સત્ય વાયા Brain v s Heart Gopali Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય વાયા Brain v s Heart

સત્ય વાયા Brain v/s Heart

સત્ય ! કયુ સત્ય ? જે આપણને દેખાય છે એ ? આપણે સાંભળ્યું છે એ ? આપણે માન્યુ, સ્વીકાર્યુ છે એ ? કોણ નક્કી કરે કે મારું સત્ય શું કે તમારું કે કોઈનું પણ સત્ય શું ? એ નક્કી કોણ કરે ? સત્યનો માપદંડ શું ? મહાભારતના સમયથી સત્યવાદી યુધિષ્ઠિર એમના સત્ય માટે ચર્ચાતા રહયાં ? કૃષ્ણની જીવનગાથા પર પણ ઘણા પ્રશ્નો સત્યના નામે ચર્ચાયા, શું રામાયણમાં સીતાનું સત્ય-સત્ય ગણાયું ? કદાચ મનુસ્મૃતિ ના સમયથી જ સૃષ્ટિના ઉત્પત્તિકાળથી જ સત્યના અલગ અલગ સંદર્ભો ચર્ચાતા હશે જેમાં આપણે આપણો સમય લઈને જોડાઈ ગયા છીએ એમ કહીએ તો ખોટુ નથી.

સત્ય માણસના જીવન કવન સાથે જોડાયેલું છે.વ્યક્તિગત રીતે સત્યની પરિભાષા અલગ અલગ હોઇ શકે.પહેલી જ નજરે મને દેખાતુ સત્ય અન્યને માટે માટે સત્ય ના પણ હોય.એ જ રીતે કોઈ અન્યનું સત્ય મારા માટે અસત્ય હોઇ શકે છે.હુ અહીં એવા સત્યની વાત નથી કરી રહી જે સનાતન સત્યો છે.જો કે એમાં પણ મત મતાંતર હોઇ શકે છે.મહાભારત ના યુધિષ્ઠિર એનો જગ વિખ્યાત પુરાવો છે.પણ આપણે તો આપણી જ અંદરના સત્યની વાત કરવી છે.એ સમયની જ્યારે આપણી નિર્ણય શક્તિ સત્યની શોધમાં દાવ પર લાગી હોય.

જીવન છે ,એમાં એવી પળ પણ આવે જ્યારે અણગમતા નિર્ણયો લેવા પડે એ સમયે જાણે પગ નીચેથી ધરતી સરકતી હોવાનો અહેસાસ થાય.ગળે ડૂમો બાઝે અને આંસુને આંખની અંદર જ પી જવા પડે.ભાગી છુટવાનું મન થાય અને પગમાં મણ મણની બેડી પડ્યાનો બોજ વરતાય.કેમ આવતી હશે આ વિકટ અવસ્થા?કયું પરિબળ હોય છે જે આપણને અવઢવમા જકડી રાખે છે ?

એ છે બ્રેઈન v/s હાર્ટ ની બિટવીન ધ લાઈન.જે આપણને વાંચતાં નથી આવડતી. જે વાત સ્વીકારવા સમાજ તૈયાર હોય, જે સત્ય સમાજને દેખીતું જ વળગતું હોય એ કદાચ વ્યક્તિગત રીતે આપણી બુધ્ધિ નથી સ્વિકારી શકાતી.કદાચ એને એ સત્ય સ્વીકારવું જ નથી હોતું.જ્યારે લાગણીની માત્રા વધારે હોય ત્યારે બૌધ્ધિક સત્યોનું મૂલ્ય ઓછુ થઇ જાય છે. મમતાના મોહમાં સત્ય તરફ આંખ મિચામણાના ઘણાં દુખદ પરિણામનો આપણો ઈતિહાસ સાક્ષી રહયો છે.અસત્યનો સ્વીકાર મોહાંધ હોય છે.મહાભારતના ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી ....!એક તરફ પુત્રપ્રેમ અને બીજી તરફ નૈતિક મુલ્યો .પણ એમની મોહાંધ દ્રષ્ટિએ પુત્ર પ્રેમ વહાલો કર્યો.બધુ જાણતા હોવા છતતા બુદ્ધિ હારી ગઈ અને મહાભારત સર્જાયું.

સીતાની પવિત્રતા અંગે શ્રી રામચંદ્ર નિસંદેહ સ્પષ્ટ હતા .તો પણ એમને રાજકીય નીતિમત્તાને મહત્વ આપ્યું કે મારા રાજ્યનો એક સામાન્ય માણસ પણ જો એમની રાજરાણી માટે શંકાસ્પદ વિચારો ધરાવતો હોય તો સીતાનો અસ્વીકાર એ જ એક રસ્તો છે.કયું સત્ય હતું અહિયાં ?એમની કર્તવ્ય નિષ્ઠા શું માત્ર સીતાત્યાગ થી જ સાબિત થતી હતી ? એક તરફ પત્ની પ્રેમ અને એક તરફ પ્રજા.તુમુલ યુદ્ધ સર્જાયું હશે રામના હૃદયમાં .અને આખરે બુદ્ધિનો વિજય થયો.રાજકીય બુદ્ધિનો કહેવું વધુ યોગ્ય રહેશે.. રામચંદ્ર સત્ય જાણતાં હોવા છતાં કર્તવ્યનિષ્ઠ હોવાને કારણે સીતા માટે અન્યાની નિર્ણય કરી બેઠાં, બોલો ,અહી કયું સત્ય સ્વીકારી શકાય ?પુરાણોમાં તો આવા દાખલાં મળતાં રહે છે. મળશે પણ આપણો વિષય માત્ર સત્યને શોધવાનો જ નથી, સત્ય સુધી પહોંચવામાં શું આડુ આવે છે એની ચર્ચા કરવાનો છે.

જયારે લાગણીઓ આંધળી બને છે ત્યારે બુધ્ધિ બહેર મારી જાય છે. કહે છે ને પ્રેમ અંધ હોય છે. ખુલી આંખે પ્રેમ એ સત્ય નથી જોઈ શકતો જે બીજા બંધ આંખે પણ પારખી શકતા હોય છે. અહીં પ્રેમને કોઈ એક જ દાયરામાં નથી મૂલવ્યો. લાગણી એટલે માત્ર કોઈ પ્રેમ સંબંધો જ નહિ પણ જીવનમાં આવતી કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિ જ્યારે માણસની લડાઈ પોતાની જાત સાથે જ સર્જાતી હોય છે ત્યારે વિચારોમાં યુધ્ધ રચાય છે. બુધ્ધિ કશુંક કહે જે હૃદયના ભાવને બુધ્ધિ નિષ્ઠુરતા પૂર્વક હસી કાઢતી હોય ત્યારે માનવી to be or not to be ની અસમજસમાં ફગોળાતો હોય છે. દ્વિધાયુક્ત પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતો માણસ જો લાગણી તરફ ઢળે તો ફના થવાની તૈયારી પણ રાખવી પડે છે.ખબર નથી કે લાગણીના ભાથામાંથી ભાગમાં શું આવશે ? અને બુધ્ધિના માપદંડની હથોટી બને તો ન ગમતા સંજોગોને વશ થવું પડે છે. બુધ્ધિ લાગણીઓનું લોહી ચૂસી વિકસતી હોય છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દિલ કહે એમ કરવું ,બુદ્ધિ બહુ વિચારી વિચારીને જીવાડે છે.બુદ્ધિ એવી ઘણી પળોને ઝુટવી લે છે જેણે આપણે દિલથી જીવવી હોય છે. તો ક્યારેક એવું પણ લાગે કે તર્કશાસ્ત્ર જીવન જીવતા પણ શીખવાડે છે. મહત્વ સંજોગ અને સમયનું છે. પર્વતની ટોચ પર ઉભા રહીને ખીણમાં ભુસકો મારવાનો આનંદ પામવાનું દિલ કહે પણ એ ન કરાય, ત્યારે બુધ્ધિની જ વાત સ્વીકારાય, પણ જો ખીણથી પર્વતની ટોચ તરફ આગળ વધવું હોય તો હૃદયસ્થ જુસ્સો કામ આપે, અલબત બુધ્ધિને ત્યાં પણ કામે તો લગાડવી જ પડે, પણ ત્યારે સતત તર્કશક્તિ કામે લગાડી ફ્ર્સટ્રેટ થવાને બદલે સારી નરસી બાજુઓને મુલવીને પણ આગળ તો વધતાં જ રહેવું પડે.ક્યારેક દિલથી જીવી પણ લેવું પણ એ બીજાને કે આપણને નુકશાન કરતા ના હોવું જોઈએ.

લાગણી વિષે જર્મન પોએટ જ્હોન વોલગેંગ લખે છે “All the Knowledge possess everyone else can acquire but my heart is all my own,” આ હૃદયની વાત છે.મારું હૃદય મારું છે એ જ કેટલી જીદાદીલી બતાવે છે.એક બ્રિટીશ ફિલોસોફરે કહેલું વાક્ય યાદ આવે છે (કમનસીબે નામ ભુલી ગઈ છું) ,”We Know too much and feel too little of those creative emotions from which a good life springs.”

જયારે લાગણીની વાત આવે ત્યારે લીલો છમ રંગ નજરમાં આવે, વસંતનો વાયરો ચારે તરફથી મનતરંગને ભીંજવી જાય, એક અજીબોગરીબ નશામાં મન સતત મહાલતુ રહે, પણ જયારે એજ લાગણીઓને કાળો રંગ લાગે ત્યારે હૃદયથી ઉપર મસ્તિષ્કમાં રહેતાં મગજમાં એક નાનો તણખો ઉભો થાય, ત્યારે અંધત્વણે ત્યજી એ પ્રકાશને પામી લેવાનો હોય છે, કોઈપણ સમયે, કોઈપણ પરિસ્થિતિમાં બુધ્ધિ ક્યારેય દગો નથી કરતી. લાગણી છેતરામણી હોઈ શકે, બુધ્ધિ નહી. આપણી ન ચાલે તો બીજાની વાપરવી પણ એક વાર બુધ્ધિ સાથે સંજોગોનો તાલમેલ સાધવો જરૂર. બુધ્ધિમાનોનો અભિગમ પણ ચકાસી તો બર્નાડ રૂશેલ જેવા ફિલોસોફર કહે છે, Both in thought and in feeling, even though time be real, to realize the unimportance of time the gate of wisdom.

બર્નાડ શોનું એક બહુ સરસ વિધાન છે, “The good life is one inspired by love and guided by Knowledge”.

બુધ્ધિ અને લાગણી બન્નેનું મહત્વ જીવનમાં એક સરખુ છે પણ જયારે સંજોગોના શિકાર થઈએ ત્યારે આ માનવમનમાં સર્જાતુ એ બળીયાનું એવું દ્વન્દ છે કે જેમાં પિસાવાનું તો માણસે પોતે જ હોય છે. બુધ્ધિથી પ્રેમ થઇ શકતો નથી અને હૃદયથી પ્રેક્ટીકલ થવાતું નથી આ બન્ને પરિસ્થિતીમાં માણસ બિચારો હાંફી જતો હોય છે કદાચ આ એક એવી લડાઈ છે જેનો અંત નથી. પણ તો પણ વિદ્વદ જનોને એવું કહેતાં સાંભળ્યા છે કે લાગણી જયારે આંધળી થાય ત્યારે બુધ્ધિથી જોવાનું રાખવું .સત્ય વાયા બુધ્ધિ પ્રકાશીત થતું હોય છે, કદાચ પરિસ્થિતીને મુલવવાનો માપદંડ બુધ્ધિ પાસે રહેતો હોય છે. May be એ જ સત્ય હોઈ શકે.

ગોપાલી બુચ.

gopalibuch@gmail.com