ગીફ્ટ Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીફ્ટ

ગીફ્ટ

રૂચીના બર્થડેના દિવસે જ રૂચી અને તેના પતિ સમીરનો ઝઘડો થયો.સવારમાં જ બર્થ ડે ના સરપ્રાઈઝની જગ્યા એ સવારમાં જ એક નાનકડી બાબતે તકરાર થઇ અને સામસામે ઊંચા અવાજમાં બોલાચાલી થઇ.બંનેની સમજણ વચ્ચેનું અંતર વધતું ગયું.સમીર ગુસ્સે થઈને ટીફીન લીધા વગર જ ઓફીસ જવા માટે ઘરની બહાર નીકળી ગયો.ફ્લેટની નીચેના પાર્કિંગમાં આવીને ગાડી ચાલુ કરી.રોજ ગાડી ચાલુ કાર્ય પછી એ ગાડીની બહાર નીકળતો અને રૂચી બહાર બાલ્કનીમાં ઉભી હોય અને નીચેથી એક ફ્લાઈંગ કિસ આપીને પછી જ ઓફીસ જવા નીકળતો.પણ આજે એ ન તો ગાડીની બહાર નીકળ્યો ન ઉપર બાલ્કની તરફ નજર કરી.રૂચી બસ ત્યાં ઉભી ઉભી જોઈ રહી.આંખો સહેજ લાલ થઇ અને અંદર ગુસ્સાથી સળગતી રહી.

સાંજે સમીર ઓફીસથી પાછો આવ્યો.ડોરબેલની સ્વીચ દબાવી.અંદરથી કોઈ પ્રતિક્રિયા ન મળી.ફરી સ્વીચ દબાવી.હજુ પણ સ્થિતિ એની એ જ હતી.ગુસ્સાથી છેલ્લી વાર સ્વીચ દબાવા જ જતો હતો ત્યાં જ દરવાજો સહેજ ખુલ્યો અને સ્થિર થઇ ગયો.સમીરે સહેજ હાથથી ધક્કો મારીને દરવાજો ઉઘાડ્યો.રૂચીની પીઠ દેખાઈ.રૂચી બેડરૂમ તરફ જતી હતી.સમીરનો ગુસ્સો શાંત થઇ ગયો હતો.પણ અત્યારે રૂચીનો ગુસ્સો આસમાને પહોચેલો હતો.સમીર ઘરમાં પ્રવેશીને કિચનમાં આવીને ઉભો રહ્યો.ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢીને ગ્લાસમાં લીધું.ગળામાં બાંધેલી ટાઈ ઢીલી કરી અને ડાઈનીંગ ટેબલની ચેરમાં બેસીને પાણીનો આખો ગ્લાસ પી ગયો.સમીર વિચારતો રહ્યો.ઉભો થઈને બેડરૂમમાં ગયો.રૂચી સુઈ ગઈ હતી.ઊંઘમાંથી ઉઠાડવાનું એને યોગ્ય ન લાગ્યું.સમીર બેડરૂમની લાઈટ બંધ કરીને પાછો ડાઈનીંગ ટેબલ પાસે આવીને બેઠો.ટેબલ પર પડેલા શાક અને રોટલી પ્લેટમાં લઈને થોડું જમી લીધું.

બીજે દિવસે સવારે બંને શાંત હતા.રૂચી મૂંગા મોઢે ઘરનું કામ કરે જતી હતી.સમીરે ઘણી વાર નજર મળાવાની કોશિશ કરી પણ રૂચી એ એની સામે જોયું જ નહિ.ફ્લેટની નીચે આવીને ગાડી સ્ટાર્ટ કરી.દરવાજો ખોલીને એ બહાર આવ્યો.ઉપર બાલ્કની તરફ નજર કરી.રૂચી ન દેખાઈ.એ પાછો ગાડીમાં બેસી ગયો અને સહેજ ગુસ્સામાં ગાડી હંકારી મૂકી.

સાંજે પાછા આવીને ડોરબેલની સ્વીચ દબાવી.અને જાણે કોઈક ડોરબેલ વાગવાની રાહ જોઈને જ બેઠું હોય એમ ઝડપથી દરવાજો ખુલ્યો.સામે રૂચી ઉભી હતી.ખુલ્લા વાળ,અને આંખોમાં જ્યાં જેટલું જરૂર હોય તેટલું જ કાજળ આંજેલું હતું.કપાળમાં બરોબર વચ્ચે જ મરુન રંગની નાનકડી બિંદી લગાવેલી હતી.માથા વાળમાં અમુક જગ્યા એ એવી રીતે પીન લગાવેલી હતી કે એની હેર-સ્ટાઈલ ઉભેરીને દેખાઈ આવતી હતી.સમીર ઘડીક રુચિની સામે જ જોઈ રહ્યો.રુચીએ રોજની જેમ જ સમીરના હાથમાંથી બેગ લઇ લીધું અને સમીરનો હાથ પકડીને રૂમમાં લઇ ગઈ.કબાટમાંથી ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ બહાર નીકળ્યા અને સમીરને જલ્દીથી ફ્રેશ થઇ જવા માટે કહ્યું.

રૂચી બેડરૂમની બહાર આવી અને ડાઈનીંગ ટેબલ પરથી શાક અને દાળનું બાઉલ લઈને ગરમ કરવા માટે મુક્યું અને ગરમ ગરમ રોટલી બનવાનું ચાલુ કર્યું.કોઈ ઝઘડો જ ન થયો હોય એમ બંને વર્તન કરી રહ્યા હતા.રૂચીએ પોતાના હાથે સમીરને જમાડ્યો અને સમીરે પોતના હાથે રૂચીને જમાડી.

જમવાનું પૂરું કરીને સમીર બેડરૂમમાં આવ્યો અને પાછળ રૂચી બધું કામ પતાવીને રૂમમાં દાખલ થઇ અને ત્વરાથી સમીરની બાજુમાં જઈને બેસી ગઈ.

“મારી ગીફ્ટ....???” નાના બાળકની જેમ એણે સમીરને પૂછ્યું.

“કઈ ગીફ્ટ...?” સમીરે હસતા હસતા કહ્યું.

“જન્મદિવસની ...”

“પણ જન્મદિવસ તો જતો રહ્યો...હવે શાની ગીફ્ટ....?”સમીરે કહ્યું.

રૂચી નાના બાળકની જેમ રીસાયને બેસી ગઈ.

“ગીફ્ટ તો મેં જન્મદિવસના પેલાની લાવીને મુકેલી છે પણ આપીશ નહિ....”સમીરે કહ્યું

“કેમ ?” રુચીએ બાળક સહજ આશ્ચર્યથી પૂછ્યું.

“બસ...એમ જ આજે મન નથી....” સમીરે પ્રત્યુતર આપ્યો.

“તું નારાજ છે મારાથી ..?”રુચીએ સહેજ વધુ નજીક આવતા કહ્યું.

“ના..હું કોઈનાથી નારાજ નથી..” સમીરે સહજતાથી કહ્યું.

“તો ગીફ્ટ કેમ આપતા નથી...?”

“કહ્યું તો ખરા કે આજ મૂડ નથી....”

“સારું......કાલે આપજો બસ...?!”

આટલું બોલીને રૂચી સમીરને વળગી પડી.પહેલા હોઠ મળ્યા.પછી રૂમ ની લાઈટ બંધ થઇ એટલે બહાર નો અંધકાર બારીના કાચને ચીરીને અંદર પ્રવેશી ગયો.બંનેના શરીર વધુને વધુ નજીક આવતા ગયા.એકબીજામાં ઓગળી જવા મથતા હોય એમ બંને શરીર પ્રયત્નો કરવા લાગ્યા.અને આખરે એકબીજામાં ઓગળી ગયા હોય એવો એહસાસ થયો.

******

બીજા દિવસે સમીર ઓફિસથી સહેજ વહેલો નીકળી ગયો.અને એના મિત્ર પ્રથમને લઈને સીધો જ ગીફ્ટ શોપ પર પંહોચી ગયો.અને ગયા અઠવાડિયાનું બીલ બનાવીને ગીફ્ટ પેક કરાવી લીધી.પ્રથમને એણે ઘરે મુકીને સમીર એના ઘરે પહોચ્યો.બેગમાં એવી રીતે ગીફ્ટ મુકેલી હતી કે રૂચીને ખબર જ ન પડે કે ગીફ્ટ બેગમાં છે.

રાત્રે જમીને બંને બેડરૂમમાં આવ્યા ત્યારે સમીરે પોતાના કબાટમાંથી ગીફ્ટ કાઢીને રુચિના હાથમાં મૂકી.રૂચી ખુશીના મારે ઉછળી પડી.પછી અચાનક કઈક યાદ આવ્યું હોય એમ સમીરની સામે જોયું.

“પણ તમે તો કહેતા હતા કે તમે બર્થડે ની પહેલા જ ગીફ્ટ લાવીને મૂકી રાખી હતી.”

“હા તો.....ત્યારની જ લાવીને મુકેલી છે.....તને વિશ્વાસ નથી...?”

“ના ..પણ મને પહેલા ઘરમાં ક્યાય દેખાઈ નહિ એટલે પૂછ્યું....”

“બીલ બતાવું તને......અને તને મળી જાય એમ ગીફ્ટ ઘરમાં મુકું તો એ સરપ્રાઈઝ થોડુ કહેવાય....?”

રુચિના સવાલો પુરા થયા..રૂચીએ ગીફ્ટ ખોલી.પેરીસનું ઈમ્પોર્ટેડ પરફ્યુમ જોઇને ખુશીથી ઉછળી પડી અને સમીરને ભેટી પડી.

મહિના પછી સમીર એક દિવસ ફરીથી ઓફીસથી વહેલુ નીકળવાનું વિચારીને પ્રથમના ડેસ્ક પાસે આવ્યો.

“ચાલને પ્રથમ મારી સાથે....”સમીરે આજીજી પૂર્વક કહ્યું.

“ક્યાં..?”

“પેલી ગીફ્ટ શોપ પર જવું છે જ્યાં આપણે ગયા મહીને ગયા હતા.”

“યાર...આજે બહુ કામ છે....અને દર વખતે મને જ કેમ ગીફટ શોપ પર લઇ જાય છે...?”પ્રથમે પૂછ્યું.

“અરે તને ખબર તો છે......તારે જ ગીફ્ટ પસંદ કરવાની હોય છે...દર વખતે....મને તો ગીફ્ટમાં કશી ખબર પડતી નથી...”

“સારું સારું.....આવું છું.....થોડી રાહ જો પાર્કિંગમાં ....આટલું કામ પૂરું કરીને પહોચું છું...”

“જલ્દી કરજે....પ્લીઝ...”સમીર આટલું કહીને બહાર જવાના રસ્તે ચાલતો થયો.

બંને ગીફ્ટ શોપ માંથી ગીફ્ટ લઈને બહાર આવ્યા.

“યાર....સમીર ...એક પર્સનલ સવાલ પુછુ....” સમીરની ગાડીમાં બેસતી વખતે પ્રથમે સમીરને પૂછ્યું..

“બિન્દાસ પૂછ...અને આપણી દોસ્તી વચ્ચે સવાલ અને પર્સનલ સવાલ એવો ભેદ ક્યારથી આવી ગયો....?”સમીરે કહ્યું.

“કહી નહિ બસ એમ જ.......તું ભાભી ને આટલી બધી ગીફટસ આપે છે ..લગભગ દર મહીને કે પંદર દિવસે ......એ પણ લગનના એક વરસ પછી....આનું કોઈ રહસ્ય....?’’ પ્રથમે આશ્ચર્ય સાથે પૂછ્યું.

સમીર હસવા માંડ્યો...પ્રથમને આશ્ચર્ય થયું.

“સાચું કહું....આ બધી જ ગીફ્ટસ હું રુચીને એટલે આપું છું કેમ કે એને મારી પર શંકા ન જાય....”

“શંકા ...કઈ વાતની??” પ્રથમે સહેજ અચકાઈને કહ્યું.

“એ જ કે મારે બીજે અફેર છે......”સમીરે હસતા હસતા કહ્યું.

‘’અફેર....?..આર યુ સીરીઅસ?” પ્રથમે આવક બનીને કહ્યું.

“તને વિશ્વાસ નથી.....ઉભો રહે.....” સમીરે કહ્યું....અને મોબાઈલમાંથી પોતાની ગર્લ ફ્રેન્ડના ફોટા કાઢીને બતાવ્યા.

પ્રથમને કઈ ખબર ન પડી અને આગળ કઈ બોલવા જેવું પણ ન લાગ્યું.

ઘરે પહોચીને સમીરે ડોરબેલની સ્વીચ દબાવી અને જાણે રુચીને પહેલેથી જ ખબર હોય એમ રોજની જેમ દરવાજો ખોલીને સસ્મિત ચહેરે ઊભી હતી.