બહેનનું મૃત્યુ Harish Mahuvakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહેનનું મૃત્યુ

વાર્તા

બહેનનું મૃત્યુ

હરીશ મહુવાકર

‘લે તારે ઘડીયાળ લેવી છે ને? સ્ટીલના પટ્ટાવાળી મોટા ડાયલવાળી જોઈએ છે ને? લઇ લેજે.’ કહી મોટી બહેન સ્નેહાએ એના આખા મહિનાની કમાણી જીગરના હાથમાં મૂકી. એ કામે જતી ને જીગર શાળાએ. સપનું આવ્યું ઘડીયાળ લેવાનું. એના બાપા પાસે પૈસા હતા નહીં. કહી શકાય તેમ નહોતું. કહ્યું નહિ. એક સવારે એણે બહેનને વાત કરી. એ કંઇ બોલી નહિ. માત્ર સ્મિત રેલાવેલું એના પાતળીયા ચહેરા પર.

ઉંમર હશે એ વખતે જીગરની અગિયારેક વરસની. શાળાએ જતા એક માણસના હાથે સુંદર મજાનું કાંડા ઘડીયાળ જોયું ને વસી ગયું મનમાં. દિવસો સુધી તેને ખબર ન પડી કે તે લઈ શકાય, ખરીદી શકાય. દિવસો વિતતા ગયા તેમ ઘડીયાળ મોટી થતી ગઈ. આખરે એણે બહેનને રાત્રે જમીને ખાટલે પડતું મૂકતા પહેલા વાત કરી હતી.

સ્નેહાએ પૈસા એના હાથમાં મૂક્યા એ વખતે આકાશ સાફ હતું. ઉનાળાના દિવસો હતા. ગરમી હતી પણ સહ્ય હતી. એવી કોઇ લૂ પણ નહિ. ખુશનૂમા લાગે એવા દિવસો હતા. હશે કદાચ ઉનાળાના શરૂઆતી દિવસો. ગરમી કોઇને લાગી નહોતી. એથી એણે બાપાને પૈસા આપીને ઘડીયાળ લાવવાનું કહ્યું ત્યારે બાપાએ પણ સ્મિત કરેલું ને કહેલું લાવી આપશે વહેલી તકે.

પ્રાથમિક શાળામાં કોણ ઘડીયાળ પહેરે? એ ખુદ જ ખુલ્લા પગે જતો. એક બે ચડ્ડીથી દિવસોના દિવસો નીકળી જતા. મહિનાઓ ગણતરીએ ન લેવાતા. દિવસો લાંબા હોય મહિનાઓ ટૂંકા. ત્રણ ચાર મહીને ચડ્ડીઓની જોડ વસાવવી પડતી. થીગડાનીય મર્યાદા હોય ને ? કાપડનીય આવરદા હોય ને ? એવે વખતે ઘડીયાળ કાંડે લગાડો ને નિશાળે જાઓ અને ટોળું એકઠું ન થાય તો નવાઇ કહેવાય ?

પહેરીને એ ગયો. અવકાશી પંખી જાણે ધરીણી પર ઉતરી આવ્યું. પાંખોના ફફડાટ અને આકાશી નજર અને હોંસલાની હામથી શોભતો નિશાળે પ્રવેશ્યો. પ્રાર્થનાસભામાં પહેલી લાઇનમાં બેઠો – દેખાડવા બધાને. વર્ગશિક્ષકનું ધ્યાન પહેલું ગયું. એ પછી કોઇને કોઇ શિક્ષકોએ આંખો ઠેરવી. ક્લાસમાં જતા જ માસ્તરે બોલાવ્યો ને ઘડીયાળ ક્યાંથી કાઢ્યું કહી તતડાવી નાખ્યો. સાચી વાત કરી, પણ ‘હવે પછી ઘડીયાળ પહેરીને ન આવતો’ કહી દીધું. અવકાશી પંખીને બેસાડી દીધું. નિશાળ પૂરી થયા પછી ઘડિયાળને એને આખું ગામ, દુકાનો, મંદિરને છેક સીમ વગડોય દેખાડ્યા.

સ્નેહા પરણીને સાસરે ગઇ. વરસમાં પછી ફરી. બીજા વરસમાં છૂટાછેડા. ત્રીજે વરસે પૂન: પરણાવી. એવા વખતે દુનિયાદારીની સમજદારી આવી ચૂકી હતી એનામાં. જીગરની ના હતી જે તે ઠેકાણે. વિરોધ કર્યો. એ રડી. દૈત્યલોક ને નરલોકની દુહાઇઓ પ્રાપ્ત થઇ. બહેનનું મન તોડવામાં સુખી નહિ થઇ શકો તેવું જ્ઞાન આપ્યું. સારું જોઈ શકવું જોઈએ એવું દર્શન લાદવામાં આવ્યું. ક-મને બધે ઊભો રહ્યો ને એને વળાવી. એ ઘડિયાળના ચંદરવામાં ટીક ટીક ચાલ્યા કરતી હતી.

વળતે દિવસે ફોન આવ્યો. એ છેતરાઇ ચૂકી હતી. પહેલેથી જ ત્યાં એની શોક્ય હાજર હતી. ઘરના ઠેકાણા મળે નહિ. વાસ્તવિકતા વ્યક્તિની, આર્થિક સ્થિતિ અને સામાજિક સ્થિતિથી સ્પષ્ટ થઇ આવી હતી. એ જાતે જ આવતી રહી ફરીથી ઘરે ન કદી જવાના નિશ્ચય સાથે.

વળી સપ્તાહ પછી ગઇ. એનો ઘરવાળો આવ્યો. કાકલૂદી કરી વચનો આપ્યા. સારું થઇ રહેશે બધું એવી ખાતરી અપાઇ. સૌ કોઇની હા પરંતુ એની ના હતી. એણે પોતાનું મંતવ્ય રાખ્યું હતું પરંતુ તે એક હતી ને સામા પક્ષે સહુ કોઈ. વળી બહેને નર્કલોક અને દૈત્યલોક ઢંઢોળ્યો ને એ ધૂળ ચાટતો થયો. બહેન ગઇ. ઘડીભર લાગ્યું કે ઘડીયાળના ચંદરવા પર ધૂળ ચડી ગઇ.

થોડો સમય વીત્યો. ઘડીયાળ એનો સમય બતાવતી હતી કે બીજો કોઇ તે કળવું મુશ્કેલ લાગતું હતું. કંઇ સમાચાર ન આવ્યા. એનું હૈયુ શાંત નહોતું. મન ખોલતો ઘરના સભ્યો પાસે તો સહુ સામા પડતા. શીદને અમંગળ, અશુભ વિચારે છે તેવું કહેતા. મનનો વહેમ હોવો જોઈએ. દૂર કરવો જોઈએ. એથી એવું મન હળવું થયું પરંતુ સમય જતા ક્યાં વાર લાગે છે !

ઘરની શેરીમાં રડતા અવાજે એ પ્રવેશી. ઘરમાં આવતા રમખાણ મચાવ્યું. ગામ આખું ભેગું થયું. તમાશો રચાઇ રહ્યો. ઘર પૂરતી રાખવાની વાત સર્વલોકમાં વહેતી થઇ. એ હતી ત્યાં ને ત્યાં હતી. એની શંકાઓ સાચી પડી હતી. એની વારંવાર મારઝૂડ કરવામાં આવી હતી. એ ગુલામ સ્ત્રી બનીને રહી ગઇ હતી. પરંતુ તે ચૂપ રહ્યો. એટલા માટે કે તેની વાતને મરડાઇને જોવામાં આવતી હતી, આવી હતી. એનાથી ઉલ્ટુ પરિણામ આવ્યું. વળી નર્કલોક દૈત્યલોક પૂન: હાજર થયો. તે રાજી થયો હતો એવું એનું કહેવું હતું, માનવું હતું. સાંત્વન આપ્યું. બધું કરી છુટશું તેવી ધારણા બંધાવી. ‘લે તારે ઘડીયાળ લેવી છે ને? લઇ લેજે.’ દિમાગમાં એ બધું ઉભરાઇ આવ્યું ઇગરના મનમાં. પછીના દિવસો પોલીસ સ્ટેશન, કોર્ટ, કચેરીમાં વીતવા લાગ્યા. એ થોડું કમાતો થયો હતો તે તેમાં જવા માંડ્યું. આખરે એ ઘરે રહી ને વકીલો ફૂટ્યા. પૈસા સામે ઝૂક્યા. વરસો વીતવા માંડ્યા. નક્કર પરિણામ દૂર.

એ ચિડીયલ બની ગઇ. આખરે ફેંસલો આવ્યો. સમૂળગી ખાધા-ખોરાકી મળી પરંતુ એક સંતાન સાથેનું રગશીયું ગાડું એનાથી ચાલે તેમ નહોતું. મજૂરી એના હાથની વાત નહોતી ને નોકરી પૂરતું શિક્ષણ જોજનો માઇલ દૂર હતું. જેમ મા-બાપને તેમ તે બે જણ પણ સાચવવાનો વખત હતો. એણે એમ કર્યું.

એની બહારગામની નોકરી હતી. શરૂઆત હતી. ટૂંકો પગાર અને નવજીવન શરૂ કરેલું એથી ઘરખર્ચ, ઘરવખરીમાં પણ રકમ ખાસ્સી જતી તો પણ અમૂક રકમ માતા-પિતા અને એમના માટે અચૂક મોકલતો. ઘડિયાળનો સફેદ ચંદરવો મન સામે ઉભરાયા કરતો એથી બહેન માટેની દિલમાં હંમેશા જગ્યા હતી. ઘડીયાળ દિમાગમાંથી હલતી નહિ. પરંતુ ચંદરવો પીળો પાડવા માંડ્યો હતો.

સમય જતા તે આવતી મનમાં મેથીનો સ્વાદ લઇ. ઘરનું રાચ-રચીલું જોઇ રહેતી. આગળ-પાછળ જઇને જુએ. સ્પર્શે, હલાવી જુએ. ‘બહુ સારું’ એમ બોલે –ઇર્ષા ભાવથી. જુદું સ્મિત કરે. એણે અપરાધ કર્યો એવા ભાવથી એની સામે જુએ અને પોતાની જાતને સંકોડી બેસી રહે. અને કડવાશ વહેવા માંડે. એ મૂંગો, સ્થિર થઇ જાય. એની તેને ખબર હોય કે, એ શું કરવા આવી છે એથી એનો બબડાટ બંધ થયે હાથમાં થોડી રકમ મૂકીને જતો રહેતો અને એના ગયા પછી એ પણ જતી રહી હોય.

એ કશું કરતી નહિ. એનો હાથ અને હૈયુ કાચબાની ગતિને પ્રમાણે, અને જીભ સાપની ગતિને અને ભાવ વીંછીના ડંખને. એ જ્યાં જાય ત્યાં લૂ વાય, ડમરી ચડે અને પળ બે પળમાં સ્થિર, શાંત થયેલી સ્થિતિ વંટોળિયા સાથે ઊડી ગઇ હોય. ડમરી શમે, પૂન: સ્થિરતા પામે. ઘડિયાળનું ચક્ર બંધ થઇ જતું ને વળી પાછુ શરૂ થતું.

એક વખતે અચાનક આવી પડી જીગર અને તેનું પરિવાર તૈયાર થઇ ગયા. તે શાંત બેઠો, ખબર-અંતર પૂછ્યા – ‘શું હોય ભાઇ ! તને થોડી તારી બેનની ખબર લેવાનો ટાઇમ છે ! એટલે હું આવી.’ એ કંઇ ન બોલ્યો. ‘મને થયું લાવ્ય આંટો મારી આવું. અમારે તો હું કાંઇ કામ ધંધો મળે નંય. શું કરીએ? બે પૈસા હોય તો ઠીક રેય.

‘તું હવે મોટો થઇ ગ્યો ભાય. તને હવે કાંઇ અમારી પડી નથી. તારામાંથી દયાભાવનો છાંટો ગ્યો. નયતર મારી આ હાલત થોડી હોય ?’

તે બોલવા માંગતો હતો પણ એમ કરવાથી વાત વણસવાની હતી તે પાક્કું હતું. નહી બોલ્યે એનો ઉભરો શમી જશે એમ માની ચાલવા દીધું. ઘડીયાળ સામે જોઇ લીધું. કદાચ તેની ગતિ વધી હતી. ચંદરવાની પીળાશમાં કોઇક કોઇક જગ્યાએ કાળાશ આવવા માંડી હતી.

‘મને ફોનેય નથી કરતો. ખબર અંતરેય નથી પૂછતો. હું કાંઇ તારી વેરી છું ? આ તો ઓછીયાળા છીએ એટલે ભાઇ, નંયતર તારે ઘરે નો આવું. તારામાં અભિમાન આવી ગ્યું બે પૈસાનું. તને થાય કોઈ દિ’ કે બેન સે તો એને હાડલો લઇ દઉં. બળેવ કે ભાઇબીજ તે બધું મારી નાખ્યું.’

જીભમાં સળવળાટ થયો એમ થયું કે બોલી નાખે. રાખડી મોકલવાને બદલે કોઇક ઓળખીતાને કહે રાખડી લઇ લેવાની અને આપી જવાની. રાખડી આવે તો સીધી નહિ બીજા દ્વારા. છેલ્લી બે વખતથી કોઇ રાખડી પણ ન આવી. ભાઇબીજમાં તહેવાર ખરો પરંતુ એમના માટે અસ્થાને હતો ક્યારેય તે વાસ્તવિક થઇ શક્યો નહોતો. એથી એનું મહત્વ શું રહે ?

‘ભાઈ તું ભૂલી ગયો બધો. તારે બેન જેવું કોઇ માણહ નથ. તમે ભણ્યા પણ હું કામનું? તમારી નોકરીયું ને બંગલા ને મોટર મારે હું કામનું? માણહને લેણું હોય તો દુ:ખી થવા દેય? ને આ એક હું સુ. મારે આવા વહમા દા’ડા જોવાના આવ્યા ને...’ કહી એ રડવા માંડી.

રડતી જાય ને કહેતી જાય. ‘બસ ભાય હવે તું કાંઇ હંભાળ લેતો નંય. મારે કાંય તારું જોતું નથ્ય. બસ હવે મારો ભાઇ નો ર્યો.’

મેં એને સાંત્વના આપી. સ્વસ્થ કરવા કોશિશ કરી પરંતુ માત્ર હિમશીલાનું દર્શન હતું. ત્યાંથી ઊભા થઇ કશાક કામ અર્થે બહાર નીકળી જવાનું મુનાસીબ માન્યું. ‘જમીને વાતો કરીશું બહેન. હું થોડું કામ પતાવી આવું.’ થયું કે ઘડીયાળ કોઇ ખોટો સમય ન બતાવે. ‘હા ભાઇ હા જા તમતમારે તારે આંગણે હું વધારાની છું. મારે નથી ખાવો તારો રોટલો ને નથી જોતો તારો પૈસો. આ તો થ્યું કે લાવ્ય ભાઇની ખબર પૂછ્યાવું તે આવી’તી. બસ ભાય હું જાવ સુ તું બા’ર જવાનું રેવા દે.’

ઘડીયાળ ચાલતી રહેતી હતી. હવે તે સમય ઘરનો જુદો સમય દર્શાવતી થઇ હતી તોય ‘તારે ઘડીયાળ લેવી છે ને ? લઇ લેજે.’ યાદ અપાવતી. પરંતુ શબ્દો આછા પડ્યા હતા. ઝંખવાયા હતા. પવનની ગતિ સાથે વહી જતા હતા. મેં કહ્યું, ‘અરે પણ તું બેસ. શાંત થા. સહુ સારાવાના થઇ રહેશે.’

‘હારા વાના થવાના હોત તો થઇ ગ્યા હોત. બસ આ છેલ્લી વારુ આવી સુ. તારા ને મારા હવે ઝાઝા જુહાર હમજજે. તારી બેન મરી ગય એમ હમજજે. બીજું કાંઇ વધારે મારે બોલવું નથી આ હું હાલી.’

એ ઘરની બહાર નીકળી ગઇ.

ખબર નહી એવે વખતે મને કોઇ લોકો અર્થીને ઉંચકીને નીકળ્યા હોય તેવું લાગ્યું. એવે વખતે ‘લે તારે ઘડીયાળ લેવી છે ને ? લઇ લેજે’ કોઇ બોલ્યું નહી એવું લાગ્યું. ભાસ-આભાસ વચ્ચે મન ગૂંચવાયા કર્યું.