Ek patangiyane pankho aavi - 13 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી-13

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 13

વ્રજેશ દવે “વેદ”

કોઈને આ વિડિયોના સ્થળ વિશે કે અન્ય કોઈ જ માહિતી ન હતી. ફરીને ત્યાં જ આવીને રહી ગયા, જ્યાંથી શરૂ કર્યું હતું. કોઈ જ સંકેતો મળતા ન હતા.

બંને નિરાશ થઈ ગયા.

હવે? હવે શું કરવું? બે જ વિકલ્પો હતા.

એક, કોઈ પણ રીતે આ સ્થળ શોધવું, તેના વિશે જાણવું.

બીજો, તે વિડિયોને સદાય માટે ભૂલી જવું. ફરી એ જ ઘરેડમાં પરોવાઈ જવું.

શું કરવું? શું કરી શકાય?

‘કશુંક તો અવશ્ય કરીને જ રહીશું.’ ના નિર્ધાર સાથે બંને છૂટા પડ્યા.

હવે બંનેના મન એક જ દિશામાં વિચારતા હતા, ચાલતા હતા, દોડતા હતા. બસ, એ સ્થળને શોધી કાઢવું છે- ગમે તે રીતે.

થોડા દિવસો વિતી ગયા. તે સમયમાં વિવિધ સોશિયલ મીડિયા પર તે વિડિયોને પોસ્ટ કરી દીધો. પણ કોઈ પાસે તેના વિશે કોઈ જ માહિતી ન હતી. બંને નિરાશ થઈ ગઈ.

જીતે એક આઇડિયા આપ્યો.

“આ વિડિયોને FACEBOOK અને YOUTUBE પર અપલોડ કરી જુઓ.”

બંનેને એ વિચાર ગમી ગયો.

હવે આ વિડીયો FB અને YOUTUBE પર બધા માટે ઉપલબ્ધ હતો. જીતના જ સૂચનાથી તેની નીચે બે લાઇનની અપીલ પણ ઉમેરી દીધી,

‘this is an awesome, at wonderful place. Who knows this place? Where is it? If you know anything about this, please share the same. Let’s explore !

બંનેએ સતત વોચ રાખી કે કેટલા લોકો રિસ્પોન્ડ કરે છે. અસંખ્ય લોકો વિડિયોને લાઈક કરવા લાગ્યા. કોમેન્ટ પણ કરતાં રહ્યા. ઘણા લોકોએ તે સ્થળ, વિશે જુદા જુદા સિધ્ધાંતો અને અનુમાનો રજૂ કરી અનેક દાવાઓ કર્યા. પણ તેથી ખાસ કાંઇ ઉપયોગી જાણવા મળ્યું નહીં.

ધીરે ધીરે likes અને comments ઘટવા લાગ્યા, બંધ થવા લાગ્યા. નિરાશા વ્યાપી ગઈ. થોડા સમયમાં તો બંને વિડિયોને ભૂલવા લાગ્યા. અન્ય બાબતો મનમાં સ્થાન જમાવવા લાગી.

મનની કોઈ અજાણી ગલીના છેડે વિડિયો, ધોધ, વરસાદ, જંગલ, પાણી અને અવાજ લપાઈ ગયા. કોઇની પણ નજર ના પડે એવા ખૂણામાં. એ જ ખૂણામાં સંતાડીને રાખી દીધી પેલી એષણા- એ સ્થળને નજરે જોવાની, રૂબરૂ અનુભવવાની.

********

નવરાત્રીના દિવસો અને પરીક્ષા. બંનેની તૈયારી સાથે સાથે ચાલતી હતી.

નીરજા પરિક્ષા માટેના પુસ્તકને ધ્યાનથી વાંચી રહી હતી. બાજુમાં પડેલા મોબાઈલ પર, નોટિફિકેશનના લાઇટ અને સાઉન્ડ થયા. તે તરફ નજર કરી, પાછી ફેરવી લીધી.

હાલ તેનું ધ્યાન માત્ર આવતીકાલના છેલ્લા પેપરની તૈયારીમાં હતું. એટલે તો છેલ્લી 30/35 મિનિટમાં મોબાઈલ પર આવેલા વિવિધ નોટિફિકેશન અને સાઉન્ડ તરફ જોઈ લેતી પણ એક પણ મેસેજ વાંચવામાં સમય નહોતી બગાડતી.

પરીક્ષાના સમયમાં તે આવું જ કરતી. રાત્રે સૂતા પહેલાં બધા મેસેજ પર નજર કરી લેતી.

તે હવે સુવાની તૈયારી કરવા લાગી. મેસેજ જોવા લાગી. ખાસ કોઈ રસ ન પડ્યો. રૂટિન મેસેજ સિવાય ખાસ કાંઇ ન હતું.

Facebook પર કોઈ કિરણનો પણ મેસેજ, નીરજાના inboxમાં હતો. એ વ્યક્તિ અજાણી હતી. બાકી બધા મેસેજ મિત્રોના હતા. તેનું ધ્યાન કિરણના મેસેજ તરફ ખેંચાયું. તેણે વાંચવા માંડ્યુ.

‘I know the place of that video which you have posted. If you are interested, reply me.’

તેણે ફરીથી મેસેજ વાંચ્યો. તેના શબ્દો ટૂંકા પણ સ્પષ્ટ હતા.

કિરણ. આ માણસ પેલા વિડીયો વિશે અને તે સ્થળ વિશે પણ જાણે છે. મજાની વાત તો એ છે કે એ સ્થળ વિશે માહિતી આપવામાં પણ તેને રસ છે. વાહ, કેટલો સુંદર મેસેજ છે !

તે ઉત્સાહિત થઈ ગઈ. તેણે તરત જ વ્યોમાને ફોન કર્યો. વ્યોમા પણ વાત સાંભળી ઉછળી પડી.

“હેં? શું તે ખરેખર જાણે છે? અને પાછો મદદ કરવા પણ તૈયાર છે?“

“હા, વ્યોમા, હા.” નીરજા પણ ઉત્તેજિત થઈ ગઈ.

“તો પછી તેં તેને રિપ્લાય કર્યો? “ વ્યોમા અધિરી બની.

“ના, હજુ સુધી તો નથી કર્યો.”

“તો કોની વાટ જુએ છે? ફટાફટ રિપ્લાઇ કરી દે. અને લઈ લે બધી માહિતી. હમણાં જ. આજે જ. પછી આપણે...”

“ધીરજ રાખ, આમ...” નીરજાએ ઠંડો પ્રતિસાદ આપ્યો.

“અરે, આટઆટલા દિવસોથી આપણે જેની પ્રતિક્ષા કરતાં રહ્યા છીએ, એ પ્રશ્નનો જવાબ આપવા કોઈ તૈયાર થયું છે ત્યારે તું, તે તક ઝડપી લેવાને બદલે ધીરજ રાખવા કહે છે? કેમ?” નીરજાના ઠંડા જવાબથી અકળાઈ ઉઠી વ્યોમા !

“ઓ કે , બાબા. તું કાલે સવારે મળે એટલે આપણે તરત જ તેને રિપ્લાય કરી દઇશું, ઓકે ?”

“ઓકે.“ વ્યોમા સહમત થઈ ગઈ.

********

નીરજાએ કિરણના FB પ્રોફાઇલને ચકાસી લીધો.

નામ – કિરણ સાઇકિયા, ઉંમર 37 વર્ષ. Place- Shillong in Meghalaya .

Job – journalisam & Communication. સાથે સાથે લેખક પણ. બે નવલકથાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. બંને English ભાષામાં લખાયેલી છે. ત્રીજી નવલકથા ટૂંકમાં જ પ્રકાશિત થશે. અગાઉની બંને નોવેલ suspense thriller તરીકે લોકોએ વખાણી છે. ત્રીજી પણ એ જ શ્રેણીની હશે તેવું મનાય છે.

તે શિલોંગમાં રહે છે એટલે શિલોંગ વિશે ઘણું જાણે છે. પણ સાથે સાથે મેઘાલય પ્રદેશ અને તેની સંસ્કૃતિ વિશે પણ ઘણું જાણે છે. વગેરે.... વગેરે...

પ્રોફાઇલ વાંચ્યા બાદ નીરજા અને વ્યોમાને લાગ્યું કે આ માણસ કદાચ સાચું કહે છે. તેના પર ભરોસો કરી શકાય. આ માણસ કદાચ ખરેખર ઉપયોગી થઈ શકે. અને કદાચ ના પણ થાય, તો કયાઁ કશું ગુમાવવાનું છે? યોગ્ય નહીં લાગે તો બ્લોક કરી દઇશું.

બંને એક નિષ્કર્ષ પર પહોંચ્યા. આ માણસ સાથે દોસ્તી કરી લેવી. જે જાણવું છે તે જાણી લેવું જોઈએ.

“Sir Kiran, I would be thankful if you throw some light on the said video. I am waiting.”

એક લિટીનો મેસેજ પોસ્ટ કરી દીધો, નીરજાએ. પ્રતિક્ષા કરવા લાગી.

પરીક્ષા પૂરી થઈ ગઈ. ઘેર આવીને સીધું જ Facebook પર login કરી મેસેજ જોવા માંડી. અનેક મેસેજ હતા. Sir કિરણ સાઇકિયાનો પણ મેસેજ હતો. તે સીધી જ તેને વાંચવા લાગી,”Dear friend Nirja, the said video is shoot by one of my friend Sam Richard. This place does exist in real and the video and its contents are also real. If you want to know more, please contact him. He is on my friend list. All the best.”

તે ખુશ પણ થઈ અને થોડી નિરાશ પણ. કિરણ પાસેથી તેને આશા હતી પણ હજુ સુધી તેણે પણ ખાસ કોઈ વિશેષ માહિતી આપી ન હતી. પણ એટલું તેણે ચોક્કસ કહ્યું કે આ વિડિયો સાચો છે. તે સ્થળનું ખરેખર અસ્તિત્વ છે. તે વિડિયો પણ હકીકત છે. અને તે વિડિયો જેણે શૂટ કર્યો છે તે માણસ પણ છે. તે માણસનું નામ પણ તેણે આપી દીધું. તે માણસ facebook પર પણ છે. તેણે ... તેણે એક રસ્તો બતાવી દીધો છે મંઝિલ તરફનો.

કિરણ સાઇકિયા મંઝિલ ન બની શક્યા પણ માઈલસ્ટોન બનીને આગળનો રસ્તો અવશ્ય બતાવી રહ્યા છે. નીરજાએ તરત જ રિપ્લાઇ કર્યો. ‘Thank you, Sir. I will contact Sam Richard Sir.’

તેણે અને નીરજાએ સામ રિચાર્ડ નો પ્રોફાઇલ વાંચવા માંડ્યો. 34 વર્ષનો ક્રિશ્ચિયન, શિલોંગમાં રહેતો વ્યક્તિ. સરકારી નોકરી. હરવા ફરવા અને ફોટોગ્રાફીનો શોખ. તેના પ્રોફાઇલમા 188 વિડિયોસ અને 8819 ફોટોગ્રાફ્સ !

“વ્યોમા, આ માણસે શ્વાસ વધારે લીધા હશે કે ફોટો? અને વિડિયો તો વધારાના.” નીરજા તેના કાર્યથી પ્રભાવિત હતી.”

“નીરજા, એ બધા જ ફોટો અને વિડિયો સામ રિચાર્ડના જ હોય તેમ કેમ માની લે છે? બીજાના ફોટો અને વિડિયો પણ અપલોડ કર્યા હોય એવું ના બને?” વ્યોમા તેના પ્રભાવની બહાર નીકળવા પ્રયાસ કરવા લાગી.

“હા, યાર.”

“છોડ એ બધું. આપણે આપણાં કામથી જ સંબંધ રાખને?”

“યસ, વ્યોમા. તું સાચું જ કહે છે. તો, ચલ હવે મિસ્ટર સામ રિચાર્ડનો વારો.”

સામ રિચાર્ડના ઈનબોક્ષમાં મેસેજ પોસ્ટ કરી દીધો. તેનો રિપ્લાઇ પણ આવી ગયો. કિરણ સાઇકિયાએ તેને નીરજા વિશે જણાવી દીધેલું. એટલે સામ રિચાર્ડે પેલા વિડીયો વિશે ખૂબ જ સરસ માહિતી આપી હતી. તેઓ ધ્યાનથી વાંચવા લાગ્યા.

’આ સ્થળ શિલોંગથી 56 કિમી દૂર આવેલું છે. વિશ્વનું સૌથી વધુ વરસાદ ઝીલતું સ્થળ - ચેરાપૂંજી. વિડિયોમાં વરસાદના જે દ્રશ્યો છે, તેવા દ્રશ્યો અહીં અવાર નવાર સર્જાય છે. તેમાં ફોટોગ્રાફી કરવી ખૂબ જ જોખમી છે. પણ, હું તે કરી શક્યો છું.

જે પ્રચંડ ધોધ દેખાય છે, તે ચેરાપૂંજીથી 7/8 કિમી દૂર આવેલ ભારતનો સૌથી મોટો પ્રચંડ-ધોધ છે. તેનું નામ છે, નોહ કલિકાઇ ફોલ્સ. તે 350 મિટર ઉપરથી પડે છે.

અન્ય કોઇ માહિતીની જરૂર પડે તો મને પૂછી શકો છો.’

આટલી સચોટ અને ઝડપી માહિતી મળી જશે એવો બંનેમાંથી કોઈને અંદાજ ન હતો. મજા પડી ગઈ. ચેરાપૂંજી અને આસપાસના સ્થળો વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ ગઈ. ઇન્ટરનેટ પર સર્ચ કરી, ઘણું બધું જાણી લીધું. સામ રિચાર્ડે આપેલી માહિતી સાચી હતી. તેઓએ તેને આભારનો મેસેજ કરી દિધો.

બંને ખુશ હતી. કારણ? બસ બધી માહિતી મળી ગઈ હતી. અને સૌથી અગત્યની વાત એ હતી કે આ સ્થળ ભારતમાં જ છે.

બન્નેએ નક્કી કરી લીધું કે આ સમર વેકેશનમાં, બોર્ડ એક્ષામ પતાવીને, નીકળી પડશે ચેરાપુંજી માટે. વેકેશનમાં, મે- જૂન મહિનામાં.

બીજા રસપ્રદ વિકલ્પો