babuchak ni vato books and stories free download online pdf in Gujarati

બબુચક ની વાતો

છાપા માં આવતા લેખ અને પુસ્તકો વાંચી વાંચી મનમાં લખાણ માટેની કાચી સામગ્રી તો તૈયાર જ હતી તેમાં મોટીવેશનલ વીડિયો અને લેખો એ મને ચણા ના ઝાડ પર ચડાવ્યો કે હવે તો લેખક બનીશું જ. કમર કસી ને તૈયાર થઈ ગયો બ્લોગ ની સાઈટ બનાવવા. આ વાક્ય એમજ નથી લખ્યું ખરેખર માં એ સમયે પહેરેલા લેંઘા નું નાડું કસી ને બાંધી દીધું હતું અને પછી રેહવાયુ નહિ એટલે પાછું થોડું ઢીલું પણ કરી નાખ્યું હતું.

હવે નક્કી કરવાનો હતો એક વિષય જેના પર કાંઈક લખવાનું શરૂ કરું, સ્વભાવે બજરંગ દળ ના સભ્ય જેવો એટલે કોઈક લવ સ્ટોરી લખવા માટે નો નજીક તો શું દૂર નો પણ અનુભવ નહિ અને મિત્રો પણ મારા સીધા સાદા અરેન્જ મેરેજ કરી ને શાંતિ થી પત્નીવ્રતા પતિ તરીકે રેહવા વાળા કોઈ લફડું ના તો લગ્ન પહેલા કર્યું હતું અને લગ્ન પછી તો કરે એવી કોઈ હિમ્મત વાળુ નહિ આથી તેમની જીવન પરથી પણ કોઈ રોમાંચક સ્ટોરી મળે એમ ન હતું. થયું કે એકાદ નાની એવી સસ્પેન્સ થ્રિલર વાળી સ્ટોરી લખું. લખવાની શરૂઆત કરી "અંધારી રાત માં કાળૉ કોટ પહેરેલો એક માણસ મકાન તરફ આવી રહ્યો છે ..આવી રહ્યો ...આવી રહ્યો છે...." કલાક સુધી બસ આ "આવી રહ્યો છે" જ ચાલ્યું અને અંતે એ કાળા કોટ વાળા ને ના પાડી દીધી. વિચાર આવ્યો કે એક ધારદાર કે સમાજ માં રહેલા દુષણો પર કટાક્ષ કરતો એક લેખ લખું ત્યાં કોઈ ઘરે આવી કહી ગયું ભાઈ બહાર રોડ પર તમારું બાઈક પડ્યું છે એ સરખી રીતે મુકો ટ્રાફિક જામ થઈ ગયો છે. બાઈક સરખું કરી પાછો કટાક્ષ લેખ લખવા બેસી ગયો તમને થતું હશે લોકો હેરાન થાય એ રીતે બાઈક મુકવા વાળી વાત સાંભળી કટાક્ષ લેખ લખવાનું માંડી વાળીશ ના ભાઈ મગર ના આંસુ નહિ પણ મગર જેવી ચામડી ખરી. થયું કે લેખ લખતા પેહલા ચન્દ્રકાન્ત બક્ષી કે હસમુખ ગાંધી ને બે ચાર લેખ વાંચી લઈએ થોડો જોશ આવી જાય પણ વાંચ્યા પછી લાગ્યું એવું લખવા તો અલગ અલગ પરિસ્થિતિ નો સાચો અનુભવ પણ જોઈએ અને અનુભવ નું કોઈ પૂછે તો આપણે જૂની કંપની માં સીનયર સોફ્ટ્વેર ડેવેલોપર અને કોલેજ ના છેલ્લા વર્ષ માં બનાવેલો એક પ્રોજેક્ટ બસ આજ જવાબ આપીએ એટલે કટાક્ષ લેખ પણ પડતો મુક્યો. અંત માં થયું એ લખવા માટે ના જે પ્રયાસો છે એજ લેખ માં ઉતારી મારુ જોઈએ કેવા પ્રકાર નો લેખ બને છે અને રિસલ્ટ તમારી સામે છે તમે તેને હાસ્યલેખ ની કેટેગરી માં વાંચવા મળી રહ્યો છે.

પછી મનમાં સવાલ ઉઠ્યો ચાલો ગમે તેમ લખાણ તો લખી નાખીએ પણ મુકીશું ક્યાં..? ઇન્ટરનેટ પર બ્લોગ ની સાઈટ મુકવા માટે સ્પેસ અને ડોમેઇન ખરીદવું પડે. પણ સ્વભાવે હું જરા નહિ પૂરો કંજૂસ ચડ્ડી ની સાઈઝ પણ 36 માંથી 38 ના થાય ત્યાં સુધી પહેરવા વાળો માણસ, આમ પણ પેહરવાની તો પેન્ટ ની અંદર જ ક્યાં ઉતરી જવાની હતી. (આ ચડ્ડી ઉતરી જવા વાળી વાત ને કોઈએ અભદ્ર ટીકા ટિપ્પણી સાથે ના સરખાવી મુવી માં કિસિંગ સીન સ્ક્રિપ્ટ ની ડિમાન્ડ પ્રમાણે હોય તેમ આ વાત પણ આ લેખ ની ડિમાન્ડ પ્રમાણે જ છે તેવું માની લેવું) એટલે સ્પેસ અને ડોમેઈન માટે આદર્શ ભારતીય ની જેમ જ ગુગલ માં “ફ્રી હોસ્ટિંગ” અને “ફ્રી ડોમેઈન” કરી સર્ચ કર્યું અને જાણવા મળ્યું કે આપણા મુકેશકાકા (પેલો ધીરુંભાઈ નો મોટો બાબો) જેવા પરોપકારી લોકો દુનિયા માં બીજા દેશો માં પણ છે જે મફત માં ઈન્ટરનેટ પર સ્પેસ અને ડોમેઈન ની સવલતો પુરી પાડે છે.

હવે વાત અટકી બ્લોગ માટેની સાઈટ બનાવવા પર. વ્યવસાયે ફુલટાઇમ સોફ્ટ્વેર ડેવલોપર હોઈ તેનો પણ રસ્તો વિચાર્યો “વર્ડપ્રેસ”. (આ બધા લેખ હું ઘરે જ લખું છું સોફ્ટ્વેર ડેવલોપર હોઈ ઓફિસ માં આજ ધંધો કરતો હોઈશ તેવું કોઈએ ધારવું નહિ) બ્લોગ ની સાઈટ માટે વૉર્ડપ્રેસ નો ઉપયોગ કરવાનું વિચાર્યું પણ વર્ડપ્રેસ આવડતું ન હતું. ભલું થાય મુકેશકાકા નું કે જીઓ નું મફત નું ઈન્ટરનેટ આપ્યું અને તેનો પ્રથમ વાર સદુપયોગ કરી યુ ટ્યૂબ પરથી વર્ડપ્રેસ ના વીડિયો જોયા. (“પ્રથમ વાર સદુપયોગ” વાંચી પેહલા શુ જોતો હતો તેવા સવાલો કોમેન્ટ માં ના પૂછવા.) વીડિયો જોઈ વર્ડપ્રેસ ની મદદ થી મારી પ્રથમ બ્લોગ ની સાઈટ નું લોકાર્પણ કર્યું. એ વાત અલગ છે કે લોકાર્પણ માં લોકો તરીકે માત્ર હું જ હતો મારા સિવાય કોઈ ને આ બ્લોગ વિશે માહિતી જ ન હતી. મારા જુના અને બહુ જ ઓછા જાણીતા એવા વડોદરા ના મિત્ર ને મારા લેખન નો સુખદ (અથવા દુઃખદ) અનુભવ કરવાનો લ્હાવો આપ્યો. એક સાચા લેખક તરીકે દેખાઈ આવવા કહી પણ દીધું કે માત્ર જોવા ખાતર નહિ પણ એક સાચા વાંચન રસિક અને વિવેચક તરીકે મારા બ્લોગ ના લેખ વાંચજે અને જે ટીકા ટિપ્પણી કરવી હોય તે કરવાની છૂટ છે.

મારો બેટો મારી અપેક્ષા થી વધારે પડતો વિવેચક નીકળ્યો અને ધડ દઈ ને એક લેખ પર જોરદાર ઝાટકણી કાઢતી કોમેન્ટ લખી નાખી. એવું વિચારી મન મનાવી લીધું કે ચાલો કમસેકમ એ બહાને એક કમેન્ટ તો આવી મારા બ્લોગ પર. પછી વિચાર્યું હવે બીજા કોને કોને મારા લોકાર્પણ ના લોકો માં સામેલ કરું..? એક બીજા મિત્ર ને આ સાઇટ ની લિંક વોટ્સએપ પર મોકલી અને એજ એક સાચા વિવેચક તરીકે રિવ્યૂ આપવા જણાવ્યું. લિંક મોકલ્યા પછી અત્યાર સુંધી માં તે મિત્રએ મને ત્રણેક ગુડ મોર્નિંગ વાળા, બે ગુડ નાઈટ વાળા , થોડા ઘણા મોટીવેશનલ , બે ચાર વિડિયો અને એકાદ “બાકી કહો શુ ચાલે” જેવા મેસેજ મોકલ્યા બસ ખાલી બ્લોગ નો જ કોઈ રિવ્યુ નહિ.

એક માત્ર એજ મિત્ર નહિ પણ બીજા પણ વોટ્સએપ ગ્રુપ માં મારા બ્લોગ ની લિંક મોકલું તો તેને સવાર પડે આવી જતા "ગુડ મોર્નિંગ" ના મેસેજ ની જેમ અવગણી નખવામાં આવતી. એક તબક્કે તો એવું પણ થયું કે વોટ્સએપ વાળા નું કોઈ નવું ફીચર તો નથી ને કે તમે મેસેજ મોકલો તો એને ગ્રુપ ના સિલેકટેડ લોકો જ જોઈ શકે ૩-૪ વાર તો લિંક વાળા મેસેજ ની ડિટેઇલ ચેક કરી કે "વીસીબલ ટુ ઓન્લી" જેવો કોઈ ઓપશન તો નથી ને.

એક વિચાર એવો પણ આયો કે ફેસબુક પર શેર કરી દઈએ ગામ આખું ભલભલુ બધું શેર કરે જ છે. કેટલાક તો માથું દુખતું હશે તો પણ "ફીલિંગ હેડેક" સાથે પેલો હેશટેગ # તો ખરું જ અને ગામ આખા ને ટેગ કરશે. પાછી ગાડી પાટે વાળી દઈએ તો ફેસબુક મારા બ્લોગ ની લિંક શેર કરવાનું વિચાર્યું પણ સ્વભાવે ઇન્ટ્રોવર્ટ કે અંતર્મુખી એટલે આપણને એવું ના ફાવે જાતેજ લોકો ને કહેવું કે "મેં બ્લોગ બનાવ્યો છે અને તેમાં થોડું ઘણું લખ્યું પણ છે તો તેને વાંચી જુઓ" થોડું અટપટું લાગે. ખબર નહિ લોકો કાઈ રીતે પોતાનાજ ફોટો ફેસબુક પર જાતે જ લાઈક કરતા હશે કેટલાક તો એનાથી આગળ જાતેજ નીચે કમેન્ટ પણ લખી નાખે "nice" અને આમ પણ આપણે ત્યાં હજુ લખવાની પ્રવૃત્તિ કરતા લોકો ઓછા જોવા મળે. મારા એ મિત્ર (એજ જૂનો અને ઓછો જાણીતો) ના ફેસ એક્સપ્રેશન કોણ જાણે કેવા હશે જ્યારે મેં એને કહ્યું "મેં લખવનું ચાલુ કર્યું છે" મેં તેને વોટ્સએપ પર જ મારા બ્લોગ ની લિંક મોકલી દીધી હતી. "લખવાનું ..! ભાઈ ફાંદ બહાર દેખાવા લાગી છે કરવું જ હોય તો જિમ જવાનું ચાલુ કર, બહુ વર્ષો થયા એક નો એક પ્રોફાઈલ ફોટો મૂકી રાખ્યો છે ફેસબુક પર ના હોય તો નવા ફોટો અપલોડ કરવાનું ચાલુ કર, અરે ગરમી લાગતી હોય તો પંખો ચાલુ કર પણ લખવાનું..!!" આવુ કાંઈક તેના મગજ માં આવ્યું હશે એવું મારું માનવું છે.

જોકે “રાતોરાત તાજમહેલ ના બને, એક જ રાત માં બીલગેટ્સ ના બનાય કે એક જ દિવસ માં શરદી ના મટે, પાણીપુરી ની લારી પર વારો આવે તયારે જ પકોડી મળે” જેવા મોટીવેશનલ કવોટ્સ આવા જ સમયે યાદ આવી જાય અને પાછું અવળચન્ડું મગજ શાંતિ થી ના જપે એટલે નવરા પડતા જ નવા (અને આડાઅવળા પણ) લેખો લખવાની શરૂઆત કરી દઉં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED