એક પતંગિયાને પાંખો આવી-14 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી-14

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 14

વ્રજેશ દવે “વેદ”

ટ્રેન ઊભી રહી ગઈ. નીરજાના વિચારો પણ.

મનોમન હસી પડી તે. ખરેખર તો તે નીકળી ચૂકી હતી, ચેરાપુંજીની યાત્રા પર. તે વાતે તેના મનમાં આનંદ ભરી દિધો.

કાનપુર સ્ટેશન પર ટ્રેન રોકાઈ. યાત્રીઓ ઉતરી રહ્યા હતા, ચડી રહ્યા હતા. ઉતરી રહેલા યાત્રીઓ વિદાયનું અને આવી રહેલા યાત્રીઓ, આગમનનું સ્મિત આપી રહ્યા હતા. સીટ નંબર 17 પરનો યાત્રી હજુ પણ પોતાની જ દુનિયામાં હતો. ક્યારેક બધા સામે જોઈ લેતો. હાથમાંના પુસ્તકમાં કશુક નોંધતો, બસ બારી બહાર જોયા કરતો હતો.

નીરજાને તેના પ્રત્યે થોડો અણગમો થઈ ગયો હતો. ગઇકાલે રાત્રે વ્યોમા સાથે તે વાતો કરતાં સહજ રીતે હસી હતી. તેના હસવાથી અન્ય યાત્રીઓને કોઈ વાંધો ન હતો, પણ તેણે ખૂબ જ શાલીનતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું,” તમારા હાસ્યથી મારી ઊંઘમાં ખલેલ પડે છે.” આટલું કહીને તે ઊંઘી ગયો હતો.

ત્યાર બાદ બંને રાતભર ખૂલીને હસ્યા ન હતા. ટ્રેનની પહેલી યાત્રાની, પહેલી રાત્રે જ એક વાત શીખવા મળી ગઈ હતી. ‘આપણા હાસ્ય પર પણ કોઈને વાંધો હોઇ શકે છે’.

તે માણસ આખો દિવસ ચૂપચાપ જ રહ્યો હતો. ક્યારેક તે નીરજાને અને વ્યોમાને જોઈ લેતો હતો. તેના પ્રત્યેનો અણગમો બંનેને હતો.

ટ્રેન ચાલવા લાગી. વિચારો પણ. આ યાત્રામાં જવા માટે કેટકેટલા ચક્રવ્યુહોને ભેદવા પડ્યા હતા.

ચેરાપૂંજી. ઉત્તર પૂર્વ ભારતના છેડે આવેલું સ્થળ. ભારતના પશ્ચિમ છેડે આવેલ અમદાવાદથી 2800 કિમી દૂર. દેશના એક છેડેથી તદ્દન ઉલ્ટા, બીજા છેડા સુધી જવાની ઈચ્છા. ખૂબ જ લાંબી યાત્રા. પણ જવું છે એ નક્કી. દ્રઢ નિશ્ચય કરી લીધો હતો.

તે સાંજે જમ્યા પછી તેણે દીપેનને પોતાની ઈચ્છા જણાવેલી,”પપ્પા, મારે ચેરાપૂંજી જવું છે. ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે એ ચેરાપૂંજી.“

દીપેને ખુશ થતાં કહેલું,”ચોક્કસ. આપણે સૌ ત્યાં જઈશું. તું તારીખ નક્કી કરી લે એટલે, હું પ્લેનની ટિકિટો બુક કરવી લઉં. વ્યોમાને અને જીતને પણ સાથે લઈ લઈશું. જો ભરત અંકલ પણ આવી શકે તો તેને પણ સાથે ...”

“પણ, ત્યાં હું અને વ્યોમા જ જવા માંગીએ છીએ.” નીરજા નામના પતંગિયાને પાંખો આવવા લાગી હતી. સાથે સાથે વ્યોમાને પણ. તેઓ તો ઉડવા માંગતા હતા, એકલા, મુક્ત ગગનમાં, સાવ એકલા.

બંનેએ જીદ કરી અને એકલા જ જવાનું નક્કી કર્યું. ઘણી ચર્ચાઓ અને દલીલો બાદ તેઓને એકલા જવા દેવા માટે મંજૂરી આપવામાં આવી.

વચ્ચેના સમયમાં બન્નેએ કરાટે સહિતની સ્વ-રક્ષણ માટેની વિવિધ તાલીમો પણ લીધી. સ્વિમિંગ પણ શીખી લીધું.

નીરજાએ સંગીત શીખવાનું પણ શરૂ કર્યું. વ્યોમાને સંગીતમાં રસ ન હતો. નીરજા એકલી જ શીખવા લાગી. શરૂઆતમાં તેણે દીપેન અને જયાના કહેવાથી તબલા શીખવાનું ચાલુ કર્યું. પણ થોડા જ દિવસોમાં તબલાને બદલે વાંસળી શીખવાની ઈચ્છા વ્યક્ત કરી,”ગુરુજી, તબલાને બદલે વાંસળી શીખવી છે મારે. તમે મને વાંસળી શીખવાડશો?”

ગુરૂજીએ કારણ ન પૂછ્યું. વાંસળી શીખવાડવા લાગ્યા. તે ઝડપથી વાંસળી શીખવા લાગી. તેને વાંસળી વગાડવું ગમવા લાગ્યું.

તેણે નવી વાંસળી વસાવી લીધી, પણ સૌથી છુપાવીને. વ્યોમાથી પણ. તે કોઈને પણ જણાવવા નહોતી માંગતી, કે તેણે તબલા છોડી વાંસળી શીખવાનું પસંદ કર્યું છે. તેના ગુરૂજીએ પણ આ વાત ગુપ્ત રાખવાનું વચન આપી દીધું. નીરજાની વાંસળી પ્રત્યેની લગન જોઈને ગુરુજી પણ ખુશ હતા. નીરજા પણ.

વ્યોમા તો ક્યારની ય ઊંઘી ગઈ હતી. ટ્રેનની દુનિયાથી અલગ દુનિયામાં ખોવાઈ ગઈ હતી. કાનપુર સ્ટેશન પસાર થયે કલાક થવા આવ્યો હતો. વ્યોમાને જગાડવાનો વિચાર કર્યો. નીરજા હજુ પણ હળવી નીન્દ્રા સાથે જાગી રહી હતી.

સીટ નં 17 પરની પેલી વ્યક્તિએ પુસ્તક બંધ કર્યું. બેગમાં મૂકી દીધું. તેના વર્તનથી લાગતું હતું, કે કાં તો સુવાની તૈયારી કરી રહ્યો, છે કાં પેકઅપ કરીને ટ્રેનને વિદાય કરીને, આવનારા કોઈ સ્ટેશને ઉતરી જવાનો છે.

તેણે ઝડપથી બધું વીંટી લીધું. એક બેગ સિવાય તેની પાસે કાંઇ જ ન હતું. બેગ પણ કોલેજના સ્ટુડન્ટ વાપરે તેવી, પીઠ પર ભરાવી શકાય તેવી. બેગ લઈને તે ઉઠ્યો. નીરજાની પાસે આવી ગયો. વ્યોમા હજુ પણ ઉપરની બર્થ પર અર્ધ જાગૃત હતી.

“ક્યા મૈં યહાં બૈઠ સકતા હું?” ખૂબ જ અદબ સાથે તેણે વિનંતી કરતો પ્રશ્ન કર્યો. નીરજા હજુ કાંઇ બોલે કે સમજે તે પહેલાં તેણે પોતાનું વીઝીટીંગ કાર્ડ નીરજાને આપી દીધું. નીરજાએ તે સહજ રીતે લઈ લીધું. વાંચવા લાગી.

‘અનુપમ કુમાર. સિનિયર ઇંજિનિયર.’ ત્યારબાદ મોબાઈલ બનાવતી કોઈ કંપનીનું નામ અને સરનામું પણ હતા.

પૂરેપુરું વાંચી લીધા બાદ નીરજાએ નજર ઊંચી કરી. તે હજુ પણ ઊભો હતો.

“કલ રાત વાલે મેરે વ્યવહારસે મૈં લજ્જિત હું. ક્ષમા ચાહતા હું.” ખૂબ જ અદબ સાથે શુધ્ધ અને નમ્ર હિન્દી. નીરજાને અચરજ થયું. આટલું શુધ્ધ અને નમ્ર હિન્દી ! અને તે પણ ઇંગ્લિશ બૂક વાંચતાં વ્યક્તિની જીભ પર. તે કશું જ ન બોલી. માત્ર સ્મિત આપ્યું.

તે હજુ પણ ઊભા ઊભા વાત કરતો હતો. નીરજાએ તેને બેસવા કહ્યું. તે બેસી ગયો.

“મે મોબાઈલ બનાતા હું. આપ હી કે શહર, અમદાવાદમે. ઇસ કંપનીકે લિએ હમ મોબાઈલ બનાતે હૈં. મોબાઇલકી ડિઝાઇન ભી મૈં હી બનાતા હૂઁ. નયે ફીચર્સ ભી, મૈં હી તૈયાર કરકે મોબાઇલમમેં એડ કરવાતા હૂઁ. કિન્તુ ...”

“ઓહ, બહુત ખૂબ, સર.” વ્યોમા હવે પૂરેપુરી જાગી ગઈ હતી. તે પણ વાતમાં કૂદી પડી.

“કિન્તુ, ઇસ યાત્રામેં દો નયે ફીચર્સ મિલે હૈ, ઔર વહ આપ દોનોંને મુઝે દિયે હૈં.“

“હમ દોનોંને?” બંને એક સાથે બોલી ઉઠી.

“હૂઁ અમદાવાદમા ઘણા વર્ષોથી રહું છું, એટલે મને ગુજરાતી પણ આવડે છે. તો આપણે ગુજરાતીમાં વાતો કરીશું?“ અનુપમ કુમારના ગુજરાતી શબ્દોએ, બન્નેના મનનો રહ્યો સહયો સંકોચ પણ દૂર કરી દીધો.

“હૂઁ લખનૌનો રહેવાસી છું એટલે હિન્દી મારા માટે સહજ છે. તો આપના શહેરે ગુજરાતી પણ શીખવી દિધું છે.” હવે તે પણ સહજ બની કહેવા લાગ્યો, ”આ બધા મોબાઇલની ડિઝાઇન હું બનાવું છું. નવા નવા ફીચર્સ ઉમેરવા માટે રીસર્ચ કરું છું. એ બધી મારી કંપની માટે કરું છું. અનેક નવા આઇડિયા આવે ત્યારે તેને હું નોંધી રાખું છું અને સમયાંતરે તેને મોબાઇલમા ઉમેરતો જાઉં છું. બે નવા ફીચર્સનો આઇડિયા તમે મને આપ્યો છે, તે માટે તમારો આભાર માનું છું. “

“ખરેખર? ક્યા બે આઇડિયા છે એ? ફીચર્સ છે?”

“એક, મોબાઇલમાં FM અને ટીવી ચેનલ તો હોય જ છે, તેમાં AM ચેનલ ઉમેરવાનો આઇડિયા. લાઈવ ક્રિકેટ કોમેંટરી સાંભળવા માટે.

બીજું, ઘડિયાળના કાંટા પ્રમાણે સેટ કરેલ સમય પર વાગતું એલાર્મ તો છે જ. સમય પર તે વાગે અને આપણને જગાડે એ ! પણ તમે કરેલી ચર્ચામાં એક વાત નજર આવી. આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ટ્વિલાઇટ અને સૂર્યોદય ચૂકી ગયા હતા ખરું ને?”

“હા, પણ કાલે સવારે વહેલા ઉઠી જઈશું અને તેને નહીં ચુકીએ.” વ્યોમા ઉત્સાહિત થઈ ગઈ.

“હું પણ ઈચ્છું છું કે કાલે તમે તેને ના ચૂકો. ઇન ફેક્ટ, હૂઁ તો ઈચ્છું છું, કે કોઈ પણ વ્યક્તિ તેને ક્યારેય ના ચૂકે.“

“એવું કેમ બને?” નીરજાએ ગંભીરતા બતાવી.

“જો મોબાઇલમાં એવા એલાર્મની સગવડ આપવામાં આવે, કે જે પ્રકૃતિના રૂપ પ્રમાણે ગોઠવી શકાય અને જ્યારે જયારે પ્રકૃતિ એવા રૂપ ધારણ કરે, ત્યારે ત્યારે એલાર્મ વાગે, તો?”

“પ્રકૃતિના રૂપ પ્રમાણેનું એલાર્મ? એવું શક્ય છે?” વ્યોમાએ આશંકા વ્યક્ત કરી.

“કઠિન હોઇ શકે છે પણ અશક્ય તો નથી જ.”

“કશુંક વિગતે સમજાવોને એ વિશે.” નીરજાએ અપીલ કરી.

“પ્રકૃતિના રૂપ અનેક છે. સવાર, સાંજ, બપોર, રાત્રિ, ઠંડી, ગરમી, વરસાદ, ઝરણાં, પહાડ, આકાશ, વાદળ, નદી, સાગર, પવન... વગેરે… વગેરે... માણસને ગમે છે આ બધા રૂપ જોવા. પણ તેને ખબર જ નથી હોતી, કે જ્યાં તે રોજ નોકરી-ધંધો કરવા જાય છે, તેની લગોલગ જ કોઈ નદી, ઝરણું કે સાગર વહી રહ્યો છે. બંધ બારીની બહાર, રીમઝિમ રીમઝિમ વરસાદના બિંદુઓ પડી રહ્યા છે. ઠંડી હવા ઘરના બંધ દરવાજાને અડકીને ઊભી છે.

એવું તો ઘણું ય છે, જે આપણે સાવ હાથવગું હોવા છતાં જાણી નથી શકતા.“

“હા, સર. માણસ કેટલો બધો સંવેદનાહિન બની ગયો છે? તેને આમાંનું કશું જ નથી દેખાતું કે નથી અનુભવાતું. સાવ પાસે હોવા છતાં આ બધું શોધવા તેને જવું પડે છે, કોઈ પર્યટન સ્થળે. કેટલું પીડાદાયક છે આ બધું ખરું ને?” વ્યોમા પર શબ્દોની પૂરેપુરી અસર થવા લાગી હતી.

“ખરું છે. પણ, હવે હું એવું ના થાય તેવો પ્રયાસ કરીશ. પ્રકૃતિની સ્થિતિ પ્રમાણે મોબાઇલમાં એલાર્મ ગોઠવવાનું. જો સૂર્યાસ્ત ચૂકવો ના હોય તો, સૂર્યાસ્તનું એલાર્મ સેટ કરવાનું. સૂર્ય અસ્ત થવા જતો હોય ત્યારે તે એલાર્મ વાગે. માણસ જાગૃત થઈ જાય. તેને ખબર પડી જાય, કે હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. ચાલ, સૂર્યાસ્ત જોવા જઈએ. પડતું મૂકી દઈએ બધું જ કામ અને બારી કે દરવાજાની બહાર ડોકું કરી લઈએ.”

“પછી તો સૂર્યોદયનું એલાર્મ, વરસાદનું, ઠંડી હવાનું, ગરમ લહેરનું, બપોરનું, …” નીરજા પ્રકૃતિના રૂપોમાં ખોવાઈ જવા લાગી.

“હા, બધા માટે એલાર્મ. આ બધા એલાર્મનું ફીચર હૂઁ મોબાઇલમાં એડ કરીશ.”

“વાહ, ખૂબ જ મસ્ત આઇડિયા છે, સર. “

“તમારો જ આઇડિયા છે એ. થેન્ક યુ.’

“ઓહ.” બંને ખડખડાટ હસી પડી. અનુપમ કુમારે તેઓને અત્યારે જરાય ટોકી નહીં.

“આવા મોબાઇલને હું તમારા બંનેનું નામ આપીશ. એમ આઇ પરમિટેડ ?”

“હા, ઓહ ! અમારા નામ?”

“હા. શું નામ છે આપ બન્નેના?” ક્ષણભર બંને સંકીચમાં પડી ગઈ. અજાણ્યા એક વ્યક્તિને આમ પોતાના નામ કેમ આપી દેવા? તેની સાથે યાત્રામાં થોડી વાતો કરવી એક વાત છે, અને એને પોતાના વિશે કશુંક જાહેર કરવું એ બીજી વાત છે. નામ તો નહીં જ અપાય. બન્ને મૌન થઈ ગઈ.

“અને મોબાઈલ નંબર પણ.” અનુપમે વધુ એક માંગણી કરી.

બન્ને ફરીથી સ્તબ્ધ. ફરી મૌન. અનુપમ સમજી ગયો કે તેઓના મનમાં શું ચાલી રહ્યું છે,”તમારા મનમાં ચાલી રહ્યું છે તે સ્વાભાવિક છે. ઓકે. કોઈ વાંધો નહીં. મારું કાર્ડ તમારી પાસે રાખી લો. તેમાં મારો ફોન નંબર છે. આમદાવાદનું સરનામું પણ. થોડા દિવસો બાદ હું અમદાવાદ પરત ફરીશ, ત્યારે મળીશું. મને ગમશે, તમને અને તમારા પેરેન્ટ્સને મળવું. મારું લખનૌ આવી ગયું. ચાલો બાય.“

હાથ હલાવી તે ઝડપભેર ટ્રેનમાંથી ઉતરી ગયો. બન્ને તેને બારીમાંથી જોતાં રહ્યા.

ખરેખર આ માણસ મોબાઇલની ડિઝાઇન બનાવતો હશે? કે પછી એમ જ વાતો કરતો હશે? વાતો? ના.ના. વાતો તો નહીં જ કરતો હોય. અમદાવાદથી લખનૌ સુધી આ માણસ ભાગ્યે જ કશું બોલ્યો છે. પુસ્તક વાંચતો રહેતો અને બારી બહાર જોયા કરતો આ માણસ.

“શું નામ છે, એનું?” વ્યોમાએ પૂછ્યું.

બન્નેએ વીઝીટીંગ કાર્ડ પર નજર નાંખી. ‘અનુપમ કુમાર’

ઓહ, આ માણસ ખરેખર અનુપમ હશે !

ટ્રેન ચાલવા લાગી. લખનૌ પાછળ રહી ગયું, અનુપમ કુમાર પણ.

વ્યોમા હવે પૂરેપુરી જાગી ગઈ હતી. તો નીરજાના નયનોમાં ક્યાંય નિંદ્રા ન હતી.

ધીરેધીરે ક્ષિતિજ પર અંધારું પ્રવેશી રહ્યું હતું. સાથી યાત્રીઓ ઢળતી સાંજ અને આવતી રાત્રિની તૈયારીમાં પરોવાઈ ગયા. બંને બારી બહાર જોતાં રહ્યા, એકબીજાને જોતાં રહ્યા. વાતોએ વળગ્યાં.

“યાત્રા પર નીકળી ગયે ચોવીસ કલાક વિતી પણ ગયા.”વ્યોમા ઉત્સાહમાં હતી.

“હા, યાર. યાત્રા શરૂ પણ થઈ ગઈ, આગળ પણ વધવા લાગી છે, મંઝિલ તરફ. બધી યાત્રાઓનું બસ આવું જ હોય છે ને? બસ શરૂ કરો તો ખબર પણ ના પડે, કે ક્યારે તે મંઝિલ પાસે લાવીને ઊભા કરી દે.” નીરજાએ વાતને આગળ વધારી.

“પણ, મૂળ વાત તો યાત્રા શરૂ કરવાની જ છે ને? આપણે શરૂ જ નથી કરતાં. બાકી, એક વાર યાત્રા શરૂ કરો પછી રસ્તો તો મંઝિલ તરફ જ લઈ જાય ને.”

“મૂળ મુશ્કેલી જ પ્રારંભ કરવાની છે. પ્રારંભનો અર્થ છે નીકળી પડવું. નીકળવું એટલે? એક જાણીતી સ્થિતિને છોડીને બીજી અજાણી સ્થિતિ તરફ જવું. સ્થિરતાથી અસ્થિરતા તરફ, સલામતીથી અસલામતી તરફ, કમ્ફર્ટથી અનકમ્ફર્ટ તરફ કદમ ઉપાડવા. આ માટે તો હિંમત જોઈએ. પ્રારંભ કરવો એ કોઈ સહેલી વાત છે? જો ને, આપણી આ યાત્રા પણ કેટલા વિઘ્નો પાર કર્યા બાદ શરૂ થઈ શકી છે.” નીરજાની આંખમાં યાત્રા પહેલાંના સંઘર્ષો તાજા થઈ ગયા.

પ્રત્યેક મુદ્દે સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રત્યેક લોકો સાથે, માતા પિતા સાથે, સગા સંબંધીઓ સાથે, મિત્રો સાથે, શિક્ષકો સાથે, ને કાયરેક સ્વયં સાથે, જાત સાથેનો સંઘર્ષ.

તે દિવસ. જ્યારે પહેલી વાર ખબર પડી કે પેલો ધોધ, પેલો વરસાદ, પેલું જંગલ અને પેલો અવાજ- અંદરથી હલાવી દેતો અવાજ, આ બધું જ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, તે નોહ કલિકાઇ નો ફોલ્સ અને ચેરાપુંજીના જંગલને રૂબરૂ જોઈ શકાય છે, અનુભવી શકાય છે, ત્યારે જ શરૂ થયો હતો, જાત સાથેનો સંઘર્ષ.

‘ત્યાં જવું જોઈએ. જઈને જોવું જોઈએ. આંખોથી જોઈને હ્રદયને એ અદભૂત ઘટનાના સાક્ષી બનાવવું જોઈએ.‘

તો બીજી જ ક્ષણે મનનો બીજો ખૂણો વિરોધ કરે,’ના, ન જવાય. એટલે દૂર એક વહેતા ધોધને, વરસાદને જોવા ના જવાય.’

‘કેમ ના જવાય?’

‘અજાણ્યો દેશ, અજાણ્યા લોકો અને અજાણી એક વ્યક્તિના આમંત્રણને સ્વીકારીને કાંઇ એમ નીકળી ન પડાય. એમ કોઈનો વિશ્વાસ ન કરાય. એક તો છોકરીની જાત, અને ઉપરથી હજુ યુવાનીના ઉંબરે પગ પણ નથી મૂક્યો એવી કાચી ઉંમર !’

‘તો? તો શું થયું?’

‘આ જગત સલામત નથી, કાચી ઉંમરની છોકરીઓ માટે. જરા પરિપક્વ થા પછી આવા સાહસો કરજે.‘

‘ઓહ, તો આ ઉંમરનું બહાનું છે? તો સાંભળી લે, ઉંમર ક્યારેય કાચી કે પરિપક્વ નથી હોતી. કાચી તો આપણી વિચારધારા હોય છે. તેને પરિપક્વ કરવાની જરુર છે. મારી વિચાર્ધારા તો પક્વ છે, જે મને હંમેશા હિંમત આપે છે. માટે હું તો આવા સાહસો કરીશ જ. તે માટે હું નીકળી પણ પડીશ, એક દિવસ.’

‘નીકળી પડવાનો અર્થ તું જાણે છે? એ નો અર્થ છે – અંધારી ગલીઓમાં અટવાઈ જવું – ભટકી જવું.’

‘અંધારી ગલીઓમાં પ્રકાશ લાવવાની તો છે આ ઉંમર. નવું જોશ, નવી ઈચ્છા, નવી દિશા અને નવા વિચારો મારી અંદર થનગને છે. તેના વડે હું મારો રાહ કાપી લઇશ. મંઝિલ તરફ જઈશ. અને એક દિવસ તેને પામીને રહીશ. ચાલ તું પણ આ બધું છોડીને મારી સાથે નીકળી પડ.’

‘પણ.. મને ડર લાગે છે.’

‘આ ઉંમર ડરવાની નથી. ચાલ, કાઢી નાંખ ડરને અને નીકળી પડ, નીકળી પડ ..’

મન સમ્મત થઈ ગયું, નીકળી પડવા માટે.

સાવ પહેલો સંઘર્ષ ! જાત સાથેનો સંઘર્ષ.

તે આ સંઘર્ષ જીતી ચૂકી હતી. તે જાતને, સ્વયંને જીતી ચૂકી હતી. તે તૈયાર હતી બાકી બધા આવનારા સંઘર્ષને જીતવા માટે.

દૂર બાગમાં કોઈ કોશેટોનું કવચ તૂટી રહ્યું હતું. ફૂલો પરથી ઠંડો પવન વહી ગયો. બાગમાં યૌવનના એંધાણ વર્તાવા લાગ્યા.