પંખાનો કિચુડ કિચુડ અવાજ ચાલુ હતો.રજાનો દિવસ હતો..આજે હોળી હતી..રૂમની બારીના લીલા કાચ પર રજ ચોંટેલી હતી.કાચમાંથી પ્રકાશ સંપૂર્ણ રીતે જાણે અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.પ્રકાશમાં ઘૂમતા ધૂળના રજકણો હતા.આરવ હજુ ઘસઘસાટ સુતો હતો.આજે તો અલાર્મનો અવાજ પણ ન આવ્યો.રજાનો દિવસ હતો એટલે કદાચ.
આરવની આંખો સહેજ ખુલી.ઝીણી આંખોએ બારીના લીલા કાચ તરફ નજર કરી જ્યાંથી રૂમમાં અજવાળું પ્રવેશ કરતુ હતું.કોઈ ઘરમાં હતું નહિ જે બારીના પડદા પાડી આપે.મમ્મી જે પરદો પાડી દેતી એ તો બે વર્ષ પહેલા જ ક્યાંક ચાલી ગઈ..કદાચ ભગવાન પાસે....નહિ,કદાચ એક તારલો બની ગઈ હશે...એ જ તારો જેને આરવ અગાશી પરથી જુએ ત્યારે આરવને લાગતું કે જાણે એ તારામાં એક વધારાની ચમક ઉમેરાઈ ગઈ.. આરવની આંખો આખા રૂમમાં ફરતી રહી..આરવે ઝીણી આંખે સામેની ખુરશી પર નજર કરી જ્યાં આખા અઠવાડીયાના કપડા ઢગલો કરીને મુકેલા હતા.આરવે માથા સુધી ચાદર ખેચી અને વળી પાછો ઘસઘસાટ સુઈ ગયો.
નવ વાગ્યા.....સવા નવ .....સાડા નવ ....સાડા નવ ને પાંચ થઇ......
આરવની આંખો વળી પાછી ખુલી..એના સિંગલ સાઈઝના બેડની બાજુમાં આવેલા અરીસા તરફ ચહેરો ફેરવ્યો..અરીસા ઉપર પણ ધૂળના કણો ચોંટેલા હતા.અરીસો એવી રીતે મુકેલો હતો કે આખા ઘરનું પ્રતિબિંબ એમાં સમાઈ જતું હતું.આરવ બેડ પરથી ઊભો થયો.અરીસા સામે ઊભો રહ્યો.હથેળીથી અરીસા ઉપરની રજ દુર કરી.એક ચહેરો દેખાયો.આરવનો ચહેરો....આખી રાતની ઊંઘ કરીને જાણે થાકી ગયો હોય એવો ચહેરો..આરવે હાથેથી પોતાની આંખો ચોળી...અને જાણે પોતાની આંખોમાં જ નજર મેળવીને જોતો હોય એમ જોયું.હજુ અરીસા પર બાજેલી ધૂળના લીધે રૂમની બાકીની ચીજવસ્તુઓનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું ન હતું.આરવ કંઇક વિચારી રહ્યો હતો.પોતાના સપનાઓ વિશે .....ભવિષ્ય વિશે.....ભૂતકાળ વિશે....પણ ભૂતકાળ વિશે વિચારીને હવે શું?.એ તો વીતી ગયો...પણ એના વિચારો પર આપણું નિયમન થોડું હોય...?..ભૂતકાળમાં તો ઘણું હતું....ઘણું નહી ..બધું જ હતું...રુતવી હતી.. મમ્મી હતી....પપ્પા હતા.....પણ પપ્પા તો હજુય છે..પણ પપ્પા સાથે નાનપણથી જ માત્ર કામ પુરતી જ વાતો થતી....કદાચ એ કનેક્શન બન્યું જ નહિ હોય..એ જગ્યા ખાલી આ જન્મમાં કદાચ ખાલી જ રહેશે.
અને રુતવી....?.. રુતવી...ફૂલ જેવી કોમલ...બે હથેળીઓમાં આરવનો ચહેરો લેતી ત્યારે આરવ આખી દુનિયા ભૂલી જતો..એ પણ ચાલી ગઈ...ક્યાં?....કેમ?...કોની પાસે?....ક્યાં અને કોની પાસે એ ખબર છે પણ કેમ એ સવાલ તો આરવ હજુ પણ શોધે છે...મમ્મી ક્યાં ચાલ્યા ગયા એ ખબર નથી પણ પાછા વળીને ક્યારેય નથી આવવાના એ ખબર છે.ઋત્વીનું પણ એવું જ કૈક છે...એ ક્યાં ગઈ છે એ ખબર છે...પણ એ ક્યારેય પાછી વળીને નહિ આવે.
આરવની આંખો ભીની થઇ ગઈ.જાણે બધા જ પેલા અરીસા પર ચોંટેલી ધૂળની રજ પાછળ સંતાય ગયા હતા.પણ હજુ કૈક હતું...આરવની આંખોમાં.....ચમકતું....ચળકતું...એનું પોતાનું કંઇક....કીકીઓમાં ઝળહળતું હતું...એનું સપનું ...નાના બાળક જેંવું...નિર્દોષ અને નિખાલસ...હમેશા એની સાથે રહેતું....એ હસતો હોય ત્યારે પણ રોતો હોય ત્યારે પણ.....જીવવાનું એક માત્ર કારણ.....એ જ અરીસામાં એ સપનાનું પ્રતિબિંબ હતું.ખૂણામાં પડેલું એક ગીટાર...આરવને ગીટારિસ્ટ બનવું હતું.આંખો લુછીને એ ગીટાર પાસે ગયો...ઋત્વીને જાણે પોતાના હાથોમાં ઉચકતો હોય એમ એણે ગીટાર હાથમાં લીધું..એક ચુંબન કરીને ગીટારમાંથી નીકળતા સૂરને વહેતા મુક્યા.આખા રૂમમાં પ્રસરી ગયા.બારીના લીલા કાચમાંથી અંદર ઘુસી આવતા અજવાળા સાથે હાથમાં હાથ મિલાવીને નાચવા લાગ્યા.અરીશાના પ્રતિબિંબમાં પ્રસરી ગયા.પંખાના કિચુડ કિચુડ અવાજમાં ભળીને જાણે નવા જ સ્વરોની રચના કરવા લાગ્યા.
સમય અને સ્થાનના કોઈ પરિમાણ રહ્યા નહોતા.માત્ર ગીટાર હતું...સ્મૃતિ હતી..ગીટારના તાર પર ફરતી આંગળીઓ હતી..તાર પર ઝડપથી પોતાનું સ્થાન બદલતી આંગળીઓ..રણજણતા તાર હતા..સંગીતના સુર હતા..અને....અને બીજું પણ કોઈક હતું...બંધ આંખોની પાછળ...ધૂંધળો ચહેરો વધુ સ્પષ્ટ થતો ગયો..ઋત્વી હતી..કપાળ પર લહેરાતા વાળની લટ હતી.બંને કાનમાં લટકતા ચાંદી કલરના ઝૂમકા હતા.હવામાં લહેરાતો દુપટ્ટો હતો.હાસ્ય હતું..ખીલખીલાટ કરતુ હાસ્ય...અવાજ વાળું હાસ્ય...ગીટારના સુરોને નબળા પાડતું હાસ્ય....
અને હોઠ પરનું સ્મિત એની આંખોમાં આવીને વસી ગયું હતું.ચમકતી કીકીઓની વચ્ચે....બરાબર મધ્યમાં..આંખોની પાંપણો જાણે કોઈ પરીની પાતળી સુવાળી ચમકતી પાંખોમાંથી કોતરેલી હતી.એ બોલતી ત્યારે એવું લાગતું જાણે ખાલી રૂમમાં મોતી વેરાતા હોય. આ બધું જ આરવની બંધ પાંપણો વચ્ચે હતું.વાસ્તવિકતાથી ઘણું દુર પણ વાસ્તવિક કરતા ઘણું જ સુંદર....ગિટારના સ્વર થોડા મંદ પડ્યા....રુતવી ચાલી ગઈ....કદાચ બે આંખો વચ્ચેના અંધારામાં સમાઈ ગઈ...
એ જ મંદ ગતિથી ગિટારના તાર પર આંગળીઓ ફરી રહી હતી.બધું તોફાન પછીની શાંતિ જેવું બની ગયું... મમ્મી દેખાયા..વહાલ અને પ્રેમના ભરેલા મીઠા દરિયા જેવા....જે કદી ખાલી નહતો થતો.વાત્સલ્ય અને મમતાથી ભરેલી આંખો...જેમાં હેત સતત ઉભરાતું હતું..સમય સાથે આરવની બંધ આંખો વચ્ચે તેના મમ્મી પણ સમાઈ ગયા...પછી એક ચહેરો દેખાયો...ધુમ્મસમાં ઓગળી ગયો હોય એવો...કદાચ આરવના પપ્પાના ચહેરા જેવો જ..એ પણ ધુમ્મસમાંથી બહાર આવે એ પેલા જ બંધ આંખોના અંધારામાં સંતાઈ ગયો.
બસ હવે માત્ર અંધારું હતું.આરવની આંખોમાં ભરાઈને બેઠેલું અંધારું......ગિટારના મધુર સ્વરો..આંસુથી ભરેલી આરવની આંખો..પંખાનો કિચુડ કિચુડ અવાજ...બારીના લીલા કાચમાંથી આવતો પ્રકાશ...એ પ્રકાશના કિરણમાં દેખાતા અને ઘુમરાતા ધૂળના રજકણો હતા...અરીશો હતો...પ્રતિબિંબ હતું...અને રૂમની ભેંકાર શાંતિમાં ભળેલું ગિટારનું સંગીત હતું.
અચાનક શેરીમાંથી ઢોલના અવાજ સંભળાયા.લોકોની ચિચિયારીઓ સંભળાઈ.”હોલી હે ,હોલી હે...” ની બૂમો સંભળાઈ...જાણે આરવ કોઈ સમાધિમાંથી બહાર આવીને કોઈક સમય અને સ્થાન વગરના પરિમાણમાં ઊભો હતો.ગીટારના તાર પર રમતી આંગળીઓ સ્થિર થયો.કાનમાં સંવેદનાઓ પાછી આવી હોય એમ આરવને ઢોલના અવાજ સંભળાયો.એ બાલ્કનીમાં આવ્યો.રૂમના અંધારામાંથી અચાનક અજવાળામાં આવ્યો એટલે આંખો મીંચાય ગઈ..આંખો ઉઘાડીને નીચે શેરીમાં નજર કરી.બાળકો હતા..જુવાનો હતા...વૃધ્ધો હતા....પણ બધામાં એક જ વસ્તુ જાણે સામાન્ય હતી...રંગો...બધાના શરીર પર રંગો હતા...કાળો કલર....નારંગી...ગુલાબી..જાંબલી....લીલો.....બધા જ રંગોને ભેગા કરો એટલે સફેદ બની જાય....એવા રંગો.....આરવને પણ મન થયું હોલી રમવાનું..એ નીચેની તરફ દોડ્યો..નીચે શેરીમાં પહોચી ગયો...હોલી રમતા લોકોની વચ્ચે પહોચી ગયો..એક બાળકે આવીને હસતા હસતા આરવના ચહેરા પર ગુલાલ લગાવ્યું..આરવના ચહેરા પર સ્મિત આવી ગયું..એ પણ ગાંડાની જેમ નાચવા લાગ્યો.ઉપરથી કોઈકે આ હોલી રમતા લોકો પર ડોલ ભરીને પાણી રેડ્યું.સૌ ભીંજાય ગયા.શરીર પર લાગેલા કલરને રેલાવા માટે વધુ અવકાશ મળ્યો.આરવ હસતા હસતા બધું ભૂલીને નાચવા માંડ્યો.ઢોલના તાલ સાથે તાલ મળાવીને....દિલમાં સાચવેલા સપનાઓ પણ નાચવા માંડ્યા....