અંજામ- 28 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ- 28

અંજામ-૨૮

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ રીતુ, વીજય અને ગેહલોત બાપુના ફાર્મ હાઉસે(વાડીએ) પહોંચે છે. ત્યાં રીતુ આ વિષચક્રમાં કેવી રીતે ફસાઇ તેની આપવીતી કહે છે. એ જ સમય દરમ્યાન બાપુ ડોકટર ભૈરવસીંહ સાથે ફાર્મ હાઉસે જવા નીકળે છે. તેમની વચ્ચે થતી વાત-ચીત દરમ્યાન અચાનક બાપુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે.... હવે આગળ વાંચો....)

“ જો મને પહેલેથી જાણ હોત કે આ સમગ્ર કાવતરુ મારા જ ગામના વિષ્ણુસીંહ બાપુએ રચ્યુ છે અને મારા ભાઇના બદલામાં તેઓ શિવાની, તૃષા, પ્રીયા અને નયનનાં જીવ લઇ લેશે તો મારો વિશ્વાસ કર વિજય કે હું મારા ભાઇને મરવા દેત પણ આ કાવતરામાં કયારેય શામેલ ના થાત....” સજળ નયને રીતુએ આપવીતી કહી સંભળાવી. જીપમાં થોડો સમય સોંપો પડી ગયો. વીજય અને ગેહલોત બંનેને રીતુની કેફીયત સાચી લાગતી હતી. સુંદરવન હવેલીમાં ઘટેલી વારદાત ઉપરથી ધીમે-ધીમે પરદો હટી રહયો હતો.

“ તને કયારે જાણ થઇ કે આ કાવતરુ બાપુ એ જ ઘડયુ છે....?” ગેહલોતે પુછયું.

“ જ્યારે મને અને મોન્ટીને અહી લાવવામાં આવ્યા ત્યારે.... તે પહેલા પેલા વીરજીનો ઘોઘરો અવાજ સાંભળીને મને થોડો –ઘણો શકo તો થયો જ હતો પરંતુ આ ગામ.... અને તેમાં પણ પંચાલ હાઉસનું ફાર્મ હું ન ઓળખુ એટલી બુધ્ધુ તો નથી જ....” રીતુ બોલી. “ હવે જો તમને મારી વાત ઉપર વિશ્વાસ આવતો હોય તો પ્લીઝ.... આપણે સમય બગાડયા વગર ફાર્મ હાઉસમાં જઇએ. મોન્ટીની મને બહુ ફીકર થાય છે....”

“ રીતુ સાચુ કહે છે ગેહલોત સાહેબ....આપણે સત્વરે અંદર જવુ જોઇએ. હવે જ્યારે સમગ્ર હકીકત આપણી સમક્ષ કિલયર થઇ ગઇ છે ત્યારે સમય બગાડવો મને પણ યોગ્ય લાગતુ નથી...” વીજયે કહયુ.

“ હાં પણ, જઇશું કેવી રીતે.....? એમ ડાયરેકટ ઘુસવામાં એ લોકો સચેત થઇ જશે અને આપણા હાથમાં કઇ નહી આવે....કોઇક રસ્તો વિચારવો પડશે...” ગેહલોત બોલ્યો. તેની વાત સાચી હતી. બધા વિચારમાં પડયા.

આકાશમાંથી ખરા બપોરનો આકરો તાપ પડવો શરૂ થયો હતો. જીપની બહાર જાણે આગ વરસતી હોય એવો માહોલ જામ્યો હતો જેના લીધે વાતાવરણમાં ભારે ઉકળાટ થતો હતો. હવા ગરમ લૂ જેવી થઇને જીપની અંદર ઘુસતી હતી. જીપની અંદર બેસેલા તમામના ચહેરા ઉપર પરેશાનીના ભાવો રમતા હતા તેમાં આ ગરમ પવન તેમને વધુ પજવી રહયો હતો. અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે બધાના શરીરેથી પરસેવાના રેલા ઉતરવા શરૂ થયા હતા... કોઇને આગળની દિશા સુઝતી નહોતી.

“ આપણે એક કામ કરીએ તો....? તમે સીધા જ ફાર્મ હાઉસના મુખ્ય દરવાજેથી અંદર જાઓ અને હું ફાર્મ હાઉસની પાછળ બીજો કોઇ રસ્તો હોય ત્યાંથી અંદર પ્રવેશું તો કેવુ રહેશે....? આપણે બે-તરફી હુમલો કરી શકીશું...” વીજયે સુઝાવ આપ્યો.

“ગ્રેટ.... આઇડીયા તો સારો છે. પણ પાછળની બાજુ કોઇ રસ્તો હશે....? જો નહિ હોય તો આટલી ઉંચી દિવાલ તું ફલાંગીશ કેવી રીતે....? કયાંક એવુ ન થાય કે હું અહીથી દાખલ થાઉ અને તું કયાંક ફસાયેલો રહે.... તો બે-તરફી હુમલાનો આપણો પ્લાન નિષ્ફળ જાયને..!.” ગેહલોતે તર્ક કર્યો. તેની વાત સાચી હતી. ફરી બધા વિચારે ચડયા. અચાનક વીજયને શૈતાનસીંહ યાદ આવ્યો.

“ આપણે આ શૈતાનસીંહને જ પુછીએ કે પાછળથી દાખલ થવાનો કોઇ રસ્તો છે કે નહી...” વીજય બોલ્યો અને શૈતાનસીંહ તરફ ફર્યો.

“ ના.... નથી.... ત્યાં એવો કોઇ રસ્તો નથી. વાડીને ફક્ત એક જ દરવાજો છે અને તે સામે દેખાય છે....” કોઇ કંઇ વધુ પુછે એ પહેલા જ શૈતાનસીંહ બોલ્યો હતો. ભયાનક દર્દથી તે બેવડ વળી ગયો હતો. તે આ લોકોની ચૂંગલમાંથી છુટવા માંગતો હતો પરંતુ જીપમાં જાણે તેનું અસ્તીત્વ જ ના હોય તેમ બધા વર્તી રહયા હતા. જો આ લોકો તેને અહી જીપમાં મુકીને બાપુની વાડીમાં ચાલ્યા જાય તો તે દર્દનો માર્યો ગુજરી જ જાય એ તેને સમજાતું હતુ અને એટલે જ તે પૂરેપુરો સહકાર આપી રહયો હતો જેથી કરીને તેને અહીથી જવા દેવામાં આવે અથવા તો દવાખાના ભેગો કરવામાં આવે.....

“ ઓહ....” વીજય અને ગેહલોતને તેની વાત સાંભળી થોડી નીરાશા ઉપજી.

“ મને ખબર છે એક રસ્તો....” અચાનક રીતુ બોલી ઉઠી. “મેં અને મોન્ટીએ ફાર્મ હાઉસની દિવાલમાં બાકોરુ પાડયુ હતુ જેમાંથી અમે ભાગ્યા હતા. એ બાકોરામાં થઇને આપણે અંદર દાખલ થાયે તો....!”

“ ગ્રેટ આઇડીયા...” વીજયે તરત એ વાતને વધાવી લીધી.

“ પણ મારી એક શરત છે... મને પણ સાથે લઇ જવી પડશે....” રીતુ બોલી.

“ એ શક્ય નથી. તું અને આ શૈતાનસીંહ પાછા ગામમાં જશો. તેને સારવારની જરૂર છે.” વીજયે કહયુ.

“ એ ભલે મરતો....મને તેની પરવાહ નથી. હું મોન્ટીને સલામત નહી જોઉ ત્યાં સુધી કયાંય નહી જાઉ, અને આ મારો આખરી ફેંસલો છે....” રીતુએ મક્કમતાથી કહયુ.

“ આઇ થીંક કે રીતુ ઠીક કહે છે. તે સાથે હશે તો ઘણી સરળતા રહેશે...” ગેહલોતે વચ્ચે સુર પુરાવ્યો.

“ તો આનું શું કરીશું....?” વીજયે શૈતાન તરફ હાથ લંબાવી પુછયું. આ સવાલનો કોઇ જવાબ કોઇની પાસે નહોતો.

“ તેને પણ સાથે લઇ જઇએ....” અચાનક ગેહલોતે એક સુઝાવ આપ્યો. તેના એ સુઝાવ ઉપર થોડી-ઘણી આનાકાની થઇ પરંતુ આખરે ગેહલોતની વાત માન્ય રાખવામાં આવી, માન્ય રાખ્યા સીવાય તેમનો છુટકો પણ નહોતો.

આખરે એક સ્ટ્રેટેજી નક્કી થઇ. એ મુજબ ગેહલોત સીધો જ વાડીના મુખ્ય દરવાજે જીપ લઇને પહોંચે અને ગમે તેમ કરી, કંઇક જુગાડ ચલાવીને વાડીમાં દાખલ થાય. તે તેની સાથે જીપમાં શૈતાનસીંહને પણ લેતો જાય.... અને વીજય અને રીતુ, રીતુ જે બાકોરાની વાત કરતી હતી ત્યાંથી અંદર ઘુસે.... પછી અંદરનો માહોલ કેવો છે અને કેવી પરિસ્થિતી સર્જાય છે એ મુજબ દરેકે પોતાની મુનસુફી મુજબ નિર્ણય લેવો એવુ નક્કી થયુ.... આ સ્ટ્રેટેજીના બે મુખ્ય મુદ્દા હતા.... અને તે એ કે પહેલા તો મોન્ટીને બચાવવો અને બીજો કોઇપણ ભોગે બાપુને નશ્યત કરી સુંદરવન હવેલીમાં મચેલી કત્લે આમનો ભેદ ઉકેલવો....

નક્કી થયા પ્રમાણે વીજય અને રીતુ જીપમાંથી નીચે ઉતર્યા. તેમણે ખેતરોમાં આડ-બીડ ચાલતા ફાર્મની દિવાલ સુધી પહોંચવાનું હતુ કે જ્યાં રીતુના જણાવ્યા પ્રમાણે બાકોરું હતુ.

“ ગેહલોત સર....” વીજય ગોળ ફરીને જીપની પાછલી સીટમાં બેઠેલા ગેહલોતની નજીક આવ્યો. “ થેંક્યુ....” તે બોલ્યો. તેનો અવાજ આભારવશ ધીમો થયો હતો.

“ થેંકયુ શા માટે યંગમેન....!!” ગેહલોત બોલ્યો.

“ મારી વાત ઉપર વિશ્વાસ રાખી અહી સુધી આવવા બદલ. તમે ધાર્યુ હોત તો મને પકડાવી શકત....”

“ વીજય... તારી જેમ હું પણ આ સાઝીશનું રહસ્ય જાણવા માંગુ છુ. આપણે બંને એક જ નાવના મુસાફીર છીએ દોસ્ત.... હવે વધુ સમય બગાડયા વગર યા-હોમ કરીને ફતેહ કર... તું પાછળનો મોરચો સંભાળ, હું આગળથી હલ્લાબોલ કરું છુ. હું વિચારુ છુ ત્યાં સુધી સાવ આસાનીથી તો આપણે જીતી નહી શકીએ. ફાર્મની અંદર જરૂર મહાભારત ખેલવુ પડશે.....”

“મહાભારત ખેલવાની પુરી તૈયારી છે સર....” વીજયના લોહીમાં અચાનક આવેગ ફેલાયો હતો. “ મારી અને મારા મીત્રોની હસતી-ખેલતી જીંદગીને જહન્નુમ બનાવી નાંખનાર એકપણ વ્યક્તિને હું બક્ષીસ નહી. મારા હ્રદય ઉપર લાગેલા દરેક ઘાવનો હિસાબ વ્યાજ સહીત હું લઇશ આ મારું પ્રણ(પ્રતિજ્ઞા) છે....”

“ ચાલો ત્યારે....ફતેહ કરીએ...” ગેહલોત પણ જુસ્સામાં આવી ગયો. તેણે વીજયની નજરો સાથે નજર મેળવી. એ નજરમાં એક આગ સળગતી હતી, એક મક્કમતા તરતી હતી..... રસ્તાની કિનારે ઉગી નીકળેલા ઘેઘુર ઝાડના છાયે ઉભેલી જીપને છોડીને વીજય અને રીતુ દુર સુધી ફેલાયેલા ખેતરો તરફ આગળ વધ્યા. તેમની મંઝીલ જીપથી એકાદ માઇલ દુર નજરે ચડતું આલીશાન ફાર્મ હાઉસ હતુ.

*******************************

ફાંટેબાજ કુદરત ઘણી વખત અટપટા દાવ ખેલતી હોય છે. એકદમ સરળ જણાતી બાબતોને સમય એવી રીતે ઉલજાવી નાંખે છે કે તમારી લાખ કોશીષો છતાં તમે તેને વ્યવસ્થિત ગોઠવી શકતા નથી.... અને એ જ તો નિયતી છે. જો માનવી ધારે તેમ બધુ થતુ હોત તો કદાચ આજે તે ખુદ પરમેશ્વર કહેવાતો હોત....અને એવું થાત તો કદાચ આ પૃથ્વી ઉપર રસાતાળ ફેલાયો હોત... પરંતુ કુદરતે એ શક્તિ માનવજાતને નથી આપી. આ જગતમાં અવતરેલી દરેક વ્યક્તિ માત્ર પોતાની ઇચ્છાઓ પ્રગટ કરી શકે છે અને તેને પુરી કરવા મહેનત પણ કરે છે પરંતુ આખરે તેમાં તેને કેટલી સફળતા યા નિષ્ફળતા મળશે એ તો કુદરત સ્વયં નક્કી કરે છે.

બરાબર એવો જ કંઇક સીન અહી ભજવાઇ રહયો હતો. આ ઘટના સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ પોત-પોતાની ગણતરી પ્રમાણે આગળ ધપી રહી હતી. જ્યારે કુદરતને કંઇક અલગ જ મંજુર હતુ.... જે સમયે વીજય અને રીતુ ખેતરોમાં ઉતર્યા હતા બરાબર તે જ સમયે બાપુ અને ભૈરવસીંહને લઇ આવતી ફોરચ્યુનર મારં-માર કરતી ગેહલોતની જીપની બાજુમાંથી પસાર થઇ ફાર્મહાઉસ તરફ ગઇ હતી....એક અજબ ટેબ્લો રચાયો હતો. વિષ્ણુસીંહ અને ડો.ભૈરવસીંહ ફોરચ્યુનરની અંદર બેસીને વાતો કરી રહયા હતા.... તેમનું ધ્યાન રોડની કિનારે ઉભેલી જીપ તરફ બીલકુલ નહોતુ ગયુ. જો તેમણે ગામડાના અંતરીયાળ રસ્તે ઉભેલી અજાણી જીપને જોઇ હોત તો જરૂર તેઓ ઉભા રહયા હોત અને તો મામલો ત્યાં જ ખતમ થઇ ગયો હોત.... પરંતુ એવુ ન થયુ. બાપુ અને ડોકટર વચ્ચે વાતો વાતોમાં મામલો તંગ થઇ ગયો હતો એટલે તેઓ બંને મનોમન ધુંધવાઇને જીપની ઉલટી દિશામાં બારી બહાર તાકી રહયા હતા બરાબર એ અરસામાં જ તેઓ ગેહલોતની જીપને ક્રોસ કરી ગયા હતા. જેન્તી ડ્રાઇવરે જીપને જોઇ હતી પરંતુ તેને એમાં કંઇ અજુગતુ લાગ્યુ નહોતુ એટલે તેણે પણ એ બાબત ધ્યાનમાં લીઘી નહોતી.... એવુ જ કંઇક જીપમાં બેસેલા ગેહલોત અને શૈતાનસીંહ સાથે બન્યુ હતુ. ગેહલોતનું તો ઠીક પણ શૈતાનસીંહે પણ બાપુની ગાડી ઓળખી નહોતી. જો ઓળખી હોત તો તેણે જરૂર બુમ પાડી હોત... પણ આ “જો” અને “તો” વચ્ચે જ આ કહાનીએ એક અલગ મોડ લીધો હતો.

*************************************

ફોરચ્યુનર ગાડી પસાર થઇ ગયા પછી ગેહલોત જીપ માંથી નીચે ઉતર્યો. નીચે ઉતરી તેણે ખેતરોમાં દુર પહોંચી ગયેલા વીજય અને રીતુ તરફ નજર કરી અને પછી હમણા જ ત્યાંથી પસાર થઇ દુર જતી ફોરચ્યુનર તરફ નજર નાંખી....પછી જીપની પાછળથી થોડુ ચાલીને તે ડ્રાઇવીંગ સીટ પાસે આવ્યો. તેના મનમાં ગડમથલ ચાલતી હોય એવુ તેના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. કંઇક વીચારીને આખરે તેણે ખીસ્સામાંથી મોબાઇલ કાઢયો અને ડી.આઇ.જી.પંડયાનો નંબર ડાયલ કર્યો...

********************************

“ જો પેલી દિવાલ.... એમાં બાકોરું દેખાય છે.” રીતુએ હાથ લંબાવી ધીમા અવાજે વીજયને કહયુ. વીજયે એ તરફ જોયુ. રીતુની વાત સાચી હતી. ફાર્મહાઉસની ફરતે ચણેલી ખાસ્સી સાત-આઠ ફુટ ઉંચી દિવાલમાં એક જગ્યાએ ભંગાણ પડેલુ હતુ. દિવાલના એ ભાગમાં એક માણસ આસાનીથી આવી જઇ શકે એટલુ મોટુ ભગદળ દેખાતું હતુ. વીજયે તેની ચાલ તેજ કરી....થોડીવારમાં તેઓ એ બાકોરા નજીક આવી પહોંચ્યા હતા અને નીચા નમી પહેલા રીતુ તેમાં દાખલ થઇ ત્યારબાદ વીજય દાખલ થયો. તેઓ એક સ્ટોરરૂમ જેવી ઓરડીમાં આવી પહોંચ્યા હતા. રીતુ આ જગ્યાને સારી રીતે જાણતી હતી. તેને અને મોન્ટીને આ કમરામાં જ બંધ કરવામાં આવ્યા હતા.... જો કે આ કમરાની બહાર શું છે એ તેને પણ ખબર નહોતી કારણકે તેમને આંખોએ પાટા બાંધીને અહી લાવવામાં આવ્યા હતા. રીતુને મોન્ટીની સખત ચીંતા થતી હતી અને સાથે પેલા કુતરા રેવાનો ડર પણ લાગતો હતો.

“ આ દરવાજાની પેલી બાજુ શું છે....?” વીજયે રીતુને પુછયું.

“ મને નથી ખબર.... મોન્ટી અને મને આંખએ પાટા બાંધીને અહી લાવવામાં આવ્યા હતા...”

“ હંમમ્...” વીજયે હું-કાર ભણ્યો અને સહેજ પણ અવાજ ન થાય એ રીતે સાવધનીથી દરવાજા તરફ ચાલ્યો. રીતુ તેની પાછળ હતી. દરવાજા નજક પહોંચી વીજયે તેનું હેન્ડલ પકડી ને ખેંચ્યુ. તેના આશ્ચર્ય વચ્ચે ઓરડીનો દરવાજો ધીમા કીચૂડાટ સાથે ખુલ્યો અને બહારનું દ્રશ્ય વીજયની નજરો સમક્ષ ખડુ થયુ. વીજયે આખો દરવાજો નહોતો ખોલ્યો. સહેજ, એકાદ ઇંચ જેટલી બારસાખ વચ્ચે તડ(તિરાડ) કરીને તેણે સાવધાનીથી બહાર ઝાંકયુ.

ઓરડીની બહાર એકદમ નીરવ શાંતી પથરાયેલી હતી. ઓરડીની આગળ પરસાળ હતી અને પરસાળ પુરી થતા પાર્કિંગ પ્લોટમાં બે ગાડીઓ પાર્ક કરેલી નજરે ચડતી હતી. ત્યાંથી આગળ લાંબો ડ્રાઇ-વે બનાવેલો દેખાતો હતો. વીજયને એ નાનકડી તડમાંથી આટલુ જ દેખાતુ હતુ. બપોરના તીખા તડકામાં ફાર્મ હાઉસની આ ઓરડીની બહારનું વાતાવરણ એકદમ સુસ્ત ભાસતુ હતુ. કયાંય કોઇ ચહલ-પહલ વર્તાતી નહોતી. વીજયે દરવાજો બંધ કર્યો અને રીતુ સમક્ષ ફર્યો.

“ અહીતો કોઇ નથી... મારા ખ્યાલથી આપણે બહાર નીકળવું પડશે....”

“ નહિ.... હું બહાર નહી આવુ. પેલો ભયાનક કુતરો જરૂર આટલામાં જ કયાંક હશે....” રીતુ ગભરામણ ભર્યા અવાજે બોલી.

“ ઓહ ગોડ રીતુ.... આપણે ગેહલોત સર પાસેથી તેમની ગન લાવતા તો ભુલી જ ગયા...” અચાનક વીજય બોલી ઉઠયો.

“ હવે શું થશે....?” રીતુએ પુછયુ. વીજય વીચારમાં પડયો. તેને પોતાની ઉપર જ ખીજ ચડી કે આટલી ઇમ્પોર્ટન્ટ વાત તે કેવી રીતે ભુલી શકે. વગર હથીયારે એક ખૂંખાર જાનવરનો સામનો કરવો એ સામે ચાલીને મોતના મોંમાં જવા બરાબર હતુ. પરંતુ હવે કંઇ થઇ શકે તેમ નહોતું. એક ભુલ તેનાથી થઇ હતી એટલે હવે બીજો કોઇ રસ્તો વીચારવો પડે તેમ હતો. વીજયે એ સ્ટોરરૂમમાં નજર ઘુમાવી. રૂમમાં તરેહ-તરેહના સામાનનો ગંજ ખડકાયેલો હતો. વીજય એ સામાનના ગંજમાં તેને કામ આવે એવું કંઇક શોધવા લાગ્યો. અચાનક તેણે જમીનમાંથી ઘાસ ઉખેડવાની દાંતી જોઇ અને તેણે એ ઉઠાવી લીધી. લોંખડના ગોળ પાઇપના છેડે અણીદાર દાંતીઓ જોઇન્ટ કરેલી હતી. વીજયને તેનાથી બેહતર હથીયાર રૂમમાં દેખાયુ નહી એટલે તેણે એ દાંતી ઉઠાવી અને ફરીવાર તે ઓરડીના બારણે આવ્યો અને સાવધાનીથી દરવાજો અધૂકડો ખોલી તેઓ બહાર નીકળ્યા.....ફાર્મહાઉસ ખરેખર વિશાળ અને વેલ મેઇનટેન્ડ હતુ. વીજયે એક નજરમાં આજુ-બાજુનો સમગ્ર વિસ્તાર આવરી લીધો હતો. તે આ જગ્યાની મનોમન તારીફ કરી ઉઠયો. જેણે પણ આ ફાર્મ હાઉસ બનાવ્યુ હતુ તેણે બહુ ઉંડા પ્લાનીંગથી સમજી-વીચારીને બનાવ્યુ હતુ...વીજયે રીતુનો હાથ પકડયો હતો અને ઓરડીની દિવાલ સરસા ચાલતા તેઓ પાર્કિંગ પ્લોટમાં ઉભેલી ગાડી તરફ જવાનું વીચારતા જ હતા કે સહસા તેમના કાને કોઇક અન્ય કારના હોર્નનો અવાજ સાંભળ્યો. કયાંક કોઇ કાર આવી રહી હતી. વીજયે દુરથી જ ફાર્મના સુંદરતમ્- અદ્દભુત ડ્રાઇવેમાં જોયુ....

એ બાપુની કારના હોર્નનો અવાજ હતો. બાપુની ફોરચ્યુનર ફાર્મના દરવાજે આવીને અટકી હતી અને જેન્તીએ કારનો હોર્ન મારી ગેટ ઉપરના ચોકીયાતને દરવાજો ખોલવા કહયુ હતુ. ચોકીયાતે ઝડપથી દોડી આવીને ફાર્મનો વિશાળ ગેટ ખોલ્યો એટલે જેન્તીએ ફોરચ્યુનરને અંદર લીઘી. ડ્રાઇવેમાં થઇને એ કાર પાર્કિંગ પ્લોટ સુધી આવી....વીજય અને રીતુએ કારને બરાબર જોઇ. તેઓ એક ઝાડના થડની ઓથે ચીપકીને લપાયા હતા. તેમને એમ હતુ કે ફાર્મમાં દાખલ થયેલી કાર પાર્કિંગ પ્લોટમાં આવીને ઉભી રહેશે પરંતુ એવુ થયુ નહી. કાર સીધે-સીધી અંદર ચાલી ગઇ એટલે તે બંનેને હાશકારો થયો હતો. વીજયને એ કારમાં કોણ હતુ એ જાણવાની અજબ તાલાવેલી થતી હતી પરંતુ આટલે દુરથી તે જોઇ શકતો નહોતો. ઉપરથી કારના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી હતી એટલે અંદરનું દ્રશ્ય બહાર દેખાય તેમ નહોતુ.

“કોઇક આવ્યુ લાગે છે....” તે સાવ અમસ્તો જ, બોલવા ખાતર બોલ્યો.

“ કદાચ પંચાલ બાપુ હશે.... કારણ કે આ ફાર્મમાં તેમની અને તેમના માણસો સીવાય બીજા કોઇને પ્રવેશવાની મનાઇ છે....” રીતુ બોલી

“ જો બાપુ આવ્યા હોય તો સારી વાત છે.... બધા એક જ જગ્યાએ એકઠા મળી જાય તો આપણે વધુ મહેનત કરવી નહી....પણ અહી તો બીજુ કોઇ દેખાતું કેમ નથી...!!” વીજયે પુછયું.

“ મને લાગે છે કે મોન્ટીને તેઓ જરૂર સામે દેખાય છે એ મકાનમાં લઇ ગયા હશે. બધા કદાચ ત્યાં જ એકઠા થશે....”

“ હંમમ્.... આપણે પણ ત્યાં પહોંચવુ જોઇએ.... ચાલ...” વીજયે કહયુ અને રીતુનો હાથ ખેંચીને તેઓ દુર...આઘે દેખાતા ફાર્મના વીશાળ બંગલા તરફ લપાતા-છુપાતા આગળ વધ્યા. વીજયે હજુ પણ પેલી દાંતી હાથમાં પકડી રાખી હતી....

*******************************

અચાનક ગેહલોત ચોંકયો હતો. હમણા જ તેની નજીકથી પસાર થઇ હતી એ ગાડીને તેણે બાપુના ફાર્મના ગેટેથી અંદર જતા જોઇ હતી. જરૂર તેમાં કોઇક આવ્યુ હશે એવો ઝબકારો તેને થયો..... કયારનો તે અહી ઉભો રહીને ફાર્મમાં કેવી રીતે પ્રવેશવુ એ વિશે વિચારી રહયો હતો અને સાવ આસાનીથી તેને એ રસ્તો સૂઝયો હતો. તેના ચહેરા ઉપર મુસ્કાન આવી..... ઝડપથી તે જીપની સીટ ઉપર ગોઠવાયો અને જીપ ચાલુ કરી ફાર્મ હાઉસના મુખ્ય દરવાજા તરફ ભગાવી મુકી.....ધુળના ગોટે-ગોટા ઉડાવતી તેની જીપ ચંદ મીનીટોમાં ગેટે આવીને ઉભી રહી....તેણે જોયુ હતુ કે હમણા આગળ ગયેલી ફોરચ્યુનરે હોર્ન માર્યો હતો એટલે ગેટ ખુલ્યો હતો... તેણે પણ હોર્ન માર્યો... મનોમન તેણે ગેટના ચોકીદારને શું કહેવુ એ વિચારી રાખ્યુ હતુ.

જીપનો હોર્ન સાંભળીને ચોકીદારે પહેલા ગેટની ડોકાબારી ખોલી અને બહાર ઝાંક્યુ. કોઇક અજાણી જીપને અને તેમાં બેસેલા અજાણ્યા ઇસમને જોઇને તેના ચહેરા ઉપર અસમંજસના ભાવો ઉઠયા.... ગેહલોતે પણ દરવાનને જોયો હતો.... તે અચાનક શૈતાનસીંહ તરફ ફર્યો અને બોલ્યો.... “તેને કહે કે ગેટ ખોલે....”

શૈતાનસીંહ જીપની પાછલી સીટમાંથી ઉંચો થયો અને તેનું ડોકુ લંબાવી ઉંચા અવાજે બોલ્યો....

“ બાપુને મળવા આવ્યા છીએ....દરવાજો ખોલ માધવ....” હકીકતમાં શૈતાનસીંહ એકવાર અહી આવ્યો ત્યારે તેણે આ દરવાનનું નામ જાણ્યું હતુ એ અત્યારે તેને કામ આવ્યુ હતુ. પોતાને નામથી ઓળખનાર કોઇ જાણીતું જ હશે એવુ વિચારીને દરવાને ગેટ ખોલ્યો. આમ પણ હમણા જ બાપુની ગાડી અંદર ગઇ હતી એટલે તેને વધુ કંઇ શંકા ઉદ્દભવી નહોતી.

ગેહલોતે જીપને ફાર્મની અંદર લીધી.....ફાર્મમાં પ્રવેશવું તેના માટે સાવ આસાન નિવડયું હતુ...ડ્રાઇવે માં બન્ને તરફ લચી પડેલા વ્રુક્ષોની અદભુત સુંદરતા નીહારી તે આટલી તંગ પરિસ્થિતિમાં પણ આફરીન પોકારી ઉઠયો હતો..

( ક્રમશઃ)