એક હતો એન્જીનીયર – 3 Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતો એન્જીનીયર – 3

એક હતો એન્જીનીયર – 3

કોલેજના દિવસો ભાગી રહ્યા હતા. હું ઘણો દુઃખી હતો કે કોલેજમાં કશું ઉકાળી શક્યો નહી. રોજે રાત્રે તેનો અફસોસ થતો.

મારી રોજની કોમન લાઈફમાં અમુક દિવસો એવા હોય છે જેમાં આખો દિવસ ભરપુર મહેનત કર્યા પછી રાત્રે સુવા ટાઈમે જયારે હું શહેરની પીળી લાઈટ્સમાં રસ્તા પર ફરવા નીકળું, ડીવાઈડર પર બેસીને મ્યુઝીક સંભાળતા ચારે-બાજુ ભાગતી જિંદગીને નિહાળ્યા કરું, કે અમસ્તા જ કોઈક વાર સિગારેટ ખરીદીને નીકળતા ધુમાડાની બીજી બાજુ પસાર થતા વાહનોને જોયા કરું ત્યારે હું મારી જાતને શહેરની હવામાં એકાંતમાં તરતી અનુભવતો હોઉં છું. હૃદયમાં આખો દિવસ કરેલી ગાંડી મહેનતને લીધે જે આત્મ-સંતોષ પેદા થાય, અને મહેનતનો દિવસ જીવ્યાની જે સાર્થકતા મનમાં હોય એના લીધે કદાચ મન પતંગિયું બની જાય છે. આવી ક્ષણ ખુબ ઓછી હોય છે. હું પર્સનલી આવી હસવું આવે એવી ફીલિંગને ‘સાર્થકતાની ક્ષણ’ કહું છું. આ દિવસ ‘લેખે લાગેલો’ દિવસ બની જાય છે. લાંબો સમય એ ક્ષણ યાદ રહે છે.

ખબર છે આવી મોમેન્ટસ ક્યારે આવવા લાગી? જયારે મનનું ધાર્યું કામ કરવા લાગ્યો! જયારે દિલને શું ગમે છે એ કામને મેં અસ્તિત્વ બનાવવાનું માથે લીધું. એવું કામ હું હજુ કરું છું. આખો દિવસ થકવી નાખનારી જોબ કર્યા પછી, શાંતિથી જમીને, દિમાગને રીફ્રેશ બટન મારીને, રાત્રીના 8 થી 2 વાગ્યા સુધી લખવાનું કામ. છ કલાક સુધી પોતાનું વિશ્વ સર્જવાનું. એવું વિશ્વ જ્યાં સુખ-દુખ-આંસુ-કે સંઘર્ષ મેં જાતે સર્જેલો હોય. રોજે રાત્રે બે વાગ્યા પછી કામ પૂરું કરી જયારે સુના રોડ પર નીકળું ત્યારે પેલો આત્મ-સંતોષ શબ્દોમાં કહી ના શકાય એવો હોય. દોસ્તો...અને ઘણીવાર એમ થાય કે આવું શોખનું, પેશનનું, અને રસનું કામ બધા કરી શકતા હોય તો?

ખેર... ધારો કે આપણું પેશન ના ખબર હોય તો પણ કઈ દુખી થવાનું ના હોય. ગમે તે ભોગે આ નાનકડી જીવનીમાં હેપી રહેવાનું છે. ગમે તે ભોગે. હા...એક વધારાનું કામ હું આજે તમને શીખવવા માંગુ છું એ છે: પોતાના દિલને ગમેં તેવું કામ કેમ શોધવું? કારણકે આવું ગમતું કામ કર્યા પછી થોડી એક્સ્ટ્રા હેપીનેસ મળે તો એ અંત:આનંદ લુંટવા જેવો ખરો.

ઓવર ટુ સિકસ્થ સેમેસ્ટર ઓફ એન્જીનીયરીંગ. કોલેજમાં રખડપટી કરીને કંટાળીને જયારે ફ્રસ્ટેટ થઇ ગયેલો. કોઈ દિશા ન હતી. તે છેલ્લી રાત્રે જયારે દિમાગમાં લાઈટ થઇ કે બોસ...આપણે તો ડોટ્સ બનાવવા પડશે. રસનું કામ જાણવા માટે પહેલા તો જાતને રડતી બંધ કરીને ‘એક્સપ્લોરર’ બનવું પડે. ઉભા થઈને પ્રયોગો ચાલુ કરવા પડે આ લાઈફની પ્રયોગશાળામાં! ઘસાવું પડે. કમ્ફર્ટ ઝોન છોડવો પડે. દુનિયાના પટ પર ખુલ્લી છાતીએ, કોઈની શેહ-શરમ વગર, મોજ લુંટતા, અને ધીંગાણે ચડ્યા હોઈએ એમ નીકળવું પડે. આ ફિલોસોફી બે પાર્ટમાં કહું:

-------

મારા છઠા સેમેસ્ટરના અનુભવો પરથી એક કડવી વાત બધા કોલેજીયનો અને જોબ કરનારા માટે:

મેં જોયું છે કે કોલેજલાઈફમાં જેવો સ્પાર્ક યુવાનોમાં હોય છે તેવો જોબલાઈફમાં નથી હોતો. કેમ? ધે ડોન્ટ લવ ધેર જોબ! બિચારા વપરાયેલા કોન્ડમ જેવા થઇ ગયા હોય છે! (આવા વિશેષણ માટે લેખકને ગાળો ના દેવી!) આના બે કારણ છે: એક આપણી એજ્યુકેશન સીસ્ટમ, અને બીજું- આપણે! આપણી સિસ્ટમે આમેય આપણી ક્રિયેટીવ સેન્સ મારી નાખી હોય છે. ગોખી-ગોખીને હવે તો ગાંડા થયા. લાલ થઇ ગઈ! બારમાં ધોરણનો ભાર હતો. વધુ ભાર આપીએ તેમ સ્પ્રિંગ ઉછળે એ રીતે સૌ કોલેજમાં ઉછળ્યા. બારમાં બોર્ડમાં જેટલી ભીંસ પડી તેની બમણી મોજ કોલેજમાં કરી (પણ જીવનના ઉદેશની ખોજ ન કરી...આ આપણો વાંક!) પણ સિસ્ટમને કેટલી કોંસશો? લંકા બાળવી હોય તો હનુમાનજીને પણ પૂંછડે આગ લગાડવી પડે છે!

હા...તો હવે આપણો વાંક કહું. જીવનનો ઉદેશ્ય, પેશન, ઓબ્સેશન તેની તમે ખોજ ના કરી. હું તો ૨૫૦ ટકા માનું છું કે સ્કુલ ક્રિયેટીવીટીને મારી નાખે છે, પણ આપણે ખુદ એને જીવાડી શકીએ છીએ. પહેલું કામ: કોલેજના જલસા સાથે પોતાને ગમતા કામ શોધવાનું ચાલુ કરો. ગમે તે ભોગે દિવસના અમુક કલાક એ કામ કરો. કામની ખબર ના હોય તો ભરપુર વાંચો. પુસ્તકો જીવનને ઉગારી દેશે. દિમાગની બતી ચાલુ કરો. જો પોતાની બ્રાંચમાં રસ હોય તો તેનું ભરપુર વાંચો. પ્રેક્ટીકલ વસ્તુઓ બનાવો. નવા ઇનોવેટીવ આઈડિયા શેર કરો. ટેક-ફેસ્ટમાં ‘સક્રિય’ ભાગ લો. જો પોતાના વિષયમાં રસના હોય તો બીજા વિષય શોધો. સિંગીંગમાં પાર્ટ લો. ભલે ચપ્પલ ઉડે, પણ એકવાર ગાઓ. ડાન્સિંગ પણ કરો. બેશરમ શકીરા બનો દોસ્ત. કોઈ નાટકમાં ભાગ લો, કોઈ સ્ટોરી લખો, પેપર લખો, શોર્ટ ફિલ્મ બનાવો, બ્લોગ ચલાવો, ચિત્રો બનાવો. જો આર્ટમાં પણ રસ ના પડે તો ટ્રાવેલિંગ કરો, એકલા ફરો, લોકોને મળો, નાનકડી જોબ કરો. નાનકડી જોબ મતલબ શું? બેશરમ થઈને કોઈ હોટેલમાં વેઈટર બનો, કોલ સેન્ટરમાં કામ કરો, બસ કંડકટર બનો, કૂક બનો, નાની દુકાન ખોલો, છાપા-બુક્સ વેચો, નવી જ પ્રોડક્ટ બનાવીને વેચો, રસ્તા સાફ કરવાની જોબ પણ ચાલે, કોઈ ઝુંબેશનો પાર્ટ બનો, ભાષણ કરો, બળવો કરો, સ્પોર્ટ રમો, લાઈબ્રેરીમાં ફ્રી સર્વિસ આપો, કોઈ સર્વેમાં ભાગ લો. અરે યાર...લાંબુ લીસ્ટ છે. એ બધું પણ ના ગમે તો? વધુ પુસ્તકો વાંચો. બસ.

આવું કેમ કરવું? દોસ્ત, આ બધું કરતી સમયે હૃદયના કોઈ ખૂણામાં ક્યારેક અવાજ આવશે કે- ‘યાર આ કામમાં મોજ પડી ગઈ! મજા આવી!’ બસ. એ દિલનો અવાજ છે! એ કામને પકડી લો, એમાં ઊંડા ઉતરો. વધુ મોજ પડી? વધુ ઊંડા ઉતરો. કુવાને ઊંડો ખોદશો તો મીઠા પાણી મળશે. સાચું કહું તો...લાઈફના પચીસ વરસ જાય એ પહેલા એ કામને પ્રોફેશન બનાવવાની પૂરી ટ્રાય કરીલો. નહી કરો તો કોલેજના ગેટ બહાર જીંદગી તમને નચાવશે. પચીસ પુરા થશે ત્યાં અરેન્જ મેરેજનું ભુત, પછી છોકરા, વધુ પૈસા, પૈસા, પૈસા, છેલ્લો શ્વાસ. ગેમ ઓવર!

તમને ડરાવતો નથી. ના ગમતા કામ કરીને ખુશીથી જીવન-ઉત્સવ મનાવતા લોકો આપણે જોયા જ છે. આપણા માં-બાપ એમાં આવી જાય છે. પણ આપણે એવું નથી કરવું. ગમે તે ભોગે ખુશ તો રહેવું જ છે, પણ સાથે-સાથે ખુશી આપતું કામ પણ કરવું છે. એટલે જોબ કરતા હોતો સાઈડમાં ગમતા કામ કરવાનો ટાઈમ કાઢો. બહાનાં ના દેશો. કોલેજ ચાલુ હોય તો ટાઈમપાસ ના કરો. જલસાનો ટાઈમ કાઢો, પણ જલસા કરવાનો ટાઈમ શોધતા ના ફરો. ખોજ કરો. અહી બધું જ છે. મને આવા ફોલોસોફીના ભાષણ આપવાની ઔકાત કે અધિકાર નથી, પણ મેં ઉપર લખેલું બધું અનુભવ્યું છે. લંકા બાળવી હોય તો પૂંછડે આગ જરૂરી છે. એ આગ એટલે સ્પાર્ક. ગમે તે ભોગે, છેલ્લા શ્વાસ સુધી ખુશ રહીને, ગમતા કામ કરીને, કમાવાની ખેવના. આ બધું બોલવામાં સહેલું છે, ઉતારવામાં કડવું, પચવામાં ભારે, અને સેહત માટે બેસ્ટ. એક બેસ્ટ સલાહ દઉં: GRE, માસ્ટર્સ, કોમ્પીટીટીવ એક્ઝામ આપતા પહેલા વિચારવું: કે સાલું...જે વિષયો મેં બેચલર ડીગ્રીમાં એન્જોય નથી કર્યા, એને લઈને માસ્ટર્સ કે તેને લગતા કોર્સમાં એન્જોય કરીશ?

હજુ ઘણું કહેવું છે. ધીમી ધારે...આવતા પાર્ટમાં.

(આ સીરીઝમાં હજુ આગળ કોલેજ પૂરી કરીને કઈ રીતે મેં લેખક બનવાનું વિચાર્યું, અને તેમાં શું તકલીફ પડી તેની વાતો કરીશ )

ક્રમશ: ..