babuchak ni vato books and stories free download online pdf in Gujarati

બબુચક ની વાતો

પુરા ૫ વર્ષ અને ૭ મહિના ને અંતે મે મારા પ્રથમ મોબાઈલ સાથે બ્રેકઅપ કરી લીધો. તમને થતું હશે એક મોબાઈલ સાથે આટલું લાંબુ રિલેશન કાઈ રીતે ટક્યું જયારે આજકાલ તો લોકો વધુ માં વધુ બે કે ત્રણ વર્ષે જુના મોબાઈલ ને ભૂલી જઈ નવા મોબાઈલ જોડે સંબંધો બાંધી લેતા હોય છે. જોકે સ્વભાવે હું પૂરો કરકસરિયો એટલે "ચાલશે અને ફાવશે" ની મારી નીતિ ને હું આટલા લાંબા ચાલેલા મારા અને મારા સ્માર્ટ ફોન ના સંબંધ નું મુખ્ય કારણ ગણું છું. આ સમય ગાળા દરમ્યાન મારા અને મારા મોબાઈલ વચ્ચે નો રિલેશન માં ઘણા અપ ડાઉન આવ્યા એટલે થોડો ઘણો ખટરાગ તો રેહતો જ પરંતુ આખરે કમને સંબંધ નિભાવવા કરતા મને આ સંબંધ નો અંત લાવવો યોગ્ય લાગ્યું અને ફાઇનલી થયું મારુ અને મારા પ્રથમ સ્માર્ટ ફોન નું બ્રેકઅપ.

મારો પ્રથમ સ્માર્ટ ફોન સાથે ના સંબંધો ની શરૂઆત ૨૦૧૧ માં થઈ. પ્રથમ નોકરી માં જોડાયાને સાત આઠ મહિના થયા અને બેંક માં મોબાઈલ લઈ શકાય એટલું બેલેન્સ ભેગુ થતા મોબાઈલ લેવાનું નક્કી કરવામાં આવ્યું. સ્વભાવે ખણખોદીયો અને પાછો સોફ્ટ્વેર ડેવેલોપર એટલે પુરા બે મહિના અગાઉ બજાર માં ઉપલબ્ધ મોબાઈલ વિશે માહિતી ભેગી કરી બધાના ફીચર્સ શરખાવવાનું શરૂ કરી નાખ્યું હતું. જાણે વિજ્ઞાન ક્ષેત્રે કોઈ મહત્વનું શંશોધન શરુ કર્યું હોય તેમ દરેક મોબાઈલ ના ફોટો અને તેની કિંમત સાથે તેના ફીચર્સ નું એક લિસ્ટ બનાવ્યું. આમાંના કેટલાક મોબાઈલ ધારકો ને તો મળી તેઓ વાપરતા હતા એ મોબાઈલ ની ખાસિયતો અને ખામીઓ પૂછી અને મારા બનાવેલા લિસ્ટ ને ફિલ્ટર કરતો ગયો. અંત માં એ વખતના નવાસવા એવા એન્ડ્રોઇડ સિસ્ટમ વાળો મોબાઈલ ખરીદવામાં આવ્યો અને આ રીતે મારો અને મારા પ્રથમ સ્માર્ટ ફોને ના સંબંધો ની શરૂઆત થઈ. જોકે મોબાઈલ ખરીદવા કરતા ઘરે મમ્મી ને આ મોબાઈલ ની ખરીદી એ યોગ્ય અને વિચારી ને ભરવામાં આવેલું પગલું છે અને માત્ર રૂપિયા નો વ્યર્થ ઉપયોગ નથી એ સાબિત કરવાનું કામ વધારે અઘરું હતું. "આટલો મોંઘો મોબાઈલ લેવાની શી જરૂર હતી, આટલામાં તો ત્રણ ચાર સાદા સિમ્પલ મોબાઈલ આવી જાત (નોકિયા ના બ્લેક એન્ડ વ્હાઇટ મોબાઇલ), મોબાઈલ સાચવજે તને વસ્તુઓ ગમે ત્યાં મુકવાની આદત છે" અને એવી બીજી કેટલીય ટીકા ટિપ્પણીઓ મમ્મી એ કરી પણ મનગમતો મોબાઈલ હાથમાં હોઈ બધું સાંભળી (અવગણી) લીધું.

પુરી 180 MB ઇન્ટરનલ સ્પેસ અને 256 MB રેમ સાથે 3.2 મેગાપિક્સલ કેમેરા નો ટચસ્ક્રિન અને સિંગલ સિમ વાળો એ મોબાઈલ ને પાછું 3G પણ સપોર્ટ કરતો હતો. ડ્યુઅલ સિમ ની સુવિધા એ વખતે ચાઇના ના મોબાઈલમાં વધારે જોવા મળતી અને સેલ્ફી નું એ વખતે એટલું ચલણ નહતું આથી ફ્રન્ટ કેમેરા પણ નહતો. શરૂઆત ના એક બે અઠવાડિયા તો હું કોઈ સેલીબ્રીટી ને સાથે લઈ ને ફરતો હોઉં તેવી ફીલિંગ આવતી બધા નવો એન્ડ્રોઇડ વાળો ટચસ્ક્રિન મોબાઈલ જોઈ તેના વખાણ કરતા અને શરૂઆત ના એક વર્ષ તો મોબાઈલ પણ બહુ જ સારો ચાલ્યો. આ સમય ગાળો મારા અને મારા મોબાઈલ ના સંબધો નો સર્વશ્રેષ્ઠ સમય હતો. ઇન્ટરનેટ નું GPRS ડેટા પેક કરાવ્યું હતું જેથી નવા મોબાઈલ મારફતે ફેસબુક, કે ઈન્ટરનેટ ની સુવિધાઓ નો લાભ ઉઠાવી શકું.

પરંતુ પછી તો જાણે ઔધોગિક ક્રાંતિ સર્જાઈ હોય તેમ દરેક કંપની એન્ડ્રોઇડ મોબાઈલ બહાર પાડવા લાગી અને એ પણ નવા ફીચર્સ અને વધુ આધુનિક ઉપકરણો સાથે. તો બીજી તરફ એન્ડ્રોઇડ મોબાઇલ માં વપરાતી એપ્લિકેશન પણ દિવસે દિવસે હાઈ ફાઈ થવા લાગી એટલે વધારે સ્પેસ રોકે, વધારે મેમોરી જોઈએ પ્રોસેસિંગ પાવર પણ વધારે જોઈએ. મોબાઈલ એપ્લિકેશન માં વોટ્સએપ એ એનો સિક્કો જમાવી દીધો હતો કોઈ પણ નાના ચેટ મેસેજ થઈ લઈ ફોટો કે નાના વીડિયો ની આપ લે વોટ્સએપ થઈ જ થતી. SMS માત્ર બેંક વાળા અને જેતે કંપનીનું સિમ કાર્ડ હોય તેના જ આવતા. આવા સમયે કોઈ તહેવાર પેહલા જો સિમ કંપની વાળા "ફલાણા તહેવાર ના દિવસે SMS નો રેગ્યુલર ચાર્જ જ થશે કોઈ SMS પેક કામ નહીં કરે" જેવો મેસેજ આવે તો વિચાર આવતો મોટા ભાગના તો વોટ્સએપ કે એના જેવીજ અન્ય એપ્લિકેશન નો ઉપયોગ કરે છે તો આ SMS ના ચાર્જ ની ધમકી આપી કંપની ને શુ મળતું હશે. કહેવત છે ને "આશા અમર છે" સિમ કાર્ડ ની કંપની વાળા બસ એજ વિચારે એવો વિશ્વાસ ટકાવી રાખ્યો હશે કે કોઈક તો એવો ગ્રાહક હશે જે SMS પેક કરાયું હશે તો એને જાણ કરવા ખાતર બધાને મેસેજ કરી દેતા હશે.

આપણે પાછા મૂળ વાત પર આવી જઈએ સ્માર્ટ ફોન માં વોટ્સએપ ની એપ્લિકેશન ફરજિયાત બની ગઈ હતી અને આ વાત વોટ્સએપ કંપની વાળા જાણતા હોય તેમ તેમની એપ ની અપડેટ નો મેસેજ એટલે ધમકી જ સમજી લો. ચોખ્ખું કહી દેતા કે ફલાણા તારીખ પછી ગમે કે ના ગમે નવું વર્ઝન જ નાખવું પડશે. એટલે દર અપડેટ વખતે મારો મોબાઈલ બુમ મારી ઉઠે કે બસ કર ભાઈ હવે જગ્યા નથી નવું ના નાખો અને પછી શરૂ થાય મોટી માથાકૂટ. માત્ર સો રૂપિયા લઇ કોઈ સાદી કે ચીલા ચાલુ રેસ્ટોરન્ટ માં જમવા ઘુસી ગયા પછી બે થી ત્રણ વાર મેનુ કાર્ડ આગળ પાછળ કરી ને નક્કી કરીએ કે કઈ વાનગી મંગાવીશું તો રૂપિયા પણ બચશે અને પેટ પણ ભરાશે બસ એજ પધ્ધતિ થી હું મોબાઈલ માં એપ્લિકેશનનું લિસ્ટ જોવું અને નક્કી કરું શુ કાઢું અને શું રાખું તો આપણું કામ કાજ પણ ચાલતું રહે અને મોબાઈલ સ્પેસ નથી ની રાડો પણ ના નાખે. ટૂંક માં મોબાઈલ ખરીદયા ના ત્રણ વર્ષ પછી હવે મારો મોબાઈલ એ જુના TVS ના લ્યુના કે મોપેડ જેવું હતું કે જે મહત્તમ ૩૦ ની સ્પીડ સુંધીજ બરાબર ચાલે પણ જો સ્પીડ ૩૦ થી વધારો તો એન્જીન માંથી અવાજ આવવા લાગે અને કદાચ બંધ પણ થઈ જાય અને કોઈ ઓવરબ્રિજ કે ઢાળ ચડાવતી વખતે અડધા બ્રિજ પર આવી પગ વડે ધક્કા મારવા જ પડે.

સેલ્ફી શબ્દ લોકો માટે ૨૦૧૩ પછી અજાણ્યો નોહતો પણ હું આ શબ્દ થી બને ત્યાં સુધી દૂર જ રેહતો ભૂલે ચુકે પણ હોઠો પર ના આવવા દેતો ક્યાંક કોઈ સાંભળી ગયું અને બોલી પડ્યું કે ચાલ તારા મોબાઈલ માં સેલ્ફી લઈએ તો... ફ્રન્ટ કેમેરો તો હતો નહિ મોબાઈલ માં અને પાછળ ના કેમેરામાં પડેલા દરેક ફોટો માં મારા સિવાય ની બાકી બધી વ્યક્તિઓ કે વસ્તુઓ આવી જતી અને ભૂલેચૂકે જો હું ફોટા માં આવી પણ જવું તો એ પેલા પ્રોફેશનલ ફોટોગ્રાફર જેવો આવે, એટલે કોઈ હીરો કે મોડલ ટાઈપ નો નહીં પણ એવા ફોટો જેમાં ચહેરો અડધો જ હોય અને બાકીનું બેકગ્રાઉન્ડ દેખાતું હોય એમ મારે પણ ક્યાંક તો ચેહરા નો માત્ર જમણો અથવા ડાબો ભાગ જ ફોટો માં આવે. કોઈ પ્રસંગ માં જયારે લોકો એમના મોબાઈલ માં સેલ્ફી ખેંચતા તયારે હું દૂર થી તેમને જોઇ "જાતેજ પોતાનો ફોટો ખેંચી શુ કરવાનું લોકો આપણા ફોટા ખેંચે તયારે કાંઈ કેહવાય" જેવી મોટી મોટી વાતો વિચારી મારા મોબાઈલમાં ફ્રન્ટ કેમેરો ના હોવાનું દુઃખ ઓછું કરી લેતો. સેલ્ફી નો વંટોળ શમ્યો નોહતો ત્યાં ઝેન્ડર નો પવન ફૂંકાવવા લાવ્યો એક એવી એપ્લિકેશન કે જેના વડે તમે વાઇફાઇ ની સ્પીડ માં બે મોબાઈલ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકો. એ સમય દરમ્યાન કોઈ ઓફિસ માં કહે નવું મુવી કે જોરદાર કોમેડી વીડિયો છે જોઈતો હોય તો ઝેન્ડર ચાલુ કર અને ત્યારે પણ "હું પાઇરસી ને સપોર્ટ નથી કરતો" જેવું ખુમારી ભર્યું કોઈ વાક્ય બોલી વાત ટાળી દેતો કારણકે હું જાણતો કે ઝેન્ડર મુવી તો કદાચ પાંચ જ મિનિટ માં કરી દેશે પણ મારા મોબાઈલ ને ઝેન્ડર ચાલુ કરી અને બીજા મોબાઇલ સાથે જોડાવવા માં જ ૧૦-૧૫ મિનિટ લાગશે.

૨૦૧૬ ના અંત સુધી માં મારા અને મારા મોબાઇલ ના સંબંધો વણસી ચુક્યા હતા મોબાઈલ ને બે ત્રણ દિવસે ફરજિયાત પણે બંધ કરી ચાલુ કરવો પડે, એપ્લિકેશનમાં વોટ્સએપ અને ફેસબુક (એ પણ લાઈટ એટલે હળવું વર્ઝન) સિવાય વધારાની કોઈ એપ્લિકેશન નહીં. અને આ તણખા ઝરતા સંબંધો માં તેલ રેડાયું જયારે મુકેશ અંબાણી એ રિલાયન્સ નું જીઓ નું 4G સિમ લોન્ચ કર્યું અને તેમાં સાથે મફત વોઇસ કોલિંગ અને 4G ડેટા. "મફત" એ ભલભલા સંતુષ્ઠ લોકો માટે બિન જરૂરી વસ્તુઓની જરૂરિયાત ઉભી કરી નાખે છે. મારો મોબાઈલ 4G સપોર્ટ નોહતો કરતો મારે જરૂર પણ નોહતી પણ મફત નું કોણ જતું કરે. અને ત્યાર બાદ જાહેર કરવામાં આવેલી નોટબંદી એ મોબાઈલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપ્યું જે મારા એ વખતના મોબાઈલ માં શક્ય નોહતું અને મને જોઈતી કિક એટલે લાત પડી કે હવે તો નવો મોબાઈલ લે જ છૂટકો. જોકે લેખ ની શરૂઆત માં જણાવ્યા પ્રમાણે કરકસર વાળા સ્વભાવ ને લીધે મોબાઈલ જોડે બ્રેકઅપ કરવાનું નક્કી કર્યા બાદ પણ યોગ્ય તક ની રાહ જોવામાં બીજા બે ત્રણ મહિના કાઢી નાખ્યા અને ફાઇનલી જાન્યુઆરી ૨૦૧૭ માં એક ઓનલાઈન શોપિંગ ની સાઈટ પર સારા ડિસ્કાઉન્ટ સાથે મળતા મોબાઇલ પર આફરીન થઈ તરત જ મોબાઇલ નોંધાવી દીધો. ૨૬ જાન્યુઆરી ભારત નો પ્રજાસત્તાક દિવસ જયારે ભારત નું બંધારણ અમલમાં આવ્યું અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ મારો બીજો એટલેકે દ્વિતીય સ્માર્ટ ફોન મારા હાથ માં આવ્યો અને મારા પ્રથમ સ્માર્ટફોન સાથે ના સબંધો પર મુકાયું પૂર્ણવિરામ. ૨૬ જાન્યુઆરી કે ભારત ના બંધારણ ને મારા મોબાઈલ કે આ લેખ સાથે કંઈ લેવાદેવા નથી આતો આમજ એકાદો મોટો દિવસ લેખ માં ટાંકી દઈએ તો સારું.

જો આપ વિચારતા હોવ કે મારા જુના મોબાઈલ નું શુ થયું તો તે હજુ પણ ચાલુ કન્ડિશન માં છે, ના મેં એને કોઈ મ્યુઝિયમ માં નથી મુક્યો. કેટલાકે મને મજાક માં સલાહ આપી કે મોબાઈલ ની કંપની માં જાણ કર આટલો લાંબો સમય તેમની પ્રોડક્ટ પરના વિશ્વાસ જાળવી રાખવા ના બદલામાં કંપની તને સન્માનીત કરશે જોકે મેં આ વાત ને વધારે ગંભીરતાથી લઇ મારા પ્રથમ મોબાઈલ ને હજુ પણ સાચવી રાખ્યો છે કોણ જાણે ખરેખર માં કંપની વાળા તેમના મ્યુઝિયમ માં મુકવા માટે મારી પાસેથી મોબાઈલ ખરીદી લે તો....

અને અંત માં આ લેખ ના વાચકો અને તેમના મોબાઈલ ના સંબધો સુખમયી રહે તેવી શુભેચ્છા, અને જો સુખમયી ના રહે તો.... નવો મોબાઈલ લઈ લેજો મારી જેમ ખેંચે ના રાખતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED