manvinu jeevangeet -2 books and stories free download online pdf in Gujarati

માનવીનું જીવનગીત- 2

અત્યારે સાંજ છે. રોજ હોય એવી જ. જોબ પરથી આવીને હું થાકેલો બેઠો છું. થોડી મિનીટ પહેલા જ બાઈક પર આવતી વખતે રસ્તામાં મને લાશ મળેલી. અત્યારે વરસાદની ઝીણી બુંદો વરસી રહી છે. જયારે લાશ સામી મળી ત્યારે તે શબ-વાહિનીમાં હતી. તે લાશને જોઈ ત્યારે મારા કાનમાં લેડી-ગાગાનું સોંગ વગડી રહ્યું હતું. અત્યારે રૂમમાં અંધારું કરીને લેપટોપ ખોલીને હું બેઠો છું. આંખો સામે પેલી લાશ ઘૂમી રહી છે. લાશ પોતાની આંખો ખોલીને મારી સામે મુસ્કુરાઈ હતી એવું મને લાગી રહ્યું હતું. ના, મને ડર નહી, પરંતુ એક હાશકારો મળ્યો હતો.

જીવન એ પીડાનું સરનામું છે. મૃત્યુ એક અમર નિરાંતનું સરનામું. જ્યાં સુધી ફેફસામાં હવા સમાઈ શકતી હતી ત્યાં સુધી માણસે કરેલા દોડધામ ઉપર, દુખ, આંસુ અને ખુશીઓ ઉપરથી શ્વાસ નામનો એક ઉપકાર ખેંચીને કોઈ શક્તિએ કફન પહેરાવી દીધેલું જોઇને મનને નિરાંત થતી હતી. મૃત્યુએ ઉત્સવ હોય એવું લાગ્યું. મૃત્યુએ મુક્તિનો ઉત્સવ છે. બધા જ બંધનો તોડીને મળતી સ્થિતિ મૃત્યુ. જીવતા જ એ એટલું અલૌકિક બની જાય છે કે એને અત્યારે જ ભેંટી લેવાનું મન થાય છે. લાશ એ મૃત્યુની સ્થિતિ છે. લાશને ભેંટીને એ મુક્તિનો ઉત્સવ અનુભવી નહી શકાય. લાશ બનીને જ એ રંગને જોઈ શકાશે. મૃત્યુનો રંગ કાળો ન હોવો.

જયારે કોઈ પોતાનું વ્યક્તિ, જેની પીડા અને સુખ આપણું હૃદય સરખી રીતે અનુભવતું હોય એવું માણસ આંખો બંધ કરી દે ત્યારે એક મુક્તિની ભાવના તેના ચાહનારને પણ થતી હોય છે. એક હૃદયમાં હંમેશને માટે જીવેલો માણસ લાંબો સમય માંદગી ભોગવે, પીડા ભોગવે ત્યારે એ પીડાના સમય દરમિયાન તેને ચાહનારો પણ પીડાતો રહે છે. દવા-સારવાર કરનારો પણ પથારીમાં પડેલાની સ્થિતિ જોઇને પીડાતો હોય છે. જે ક્ષણે હૃદયમાં રહેનારો એ માણસ શ્વાસ છોડી દઈને સુઈ જાય છે, જયારે આંખો પર હળવી હથેળી મુકીને તેની આંખો બંધ કરવી પડે છે ત્યારે એક સુખ પેલા સ્વજનને પણ મળતું હોય છે. એ સુખ મૂંગું હોય છે. દુખ અને રોકકળ અને રિવાજની આડમાં એ સુખ છુપાઈને પણ એક સાંત્વના દેતું જાય છે. પોતાના ચહિતાને અમર નિરાંત મળી ગઈ તેની નિરાંત. એ સુખ રડવા સાથે અનુભવાય છે. આ સુખની એક શરત છે. મારનારો પીડા ભોગવીને જશે ત્યારે જ. બસ ત્યારે જ. જયારે માં માટે પોતાનો દીકરો કે દીકરા માટે પોતાનો પિતા અચાનક એટેક કે એકસીડન્ટથી મરી ગયાની ખબર પડે ત્યારે હૃદય માત્ર પીડાય છે.

થોડી જ ક્ષણોમાં થયેલા મૃત્યુમાં કોઈ પીડા નથી. એટલે જ કોઈ સુખ પણ નથી. કોઈ આનંદ નહી. મરવાની મજા મરી જાય છે. મૃત્યુ ક્ષણિક થાય ત્યારે મરનારો પીડાતો નથી, પરંતુ તેને ચાહનારા પીડાય ઉઠે છે. હૃદય માનવા તૈયાર જ નથી થતું કે તે મરી જનાર પોતાની અંદર રહેતો. જે માણસ કોઈ પણ રીતે કોઈના હૃદયમાં સ્થાન નથી મેળવી શક્યો તેને પેલી મારનારી અદ્ભુત શક્તિ પાસે પ્રાર્થના કરી લેવી કે તેને પલ-ભરમાં ઉઠાવી લે. ભવ્ય જીવન જીવેલા, ખુશ માણસે પીડાઈને મરવું યોગ્ય છે આવું મને લાગે છે. ખરેખર મૃત્યુને એ મરવાના દિવસોમાં નજીકથી જોવું, પોતાના સ્નેહી માણસોને બાજુમાં બેસીને આંસુ પાડતા જોવા એ એક સુખ હશે. મારનારાનું હૃદય કહેતું હશે કે- જો જીવ...તારા નજીક આવી રહેલા મૃત્યુમાં રડનારા છે ખરા! હા. આવનારું મૃત્યુ એ સમયે ઉત્સવ બની જતું હશે. મરવાની થોડી ક્ષણો પહેલાની સ્થિતિ અદ્ભુત હશે. મરનારને યાદ આવતું હશે કઈ રીતે એ આ જમીનના ટુકડા પર જીવ્યો, જજુમ્યો, દોડ્યો, અને શા માટે એવું બધું કર્યું. ધીમે-ધીમે મરનારો કદાચ પોતાના અસ્તિત્વના એક સવાલનો જવાબ જાણી શકતો હશે કે: છેવટે શા માટે આપણે આ પૃથ્વી પર જીવીએ છીએ?

જવાબ કદાચ આવો હશે: અહી આપણે માત્ર મરવા માટે જ જીવીએ છીએ.

એજ ક્ષણે બીજી એક ઘટનાનો જવાબ મળી જશે: તો આપણે મરવા માટે જ જીવીએ છીએ તો પછી કેમ આટલું ફૂંકી-ફૂંકીને જીવવાનું?

બસ. આ સત્ય છે, જે માણસને કદાચ મૃત્યુની છેલ્લી ઘડીએ સમજાતું હશે. લાંબી પીડા જરૂરી છે. એ પીડાને અંતે આવનારો મૃત્યુ નામનો મેળો શરુ થયા પહેલા જ એક સનાતન સત્ય કહેતો જાય છે કે: દોસ્ત...જીવનને ઉત્સવની જેમ જીવીલે, કારણ કે ફૂંકી-ફૂંકીને, પૂછી-પૂછીને, સમજી-સમજીને, સાચવી-સાચવીને, જાણી-જાણીને જીવવાની જરૂર હતી કે નહિ એ છેલ્લી ઘડીએ જ જવાબ મળશે.

મૃત્યુ. હજુ પેલી લાશ આંખો સામે ઘૂમી રહી છે. સામાન્ય જીવન જીવાતું હોય ત્યારે મૃત્યુનો વિચાર પણ ‘કૂલ’ નથી લાગતો. મને મૃત્યુ ‘ફૂલ’ લાગે છે. મૃત્યુ ફૂલ એટલે છે કારણકે એ જીવેલા બધા જ અનુભવોથી હટકે છે. સીતેર-એંશી વરસ સુધી જીવેલું બધું જ મૃત્યુની બે ઘડી પહેલા નજર સામે તરી જતું હશે. સાલું કઈ હાથમાં નહી રહેવાનું અહી ભેગું કરેલું. બધું જ એક ક્ષણમાં ભુશ્શ્શ્શ. આંખો બંધ કરવાની માણસની ઔકાત-તાકાત-લાયકાત રહેતી નથી. જીવી-જીવીને કપાળ પર બનાવેલી લીટીઓ કે પછી ચારેકોર હાથ બતાવીને જીવેલી રેખાઓ બધું જ એમનું એમ પડ્યું રહે છે. હમણાં જ બળી જશે. બધો મેકઅપ સ્વાહા. ફરી કહું છું: જીવન એ પીડાનું સરનામું છે. મૃત્યુ એક અમર નિરાંતનું સરનામું.

તો બસ યાર...જીવી જાણો બીજું તો શું. કઈ હાથમાં જ નથી રહેવાનું. જુઓ. આ લેખ વાંચ્યા પછી થોડો સમય આંખો બંધ કરીને એ મૃત્યુને અનુભવવાની ટ્રાય કરજો. કશું ફિલ નહી થાય, પરંતુ જીવેલા-વીતેલા જીવનની કેસેટ-ફોટાઓ-ચિત્રો આંખો સામે પલકારામાં આવશે. શરીર અને આત્માને ગમે તેટલો શૂન્ય કરવા મથશો, પણ માત્ર જીવેલું જીવન દેખાશે. મૃત્યુ એવું સુખ છે જેનો સાક્ષાત્કાર જીવનારની લાયકાત બહાર છે. આંખો બંધ કરીને જે ફિલ્મ દેખાશે એવી જ ફિલ્મ કદાચ મૃત્યુની છેલ્લી ઘડીએ દેખાશે. છેલ્લી ક્ષણે એ ફિલ્મમાં તમે જીવેલી જીવની હશે. સંગીત હશે. બધા જ રંગ હશે.

એટલે જ કહું છું દોસ્ત...ચાલો એવું જીવન જીવી લઈએ કે જે એવું ધમાકેદાર હોય કે જયારે મરવાની મોસમ આવે ત્યારે સામે દેખાતી ફિલ્મ સુપર-ડુપર હીટ ગઈ હોય એવો સાક્ષાત્કાર થાય! ખબર પડશે કે દુઃખ-સુખ-સંઘર્ષ-ખુશીઓ-વેદના-મૃત્યુ આ બધું જ આ મેળાવડાનો,ફિલ્મનો મસાલો છે. સુપરહિટ ફિલ્મમાં બધું જરૂર છે!

ક્ષણિક મૃત્યુ પણ શ્રેષ્ઠ છે. આત્મહત્યા કરનારો સૌથી મોટો દુર્ભાગી છે, કારણકે એ સૌથી મસ્ત સુખ પામી શકતો નથી. ખુદ્ખુશી પહેલા તેને દેખાતું ફિલ્લમ માત્ર જીવન સાથે થઇ ગયેલી ફિલ્લમને આભારી હોય છે. આત્મ હત્યા કરનારાના સ્નેહીને પણ પોતાને ગમતા માણસની પીડાના ત્યાગનું કોઈ સુખ નથી.

એક વાત કહું? તમે કરેલા પાપ, કાળા કામ, ભ્રષ્ટાચાર, દગા, લુચ્ચાઈ બધું જ એ અંતિમ ઉત્સવને બગડવાના જરૂર. યાદ રાખજો: જીવાતા જીવનમાં તમે કોઈના જીવનની ‘પતર ખાંડતા’ હશો તો જરૂરથી મૃત્યુનો રંગ કાળો હોવાનો. જો એવું નહી કર્યું હોય તો ઉપરવાળો આપણો ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર કેવી ફિલ્લમ દેખાડવી એ નક્કી કરીને જ બેઠો છે. મોજ કરોને દોસ્ત...:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED