Ae zindagi gale laga le.. books and stories free download online pdf in Gujarati

એ જીંદગી ગલે લગા લે....

એ જીંદગી ગલે લગા લે......!

ખોવાઈ જતી જીંદગીને પકડી રાખવાની ચાહમા ને ચાહમાં ક્યારે જીંદગી હાથ છોડાવીને ચાલવા મંડે ખબર નથી પડતી.ક્યારેક આબાદીની ચાહમા બરબાદી તરફ ફંટાઈ ચુકેલી જીંદગીનો અંદેશો નથી હોતો અને જીંદગી ભારી ભરખમ બોજ બનીને રહી જતી હોય છે.

જીવનના ઉબડ ખાબડ રસ્તાને જોવાનો એક અલગ અંદાજ જો મળી જાય તો એ જ ભારી ભરખમ બોજ એક્દમ હળવાંફુલ તણખલાં જેવાં લાગવા લાગે.અરે યાર ! જીવન છે.બધાં એમ આર એફના ટાયરને એરપોર્ટના રનવે જેવો લિસ્સો ,ચકચકિત રસ્તો ના પણ મળે.કેટલાક ટાયરે તો વારંવાર પડતાં પંચરને રિપેર કરીને પણ દોડવું પડે.એની જ મજા છે.ઈમારત જેટલી જર્જરિત એટલો જ એનો ઇતિહાસ બુલંદ !

પ્લાસ્ટિક પેઇન્ટિયા ડીમલાઈટના અજવાળામા પ્લાસ્ટિક્યા સ્માઈલને ચીપકાડીને ચિક્કાર દંભ સાથે જીવાતી જિંદગી કરતાં” હુ કેર્સ “ના વટથી “કમ વોટ મે”ની આગવી અદાથી જીવાતી જીંદગી કોઈ કાચી પાકી ઝુપડીની ફાટેલી ગોદડીની હૂંફ હેઠળ પણ લહેજતથી ફૂંકાતી સિગરેટના કશ જેવી કે નીટેનીટ પ્લેન જુની વોડકાના ઘોળાતા જતા નશાના દોરેદમામ હેઠળ દિલ સે રે....દિલ સે રે...નો રુઆબ ભરી જવાની એ નક્કી છે.

ક્યાં સુધી બનાવટી અને પતાવટી દોર હેઠળ કચકડે હસતી જીંદગીને વેંઢારવાની ?ખુલીને જિવન જીવવામા શું નડે ?સમાજ ,રીતરિવાજો,સો કોલ્ડ સંસ્કારની વાતો....!અને સંસ્કાર પણ કયા ?કોણે નક્કી કરેલા ?કોણ નક્કી કરે કે શુ સાચુ કે શુ ખોટુ?સંસ્કાર નામના વૈશ્વિક શબ્દને આપણે આપણા ચોખલિયા દાયરામા બાંધીને મુકી દીધો છે.કારણ એને આપણે આપણી સગવડ મુજબ વાપરવો છે.

હકીકત તો એ છે કે શુધ્ધ જીવો,કોઈને તકલીફ ન કરો,સત્યનો સાથ આપો અને એ આપવા જેટલી હિંમત પણ કેળવો,થોડામાથી પણ થોડુ કોઈ માટે યોગદાન કરો. જે કરો એ કબુલવાનું સામર્થ્ય કેળવો.સૌથી મોટો સંસ્કાર તો એ કે જાત સાથે વફાદાર રહો.જે ઘડી એ અરિસા સામે નિરાવૃત થઈને ઉભા રહો ત્યારે આપણુ જ પ્રતિબિંબ આપણને ધુંધળું ન દેખાય એ જ ખરા સંસ્કાર.બાકી સંસ્કાર કોઈની પોતિકી જાગિર તો નથી જ કે એને પોતાની રીતે મુલવી શકાય અને એ પણ પાછું આપણે તો બીજાને પણ આપણા મુજબ મુલવી લઈએ ! એ કયા સંસ્કાર ?

ઉપર ઉપરથી સુફિયાણી વાતો કરતાં ખોખલિયા ,દંભી સમાજમા છાને ખૂણે ચાલતી ગળાકાપ સ્પર્ધા અને કૂથલીની ચર્ચા પણ ક્યારેક શરમજનક લાગે છે.

પણ ,એ તો આડ વાત.આપણો વિષય એ નથી.આપણે તો જીંદગી નામના એક પત્થરને તોડી,ફોડી ,મરોડીને વગર શેપ આપ્યે જ શેપઅપ કરી ગુરુત્વાકર્ષણના દરેક નિયમોને નેવે મુકી બિન્દાસ ઉછાળવાની વાત કરવી છે. એને મઠારવાની વાત કરવી છે.જીવનને અજવાળવાની વાત કરવી છે.ઘોર અંધકાર વચ્ચે પણ જે પોતીકુ અજવાળું લઈ ઝળહળે એ જ જીવનનો અર્ક પામી જાણે.

ચાર આંસુ કે ચાર છેડા વચ્ચે અટકવાનું નામ જીવન નથી.એ અવિરત ચાલતી પ્રોસેસ છે.પુનરપિ જનમમ્,પુનરપિ મરણમ્,પુનરપિ જનનિ જઠરે શયનમ....એમ તો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે.આને એતલે જ જીંદગીને બે હાથ ફેલાવી કહેવું પડે,"મેરે ઘર આના જીંદગી"...અને ઘેર આવેલા જિવનની પરોણાગત પણ માવજત માંગી લેતી હોય છે.ત્યારે ,"મેં જીંદગીકા સાથ નિભાતા ચલા ગયા,હર ફીક્રકો ધૂંએમે ઊદાતા ચલા ગયા"એ ખુમારી સાથે જે જીવનની નાવને મધદરિયે મુકે છે એ ચોક્કસ પાર પણ ઉતરે છે જ્.

પડકારો ન હોય તો જીંદગીનો રણકાર પણ અ શૂન્ય થઈ જાય.બધું જ સારું સારું જ જો જીવનમા રહે તો આપણી માટી કદી પાકી થાય જ નહીં.એ સરકસના સિંહ અને જંગલના સિંહ વચ્ચેના તફાવત જેવું .ત્રાડ તો બન્નેની હોય છે પણ જંગલના સિહની ત્રાડને 'ડણક" કહેવાય છે.એ તો જે પારખે એ જ જાણે.

એવુ જ જીંદગીનું પણ છે.જાતે ટીપી ટીપીને તૈયાર થયેલું માટલું પાક્કું ટકોરાબંધ ત્યારે જ ઉતરે જ્યારે ભીતરનો કુંભાર જાગૃત થઈ જાય.માટી ખુંદતા પગે છાલા પણ પડે અને હાથમા ટીપાતા ટીપાતા લોહીઝાણ ટશિયાં પણ ફૂટે.એ ખમી ખાવાની તૈયારી હોય ત્યારે જ પાક્કું ઘડતર થાય.એ જ સાચી પરખ છે માટી ટીપાઈ ગઈ છે એની.

તકલિફોમા માથે હાથ દઈ બેસવું એના કરતાં રસ્તો કાઢતાં શિખવું એ જ તો જીવનનો ખરો રંગ છે.માત્ર વિચારો અને વાતો સફળતાની કેડી નથી કંડારતાં.તન -મનની એકાગ્રતાથી કરેલું કાર્યસંધાન સફળતાના નકશા ખોલી આપે છે. આમ જોવા જાવ તો કઠોર પરિશ્રમ, પ્રશ્નો અને પડકારોનો ઈતિહાસ સાક્ષી છે. કોને તકલીફો નથી આવી. પૃથ્વીની ઉત્પતિથી ભટકતું જીવન જીવતો મનુષ્ય ઉત્ક્રાંતિવાદના પગલે પગલે ભવ્ય આલિશાન ઈમારતો સુધી પહોચ્યો એમાં કેટલીય તબાહીનો સામનો કરવો જ પડ્યો હશે. આ તો સામુહિક વિકાસ થયો પણ માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ નહિ પણ વૈશ્વિક લેવલે પણ વ્યક્તિગત સફળતા માટે તનતોડ મહેનત તો દરેક માણસે કરવી પડે છે જ અને તે જ જીવન સાફલ્ય છે.

જિંદગી પોતાની મસ્તીમાં જીવવી એટલે એવું નહિ કે જવાબદારીથી ભાગવું કે એશો આરામમાં જીવવું પણ ગમે તે કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું હોવાપણું જાળવીને જીવવું, નિજાનંદમાં જીવવું. રડતી સુરત કોઈને પસંદ નથી હોતી, એવું ખળભળાટ જીવન હોવું જોઈએ કે બીજા ભાંગી પડેલાને ઉભા થવાનું કૌશલ્ય આપણને જોઇને પ્રાપ્ત થાય. જિંદગીનો ઉત્સાહ જાળવી રાખવાનો છે. બીજા માટે ઉર્જાસ્ત્રોત સાબિત થવાનું છે. જિંદગીની ક્ષણોને આગોશમાં સમેટીને દોડી જવાનું છે. પેલા બંધ દરવાજાની પેલે પાર કોઈ રસ્તો ટમટમતા કોડિયા સાથે આપણને સુરજની ભેટ ધરવાની ચાહમાં ઉભો છે એ ભુલાય નહી એ યાદ રાખી "ઇન રાહો પે રાહી ચલતે જાના રે..."

કારણ,

"Life goes on,

Whether you choose to move on and take a chance in the unknown or stay behind, lacked in the past thinking of what could've been"

આગળ વધવા માટે જાતને પણ જોરથી ધક્કો મારવો પડે છે.મા ના ગર્ભમાથી બહાર આવવા તરફડિયાતા એમ જ. અભિપ્રાયોના ચોસલામા થીજેલી જીંદગીને તાજા લોહી જેવી ગરમાગરમ કરીને વહેતી મુકવી પડે.પછી તો એ એનો રસ્તો જાતે જ કરી લે છે.પછી જ મજા છે એ જીંદગીને ફરી રંગ જમાવીને જામતી જોવાની.પછી એ રગશિયા ગાડા જેવાં ચોસલામાથી મુક્ત -આઝાદ થઈ સૂરજના ફેલાતા પ્રકાશી કિરણની જેમ કણ કણમા મુક્ત બની એક વિરાટ પંખીની જેમ ગગનમા વિસ્તરે છે.એ જિવન ખીલી ઉઠે છે.અને સમગ્ર અસ્તિત્વ ઝળહળ ઝળહળ થઈ ઉઠે છે.ત્યારે ફરી વાર મસ્ત મસ્ત જીંદગીને બે હાથમા સમેટી ગાઈ જવાય છે....હે જીંદગી ,ગલે લગા લે...!"

ગોપાલી બુચ.

૧૭/૧/૧૬

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED