કહાની એક કોલ ગર્લની ભાગ-૧ Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહાની એક કોલ ગર્લની ભાગ-૧

કહાની એક કોલ ગર્લની

શનિવારે ફેમીલી સાથે નજીકના દરિયા કિનારે ધીંગા મસ્તી કર્યા બાદ ઘર પહોંચતા લગભગ રાત્રીનો દોઢ વાગી ગયેલ. બીજે દિવસે રવિવારની રજા હતી અને બીજો કોઈ પ્રોગ્રામ હતો નહિ એટલે રવિવારે જેટલી ઊંઘ ખેંચાય એટલી ખેંચી નાખવા દીપેશે વિચારેલું. ઇવન પત્નીને સવારનો નાસ્તો કરવા તો ઠીક પણ બપોરે જમવા માટે પણ ન જગાડતી એવું કહી રાખેલ. કારણ કે આ વીકમાં ઓફિસનું કામ એટલું હતું કે ક્યારેક ઘેર આવીને રાત્રે પણ લેપટોપ પર કામ કરવું પડતું. શુક્રવારે કામ પૂરું થયું ને શનિવારે ફેમીલી સાથે દરિયા કિનારે પીકનીક માટે નીકળી ગયેલ.

રવિવારે લગભગ સવારના આઠ વાગ્યા હશે અને મોબાઈલની રીંગ વાગી, દીપેશે મનમાં વિચાર્યું કે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હોત તો સારું હતું. ઊંઘરેટી આંખોએ જોયું તો મોબાઈલના સ્ક્રીનમાં વડોદરાનો એક અજાણ્યો લેન્ડ લાઈન નંબર ડિસ્પ્લે થઇ રહ્યો હતો.

હેલ્લો નમસ્કાર, સામેથી કોઈ પુરુષ વાત કરતો હતો.

વડોદરાથી "પડઘો" દૈનિકના એડિટર આશિષ શાહ બોલું છું. હું દીપેશ પરમાર સાહેબ સાથે વાત કરી શકું?

બોલી રહ્યો છું, દીપેશે જવાબ આપ્યો.

આપ નવી મોબાઈલ એપ્લીકેશનમાં સારી ઈ- બુક લખો છો, જે હું નિયમિત વાંચું છું અને મને બધી વાર્તાઓ ખુબ ગમી.

આપનો આભાર આનંદિત સ્વરે દીપેશ બોલ્યો.

આપ મારું એક કામ કરશો? "પડઘો" દૈનિકના તંત્રીએ વિનંતીના સૂરમાં કહ્યું.

બોલો મારાથી થઇ શકે તેમ હોય તો નિરાશ નહિ કરું.

"પડઘો" નામનું દૈનિક મારા પિતાના સમયથી ચાલે છે. અને એક સમયે વડોદારમાં અમારા દૈનિકનું મોટું નામ હતું. એવું પણ કહેવાતું કે સવારે ચા વિના ચાલશે પણ "પડઘા" વિના નહિ ચાલે. પણ ત્યાર બાદ અમુક મોટા ગજાના અખબારોએ ગીફ્ટ કુપનની શરૂઆત કરી. અમારા લેખકોને વધારે પૈસા આપીને તેઓએ લઇ લીધા. આમ ધીરે ધીરે અમારા "પડઘા"નો આવાજ ધીમો થઇ ગયો

બરાબર, પણ આમાં હું તમને શું મદદ કરી શકું?

જુઓ તમારી કલમ બહુ તેજ છે. જો તમે ગુરુવાર અને રવિવાર એમ વીકમાં બે વાર અમારા દૈનિક માટે કોલમ લખો તો અમારા પેપરનું સર્ક્યુલેશન વધે એવી મારી ધારણા છે.

રવિવાર માટે તમારે અલગ અલગ વ્યક્તિની મુલાકાત લેવાની અને તેની જીવન કથની રજુ કરવાની. અને તમને વાંધો ન હોય તો મારો વિચાર પહેલી જ કોલમમાં એક કોલ ગર્લની કથની રજુ કરવાનો વિચાર છે.

શું કોલ ગર્લની કહાની? દીપેશ પરમાર ચોંકી ઉઠ્યો.

હા, પણ તેમાં ગભરાવા જેવું નથી અમે તમને અમારા દૈનિકનું ઓળખ પત્ર આપીશું. એટલે કોઈ તકલીફ નહિ પડે. અને તમારા બેંક એકાઉન્ટમાં હું પૈસા જમા કરાવી દઉં છું.

વેઇટ.......તમે મને વિચારવા માટે પાંચ દિવસ આપો.

ઓકે ...જેવી આપની મરજી ...એટલું કહીને ફોન કપાઈ ગયો.

દીપેશ પરમારે બે દિવસ સુધી વિચાર્યા કર્યું, નફો, નુકશાન, ઓફીસના કામનો વર્ક લોડ, સગા સબંધીના કામ કાજ વગેરે બધું વિચાર્યા કર્યું. તેનું મન કહી રહ્યું હતું કે આ તક ઈશ્વરીય કૃપાથી આવી છે. અને આ તક ઝડપી લેવી જોઈએ.

ત્રીજે દિવસે સવારના દશ વાગ્યે દીપેશે આશિષ શાહને ફોન કરી જણાયું કે તે તેમની સાથે કામ કરવા તૈયાર છે. પહેલું આર્ટીકલ લખવા ચાર દિવસનો સમય માંગ્યો અને બાદમાં બીજા આર્ટીકલ નિયત સમયે પંહોચાડી દેવા વચન આપ્યું.

આશિષ શાહે આગોતરા અભિનંદન પાઠવ્યા.

દીપેશ વિચારી રહ્યો હવે કોલગર્લ ક્યાંથી કાઢવી? ઘણા મનોમંથન બાદ તેને કંપનીનો ડ્રાઈવર કરણસિંહ યાદ આવ્યો જે હરિયાણામાંથી વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયો હતો. જે દારૂનો પાક્કો બંધાણી હતો. અને પોતાના રૂમ પર સ્ત્રીઓ લાવતો તેવું તેણે સાંભળ્યું હતું.

પટાવાળાને ડ્રાઈવર કરણસિંહને બોલાવવા મોકલ્યો. થોડીવારમાં તેની ઓફિસમાં કરણસિંહ આવ્યો. તેને લઈને પોતાની ગાડી હોટેલ મીરાં તરફ દોડાવી.

મીરા હોટેલમાં ચા પીતા પીતા બધી વાત કરી. કરણસિંહ માથું ખંજવાળતા બોલ્યો પોતે તો ઘણી બજારુ ઓરતો પાસે ગયો છે. પણ એ બધી ધંધાદારી બાઈઓ, એમાની કોઈ પોતાની જિંદગીની વાત નહિ ઉખેળે. છતાં રેશ્માનો મોબાઈલ નંબર આપું છું. અને ઓળખાણ માંગે તો મારી આપી દેજો.

રાતે આઠ વાગે ઘરની છત પર જઈને દીપેશે રેશ્માને ફોન લગાડ્યો.

હેલ્લો ઝાંઝરના રણકાર જેવો મધુર અવાજ સંભળાયો.

રેશ્મા હું તને મળવા માગું છું.

હા પણ તમે કોણ?

હું દીપેશ પરમાર

કોણ દીપેશ પરમાર? કોઈ કોડ વર્ડ છે તમારી પાસે ?

કોડ વર્ડ શાના માટે?

જુવો ઘણીવાર પોલીસના માણસો કે બીજા કોઈ અમારી પર છાપો ન પાડે તે માટે અમે અમારા વિશ્વાસુ માણસોને જ અમારો મોબાઈલ નંબર આપીએ છીએ. અને તે દરેકને પહેલી વાર માટે કોડ વર્ડ બોલવાનો હોય છે પછી જાણીતા થઇ જાય પછી અમારે ચિંતા ન રહે.

કોડ વર્ડ, બોડ વર્ડની તો ખબર નથી પણ કરણસિંહે પાસેથી તારો નંબર મળેલ છે. હું તેની સાથે નોકરી કરું છું.

અરે એમ બોલોને સાહેબ, કરણસિંહ તો અમારો જાણીતો ઘરાક.

પણ સાહેબ હું કોન્ડોમ વિના સંબધ બાંધવા નથી દેતી. આ તો પહેલેથી કહી દેવું સારું. પાછળથી માથાકૂટ ન થવી જોઈએ.

અરે રેશ્મા મારે ખાલી તને મળવું છે, થોડી વાતો કરવી છે. દીપેશે કહ્યું તે જાણતો હતો કે આ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. આના કરતા તો સબંધ બાંધવાનું કામ સહેલું પડે. પણ આ તેના સ્વભાવમાં નહોતું. તે સસ્તો બની શકે તેમ નહોતો.

દેખ મજાક કે લિયે મેરે પાસ વક્ત નહિ હૈ, તુમને કરણસિંહ કા નામ લિયા ઈસલીયે બાત કી. નહિ તો બાત તક નહિ કરતી. ક્યાં સમજ રખા હૈ અપને આપ કો? રેશ્મા બરાબરની ગુસ્સે થઇ.

દીપેશે વાત વણસી જાય તે પહેલા વાતને સંભાળી લીધી.

સુનો, તુમ તુમ્હારા પતા ઔર તુમ્હારા ચાર્જ બતા દો તો આધે ઘંટે મેં તુમ્હારે પાસ પહુંચતા હું.

પૈસાનું નામ સંભાળી રેશ્માનો ગુસ્સો ઠંડો પડ્યો.

કોયલ જેવા મધુર કંઠે સરનામું અને પોતાનો ચાર્જ કહ્યા.

દીપેશ થોડી વાર માટે અવઢવમાં પડી ગયો, કોઈ ઓળખીતું જોઈ જશે તો પોતાની આજ સુધીની અકબંધ રહેલી આબરૂ નું શું? પત્ની આમ પણ વહેમીલી છે. કશું આડું અવળું થશે તો મારા પર વિશ્વાસ મુકશે?

પહેલા તો તે સાહસ વૃતિને કારણે આવું અઘરું કામ કરવા તૈયાર તો થઇ ગયો. પણ હવે હૃદયના ધબકારા અનિયમિત થઇ ગયા.

પડકાર ઝીલવા તો સહેલા લાગે છે. પણ એક વાર પડકાર ઝીલ્યા પછી પડકારને પહોંચી વળવું અઘરું હોય છે. ક્યારેક જાનની બાજી લગાવવી પડતી હોય છે જયારે અહીંયા આબરુની બાજી લગાવવાની હતી.

એક વખત દીપેશે એવું પણ વિચારેલ કે આ કામ તેના ડાબા હાથનો ખેલ છે.

મનને સ્વસ્થ થતા થોડો સમય લાગ્યો, તે ધીરેથી છત પરથી નીચે ઉતર્યો. એક મિત્રને મળવા જવાનું છે એટલે રાત્રે આવતા મોડું થશે એમ પત્નીને કહી પોતાની કાર સ્ટાર્ટ કરી.

દીપેશ પાસે જે સરનામું હતું તે દીપેશની સમજમાં આવ્યું નહિ. સરનામાંના લેન્ડ માર્ક પાસે કાર પાર્ક કરી નજીકના પાનના ગલ્લે સરનામું પૂછ્યું, પાનના ગલ્લાવાળો તેની સામે જ જોઈ રહ્યો. જાના હૈ ક્યાં? મેરે પાસ કમસીન ઔર ખુબસુરત કઈ લડકિયા હૈ. આપ બોલો તો ઇધર હી બુલાતા હું. કહીને પાનવાળો મોબાઈલ લઈને ફોન કરવા ગયો.

રહેને દે ભાઈ નહિ જાના હૈ ................કહીને દીપેશ ત્યાંથી સડસડાટ ભાગ્યો.

થોડીવાર બાદ માંડ જીવમાં જીવ આવ્યો. એક વાર તો એવો વિચાર આવી ગયો કે આશિષ શાહને ઘસીને ના પાડી દે કે ના ભાઈ ના મારાથી નહિ લખાય. પણ પછી એવો વિચાર આવ્યો કે એક લેખકના બોલની આટલી જ કિંમત?

થોડીવાર બાદ તેણે રેશ્માને જ ફોન લગાડ્યો અને પોતે જ્યાં ઉભો હતો તે સ્થળનું વર્ણન કર્યું.

આપ ઉધર હી ઠહેરો, મૈ દશ મિનીટમેં વહાં પહુંચતી હું. રેશ્માનો જવાબ આવ્યો.

પંદર મિનીટ સુધી દીપેશે આમ તેમ ડાફોળિયાં માર્યા, તેણે એક સુંદર છોકરી રસ્તા પર જોઈ, પરી જેવી લાગતી હતી. તે છોકરીના હાથમાં મોબાઈલ ફોન હતો. તે છોકરીએ કોઈને ફોન લગાડ્યો. તરત જ તેના મોબાઈલની રીંગ વાગી તે સમજી ગયો કે આ છોકરી જ રેશ્મા છે તેણે ફોન કટ કરી હાથ ઉંચો કરી તેને પોતાની પાસે બોલાવી.

અચ્છા તો તુમ હી હો, ચલો ચલતે હૈ રેશ્મા બોલી.

દીપેશે પાર્ક કરેલ કાર ત્યાં જ રહેવા દઈ તેની સાથે ચાલવા લાગ્યો.

દીપેશે એક દ્રષ્ટિ રેશ્માના દેહ પર ફેરવી, ઉંમર ૨૨ વર્ષની લાગતી હતી, ચહેરો સુંદર હતો પણ ધ્યાનથી જોતા આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયા હતા. અને નજીકથી જોતા ચહેરો ફિક્કો લાગતો હતો. શરીર ભરાવદાર હતું. શરીરના ઉભારો કમનીય લાગતા હતા. કેડ પાતળી હતી, હોઠ રસાળ હતા, લાંબા કાળા વાળ કમરથી પણ નીચે પહોંચતા હતા.

થોડીવારમાં તેનું ઘર આવી ગયું, ઘર તો ન જ કહેવાય જાણે એક ખોલી હતી, એક રૂમ હતો, જેમાં બધી ચીજ વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડી હતી. એક પલંગ હતો, અને એક બાથ રૂમ આ તેનો અસબાબ હતો, રૂમમાં દોરી બાંધેલ હતી, જેમાં સસ્તા બ્રા, નીકર અને પંજાબી ડ્રેસ લટકતો હતો.

લાઈએ પૈસે, .....રેશમાએ પૈસા લેવા હાથ લંબાવ્યો.

દીપેશે પૈસા તૈયાર જ રાખ્યા હતા. તે તેણે આપ્યા.

આગે કે પીછે? પોતાના ધંધામાં ગ્રાહકની પસંદગી માનવી પડે.

રેશ્મા ........મેરી બાત સુન..

મુઝે ઇસમેં કોઈ દિલચસ્પી નહિ હૈ, મૈ શાદી શુદા હું ઔર મેરે દો બચ્ચે ભી હૈ.

ફિર જખ મારને કે લિયે આયે હો? ક્રોધથી રેશ્માની ભ્રકુટી તંગ બની.

દીપેશે રેશ્માનો નાજુક હાથ પોતાના હાથમાં લીધો.

રેશ્મા મુઝે ગલત મત સમજો. દીપેશે બીજા રૂપિયા પાંચસોની એક નોટ રેશ્માના હાથમાં મૂકી.

મૈ એક લેખક હું, મુઝે તુમ્હારી કહાની લોગો કે સામને રખની હૈ.

અરે સાહબ મેરી કહાની લીખ કે ક્યાં કરોગે?

મૈ ન કોઈ પ્રધાન મંત્રી હું, ન કોઈ સેલીબ્રીટી હું.

ક્યાં કરોગે મેરી કિતાબ લીખકે?

હમ લોગ તો યહાં ભી નર્ક કી યાતાનાએ ભુગત રહે હૈ, ઔર ઉપર જા કે ફિર સે નર્કમેં જાયેંગે.

મહા મહેનતે, ઘણી મથામણ, સમજાવટને અંતે રેશ્મા પોતાની કહાની કહેવા રાજી થઇ.

@ @ @ @

સાહેબ હું બાળોતિયાંની બળેલી તે ઠાઠડીમાં ય ઠરી નહિ. (અર્થ: જન્મ્યા ત્યારથી મોત સુધી ક્યારેય સુખનો દહાડો જોયો નહિ.) રેશ્માએ પોતાની વાત શરુ કરી.

મારું મૂળ ગામ તો કાઠીયાવાડનું એક અંતરિયાળ ગામ જ્યાં હજુ સુધી પાણી માટે બેડા લઈને ત્રણેક ગાઉં દુર જવું પડે. ગામમાં પણ અમારું ઘર સહુથી ગરીબ.

એમાંય મારો બાપો દારૂડિયો. દાદાને સારી એવી જમીન પણ મારા બાપુ નાનપણથી ખોટી સંગતે ચડી ગયેલ. એટલે દાદા ક્યારેક ધોલ ધપાટ કરી લે.

પછી દાદાએ વિચાર્યું કે લગ્ન કરીએ તો કદાચ સુધરી જાય.

દાદાનું ગામમાં બહુ નામ અને દામ. એટલે દાદાએ બાજુના ગામમાં મારા નાના પાસે મારી માનું માગું નાખ્યું, મારી માં તો રૂપ રૂપનો અંબાર, આજની હિરોઈનો તેની આગળ પાણી ભરે. પણ મારા નાનાનું ઘર બહુ ગરીબ જયારે મારા દાદા પૈસે ટકે ખુબ સુખી એટલે નાનાને વિચાર્યું કે દીકરી સુખી થશે. અને પછી લગ્ન ગોઠવાયું.

લગ્ન પછી થોડા દિવસો તો બધું સારી રીતે ચાલ્યું. દાદાને પણ લાગ્યું કે હવે છોકરો સુધરી જશે.

તે વખતે હું પેટમાં હતી, એમ મારી માં કહેતી, મારા બાપુને મારી માં બહુ વ્હાલી લાગતી. મારા બાપુ મારી માને કહેતા આખી દુનિયામાં તું જ મને પ્રેમ કરે છે. મારા બાપુને ક્યારેય તેની માં, બાપુ, ભાઈ અને બહેન કોઈની તરફથી પ્રેમ મળ્યો જ નહિ. મારી માંને તો ક્યારેય એ ન સમજાયું કે મારા બાપુને કોઈનો પ્રેમ ન મળ્યો એટલે દારૂના રવાડે ચડી ગયા કે પછી મારા બાપુ દારૂના રવાડે ચડી ગયેલ એટલે ઘરના કોઈનો પ્રેમ ન મળ્યો. આ વાત કરતા મારી માંની આંખોમાં ઝળઝળિયાં આવી જતા.

છ મહિના સુધી મારી માં અને બાપુનો સંસાર એવો સુંદર ચાલ્યો કે મારી માંને ડર લાગતો કે માંડ સુખના દિવસો આવ્યા છે. અને પેટમાં બાળક છે એટલે કોઈની નજર ન લાગી જાય તો સારું. અને કોઈની નજર ન લાગે માટે ઉપવાસ શરુ કર્યા, નિયમિત ગામમાં રામ મંદિરે દર્શન કરવા જાય. સવારે પંખીઓને ચણ નાખે, ઘેર પંખીઓને પીવા માટે પાણીનું માટલું બહાર મુકે, સાંજે કીડીયારું પુરવા જાય. પતિની સેવા કરે. સાસુનો પડ્યો બોલ ઉપાડે.

અને ભવિષ્યમાં જે લખ્યું હોય તે કદી મિથ્યા થતું નથી. મારી માંના વ્રત, બાધા આખડી બધું જ વ્યર્થ ગયું. મારી માંના જીવતરમાં લાંબો સમય સુખે રહેવાનું લખ્યું જ નહિ હોય, કારણ ગમે તે હોય.

એક દિવસ મારા બાપુના મિત્રોએ મારા બાપુને ચડાવ્યા કે એલા તું તો બૈરી આવ્યા પછી સાવ બૈરીનો ગુલામ થઇ ગયો. અમારા પણ લગન થયા છે પણ અમે તો વટથી જે કરવું હોય તે જ કરીએ. છીએ. એમ કોઈનાથી દબાવાનું થોડું હોય? અમે જો કેવા વટથી રહીએ છીએ.

ખલાસ બાપુ તો તેમની સાથે રાતે પીવા જતા રહ્યા.

અને મોડી રાતે લથડીયા ખાતા ખાતા ઘેર આવ્યા.

દાદા રાત્રે રાહ જોઇને બેઠા હતા. જેવા બાપુ આવ્યા કે બે અડબોથ ઠોકી દીધી, ત્યારે મારી બા પણ બહાર આવી ગયેલ.

અત્યાર સુધી ક્યારેય દાદા સામે ઉંચે અવાજે ન બોલતા મારા બાપુ પોતાની પત્ની સામે માર ખાવાનું સહન કરી ન શક્યા. અને મારા બાપુએ પણ એક ઝાપટ મારા દાદાને એવી મારી કે દાદા અળગોટીયું ખાઈ ગયા. આટલા વરસોમાં મારા દાદા સામે કોઈએ ઉંચી આંગળી પણ કરી નહોતી. અને તેના સગા દીકરાએ તેમના પર હાથ ઉગામ્યો.

તે રાતે ગોકીરો બોલી ગયો, દાદાએ મારા બાપના નામનું નાહી નાખ્યું. ગામ આખું ભેગું થઇ ગયું. મારી બા દાદાને મારા બાપુ વતી પગે પડી. પણ મારા દાદા એક ના બે ન થયા. મારા દાદા મારી માંને બોલ્યા બેટા તું મારી દીકરી જેવી છો. તારા માટે મારા ઘરના બારણા સદા ખુલ્લા છે. પણ આ તારો વર સાવ નપાવટ નીકળ્યો. તારે અહીં રહેવું હોય તો એકલી રહેજે. આમેય તેનામાં તને રાખવાના વેતા નથી. બાકી એનું તો હું મર્યા સુધી મોઢું નહિ જોઉં.

રાતે જ મારી માં અને બાપુને ઘર ખાલી કરાવ્યું. દાદાની એક ઓરડી ગમાણ તરીકે રાખેલ તે રહેવા આપી દીધી. એ તો આજુ બાજુ વાળા સારા હતા કે બે ખાટલાની વ્યવસ્થા કરી આપી. ગમાણની બહાર ખાટલામાં આખી રાત મારી માં અને બાપુએ પડખા ફેરવ્યા કર્યા. કેમેય બે માંથી એકેયને નીંદર ન આવી તે ન જ આવી.