મિત્રની પત્ની Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રની પત્ની

મિત્રની પત્ની

આવું પાંચમી વાર બન્યું, જયારે હું એકલો હોઉં અને જયશ્રીભાભી એકલા હોય ત્યારે જ જયશ્રીભાભીએ મને તેની પાસે આવવાનો ઈશારો કર્યો હોય. મને બહુ વિચિત્ર લાગતું હતું, બે વરસથી હું અને મારો મિત્ર જયદીપ બાજુબાજુમાં રહીએ છે. એક જ સોસાયટીમાં જોડા જોડ મકાન લેવા એમ મેં અને મારા ખાસ મિત્ર જયદીપ બંનેએ સાથે મળીને જ નક્કી કરેલું.

આમ તો "તારક ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસટ્રીઝ " કંપનીમાં હું અને જયદીપ આજથી નવ વર્ષ પહેલા

એક સાથે સિલેક્ટ થયેલ ત્યાં સુધી અમે એક બીજાને ઓળખતા પણ નહોતા.

પણ પછી અમે એક બીજા સાથે એવા હળી મળી ગયા કે સગા ભાઈ કરતા પણ વધુ અમે એક મેકને ચાહતા.

જયારે હું નોકરીમાં લાગ્યો ત્યારે ૧૦ જણનું અમારું ગ્રુપ હતું અને અમે બધા જ કુંવારા હતા, એટલે શહેરની એવી સોસાયટીમાં અમે એક મોટું મકાન ભાડેથી રાખ્યું જેમાં દશેય મિત્રોની સગવડ થઇ રહે.

એમાંના ત્રણને આ કંપની કરતા બીજી સારી કંપનીમાં નોકરી મળી એટલે અમને છોડીને જતા રહ્યા. અને એકને આ કંપની કરતા થોડા ઓછા પગાર વાળી નોકરી મળી પણ પોતાના વતનમાં જ નોકરી મળવાથી તે પણ અમને છોડીને જતો રહ્યો.

બાકીના જે છ રહ્યા તે અમે બધા દોસ્તીના તારમાં પરોવાઈ ગયા. પણ જયદીપ અને મારી દોસ્તી એટલી ગાઢ બની કે લોકો મજાક કરતા કે આ બંને પરણશે પણ એક જ છોકરીને.

પછી તો જેમ જેના લગ્ન થતા ગયા તેમ અમને છોડતા ગયા. પણ સહુની સાથે મિત્રતા અકબંધ રહી. હવે હું અને જયદીપ જ અપરણિત હતા અને પહેલેથી ભાડે રાખેલ મકાનમાં જ રહેતા હતા.

જયદીપને પણ ઘરવાળા તરફથી લગ્ન માટેનું દબાણ થવા લાગ્યું. એટલે ના છુટકે જયદીપ કન્યા જોવા માટે તૈયાર થયો. તેણે મને પણ સાથે આવવા આગ્રહ કર્યો, મેં બહુ ના પાડી પણ તેના આગ્રહને વશ મારે પણ કન્યા જોવા તેના સાથે જવું જ પડ્યું.

અમારી કંપની વડોદરામાં હતી, અને જયદીપ અમદાવાદ રહેતો હતો. અને છોકરીનું નામ જયશ્રી હતું. જયશ્રીનું ઘર પણ અમદાવાદમાં જ આવેલ હતું. જયશ્રીએ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો.

શનિવારે રાત્રે જ અમો વડોદરાથી બસમાં અમદાવાદ જવા નીકળી ગયા હતા. જયદીપના ઘેર તેના મમ્મી પપ્પા ભાઈ- બહેન અમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમને જોઇને તેઓ ખુબ જ આનંદિત થયા.

રવિવારે સવારે સાડા નવ વાગે અમે બે ઓટો રિક્ષા કરી જયશ્રીના ઘેર ગયા. એક ઓટોમાં જયદીપના પપ્પા, મમ્મી અને ભાઈ અને બીજી ઓટોમાં હું, જયદીપ અને તેની બહેન બેઠા. અડધા કલાકમાં અમે જયશ્રીના ઘેર પહોંચી ગયા.

જયશ્રી ખુબ સુંદર છોકરી હતી. જયદીપ અને જયશ્રી એક બીજાને પસંદ પડી ગયા. ઘડિયા લગ્ન લેવાયા. અને ધામ ધૂમથી લગ્ન સંમ્પન થયા.

લગ્ન પછી જયદીપ અને જયશ્રી અમે જ્યાં ભાડાના મકાને રહેતા હતા ત્યાં રહેવા આવી ગયા ત્યારે મોટા ભાગના કર્મચારીઓએ મારે અને જયદીપને અમારે બંને મિત્રોએ અલગ અલગ રહેવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. તેઓનું કહેવું હતું કે આજના જમાનામાં સગા દિયરનું વૈતરું પણ કોઈ કરે નહિ જયારે તમે તો મિત્ર કહેવાવ. અને ગમે તેટલા સારા ઘરની છોકરી હોય તો પણ પતિના મિત્રનું વૈતરું કરે નહિ.

મેં અલગ રહેવાનું મન બનાવી લીધું હતું, સામાન પણ પેક કરી લીધો હતો. જયારે જયદીપ અને જયશ્રીભાભી બેઠા હતા અને તેમની રજા લેવા ગયો ત્યારે જયદીપે મારા અલગ રહેવાનો ખુબ જ વિરોધ કર્યો. અને દુઃખની વાત એ હતી કે મારા જુદા રહેવાની વાતને કારણે જયશ્રીભાભીની આંખોમાં બોર બોર જેવડા આંસુ આવી ગયા.

મેં તેમને સમજાવવાના બહુ પ્રયત્નો કર્યા, લોકો શું કહેશે તે વિષે પણ વિસ્તારથી સમજાવ્યું પણ તેઓ ટસથી મસ ન થયા.

લોકો અમારા વિષે અમારી પીઠ પાછળ જાત જાતની વાતો કરતા રહ્યા. પહેલા જે વ્યક્તિએ આગાહી કરી હતી કે બંને પરણશે પણ એક જ છોકરીને, તે તો છાતી ઠોકીને બધાને કહેવા લાગ્યો મારી વાત સાચી પડીને?

જો કે આવી બધી વાતો અમારી પીઠ પાછળ થતી હતી, પણ મને બહુ લાગી આવતું. મને દુઃખ તે વાતનું હતું કે માત્ર મારે કારણે જયશ્રીભાભીની બદનામી થતી હતી. પણ જયશ્રીભાભી અને જયદીપ મને અલગ રહેવા દેવાની ચોખ્ખી ના પાડતા હતા, જયદીપે તો ત્યાં સુધી કહી દીધું કે જો તું અલગ રહેવા જઈશ તો આપણી દોસ્તીનો અંત આવશે.

જયશ્રીભાભી મારો બહુ ખ્યાલ રાખતા. તેઓ દેખાવે સુંદર તો હતા જ, સાથે સાથે રસોઈ પણ બહુ સ્વાદિષ્ટ બનાવતા. જેને કારણે મારું વજન પાંચ કિલો વધી ગયું હતું.

જયશ્રીભાભી તોફાની બાળક જેવા રમતિયાળ સ્વભાવના હતા, તેમનો ચહેરો પારદર્શક હતો ખુશી હંમેશા તેમની આંખોથી છલકાતી રહેતી. તેઓ છૂટે મોંએ હસતા ત્યારે જાણે તેમના મુખમાંથી પુષ્પો ખરતા. તેઓ હસતા ત્યારે જાણે કોઈ ઝરણું ખળખળ વહેતું હોય તેવો ભાસ થતો.

તે સમયે જીવન જીવવા જેવું લાગતું. સવારથી પંખીઓ ખુશીઓના ગીત ગાતા રહેતા. હું વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીનો સભ્ય હતો, એટલે હું જોસેફ મેકવાન, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલના પુસ્તકો લાવતો. એટલે નોકરી પરથી છૂટીને સાહિત્ય રસની મજા લેતો. અને જયશ્રીભાભીને પણ સાહિત્ય રસનો શોખ હતો. એટલે અમારી ચર્ચાઓ ચાલતી રહેતી.

થોડા સમય બાદ મારા પિતાજી મારા લગ્નની ઉતાવળ કરવા લાગ્યા. અને મારા પિતાજીનો હું જલ્દી ઘર આવી જાઉં તે મતલબનો પત્ર મારા પર આવ્યો.

હું જયારે ઘેર ગયો ત્યારે નાની બેન દ્વારા જાણવા મળ્યું કે મારા પિતાએ અમારા ગામથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલ એક ગામની કન્યા મારે માટે પસંદ કરેલ છે. જે દેખાવે સામાન્ય અને માત્ર મેટ્રિક પાસ છે. કન્યાનું ઘર પૈસા પાત્ર હોવાથી મારા પિતા આ કન્યા હાથમાંથી જવા દેવા માંગતા નહોતા.

હું કન્યા જોવા ગયો ત્યારે મારી સાથે મારી માં, પિતા અને બહેન હતા. કન્યાનું નામ પુષ્પા હતું. પણ મને તેમાં કોઈ પુષ્પ દેખાયું નહિ પણ તે એક મોટા વટ વ્રુક્ષ જેવી કાયાની તે માલીકન હતી. છોકરી મને પસંદ પડી નહિ. અને મેં મારી વાત મારી માને જણાવી પણ મારા પિતા કોઈ પણ હિસાબે આ લગ્ન થવું જોઈએ તે મતના હતા. મારો વિરોધ લોકસભામાં પ્રચંડ બહુમતીથી ચૂંટાયેલી સરકાર વિરોધ પક્ષને સાઈડમાં હડસેલી દે તેવી રીતે મારો વિરોધ એક બાજુ હડસેલાઈ ગયો.

હું પુષ્પાને જોવા ગયો તે પછી એક મહિનામાં જ મારા લગ્ન લેવાયા, જયશ્રીભાભી- જયદીપ અને કંપનીના બીજા પાંચ મિત્રો સજોડે મારા લગ્નમાં આવ્યા. પુષ્પાના પિતાએ લગ્નમાં અઢળક ખર્ચ કર્યો. પણ છાની છપની એક જ ચર્ચા ચાલતી હતી કે જોડી બરાબર જામતી નથી.

પુષ્પાને એ વાતની જાણ થઇ જ ગઈ હતી કે તે મને ગમતી નહોતી, અને મારી કંપનીમાંથી મારા લગ્નમાં આવેલ મિત્ર યુગલ દ્વારા હું, જયશ્રીભાભી અને જયદીપ સાથે રહું છું તેની પણ જાણ થઇ ગઈ જે મારા માટે આવનારી આફતોના વાવાઝોડા સમાન હતું.

મારા લગ્ન પછી હું અને પુષ્પા મારા ગામથી વડોદરા આવતા હતા ત્યારે સતત મને એક ચિંતા કોરી ખાતી હતી. મારા આવનારા નાના શિશુ પર આ બુલ ડોઝર જેવી કાયા ફરી વળશે તો તે ભાગ્યે જ બચશે. કદાચ પુષ્પા ઊંઘી જાય ત્યારે મારા આવનાર શિશુ માટે મારે રાત ભર જાગવું પડશે.

જેવા અમે વડોદરા પહોંચ્યા કે પુષ્પાએ જીદ પકડી મારે કોઈની સાથે રહેવું નથી. બસ એક જ રટ લીધી કે બીજા મકાનમાં રહેવા જવું છે. મેં જયદીપ અને જયશ્રીભાભીએ માંડ માંડ સમજાવી કે બીજું મકાન ભાડેથી લેવા માટે સમય લાગે. ત્યારે માંડ શાંત પડી.

જેવું બીજું મકાન મળ્યું કે અમે શિફ્ટ થઇ ગયા. પણ હવે પુષ્પા એકલું લાગે છે, સમય જતો નથી જેવી ફરિયાદ કરવા લાગી. મને હસવું કે રડવું તે જ સમજાતું નહોતું.

પુષ્પની એકલતા દુર કરવા જયારે હું અને જયદીપ નોકરી પર હોય ત્યારે ક્યારેક જયશ્રીભાભી અમારે ઘેર આવતા તો ક્યારેક પુષ્પા જયશ્રીભાભીને ઘેર જતી. જયશ્રીભાભીના પ્રેમાળ સ્વભાવને કારણે પુષ્પાનો જયશ્રીભાભી પ્રત્યેનો જે પૂર્વ ગ્રહ હતો તે દુર થઇ ગયો.

તેને એવી પણ ખાતરી થઇ ગઈ કે જયશ્રીભાભી માત્ર શરીરથી જ સુંદર નથી, મન પણ પવિત્ર અને ખુબજ સુંદર છે. તે બાદમાં ઘણી વખત મારી પાસે રડી કે તેણે મારી અને જયશ્રીભાભી વિષે શંકા કરી.

હવે તે જયશ્રીભાભી સાથે રહેવા જીદ કરતી, પણ હું એક વખત દુધનો દાઝેલ તે છાશ પણ ફૂંકીને પીતો. જયશ્રીભાભી અને જયદીપ પર તો મને પૂરો વિશ્વાસ હતો, પણ પુષ્પા ક્યારે કઈ રીતે વર્તન કરે તેનું કંઈ કહેવાય નહિ. અને ફરીથી કોઈ નવું નાટક ભજવાય અને જયશ્રીભાભીના દિલને ઠેસ પહોંચે તેવું ઈચ્છતો ન હતો.

જયશ્રીભાભી અમારા મિત્ર મંડળ અને તેમના અડોશ પાડોશના બધા જોડે મજાક કરતા. સામેનું પાત્ર સ્ત્રી હોય કે પુરુષ તેનાથી તેમને કોઈ ફરક પડતો નહિ. ઘણી સ્ત્રીઓને તેમની આ બાબત ખૂંચતી. પણ કોઈ પણ પુરુષ તેમની સાથે છૂટ લેવાની કોશિશ કરે તો તેનું આવી જ બનતું. આ બાબતમાં તેઓ એકદમ રૂઢીચુસ્ત હતા. તેમનો એક જ મંત્ર હતો લગ્ન જીવન નિભાવવાનું હોય તો વફાદારીથી નિભાવવું. નહિ તો અલગ રહેવું સારું.

મારી, પુષ્પા, જયશ્રીભાભી અને જયદીપ વચ્ચે ક્યારેક ભારતમાં લગ્ન જીવન કેવા પોકળ અને દંભી હોય છે તે બાબતે ચર્ચા ચાલતી ત્યારે જયશ્રીભાભી એકલ દોકલ સ્ત્રી કે જેને જયશ્રીભાભી પુરુષો સાથે પણ મજાક કરે તે અંદરખાને ગમતું નહોતું તેવી સ્ત્રીઓના આડા સંબંધોની વાત અમને કહેતા.

હું અને જયદીપ માનતા કે ભારતમાં સ્ત્રીઓ પગભર નથી એટલે લગ્ન જીવન વેંઢારતી હોય છે. પણ જયશ્રીભાભી આ બાબત પર સહમત નહોતા. તેમનું કહેવું હતું કે ભારતના સ્ત્રી અને પુરુષો બંને પ્રમાણિક નથી. સ્ત્રી પોતાના સંબંધો છુપાવે છે અને અમુક સ્ત્રીઓ તો ઓળખીતો પુરુષ અંતરંગ સંબંધની વાત છાની રાખવાને બદલે જાહેર કરી દેશે તેવા ભયના કારણે આવા સંબંધો બાંધતી નથી. જયારે પુરુષો પોતે કમાતા હોય એટલે આવા સંબંધોથી ડરતા નથી. ઉલ્ટુ ઘણા પુરુષો તો આવા આવા સબંધો હોવા તેને મર્દાનગી ગણાવતા હોય છે. અમારી આવી ચર્ચામાં પુષ્પા હંમેશા મૌન રહેતી. અમે તેને તેનો મત વ્યક્ત કરવાનું કહેતા તો તેને આવી ચર્ચાથી નફરત છે તેવું જણાવતી.

પુષ્પાને જયશ્રી ભાભી સાથે એટલું ફાવી ગયું હતું કે તે મને તેમની બાજુમાં જ ઘર ભાડે લેવાનું કહેતી. પણ ત્યાં હમણા કોઈ મકાન ખાલી નહોતું. તેવામાં અમારી કંપનીમાં કામ કરતો એક મિત્ર એક ખુશ ખબર લઈને આવ્યો કે અમારી કંપનીની નજીકમાં જ એક બિલ્ડરે એક હાઉસિંગ સોસાયટી બનાવવી જાહેરાત કરી હતી. આ સમાચાર જાણી પુષ્પા ખુબ જ આનંદિત થઇ.

હું અને જયદીપ બિલ્ડરની ઓફિસે ગયા. મકાનનો પ્લાન, સુવિધા, ડાઉન પેમેન્ટ, લોન વગેરેની ચર્ચા કરી મેં અને જયદીપે પાસ પાસેનું મકાન પસંદ કર્યું. અને ડાઉન પેમેન્ટ પણ ચૂકવી દીધું. આ સમાચાર જાણી પુષ્પા એટલી ખુશ થઇ કે આખી રાત તેણે મને આલીંગ્યા કર્યો, ચૂમ્યા કર્યો. અને હું ક્યારે નિદ્રામાં સરી પડ્યો તેની ખબર પણ પડી નહિ.

બે વરસમાં તો મકાન તૈયાર પણ થઇ ગયા, લાઈટ કનેક્શન, પાણી, ગટર, અંદરનો પાકો રોડ વગેરે સુવિધા અપાઈ ગઈ હતી. પણ કોઈને મકાનમાં વધારાનું ફર્નીચર કે કોઈ ફેરફાર કરવો હોય તેમનું કામ બાકી હતું. પણ હું અને જયદીપ તો રહેવા પણ જતા રહ્યા. અમે બે અને બીજા બારેક મકાન માલિકોએ મકાનનું પઝેશન લઇ લીધું હતું. પણ અમારી આજુ બાજુ વાળા હજુ રહેવા આવ્યા નહોતા.

નવા મકાનમાં આવ્યા બાદ પુષ્પા ખુબ ખુશ રહેતી. તે રોજ નવા નવા વસ્ત્રો પહેરતી, સુઘડ રહેતી સારું જમવાનું બનાવતી પુષ્પમાં આવો ફેરફાર આવશે તેવું મેં કલ્પ્યું પણ નહોતું. અને બીજી બાજુ જયશ્રીભાભીનું વર્તન વિચિત્ર થતું હોય તેવું લાગ્યું.

હવે હું એકલો હોઉં ત્યારે જયશ્રીભાભી મને તેમની પાસે આવવાનો ઈશારો કરતા. પહેલી વાર ઈશારો કર્યો અને હું તેમની પાસે ગયો કે તરત જ જયદીપ આવી ગયો. અને જયશ્રીભાભીએ આડી અવળી વાતો શરુ કરી દીધી.

બીજી વખતે ઈશારો કર્યો સાથે તેમની સાડીનો છેડો પણ સરી પડ્યો. પણ અચાનક પુષ્પા આવી ગઈ અને તેઓ થોથવાઈ ગયા.

બીજી એક બે વાર તેમણે ઈશારો કર્યા પછી કોઈને કોઈ આવી ગયું હતું અને તેમની વાત અધુરી રહી હતી. હવે તો મને શંકા પણ જાગવા માંડી કે તેમને મારી પાસેથી શરીર સુખની ઈચ્છા જાગી હશે. અને ઊંડે ઊંડે મને આ ગમવા પણ લાગ્યું. કારણ કે જયદીપને પણ એવું કહેતા સાંભળ્યો હતો કે ડાયાબીટીશ અને બ્લડ પ્રેશરને કારણે તેણે શારીરિક સંબંધો બાંધવાનું બંધ કરેલ હતું.

મને તો એક બે વખત જયશ્રીભાભી સાથે સંબંધ બાંધતો હોય તેવા સપના પણ આવ્યા. અને મન વિષાદથી ભરાય જતું. એક તરફ ગ્લાની થતી. પણ મસ્તિકના એક ખૂણે આવો સબંધ બાંધવાનો રોમાંચ જાગતો. ક્યારેક મિત્ર દ્રોહ કરી રહ્યો હોય તેવું લાગતું. જો કે હકીકતમાં તો જયશ્રીભાભી એકાંતમાં બોલાવીને શું કહેશે તેનો અંદાજ પણ નહોતો, હું માત્ર ધારણા બાંધી રહ્યો હતો.

અને એ સમય પણ આવી ગયો. ફરી એક વાર આજુ બાજુ કોઈ પણ નહોતું અને જયશ્રીભાભીએ મને તેમની તરફ આવવાનો ઈશારો કર્યો. હું દોડીને તેમની પાસે ગયો. મારા મનોપટ પર પ્રણયના દ્રશ્યો ઉપસવા લાગ્યા. તેમણે તેમનું મુખ બિલકુલ મારા કાન પાસે રાખ્યું. અને ધીમેથી ગણગણ્યા.

થોડી હિંમત રાખજો આવી વાત મેં કોઈને પણ કરી નથી. હું આગળના શબ્દો સંભાળવા તલ પાપડ બન્યો. આ તો હું તમને પોતાના ગણું છું એટલે કહું છું. આ શબ્દો સાંભળી મારા મનમાં સુવર્ણની ઘંટડીનો રણકાર થયો.

તમે જયારે ઓફિસે હોવ છો ત્યારે પુષ્પાને કોઈ પુરુષ મળવા આવે છે, મેં પુષ્પાને પૂછ્યું તો કહે તેનો કોઈ ધર્મનો ભાઈ છે. પછી એક વાર તે પુરુષના આવવાના સમયે મેં પુષ્પાને કહ્યું કે મારે બજારમાં થોડું કામ હોઈ બજાર જવું પડશે. તેમ કહી હું મારા ઘરની બહાર નીકળી અને પછી તરત પાછી આવી અગાસીમાં છુપાઈ ગઈ. અને પુષ્પાની જાસુસી કરવા લાગી.

થોડીવારમાં પેલો પુરુષ આવ્યો અને પુષ્પાએ હસતા હસતા તેને આવકાર્યો. હું ધીમેથી નીચે ઉતરી તમારા ઘરના દરવાજાને ધીરેથી ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો. અને પુષ્પા અને પેલા પુરુષને કઢંગી હાલતમાં જોયા પછી તે વાત તમને કહેવા માટે કેટલા દિવસથી પ્રયત્ન કરું છું તે છેક આજે કહી શકી.

મને ચક્કર આવવા લાગ્યા. અને પછી શું થયું તેની ખબર નથી પણ આંખો ખોલી તો હોસ્પીટલમાં હતો, મારી માં, પિતાજી, બહેન, જયશ્રીભાભી, જયદીપ મારા પલંગની આજુ બાજુ વીંટળાયેલ હતો. મને ભાનમાં આવેલો જોઈ ડોક્ટર બોલી ઉઠ્યા ખાસ ચિંતા જેવું નથી. કોઈ અણધાર્યો આઘાત લાગ્યો હોય તેવું લાગે છે.