મનની અટારીએ Akash Kadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનની અટારીએ

“એક ઘવાયેલો માણસ જેને ગોળી વાગી છે અને મરવાની અણી પર છે પણ એ ડોક્ટર બોલાવાને કે દવા કરાવાને બદલે તેના માણસ ને કહે છે કે મારુ બીજું શરીર તૈયાર કર અને મારી યાદો ને ડિસ્ક માં કોપી કરી દે આટલું કહી તે માણસ મરી જાય છે. થોડી વાર માં તેજ માણસ પાછો જીવતો જોવા મળે છે, એકદમ તંદુરસ્ત છે અને બધી જ જૂની વાતો યાદ પણ છે તેને.”

ઉપર વર્ણવામાં આવેલ દ્રશ્ય એક હોલીવૂડ ની સાઈફાઈ મુવી નું છે જેમાં માણસ ના મગજ માં ચાલતા વિચારો તેની બધી જ યાદો ને કોમ્પ્યુટર માં સંગ્રહ કરી જયારે જરૂર પડે તયારે બીજા શરીર માં ઉપયોગ માં લેવાય છે. હાલ માં તો આ વાત કાલ્પનિક જ લાગતી હશે પણ બની શકે ભવિષ્ય ના વર્ષો માં કદાચ આ દ્રશ્ય તમને મુવી માં નહિ પણ કોઈ અખબાર કે ડોક્યુમેન્ટરી માં જોવા મળે. મુવી નું એ દ્રશ્ય મારા મગજ માં તાજું થઈ ગયું જયારે મેં ન્યુરોલીન્ક (neurolink) વિશે જાણ્યું. ન્યુરોલીન્ક એ ખુબજ જાણીતા ઉધોગ સાહસી એલન મસ્ક નો નવો પ્રોજેક્ટ કે સાહસ છે. એલન મસ્ક તેમની ટેસ્લા મોટર્સ અને અંતરિક્ષ ની સફર કરાવતી પ્રાઇવેટ કંપની સ્પેસ એક્સ માટે દુનિયાભર માં જાણીતા છે. ન્યુરોલીન્ક ની મદદ થી તે માનવી ના મગજ ને કોમ્પ્યુટર કે બીજા માનવી ના મગજ સાથે જોડવા માંગે છે. જી હા.. વાત અચરજ પમાડે તેવી છે પણ સાચી છે અને તેના માટે એલન મસ્ક એ કંપની પણ સ્થાપી અને પ્રોજેક્ટ પૂરો કરી શકે તેવા લોકો ને ભરતી કરવાનું પણ શરૂઆત કરી દીધી છે. ન્યુરોલીન્ક નો મુખ્ય ઉદ્દેશ હ્યુમન બ્રેઇન ને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડવાનું છે. AI એટલે એવો પ્રોગ્રામ કે જે માણસ સાથે કોમ્યુનિકેશન કરી માણસ ને જોઈતી માહિતી પૂરી પાડે અથવા તેનું કામ સહેલું તો કરી આપે પણ સાથે સાથે માણસ ની જેમ જ તેના જુના અનુભવો ઉમેરી અને હાલ ની પરિસ્થિતિ કે વાતાવરણ ને અનુસાર થોડી એક્સ્ટ્રા કે સ્માર્ટ માહિતી પૂરી પાડે એટલે કે થોડું ઘણું માણસ જેવું વર્તે.

જોકે આ માત્ર શરૂઆત જ છે આ પ્રોજેક્ટ ને વાસ્તવિકતા બનતા હજુ ઘણી વાર લાગશે. એલન મસ્ક નું કહેવું છે કે ૮-૧૦ વર્ષ માં આ પ્રોજેક્ટ નું પરિણામ આવી જશે. જો આ ટેક્નોલોજી નુ અત્યારનું ઉદાહરણ લઈએ તો કૃત્રિમ અંગો કે જે જન્મથી જ અપંગ હોય અથવા કોઈ અકસ્માત માં હાથ કે પગ ગુમાવી દેનાર લોકો જે કૃત્રિમ હાથ કે પગ નો ઉપયોગ કરે છે તે જેનું સંચાલન તે તેમના મગજ થી કરે છે. પરંતુ આ પ્રોજેક્ટ ની સામે પડકાર પણ એટલાજ છે માનવીય મગજ એટલું જટિલ છે કે તેની પૂરેપૂરી માહિતી પણ હજુ આપણી પાસે નથી એટલે માત્ર કૃત્રિમ હાથ કે પગ ને મગજ ના વિચારો થી સંચાલિત કરવા જેટલું સરળ કાર્ય નથી. મગજ માં જન્મ લેતા દરેક વિચાર મગજ માં ફેલાયેલા અસંખ્ય ન્યુરોન્સ ના જાળામાં વીજ તરંગો ઉતપન્ન કરે છે અને ન્યુરોલીન્ક ઘ્વારા આ જ વીજ તરંગો ને પકડી તેના પર પ્રોસેસ કરી તેને કમ્પ્યુટર માં પોહચડવાનું કામ થશે.

પણ આપણે આ પ્રોજેક્ટ ના અવરોધો વિશે વધારે ઊંડાણ માં નથી ઉતરવું આપણે તો અત્યારે જો ન્યુરોલીન્ક સફળ થશે તો તેની દુનિયા પર અને માનવજાત પર શુ અસર થશે તેના વિશે ચર્ચા કરવી છે. માની લો કે પ્રોજેક્ટ સફળ થઈ ગયો છે અને આપણે તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

એક દ્રશ્ય વિચારો..

તમે સવારે મોબાઈલ માં એલાર્મ વાગવાથી ઉઠો છો એલાર્મ બંધ કરી દો છો..ના હાથ તો હલાવતા પણ નથી માત્ર વિચારો દ્વારા …તમે તમારો મોબાઈલ તમારા મગજ સાથે વાઇફાઇ કે લાઈફાઈ જેવી આધુનિક અને અત્યંત ઝડપી સંપર્ક સાધતી કોઈ પ્રણાલી વડે કનેક્ટેડ છો. મોબાઈલ માં કોઈ મેસેજ કે કોલ નથી તે ચેક કરો છો. સવારની બધી પ્રક્રિયા પતાવી મોબાઈલમાં જ આજનું છાપું ઓપન કરી દૂર થી જ વાંચવા લાગો છો. સવારે નાસ્તા માં શુ છે એ તમે રસોડા માં ઉભેલી તમારી પત્ની ને પૂછી લો છો પણ મો ખોલ્યા વગર એટલે કે તમારું મન તમારા પત્ની મન સાથે કનેકટેડ છે એટલે તમે એક બીજા સાથે વિચારો નું અદાન પ્રદાન કરો છો જાણે કોઈ પેનડ્રાઇવ અને કોમ્પ્યુટર વચ્ચે ફાઈલો ટ્રાન્સફર થઈ હોય. (જોકે આમાં કદાચ કેટલાક ને ફાયદા થી વધારે નુકશાન પણ થશે) તમારા ઘર ના દરેક રૂમ અને તેમાના દરેક ઇલેકટ્રોનિક ઉપકરણો AI જેવા એક સ્માર્ટ પ્રોગ્રામ થી સજ્જ છે. તમે રૂમ માં પ્રવેશો પંખો આપોઆપ ચાલુ થઈ જાય તેની સ્પીડ તમે વિચારો થી કન્ટ્રોલ કરો છો. ટીવી માં પણ તમને ગમતી ચેનલ ચાલુ થઈ જાય છે. ઓફિસ નું કંઇ અગત્યનું કામ યાદ આવતા જ વિચાર કરો છો અને કમ્પ્યુટર ચાલુ થઈ જાય છે. આ સિવાય બીજું ઘણું ….

હાલમાં તો આપણે કોઈ પણ પ્રસંગ કે પ્રવાસ ની યાદો જાળવી રાખવા તેના ફોટો કે વીડિયો બનાવી કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા તેને જોઈએ છે પણ જો નુરોલીન્ક પ્રોજેક્ટ સફળ થઈ ગયો તો આપણે કેમેરા ની જરૂર નહીં રહે આપણે આપણી દરેક યાદો ને કમ્પ્યુટર માં સંગ્રહ કરી ઈચ્છા થાય તયારે જોઈ શકીશું.(સેલ્ફી ના શોખીનોએ અરીસો સાથે રાખવો પડશે.) ગમતી યાદો જોવાની સાથે ના ગમતી કે દુઃખી કરતી યાદો કે વિચારો ને દૂર કરવાની પ્રક્રિયા પણ થઈ શકશે. અત્યારે જેમ દવાખાના છે તે રીતે દુઃખદાયી યાદો કે વિચારો ને દૂર કરી આપતા સેન્ટરો નો રાફડો ફાટી નીકળશે.બાળકો ને શાળાએ જવાને બદલે દરેક ધોરણ મુજબ ના પ્રોગ્રામ માર્કેટ માં મળતાં હશે જે તેમના મગજ માં કોપી કરવાના રહેશે. નાના બાળકો જ્યાં સુધી બોલતા ના થાય ત્યાં સુધી આપણે તે શું કહેવા માંગે છે તે સ્પષ્ટ રીતે જાણી શકતા નહતા તે પણ શક્ય બની જશે અને કદાચ સ્ત્રીઓ શુ વિચારે છે તેનો પણ જવાબ મળી જશે.

આતો થયા કેટલાક ફાયદા કે ઘરેલુ ઉપયોગ પણ સિક્કા ની બે બાજુ ની જેમ જ જો માનવી અને કમ્પ્યુટર ને કનેક્ટ કરવાના પ્રયાસ સફળ થયા તો તેના ગેરફાયદા કે દુરુપયોગ પણ થઈ શકે છે. તમારી ધંધાકીય કે જીવન ની અંગત કહી શકાય તેવી વાતો જે માત્ર તમને કે તમારા વિશ્વાશુ ને જ છે પણ તમારા મગજ ને જ કોઈ હેક કરી લે અથવા તમારી યાદો કોઈ ચોરી લે અથવા તેમાં ફેરફાર કરી નાખે…બની શકે કે કમ્પ્યુટર ની જેમ જ આપણે મગજ માટે પણ એન્ટી વાઇરસ નો પ્રોગ્રામ બનાવો પડે જેથી મગજ ખરાબ કરતા લોકો થી બચી શકાય. ઈન્સ્યુરન્સ કંપનીઓ રહેઠાણ, ઉધોગ ધંધા કે વ્યક્તિ ની તબિયત ની સાથે તેના વિચારો અને યાદો નો પણ ઈન્સ્યુરન્સ કરતી હશે. જોકે આ તકનીક ની મદદ થી માત્ર માનવ જ કેમ આપણે પ્રાણી કે પક્ષી ના મગજ ની વાતો પણ જાણી શકાશે.

જોકે એક માત્ર એલન મસ્ક નું ન્યુરોલીન્ક જ માનવ મગજ ને કમ્પ્યુટર સાથે જોડવાના પ્રયાસ માં છે તેવું નથી ફેસબુક દ્વારા પણ તેની F8 કોન્ફરન્સ માં thoughts to text એટલે કે વિચારો ને લખાણ માં રૂપાંતરિત કરી શકે તેવા પ્રોજેકટ વિશે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ દિલ્હી અભી દૂર હે…ત્યાં સુધી આપણે પરસ્પર વાતો કરી કે લખાણ થી અથવા ચિત્રો દ્વારા કે અન્ય કોઈ પદ્ધતિ થી વિચારો ની આપલે કરી લઈએ બની શકે ભવિષ્ય માં તેવું કરવાની જરૂર જ ના ઉભી ના થાય.