Anjaam Chapter-33 books and stories free download online pdf in Gujarati

અજાંમ-૩૩

અજાંમ-૩૩

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ વીજયના હાથે પિન્શર ડોગ રેવાનું મૃત્યુ નીપજે છે. બીજી તરફ ગેહલોત વીરજી અને વીરા બંને ઉપર ભારે પડી જાય છે. હવે આગળ વાંચો....)

“ હવે તો સત્ય બોલો વિષ્ણુસીંહ બાપુ....!! કે પછી તમને હજુ પણ એવી આશા છે કે તમે તમારા કૃત્યોના અંજામથી બચી જશો....? તમારા એક બાલિશ પ્રતિશોધનું કેવું પરીણામ આવ્યુ એ તમે તમારી નજરોથી જોઇ શકો છો. તમે જે કર્યુ તેનાથી કોને શું હાસીલ થયું....?” ગેહલોતે ધારદાર અવાજે બાપુને પ્રશ્ન પુછયો. તેની છાતીની પાંસળીઓમાં ચાહકા ઉઠતા હતા. પેટમાં ચૂંથારો થવાથી રહી-રહીને તેને ઉબકા આવી રહયા હતા. મહા-મુસીબતે તે પોતાને ઉભો રાખી શકતો હતો. “ બોલો....જવાબ આપો....!! શું મળ્યુ તમને....?”

“ ફાંસીની સજા....!!” અચાનક વીજય બોલી ઉઠયો. તે ક્યારનો ગેહલોતની નજીક આવીને ઉભો રહયો હતો અને સામેના સોફામાં અધુકડા સુતેલા બાપુના ચહેરાને ધૃણાભરી નજરોથી નીહાળી રહયો હતો. તેને એક વાત સમજમાં નહોતી આવતી કે હવે જ્યારે સમગ્ર હકીકત પ્રગટ થઇ ચુકી છે ત્યારે કેમ બાપુ સુંદરવન હવેલીમાં માર્યા ગયેલા તેના મિત્રોના ખૂનની જવાબદારી રઘુ અને માધો ઉપર ઢોળી રહયા છે...? શું ખરેખર એ ખુન રઘુ અને માધોએ કર્યા છે....? કે પછી બાપુ આ મામલા માંથી છટકવાની પેરવી કરી રહયા છે....? ખેર....જે હોય તે ...થોડા સમયમાં જ સત્ય હકીકત સામે આવી જવાની હતી. ગેહલોત સાહેબ જ્યારે બાપુની સામે રઘુ અને માધોને બેસાડશે ત્યારે દુધ નું દુધ અને પાણીનું પાણી થઇ જવાનું હતુ.

બાપુએ ગેહલોતના પ્રશ્નનો કોઇ જવાબ આપ્યો નહી. તેઓ ખામોશ નજરે પોતાના ભાંગી ચૂકેલા પગના પહોંચાને જોઇ રહયા. તેમને કેટલી પીડા થતી હતી એ તેમના ચહેરા ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો...બાપુએ સર્જેલી એક અનુપમ દુનીયા, એટલે કે તેમનાં ફાર્મ-હાઉસના ડ્રોઇંગરૂમમાં થોડીવાર માટે સ્તબ્ધતા વ્યાપી. કોઇની પાસે બોલવા જેવુ કંઇ નહોતું... અને જો કંઇક હતુ, તો પણ જાણે કોઇ બોલવા માંગતુ નહોતુ. ડ્રોઇંગરૂમાં ફક્ત બાપુ, વીરજી, વીરા, ગેહલોત અને વીજયના શ્વાસોશ્વાસ સાંભળી શકાય એવી ખામોશી પ્રસરી હતી જેમાં કયારેક કોઇકના દર્દભર્યા ઉંહકારા ભળતા હતા...પોલીસ ફોર્સ આવે તેની રાહ જોવા સીવાય હવે બીજુ કંઇ થઇ શકે તેમ નહોતુ.. હેડક્વાટરથી ડી.આઇ.જી.પંડયા સાથે નીકળેલી પોલીસ ફોર્સને અહી પહોંચતા કમ સે કમ એકાદ કલાક તો થવાનો જ હતો.

********************************************************

આખરે પંચાલગઢ ગામની સીમમાં સુરજ ઢળ્યો હતો. સાંજનો આછો અંધકાર ધીમે રહીને ખેતરોમાં ઉગી નીકળેલી મોલાતો ઉપર પથરાવો શરૂ થયો હતો. દુર ક્ષીતીજમાં ખેતરોના શેઢે ઉગી નીકળેલા લીમડાના, આંબાના, બદામડીના ઝાડ ઉપર પક્ષીઓએ કલબલાટ મચાવી મુકયો હતો. તેમને પણ જાણે ઢળતી સાંજને આવકારવાની ઉતાવળ હતી. ખેતરોમાં કામ કરતા ખેડુતોએ ઘર તરફ ગાડા વાળ્યા હતા...

એવા સમયે ગામના પાદરમાં ધુળના ગોટે-ગોટા ઉડાવતી પોલીસજીપો રમરમાટ કરતી પસાર થઇ અને પંચાલગઢનું પાદર વટાવી બાપુની વાડી(ફાર્મ-હાઉસ) તરફ ગઇ હતી. પોલીસજીપો સાથે બે એમ્બ્યુલન્સો પણ હતી. જીપ અને એમ્બ્યુલન્સના થડકારાથી સૂસ્ત બનતી જતી સાંજ અચાનક ફરી જાગ્રત થઇ ઉઠી હતી. ગામના પાદરે પીપળાના ઝાડ નીચે ચણેલા ઓટલા ઉપર બેઠેલા ગામના બુઝુર્ગ વ્યક્તિઓના જહેનમાં આ કાફલાને જતા જોઇને ઉત્તેજના ફેલાઇ હતી અને તેમણે ત્યાં ઉભેલા યુવાનોને તેની પાછળ દોડાવ્યા હતા...યુવાનો થોડી જ વારમાં સમાચાર લઇને આવ્યા હતા કે પોલીસ જીપો અને એમ્બ્યુલન્સ વિષ્ણુસીંહ પંચાલ બાપુની વાડીમાં ગઇ છે, એટલે ત્યાં બેસેલા બુઝુર્ગો કુતુહલતાપૂર્વક એ યુવાનોને સાથે લઇને બાપુની વાડી તરફ ચાલ્યા.

*************************************

સુરતથી શરૂ થયેલી એક ગાથાનો અંતિમ અધ્યાય શરૂ થઇ ચુક્યો હતો.

***************************

વીજયે પ્રયત્નપૂર્વક આંખો ખોલવાની કોશીષ કરી છતા તેની આંખો પુરે-પુરી ખુલી શકી નહી. પાંપણો ઉપર જાણે મણ-મણનો ભાર વર્તાતો હતો. અધખુલ્લી આંખોએ તેણે આસ-પાસ નજર કરી જોવાની કોશીષ કરી. સામેનું દ્રશ્ય તેને સ્પષ્ટ નજરે ચડતુ નહોતું. ચો-તરફ જાણે ઝાકળ પથરાયેલુ હોય એવું ધુંધળાશભર્યુ દ્રશ્ય તેના ચક્ષુ-પટલ ઉપર દેખાતુ હતું....તે કયાં હતો એનો પણ તેને અંદાજ આવતો નહોતો. કદાચ તે કોઇ સફેદ રંગે રંગાયેલી છત નીચે એકદમ મુલાયમ પથારીમાં સુતો હતો. આ કઇ જગ્યા છે તેનો તાગ મેળવવા તેણે ઉભા થવાની કોશીષ કરી એ સાથે જ તેના શરીરમાં પીડની એક લહેરખી પસાર થઇ ગઇ. એટલે એ પ્રયત્ન છોડી ફરીથી તેણે આંખો બંધ કરી દીધી....તેનો જમણો હાથ દુખતો હતો.... હાથમાં લવકારા થતા હતા. માથુ નીચે ઢાળેલુ રાખને ફક્ત આંખોથી જ તેણે પોતાના હાથને જોવાની કોશીષ કરી....જમણા હાથની કોણીથી નીચેનો સમગ્ર ભાગ સફેદ-ઝગ પ્લાસ્ટરમાં બંધાયેલો તેને નજરે પડયો...અને અચાનક તેને સમજાયુ કે તે કદાચ કોઇ હોસ્પિટલના કમરાના પલંગ ઉપર સુતો હશે....તેણે નજર ઉઠાવી આજુ-બાજુ જોવાની કોશીષ કરી. તેની આસ-પાસ કોઇ નહોતું. તે એકલો એક પલંગ ઉપર સુતો હતો....એક ઉંડો શ્વાસ તેણે છાતીમાં ભર્યો અને ફરી વખત બોઝીલ થતી આંખોને બંધ કરી આરામથી મુલાયમ ઓશીકા ઉપર માથુ ઢાળ્યુ. અહી તેને કોણ લાવ્યુ...? તેના જહેનમાં પ્રશ્ન ઉઠયો. છેલ્લે તેણે પોતાની જાતને પંચાલગઢના ફાર્મ હાઉસના ડ્રોઇંગરૂમના સોફા ઉપર નીહાળી હતી અને પછી તે બેહોશીની ગર્તામાં ધકેલાઇ ગયો હતો. ત્યારબાદ શું થયુ એની તેને કંઇ જ ખબર રહી નહોતી. મગજ ઉપર જોર કરીને તેણે યાદ કરવાની કોશીષ કરી જોઇ....તેની નજરો સમક્ષ બેહોશ થતા પહેલાનું છેલ્લુ દ્રશ્ય ઉભર્યુ....તેને ઘાયલ અવસ્થામાં પડેલા બાપુ, વીરજી, વીરા અને ગેહલોત દેખાતા હતા. તેમની નજીક મૃત અવસ્થામાં ચાદર હેઠળ ઢંકાયેલો રેવા દેખાયો....રેવાની યાદ આવતા જ તેને કમકમક આવી ગયા. શું ખરેખર રેવા તેના હાથે મરાયો હતો....? તે આગળ વીચારી શક્યો નહી. વીચારોને જાણે પાછળ ધકેલવા માંગતો હોય તેમ તેણે આંખો બંધ કરી દીધી. વીચારો શાંત થયા અને ફરીવાર તે નીંદરમાં સરી પડયો.

રીતુ....ઉંઘમાં તેને રીતુનો સુંવાળો ચહેરો દેખાયો. દરિયા કિનારે પથરાયેલી સુંવાળી રેતીમાં કિનારાથી ઘણે દુર ચણેલી પાળી ઉપર તે ઉભી હતી. તેના વાળ દરિયા પરથી વહેતા મંદ-મંદ પવનમાં લહેરાતા હતા. દુર ક્ષિતીજમાં ઢળતા સૂર્યના સોનેરી કિરણો તેના ઉડતા ભુખરા વાળની લટો ઉપર પથરાઇને સોનેરી આભા ઉત્પન્ન કરતા હતા...એ દ્રશ્ય ખરેખર અદ્દભુત હતુ....કોઇ કલાકારે કુદરતે સર્જેલા બેનમુન જીસ્મને પોતાની પીંછી વડે જાણે કેનવાસ ઉપર ઉતાર્યુ હોય અને તેમાં આહલાદક સંધ્યાના રંગો ભર્યા હોય એવુ ચિત્ર ઉભરતું હતુ....વીજય અપલક દ્રષ્ટીએ એ દ્રશ્ય નીહાળી રહયો. તેને રીતુના જીસ્મમાંથી ઉઠતી ખુશ્બુ મહેસુસ થતી હતી. અચાનક તેને રીતુને ચુમવાનું મન થયુ....અચાનક તેના રોમ-રોમમાં રીતુની ઝંખના પેદા થઇ....રીતુને પોતાની બાંહોમાં સમાવી લઇ તેના જીસ્મના અણુએ અણુમાં ફેલાઇ જવાની ઇચ્છા થઇ આવી....થાકીને ચુર-ચુર થઇ જવાય ત્યાં સુધી રીતુના સહવાસમાં રહેવાની ઇચ્છા ઉદ્દભવી. રીતુનું કપાળ, તેનું નાક, તેના ગાલ, તેની આંખો, કાનની બૂટ, તેની સુરાહીદાર પાતળી લાંબી ગરદન અને એવી દરેક જગ્યા જ્યાં તે રીતુને ચુમી શકે, ત્યાં ચુમવાની તેને અદમ્ય પ્યાસ જાગી....તેના ખુદના શરીરમાં ઉત્તેજનાની, રીતુને સંપૂર્ણપણે પામવાની હેલી ઉઠી અને તેના પગ આપો-આપ રીતુ તરફ ચાલ્યા. રીતુની પીઠ પાછળ જઇને તે ઉભો રહયો. હજુપણ રીતુ દરીયાના પાણીને નીહાળી રહી હતી. કદાચ કોઇ એકતાનમાં તે ખોવાઇ ગઇ હતી. તેણે રીતુના નાજુક ખભા ઉપર હાથ મુકયો અને પોતાની તરફ તેને ફેરવી....... “ ઓ....માં....” ભયાનક ડરના માર્યા તેના મોંઢામાંથી ચીખ નીકળી ગઇ અને ફાટી આંખે તે રીતુના ચહેરાને જોઇ રહયો. ના...એ રીતુનો ચહેરો નહોતો. એ શીવાની હતી....તેની દોસ્ત શીવાની...જીસ્મ રીતુનું હતુ પરંતુ ચહેરો શીવાનીનો હતો....વીજય હજુ કંઇ સમજે એ પહેલા તો જોત-જોતામાં એ ચહેરો શીવાનીમાંથી પ્રીયા કક્કડમાં તબદીલ થયો...અને પછી અચાનક તૃષાનો ચહેરો પ્રગટ થયો...એક જીસ્મ ઉપર ઘણા બધા ચહેરાઓ પ્રગટ થયા હતા. ડર અને આઘાતથી વીજય ફાટી આંખે તેની નજરો સમક્ષ એ ભયાવહ દ્રશ્ય નીહાળી રહયો...તેના હાથ-પગ ઠંડા પડી ગયા હતા અને ગળા સુધી આવેલી ચીખ તેની છાતીમાં જ વીલાઇ ગઇ.

“ આવ....મારી નજીક આવ વીજય....” તે ચહેરાઓ એકસાથે ઘોઘરા અવાજમાં બોલ્યા અને વીજય છળી ઉઠયો...ભયાનક બીકના માર્યા તેની આંખો ખુલી ગઇ અને એક ઝટકા સાથે તે પથારીમાં બેઠો થઇ ગયો. તેની છાતીમાં શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. શરીર આખુ પરસેવે રેબઝેબ થઇ ગયુ હતુ....તેણે આસ-પાસ નજર ઘુમાવી... “ ઓહ....” તેના જીગરમાંથી હાશકારો નીકળ્યો. તે હજુ એ જ હોસ્પિટલના કમરામાં હતો અને તેણે હમણા જે જોયુ તે એક ભયાવહ સ્વપ્ન હતુ. તેને થોડી નીરાંત થઇ. તેનું ગળુ સુકાતુ હતુ. સામે એક ખુણામાં રાખેલી ટીપોઇ ઉપર પાણીની બોટલ પડી હતી એ લેવા તે ઉભો થવા જ માંગતો હતો કે અચાનક કમરાનું બારણુ ખુલ્યુ. વીજયે દરવાજા તરફ નજર કરી અને તેના આશ્વર્ય વચ્ચે રીતુ કમરામાં દાખલ થઇ હતી....દિગ્મૂઢ થઇને વીજય રીતુને જોઇ રહયો....રીતુ પણ વીજયને પથારીમાં અધૂકડો બેસેલો જોઇને ખચકાઇ હતી. બંનેની નજરો આપસમાં મળી અને સમય જાણે થંભી ગયો.

સેકન્ડો એ જ સ્થિતીમાં વીતી અને પછી રીતુ દોડી..... ધસમસતી આવીને તે વીજયના ગળે વળગી ગઇ. ડુમસના દરીયા કિનારે અધુરી રહી ગયેલી પ્રેમ-કહાનીને જાણે આજે મંઝીલ મળી હતી. પથારીમાં અધુકડા બેસેલા વીજયનાં દેહ ઉપર રીતુની નાજુક કાયાનો ભાર આવ્યો અને તે નીચે તરફ ઢળ્યો.....“ રીતુ...અરે....” તેના ગળામાંથી અવાજ નીકળ્યો પણ રીતુએ જાણે એ સાંભળ્યુ જ નહોતું. તે વીજયની સાથે જ પથારીમાં વીજયના શરીર ઉપર પડી.... ....“ ઓહ.... વીજય....” તે બોલી અને પછી તે બેતહાશા વીજયના ચહેરાને ચૂમવા લાગી....વીજય માટે એ અવર્ણનીય ક્ષણ હતી. હજુ હમણા જ તે રીતુને યાદ કરી રહયો હતો અને અત્યારે રીતુ તેની સમક્ષ હતી...અને આ વખતે એ કોઇ સ્વપ્ન નહોતું, હકીકત હતી. રીતુના પરવાળા શા મુલાયમ ગુલાબી હોઠ તેના ચહેરા ઉપર ફરી રહયા હતા અને તે એક અલૌકીક દુનીયામાં પ્રવેશી ચુકયો હતો.

***************************************

ઉન્મુક્ત પ્રેમની એ ક્ષણો વીત્યા પછી બંને સ્વસ્થ થયા....લાંબા વીરહ બાદ થયેલુ મીલન બંનેના આત્માને તરબતર કરી ગયુ હતુ. રીતુના ચહેરા પર શરમના શેરડા ફુટયા હતા એ જોઇને વીજયના હોઠો ઉપર હાસ્ય ઉભર્યુ. ક્ષણભરમાં જાણે સમસ્ત જીંદગી જીવાઇ ગઇ હતી. પરંતુ....હજુ તેઓ સંપુર્ણપણે ભયમુક્ત થયા નહોતા એ હકીકત વીજય બહુ સારી રીતે જાણતો હતો. બાપુની વાડીમાં મચેલા કોહરામ બાદ શું થયુ હતુ એનો અંદાજ તે મેળવી શકતો નહોતો. તેનું અહી હોસ્પિટલમાં દાખલ હોવુ અને અચાનક રીતુનું આગમન તેને આશ્વર્યચકિત કરી રહયુ હતુ....એ સીવાય પણ ધણાબધા પ્રશ્નો ઉભા હતા જેનો જવાબ તેણે મેળવવાનો હતો. તેણે ગળુ ખંખેર્યુ અને રીતુને પુછયુ.

“ મને અહી કોણ લાવ્યુ...? ગેહલોત સાહેબ કયાં છે....? હું બેહોશ કેમ કરતા થયો હતો...? પેલા લોકો કયાં છે...?” તેના જહેનમાં પ્રશ્નોનો ધોધ વહયે જતો હતો.

“ રીલેક્ષ વીજય...બધુ ખતમ થઇ ચુક્યુ છે.....” આછુ સ્મિત વેરતા રીતુ બોલી. વીજય તેના ગુલાબી હોઠ અને એ હોઠો વચ્ચે દેખાતા ધવલ દાંતની એકસરખી પંક્તિને જોઇ રહયો.

“ ખતમ થઇ ચૂકયું છે મતલબ...?”

“ મતલબ એજ કે તું હવે આઝાદ છે. જેમણે આ કાવતરું રચ્યુ હતુ એ લોકો ગેહલોતની ગિરફ્તમાં છે.”

“ એટલેકે બાપુ અને તેના માણસો...?”

“ હાં...એ ઉપરાંત રઘો, માધો...અને....” રીતુ બોલતા અટકી ગઇ. તેની નજરો નીચી ઢળી.

“ અને...? અને કોણ....?” વીજયે ધડકતા હદયે પુછયું. જોકે આ સવાલનો જવાબ તે જાણતો હતો. સત્ય હકીકતથી તે મોં ફેરવી શકે તેમ નહોતો.

“ અને હું.....એ કાવતરામાં હું પણ શામીલ હતી વીજય. ભલે કારણ ગમે તે રહ્યું હોય, પરંતુ એક જનંન્ધ્ય ગુનામાં ભાગીદાર હોવું એ પણ સજાને લાયક ઠરે.” રીતુ બોલી. વીજય સમજતો હતો છતા રીતુની વાત સાંભળી તેના હદય ઉપર જાણે કરવત ફરતી મેહસુસ કરતો હતો. તેના કાળજે એક ટીસ ઉઠી હતી. રીતુ સત્ય કહેતી હતી. ભલે પોતાના નાના ભાઇને બચાવવા માટે તે આ ષડયંત્રમાં શામીલ થઇ હોય, પરંતુ ગુનો આખરે ગુનો હતો અને રીતુ એક ગુનેગાર.

“ ઓહ...” વીજયે નિશ્વાસ નાંખ્યો. “ પરંતુ જો બાપુ ખુદ પોતાનો ગુનો કબુલ કરી લે તો...?” એક ખોખલી આશા તેના મનમાં ઉદભવી.

“ તેમણે ખૂન કર્યાજ નથી તો કબુલે શું કામ..? ખૂન તો રઘુ અને માધોએ કર્યા છે..?” રીતુએ કહયું. જોકે તેણે ન કહ્યું હોત તો પણ વીજયને આ વાતની જાણકારી હતી કારણકે બાપુએ તેમનાં ફોર્મ હાઉસમાં પોતાના મોંએ આ વાત કબુલી હતી. છતા અત્યારે વીજયને સાંભળીને ઝટકો લાગ્યો હતો. “ અને એ બંનેએ એ કબૂલ્યુ પણ છે.”

“ વોટ....? પણ કયારે....? તું શું કહે છે એ મને સમજાયું નહી...એક દિવસમાં એ લોકોએ કબૂલી પણ લીધુ કે તેમણે વીનય, શીવાની, તૃષા, અને પ્રીયાના ખુન કર્યા છે...?” વીજયને ખરેખર આશ્વર્ય થતું હતું.

“ એક દિવસ નહી વીજય, બે રાતો અને એક આખો દિવસ... તને અહી દાખલ કર્યાનો આ બીજો દિવસ છે. ગઇકાલનો આખો દિવસ તું અહી બેહોશ પડયો હતો. ”

“ ઓહ....” વીજયના મોંમાંથી ઉદ્દગાર સર્યો.

“ અને એ સમય દરમ્યાન ગેહલોતે ભારે દોડધામ કરીને આ કેસને કુનેહથી સોલ્વ કર્યો છે....”

“ મારે ગેહલોત સરને મળવુ છે....” અચાનક વીજય બોલી ઉઠયો. “ પ્લીઝ, તું મને એમની પાસે લઇ જા....”

“ એ શક્ય નહી બને.... કારણ કે ગેહલોત આજે સવારે જ કેસની તમામ ડીટેઇલ લઇને જયપુર જવા નીળી ચુકયો છે. તેને તારી ફીકર હતી. તે જાણતો હતો કે તું આ સવાલનો જવાબ જાણવા માંગીશ....એટલે જ તેમણે મને તારી પાસે આવવા કહયુ હતુ. એક દિવસની આઝાદી તને મળવા માટે જ મને આપી છે. ગેહલોત જયપુરથી આવશે એટલે મારે સરેન્ડર કરવું પડશે.”

એકધારુ બોલતા રીતુ અટકી. રીતુની વાત સાંભળી વીજયને પોતાના બેહોશ થવા ઉપર ખરેખર અફસોસ જાગ્યો હતો. જો તે બેભાન ન થયો હોત તો જરૂર કંઇક જુગાડ કરી રીતુને આમાંથી બાકાત રાખવાનો પ્લાન ઘડયો હોત.

“ તારો ભાઇ....?”

“ એ સલામત છે....”

“ પણ તને આશ્વર્ય નથી થતું....?”

“ કઇ વાતનું આશ્વર્ય....?”

“ રઘુ અને માધોસીંહનું.....? શું ખરેખર સુંદરવનમાં તેઓએ ખૂન કર્યા હતા....? અને જો એ સાચુ હોય તો પછી તને અને મોન્ટીને બાપુએ શું-કામ બંધક બનાવી રાખ્યા હતા....? તેનાથી તો ઉલટાનું એ ખૂનનો ગુનો તેમના ઉપર આવી જતો હતો.”

“ તારી વાત સાચી છે વીજય...પરંતુ હકીકત એ જ છે કે આપણા મિત્રોના ખૂન રઘુ કબાડી અને માધોસીંહે ભેગા મળીને કર્યા છે....કારણ કે, જે સમયે ખૂન થયા એ સમયે હું વીરજી અને વીરાની સાથે જ હતી. અને બાપુતો સુંદરવન હવેલીમાં આવ્યા જ નહોતા...”

“ પણ એ કેવી રીતે શક્ય બને....? તું મને વિસ્તારથી સમજાવ તો કંઇક સમજાય. ” વીજય બોલ્યો. તે હજુ પણ આશ્વર્ય પામી રહયો હતો. આટલી જલ્દી આ કેસ સંકેલાઇ જાય એ તેના માનવામાં આવતુ નહોતું....રીતુએ એક ઉંડો શ્વાસ લીધો અને બોલી...

“ ઓ.કે.... તો સાભળ....પહેલેથી કહું તો તને એ તો ખ્યાલ છેજ કે હું આ ષડયંત્રમાં કેવી રીતે દાખલ થઇ...! ક-મને પણ મેં બાપુને સાથ આપ્યો હતો અને તમને બધાને સુંદરવન હવેલી સુધી પહોંચાડયા હતા. વીરજી અને વીરા આપણા પહોંચવા પહેલા આબુ પહોંચી ચૂક્યાં હતા અને તેમને ત્યાં રઘુ કબાડી અને માધોસીંહનો ભેટો થયો હતો. તેમણે આ બાબતે બાપુ સાથે ફોન પર વાત કરી એટલે બાપુએ આગળનું કામ રઘુ અને માધોને સોંપવા કહયું હતુ....થયુ પણ એ પ્રમાણે જ હતુ. તમને લોકોને દારૂમાં દવા નાંખીને પહેલો ડોઝ પીવડાવવાની જવાબદારી મારી હતી એટલે એ કામ મેં આસાનીથી કર્યુ હતુ અને પછી હું, વીરજી અને વીરા ત્યાંથી રવાના થઇ ગયા હતા....” રીતુ બોલતા અટકી અને તેણે વીજયની આંખોમાં ઝાંકયુ. વીજય ધ્યાનથી તેની વાત સાંભળી રહયો હતો એટલે તેણે આગળ વાત ચલાવી.

“ મને બસ આટલી જ ખબર હતી. હું ત્યાંથી ગઇ પછી શું થયુ હતુ એ તો મને હમણા ગેહલોતે કહયુ ત્યારે ખબર પડી...ગેહલોતે તે દિવસે રાત્રે જ પોલીસ લોક-અપમાં રઘુ અને માધોની ભારે ધુલાઇ કરી હતી અને તેમના મોં એ સત્ય કઢાવ્યુ હતુ.”

“ શું કહયું તેમણે.....?

“ તેઓ ભાંગી ચુકયા હતા. ખાસ તો માધોસીંહ....તેમને એમ હતુ કે તેમણે જે કૃત્ય કર્યુ છે તેનો કોઇ ગવાહ નથી એટલે તેઓ આસાનીથી છટકી જશે....પરંતુ પહેલા બાપુએ અને પછી વીરજી અને વીરાએ તે બંનેના નામ આપ્યા એટલે તેઓ પાસે સચ્ચાઇ કબુલવા સીવાય બીજો કોઇ વિકલ્પ બચતો નહોતો.”

“ શું કબુલ્યુ તેમણે....? ”

“ એ જ કે તેમણે કેવી રીતે અને કયા સંજોગોમાં ખૂન કર્યા હતા....!”

“ શું કામ.... શું કામ તેણે આપણા મિત્રોને માર્યા....? વીજય આવેશમાં આવી બોલી ઉઠયો.

“ એજ તને કહુ છું. અમે ત્યાંથી ગયા પછી રઘુ અને માધોએ તમને બધાને દારૂમાં દવા ભેળવેલો બીજો ડોઝ પીવડાવ્યો હતો....ત્યારે શીવાનીને જોઇને રઘુની નીયત બગડી હતી. દારૂના નશામાં ધુત શીવાનીને પોતાના શરીરનું પણ કોઇ ભાન રહયુ નહોતુ એટલે રઘુને તે આસાન શીકાર જણાઇ હતી....પરંતુ વીનય અને તૃષાને હજુ ઘેનની જોઇએ તેટલી અસર થઇ નહોતી. ઉપરાંત પ્રીયાએ પહેલી વખત દારૂ પીધો હતો એટલે તેને પેટમાં વમળ ઉપડયુ હતુ અને તે પણ ત્યાં શું બની રહયુ છે એ જોઇ સમજી શકતી હતી. જેવો રધુ શીવાની તરફ આગળ વધ્યો કે વીનય અને તૃષાએ તેનો પ્રતિકાર કર્યો. માધોસીંહે તે બંનેને પકડયા હતા અને જબરદસ્તીથી તેમને ફરીવાર દારૂ પીવડાવ્યો હતો. પ્રીયાએ એ જોયુ અને ત્યાંથી તે ભાગી હતી. રઘુ તેની પાછળ ગયો હતો એ દરમ્યાન માધોસીંહે શીવાની ને પણ બે-ત્રણ ગ્લાસ દારૂ પીવડાવી દીધો હતો....અને....એટલેથી જ તે અટકયો નહી....દારૂમાં તેણે વધુ માત્રામાં પેલુ કેમીકલ ભેળવ્યુ અને એ કેમીકલ યુક્ત શરાબ તેણે ફરી વખત બધાને પીવડાવ્યો હતો. મારા ખ્યાલથી એ હેવી ડોઝ શીવાની, નયન, અને તૃષા માટે પ્રાણ ઘાતક નીવડયો અને તેમના મોત નીપજ્યા હતા. બીજી તરફ પ્રીયા પાછળ રઘુ કબાડી ગયો હતો તેણે બેરહમીપૂર્વક પ્રીયાને જંગલના રસ્તે જ રહેંસી નાંખી હતી...” રીતુ ફરી વખત રોકાઇ.

“ ઓહ....” વીજયે ફક્ત ઉદ્દગાર કાઢયો.

“ હાં વીજય....તમારી એક સામાન્ય રમતનો બહુ કરુણ “અંજામ” આવ્યો હતો...”

“ નહી રીતુ....એ “અંજામ” અમારી સામાન્ય રમતના કારણે નથી આવ્યો....બાપુના પ્રતિશોધ અને રઘુ,માધોની વાસનાના કારણે મેં મારા મિત્રો ગુમાવ્યા છે....” વીજય ચીલ્લાઇ ઉઠયો.

“ બાપુને તમારી સાથે કોઇ દુશ્મની નહોતી. જો તેમનો પૌત્ર જીગર સાજો-નરવો હોત તો કયારેય તેમણે આ કૃત્ય કરવાનું વીચાર્યુ પણ ન હોત....” રીતુ પણ થોડી આવેશમાં આવી ગઇ હતી. વીજયે આશ્ચર્યભરી નજરે રીતુ સામુ જોયુ. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે માણસે તેના નાનાભાઇનું અપહરણ કરી તેને એક ખતરનાક અપરાધમાં શામીલ કરી હતી, રીતુ એ માણસનું ઉપરણુ કેમ લઇ રહી છે...?

“ આમ હેરાનીપૂર્વક મારી સામે જોવાની જરૂર નથી વીજય. હું ફક્ત તાર્કિક રીતે વીચારી રહી છું. બાપુના કૃત્યોનો બચાવ કરવાનો તેમાં મારો કોઇ ઇરાદો નથી....તેમણે જે કર્યુ છે એની સજા તો તેમને મળશે જ. ઇનફેક્ટ કુદરતે તો તેની સજા તેમને આપી પણ દીધી છે. ગેહલોતની ગોળીથી ઘાયલ થયેલા બાપુના પગને ઘુંટણેથી કાપવો પડયો છે....તેમને આ જ હોસ્પિટલમાં નીચેના ફલોર ઉપર દાખલ કરવામાં આવ્યા છે. વીરજી અને વીરા પણ અહી જ સારવાર હેઠળ છે....”

“ અને ગેહલોત સાહેબ....? તે કયાં છે....?” વીજયે પુછયુ. તેને ગેહલોતને મળવુ હતુ. જો ગેહલોત ન હોત તો કયારેય તે આ જાળમાંથી છૂટી શક્યો ન હોત.

“ મેં તને કહયુ તો ખરુ ....તે જયપુર ગયા છે. કદાચ સાંજે આવશે....” રીતુ બોલી.

“ ગેહલોત સર ખરેખર મર્દ માણસ છે. તેના જેવા અફસરોનું પોલીસ ફોર્સમાં હોવું એ પોલીસ ખાતાનું ગૌરવ ગણાય...”

“ તારી વાત સાચી છે વીજય....” રીતુ બોલી અને તેણે વીજયના હાથ ઉપર પોતાનો હાથ મુકયો. “ હવે આ બઘુ વીચારવાનું છોડ અને થોડો આરામ કર. ડોકટરે તને અઠવાડિયાનો કંમ્પીલટ બેડ રેસ્ટ લેવાનું કહયુ છે....” બોલીને તે વીજયના કપાળ ઉપર ઝુકી અને એક આછુ ચુંબન કર્યુ. વીજયને એ ગમ્યુ....રીતુના ચુંબનથી તેના રોમ-રોમમાં શીતળતાની એક લહેરખી ફેલાઇ .ભાડમાં જાય બાપુ અને તેના માણસો....અને ભાડમાં જાય રઘુ અને માધો....તેણે વીચાર્યુ. અત્યારે તેને ફક્ત રીતુ જોઇતી હતી અને તે તેની નજીક બેઠી હતી. પોતાનો સાજો ડાબો હાથ તેણે રીતુની કમર ઉપર વિંટાળ્યો અને તેને નજીક ખંચી. રીતુના હોઠો ઉપર મુસ્કાન પથરાઇ ઉઠી અને તે વીજયની મજબુત છાતી ઉપર ઢળી. તેનો ચહેરો વીજયના ચહેરાની એકદમ નજીક આવ્યો હતો...અને પછી હોસ્પિટલના એ બંધ કમરામાં ફરી એકવખત વસંત મહોરાઇ. ફરી વખત એક પ્રણયગીત ચાલુ થયુ જેમાં બે જુવાન હૈયા દુનીયાની તમામ તકલીફો, દુઃખ ભુલીને એક નવા વિશ્વમાં પહોંચી ગયા હતા.

**************************************************

ગેહલોતને વિષ્ણુસીંહ બાપુ અને તેમના સાગરીતો વિરુધ્ધ એકદમ મજબુત પુરાવા સાંપડયા હતા. લોક-અપમાં રઘુ કબાડી અને માધોસીંહે પોતાનો ગુનો કબુલી લીધો હતો. તેનું વીડીયો રેકોર્ડીંગ પણ ગેહલોતે કરાવ્યુ હતુ જેથી અદાલતમાં જ્યારે તેમને પેશ કરવામાં આવે તેયારે તેઓ પોતાના બયાનથી મુકરી ન જાય. તેમના વિરુધ્ધ ડ્રગ્સનો કેસ તો બનતો જ હતો, ઉપરાંત હવે ખુન કેસ પણ ઉમેરાયો હતો એટલે તે બંનેને ફાંસીની સજા મળવાની પુરેપુરી શકયતાઓ હતી. આ ઉપરાંત વિષ્ણુસીંહ બાપુ, વીરજી અને વીરાને પણ સખત સજા મળે એવુ ગેહલોત ઇચ્છતો હતો. તેણે ડી.આઇ.જી.પંડયા સાહેબ સાથે આ બાબતે ભારે મસલત કરી હતી અને કેસને સ્ટ્રોંગ બનાવવા તેણે પુરી સ્વાયત્તતા માંગી હતી, એ અનુમતી પંડયાએ આપી દીધી હતી...રીતુ વીશે તે હજુ સુધી અવઢવમાં હતો. તે જાણતો હતો કે રીતુ એક કાવતરાનો શીકાર બની હતી અને મજબુરી વશ તેણે બાપુના કૃત્યમાં સાથ પુરાવ્યો હતો એટલે રીતુને શંકાનો લાભ આપી થોડી ઓછી સજા થાય એવુ કંઇક તે કરવા માંગતો હતો. એ માસુમ છોકરીએ ઘણુ બધુ વેઠયુ હતુ.

પંડયા સાહેબની ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા ઉપર ગજબનો આત્મવિશ્વાસ છલકતો હતો. જયપરથી સીધો જ તે આબુ જનરલ હોસ્પિટલમાં જવા માંગતો હતો. તે જાણતો હતો કે વીજયનો સાથ જો તેને મળ્યો ન હોત તો હજુ પણ તે અંધારામાં ભટકતો હોત.

*******************************************

એક સામાન્ય રમતથી શરૂ થયેલા ભયાનક ઘટનાક્રમનો અંત આવ્યો હતો....ઘટના સાથે જોડયેલા તમામ વ્યક્તિઓ પોત-પોતાના કર્મોનો હિસાબ થવાની રાહ જોઇ રહયા હતા... અને કુદરત તેમનો હિસાબ કરવા તત્પર બની હતી.

( સમાપ્ત )

થોડું અંજામ વીશે......

આ કહાની મેં ૨૦૧૦ માં લખવાની શરુઆત કરી હતી અને પછી અધવચ્ચે જ છોડી દીધી હતી. કારણ એકજ હતુ કે તેને પબ્લિશ કરશે કોણ..? એવું વિચારીને લખવાનું પણ બંધ કર્યુ હતું. “ અંજામ “ પહેલા ઓલરેડી મારી પાસે બે નવલકથા લખાઇને તૈયાર હતી. “ નો રીટર્ન “ અને “ નસીબ “. જોકે તેને કોઇ પબ્લિકેશન હાઉસ છાપવા તૈયાર ન હતું. હિંમત કરીને મેં સૌથી પહેલા “ નો રીટર્ન “ નવભારત સાહિત્ય મંદિરમાં છપાવી....અને મારા ધાર્યા કરતા ઘણો બહોળો રીસ્પોન્સ તેને મળ્યો. એટલે ફરી વખત મને લખવાનું જોમ ઉપડયુ...ફરીવાર “ અંજામ “ ઉપર કામ શરુ થયું. એ સમય દરમ્યાન અચાનક મને ગુજરાતી પ્રાઇડ અને માત્રુભારતી વીશે જાણવા મળ્યુ. મેં માત્રુભુરતીના સી.ઇ.ઓ. મહેન્દ્ર ભાઇનો સંપર્ક કર્યો અને મારા આશ્ચર્ય વચ્ચે તેમણે મારી સ્ટોરી છાપવામાં રસ દાખવ્યો. મારુ આશ્વર્ય ત્યારે બેવડાયુ જ્યારે તેમણે સામેથી મને રોયલ્ટી આપવાનું કહયું. હવે એક ઉગતા લેખકને આથી વિશેષ તો જોઇએ પણ શું...? મારી ગાડી ચાલી નીકળી.

“ અંજામ “ ને તમે બધાએ ખુબ પ્રેમ આપ્યો. માત્રુભારતી ઉપર કોમેન્ટ્સ અને રેટીંગ દ્વારા તેમજ મને મારા પર્સનલ વોટ્સઅપ નંબર પર ઢગલાબંધ મેસેજો કરી મારો ઉત્સાહ વધાર્યો...અરે, ઘણા વાંચકો તો મારા મિત્ર પણ બની ગયા છે જેનો મને અનહદ આનંદ છે. એક અજાણ્યા અને નવા-સવા, પોતાની જાતને લેખક તરીકે પ્રસ્થાપિત કરવા માંગતા વ્યક્તિને આટલો પ્રેમ આપવા બદલ આપ સહુ વાંચકોનો ખુબ-ખુબ આભાર...બસ, આવીજ રીતે સાથ નીભાવતા રહેજો.

“ અંજામ “ આજે સમાપ્ત થઇ. હવે આગળની સફર વીશે વીચારીશું. બે કહાની મારા મનમાં ઘુમરાઇ રહી છે. “ નો રીટર્ન-૨ “ અને એક બીજી “ હોરર સસ્પેન્સ થ્રીલર “ . કઇ પહેલા લખું એ હજુ નક્કી નથી કર્યુ. જો તમે થોડી હેલ્પ કરી જણાવશો તો મને વધુ ગમશે. તમારા સજેશન માત્રુભારતીના કોમેન્ટ્સ બોક્ષમાં અથવા વોટ્સઅપ કરશો.

ફરીવખત....આપ સહુનો ખૂબ આભાર. અસ્તુ.

આપ સહુનોઃ- પ્રવિણ પીઠડીયા.

Facebook- Praveen pithadiya….wtsaap- 9099278278

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED