે એના પર કડક પગલાં લો. નહિ તો હું રાજીનામું આપી દઈશ. મારાથી હવે આ શાળામાં નોકરી નહિ થાય.’ પુષ્પાબહેને પ્રિન્સીપાલને ફરિયાદ કરી. એમની આંખોમાં આંસુ પોતાની ફરજ બજાવવા હાજર થઈ ગયાં હતાં.

પ્રિન્સીપાલે ચિઠ્ઠી હાથમાં લીધી અને વાંચવા લાગ્યા...

મારી વહાલી,

નવું ઘર બુક કરાવનાર જેમ બેંકની લોન માટે તડપે એમ તું મારી ચિઠ્ઠી માટે તડપતી હોઈશ. પણ શું થાય? હમણાં એક સાઇટ પૂરી થઈ ગઈ છે એટલે ફલેટ ખરીદનારાઓને કબજા પાવતી આપવાનાં કામમાં પડ્યો છું. તેં તો વગર કબજા પાવતીએ જ મારા દિલ પર કબજો જમાવી દીધો છે. રજિસ્ટર ઓફિસમાં દિલના દસ્તાવેજ થતા નથી તો આ જનમનો જ નહિ પણ આવનારા તમામ જનમના દસ્તાવેજ હું તારા નામે કરી દઉં. તારી યાદ સતત મારા દિલમાં હોય જ છે એટલે જ આ સિમેન્ટ, ઈંટ, રેતી, કપચી, લોખંડ વગેરેથી ભરચક દુનિયા મને લીલાછમ બગીચા જેવી લાગે છે. ઘણી વખત મને થાય છે કે એકાદ ઊંચી ઊંચી ઇમારતની ટોચે બેસીને તારી સાથે મીઠી મીઠી વાતો કર્યા જ કરું. પણ જો એમ કરું તો ધંધામાં ધ્યાન કેવી રીતે રહે? છતાંય તારો આગ્રહ છે તો જરૂર ટાઈમ કાઢીને તને મળવા આવી જઈશ. અત્યારે તો મને માફ કરજે. નહિ અવાય. કામ બહુ છે. જવાબદારી લઈને બેઠો છું.

લિ. સદાય તારો એક અફલાતૂન સ્કીમ જેવો ઉત્તમ.

ચિઠ્ઠી પૂરી વંચાય ત્યાં સુધીમાં તો પ્રિન્સિપાલના દિમાગમાં પણ ગુસ્સાએ ભૂમિપૂજન કરી દીધું હતું. એમણે કલાર્કને કહ્યું કે : ‘મોન્ટુના પપ્પાને ફોન કરીને તાતાત્કાલિક બોલાવો.’

શાળામાંથી તેડું આવતા જ ઉત્તમભાઈ પોતાનાં બધાં કામ પડતાં મૂકીને મોન્ટુની શાળામાં પહોંચ્યા. પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને એમણે જોયું કે પ્રિન્સિપાલ અને પુષ્પાબહેન પ્લાસ્ટર વગરની દીવાલો જેવા ચહેરા ધારણ કરીને બેઠાં હતાં. એક ખૂણામાં વોચમેનની કેબીનની માફક મોન્ટુ ઊભો હતો. કામ અટકી ગયું હોય એવી કોઈ સાઇટ પર હોય આવું વાતાવરણ હતું.

ઉત્તમભાઈએ હાથ જોડીને પ્રિન્સિપાલ નમસ્કાર કર્યા ભીની માટી જેવી નમ્રતાથી બોલ્યા : ‘બોલો સાહેબ, આ સેવકને કેમ યાદ કર્યો? મોન્ટુ વિરુદ્ધ કશી ફરિયાદ છે?’

‘બેસો. ફરિયાદ મોન્ટુ વિરુદ્ધ જ નહિ, તમારા વિરુદ્ધ પણ છે.’

‘મારા વિરુદ્ધ ફરિયાદ? હોય નહિ સાહેબ. મારી કોઈ ભૂલ?’ ઉત્તમભાઈ ખુરશીમાં બિરાજતાં બોલ્યા.

‘તમે કરેલી ભૂલ જેવી તેવી નથી. એક સજ્જન વ્યક્તિ થઈને તમે આવું કેમ કર્યું? તમારે તમારી આબરૂનો તો વિચાર કરવો જોઈએ કે નહિ?’ પ્રિન્સિપાલે એમને ઠપકો આપ્યો.

‘જુઓ સાહેબ, મારી આબરૂનો વિચાર ન કરતો હોત તો હું આટલો મોટો બિલ્ડર ન થયો હોત. માટે મારી આબરૂની તો ચિંતા જ ન કરતા.’

‘મોટા બિલ્ડર થઈને તમે શું કર્યું છે? એકલા પૈસા કમાયા છો પણ સંસ્કાર કાંઈ વેચાતા નથી મળતા.’ પુષ્પાબહેને પણ પોતાના મનની વરાળ ઠાલવી.

‘મેડમ, તમે બોલવામાં ધ્યાન રાખો. વધારે પડતું ન બોલો.’ ઉત્તમભાઈના મગજમાં પણ ગુસ્સાએ પ્રવેશ કર્યો.

‘જે બોલી છું એ સાચું જ બોલી છું. તમે તમારી દાદાગીરી તમારી સાઇટ પર કરજો. આ શાળા છે. તમારી સાઇટ નથી. સમજ્યા?’ પુષ્પાબહેનના મનની વરાળ ઠાલવવાની કામગીરી ચાલુ જ રાખી.

‘શાળા છે તો શું થઈ ગયું? તમે આ આખી શાળાનો દસ્તાવેજ તમારા નામે કરાવી લીધો છે? કેવી વાત કરો છો? સંસ્કારની વાત કરો છો તો તમારા સંસ્કારનું ડેમો મેં જોઈ લીધું. પહેલાં પોતાના સંસ્કારની ચિંતા કરો પછી મારા સંસ્કારની વાત કરો. ’

પ્રિન્સિપાલને લાગ્યું કે આ તો ટીવીના પરદે નેતાઓ ચર્ચા કરે એવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે. આવી ચર્ચાઓથી ટીવી ચેનલોની ટીઆરપી વધે પણ શાળાની ટીઆરપી પર અવળી અસર પડે. એમણે વતાવરણમાં શાંતિનું સ્થાપન થાય એવું વિધાન કર્યું : ‘જુઓ ઉત્તમભાઈ, આપણે અહીં લડવા માટે ભેગા નથી થયાં. જે સમસ્યા ઊભી થઈ છે એના સમાધાન માટે ભેગાં થયા છીએ. માટે આપણે બધાં જ શાંતિ જાળવીને વાત કરીએ એ જ યોગ્ય છે.’

‘કેવી સમસ્યા ઊભી થઈ છે એ કહેવાની મહેરબાની કરશો? તમને ખબર છે કે હું કેટલાં કામ પડતાં મૂકીને આવ્યો છું. તમે લોકો નવરાં છો હું નથી.’

‘નવરાં તો અમે પણ નથી. તમને અહીં બોલાવવાનો અમને શોખ નથી થતો. આ તો વાત એવી છે એટલે બોલાવવા પડ્યા છે.’ પુષ્પાબહેનના મનમાંથી હજી વરાળ પૂરેપૂરી બહાર નીકળી નહોતી.

‘કામની વાત કરો. હું સાઇટ છોડીને આવ્યો છું.’ ઉત્તમભાઈ બોલ્યા.

‘વાત જાણે એમ છે કે મોન્ટુ નિયમિત લેશન નહોતો લાવતો એટલે આ મેડમે એને તમારી ચિઠ્ઠી લઈને આવાનું કહ્યું હતું. પણ તમે આ મેડમ પર જેવી ચિઠ્ઠી લખી છે એવી ચિઠ્ઠી લખતાં પહેલાં કોઈ પણ સજ્જન માણસ સો વખત વિચારે.’ પ્રિન્સિપાલ મૂળ વાત તરફ આગળ વધ્યા.

‘આ મામલો પોલિસ સ્ટેશને જાય તો તમારી કીમત કોડીની થઈ જાય. લોકોને પણ ખબર પડે કે આ માણસના સંસ્કાર કેવા છે.’ પુષ્પાબહેન બોલ્યાં.

‘તમે તો બોલતાં જ નહિ. હું પ્રિન્સિપાલ સાથે વાત કરું છું. અમારી વાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનું બંધ કરો.’ ઉત્તમભાઈએ પુષ્પાબહેનને ચેતવણી આપી દીધી.

‘મેડમ, તમે શાંત રહો. હમણાં જ એમેને એમની ભૂલ કબુલ કરવી પડશે અને માફી પણ માંગવી પડશે.’ પ્રિન્સીપાલ બોલ્યા.

‘માફી માંગવાનો સવાલ જ નથી કારણ કે તમે કહો છો એવી કોઈ ભૂલ મેં કરી જ નથી.’

‘આ રહી તમારી ભૂલ. આ મેડમ પર લખેલી તમારી ચિઠ્ઠી. વાંચો, વિચારો અને પછી તમારી ભૂલ કબુલ કરો. લેખિતમાં માફી માંગો એટલે એટલે મામલો થાળે પડે.’ પ્રિન્સિપાલે ચિઠ્ઠી ઉત્તમભાઈના હાથમાં મૂકી.

ઉત્તમભાઈ જેમ ચિઠ્ઠી વાંચતા ગયા એમે એમ એમના ચહેરા પર ગુસ્સો દબાણ કરતો ગયો. ચિઠ્ઠી પૂરી વાંચી ન વાંચી ત્યાં તો તેઓ ઊભા થઈ ગયા. એમણે ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને ધરતીકંપના લીધે કોઈ મકાન ધ્રૂજતું હોય એમ ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યા : ‘પોલીસ ફરિયાદ તો હું તમારી બંને સામે કરીશ. મારી ખાનગી ચિઠ્ઠી મને જ બતાવીને મને બ્લેકમેઇલ કરવા માંગો છો? શહેરની એક ઈજ્જત્તદાર વ્યક્તિને બદનામ કરવનું કામ તમને ભારે પડી જશે. તમે પણ યાદ કરશો કે કોઈ માથાનો મળ્યો હતો.’

પ્રિન્સીપાલને થયું કે મામલો પોલીસ સ્ટેશને જશે તો મોટો તમાશો થશે અને શાળાનું નામ ખરાબ થશે. એમણે ઊભા થઈને ઉત્તમભાઈનો હાથ ઝાલી લીધો અને બોલ્યા : ‘ઉત્તમભાઈ, તમે ઉતાવળા ન થાવ. ઉતાવળના કારણે અનર્થ થયાના અનેક ઉદાહરણો ઇતિહાસના પાને સ્થાન પામ્યાં છે. આપણે શાંતિથી વાત કરીએ. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શાંતિથી જ આવે.’

‘શાંતિ ગઈ તેલ લેવા. પ્રિન્સીપાલ સાહેબ, પહેલાં મને એ કહો કે મારી આ ખાનગી ચિઠ્ઠી તમારી પાસે આવી ક્યાંથી?’

‘આ ચિઠ્ઠી મને આ મેડમે આપી છે. એમાં એમણે કશું ખોટું નથી કર્યું. તમે એમના પર આવી ચિઠ્ઠી લખી તો એ મને ફરિયાદ ન કરે તો કોને કરે?’ પ્રિન્સીપાલે ખુલાસો કર્યો.

‘મેડમ, તમારી પાસે આ ચિઠ્ઠી ક્યાંથી આવી?’ ઉત્તમભાઈએ પુષ્પાબહેનની ઉલટ તપાસ શરૂ કરી.

‘મને તમારા મોન્ટુએ જ આપી છે. તમારે મને આવી ખાનગી ચિઠ્ઠી લખવાની જરૂર શી હતી? આ તો કોઈના સંસારમાં આગ લગાડવાની વાત છે.’ પુષ્પાબહેન આગળ બોલી ન શક્યાં.

‘કોણ કહે છે કે આ ચિઠ્ઠી મેં તમારા પર લખી છે? છે કોઈ સાબિતી?’ ઉત્તમભાઈએ ગર્જના કરી.

‘તો શું આ ચિઠ્ઠી તમે નથી લખી? આ અક્ષર તમારા નથી?’ પ્રિન્સીપાલે કોઈ ડિટેક્ટિવની અદાથી ઉત્તમભાઈને સવાલ કર્યો.

‘ આ ચિઠ્ઠી મેં લખી છે. પણ મેં આ મેડમને નથી લખી.’

‘તો કોને લખી છે?’

‘અરે! આ ચિઠ્ઠી તો મેં મારી વાઇફને વર્ષો પહેલાં લખી હતી. આમારી સગાઈ થઈ એ વખતની આ ચિઠ્ઠી છે. મારી ખાનગી ચિઠ્ઠી શાળામાં મંગાવવાની તમને જરૂર કેમ પડી? તમે લોકો આવાં કામ કરો છો?’ ઉત્તમભાઈએ વકીલની અદાથી સવાલ કર્યો.

‘અરે ઉત્તમભાઈ, મેં તમારા મોન્ટુ પાસે આ ચિઠ્ઠી નહોતી મંગાવી. મેં તો એ લેસન નહોતો લાવતો એટલે તમારી ચિઠ્ઠી મંગાવી હતી. પણ આવી ચિઠ્ઠી નહોતી મંગાવી.’ હવે પુષ્પાબહેનના ગુસ્સામાં થોડી મંદી આવી.

‘તમે મેડમને એવી ચિઠ્ઠી લખી હોત કે હવેથી મોન્ટુ નિયમિત લેસન લાવશે તો વાત પૂરી થઈ જાત.’ પ્રિન્સીપાલ પણ હવે સમાધાન તરફ ગતિ કરવા લાગ્યા. એમણે ઉત્તમભાઈને ફરીથી સ્થન ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો.

ઉત્તમભાઈ ફરીથી ખુરશી પર બિરાજતાં બોલ્યા : ‘અરે પણ મને ખબર પડે તો હું એવી ચિઠ્ઠી લખુંને?તમે અને મોન્ટુ બારોબાર વહીવટ કરી નાખો તો હું શું કરું? મારો કાંઈ વાંક ખરો?’ ’

‘એટલે શું મોન્ટુએ તમને કશી વાત જ નથી કરી?’ પુષ્પાબહેન પણ રહસ્યનો તાગ મેળવવા માંગતાં હોય એમ બોલ્યાં.

‘વાત કરી હોય તો જરૂર આ પ્રિન્સીપાલ સાહેબ કહે છે એવી ચિઠ્ઠી લખત. માફી પણ માંગત. મારો દીકરો લેસન ન કરતો હોય તો એનાં મેડમને કેવી ચિઠ્ઠી લખાય એની મને ખબર નહિ પડતી હોય? તમે એટલો તો વિચાર કરો કે સમાજમાં મારું કેટલું માન છે? આ તો કોઈને ખબર પડે તો મારી જ નહિ તમારી આબરૂના ભાવ પણ ગગડી જાય. મારા વિષે તમે આવું વિચારીને બેઠાં? આટલી ઉતાવળ? જાણે નવા ઘરનું પઝેશન લઇ લેવું હોય!’ ઉત્તમભાઈ હવે ઠપકો આપવાની સ્થિતિમાં આવી ગયા હતા.

‘ભૂલ તો અમારી થઈ છે પણ એ ભૂલ થવું કારણ તો આ ચિઠ્ઠી જ છે. અને આ ચિઠ્ઠી તમારો મોન્ટુ જ લાવ્યો છે. તો તમારી પણ ફરજ બને છે કે તમે એને પૂછો કે એ આવી ચિઠ્ઠી કેમ લાવ્યો? આવી જોખમી ચીજ એણે ક્યાંથી મેળવી?’ પ્રિન્સીપાલ હવે હળવાશ તરફ ઝડપથી ગતિ કરવા લાગ્યા.

હવે મોન્ટુ ફરીથી ચિત્રમાં આવ્યો. ‘એય મોન્ટુ, તું આ ચિઠ્ઠી લાવ્યો હતો?’ ઉત્તમભાઈ મોન્ટુ પર ગુસ્સે થયા.

‘હા. મેડમે કહ્યું હતું કે તારા પપ્પાની ચિઠ્ઠી લાવજે એટલે લાવ્યો હતો.’ મોન્ટુએ પોતાનો બચાવ કર્યો.

‘મેડમે કહ્યું હતું તો મને ન કહેવાય?’

‘પપ્પા, તમે બહુ કામમાં હતા એટલે તમને તકલીફ ન આપી. માળિયા પર એક બેગમાં આટલી બધી ચિઠ્ઠીઓ તૈયાર પડી હતી એટલે મને થયું કે એક આપી દઉં એટલે તો કામ ચાલી જશે.’

‘તારે એ બેગ ખોલવાની શી જરૂર હતી.?’

‘ઉતરાણ વખતે હું ચરખો શોધતો હતો. ત્યારે એ બેગમાં તપાસ કરી હતી. એટલે મેં ચિઠ્ઠીઓ જોઈ હતી. એક ચિઠ્ઠી ઓછી કરી એમાં તમે તો કેટલો બધો ગુસ્સો કરો છો!’ મોન્ટુ હવે રડવાની તૈયારીમાં હતો.

‘અરે પણ એવી ચિઠ્ઠી સ્કૂલમાં લવાતી હશે? તેં મારી આબરૂનો ઘજાગારો કર્યો.’ ઉત્તમભાઈએ પોતાના ગુસ્સા પર કબજો મેળવ્યો.

‘મને ઓછી ખબર હતી કે એ આબરૂના ધજાગરા કરે એવી ચિઠ્ઠીઓ છે. મેં તો વાંચી પણ નથી. પણ પપ્પા, આબરૂના ધજાગરા કરે એવી ચિઠ્ઠીઓ તમારે લખવી જ ન જોઈએને. ભૂલ તમે કરો છો ને વાંક મારો નીકળે છે.’

‘હા ભાઈ હા. વાંક મારો જ છે કે મેં એ ચિઠ્ઠીઓ તારા હાથમાં આવે એમ રાખી. આજે જ એને ઠેકાણે પાડી દઈશ. સાલું, મારે કેટલી જગ્યાએ ધ્યાન રાખવાનું?’

‘હશે! છોકરો નાદાન છે. સમજણો થઈ જશે પછી વાંધો નહી આવે.’ પ્રિન્સીપાલ વાતનો સુખદ અંત લાવવા માંગતા હોય એમ બોલ્યા.

‘પણ હવે પછી મોન્ટુની ફરિયાદ હોય તો મને ફોનથી સીધી જાણ કરજો. વચ્ચે મોન્ટુને પક્ષકાર તરીકે ન રાખતા. લો આ મારું વિઝિટિંગ કાર્ડ અને આ લો મારા નવા સાહસના પેમ્ફલેટ. મારી સાઇટ પર પધારો અને જૂઓ કે હું લોકોનાં સપનાનાં કેવાં કેવાં ઘર બનાવું છું. તમે જોશો તો તમને પણ નવું ઘર બુUક કરાવવાનું મન થઈ જશે. જોરદાર કામ ચાલે છે. મેડમ તમે પણ આવજો.’ ઉત્તમભાઈ એક વાલી મટીને વેપારી બની ગયા.

‘જરૂર. જરૂર આવશું. અમને ડિસ્કાઉન્ટ તો આપશોને?’ પ્રિન્સીપાલ બોલ્યા.

‘આવો તો ખરા. બધું થઈ જશે.’ ઉત્તમભાઈ ઊભા થતાં થતાં બોલ્યા. ‘પહેલાં એક વખત પધારો તો ખરા. તમારી તબિયત ખુશ થઈ જશે.’

પ્રિન્સીપાલ અને પુષ્પાબહેન સપનાંના ઘર જોવામાં એટલાં તો વ્યસ્ત થઈ ગયાં કે એમને ખબર પણ ન રહી કે મોન્ટુ અને ઉત્તમભાઈ ક્યારે ઓફિસમાંથી વિદાઈ થઈ ગયા.

[સમાપ્ત]