ચહેરો... મૃત્યુ પછીનો ! Gopali Buch દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચહેરો... મૃત્યુ પછીનો !

ચહેરો... મૃત્યુ પછીનો !

જોયો છે કોઈએ પોતાનો ચહેરો,મૃત્યુ પછીનો ? વિચારો કેવો હશે ? ચંદન અને અબીલનો ધંધો માત્ર આપણા થકી જ ફુલ્યો ફાલ્યો હોય એમ ગાડાના ગાડા ચંદન કેસરના કપાળે ઠાલવ્યાં હશે ? સાલા, હરામ બરાબર જો જીવતે જીવ આપણને ટેલ્કમ પાવડરનો છોટાવાલા પેક પણ ગીફ્ટ કર્યો હોય તો ! એ બધા હરખઘેલાં આપણી પર જાણે આપણે કાળોતરા નાગ હોઇએ એવી ચંદનવર્ષા વર્ષાવવા હાજર થઇ જાય છે. કપાળ પર જગ્યા જરા પણ ન હોય તો પણ મુઠ્ઠા મુઠ્ઠા અબિલ ગુલાબ ચડાવશે. કેટલાંક હિતેષીઓ તો ચોખા પણ શોધશે, અરે, તારા ખેતરના આખા બાસમતી છે તે મારા મરેલાં થોબડે મઢાવવા દોડયો છે ? ( જીવતા હોઈએ તો ચોક્કસ કહીએ, આપણા ઘરનું નુકશાન કરવામાં આપણા મોતને પણ હથિયાર બનાવી દેનારા માટે ગુસ્સો તો ખુબ આવે પણ કરીએ શું ? આપણે તો મરેલાં છીએને ? )

બે કાનમાં બહાર વધુ અને અંદર ઓછું દેખાતું હોય એમ રૂની ગાંસડીઓ ખોંસી હોય, અત્તરનું પુમડું પણ આપણે કોઈને ન દેખાય એમ ભરાવતા હોઈએ, પાટા પિંડીના રૂ પણ જીવનભર દેખાવા ન દીધા હોય,અરે ,જીવનભરના જખમો ઉપરની મલમપટ્ટી નો પણ કોઈને અણસાર સુધ્ધાં ન આવવા દીધો હોય એના મૃત્યુ પછી એના કાનની જગ્યાએ કાલા ઉગ્યાં હોય એમ માત્ર કપાસ જ દેખાતું હોય, સાલી દયનિય દશા તો એ હોય છે કે આપણે કહી પણ ન શકીએ કે આ પૂમડા હટાવો, કોણ કોણ રોવે છે એ અવાજ સાંભળવો છે.આપણા મરણ પર કોના કોના રુદન છે ,એ જાણી સકાતું નથી એ આપણી કરુણતા !

અને એકવાર કપાસના કાલા ખોંસાઇ ગયા એટલે બસ ! પછી પોણા બહાર નીકળી જાય, કાનમાંથી કાળા લોહીની ધાર જમીન પર વહેતી હોય તો પણ કોઈ ફરીવાર સાફ કરી સરખુ ખોસસે નહી, મરી ગયો માણસ યાર, હવે મૂકી જ આવવાનો છે તો બહુ ટાળવાળ છું ?

ટાળવાળ પરથી ટાલ અને વાળની અવદશાનો ચિતાર યાદ આવ્યો. ટાલ વાળા માણસ માટે તો કપાળના ચંદનની કોઈ સીમા જ નથી હોતી. આપણને થાય કે અચાનક આમનો ચેહરો આટલો લંબગોળ કયાંથી થઇ ગયો ? પણ કપાળ અને ટાલ કયારે એકાકાર ભાવાત્મકતા સાંધી લે એની જીવતાને પણ ખબર ન પડે તો મળેલો બિચારો શું કરે ?

જે માણસ અઠવાડિયમાં ત્રણ વાર શેમ્પુ / કંડીશનીંગ કરતો હોય, માથામાં સુગંધી તેલ નાખીને પછી અડધા કલાકમાં ધોઈ પચાસવાર અરીસામાં, “યે રેશમી જુલ્ફે..... “ ને નીતનવા શણગારથી સજાવતો હોય એના બિચારાના વાળની તો પેલા જીવતાઓ જે અવદશા કરી નાખે એ બહુજ કરુણ હોય છે. સારું છે આ બધુ જોવા મર્યા પછી કયારેય માણસ જીવતો થતો નથી.નહિતર બે ચાર મર્ડરના ગુના એના ચોપડે નોંધઈ જાય એ નક્કી.

શાક લેવા પણ જે તેલ વાળા માથે બહાર ન જતું હોય એને મૃત્યુ પછીના મહાપ્રવાસમાં તેલ/ઘી/પાણી/હળદર/ચંદન/ચોખા/અબિલ/ગુલાલ મીશ્રિત ચિપકેલા, નહિ ધોયેલા, નહિ ઓળેલા વાળ સાથે દુનિયામાંથી વિદાઈ કરી દેવું એ નરી ક્રુરતા જ છે ને ? અરે બિચારાની લાશને નવડાવે ત્યારે પણ એમ વિચારે કે વાળ નથી ધોવા. કોરા નહીં થાય પછી, તો પાછી એને બળવામાં વાર લાગશે. અરે ! કોરા ન થાય તો આપણા પિતાશ્રીનું એમાં તેલ, પાણી કે અગ્નિ કયાં વપરાય છે ! અને બળતા વાર લાગશે તો એને મરેલાને લાગશે એમાં આપણે કયાં દાજવાના ? પણ આ માનવીની નિર્મમ અવળચંડાઇ છે કે જીવતા જેની તરફ નજર નાખવાની હિમત નહોતી ચાલતી એના મર્યા પછી એનો બદલો લેવો.

એક તો છાણ, માટીના લીંપણ પર સુવાડે, પેલાને બાપડાને મહિને ૬ નંગ ડીઓની બોટલ પુરી થતી હોય એના જીવનની બલિહારી જુઓ કે છેલ્લી ઘડીએ ગોમૂત્ર અને છાણના લીંપણને સહારે સોડ તાણવાની.

આખી જિંદગીમાં એક ગુલાબની પાંદડી પણ જેણે આપણને ન પરખાવી હોય એ પોક મૂકતાં મૂકતાં ગુલાબના હાર ચડાવે એ ચૂપચાપ પડયા રહીને જોયા કરવાનું. એક તો ચત્તા સુવાડયા હોય, એમાં પાછા બાંધ્યા હોય, ગુલાબની પાંદડીઓ નાકે અડયા કરતી હોય, એની સુગંધની પણ એલર્જી હોય અને દે ઠોક,જે આવે એ ઢગલાં કરે જાય. ગુલાબના હારનું પણ વજન લાગે એવી વેદના કદાચ થાય તો પણ કોને કહેવી ? શબને જીભ કયાં હોય છે. આવા હાર ચડાવનારાને એમ તો કહેવાતું નથી કે, ‘ગયા વેલેન્ટાઇન ડેને દિવસે ગર્લફ્રેન્ડને રોઝ આપવા જે ઉધાર લઇ ગયો હતો એ પૈસા પાછા ચડાવ. આ તારો હાર તેલ લેવા ગયો.’ પણ મર્યા પછીની આ કમનસિબી છે કે જીવતે જીવ જે અખોણાપણું આપણી સાથે નથી થઇ શકતું એ બધું આપણને સ્મશાન પહોંચાડવાની હોશમાં બધાજ કરી લેતા હોય છે અને આપણે સાલુ મૌન ધરેલાં હોઈએ છીએ.

નાકમાં પણ રૂના પૂમડાં ખોસ્યાં હોય. હવે પેલો મરી જ ગયો છે યાર, એને વધુ કેટલો મારશો ? મેં તો મારા સંતાનોને કહી જ દીધું છે કે મારા નાકમાં રૂ ખોસસો નહિ મને એનાથી બહુ ગુંગળામણ થાય છે.

પણ જીવીએ છીએ ત્યાં સુધી જ આપણને જીભ છે અને બીજાને કાન. મર્યા પછી આપણે સાવ નિઃશબ્દ હોઈએ અને બીજા બધાં જ વ્યાસપીઠ પર હોય છે.

નનામી પર પણ એવા કસ્સીને બાંધ્યા હોય કે ભૂલથી પણ જો પેલો જીવતો હોય તો પણ છેલ્લાં શ્વાસ સુધી હલી જ ન શકે, બોલી જ ન શકે કે" ભાઈ,જીવતો છું". બિચારો આપોઆપ જ મરેલો જાહેર થઇ જાય અને કફનનું કપડું કેહવાય જ ખાલી સફેદ પણ એ પણ અબિલ, ગુલાલ, હળદર, કંકુ, ચોખા ગુલાબ અને ગલગોટાની પાંદડી સાથે એવુ રંગાયુ હોય કે મરદ મૂછાળો/મૂછાળી તાજી વ્રજમાં હોળી રમીને હાલ્યાં આવ્યાં હોય એવા કફનના ફુલ ગુલાબી રંગો હોય, મૃત્યુની આ એક માત્ર રીત/ખુબી મને બહુ ગમે છે. શા માટે કફનનો રંગ સફેદ જ હોય ? આમ તો આપણે માંગલિક પ્રસંગે સફેદ કપડાં પહેરતા નથી હોતા તો મૃત્યુ જેવું મહાપ્રયાણ હોય અને જીવ શિવના મિલનની મંગલ ઘડી હોય તો શા માટે એવા રંગો પસંદ ન થાય કે ઉપર ઈશ્વરને મળીને પણ ટટ્ટાર ડોક રાખી કહી શકીએ કે, ‘તું ભી ગુલાબી, મેં ભી ગુલાબી, ગુલાબી ગુલાબી હૈ યે સારા શહેર...’

મરવાની આજ તો મજા છે દોસ્તો કે દુશ્મન પણ પ્રેમથી સજાવશે, દુઆ વરસાવશે, બેસણામાં આવશે અને ભલુ પૂછો તો કાગવાસ સુધી પણ સાથ આપશે. ભલે ને પછી જીવતે જીવ ગાળો સિવાય કાઈ ન આપ્યું હોય પણ આપણા માટે કાગડાને ખીર પુરી બહુ પ્રેમથી જમાડશે. ‘જો કે મને ખીર નથી ભાવતી’ એવું મરનારું કોઈ કહેતું નથી એ એક જુદી વાત છે. આવું કોઈ કહેવાનું પણ નથી અને જો કોઈ પૂર્વજ આવું કહે તો માહયલો રામ જ એને ચોપડાવે કે, ‘બેહોને ત્યાં છાનામુના ! આહીં દૂધનો ભાવ હાંભળ્યો છે ? એક તો મોંઘા ભાવની ખીર બનાવીએ તમારા હાટુ, એમાં પાછા લટકા હુ લેવા કરતા હઈશો ? જે નાઈખું ઈ ખાઈ લ્યો અને વેળાહર પાછા ગગનમાં ગાંગરવા હાલતાં થાવ ! ‘

પણ આપણે એટલે દુર સુધી નથી જવું બસ ચહેરો સજાવવો છે. કફન ભલે પચરંગી થાય પણ મૃત્યુ પછીનો ચહેરો તો પચરંગી નથી કરવો. મૃત્યુ પછીનો ચહેરો શાંત, સૌમ્ય, સ્થિર, સ્નેહાળ, ચમકદાર, તેજભરી આભાથી શોભતો જ હોવો જોઈએ કે એને જોઇને કોઈને પણ એ મૃતદેહના કપાળે ભાવવાહી ચુંબન કરવાની અભિપ્સા જાગે અને સકળ બ્રહ્માંડમાં જીવનું શિવમાં દૈવી મિલન થાવ એવી અનુકંપા હૃદયથી નિર્માણ થાય..

બાકી, મિટ્ટી કા ખીલોના હૈ, મિટ્ટી હો જાના હૈ.

કયા તેરા કયા મેરા, સબ છોડ ચલે જાના હૈ.

તો હવે કોઈને અંતિમ વિદાય આપવા જાઓ ત્યારે ફુલ, ચોખા કે પ્રદક્ષિણા માટે ધક્કામુક્કીના ધખારાને બદલે દુર ખૂણામાં પ્રજવલિત દીપકને મનોમન પ્રાર્થના કરજો કે,

‘તવ મંગલ હો, શુભ મંગલ હો, તવ મંગલ હો, શુભ મંગલ હો....’

લેખિકા : ગોપાલી બુચ

gopalibuch@gmail.com