અંજામ-૨૫ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંજામ-૨૫

અંજામ-૨૫

( આગળ પ્રકરણમાં આપણે વાંચ્યુઃ મોન્ટી અને રીતુ બાપુના ફાર્મ હાઉસની ઓરડીમાં

બાકોરુ પાડી ત્યાંથી ભાગી છુટે છે. પરંતુ તેઓ વધુ દુર જાય તે પહેલા બાપુનો પાળેલો કુતરો રેવા તેમની પાછળ પડે છે. રેવાની પકડમાંથી રીતુ તો છટકી જાય છે પણ મોન્ટી ફસાઇ જાય છે....મોન્ટીને નિઃસહાય હાલતમાં મુકી રીતુ કોઇની સહાય મેળવવા ત્યાંથી ભાગી છુટે છે....બીજી તરફ વીજય અને ગેહલોત શૈતાનસીંગને લઇને પંચાલગઢ આવવા નીકળી પડે છે.....હવે આગળ વાંચો.....)

વીજયે પુરા ફોર્સથી જીપને રમરમાવી હતી. જેટલી ઝડપે જીપ દોડી રહી હતી એટલી ઝડપે તેના મનમાં વિચારો ભાગતા હતા. તેને સમજાતુ નહોતું કે તેના જીવનમાં આ ઝંઝાવાત કેમ કરીને છવાયો....? પાછલા થોડા દિવસોમાં જે ઘટનાઓ ઘટી તેના કારણે તેનું જીવન તબાહીના કગાર ઉપર આવી ચૂકયુ હતુ. પોલીસે તેને તેના જ મિત્રોના ખુન કેસમાં ગીરફતાર કર્યો હતો જ્યારે હકીકત તો એ હતી કે એ બાબતે તે ખુદ કંઇ જ જાણતો નહોતો.... સુંદરવન હવેલીમાં જે કાંડ સર્જાયો એની ચુંગાલમાં તે ખુદ પણ આવી ચુકયો હતો તો પછી પોલીસ કઇ થીયરીના આધારે તેને સમગ્ર હત્યાકાંડનો દોષી ગણી રહી હતી એ પ્રશ્ન તેને મુંઝવી રહયો હતો. જો હોસ્પિટલમાંથી તે ભાગ્યો ન હોત તો અત્યારે પોલીસ લોક-અપમાં તે સડી રહયો હોત અને પોતાના જ મિત્રોના ખૂન સબબ ફાંસીની સજાનો ઇંતજાર કરી રહયો હોત....થેંક્સ ટુ પાપા કે જેમણે મને હોસ્પિટલમાંથી ભાગવાની અને દેલવાડા પાસેની જૈન ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી હતી....તેમ છતાં તેના પ્રશ્નો તો ઉભા જ હતા. તેમાં પણ ન જાણે ગેહલોત કયાંથી અચાનક ટપકી પડયો હતો. ગેહલોત અને હવે આ શૈતાનસીંગ....તેણે જીપના બેક મીરરમાંથી પાછળ બેઠેલા શૈતાનસીંગ તરફ નજર કરી. તેને એ માણસ કંઇક ગડભાંજમાં હોય એવુ લાગતુ હતુ. જે આસાનીથી તેણે શરણાગતી સ્વીકારી હતી એ હજુપણ તેને ગળે ઉતરતું નહોતું. શૈતાનસીંગ કયાંક તેમને ખોટા રસ્તે તો નથી દોરી રહયો ને....? આ સવાલ વીજયના જહેનમાં વારે-વારે ઉઠતો હતો...વીજયને તો ગેહલોત ઉપર પણ વિશ્વાસ બેસતો નહોતો. ચારેબાજુથી જાણે તે કોઇ ઉંડા કળણમાં ખૂંપી રહયો હોય એવો ભાસ તેને થતો હતો.

મોન્ટી અને રીતુનું શું થયુ હશે....? અચાનક વીજયના વીચારોની દિશા પલટાઇ. શું તેઓ જીવીત હશે....? કે પછી તેમને પણ મારી નાંખવામાં આવ્યા હશે....? કે પછી તે બંને પણ ષડયંત્રમાં શામેલ છે.....? આ શૈતાનસીંગની વાત માનીએ તો કોઇક વીરજી અને પંચાલગઢના બાપુ નામના શખ્શોના નામ આ ષડયંત્રમાં ઉભરી સામે આવતા હતા. કોણ છે આ લોકો....? અને શું દુશ્મની હતી અમારી સાથે....? પ્રશ્નોના જાણે ગંજ ખડકાયા હતા વીજયના મનમાં.

ફુલસ્પીડમાં ભાગતી જીપ હાઇવે ઉપરના એક પછી એક ગાંમડાઓ વટાવતી પંચાલગઢ તરફ જઇ રહી હતી. સુરજના કિરણો ધરતી ઉપર પ્રસરી ગરમી વધારી રહયા હતા. આબુના ઠંડા વાતાવરણમાંથી તેઓ હવે ઉત્તરગુજરાતના શુષ્ક અને ગરમ વાતાવરણમાં પ્રવેશી રહયા હતા.

પંચાલગઢ......આ નામ કયાંક સાંભળ્યુ હોય એવું કેમ લાગે છે....? અચાનક વીજયને પ્રશ્નોની હારમાળા માંથી આ પ્રશ્ન ખૂંચયો. તેણે દિમાગ ઉપર જોર લગાવીને યાદ કરવાની કોશીષ કરી કે આ નામ તેણે કયાં સાંભળ્યુ હતું....? એ રાત્રે સુંદરવન હવેલીમાં જ્યારથી તેણે રીતુએ આપેલો દારૂ પીધો હતો ત્યાથી આ સમસ્યા સતત તેને પરેશાન કરી હતી. ધસમસતી નદીના પ્રચંડવેગે વહેતા પ્રવાહને અચાનક કોઇક જગ્યાએ બંધ બાંધીને રોકી લેવામાં આવે, બસ એવી જ હાલત ત્યારે તેની થઇ હતી. એ રાત પછી જાણે તેની યાદદાસ્તને કાટ લાગી ગયો હોય તેમ તે વારે-વારે બધું ભુલી જતો હતો. તેમ છતાં વીજયે પોતાના દિમાગ પર જોર લગાવી પંચાલગઢનું અનુસંધાન શોધવાનું શરૂ કર્યુ. આ નામ તેણે કોઇક ઠેકાણે, બહુ સ્પષ્ટ રીતે સાંભળ્યુ હતુ. પંચાલગઢ સાથે ભુતકાળમાં કોઇ ગહેરો સંબંધ રહયો હોય એવુ તેને મહેસુસ થતું હતું. કયા સંદર્ભમાં તેણે આ નામ સાંભળ્યુ હશે....? જીપ ફુલ રફતારમાં આપમેળે રોડ ઉપર વહયે જતી હતી અને વીજયનું મન આ સવાલ ઉપર આવીને અટકી ગયુ હતુ.

મિનિટો વીતી હશે એ જ અવસ્થામાં.....અને અચાનક જાણે ગોરંભાયેલા આકાશમાં વીજળીનો ચમકારો થાય તેમ વીજયના મનમાં ચમકારો થયો. સાવ એકાએક જ તેને જીગર પંચાલ યાદ આવ્યો....થડકી ઉઠયો વીજય... તેના હાથ જીપના સ્ટીયરીંગ વ્હીલ ઉપર ધ્રુજી ઉઠયા અને અનાયાસે એક ઝટકો લાગ્યો. એ ઝટકાથી જીપ હાલક-ડોલક થઇ ઉઠી પરંતુ તરત જ વીજયે જીપના સ્ટીયરીંગ ઉપર કાબુ મેળવી લીધો. પાછળ બેસેલા ગેહલોતે પ્રશ્નસૂચક રીતે વીજય તરફ નજર નાંખી પરંતુ વીજય જાણે હજુ સદમામાં જ હતો.

જીગર પંચાલ....યસ્સ....કોલેજનો તેનો ખાસ ભાઇબંધ જીગર પંચાલ પંચાલગઢનો જ હતો. આટલી મહત્વપુર્ણ બાબત કેમ તેને યાદ નહોતી આવી....? ઓહ માય ગોડ.... તો શું જીગર પંચાલ આ ખુની ખેલ ખેલી રહયો છે....? ઓહ ગોડ....વીજયનું મન જાણે આ વાત સ્વીકારવા તૈયાર નહોતુ. પણ જીગર પંચાલ તો....!!! જાણે તે કંઇ અજૂગતુ વિચારવા માંગતો ન હોય તેમ એકાએક તેના વિચારો થંભી ગયા અને તેના જહેનમાં જીગર પંચાલનો રૂઆબદાર અને રૂપાળો ચહેરો ઉભર્યો. કેટલો ગર્વિલો અને ખુશમિજાજ છોકરો હતો જીગર પંચાલ....!!! હતો શું હશે જ ને....!!! કોલેજમાંથી અચાનક એક દિવસ તે ગાયબ થઇ ગયો ત્યારબાદ કયારેય તેણે તેને જોયો નહોતો. હાં, તેને એટલી ખબર હતી કે જીગર તેનું ભણતર અને હોસ્ટેલ છોડીને અચાનક તેના ગામડે, તેના ઘરે ચાલ્યો ગયો હતો....એવુ તેણે શાં માટે કર્યુ હતું એતો હજુ પણ તેના માટે એક કોયડા સમાન બની રહયુ હતુ. આમ અચાનક અધવચ્ચેથી અભ્યાસ છોડીને ચાલ્યા જવાની વાત એ સમયે કોઇને સમજાઇ નહોતી....જીગરના ચાલ્યા ગયા બાદ જ્યારે પણ ગ્રુપમાં તેની વાત ઉખળતી ત્યારે દરેકના મોંઢે અવનવી કહાનીઓ સાંભળવા મળતી. કોઇ કહેતુ કે તેનું મન ભણવામાંથી ઉઠી ગયુ હતુ તો કોઇ કહેતુ કે તેના પિતાએ તેને ગામડે બોલાવી લીધો છે. વળી કોઇ નવી જ થીયરી પેશ કરતુ હતુ કે જીગરને કોઇક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને એ છોકરીએ તેને રીજેકટ કર્યો એટલે તે કોઇને કંઇ કહયા વગર તેના ઘરે ચાલ્યો ગયો....જેટલા મોં એટલી નવી કહાનીઓ સંભળાતી હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે પોતાના વીશેની નાના માં નાની વાત ઉખેળીને દોસ્તોને પરેશાન કરી નાખનાર જીગરે કોલેજ છોડવાનો અતી મહત્વપુર્ણ નિર્ણય લીધો ત્યારે કોઇને કશું જણાવ્યુ નહોતુ અને અચાનક ભૂતના માથાની જેમ તે ચાલ્યો ગયો હતો.

શરૂ-શરૂમાં થોડો સમય બધાને જીગર પંચાલની ખોટ વર્તાઇ હતી પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે બધાએ તેની ગેરહાજરી સ્વીકારી લીધી હતી. કોલેજ લાઇફનો એ સમયગાળો અને ઉઘડતી યુવાનીની એ ઉંમરે ઘણા બધા નવા મિત્રો બનતા હોય છે અને કયાંક કોઇ છુટી પણ જતુ હોય છે....બસ, એવી જ રીતે જીગર પંચાલ તેની અને તેના મિત્રોના જીવનમાં આવ્યો હતો અને પછી એક વાવાઝોડાની માફક ચાલ્યો પણ ગયો હતો.

જો કે સત્ય હકીકત શું હતી તે એકમાત્ર વીજય જ જાણતો હતો. ભુતકાળમાં જે રમત ખેલાઇ હતી તેનો ઓછાયો અત્યારે વીજયને ડારી રહયો હતો. તે ઇચ્છતો હતો કે તેને જે કલ્પનાઓ આવે છે એ સત્ય ન હોય તો સારું નહિતર એનો “અંજામ” બહુ ભયાનક આવશે....પોતાના જીગરજાન મિત્ર જીગર પંચાલને ખૂનીના રૂપમાં તે કયારેય જોઇ, સ્વીકારી શકશે નહી. વીજય ખળભળી ઉઠયો. તેનું હ્રદય અમંગળ કલ્પનાઓથી જોર-જોરથી ધડકવા લાગ્યુ હતુ. એક આછી ધ્રુજારી તેના સમગ્ર દેહમાં છવાઇ હતી. જીગર પંચાલ....આ નામ ઘણની માફક તેના મસ્તિસ્કમાં વાગતુ હતુ. શૈતાનસીંગે જણાવેલું પંચાલગઢ ગામ અને જીગર પંચાલનું આપસમાં કનેકશન બહુ સારી રીતે જોડાતું હતું અને એમાંથી જે સૂચીતાર્થો નીકળતા હતા એ કોઇની પણ કલ્પના બહારના હતા...

***********************************

રીતુ આડે-ધડ દોડી રહી હતી. તેના શરીરે ઠેક-ઠેકાણે ઉઝરડા પડયા હતા અને તેમાંથી લોહીની ટીશીઓ ફુટી નીકળી હતી. તેનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. સતત-એકધારુ દોડવાથી તેના પગ ભરાઇ ગયા હતા અને પગની નસો હવે બંડ પોકારવા લાગી હતી. તેના ફેફસામાં શ્વાસ સમાતો નહોતો. તેનું ગળુ અને હોઠ સુકાતા હતા....આજ પહેલા કયારેય તે આવી પરિસ્થિતીમાં મુકાઇ નહોતી....તેને થોભી જવુ હતુ, કયાંક કોઇ ઝાડ નીચે અથવા પથ્થરોના ઓછાયે પોઢી જવુ હતુ. વારે-વારે તે અટકી જતી હતી અને ઉભી રહી પોતાના શ્વાસ નિયંત્રીત કરવાની કોશીષ કરતી હતી પરંતુ અચાનક તેની નજરો સમક્ષ મોન્ટીનો તરડાઇ ગયેલો ચહેરો ઉભરતો અને હોઠ ભીંસીને ફરી તે આગળ વધતી....મોન્ટીનું શું થયુ હશે એ ફીકર સતત તેને દોડવા મજબુર કરતી હતી. પેલા ખતરનાક કુતરા રેવાએ મોન્ટીની પીંડીઓ ચાવી નાંખી હતી એ તેણે નજરો-નજર જોયુ હતું. જો મોન્ટીએ તેને તારની ફેન્સીંગ કુદવામાં મદદ ન કરી હોત તો તેના હાલ પણ મોન્ટી જેવા જ થાત એ હકીકત તે સમજતી હતી....અને એટલે જ કોઇક મળી જાય તો તેની મદદ લેવા તે દુર-દુર સુધી પથરાયેલા ભેંકાર ખેતરોમાં ભાગી રહી હતી.

ખબર નહી કેટલો સમય તે દોડી હશે....એક-એક ડગલુ તેને એક-એક ગાવ જેટલુ આઘુ લાગતુ હતુ. તેની આંખોમાં અનાયાસે, આપમેળે આંસુ ઉભરાતા હતા. તેના રૂપાળા ચહેરાની ગોરી ત્વચા લાલઘુમ થઇ ઉઠી હતી....તે ઉભી રહી અને દુર સુધી નજર નાંખી. કયાંય કોઇ વ્યક્તિનું નામોનીશાન નહોતુ. માઇલો દુર ખેતરોના ખેતરો ફેલાયેલા હતા તેમાં કયાંક વળી બંજર જમીન હતી જેમાં થોર અને બાવળીયા ઉગી નીકળ્યા હતા....રીતુને આશ્વર્ય થતું હતુ કે કેમ કયાંય કોઇ દેખાતુ નથી. તે ઘણુ દોડી હતી એટલે અત્યાર સુધીમાં કોઇકનો ભેટો તેને થવો જોઇતો હતો. જો અહી ખેતરો છે તો તેમાં કામ કરવાવાળા કે ખેતરની દેખભાળ રાખવાવાળા માણસો હોવા જોઇએ પણ એવો કોઇ અણસાર તેને વર્તાતો નહોતો....તેના હ્રદયમાં નીરાશા છવાતી જતી હતી પરંતુ તેમ છતા મન મક્કમ કરી તેણે ફરી વખત ઉઘાડા પગે આગળ દોટ મુકી.

સાવ એકા-એક જ તેના કાને એક અવાજ સંભળાયો....દુર કયાંક ગાયો ભાંભરી રહી હતી. ગાયોના ભાંભરવાનો અવાજ સાંભળીને તેના ગળામાં ડુમો ભરાઇ આવ્યો. ખુશીના અતીરેકમાં તેના પગમાં ઠેસ વાગી અને તે પડતા-પડતા માંડ બચી. જાણે એ ગાયો તેને બચાવી લેવાની હોય એમ એ અવાજની દિશામાં તેણે દોટ મુકી.....થોડે દુર વગડામાં ગાયોનું નાનકડું ધણ ચરી રહયુ હતુ. એ ધણની આજુ-બાજુમાં થોડા બકરા અને ઘેટા પણ દેખાતા હતા. જરૂર કોઇ ચરવાદાર ધણ સાથે હશે એવો ઉમંગ રીતુના દિલમાં જાગ્યો. દોડીને તે ગાયો ચરતી હતી ત્યાં પહોંચી....અજાણી વ્યક્તિને નજીક આવતા જોઇને ગાયોના એ નાનકડા ઝુંડમાં થોડો ગભરાટ ફેલાયો અને ગાયો કાન તંગ કરીને ઉભી રહી. લથડાતી ચાલે રીતુ માંડ એ ધણ સુધી પહોંચી હશે કે તેની સહનશક્તિનો બાંધ છુટી ગયો અને આનંદના અતિરેકમાં તેને ચક્કર આવ્યા હોય એમ બેહોશ થઇને ત્યાં જ ઢળી પડી.....બરાબર એ સમયે જ ગાયોએ ભાંભરવાનું શરૂ કર્યુ.....ગાયોના ધણને ચરાવવા લઇને આવેલા બે જુવાન છોકરાઓ દુર એક ઝાડના છાંયે આરામ કરી રહયા હતા. તેમના કાને ગાયોના ભાંભરવાનો અવાજ સંભળાયો એટલે તેઓ ત્યાંથી ઉભા થઇને નજીક દોડી આવ્યા. એક અજાણી યુવતીને નીચે જમીન ઉપર બેભાન અવસ્થામાં પડેલી જોઇને તેમના આશ્વર્યનો પાર ન રહયો. વન-વગડામાં આવી નાજુક યુવતી અચાનક કયાંથી પ્રગટ થઇ એ તેમને સમજાયુ નહી.....કદાચ કોઇ આ યુવતી સાથે હોય એ આશાએ તેમણે આજુ-બાજુ તપાસ પણ કરી જોઇ પરંતુ ત્યાં કોઇ નહોતુ.... તે બંને જુવાનીયાઓની મુંઝવણનો પાર નહોતો. શું કરવુ જોઇએ એ તેમને સમજાતુ નહોતુ.....આખરે બંને ગોવાળોએ રીતુને બેભાન અવસ્થામાં જ ઉંચકી અને થોડે દુર તેઓ જે બળદગાડુ લઇને આવ્યા હતા ત્યાં સુધી લઇ આવ્યા..... બળદ ગાડામાં ગોદડુ પાથરેલુ હતુ તેની ઉપર રીતુને સંભાળપૂર્વક સુવડાવી અને બે-માંથી એક યુવાને બળદગાડાની રાશ હાથમાં પકડી ગાડાને ગામ ભણી વાળ્યુ....બીજા ગોવાળીયાએ ગાયોના ધણને એકઠું કર્યુ અને તે પણ ગામ તરફ બળદગાડાની પાછળ-પાછળ ચાલ્યો.

*******************************

જીગર પંચાલની યાદે વીજયને બેચેન બનાવી દીધો હતો. તેને સમજાતું નહોતું કે તે જે વીચારે છે એ જો સત્ય હશે તો એનું પરીણામ શું આવશે....? અને રીતુ નું શું.....? તે આમાં કેવી રીતે શામેલ થઇ....? તેનું મન હજુ પણ રીતુને નિર્દોષ માનવા પ્રેરાતુ હતુ.

લગભગ દસ વાગ્યે તેઓની જીપ મહેસાણા શહેરમાં પ્રવેશી. અહીથી કઇ દિશામાં જવાનું છે એ શૈતાનસીંગે જણાવ્યુ એટલે વીજયે જીપને આગળ આવતા એક ટ્રાફીક સર્કલેથી ડાબી બાજુ જતા રોડે વાળી. થોડીવારમાં તેઓ સ્ટેટ હાઇવે છોડી મહેસાણાથી પૂર્વ દિશામાં જઇ રહયા હતા....રોડ ડબલપટ્ટીનો હતો પણ સારો હતો. રોડની બંને સાઇડ દુર-દુર માઇલો સુધી ખેતરો પથરાયેલા હતા. રોડ ઉપર સામેથી કયારેક કોઇ એકલ-દોકલ ટ્રક કે કોઇ પ્રાઇવેટ વાહન આવ્યે-જતું હતુ. વીજયે જીપને ફુલ થ્રોટલમાં રમરમાવી હતી....થોડી જવારમાં હાઇવે ઉપર રોડની કિનારીએ પંચાલગઢનું પાટીયુ ખોડેલું વીજયની નજરમાં આવ્યુ. તેણે જીપની રફતાર ઘટાડી જીપને એ પાટીયા નજીક ઉભી રાખી અને શૈતાનસીંગ તરફ ફર્યો.

“ અહીંથી કઇ દિશામાં જવાનું છે....?” વીજયે તેને પુછયુ. “પંચાલગઢ તો આવી ગયુ.....”

“વીરજી મોટે ભાગે બાપુની વાડીએ જ રહે છે....”

“ કયાં આવી છે વાડી....?”

“ ઘણે દુર છે.....ગામ વટીને જવું પડશે....લગભગ પાંચેક કિલોમીટર દુર દખ્ખણમાં....” શૈતાનસીંગે કહયું. તે અજબ રીતે સહકાર આપી રહયો હતો. સામાન્યતહઃ રીઢા માણસો આસાનીથી બોલતા હોતા નથી તેનો સારો એવો અનુભવ ગેહલોતને હતો. શૈતાનસીંગના મનમાં કઇ ગણતરીઓ ચાલતી હશે તેનું કોઇ અનુમાન વીજય કે ગેહલોત લગાવી શકતા નહોતા. તેમ છતા અત્યારે તેની વાત માનવા સીવાય તેમનો છુટકો નહોતો.

વીજયે જીપને મુખ્ય રસ્તેથી જમણી દિશામાં ફંટાતા એક કાચા રસ્તે વાળી....એ રસ્તો સીધો જ પંચાલગઢ જતો હતો. જીપમાં ફરીવાર ખામોશી પથરાઇ. આબુથી નીકળ્યા બાદ કોઇ કંઇ જ બોલ્યુ નહોતું. બધા પોત-પોતાના વિચારોમાં, પોત-પોતાની ગણતરીઓમાં લાગેલા હતા.....શૈતાનસીંગ અને ગેહલોત બા-કાયદા એકશન લેવાના મુડમાં હતા જ્યારે વીજયની કંઇક અલગ જ પરેશાની હતી....

વીજયને અચાનક રીતુની યાદ ઘેરીવળી...તેના મનમાં રીતુને મળવાની, રીતુને જોવાની અજીબ-સી બેચેની ઉમટી. ન જાણે કેમ પણ તેનું મન રહી-રહીને રીતુનું નામ પોકારી રહયુ હતુ. જે લાગણીઓને તે આજ સુધી નામ નહોતો આપી શકયો એ જઝબાતે તેના મનમાં ભયંકર ઉલ્કાપાત મચાવાનું શરૂ કર્યુ હતું. તેના હ્રદયના ઉંડાણમાંથી અચાનક રીતુના નામનો નાદ પોકારવો શરૂ થયો હતો. આમ કેમ થઇ રહયું હતુ એ તો ખુદ તે પણ સમજી શકતો નહોતો. આજદીન સુધીમાં આટલી તીવ્રતાથી કયારેય તેને રીતુની યાદ આવી નહોતી.....રીતુ તેને પોકારી રહી હોય, તેને ઝંખી રહી હોય એવો ભાસ થવા માંડયો હતો. જરૂર તે કોઇ મુસીબતમાં ફસાઇ હશે એવુ તેનું મન કહેતુ હતુ.

કાચા રસ્તે જઇ રહેલી જીપ પાછળ ધુળના ગોટે-ગોટ ઉડતા હતા. એ ધુળના ગોટા ઘુમરાઇને ફરી પાછા જીપના પાછલા ભાગમાં પ્રવેશતા હતા. શૈતાનસીંગ અને ગેહલોત જાણે ધુળમાં નહાઇ ઉઠયા હતા....થોડી જ વારમાં તેઓ એક ગામના સીમાડે આવી પહોંચ્યા. એ જ પંચાલગઢ ગામ હતું. શૈતાનસીંગે ગામની બારોબાર જતા બીજા એક રસ્તા ઉપર જીપ લેવડાવી....એ રસ્તો બાપુના ફાર્મહાઉસ (વાડી) તરફ જતો હતો. વીજયે જીપને સાવધાનીથી એ રસ્તે વાળી.

તેનું મન અચાનક આ બધી બાબતોમાંથી ઉઠી ગયુ હતુ. આ ગેહલોત, શૈતાનસીંગ, પંચાલગઢ, બાપુ....જેનું જે થવું હોય તે થાય....તેને અત્યારે બસ, એકમાત્ર રીતુની ઝંખના જાગી હતી. તેનું રોમ-રોમ રીતુનું નામ પોકારી રહયું હતુ. તેને રીતુને જોવી હતી, ચુમવી હતી, પામવી હતી અને સદાને માટે રીતુને આ બધી ઝંઝાળથી દુર લઇ જવી હતી જ્યાં માત્ર તે બે જ હોય..

“ ઉભી રાખો....જીપ ઉભી રાખો....” અચાનક પાછળ બેઠેલો શૈતાનસીંગ ચિલ્લાઇ ઉઠયો અને અધુકડા ઉભા થઇને તેણે ગેહલોતની ગનની પરવા કર્યા વગર વીજયના ખભા પકડયા....હડબડાઇને વીજયે ફુલ બ્રેક મારી. જીપ ત્યાં જ ચોંટી ગઇ.....

“ શું છે....? શું થયું....? ગાંડો થઇ ગયો છે કે શું.....? હમણા જીપ ખેતરમાં ઘુસી જાત....” વીજયે શૈતાનસીંગને ખખડાવી નાંખ્યો.

“ પણ મને રસ્તો ભુલાઇ ગયો છે....” શૈતાનસીંગે કહયું. “ આ સામે રસ્તાના ત્રણ ફાંટા પડે છે તેમાં કયા રસ્તે બાપુની વાડી આવી છે એ મને ખબર નથી કારણ કે હું ફક્ત એક જ વાર અહી આવ્યો છું અને તે પણ વીરજી સાથે....”

વીજય અને ગેહલોત બંનેએ જીપની વીન્ડસ્ક્રીનની બહાર નજર કરી.... શૈતાનસીંગની વાત સાચી હતી. આગળ જતા રસ્તાના ત્રણ બાજુ ફાંટા પડતા હતા. અત્યારે તેઓ એ રસ્તાના ત્રીભેટે ઉભા હતા.

“ કોઇકને પુછવુ પડશે....” શૈતાનસીંગ બોલ્યો. વીજયે દુર સુધી નજર ઘુમાવી. માણસ જાતનું ત્યાં નામો-નિશાન નહોતું. થોડી ક્ષણો એમ જ ખામોશીમાં વીતી. જ્યાં કોઇ જ ન હોય ત્યાં પુછવુ કોને એ પ્રશ્ન હતો....સુમસાન નીરવ વગડામાં તેમની જીપ ઉભી હતી. જીપને પાછી ગામમાં લેવી અને કોઇને બાપુની વાડીનો રસ્તો પુછવો એવો એક વીચાર વીજયના મનમાં ઉદભવ્યો જ હતો કે સહસા તે ચમકયો.... તેને દુરથી કંઇક અવાજ આવતો સંભળાયો. ગેહલોતે અને શૈતાનસીંગે પણ એ અવાજ સાંભળ્યો હતો....આંખની આડે હાથનું નેજવું કરીને વીજયે અવાજની દિશામાં નજર કરી.... ઘણે આગળ દુરથી પશ્ચિમ દિશામાં જતા રસ્તે કોઇક ગાડુ આવતુ હોય અને તેની ધુળ ઉડતી હોય એવુ તેને લાગ્યુ એટલે તેણે જીપને એ રસ્તે લીધી.

તેનું અનુમાન સાચુ નીકળ્યું. એ ધુળીયા રસ્તે સામેથી એક બળદગાડુ આવી રહયુ હતું અને બળદગાડા પાછળ ગાયોનું ધણ આવતુ દેખાતુ હતુ. ધુળ તેની જ ઉડતી હતી....વીજયે જીપ ઝડપથી હંકારી બળદગાડાની બરાબર સામે લીધી. એ જોઇને ગાડુ ચલાવતા જુવાનીયાએ ગભરાઇને ગાડાને રોડની કિનારીએ વાળ્યુ જેથી સામેથી આવતી જીપને રસ્તો આપી શકાય.... વીજયે જીપને ગાડાની લગોલગ લીધી અને ડોકુ બહાર કાઢી પેલા જુવાનીયાને પુછયુ.

“ અહી કોઇ બાપુની વાડી છે....? અમારે બાપુની વાડીએ જવુ છે....”

“ પંચાલ બાપુની વાડીએ....?” પેલા જુવાને પુછયું. એ દરમ્યાન વીજયે ગાડામાં નજર નાંખી હતી. ગાડાના પાછલા ભાગમાં કોઇ બાઇ-માણસ સુતું હતુ....વીજયને આશ્ચ્રર્ય થયુ. આવા તડકામાં કોઇ સ્ત્રી આવી રીતે કેમ સુતી હશે તેના મનમાં પ્રશ્ન થયો.

“ હાં,પંચાલ બાપુની વાડી....” વીજયે પેલા જુવાનને જવાબ તો આપ્યો પણ તેનું સમગ્ર ધ્યાન ગાડામાં ઉઘાડા મોં એ સુતેલી પેલી સ્ત્રી તરફ જ હતુ....અને અચાનક તે ચમકયો. તેના ચહેરા ઉપર દુનીયાભરનું આશ્ચર્ય ઉભરાયુ. જાણે તેને તેની જ આંખો ઉપર વિશ્વાસ આવતો નહોતો....તેણે ગાડામાં ચત્તાપાટ સુતેલા એ દેહને, એ ચહેરાને ઓળખ્યો હતો....

“ રીતુ....” તેના મોંમાંથી રાડ ફાટી નીકળી અને બધું છોડીને તે ગાડાની પાછળના ખુલ્લા ભાગ તરફ દોડયો....

( ક્રમશઃ )

પ્રવીણ પીઠડીયા.