અનુકંપા
આ સાડી શાવરી માટે કહીને જેઠાણીએ સાડીના પોટલામાંથી ત્રીજી સાડી ઉપાડી લીધી. ચંદાએ તરત શાંવરી સામે જોયુ. શાંવરી હસી રહી હતી. ચંદાને જરા પણ ગમ્યુ નહી. ઘરની કામવાળી પ્રત્યે જેઠાણીનો આટલો લગાવ ચંદાને ગમતો નહી. એને અજુગતુ લાગતું પણ ચંદા કશું બોલાતી નહીં. એ જેઠનો સ્વભાવ જાણતી હતી. જેઠને ઘરમાં કોઈ ઉંચા અવાજે બોલે એ ગમતું નહિ.વળી એમને જેઠાણી માટે ખાસ લગાવ પણ ન હતો.એની પાછળ કારણ બીજું કોઈ જ નહિ પણ એ એમની પ્રકૃતિ જ હતી. ઘરથી દુકાન જવુ. પાછા આવવું, જમવુ અને બહાર જવુ અને રાતે ૧૨ પછી જ ઘરે આવવું. અઠવાડિયામાં ચાર દિવસ તો બિઝનેસ માટે બહાર જ રહેતા જોકે ઘરમાં હોય તો પણ શું ફેર પડતો હતો? જેઠાણી સાથે શાંતિથી વાત કરતા ચંદાએ એમને ભાગ્યે જ જોયા હતા. ક્યારેક ચંદા વિચારતી પણ ખરી કે સાસુએ એમને શું કામ પરણાવ્યા હશે ?એમને જેઠાણી નહિ પસંદ આવ્યા હોય કે ક્યાંક બીજે મન લાગેલું હશે ?પણ જેઠનું ઉદાસીન વ્યકિતત્વ જોતા ચંદાને લાગતું કે એના જેઠ કોઈના પ્રેમમાં પડે એવા માણસ નથી.ક્યારેક તો ચંદા વિચારતી કે આમને એક દીકરો પણ થયો કેવી રીતે ?ક્યારેક એ નચિકેત સાથે પોતાના મનની વાત શેર કરતી.નચિકેત એની વાત હસી કાઢતો.પણ ચંદાને ઘણીવાર થતુ કે જેઠાણી કેમ જેઠને કશુ નહી કહેતા હોય! જેઠ એમને સમય આપતા જ નથી. પોતે નચિકેત વગર કેટલી અધીરી થઇ જાય છે ! નચિકેત મોડો આવે કે બહારગામ જાય તો પોતે શિયાવિયા થઇ જાય છે. કામમાં મન લાગતુ નથી. ગુસ્સો આવે છે. અને નચિકેતને જોતા જ એનો ચહેરો ખીલી જાય છે. જયારે જેઠાણીને જાણે કોઈ ફરક જ પડતો નથી. એમને જેઠનું આળું વ્યક્તિત્વ જાણે સ્વીકારી લીધુ છે.
અને શાવરી, શાવરી તો ઘરની નોકર છે પણ વર્તે છે એમ કે જાણે ઘરની માલિક હોય.અને જેઠાણી તો શાવરી શાવરી કરી એની પર ઓળધોળ રહેતાં.
ચંદાને સાસુના મૃત્યુનો દિવસ યાદ આવી ગયો. કેટલા હકથી શાવરીએ જેઠાણીને કહી દીધું તું. ‘તેર દિવસમા શોક ઊતારી નાખજો,આમ પણ બા લીલી વાડી જોઇને ગયા છે.”વાત તો એની સાચી હતી .ચંદા પોતે પણ સુધારાવાદી વિચારો ધરાવતી પણ ઘરની અંગત વાતમાં ઘરની નોકારાણીનું બોલાવું એને ગમ્યુ નહિ. જેઠાણી પણ દરેક વાતમાં શાવરીની વાત માનતા એ જ રીતે આટલી મોટી વાતમાં પણ એમણે જાણે શાવરીનું કહ્યું માની લીધુ હતું.’
શાંવરી જેઠ સાથે પણ છુટથી બોલતી. એમના બેડરૂમમાં રહેલી શાવરીની આવન જાવન ચંદાને ખૂંચતી. એણે એકાદ વાર નચિકેતને કીધુ પણ હતું કે, ‘ભાભી શું આટલી શાવરીને મોઢે ચડાવતા હશે ? ગમે ત્યારે એમના રૂમમાં ઘૂસી જાય છે, સરખી ઉમરની કામવાળીને આટલી માથે ન ચડાવાય, એમને ખબર નથી પડતી કે ઘરમાં ઘર કરી જશે?’
ઘણીવાર એવું બનતુ કે જેઠ બહારગામથી સવારે ઘેર આવે ત્યારે જેઠાણી સુતા હોય અને શાવરી જેઠને ચા બનાવી આપતી.જેઠાણીને બને એટલી રાહત રહે એ રીતે એ જેઠનું બધુ કામ ઉપાડતી.ચંદાને એ દિવસ યાદ આવ્યો જે દિવસે એણે જેઠાણીને શાવરી સાથે વાત કરતાં સાંભળ્યા હતાં ,”આજ જરા વહેલી પરવારજે.આજે ‘એ’બહારગામ જવાના છે.”શાવારી હસી હતી .એ જેઠાણીના રૂમમાં જેઠનો સામાન પેક કરવા ઘૂસી ગઈ એ ચંદાને નહોતું ગમ્યું.
ચંદાએ જેઠાણીને ટકોર પણ કરી “ભાભી,તમારાથી રહેવાતું નથી બધુ શાવરીને કીધાં વગર ?તમારા વરનો સામાન તૈયાર કરવો એમાં શાવરીનું શું કામ ?”
‘’કેમ ?તને શું તકલીફા થઇ ?એમાં તારે વચ્ચે ના બોલાવું.’’કયારેય રુક્ષતાથી વાત ના કરનારા સ્નેહાળ જેઠાણી એ જરા અણગમા અને કરડાકી સાથે ચંદાને બંધ કરી હતી.એ પછી કામવાળી બાઈ શાવરી માટે ચંદાનો અણગમો બેવડાયો હતો.
એણે નચિકેતને ભાભીની ફરિયાદ કરી હતી પણ નચિકેત વાત ઉડાડી હતી કે,” ભાભીની કંપની જ શાવરી છે તો એમને નહિ ગમ્યુ હોય તારુ બોલવું,અને તું તો બસ મારું ધ્યાન રાખને જાનેમન”કહેતા નાચીકેતે એને પાસે ખેંચી લીધી હતી.ચંદા પણ એ વાતમાંથી બહાર આવી નચિકેતમાં ઓગળવા લાગી હતી અને આખી વાત બાષ્પીભવન થઇ ગઈ. પણ ચંદાના મનની ચણચણાતી ગઈ નહિ.એ નોંધતી કે શાવરી પણ ભાભીનું બહુ ધ્યાન રાખતી. માથામાં તેલ નાખતી. હાથ-પગ દબાવતી, ક્યારેક ભાભીને આખા શરીરે માલિશ પણ કરી આપતી. જેઠની ગેરહાજરીમાં ભાભીના રૂમમાં જ સુઈ જતી.
શાવરી નામ મુજબ હતી શ્યામ પણ સોહામણી હતી.ઘાટીલું દેહલાલિત્ય લોકોના ઘરના કામનું પરિણામ હતું.કામકાજમાં સુજકો પણ ભારે.સ્વભાવની પણ હસમુખી .ચંદા ક્યારેક વિચારતી કે શું ઉણપ હતી શાવરીમાં કે શાવરીનો વર પડોશણને લઈને ભાગી ગયો ?વર ભાગી ગયો ત્યારથી છોકરાને ગામડે માં પાસે મુકી શાવરી ચંદાના પરિવાર સાથે જ રહેતી.ઘરનું બધું કામ શાવરીએ કુશળતાથી ઉપાડી લીધેલું .ઘરમાં કોઈ પણ કામ માટે સૌ શાવરીને જ બુમ પાડતા.એટલે જ આટલી માથે ચડી ગઈ છે.એમ ચંદા વિચારતી.નચિકેત સાથે તો રીતસર જગાડો કરી ચંદાએ વાતવાતમાં શાવરીને બુમા પાડવાનું બંધ કરાવ્યું હતું.
એમાં આજની સાડી વાળી ઘટનાએ ચંદાના મનમાં શાવરી માટેના છુપા રોષમાં વધારો કર્યો.એ મનોમન બોલી ઉઠી.”શાવરીને વળી ભાભીએ આટલા લાડ શું કરવાના? એની સાડી ન લીધી હોય તો ન ચાલે !” ચંદાના ચહેરા પર છલાકાતા અણગમાના ભાવ ભાભીથી છાના ના રહ્યાં.
“‘ચંદા, શું વિચારે છે આટલું બધુ?” ભાભીના રણકાથી ચંદ્રાની વિચાર યાત્રા તૂટી.શાવરી પોતે પણ ચંદાના પોતાની પરત્વેના ભાવથી પરિચિત હતી.એ તરત જ બોલી “મારે ક્યાં સાડી પહેરી બહાર જવું છે ?મારે માટે સાડી ન લ્યો “.
જેઠાણીએ સાડી ચુપચાપ શાવરીના હાથમાં પકડાવી દીધી એ જોઈ “‘કશુ જ નહી’’ કહીને ચંદ્રા સાડી લઇ પોતાના રૂમમાં ચાલી ગઈ. એનો રોષ એના વર્તનમાં છલકાઈ આવ્યો,એણે નક્કી કર્યું કે આજે તો નચિકેત આવે એટલે વાત કરાવી જ છે.શાવરીને એના ગામ ભેગી જ કરી નાખું.ચંદાથી સ્ત્રી સહજ જ જેઠાણીનો શાવરી પ્રત્યેનો સ્નેહ જીરવાતો નહોતો.એને જેઠાણીનું શાવરીને એક સરખી સાડી લઇ આપવું જરા વધુ પડતું લાગ્યું. ચંદા પોતાના રૂમમાં થોડીવાર તો વિચારે ચડી. એ જેઠના તદન નિરસ/નિસ્પૃહી વર્તન વિશે વિચારતી રહી. એવુ નહોતુ કે જેઠમાં કોઈ ખામી હતી. તો શું ખૂટતું હતું બંને વચ્ચે ?કદાચ શાવરી તો........
ચંદ્રાએ ઘણીવાર જેઠના બેડરૂમમાંથી ધીમા અસ્પષ્ટ અવાજ સાંભળ્યા હતાં. કયારેક ઊંહકારા તો કયારેક ધીમું હસવાના અવાજો. ચંદા એ અવાજને સ્પષ્ટ ઓળખતી હતી અને એટલે જ એને શાવરી પર ઘૃણા હતી. એને સતત થતુ કે જેઠાણી કેમ આટલું સમજતા નથી? એની અકળામણ વધતી ચાલી, એ ઉભી થઇ અને એણે ચા બનાવવાનું વિચાર્યું, ત્યાં જ એનું સાડીમાં ધ્યાન ગયું કે સાડીમાં તો સહેજ આંતરી હતી, એ સાડી લઇ ઝટઝટ જેઠાણીના રૂમમાં જવા નીકળી કે જો સાડી વાળો હજી હોય તો બદલાવી લેવાય. રૂમનો દરવાજો જરાક ખુલ્લો હતો. રૂમમાંથી ધીમુ હસવાનો અવાજ સંભળાયો, એણે અર્ધ ખુલ્લું બારણું ખખડાવ્યા વગર રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશતાની સાથે જ એ તરત જ પાછી ફરી ગઈ.
ચંદ્રા સ્તબ્ધ થઇ ગઈ હતી.. ઘડીભર એનો શ્વાસ અટકી ગયો, રૂમમાં પલંગ પર એક જ સાડીમાં એકમેકને વીંટળાઇને પડેલા બે સ્ત્રીઓના અર્ધનગ્ન શરીરે એને જેઠના રૂમમાંથી આવતા શાવરીના ઉહકારાનું રહસ્ય સમજાવી દીધું હતું. પહેલી વખત ચંદાને પોતાની એકલતા ઠારવા મથતી બે સ્ત્રીઓ પ્રત્યે અનુકંપા થઇ આવી.
ગોપાલી બુચ
gopalibuch@gmail.com