કહાની કોલ ગર્લની ભાગ -૨ Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહાની કોલ ગર્લની ભાગ -૨

કહાની કોલ ગર્લની ભાગ -૨

સવારે મારી દાદી અનાજ, ચોખા, કઠોળ, તેલ વગેરે ઘર વપરાશની ચીજ વસ્તુ અને બીજી સાધન સામગ્રી લઈને મારા માં બાપુ જ્યાં રહેતા હતા ત્યાં આવી. અને મારી માંને ભેટીને હિબકે હિબકે રડી. દાદી બોલી વહુ બેટા તું તો લાખોમાં એક છે. પણ મારા દીકરાના જ કરમ ફૂટેલા છે તો ક્યાં થીગડું દેવું? તારા સસરા કહે છે કે વહુ ભલે આપણી સાથે રહે. ભારે પગે છે. પણ આપણો નાલાયક દીકરો તેનો ખ્યાલ નહિ રાખે.

હું તારી પાસે ખોળો પાથરું છું, તું અમારી સાથે રહેવા આવી જા. અને મારો દીકરો એકલો રહેશે તો જ સુધરશે. મને તારી અને આવનારા બાળકની ચિંતા થાય છે. આમાં તમે વાંક ગના વિના દંડાઓ છો. તું અમારી સાથે રહેવા આવી જા.

મારી માં આર્ય નારી હતી, પતિને પગલે ચાલવું એ તેનો ધર્મ હતો. મારી માં સહેજ પણ સ્વાર્થી બની હોત, પોતાનું વિચાર્યું હોત કે મારું ભવિષ્ય વિચાર્યું હોત તો દાદીમાં સાથે ચાલી જાત. પણ સંતાનપ્રેમ કરતા પતિપ્રેમ ચડિયાતો સાબિત થયો. જે ભવિષ્યમાં અધોગતિની કેડી પર લઇ જવાનો હતો. રેશ્માની આંખમાં આંસુ તગતગતા હતા.

દીપેશે રેશ્માને પાણી આપ્યું, રેશ્મા થોડો પોરો ખા.

હું બજારમાંથી નાસ્તો લઇ આવું.

રેશ્માએ રૂમાલથી પોતાની આંખો લુછી. અને સ્વસ્થ થઇ.

અને ઘરમાં ચા બનાવવા ગઈ.

ચા નાસ્તો કરી રેશ્માએ પોતાની કહાની આગળ વધારી.

ઘરના ખેતર, ઢોર, દહીં દુઝાણા હોવા છતાં મારી માંને હવે બીજાને ખેતરે દાડિયે જવું પડતું. છાશ પણ બીજાને ઘેર માગવા માગવા જવું પડતું હતું.

મારો બાપ પણ મારી માં સાથે બીજાના ખેતરે દાડી કરવા જતા. સવારે ચા પાણી પીને નીકળે બપોરનું જમવાનું તો ખેતરવાળા તરફથી હોય. પછી સાંજે ઘેર આવીને મારી માં જમવાનું બનાવે. તો પણ મારી માંએ કદી કકળાટ ન કર્યો.

ખેતીનું કામ ન હોય ત્યારે અમારા ગામથી થોડે દુર એક ઇંટોનો ભઠ્ઠો હતો ત્યાં મારા બાપુ અને મારી માં ઘેરથી ચાલીને કામ કરવા જાય. સાંજે કામ કરીને પાછા ફરતી વખતે સુકા બાવળની ભારી કરીને આવે કે છાણનો ટોપલો ભરીને આવે જે ઈંઘણ તરીકે કામ આવે. આમ તેમના સંસારનું ગાડું રગડ ધગડ ચાલતું રહ્યું.

 • * *
 • મારો જન્મ થઇ ચુક્યો હતો, મારી માં અને મારા બાપુ મને રાજકુમારીની જેમ રાખતા. તેમના કપડા થીગડાવાળા કે ફાટેલ હોય પણ મારા કપડા હંમેશા નવા નકોર રહેતા. પૈસા હોય કે ન હોય મારી બધી જ ફરમાઈશ પૂરી કરવામાં આવતી. મારા બાપુને તો હું તેમના જીવ કરતા પણ વધુ વહાલી હતી. મારી બાને પણ હું ખુબ જ વહાલી હતી.

  આજુબાજુ વાળા કહેતા છોકરીની જાત કહેવાય, આટલા લાડ ન લડાવાય પછી સાસરીમાં જશે ત્યારે અઘરું પડશે. મારા બાપુજી કહેતા આ તો મારો દીકરો છે. આના માટે તો ઘર જમાઈ જ શોધીશ. મારા બાપુજી મારે માટે સપનાઓ જોતા, અને તે સપનાઓ હું મારી મારી આંખોમાં આંજીને ફરતી રહેતી.

  મારા પાંચ વર્ષ થયા એટલે મને ગામની શાળામાં મુકવામાં આવી. પહેલા દિવસે મારી માં અને મારા બાપુ બંને શાળાએ આવેલ. નવું ફ્રોક, ઓળેલા વાળ, કપાળ પર ચાંદલો કરીને ચામુંડા માતાના દર્શન કરીને અને શાળાએ આવ્યા. અને મારું ભણવાનું શરુ થયું.

  મારા દાદા મરણ પથારી પર હતા ત્યારે દાદાએ મારા બાપુને બોલાવ્યા. અમે બધા મારા દાદા પાસે ગયા. દાદા કશુક કહેવા માંગતા હતા પણ કહી ન શક્યા. અમને સહુને તેમની નજીક બોલાવ્યા, દાદાની આંખોમાં આંસુ હતા.

  દાદાનો શ્વાસ બહુ ઝડપથી ચાલતો હતો, અમે બધા ત્યાં જ રાત રોકાયા. અને લગભગ રાત્રીના ત્રણ વાગ્યે મારા દાદાએ દેહનો ત્યાગ કરી દીધો હતો ત્યારે માત્ર મારા પપ્પા દાદાની પથારી પાસે જાગતા બેઠા હતા. બાકીના બધા મારા કાકાઓ અને કાકીઓ તથા દાદીમાં સુઈ ગયેલ હતા.

  દાદા ગુજરી ગયા એટલે મારી દાદીએ મારા બાપુ તથા બીજા કાકાઓને બોલાવીને કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી પાંચેય ભાઈના જમીન અને ઘરના સરખા ભાગ પાડી દઈએ. ત્યારે વચ્ચેના કાકાએ કહ્યું કે ભરત એટલે કે મારા બાપુને તો ડોહાએ ઘરમાંથી કાઢી જ મુકેલ અને તેના નામનું નાહી નાખેલ એટલે જમીન અને ઘરમાં તેનો ભાગ કેવો? મારા બીજા ત્રણ કાકાઓએ પણ વચેટ કાકાનો પક્ષ લીધો.

  મારી દાદીમાએ ઘણી દલીલો કરી, રડ્યા, કકળયા, આજીજી કરી પણ મારા એક પણ કાકા ટસમાંથી મસ ન થયા. મોટા કાકા જે દાદા બીમાર પડ્યા પછી ઘરનો બધો વહીવટ સંભાળતા હતા છેવટે તેણે દાદીમાને કહ્યું સમય આવ્યે બધું થઇ રહેશે તમે ચિંતા મૂકી દો.

  કાલની ઘડી અને આજનો દિવસ, મારા દાદીમાએ તે ઘટનાથી વ્યથિત થઇ ખાટલો પકડી લીધો તે પકડી લીધો. બહુ દવા દારૂ કરાવ્યા પણ કશો ફેર પડે નહી. તેમને મનમાં ચિંતા પેસી ગઈ કે તેના ચારેય દીકરા મળીને ભરતને એટલે કે મારા બાપુને ખેતર કે ઘરમાં ભાગ નહી આપે. મારા દાદાને મર્યે માંડ છ મહિના થયા હશે. મારા દાદી પણ મોટા ગામતરે ચાલી નીકળ્યા.

  મારી દાદીમાં મરણ પામ્યા એટલે મારા કાકાઓને કોઈ કહેવાવાળું રહ્યું નહિ, તેઓએ મારા દાદાના નામનું ખોટું વસીયત નામું બનાવ્યું જેમાં મારા દાદાએ મારા બાપુના નામનું નાહી નાખ્યું હતું અને મારા બાપુને તેમની મિલકતમાંથી બાકાત રાખવામાં આવે છે તેવું દર્શાવ્યું. સરપંચ અને તલાટીને પૈસા આપીને ફોડી નાખવામાં આવ્યા.

  મારા બાપુ માટે આ આઘાત જનક નીકળ્યું સગા ભાઈઓ પણ આવો દગો કરશે તેવું તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું. તેઓ ભાંગી પડ્યા.

  તેઓ ડીપ્રેશનમાં સરી પડ્યા, તેઓ સુનમુન બેસી રહે. ક્યારેક આપઘાતનો પ્રયત્ન પણ કરે. હું સાવ નાની મારી માં માટે તો જાણે આભ તૂટી પડ્યું. હવે તે બીજાના ખેતરમાં કામે જઈ શકે તેમ નહોતી. મારા બાપુનું પણ ધ્યાન રાખવું પડતું. મારા બાપુની દવા કરાવવા દવાખાને પણ જવું પડતું.

  હવે ઘર ખર્ચ અને મારા બાપુની ડીપ્રેશનની દવાનો ખર્ચ તથા બીજો બીજો નાનો મોટો ખર્ચ.

  આ બધા ખર્ચા માટે મારી માંના લગ્ન વખતના જે દાગીના કરાવેલા તે એક પછી એક વેચાતા રહ્યા. કારણ કે મારી માં મારા બાપુને મૂકી એકલી કામે જઈ શકે તેમ નહોતી. મારી માંને લગ્ન વખતે મળેલ દાગીના ઘરમાંથી એક પછી એક ઓછા થતા ગયા. છેવટે મારી માં પાસે લગ્ન વખતની નિશાની તરીકે એક માત્ર ઘરેણું મંગળ સૂત્ર જ રહ્યું. છતાં માંની મુખ મુદ્રામાં ચિંતાની એક લકીર પણ ન પડી.

  ધીમે ધીમે લગભગ એક વર્ષ બાદ બાપુ ડીપ્રેશનમાંથી બહાર આવ્યા દવાઓએ પણ કામ કર્યું અને માંની દુઆઓ પણ કબુલ થઇ. હવે ફરીથી માં અને બાપુ ખેતીનું મજુરીકામ તથા બીજા મહેનતના કામ કરવા લાગ્યા. મારે નિશાળે જવાનું ચાલુ હતું.

  * * *

  મારી માં અને મારા બાપુ ફરીથી ખેતરોમાં કામ કરવા જતા અને ખેતીનું કામ ન હોય ત્યારે ઇંટોના કારખાને કામ પર જવા લાગ્યા. લાંબા સમય બાદ મારી માંના ચહેરા પર ચમક આવી, હોઠો પર ખુશીઓ આવી.

  અમારા ગામમાં દોલુભા કરીને એક માથાભારે દરબાર હતા. આમ તો અમારા ગામમાં બીજા દશ બાર ઘર દરબારના હતા, પણ તેઓ સારા વિવેકી અને ન્યાયી હતા.

  પણ દોલુભાની મથરાવટી મેલી હતી, તેના ત્રાસથી તેની પત્નીએ ગામનો કુવો પૂર્યો હતો, અને દોલુભાને જેલની સજા પણ થઇ હતી. પણ પોતાની રાજકીય ઓળખાણ અને સારા વકીલોની મદદ લઇ કેસને લૂલો કરી નાખવામાં આવ્યો હતો. અને દોલુભા જેલમાંથી છૂટી ગયા હતા.

  દોલુભા પાસે સો વીઘા કરતા પણ વધારે જમીન હતી અને બે ઇંટોના કારખાના હતા. તેમના કામદારોમાં મોટેભાગે આદિવાસીઓ અથવા પર પ્રાંતના લોકો કામ કરતા. કારણ કે સ્થાનિક લોકોથી તેમની જોહુકમી સહન થતી નહિ અને સ્ત્રીઓ તરફ તે ખરાબ નજરે જોતો. આ બે કારણોસર ગામનું કોઈ ત્યાં કામ કરવા જતું નહિ.

  એક વખત ગામની બજારેથી મારી માં હટાણું કરીને પાછી અમારા ઘર તરફ વળતી હતી અને દોલુભા કંઈક ખરીદી કરવા ગામમાં આવેલ અને તેની નજર મારી માં પર પડી. તે તો જોતો જ રહી ગયો. આટલી સુંદર સ્ત્રી આ ગામમાં રહે છે તેની તો તેને આજે જ ખબર પડી.

  દોલુભાએ ગામના દુકાનદાર પાસેથી મારી માં કોની વહુ છે? તેનો વર શું કરે છે? ક્યાં ગામની દીકરી વગેરે બધી માહિતી એકઠી કરી. દુકાનદાર દોલુભાનો સ્વભાવ જાણતો હતો એટલે કમને પણ દુકાનદારને બધી માહિતી આપવી પડી.

  પોતાની મેડીએ આખી રાત દોલુભા સોગઠા ગોઠવતો રહ્યો, આંકડે મધ હતું અને તે પણ માખીઓ વિનાનું. રાતે જ તેની ટોળકીના સરદારને બોલાવ્યો, તેની જોડે સંતલસ કરી. રાતે સપનામાં પણ બાજી ગોઠવતો રહ્યો.

  સવારમાં હજુ સુરજ દાદાની સવારી નીકળે તે પહેલા દોલુભાનો માણસ અમારા ઘેર આવી મારા બાપુને બોલાવી ગયો. મારા બાપુનું સારી રીતે સ્વાગત કર્યું. અને શરાબ પણ પાયો.

  પછી ધીરેથી વાત મૂકી કે ઘરમાં કોઈ સ્ત્રી નથી એટલે દોલુભાને જમવાની તકલીફ પડે છે. જો મારી માં બે સમય રસોઈ બનાવી આપે તો દોલુભા સારી એવી રકમ આપશે. અને માં તથા બાપુને બહાર મજુરી કરવા જવું નહિ પડે.

  મારા બાપુએ ઘરમાં આવીને વાત કરી, પણ મારી માં પરિસ્થિતિનો તાગ પામી ગઈ એટલે ના કહેવડાવી દીધી.

  દોલુભાનો પહેલો ઘા નિષ્ફળ ગયો, પણ તે જમાનાનો ખાધેલ હતો. જલ્દી હાર માને તેવો નહોતો. તેણે ફરી સોગઠા ગોઠવ્યા. તેમના ખેતરમાં પાક લહેરાતો હતો અને ૧૦ થી ૧૫ દિવસમાં પાકને લણવાનો સમય હતો. રોજ રાતે મારા બાપુને દોલુભા બોલાવી જાય. ખવડાવે, પીવડાવે અને અલક મલકની વાતો કરે.

  દોલુભાએ એક વાર સમય જોઇને સોગઠી મારી ભરત મારા ખેતરમાં પાકની કાપણી વખતે તું અને તારી વહુ આવો તો તમને ડબલ પૈસા આપું.

  મારા બાપુ ડબલ પૈસાની લાલચમાં આવી ગયા, મારી માં ના ના કહેતી રહી પણ મારી માનું ચાલ્યું નહિ.

  થોડા દિવસ પછી પાકને લણવાનું કામ શરુ થયું, દોલુભાને ત્યાં આદિવાસી સ્ત્રી પુરુષો ખેતરનું કામ કરે. અને મારા માં તથા બાપુ પણ કામમાં જોતરાયા. બે ત્રણ દિવસ તો શાંતિથી વીત્યા.

  ત્રીજે દિવસે કોઈ કામ કરવા આવ્યું નહિ, મારા બાપુએ દોલુભાને પૂછ્યું તો જવાબ મળ્યો કે તેઓ બીજા ખેતરમાં ગયા છે. મારી માં અને બાપુ કામ પર જોતરાયા. બપોરનો સમય થયો, અને દોલુભાએ મારા બાપુને તેમના ઘેર કામ માટે મોકલ્યા. મારી માં ના ના કહેતી ગઈ પણ મારા બાપુ તો પગમાં જોડો નાખી ઉપડ્યા દોલુભાને ઘેર.

  દોલુભા તો તકની શોધમાં જ હતા, આજુ બાજુ કોઈ હતું નહિ, અને રમવા મોકળું મેદાન મળ્યું. દોલુભા મારી માંની નજીક આવ્યા અને પોતે ગળામાં પહેરેલી સોનાની ચેન મારી માં તરફ ફેંકી. મારી માંએ એક નજર સોનાની ચેન તરફ નાખી અને પોતાનું કામ કરવા લાગી.

  દોલુભા હવે મારી માંની વધુ નજીક આવ્યા અને બોલ્યા રાણી આ ચેન તારા માટે છે કહે તો મારા હાથે પહેરાવું?

  મારી માં ગુસ્સે ભરાઈ અને બોલી પહેરાવવી હોય તો તારી માં અને બહેનને પહેરાવ. એકલી બૈરી જોઇને છેડતી કરતા શરમ નથી આવતી?

  દોલુભાને ગમે તેમ કરીને મારી માંને પામવી હતી તેણે મારી માનું બાવડું પકડ્યું. મારી માંએ દોલુભાના હાથમાં બચકું ભરી લીધું.

  મારી માંને લાગ્યું કે હવે કોઈ બચાવનાર નથી એટલે તેણે મોટેથી બુમાબુમ શરુ કરી દીધી. દોલુભા એક હાથે મારી માંનું મોઢું બંધ કરે અને બીજા હાથે કપડા કાઢવા લાગ્યા.

  હવે મારી માંએ જેટલી તાકાત હતી તેટલા મોટા અવાજે બુમો પાડવા લાગી. મારા બાપુને એક બુમ સંભળાઈ અને દોડતા પાછા ફર્યા. આવીને જુવે તો મારી માંની ઈજ્જત ખતરામાં હતી.

  મારા બાપુનો પિતો સાતમાં આસમાને ગયો, તેઓ બબડ્યા સાલા, હલકટ આવા કરતુત કરવા માટે તે મને તારા ઘેર મોકલ્યો હતો?

  મારા બાપુએ આજુબાજુ નજર દોડાવી, એક દાતરડું નજરે પડ્યું. અહીં તો હાજીર સો હથિયાર સમજી મારા બાપુએ દાતરડાના ઉપરા છાપરી ઘા દોલુભા ઉપર ઝીંકી દીધા. થોડી વાર તરફડી દોલુભા ઉપરના માર્ગે ચાલ્યો ગયો.

  મારી માં પોકે પોકે રડવા લાગી. મારા બાપુએ મારી માંને બાથમાં લીધી અને છાની રાખી. પછી કહ્યું તારી ઈજ્જત બચી તો ગઈ. હવે મારાથી આ ગામમાં નહિ રહેવાય, પોલીસ મારી ચામડી ઉતરડી નાખશે. તું આપણી દીકરીનું ધ્યાન રાખજે. મામલો શાંત પડી જાય પછી જ હું ગામમાં પગ દઈશ. તું મારા કપડા ધોઈને આપ.

  માંએ કપડા ધોઈ આપ્યા તે પહેરી મારા બાપુએ ગામ છોડ્યું.

  બે કલાકમાં તો આગની પેઠે આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ કે દોલુભાનું ખૂન થઇ ગયું. શહેરથી પોલીસની ટુકડી કુતરા લઈને આવી ગઈ. મારી માંની જુબાની લેવાઈ. મારી માંએ કેફિયત રજુ કરી. મારી માંને મહિલા પોલીસ પાસે લઇ જવામાં આવી અને આ ખૂનમાં મારી માંનો કોઈ હાથ દેખાયો નહિ એટલે છોડી મુકવામાં આવી.

  પોલીસની ટુકડીઓ મારા બાપુને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગી, મારા કાકાઓને ઘેર પણ ખૂણે ખૂણો શોધી વળ્યા. પણ મારા બાપુનો પતો ન મળ્યો તે ન જ મળ્યો.

  હવે મારી માંની તકલીફોમાં વધારો થયો મારા બાપુ હતા ત્યારે તેમને માનસિક સધિયારો રહેતો. કોઈ પણ મુશ્કેલીને પહોંચી વળવા સજ્જ રહેતી. પણ હવે મારી માં ભાંગી પડી.

  ના મારા કાકાઓના ઘરના તરફથી કોઈ શાંત્વના આપવા આવ્યું કે ના કોઈ મારા નાનાના ઘેરથી આવ્યું.

  ગામમાં ધીરે ધીરે એવી વાતો ફેલાવા લાગી કે મારી માં અને દોલુભાને આડા સંબંધ પહેલેથી જ હતા. પણ મારા બાપુને ખબર પડી એટલે દોલુભાનું ખૂન થઇ ગયું. આવી ગંદી ઉશ્કેરણી જનક વાત કોણે ઉડાડી? કેમ ઉડાડી? તેની તો ખબર ન પડી પણ આ વાત જયારે ઉડતી ઉડતી મારી માં પાસે આવી ત્યારે તે એકદમ અવાચક થઇ ગઈ.

  હવે મારી માં મારી સામું જોઈ રહેતી, મને ભૂખ લાગી હોય અને રડતી હોય તો પણ મને ટગર ટગર જોઈ રહેતી. આજુ બાજુ વાળા મને ખાવા લઇ જતા. અને મારી માંને પણ પરાણે ખવડાવતા.

  અમારી આજુ બાજુવાળા એટલા માયાળુ હતા કે મારું તથા મારી માંનું ધ્યાન રાખતા. અને જેણે મારી માં અને દોલુભાના આડા સંબંધ વિષે વાત ફેલાવી તેને ફળફળતો શાપ દેતા.

  એક સવારે મને મારા પાડોશીએ ઉઠાડીને કહ્યુકે ઉઠ, તારી માંએ આપણા ગામના તળાવમાં પડીને આત્મહત્યા કરી લીધી. આ સાંભળી મારા પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.

  (વાંચક મિત્રો આગળની કડી માટે ભાગ-૧ વાંચો અને હવે પછીની કડી ભાગ -૩માં આવશે )