Ohh Womaniaaaa....! Gopali Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ohh Womaniaaaa....!

નારી તુ નારાયણી

અનંત આકાશમાં ફેલાયેલો પ્રકાશ એટલે સ્ત્રી, ચાંદનીની શિતળતા અને સૂરજનાં પ્રખર તેજનો સુભગ સમન્વય એટલે સ્ત્રી. ઈશ્વરના આ અદભૂત સર્જનને શબ્દોમાં વર્ણવવુ તો લગભગ અશકય જ છે.
સંબંધોના અલગ અલગ નામ હેઠળ જીવતી એક આખેઆખી સ્ત્રી અંતરના શૂન્યાવકાશને પોતાના જ ખાલીપાથી ભરીને આસપાસના વાતાવરણમાં આનંદની આભા પ્રસરાવતી રહી છે. જવાબદારીઓની સંપૂર્ણ સભાનતા સાથે હવે ઘરના ખૂણેથી બહારી દુનિયાની ભરચક ભીડમાં સ્ત્રીએ એક પગ મૂકી પોતાની જગ્યા કાયમી કરવાની કસરત આરંભી દીધી છે. એક જમાનો એવો પણ હતો કે સ્ત્રી ઘરની ચાર દિવાલો પુરતી જ સિમીત હતી, પણ હવે એવું રહયુ નથી. શિક્ષણની સભાનતા, વૈચારિક કાંતિ અને પેઢી દર પેઢી થતા રહેલાં વિકાસે સ્ત્રીઓને પણ પાંખો આપી છે. સ્ત્રી પોતાના વ્યક્તિત્વ અને અસ્તિત્વ અંગે જાગૃત બની છે. આધુનિક સમાજમાં મહદ અંશે એનો સ્વીકાર પણ થઇ રહયો છે. પણ તો પણ જે પ્રમાણમાં થવો જોઈએ એ પ્રમાણમાં નહી.
આજે દરેક ક્ષેત્રે સ્ત્રી પોતાની ક્ષમતા પૂરવાર કરી ચુકી છે. ઘરથી શરૂ કરીને અંતરિક્ષયાત્રા સુધીનો કારભાર સ્ત્રી સક્ષમ રીતે ચલાવી શકે છે. પણ સૌથી શરમ જનક બાબત એ છે કે નારી આ બધુ જ કરી શકે છે એ એણે ઢોલનગારા સાથે પુરવાર કરવું પડે છે. કહેવું પડે છે.
કોઈપણ ક્ષેત્ર ચકાસો. શિક્ષણ, સાહિત્ય, સમાજસેવા, વિજ્ઞાન, અંતરિક્ષ, વેપાર ઉદ્યોગ, ગ્લેમર, રાજકારણ, મીડિયા, કૃષિ પશુપાલન, બેંકિંગ, કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીએ પોતાની કુશળતા પુરવાર ન કરી હોય, તો પણ એણે પોતાના હક માટે લડવું પડે છે.
તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝીને એશિયાની ૫૦ પ્રતિભાશાળી મહિલાઓની યાદી બહાર પાડી છે જેમાં છ મહિલા ભારતીય છે. જેમાં બેંકના પ્રમુખ, સીઈઓ, સ્થાપક, જેવા ટોચના પ્રભાવશાળી હોદદા પર મહિલાઓ બિરાજમાન છે.
કહેવાનું તાત્પર્ય એટલું કે નારીશક્તિ નારાયણી છે જ છતાં પણ મેલડોમિનેટીંગ સોસાયટીમાં એની ઓળખનો સાહજિક સરળ સ્વીકાર થઇ શકતો નથી. આજે પણ એવા વિચારો છે જ કે સ્ત્રીની પરખ એના રસોડાથી જ થાય. સ્ત્રીને એક ચોક્કસ માળખામાં કેદ કરી જ મુલવવામાં આવે છે. એના વિચારો, વર્તન, સંબંધ, મિત્રતા આ તમામ વાતો માટે એણે ખુલાસા કરવા પડતા હોય છે. પુરૂષો જેટલું મુક્ત વાતાવરણ આપણો સમાજ સ્ત્રીને પુરે નથી પાડી શકયો એ નિર્વિવાદિત સત્ય છે. સ્ત્રી હોવાના નામે એના વ્યક્તિગત વિકાસને રૂંધવામાં આવે છે. એના વ્યક્તિગત, નિર્ભિક નિર્ણયોને શંકાની નજરે જોવામાં આવે છે.
આ આક્રોશ એટલે ફૂટીને બહાર આવ્યો છે કે આઠમી માર્ચ સમગ્ર દુનિયા “આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ”તરીકે ઉજવે છે પણ વિચાર કરો તો આ દિવસની ઉજવણીના મૂળમાં પણ સ્ત્રીને કરવામાં આવતો અન્યાય જ રહેલો છે. ૧૯૧૧માં પહેલો આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવાયો, જાણો છો કેમ ? એ દિવસે સ્ત્રીઓએ સમાનતાના હક અને મતાધિકાર માટે ઉપાડેલી લડતનો વિજય થયો હતો. એ પણ પશ્ચિમી દેશોમાં કે જેના માટે સામાન્ય આપણને એવી માન્યતા ઘર કરી ગઈ છે કે એ લોકો તો બહુ જ વિશાળ વિચારોનાં છે.
એ પછી ૧૯૨૯માં વર્જીનીયા વુલ્ફ નામની લેખિકા “એ રૂમ ઓફ વન્સ ઔન” નામે પુસ્તક લઈને આવે છે, જેમાં સ્ત્રીને પોતાની સ્પેસ, સ્વતંત્રતા આપવાની વાત છે. ગુજરાતીમાં “પોતાનો ઓરડો” નામે અનુવાદ પ્રાપ્ય છે. સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતી નારીની કથા ! ગુજરાતી લેખિકા કુંદનિકા કાપડિયા ‘સાત પગલા આકાશમાં’ માંડે જેમાં પણ નારી સંવેદનો પ્રતિબિંબિત થાય, કાજલ ઓઝા ‘મૌનરાગ’નો આલાપ છેડે. શ્રી રસિલા કડિયા ‘બસ હવે બહુ થયુ’ દ્વારા અત્યાચાર સામે પડધો પાડતી લાઇબિરિયન સ્ત્રીઓની વાત લઈને આવે. લેખિકા કુસુમ ચોપરા ‘નિર્ભયા’ દ્વારા સ્ત્રીની નિડરતા, આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે. દરેક સ્ત્રી એની લેખિનીમાં સ્ત્રીનો અવાજ એક ના પરખાય એવી ત્રાડ થઇ ઉઘડે છે. પોતાની વાત, મોકળા મને જીવવાની વાત, સ્વતંત્રતા અને સ્વાવલંબનના વિચારોને નિર્ભિક પણે સમાજ સામે મક્કમતાથી મુકવાની મથામણ સ્પષ્ટ દેખાય છે.
જયારે સ્ત્રી પોતાની વાત કરતી હોય છે ત્યારે એ એના રોદણાં નથી રડતી પણ એક પ્રયત્ન હોય છે કે એના અસ્તિત્વનો સર્વગ્રાહી સ્વીકાર થાય. સ્ત્રીને સ્ત્રી તરીકે નહી પણ માણસ તરીકે સ્વીકારવામાં આવે. મને કયારેક થાય કે આપણે તો દીકરી સમજણી થાય ત્યારથી એને ઘરની આબરૂ, કુટુંબનું ગૌરવ, લક્ષ્મી, ઘરની શોભા, વંશની વેલ જેવા એટલા ગંભીર અને મહાન વિશેષણોથી એને લાદી દઈએ છીએ કે બિચારી જીવનભર ખુલી હવામાં શ્વાસ જ નથી લઇ શકતી. પછી પોતાની જાતને એટલી મહાન સાબિત કરવામાં જ જિંદગી વહી જાય છે. હા, સદગુણો હોવા જ જોઈએ પણ એની આડમાં શોષણ નિંદનીય છે.
બેટી બચાવો, બેટી પઢાઓ જેવા સરકારના કાર્યક્રમો પણ ત્યારે જ સફળ થશે જયારે છેક છેલ્લા માણસ સુધી સ્ત્રી સન્માનની ભાવના પ્રબળ હશે. પછી સમાજમાં કોઈપણ સ્ત્રીને જીવતેજીવ બળવુ નહી પડે. કોઈ નિભર્યાને ન્યાય માટે મરવું નહી પડે.
જે દેશની સંસ્કૃતિમાં, “નારી તું નારાયણી”, “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તિ તત્ર દેવતા”, “શિવશક્તિ સ્વરૂપા” જેવી ઉચ્ચ ભાવના પ્રવર્તતી હોય એ દેશમાં નારીશક્તિએ પોતાના સર્વગ્રાહી સ્વીકાર માટે ઝઝૂમવુ પડતુ હોય ઓ એ સમાજનાં શુભચિંતકો માટે પડકાર રૂપ છે કે સમાજ કઈ દિશામાં જઇ રહયો છે તેનું ચિંતન જરૂરી બન્યુ છે.
પણ જે સમાજમાં પુરૂષોની વિકૃતિ ઢાંકવા માટે સ્ત્રીઓને ઢંગના કપડાં પહેરવા એમ ચર્ચવામાં આવતું હોય એ સમાજનો ઉધ્ધાર કેવી રીતે શકય બને ! ચહા પહેરીને છાકટા થઇ ફરતા કોઈ પુરૂષ પર કેમ બળાત્કાર નથી થતો ! કેમ સ્ત્રીઓ માણસ નથી ? એમનામાં જાતિયવૃતિ નથી ? છે જ પણ સ્ત્રીઓને સ્વંયશિસ્ત અને જાત પર સંયમ કેમ જાળવવો એની ખબર છે. પોતાની મનોદશા ઢાંકવા એ કપડાના નામે ઢોલ પિટતી નથી ફરતી રહેતી.
એણે તો અનંત આકાશને આંબી શકે એવું વિરાટ અસ્તિત્વ સર્જવું છે, પોતાની આસપાસની દુનિયાને શકય એટલી ચાહવી છે. સ્ત્રી પામે છે એના કરતાં અનેક ઘણુ આપતી હોય છે. પ્રેમ, ત્યાગ, ક્ષમા, ઔધાર્ય, ધીરજ, સહનશીલતા જેવા ગુણોથી ઈશ્વરે એને પહેલીથી જ સજાવી છે. એની ઝંખના તો બસ એટલી જ છેક કે એના આત્મસન્માનની રક્ષા થાય. સ્ત્રી એને જ ચાહે છે જે એના સન્માનને સચાવે છે.
દરેક મા-બાપ પોતાના દીકરાને સ્ત્રી સન્માનનાં સંસ્કારકરણ કરાવે એવો એક સંસ્કાર પણ હોવો જોઈએ.
આપણે ત્યાં સ્ત્રી ઉત્કર્ષનાં ઘણા કામ થાય છે. સરકારમાં સ્ત્રી માટે અનામત જગ્યા રાખવામાં આવે છે, બજેટમાં પણ મહિલાઓ માટે ખાસ ફાળવણી કરવામાં આવે છે, બસ/ટ્રેન જેવી જગ્યાઓમાં પણ સ્ત્રી માટે અલાયદી વ્યવસ્થા હોય છે. સારું છે. એની સામે જરાય પ્રશ્ન નથી. પણ પ્રશ્ન એ છે કે શા માટે આપણે આટલુ બધુ અલગ કરવું પડે છે ! એક એવા દેશમાં જયાં સ્ત્રી શક્તિ તરીકે પૂજાતી હોય ત્યાં સ્ત્રી વિકાસના આવા ઉધામાં, એ જરા મૂળથી જ વિચાર માંગતો પ્રશ્ન છે. સ્ત્રીસશક્તિ કરણ પ્રક્રિયામાં આપણે ક્યાં કાચા પડી રહયા છીએ ? એનો જવાબ જડી જશે ત્યારે સાચા અર્થમાં “આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ”ની ઉજવણી થશે.
દર વર્ષે યુએન, ઓક્ષસમ, વીમેન ફોર વીમેન, WAGGGS જેવી નામાંકિત સંસ્થાઓ, પ્રતિષ્ઠિત એનજીઓ મહિલા દિવસ ઉજવશે. સ્ત્રીઓની સિધ્ધીઓ બિરદાવશે. મહિલા દિવસનું ગૌરવ થશે. થવું પણ જોઈએ, પણ સાથે એવી પણ આશા રાખીએ કે દૂર છેવાડાના કોઈ ગામડામાં ઘરના ખૂણે પતિ કે સાસરિયાનો માર ખાતી, દહેજ માટે દાવાનળમાં બળતી સ્ત્રીઓની મૂંગી ચીસો સુધી કે ભચ્ચક ભીડમાં પુરૂષોની વિકૃત વાસનાનો ભોગ બનતી યુવતિઓનાં મુંગા આક્રેદ સુધી પણ મહિલા આંતરરાષ્ટ્રિય દિનની ઉજવણી પહોંચે અને ત્યાંથી જાગૃતિની મશાલ ઘેર ઘેર દીવા પ્રગટાવે. સાચા અર્થ મા સ્ત્રી શક્તિ નું સન્માન થાય એવો સુસંસ્કૃત સમાજ નિર્માણ થાય ત્યારે જ સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા સાર્થક બનશે .

લેખિકા : ગોપાલી બુચ

gopalibuch@gmail.com