ઝગમગતી છત્રી
આકાશ કડિયા
"ક્યાંક વરઘોડો જતો લાગે છે...!" મમ્મી બોલી. જમવાનું પતાવીને બસ બહાર આંટો મારવા નીકળતો જ હતો ત્યાં કોઈક ડીજે કે લાઉડ સ્પીકર પર ગીતો વગાડતું હોય એવો અવાજ સંભળાયો. રાતે જમ્યા બાદ આંટો મારવાની જૂની આદત મુજબ સ્લીપર પહેર્યા અને ઘરની બહાર નીકળ્યો. અવાજ હવે થોડો વધારે મોટો અને સ્પષ્ટ સંભળાતો હતો પણ ગીત ના શબ્દો સ્પષ્ટ નહોતા સંભળાતા, પણ હા હતું અત્યારના લગનોમાં વાગતું કોઈક ફેમસ ગીત જ. હું આંટો મારવા રોજ જતો એજ દિશા માંથી અવાજ આવતો હતો. જેમ જેમ આગળ વધ્યો તેમ અવાજ વધારે તીવ્ર થતો ગયો અને આછી એવી સફેદ રોશની પણ દેખાતી હતી.
આછી સફેદ અને ધીમે ધીમે આગળ તરફ આવતી રોશની અને અવાજની તીવ્રતા પરથી જ લાગ્યું કે વરઘોડો જોરદાર હશે જોવાની પણ મજા પડશે એ વિચાર સાથે મેં પણ મારા ચાલવાની ઝડપ વધારી. જોવા માટે હું એકલો જ તલપાપડ થતો હતો એવું નહતું રસ્તા પર સાઈડ ના મકાન ના લોકો પણ ઘર ની બહાર આવી ગયા હતા. ચાલતા ચાલતા થોડો વધુ આગળ પહોંચ્યા બાદ હવે વરઘોડાનું દ્રશ્ય વધારે સ્પષ્ટ હતું તેમાં વાગી રહેલા મ્યુઝિક ની તીવ્રતા હવે હું મારા શરીરમાં કંપન ના રૂપે અનુભવી શકતો હતો. વરઘોડામાં આગળ એક ટેમ્પામાં મોટા સ્પીકર ગોઠવેલા હતા પાછળ લોકો નાચી રહ્યા હતા અને તેની પાછળ એક બગી હતી.
બી આર ચોપરા ના મહાભારત માં યુદ્ધ સમયે બતાવાઈ હતી એવી રીતની બે ઘોડા વડે ખેંચાઈ રહેલી બગી સોનેરી રંગથી રગેલી હતી. બગીની ધારે ધાર એલ ઇ ડી લાઇટની પટ્ટી લાગેવેલી હતી અને તેથી વરઘોડામાં સહુ થી પ્રથમ બગી પર જ નજર જતી હતી. બગી માં પાછળની બેઠક ની ઉપર છત્ર હતું અને આમને સામને બેસી શકાય એ રીતની બેઠક હતી. આ છત્ર પર પણ એલ ઈ ડી લાઈટો લગાવી હતી એટલે દૂરથી જ વરઘોડાના અવાજ સાથે બગી પણ નજરે ચડતી હતી.
બગી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એ બગીએ મારુ નહિ આસપાસના બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વરઘોડા ની સામેની બાજુના રસ્તે જતા વાહનો પણ તેમના વાહન ની ગતિ થોડી ઓછી કરી તેને જોઈ રહ્યા હતા તો વરઘોડો આવતો હતો તેની પાછળના વાહનો પાસે તો વાહન ધીમે ચલાવ્યા સિવાય કોઈ બીજો ઉપાય જ નહતો. પાછળ આવી રહેલા વાહનો કદાચ જોર થી તેમના વાહનનું હોર્ન પણ વગાડી રહ્યા હશે જોકે સ્પીકરો માંથી આવતા અવાજ સામે કદાચ વિમાનનો અવાજ પણ ઓછો પડી શકે એટલું તીવ્ર મ્યુઝિક વાગી રહ્યું હતું.
કેટલાક છોકરાઓ નું ટોળું પણ એ જ દિશામાં મારા કરતાં ઝડથી જઈ રહ્યું હતું અને ચાલવાની સાથે સાથે તેમાંના કેટલાક તો વરઘોડામાં વાગી રહેલા ગીત પર નાચી પણ રહ્યા હતા અને તેમને નાચતા જોઈ રસ્તાની આજુ બાજુમાં ઉભેલા બીજા ટાબરીયાઓ પણ મસ્તીમાં આવી એક બે કુદકા મારી લેતા જોકે મોટાઓને એ છોકરાઓના નાચવા કુદવામાં કાંઈ ખાસ રસ નહતો તે લોકો તો વરઘોડો વધુ નજદીક આવવવાની રાહ જોઈ રહ્યા હતા. ચાલતા ચાલતા હું એ વરઘોડા ની સામેની તરફ આવી ને ઉભો રહ્યો.
એ સામાન્ય દિવસ હોઈ રાતે કામે થી પરત કે કોઈ અન્ય કામ માટે જઈ રહેલા લોકો ની સંખ્યા પણ વધારે હતી અને રસ્તાનો એ ભાગ થોડો સાંકળો હોઈ વરઘોડાને લીધે રોડની એક ટ્રાફિક જમા થવા લાગ્યો હતો. વરઘોડાની પાછળ વાહનોની લાંબી લાઈનમાં લાગી ગઈ જેમાં દરેક વાહનચાલક પોતાની જરૂરિયાત અને સ્વભાવ મુજબ વર્તતું દેખાયું. કોઈ ગાડી વાળા હોર્ન મારી રહ્યા હતા તો કોઈ શાંતિ થી આગળ જઈ રહેલી બગીને નિહાળતા હતા તો કેટલાક ટુ વ્હીલર વાળા જમણે ડાબે જેમ તેમ કરી તેમનું ટુ વ્હીલર આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા તો કેટલાક મોજીલા લોકો પોતાના વાહન પર બેઠા બેઠા જ વાગી રહેલા ગીત સાથે તાલ મિલાવી પોતાના વાહન પર બેઠા બેઠા જ માથું હલાવી રહ્યા હતા ક્યાંતો હાથ વડે તેમના બાઈક ની ટાંકી પર તબલા વગાડી રહ્યા હતા. અને આ બધામાં કેટલાક એવા પણ હતા જે સમય નો ફાયદો ઉઠાવી આજુબાજુનો માહોલ ભૂલી પોતાના મોબાઇલની દુનિયામાં ડૂબી ગયા હતા.
બગી અને સ્પીકર લઈને આગળ વધતા ટેમ્પા ની વચ્ચે નાચી રહેલા લોકો... પુરુષોમાં કોઈએ સ્યુટ પહેર્યો હતો તો કોઈ શેરવાની તો સ્ત્રીઓમાં કોઈક ચણીયા ચોળી તો કોઈક ભારેખમ સાડીઓ પહેરીને સોળે સિંગાર સજીને નાચી રહી હતી અને જોડે કેટલાક નાના છોકરા છોકરીઓનું ટોળું જે પોતા પોતાની રીતે ગરબા,ડાન્સ કે ભાંગડા કરી રહ્યા હતા. અને આખાય ટોળાના ચારે ખૂણે એક એક છોકરો જેઓ થોડા લઘર વઘર કહી શકાય તેવા કપડા સાથે હાથમાં એક દંડો લઇ ને આગળ વધી રહ્યા હતા. દંડાની ઉપર એક લાલ રંગની છત્રી, છત્રીની ઉપર એક ફાનસ જેવો લાઈટનો ગોળો જેના પ્રકાશથી છત્રીની ધાર પર જોડવામાં આવેલી કાચના મોતીઓની માળા પણ જાણે એલ ઈ ડી લાઇટની પટ્ટી હોય તેમ ઝગમગી રહી હતી. સ્યુટ, મોંઘીદાટ ચણીયા ચોરી કે સાડીઓ ની વચ્ચે એ ચાર છોકરાના લઘર વઘર કપડાં થોડા અલગ પડી જાત પણ તેમના હાથમાં રહેલી એ ઝગમગાટ વાળી છત્રી એ બધું સાચવી અથવા કહો કે ઢાંકી દીધુ હતું.
મારી પાછળ રહેલી બેકરી પાસે ઉભેલી એક વૈભવી કાર જોડે ઉભેલ વ્યક્તિ કારમાં પાછળની સીટમાં બેઠેલા છોકરાને તેના હાથમાં રહેલી પેસ્ટ્રી ખાવા કહી રહયો હતો પણ એ છોકરાનું ધ્યાન તો ગાડીની આગળ નાચી રહેલા કેટલાક નાના છોકરાઓ તરફ હતું તો એ છોકરાઓ માંથી કેટલાક સામેથી પસાર થઈ રહેલા વરઘોડાની રોશની થી ઝગમગીત બગી અને છત્રી પર હતી. અને છત્રી પકડીને જઈ રહેલા માંથી એક છોકરાનું ધ્યાન સામેની તરફની બેકરીમાં પડેલી ખાવાની વસ્તુઓ તરફ લાગી રહ્યું હતું. મારા મનમાં આ જોઈ ફિલોસોફીકલ વિચાર જાગ્યો ત્યાં જોરદાર હોર્ન નો અવાજ આવ્યો અને મારી પાછળ થી આવી રહેલા બાઈક વાળાએ રસ્તો કરી આપવા કહ્યું. વરઘોડો પણ હવે આગળ નીકળી ગયો જ્યાં રસ્તો વધારે પહોળો હોઈ તેની પાછળના વાહનો આગળ નીકળવા લાગ્યા અને વરઘોડાને જોવા ઉભેલા લોકો વિખેરાવા લાગ્યા અને હું પણ મારા નિયત રસ્તે આગળ ચાલવા લાગ્યો મનમાં એક જ વિચાર હતો કે રોશની થી ઝગમગતી આવી કેટલીયે છત્રીઓ પોતાની ઝગમગાટ નીચે ઘણું બધું ઢાંકી દે છે.