કહાની એક ઓરતની Triku Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહાની એક ઓરતની

કહાની એક ઓરતની

હા હું રશ્મી રાઠોડ, ઉંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ , વાન ગોરો, સ્લીમ બોડી, સુંદર, સુશીલ, નમણી, દેખાવડી, વજન ૪૨ કિલો, ઉમર ૨૪ વર્ષ, ત્રણ મહિના, અભ્યાસ એમ એ, એમ એડ. મારી આ ઓળખ મારા લગ્ન માટે આજથી ત્રીસ વર્ષ પૂર્વે મારા પિયરીયા દ્વારા લગ્ન નામના બજારમાં એક પ્રોડક્ટ તરીકે મુકેલ ત્યારની છે.

નાની હતી ત્યારે મમ્મી પપ્પાનો પ્રેમ, દાદા- દાદીનું હેત, નાના- નાનીનું વ્હાલ, મામા- માસીનો સ્નેહ એટલો મળ્યો કે હું મારી જાતને સહુથી નસીબદાર સમજતી રહી.. હું ખુબ લાડ કોડથી ઉછરી, ત્યાં સુધી હું મને પોતાને " વહાલનો દરિયો " જ સમજતી રહી. વળી જ્યાં સુધી મારો નાનો ભાઈ જન્મ્યો નહોતો ત્યાં સુધી ઘરના સર્વ સુખ સગવડ, સર્વ એશો આરામ પર મારો અબાધિત અધિકાર રહ્યો

મારા મનમાં હું પોતાને પરી માનતી રહી, અને મારા સપનાનો રાજ કુમાર ગમે ત્યારે અને ગમે તે દિશામાંથી આવશે તેવા ભ્રમને લીધે સાથે ભણતા વિદ્યાર્થીઓ તરફ એક નજર પણ નાખતી નહિ. કોલેજમાં અભિમાની છોકરી તરીકે વગોવાતી રહી.

અમારા ઘરમાં છોકરીઓએ કેવી રીતે વર્તવું તેની આખી રૂપ રેખા મારી દાદીમાંએ તૈયાર કરી રાખેલ. અને તેમની આવડતના અમારી આખી નાતમાં વખાણ થતા.

આની એક ખરાબ અસર મારા મનમાં પડી, એનો અજંપો આજ સુધી મારા હૈયાને કોતરતો રહ્યો છે. આ વાત નથી મારા પતિને કરી શકી કે નથી મારા પપ્પાને કે નથી મારી દાદીને. જો કે હવે મારા દાદી આ દુનિયામાં નથી.

ત્યારે હું ધોરણ સાતમામાં ભણતી હતી. મારા માસી અને માસા મહેમાન તરીકે અમારે ત્યાં આવેલ. મારા પપ્પા મારી માસીની બહુ મજાક મસ્તી કરતા. પપ્પાએ રાતે ડીનર પાર્ટીનું આયોજન કરેલ. મારા પપ્પા અને મારા માસા રાતભર શરાબની ચુસકીઓ ભરતા રહ્યા.

શરાબની પાર્ટીઓ કરવી એ અમારા ઘરમાં સ્ટેટસ ગણાતું, અને એ સ્ટેટસને કારણે મને અંગત એક ઘણો આઘાત જનક અનુભવ થયેલ. એક રૂમમાં મારા માસા અને પપ્પા જમવા અને પીવાની પાર્ટી કરતા રહ્યા, પાર્ટી મોડી રાત સુધી ચાલતી રહી.

બીજી રૂમમાં મારી મમ્મી અને મારી માસી વાતોએ વળગ્યા. મારી માસીની પથારી તે રૂમમાં જ કરેલ હતી. મારી આંખો ઘેરાવા લાગી. અને થોડી વારમાં જ હું પથારીમાં જ ઘસઘસાટ ઊંઘી ગઈ.

મોડી રાતે કોઈ મારા શરીર સાથે અડપલા કરતુ હોય તેવું લાગ્યું. મારા શરીરને કોઈ ભીસતું હોય તેવું લાગ્યું. મારી ઊંઘ ઉડી ગઈ, મેં જોયું તો નાઈટ લેમ્પનો આછો પ્રકાશ રૂમમાં ઝળહળી રહ્યો હતો. મારા બધા જ કપડા કાઢી નખાયા હતા. મારી ઉપર મારા માસા હતા. આખા શરીરમાં ડરની લાગણી પ્રસરી ગઈ.

હું ચીસ પાડીને મારા મમ્મી - પપ્પાના રૂમમાં દોડી ગઈ. મને જોઇને મારી મમ્મી ખુબ જ ગભરાય ગઈ. હજુ તે કશું વિચારે કે મને પૂછે તે પહેલા મારી માસી મારા કપડા લઈને આમારા રૂમમાં આવ્યા.

મારી માસીએ મારા માટે શરબત બનાવ્યું, મારી મમ્મી અને મારી માસીએ બંનેએ ભેગા મળીને મને કપડા પહેરાવ્યા. મમ્મી અને માસી ધીમે ધીમે વાતો કરતા હતા. મને બરાબર સંભળાતું નહતું પણ માસીના અવાજમાં યાચના હતા. માસી કહેતા હતા કે માસા બહુ સારા માણસ છે પણ શરાબની અસર હેઠળ ભૂલ થઇ ગઈ.

મને તાકીદ કરવામાં આવી કે આ વાત કોઈને પણ કહેવાની નહિ. પપ્પાને પણ નહિ કહેવાની કે દાદીમાને પણ નહિ કહેવાની. નહિ તો મોટો ઝઘડો થશે. આખરે હું ડાહી છોકરી હતી અને ડાહી છોકરીએ મમ્મી કહે તેમ કરવાનું હોય.

પણ આ શરમ જનક ઘટનાને લીધે હું આખી જિંદગી ભયના ઓથાર નીચે જીવતી રહી, પછી હું ક્યારેય નોર્મલ ન થઇ શકી. ત્યાં સુધી કે સુહાગ રાતે પણ તે ઘટનાને કારણે ડરને લીધે મારા મુખમાંથી ચીસ નીકળી ગયેલ.

સવારે મારા માસા મારી સામે મંદ મંદ મુશ્કુરાતા રહ્યા. મારા આખા શરીર પણ જાણે વેદનાના સોળ ઉઠ્યા હોય તેવો મને અનુભવ થયો.

જયારે હું પાંચ વર્ષની થઇ ત્યારે મારા ભાઈ જયનો જન્મ થયો. ત્યાં સુધી સહુએ મને ખુબ લાડ લડાવ્યા.

પપ્પા ઓફિસેથી આવે ત્યારે મને વ્હાલથી ઊંચકી લેતા. ક્યારેક આઈસ ક્રીમ ખાવા લઇ જતા તો ક્યારેક પાણી પૂરી ખાવા. અને મમ્મી પાણીનો ગ્લાસ હાથમાં લઇ પપ્પાની રાહ જોઇને બેસી રહેતી.

જયના જન્મ બાદ અમારા ઘરમાં કેટલાક ફેરફારો થયા. હવે જય બધાનો લાડકો બન્યો.હું અનાયાસ બધાના વહાલ વર્તુળમાંથી અનાયાસે દુર થતી ગઈ.

જયના જન્મ પહેલા મમ્મીનું પેટ ફૂલી ગયેલ. ત્યારે હું મમ્મીને ફૂલેલા પેટ વિષે સવાલો કરતી ત્યારે બધા હસી પડતા. દાદી કહેતી કે તારે ભાઈ જોઈએ કે બહેન?

હજુ હું કશું સમજી શકતી નહિ.

દાદી મને ઘરમાં ભાઈ આવે તેને માટે પ્રાર્થના કરવા કહેતી.

એક દિવસ હોસ્પિટલમાંથી મારી મમ્મી મારા નાનાભાઈને લઇ આવી ત્યારે હું તેના નાના નાના હાથ પગ, નાનું મોં, નાના નાના નાક કાન વગેરે વિસ્મયથી જોઈ રહેતી. આખા ઘરમાં ઉત્સવના આનંદ જેવો માહોલ સર્જાયો હતો. ઘરને વારસદાર મળ્યો હતો તેની ખુશી દાદીમાંથી માંડી મમ્મી પપ્પા સુધીના સહુ કોઈના ચહેરા પર ડોકાતી હતી.

જયના જન્મ બાદ હવે કોઈ ચીજ વસ્તુ મારા માટે લાવેલ હોય અને જય તે વસ્તુ માટે જીદ કરે તો મારે તે જયને આપી દેવી પડતી. હવે હું મોટી છોકરી હતી. માત્ર મોટી છોકરી નહિ પણ ડાહી છોકરી હતી.

અને ડાહી છોકરી હોવું એટલે બલિદાન આપ્યા કરવાનું, ઘરના કામમાં મમ્મીને મદદ કરવાની. અને છોકરીનો તો ઘરમાં કામ કરવાનો અબાધિત અધિકાર હોય. કોઈ તે છીનવી ન શકે પછી ભલે ને તે નાની બાળકી હોય.

હું નવમાં ધોરણમાં ભણતી હતી અને મમ્મીને રસોઈમાં મદદ કરવાની હતી, થોડી ઉતાવળ હતી. મહેમાનને જમીને નીકળવાનું હતું અને તેમને જવા માટેની ટ્રેનનો સમય થઇ ગયો હતો.

મારા મોઢામાંથી અનાયાસ નીકળી ગયું, મમ્મી જયને શાક ભાજી ધોવાનું કહું?

મમ્મી એવી રીતે મારા સામું જોઈ રહી જાણે મેં કોઈ અઘટિત કાર્ય જય પાસે કરાવવાનું કહ્યું હોય?

મમ્મી એટલી આસાનીથી બોલી કે આવા બધા કામ છોકરાએ ન કરવાના હોય. જાણે ભારતના બંધારણની કોઈ કલમમાં આની વિસ્તૃત માહિતી તેણે વાંચી હોય તેટલા વિશ્વાસ પૂર્વક અને ભારતીય પરંપરાનું રક્ષણ કરવાની જવાબદારી તેની ઉપર હોય તેમ એક સાધ્વીની અદાથી તેણે કહ્યું.

મને પહેલી વખત મારા ભાઈની ઈર્ષ્યા થઇ.

હું માત્ર છોકરી હોવાથી જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ વધારે અને વધારે બંધનો મારા પર લદાતા ગયા. મારો નાનોભાઈ ઉમરમાં મારાથી પાંચ વર્ષ નાનો દિવસે તો ઠીક રાત્રે પણ ઘરના કોઈને કહ્યા વિના તેના મિત્રો જોડે બહાર ફરવા જઈ શકે. પણ મારે દિવસે પણ મારી સખી જોડે ઘરની બહાર નીકળવું હોય તો પણ ઘરમાં રજા લેવી પડે. પછી ભલેને મારી કોઈ બહેનપણીની "બર્થ ડે" હોય.

ધીમે ધીમે હું પરી છું તેની છાપ મનમાંથી ધીરે ધીરે દુર થતી ગઈ અને કોલેજના છેલ્લા વર્ષમાં સાથે ભણતા તારક જોડે મને ફાવી ગયું. તે દેખાવડો પણ શાંત પ્રકૃતિનો અને હું પણ શાંત પ્રકૃતિની હોઈ ધીમે ધીમે અમારો પરિચય વધતો ગયો.

અમે એક બીજાને ગમવા લાગ્યા તે એક દિવસ પણ કોલેજ પર ન આવે તો મારું મન ઉદાસ થઇ જતું. અને હું તરત જ તારકને ફોન કરતી અને તે બીમાર હોય તો તેના ઘેર પહોંચી જતી. તેના પિતાનું એક અકસ્માતમાં અવસાન થયેલ.

તેની મમ્મી મને જોઈએ ખુબ જ ખુશ થતી.

પણ અમારા પ્રેમની વાત હું મારી મમ્મીને કરી શકી નહિ. એક દિવસ હું બીમાર હતી મારી પર તારકનો ફોન આવ્યો અને પહેલી વખત મમ્મીને ખબર પડી કે કોઈ છોકરાનો ફોન મારી પર આવ્યો. તે ગુસ્સાથી લાલચોળ થઇ ગઈ.

આટલા માટે તને ભણવા મોકલીએ છીએ? તું આપણા કુળનું નામ બોળીશ, સગામાં આપણી શું ઈજ્જત રહેશે? વગેરે વાગ પ્રહારો મારી સામે તાકવામાં આવ્યા. મેં જાણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હતો અને શાસ્ત્રોમાં તેનું કોઈ પ્રાયશ્ચિત નહોતું. મને મારા માસાએ તે દિવસે કરેલ વર્તન યાદ આવ્યું. મારી મમ્મી તે વર્તનને માફ થઇ શકતી હતી. પણ આ મારો અપરાધ વધુ ઘોર હતો, જે ક્યારેય માફ કરી શકાય તેમ નહોતો. હું આખો દિવસ અને આખી રાત રડતી રહી.

બરાબર ચાર દિવસ બાદ આ વાતની ખબર મારા પપ્પાને પડી. તેઓ હમણા આમ પણ મારી સાથે ભાગ્યે જ વાત કરતા. તેમણે કરડાકી ભર્યા ચહેરે મને કહ્યું આ તારી છેલ્લી ભૂલ માફ કરું છું. આજથી ૨૦ વરસ પહેલા મારી બહેને અને તારી ફોઈએ આવી ભૂલ કરેલ. તારી ફોઈ અને તેની સાથેનો છોકરો બંને મારે હાથે ઠાર મરાયેલ. હું ફફડી ઉઠી, હું મારા પપ્પા સામે નહિ પણ એક હત્યારા સામે હતી. આ અમારા કુળનું ગૌરવ હતું. જે પછીથી મારો ભાઈ જાળવવાનો હતો.

મારી પાસેથી મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો. હવે હું મારા ઘરમાં જ નજર કેદ હતી. મેં ધાર્યું હોત તો હું ઘરનો પહેરો ઓળંગી તારક પાસે જઈ શકી હોત. પણ હવે હું મારી જાત કરતા તારકને પ્રેમ કરતી હતી. મારી નજર સમક્ષ તેની મમ્મીની આંખો તરવરતી હતી.

મારો પ્રેમ પામવા હું મારું પોતાનું બલિદાન તો આપી શકતી હતી. પણ એક વિધવા માંનો પુત્ર તેનાથી અળગો કરવા માંગતી નહોતી. તારકને આખી જિંદગીભર સમજાવી શકવાની નહોતી એ હું તેને કેટલો પ્રેમ કરું છું. હવે હું તેને મન તો તેના દિલ સાથે ફરેબ કરનારી એક લાલચુ, લુચ્ચી, ગણતરી બાજ છોકરી હતી.

ફટાફટ વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી "જીવન સાથી જોઈએ છે.... નામ રશ્મી રાઠોડ, ઉંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ, વાન ગોરો, સ્લીમ બોડી, સુંદર, સુશીલ, નમણી, દેખાવડી, વજન ૪૨ કિલો, ઉમર ૨૪ વર્ષ, ત્રણ મહિના, અભ્યાસ એમ એ, એમ એડ. માટે ખાનદાન ઘરાનાનો યુવક જોઈએ છે. " નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.

- - - - - - - - - -

હવે મને જોવા આવનાર મુરતિયાઓની લાઈન લાગી. ૨૨ વર્ષથી માંડીને ૪૦ વર્ષના મારા ભાવી ભરથાર વચ્ચે હરીફાઈ થવાની હતી. કદાચ ભૂતકાળમાં આવી રીતે જ રાજ કુમારીના સ્વયંવર રચાતા હશે. પણ તેમના ભાવી ભરથાર એક સાથે આવતા, જયારે અહીં બધા વારા ફરથી તેમના સમય પ્રમાણે મને જોઈ જતા રહેતા હતા.

દર વખતે ભવિષ્યના થનાર સંભવિત પતિ માટે સજી ધજીને તૈયાર થવું એટલું કંટાળા જનક લાગતું કે મને મેં વાંચેલ એક વિખ્યાત નોવેલ યાદ આવી જતી જેમાં ગણિકાઓ ગ્રાહકને આકર્ષવા રોજ નિત નવા પોશાક પહેરી ચહેરા પર મેક અપ કરી રોડ પર ઉભી રહેતી. તેમનો પતિ એક રાતનો રહેતો જયારે મારો પતિ જીવનભરનો રહેવાનો હતો.

છોકરો મને પસંદ ન કરે તેનો ગુસ્સો પણ મારા પર ઠલવાતો. રાજકુમારીએ મોઢું ચઢાવી રાખ્યું હશે. મુરતિયા સાથે હસીને વાત કરી નહિ હોય, અથવા આવા કલરની સાડી કોણે પહેરાવી? કે પછી ડ્રેસ તે પહેરાતો હોય?

તેવી જાત જાતની ભૂલો નીકળતી.

શરુ થનારી દરેક વાતનો અંત આવે જ છે તે પ્રમાણે આ સમસ્યાનો અંત પણ આવી ગયો. ૩૨ વર્ષના બીજવર ગૌરાંગને હું પસંદ આવી ગઈ. તેનું માત્ર નામ જ ગૌરાંગ હતું, બાકી બધા જ અંગો કાળા કોલસા જેવા હતા. તેનું સમાજમાં નામ હતું, નોકર ચાકર હતા, જમીન જાયદાદ હતી. પહેલી પત્ની અકસ્માતે રસોઈ કરતા દાઝી ગઈ હતી.

અમારા લગ્ન ખુબ જ ધામ ધૂમથી થયા. મારા પિતાએ મને ઘણો કરિયાવર આપ્યો. મમ્મી - પપ્પાની એક જવાબદારી ઓછી થઇ. પણ કન્યા વિદાય વખતે મારી આંખમાં એક પણ આંસુ ન આવ્યું. ઘણા પ્રયત્નો કર્યા પણ આંખમાંથી એક બુંદ આંસુ ન આવ્યું.

લગ્ન પછી ગૌરાંગ મને સારી રીતે રાખતા. અમે હનીમુન માટે સ્વીઝરલેન્ડ ગયા. ત્યાં ખુબ ફર્યા. મોજ મજા કરી અને પાછા ભારત આવ્યા.

લગ્નના પાંચ વર્ષ બાદ પણ અમને સંતાન ન થતા હું ચિંતિત રહેતી. અને ગૌરાંગને તેનું અને મારું ચેક અપ કરવાની વાત કરતી તો તે હંમેશા મારી વાત હસવામાં કાઢી નાખતો. હવે મને ક્યારેક ક્યારેક તીવ્ર પણે તારકની યાદ આવતી. તે શું કરતો હશે? તેણે લગ્ન કર્યું હશે કે નહિ? વગેરે હું વિચારતી રહેતી.

એકવાર ગૌરાંગને કામ અર્થે બહાર જવાનું થયું. મારે શહેરમાં ખરીદી કરવાની હતી ખરીદી કરી પાછા વળતી વખતે મને એક ગાયનેક ડોક્ટરની હોસ્પિટલ નજરે પડી. હું ડ્રાઈવરને ગાડી પાર્કિંગ કરવાનું કહી ત્યાં જ ઉભા રહેવાનું કહી. ચેક અપ માટે ગઈ. ૨ દિવસ પછી રીપોર્ટ આવશે તેમ કહી મારું ચેક અપ કર્યું.

હું બે દિવસ પછી ચાલતી જ હોસ્પિટલ પર ગઈ. ડોકટર યુવાન સ્ત્રી હતા. અને ખુબ જ મિલનસાર સ્વભાવના હતા. તેમણે કહ્યું રશ્મીબેન તમારો રીપોર્ટ નોર્મલ છે. હવે તમારા પતિનું ચેક અપ કરવું પડશે. મારા હસબંડ પુરુષોના આવા પ્રોબ્લેમ્સનાં ડોકટર છે તેમનું નામ છે ડોકટર અનંત ત્રિવેદી. તેની પાસે ચેક કરાવો પછી ૯ મહિનામાં તમારી ગોદ ન ભરાય તો મારું નામ ડોકટર તૃપ્તિ નહિ.

ડોક્ટર તૃપ્તિ સાથે ડોક્ટર નયના પણ બેઠા હતા. તેમણે વાત આગળ ચલાવી પતિ પત્ની બંને માતા પિતા બની શકે તેમ છે કે નહિ તેની પતિ પત્ની બંનેને ખબર હોવી જોઈએ. નહિ તો બહુ કરુણ ઘટના બને.

મારાથી રહેવાયું નહિ હું બોલી ઉઠી કેવી રીતે?

ડોક્ટર નયનાએ કહ્યું ગૌરાંગભાઈને તો તમે ઓળખતા જ હશો આ શહેરમાં બહુ મોટું નામ છે. તે પિતા બની શકે તેમ નથી તેની તપાસ તેમણે તૃપ્તિબેનનાં હસબંડ અનંત ત્રિવેદી પાસે કરાવેલ. પણ તેની પત્ની જ્યોતિને આ વાતની ખબર નહિ. અને જ્યોતિબેન ગર્ભવતી બન્યા. જેમનું ચેક અપ તૃપ્તિબેને જ કરેલ.

બસ પછી જેવી આ વાતની ખબર ગૌરાંગભાઈને પડી. તેમણે કેરોસીન છાંટી તેમને સળગાવી દીધા. બીજા દિવસના પેપરમાં આવ્યું ગૌરાંગભાઈનાં પત્ની જ્યોતિબેનનું રસોઈ બનાવતી વખતે દાઝી જતા મમીોત. ડોકટર નયનાએ વેદના સભર અવાજે કહ્યું.

હું ચોંકી ગઈ, મારા પોતાના મનોભાવ છુપાવતા બોલી. મને મોડું થાય છે હવે હું જાઉં. અને મેં મારા ઘર તરફ પગ ઉપાડ્યા.

ઘેર જઈ પણ હજુ અસ્વસ્થતા દુર નહોતી થતી. મેં જુના પેપર ઉથલાવ્યા જેમાં ગૌરાંગની પહેલી પત્નીના મોત વિશેના સમાચાર હોય. એક પછી એક પેપર ઉથલાવતી ગઈ.

મારી નજર એક પેપરમાં આવેલ એક જાહેર ખબર તરફ ગઈ જે મારા લગ્ન વખતે મારા પિતાએ પેપરમાં આપી હતી.

"જીવન સાથી જોઈએ છે.... નામ રશ્મી રાઠોડ, ઉંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ, વાન ગોરો, સ્લીમ બોડી, સુંદર, સુશીલ, નમણી, દેખાવડી, વજન ૪૨ કિલો, ઉમર ૨૪ વર્ષ, ત્રણ મહિના, અભ્યાસ એમ એ, એમ એડ. માટે ખાનદાન ઘરાનાનો યુવક જોઈએ છે. " નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.

- - - - - - - - - -

હું અશ્રુભીની આંખે વિચારી રહી છું મારી ઓળખમાં કશો જ ફેરફાર થયો નથી. હું આજથી ૩૦ વર્ષ પહેલા જેમ હતી તેમની તેમ જ છું . માત્ર મારી ઉપર ૩૦ વર્ષનો ક્યારેય ન દુર કરી ન શકાય તેવો ભાર તેના પર લદાય ગયો છે. અને તેમાં હું તરફડીયા મારી રહી છું.