બબુચક ની વાતો Akash Kadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બબુચક ની વાતો

જ્યારે કોઈ વ્યક્તિ લાંબા એવા સમય સુધી જેતે કંપની ની ઓફિસ માં (સારું) કામ કર્યા બાદ વિદાય લે છે ત્યારે કંપની કે કંપની ના સ્ટાફ દ્વારા તેના માટે ફેરવેલ કે વિદાય સમારંભ યોજવામાં આવે છે અને આજકાલ તો કોલેજ માં પણ છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓ ને તેમના જુનિયર દ્વારા ફેરવેલ પાર્ટી આપવામાં આવે છે અને તેના પરથી મારા મનમાં વિચાર અયો કે હવે જ્યારે ઉનાળો વિદાય લેવાની તૈયારી માં છે તો પછી તેના માટે પણ વિદાય સમારંભ રાખવો જોઈએ. બની શકે મારા આ વિચાર થી કેટલાક સહમત ના પણ થાય અને કેટલાક એટલે મોટા ભાગ ના બધાજ પણ ચિંતા ના કરો આપણે (એટલે કે હું) કોઈ મોંઘીદાટ ફેરવેલ પાર્ટી ની વાત નથી કરતો માત્ર વિદાય લઈ રહેલા ઉનાળા ની કેટલીક ગમે એવી વાતો (હા ઉનાળા ની પણ કેટલીક ગમે એવી વાત હોઇ શકે એક તો મને ખબર છે) તો કેટલીક ના ગમે એવી વાતો અને કેટલીક એવી કે જે છે તો ના ગમે એવી પણ આપણે (એટલે ફરી હું જ) તેને મારી મચેડી ને પણ સારી કે ગમતી વાતો તરીકે વર્ણવીશ બસ એટલુંજ...

આગળ વધતા પેહલા જણાવી દઉં કે હવે જે ઉનાળાની વાતો થશે તે માત્ર અને માત્ર અમદાવાદ ના ઉનાળાની હશે અને આ વાતો ને બીજા કોઈ શહેર ના ઉનાળા સાથે કાઈ લેવા દેવા નથી અને જો એવું કંઈ નીકળે તો એ માત્ર સંજોગ હશે. ઈચ્છા તો મારી "મારા અમેરિકા માં ઉનાળા ના અનુભવો" વિશે પણ લખવાની હતી પણ કોઈએ જણાવ્યું "ભાઈ હાસ્યલેખ લખે છે ફેન્ટસી થૉટસ નથી જેનો અનુભવ કર્યો હોય અથવા કરી શકવાના હોય તેના વિશે લખ" એટલે પછી અમદાવાદ ના ઉનાળાને ટાર્ગેટ કર્યો. જેમ મુવી માં કોઈ કેરેક્ટર પ્લે કરતા એક્ટરસ ઘણી વાર પોતે જાતેજ તે પાત્ર ને લાગતી વળગતી પરિસ્થિતિ નો અનુભવ કરતા હોય તેમ મેં પણ લેખ માં આવતી બધી પરિસ્થિતિ નો જાતે અનુભવ કર્યો છે.

ઉનાળા ની ના ગમે એવી વાતો તો જગ જાહેર છે. તેમાંની કેટલીક માં પ્રથમ તો છે ભયાનક ગરમી - એટલે કે છેલ્લા કેટલાય વર્ષો થી હોય છે એવી જ પણ આતો થોડી અતિશયોક્તિ જરૂરી લાગી એટલે "ભયાનક ગરમી" જોકે આ વિશેષણ પણ થોડું નબળું લાગે છે અને એટલેજ હવે છાપામાં પણ "આગ ઓકતી ગરમી" કે "અગન જ્વાળા વર્ષાવતો સૂર્ય" જેવા વિશેષણ વાપરવામાં આવે છે જે જરૂરી પણ છે શિયાળામાં "ગાત્રો થીજવતી ઠંડી" ની સામે માત્ર "ગરમી" શબ્દ નમણો પડે. ઉનાળા માં બીજી ના ગમે એવી વાત છે પરસેવો. ફ્રીજ માં બહાર કાઢેલી ચિલ્ડ પાણી ની બોટલ ને ફરતે જે રીતે પાણી ની બુંદો જામી પડે તે જ રીતે આખું શરીર પરસેવા ની બુંદો ની ઝળહળી ઉઠે છે. મારા તો ખુદ નો અનુભવ છે કે ઉનાળા માં સવારે બાથરૂમ માં નાહ્યા બાદ જો બે મિનિટ થી વધારે સમય દિલ લુસવા માટે અંદર રહો તો બહાર આવતા તમને સોનાબાથ ની ફીલિંગ આવશે. જિમ માં જઇ ને પરસેવો પાડવો મોંઘુ પડતું હોય તો આ કીમિયો અજમાવવા જેવો ઉનાળા માં નાહ્યા બાદ ૧૦-૧૫ મિનિટ બાથરૂમ માં જ રેહવું પણ હા બાથરૂમ માં પંખો ના હોવો જોઈએ અને હોય તો બંધ રાખવો (કેટલાક ને ઘર માં બાથરૂમ માં પણ પંખો હોય છે એટલે કહેવું પડ્યું) ટીવી માં બતાવતા પેલા સોનાબેલ્ટ થી પણ વધારે પરસેવો પાડશો ગેરંટી, જોકે ઘરમાં "ન્હાઈ લીધું હોય તો નિકળજો બીજા ને પણ ન્હાવા નું છે" એવી બુમો ના પડતી હોય તો જ આ ઉપાય અજમાવવો. સવારમાં પાણી અને ત્યારબાદ પરસેવાથી નાહી ને પંખા નીચે ઉભા ઉભા "વિદેશ ની કેટલીક સોફ્ટવેર કંપનીઓ જ્યાં બરમુડો અને બાંય વગરની ટીશર્ટ પહેરીને પણ ઓફિસ જઇ શકાય તેવું આપણા અમદાવાદ ની કંપની માં પણ છૂટછાટ આપવામાં આવે તો" જેવા વિચારો ચાલુ થાય ત્યાંજ ઓફિસ ના મસ્ત મજાના એસી અને ત્યાનું ઠંડુ વાતાવરણ ની યાદ આવતા જ ફટાફટ ઓફિસ જાવા નીકળી પડું.

ખબર નહિ કયા શાયરે કહ્યું છે પણ ઘણી ફિલ્મો માં હીરો રોફ મારવા સાંભળાવતો હોય છે "યે ઇશ્ક નહિ આસાન બસ ઇતના સમાજ લિજીયે એક આગ કા દરિયા હે..." આગળ નું ખબર જ હશે જાતેજ બોલી લેજો પણ અહીં જે આગ ના દરિયાની વાત છે એ કદાચ શાયર અમદાવાદ માં ઉનાળાની ભર બપોરે ટુ વહીલર પર કામથી નીકળ્યો હશે અને સિગ્નલ બંધ હોઈ તડકા માં ઉભું રહેવું પડયું હશે ત્યારના અનુભવ ની વાત કરતો હશે. અને જો એવુ વિચારતા હોવ કે અઘરામાં અઘરી પરીક્ષા કોઈ હોય તો એ અગ્નિ પરીક્ષા તો જરા એ ટુ વહીલર વાળા ની પરિસ્થિતિ ને યાદ કરી લેજો જે કોટન નું પેન્ટ પહેરી ને બે કલાક તડકા માં પડી રહેલા બાઈક કે એક્ટિવા ની સીટ પર રૂમાલ કે કપડું પાથર્યા વગર ભર બપોરે કામકાજ માટે નીકળી પડે છે.

"ગરમીમાં રાતે ધાબે ઊંઘવાની મજા જ કંઈક અલગ જે ઠંડી હવા આવે" કેહવા વાળા ની હવા ત્યારે નીકળી જાય જ્યારે ખબર પડે કે આજે તો સહેજ પણ પવન નથી. નાનપણ માં ભણવામાં આવતો એક ગુજરાતી નો પાઠ "લુચ્ચો વરસાદ" માં વરસાદ ની એક લુચ્ચાઈ વર્ણવા ની રહી ગઈ હતી કે ભર ઉનાળે માત્ર દેખાડો કરવા નામનો થોડો ઘણો વરસાદ પડતો તમને થશે આમાં લુચ્ચાઈ ક્યાં આવી ગરમી માં વરસાદ પડે તો સારું જ ને ભલે થોડો પડ્યો… પણ વરસાદ બંધ થાય બાદ ગરમી અને બાફ ના લીધે હાલત ઢોકળિયા માં મુકેલા ઢોકળા જેવી થાય છે. અને અમારા ઘર માં તો ઓચિંતા પડેલા વરસાદ એટલે માફિયા તરફ થી કોઈ ધનવાન ને કિડનેપ કરવાની મળેલી ધમકી સમાન ગણવા માં આવે છે એટલે જેમ કિડનેપિંગ ધમકી બાદ માણસ વધુ સાવધ થઈ ને ફરે એમ અમે પણ ગાદલા પલાળી નાખવાની વરસાદ ની ધમકી ને લીધે સવારે ઉઠી ને ગાદલા ધાબે થી નીચે લેતા આવીએ અને રાતે પાછા ગાદલા ધાબે લાઇ જવાના. જોકે આટલુ ઓછું હોય તેમ ધૈર્ય ની ખરી પરીક્ષા વાળી ક્ષણો તો ધાબામાં ચટાઈ પાથરતી વખતે થાય છે. ધાબામાં ચટાઈ પાથરવાની શરૂઆત કરવાની અને એજ વખતે પવનનું જોરથી ફૂંકાવું. માંડ ચટાઈ પાથરો ત્યાં પવન આવે ને ચટાઈ ને ફેંદી નાખે.. એક છેડો સરખો કરો અને બીજો છેડો ઉડવા લાગે માંડ પવન શાંત થાય તમે ગાદલા લેવા જાવો ત્યાં સુંધી પાછો પવન બધું ફેંદી નાખે.. જેમ તેમ ગાદલા પાથર્યા હોય ને તમે ગાદલા માં આડા પડો ને ત્યાં પવન બંધ… શૂન્યાવકાશ જાણે એક પત્તુ પણ ના હલે.

લેખ ની શરૂઆત માં મેં ઉનાળાની ના ગમે પણ મારી મચડી ને ગમતી કરવા તેના ફાયદા કહું તો તેમાં પ્રથમ પરસેવો છે."હા પસ્તાવો પવિત્ર ઝરણું સ્વર્ગ માંથી ઉતર્યું છે" નાના હતા તયારે ગુજરાતી વિષય માં આવું કંઈક વાંચવામાં આવતું (અહીં "આવું કાંઈક" લખવાની જગ્યાએ થોફુ વધારે સ્પેસિફિક લખવું હતું પણ છંદ, દુહો, અલંકાર કે કોઈ પ્રાસ માં બહુ ખબર પડે નહીં એટલે એટલે આવું કંઈક થી ચલાવી લેજો) પણ આજકાલ પડતી ગરમી ને લીધે મનમાં આવું કાંઈક આવી ચઢે છે."હા પરસેવો ખારું ઝરણું ગળા ના ભાગે થઈ નીકળ્યું છે" સવાર સવાર માં બાઈક લઇ ને ઓફિસ જતા વખતે જ્યાં સુધી બાઈક દોડી રહ્યું ત્યાં સુધી તો વાંધો નહીં પણ જેવું કોઈક સિગ્નલ પર બાઈક ઉભું રાખવાનું થયું આ ખારું ઝરણું ખાલી ગળેથી જ નહિ પણ શરીર ની પરની ચામડી ના દરેક ભાગો માંથી ફૂટી નીકળે છે અને પછી જેમ નાના નાના ઝરણા ભેગા થઈ નદી બને તેમ ઝાંકળ ની બુંદો ની જેમ બાજેલા પરસેવા ની બુંદો ભેગી થઈ એક મોટું ટીપું બને અને પછી તે બોચી ના ભાગથી તેનો પ્રવાસ શરૂ કરી ધીમે ધીમે પીઠ તરફ પ્રયાણ કરે અને આ વખતે થતી ગલી ગલી તમે શબ્દો માં વર્ણવી ના શકો બાઈક પર બેઠા બેઠા તમે થોડા વાંકા ચૂકા થાવ જેથી કરી પેલું પરસેવા નું ટીપું ઝડપથી થઈ એની મંજિલ પર પોંહચી જાય. એસી વાળી ગાડીમાં ફરતા ના નસીબ માં ક્યાં એવો પરસેવો અને એનાથી થતી ગલી ગલી. અને જયારે ૪૦ ડીગ્રી ટેમ્પરેચર એ સિગ્નલ પર ઉભેલા ટુ વિહલર પર ગરમી કે પરસેવા ની પરવા કર્યા વગર એક બીજા ને વળગી ને બેઠેલા કપલ ને જોવું ત્યારે સાચો પ્રેમ હજુ પણ અસ્તિત્વમાં છે એવું જણાઈ આવે છે. આજકાલ મોટા ભાગ ની ઓફિસ માં એસી લાગેલા હોય છે અને એટલે જ કદાચ ઉનાળામાં એસી વાળી ઓફિસ માં કર્મચારીઓ ની સમયપાલનતા માં જબરદસ્ત સુધારો જોવા મળે છે. લોકો ઓફિસ સમયસર અને ઘણી વાર તો સમય થી પણ વહેલા આવી ચડે છે.ઉનાળો જ એક એવી સિઝન છે જેમાં મને રવિવારે પણ મારી ઓફિસ બહુ યાદ આવે છે.

આ બધી વાતો માં ઉનાળાની ગમતી વાતો તો રહી જ ગઈ ઉનાળાની કાગડોળે રાહ જોવાનું મુખ્ય કારણ મારા માટે તો કેરી.. કાચી, પાકી , ઢીલી થઈ ગયેલી, કાર્બાઇડ થી પકવેલી, કાર્બાઇડ વગર પકવેલી, તલાલાની પ્રખ્યાત, સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત, કચ્છ ની પ્રખ્યાત, જ્યાં કેરી થતી જ નથી ત્યાંની પ્રખ્યાત, ગોટલા વાળી, ગોટલા વગર ની ...સોરી સોરી છેલ્લી કેરી હજી ઉગવાની બાકી છે જોશ માં ને જોશ માં થોડું વધારે લખાઈ ગયું. ટૂંક માં અને લાંબામાં બન્ને રીતે ઉનાળાની ગરમી માં જો ઠંડક આપે એવું કાંઈ હોય તો...એસી બધે કેરી ના આવે ખાવાની વાત છે ત્યાં સુધી ઠીક. અને કેરી નો પોંહચ તો જુઓ લોકો વિદેશ જવા કેટલીયે અઘરી પરીક્ષાઓ આપતા હોય છે, ભારત માં પાંચ પાંચ વર્ષ થી નોકરી કરતા વિદેશ જાવા કોલેજ સ્ટુડન્ટ તરીકે પણ એડમિશન લઇ લેતા હોય છે અને કેરી, વગર પરીક્ષા એ દુબઇ, અમેરિકા, કેનેડા અને બીજા કેટલાય દેશો માં જાય છે અને ત્યાં પણ ઠાઠમાઠ તો અંકબદ્ધ. હમણાં જ એક અમેરિકા માં રહેતા મિત્ર જોડે વાત થઈ કહે કે અહીં તો ૪ ડોલર એટલે કે લગભગ ૨૮૦ રૂપિયા ની માત્ર એક જ કેરી મળે આ સાંભળી ગુજરાત માં રહેતા હોવાનો ગર્વ પહેલેથી જ છે અને તેમાં વધારો થઈ જાય છે.

આતો મેં અનુભવેલી ઉનાળાની ગમતી, ના ગમતી અને આમ તો ના ગમતી પણ વીણી વીણી ને ફાયદા કાઢો તો ગમતી એવી વાતો અહીં લખી પણ તમે તમારી રીતે એક લિસ્ટ બનાવી દો અને ઉનાળાની ફેરવેલ પાર્ટી એટલે વિદાય સમારંભ ની સ્પીચ માં તેને મૂકી દો. અને હા જોડે જોડે વિદાય લઈ રહેલા ઉનાળાને ભરપૂર માણી લો એટલે બને એટલી કેરીઓ ખાઈલો, ધોખ ધમતા તાપ માં એકાદ ચક્કર મારી આવો પરસેવા થી થતી ગલી ગલી નો આનંદ માણી લો પણ જતા પહેલા એકાદ ડુંગળી ખાઈ ને નિકળજો જેથી લૂ ના લાગે (અને ટુ વહીલર પર જવાના હોવ તો હેલ્મેટ પણ પેહરજો જેથી બીજું કોઈ વિહકલ તમને લાગે તો વાંધો નહિ)