Nadan Stri books and stories free download online pdf in Gujarati

નાદાન સ્ત્રી

નાદાન સ્ત્રી

ઈલેક્ટ્રીકલ ઉપકરણનું ઉત્પાદન કરતી દેશની અગ્રગણ્ય કંપનીના H R ડીપાર્ટમેંટમાં નવા રીક્રુટ થયેલ મિલન શર્માને કપરી કામગીરી કરવાની હતી. કંપનીની એક મહિલા કર્મચારી આકાંક્ષા ઉપર ઓછામાં ઓછા ચાર વાર છેડતી, અપમાન, અશ્શીલ અને ગંદી કોમેંટસ કરવી વગેરે પ્રયાસો થયા હતા. પણ કંપનીની શાખને ફટકો ન પડે તે કારણે મામલો પોલીસ સુધી ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આવું ધ્રુણાસ્પદ કૃત્ય કરનાર ચાર પુરુષ કર્મચારીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો.

મિલન શર્માએ ઇન્ટર કોમથી આકાંક્ષાને પોતાની ઓફિસમાં બોલાવી. અને તેને ભૂતકાળમાં થયેલા નઠારા અનુભવો વિષે સવાલો પૂછતો રહ્યો, અને ધ્યાનથી આકાંક્ષાને એકી નજરે જોતો રહ્યો. અને પોતાની ડાયરીમાં વિગતો ટપકાવતો રહ્યો.

ત્રણ - ચાર વાર આકાંક્ષાને મિલનની ઓફિસમાં જવું પડ્યું તેનો કકળાટ તે સાથી કર્મચારી કસક પર ઠાલવી રહી હતી.

આ તો ચોરી ઉપર શીના જોરી, જો મારી છટકશે તો હું સીધી પોલીસ સ્ટેશને જઈ બધાને સબક શીખવાડીશ.

આ લોકો સમજે શું એના મનમાં?

સ્ત્રી રહ્યા એટલે કોઈના ગુલામ થઇ ગયા?

ચારને તો સીધા દોર કરી દીધા. કેવું મોં સંતાડી ભાગવું પડ્યું?

કસકને ખબર હતી કે આકાંક્ષાએ ચાર પુરુષોની નોકરી છોડાવેલ તેમાંથી મયંક સિવાય છેલ્લા ત્રણ પુરુષો તો સાવ સીધા હતા. એમાંના એક કંદર્પે તો જાણે અજાણે હસતા હસતા આકાંક્ષાની કંઈક મિત્ર ભાવે મશ્કરી કરી હતી. અને આકાંક્ષાએ જ તેને મોટું સ્વરૂપ આપ્યું હતું. અને કંદર્પને શરમીંદગી સાથે નોકરી છોડવાનો વારો આવ્યો હતો. રાહુલ અને વિજય સાથે આકાંક્ષાને શું વાંકું પડ્યું તેની કસકને આજ દિવસ સુધી ખબર પડી નહોતી.

મયંક એક ફાંકડો દિલ ફેંક યુવાન હતો, તેની વાક પટુતા જોરદાર હતી. અને એટલે જ કંપનીમાં આકાંક્ષા અને બીજી યુવતીમાં લોકપ્રિય હતો. લંચ બ્રેકમાં આકાંક્ષા, કસક મયંક અને રાહુલ એક જ ટેબલ પર બેસતા. અને આકાંક્ષા મયંક માટે તેને ભાવતી વાનગી બનાવીને લાવતી.

આકાંક્ષા વાતોડિયણ હતી અને મયંક પણ છૂટથી બોલતો એટલે આકાંક્ષા અને મયંક બહુ જલ્દીથી દોસ્તીના ધાગામાં પરોવાઈ ગયા.

ટી બ્રેકમાં બંને વચ્ચે મજાક મસ્તી ચાલતા. અને ક્યારેક કરંટ ટોપિક પર ચર્ચા પણ ચાલતી.

અને ધીરે ધીરે સંબંધ આગળ વધતો ગયો અને હવે બંને સાથે પિક્ચર જોવા પણ જતા.

અને બંને એક બીજાને ઘેર પણ જતા. ઘણી વાર એવું બનતું કે મયંક આકાંક્ષાને તેના ઘેર લેવા જતો અને ત્યાંથી બંને સાથે કંપનીએ જતા. અને આકાંક્ષાને કંપનીથી છૂટતી વખતે તેના ઘેર પણ મૂકી જતો.

ઝરણાની કંપનીમાં નવી રીક્રુટમેંટ થઇ પછી આકાંક્ષાના દિલમાં ઉત્પાત જાગ્યો. ઝરણા દેખાવે આકાંક્ષા કરતા વધુ સુંદર હતી, ઝરણાનો સ્વભાવ પ્રેમાળ હતો, ઝરણાનો બોલવાનો લહેકો મીઠો હતો.

આ બધા કારણોને લીધે મયંક સ્વભાવિક રીતે ઝરણા તરફ આકર્ષાયો. અને મયંકને ઝરણાની સાથે રહેવું વધુ ગમતું. જે આકાંક્ષાથી સહન થઇ શક્યું નહિ.

આકાંક્ષાએ મયંકને સીધી વોર્નિંગ આપી દીધી કે ઝરણા સાથે બોલવું નહિ. નહિ તો જોવા જેવી થશે. મયંક તો આકાંક્ષાને માત્ર દોસ્ત જ સમજતો હતો, અને દોસ્તીમાં કોઈ દાદાગીરી કરે તો કેમ સહેવાય? એટલે તેણે ઝરણા સાથે બોલવાનું બંધ ન કર્યું.

પછીના સાત દિવસ કંપનીમાં બધું બરાબર ચાલ્યું. આઠમા દિવસે કંપનીમાં કર્મચારીઓનો લંચ બ્રેક ચાલતો હતો, આકાંક્ષાએ લંચ બ્રેક દરમ્યાન મયંકને પોતાની પાસે બોલાવ્યો. તેમનું મિત્ર વર્તુળ લંચ માટે કેન્ટીન તરફ ગયું. અહીં આકાંક્ષા અને મયંક વચ્ચે ઝરણા બાબતે ઉગ્ર ચર્ચા થઇ. અને સાવ અચાનક આકાંક્ષાએ મેનેજરની ઓફીસ તરફ દોટ મૂકી.

આકાંક્ષા મેનેજરની ઓફિસમાં ધ્રુસકે અને ધ્રુસકે રડતી હતી, સર મયંકે મારી છેડતી કરી. મારું કામ પૂરું થયું ન હતું એટલે હું લંચ લેવા ગઈ ન હતી. અને પ્રોડક્શન ડીપાર્ટમેંટમાંથી બધા કર્મચારી લંચ માટે કેન્ટીનમાં ગયા હતા તેનો લાભ ઉઠાવી મયંકે મારી છેડતી કરી આકાંક્ષા રડતા રડતા બોલી.

તાત્કાલિક મયંકને મેનેજરની ઓફિસમાં બોલાવવામાં આવ્યો, લંચ બ્રેક હોવા છતાં મયંક પ્રોડક્શન ડીપાર્ટમેંટમાં જ શા માટે હતો? અને કોઈ પણ સ્ત્રી છેડતીનો જૂઠો આરોપ શા માટે લગાવે? આ બે બાબત મયંકની વિરુદ્ધ જતી હતી. મયંક સાબિત કરી શકે તેમ ન હતો કે આકાંક્ષાએ જ તેને રોક્યો હતો. પુરાવાઓ મયંકની વિરુદ્ધ જતા હતા. મયંકને કંપનીમાંથી બરતરફ કરવામાં આવ્યો. નોકરી પણ ગઈ, અને નાલેશી પણ મળી.

ઝેરી નાગણ જેવું સ્મિત આકાંક્ષાના હોઠ પર ફરકી ગયું.

હવે પુરુષ કર્મચારીઓ આકાંક્ષાથી ગભરાતા હતા. પણ કેટલાક ભયલુ કર્મચારીઓ પણ હતા. તેઓનું મુખ્ય કામ લોકોમાં ખટરાગ પેદા કરવાનું હતું. તેઓ બોસની પણ ખુબ ચાપલુસી કરતા. તેમને આકાંક્ષામાં દેવીનું રૂપ દેખાયું.

વિજય અને રાહુલ પણ કાબેલ એન્જીનીઅર હતા. અને કંપનીમાં મોડે સુધી રોકાતા. એક દિવસ તેમણે એક પ્રોજેક્ટના સંશોધન વર્ક માટે કંપનીનું કામ કાજ પૂરું થયા બાદ એક કર્મચારીની જરૂર હતી. અને આકાંક્ષા તે કામ માટે રોકાશે તેવું નક્કી થયું.

સંશોધન કાર્ય ચાલતું હતું, અને અચાનક આકાંક્ષા સિક્યુરીટી ગાર્ડ પાસે દોડી ગઈ, તેના ચહેરા પર ઝપાઝપીમાં થાય તેવા ઈજાના નિશાન હતા, વાળ અને કપડા વીખરાયેલ હતા. બ્લાઉઝ ફાટી ગયું હતું.

વિજય અને રાહુલે તેની પર બળાત્કારની કોશિશ કરી, તેટલું તે હાંફતા હાંફતા માંડ સિક્યુરીટી ગાર્ડને કહી શકી.

સિક્યુરીટી ગાર્ડ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યો. ત્યાં વિજયના ટેબલ પર શરાબની બોટલ પડી હતી, અને બે ગ્લાસ શરાબથી અરધા ભરેલ હતા. સાથે કોકાકોલાની બોટલ પણ હતી. ચવાણું, શીંગના ભજીયા વગરે ટેબલ પર વેરાયેલ હતું.

વિજય અને રાહુલ બીજા રૂમમાં કંઈક ચર્ચા કરતા હતા. સિક્યુરીટી ગાર્ડની સમજમાં બળાત્કાર વાળી વાત ફીટ બેઠી નહિ. પણ તેનું કાર્ય આવા સંજોગોમાં સંબધિત ઓફિસરને ફોન કરવાનું હતું. તેણે તાત્કાલિક ફોન લગાડ્યો. અને ચીફ એન્જીનીઅરે આવીને ઘટનાની છાનબીન કરી. તાત્કાલિક અસરથી વિજય અને રાહુલને છુટા કરવામાં આવ્યા. અને શા કારણે તેમને બંનેને છુટા કરવામાં આવ્યા તે પણ વિજય અને રાહુલ બંનેને સમજાયું નહિ.

ફરી એક વાર ઝેરી નાગણ જેવું સ્મિત આકાંક્ષાના હોઠ પર ફરકી ગયું.

ભાવનગર સરકારી એન્જીનીઅરીંગ કોલેજના કેમ્પસ ઇન્ટરવ્યુંમાં " તારક ઈલેક્ટ્રીકલ એન્ટર પ્રાઈઝ" માં સિલેક્ટ થનાર એક માત્ર વિદ્યાર્થી સાહિલે જયારે કારકિર્દી શરુ કરી રહ્યો હતો ત્યારે આકાંક્ષાની નજરો તેને તાકી રહી હતી.

આકાંક્ષાને મયંક સાથે ગાળેલી મધુર સ્મૃતિ યાદ આવી ગઈ. અને મનમાં રોમાંચની લહેર પ્રસરી ગઈ. સાહિલ તો મયંક કરતા પણ સોહામણો લાગતો હતો. પણ સાવ શરમાળ હતો. તે માત્ર પોતાનું કામ કર્યે જતો હતો. પ્રોડકશન ડીપાર્ટમેંટમાં એક પણ છોકરી તરફ તે નજર નાખતો નહોતો. આકાંક્ષા વિચારી રહી હતી, સાવ આવ થોડું ચાલે? પોતે પણ રૂપ ગર્વિતા હતી.

ગુડ મોર્નિંગ ...........પ્રોડક્શનની ફાઈલનો અભ્યાસ કરી રહેલ સાહિલને આકાંક્ષાએ કહ્યું.

ગુડ મોર્નિંગ........સાહિલે વળતો જવાબ આપ્યો અને પાછો ફાઈલમાં ડૂબી ગયો.

આકાંક્ષાને આટલેથી સંતોષ ન થયો. અને લંચ બ્રેક વખતે સાહિલની જગ્યાએ જઈ તેની સામેની ખુરશી પર બેસી ગઈ.

કંઈ કામ હતું?..........સાહિલે પૂછ્યું.

ખાલી કામ હોય તો જ બેસાય એવું થોડું હોય, ગમતા માણસને હળવું મળવું પણ એક કામ જ કહેવાય. આકાંક્ષાએ વળતો જવાબ આપ્યો.

પણ મને હું કામ કરતો હોઉં ત્યારે કોઈ મને ડીસ્ટર્બ કરે તે મને નથી ગમતું, સાહિલે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું.

અને આકાંક્ષાને રોમે રોમ લ્હાય લાગી ગઈ.

ધમ ધમ પગ પછાડતી તે ઉભી થઈને ત્યાંથી કેન્ટીન તરફ જતી રહી.

પછીના દશ દિવસમાં જ આકાંક્ષા દ્વારા સાહિલ પર જયારે છેડતીનો આરોપ લાગ્યો ત્યારે કોઈ પણ માનવા તૈયાર ના હતું. ખુદ ડાઈરેક્ટર પણ આકાંક્ષાની વાત માનવા તૈયાર નહોતા.

હવે આકાંક્ષાએ છેલ્લું હથિયાર ઉગામ્યું, નહિ તો હું પોલીસ કેસ કરીશ.

હવે જો પોલીસ કેસ થાય તો પછી મીડિયા વાતનું વતેસર કરે, અને કંપનીની પ્રોડક્ટના વેચાણમાં અસર થાય વગેરે વાતો ધ્યાનમાં રાખી આકાંક્ષાની વાત માનવી પડી.

ફરી એક વાર ઝેરી નાગણ જેવું સ્મિત આકાંક્ષાના હોઠ પર ફરકી ગયું.

હવે માલિક દ્વારા ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી. અને આ જટિલ સમસ્યાની ચર્ચા થઇ. શા માટે માત્ર એક જ મહિલા કર્મચારી પર છેડતી અને બળાત્કારના હુમલા થાય? અને તે પણ કંપનીમાં જ કેમ થાય?

ચર્ચાઓનો દૌર ચાલ્યો, અને સામુહિક રીતે આ સમસ્યાનું સમાધાન કરી શકે તેવી વ્યક્તિની શોધ ચાલી. H R ડીપાર્ટમેંટમાં નવી ભરતી કરવી તેવું સર્વાનુમતે નક્કી થયું.

IIM માંથી મિલન શર્માની HR ડીપાર્ટમેંટમાં મનેજર તરીકે નિમણુક કરવામાં આવી.

સહુથી પહેલું કામ મિલન શર્માએ પ્રોડક્શન ડીપાર્ટમેંટમાં કોઈ પણ કર્મચારીને ન દેખાય તેમ CCTV કેમેરા અને સેન્સીટીવ માઈક્રોફોન લગાવવાનું કર્યું. અને બીજું કામ સાહિલનું પદ ખાલી પડેલ ત્યાં માલિકના પુત્ર આકાશની ડમી તરીકે ભરતી કરી દીધી.

આકાશ તેની ગર્લ ફ્રેન્ડ ચાંદની સાથે ગળાડૂબ પ્રેમમાં હતો. કંપનીમાં આકાશ કંપનીના માલિકનો પુત્ર છે તે કોઈને પણ ખબર નહોતી.

આ બાજુ હવે આકાંક્ષાના પોતાના ખાસ માણસો સિવાય બાકીનો પુરુષ વર્ગ તેની સાથે વાત કરતા પણ ડરતો. અને આકાંક્ષાની હજુ પણ પોતાને કોઈ ચાહે તેવા પાત્રની શોધ ખોળ પૂરી નહોતી થઇ.

તેને આકાશમાં પોતાનો મનનો માણીગર નજર આવવા લાગ્યો. હવે આકાંક્ષા રોજ આકાશને આકર્ષવા નવી ફેશનના વસ્ત્રો પરિધાન કરવા લાગી. લંચ બ્રેકમાં આકાશ સાથે વાતો કરવા લાગી. આકાશ પણ તેની સાથે હસી હસીને વાતો કરવા લાગ્યો.

આકાશ તો તેને એક કર્મચારી તરીકે જ વાતો કરતો પણ પ્રેમ ભૂખી આકાંક્ષાએ તેનો અર્થ પોતાની રીતે તારવ્યો. એવામાં આકાશની ગર્લ ફ્રેન્ડ ચાંદની કંપનીમાં તેને મળવા આવી. અને બંનેને લળી લળીને વાતો કરતા જોઈ આકાંક્ષા તો ઈર્ષ્યાથી સળગી જ ગઈ.

તેણે તેની સહ કર્મચારી કસકને કહ્યું કે બસ હવે આકાશનું આવી બન્યું સમજ.

કસક હબક ખાઈ ગઈ, તેને લાગ્યું કે હવે આકાશ પર કોઈ ને કોઈ આળ આવવાનું જ.

બરાબર બીજા દિવસે આકાંક્ષા ક્રોધથી લાલ ચોળ હતી. તે લંચ બ્રેકનો ઇન્તજાર કરી રહી હતી. લંચ બ્રેકમાં બધાજ કર્મચારીઓ કેન્ટીનમાં ગયા. હવે પ્રોડક્શન ડીપાર્ટમેંટમાં આકાંક્ષા અને આકાશ બે જ વ્યક્તિઓ હતી. આકાંક્ષાએ ચારે કોર નજર ફેરવી દુર સુધી ક્યાંય પણ કોઈ દેખાતું નહોતું.

તેણે ધીરેથી પોતાનું પર્સ ખોલ્યું, તેમાં નાનું ધારદાર ચપ્પુ હતું તે બહાર કાઢ્યું અને બ્લાઉઝમાં સહેજ ચીરો મુક્યો. ત્યાર બાદ હાથેથી કપડું ખેંચી તે ભાગ વધારે પહોળો બનાવ્યો. અને દોડીને આકાશ પાસે ગઈ. અને વાળ ખેંચી ગાળોનો વરસાદ વરસાવ્યો. તું તારા મનમાં સમજે છે શું? હાથ પગથી તે આકાશને માર મારવા લાગી. આકાશ તો સ્તબ્ધ થઇ ગયો. તે અવાક બની રહ્યો. અને આકાંક્ષા રડતી રડતી મિલન શર્માની ઓફિસમાં ગઈ.

મિલન શર્માએ તેને આવકારી, પ્યુનને બોલાવી પાણી પાયું, અને તેનું સ્ટેટમેંટ નોધ્યું. આકાંક્ષાએ આકાશે કેવી રીતે તેની ઈજ્જત લેવાની કોશિશ કરી તે વિગત વાર સંભળાવ્યું. મિલન શર્માએ ડાયરેકટર અને માલિક તારક શાહને બોલાવવા કંપનીમાંથી ગાડી મોકલી અને ફોન કરી શક્ય તેટલું વહેલા આવવાની વિનંતી કરી.

થોડી જ વારમાં તારક શાહ પોતાની કંપનીમાં આવ્યા. અને મિલન શર્માએ ફરી એક વાર આકાંક્ષાને જે જે ઘટના બની તે સાહેબને કહેવા વિનંતી કરી. ફરી આકાંક્ષાએ ઘટનાનું પુનરાવર્તન કર્યું.

હવે તમે શું ઈચ્છો છો આકાંક્ષા?...............માલિકે કહ્યું

પર સ્ત્રી જોઈ હરાયા સાંઢ બની જતા લોકોને કંપનીમાં કેમ રાખી શકાય?

તેમને માં બહેન નહિ હોય ? આકાંક્ષાનો પારો સાતમે આસમાને પહોંચ્યો.

આ બનાવ બન્યો તેનો કોઈ નજરે જોનાર સાક્ષી ખરો ? માલિક બોલ્યા.

અરે સાહેબ એ બાયલા પુરુષો બીજાની હાજરીમાં તો સંત બની જતા હોય છે.

હા એ ઠીક છે પણ કોઈ સાબિતી હોય તો બતાવો જેથી આપણો કેસ મજબુત બને.

જુઓ સાહેબ તે નરાધમે મારો બ્લાઉઝ ફાડી નાખ્યો.

અને સાહેબ હું પણ કંઈ કમ નથી. ઝપાઝપીમાં તેના ચહેરા પર મારા નખના નિશાન મોજુદ છે.

પણ આપણી કંપનીમાં માત્ર તમારા ઉપર જ આવા હુમલાઓ કેમ થાય છે?

મિલન શર્માએ સવાલ કર્યો.

આકાંક્ષાએ જરા શરમાઈ જતા કહ્યું, એ તો એવું છે ને સાહેબ રૂપાળી અને દેખાવડી સ્ત્રી પર સહુની નજર હોય.

ઓકે...મિલન શર્માએ વાત વાળી લીધી.

તમે જે બોલો છો તે સાચું જ બોલો છો ને? સાહેબે પૂછ્યું.

અરે સાહેબ ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે જે કંઈ પણ કહું છું તે સાચું કહું છું.

અને સાહેબ પોતાની બદનામી થાય તેવું કંઈ સ્ત્રી ઈચ્છે?

અને એટલે જ મોટાભાગના આવા કિસ્સાઓ દબાઈ જતા હોય છે.

પણ હું એમ હિમંત હારું તેમ નથી, ભલે મારી બદનામી થાય પણ સામેના પુરુષને ખુલ્લો કરીને જ રહું.

હવે મિલન શર્માએ CCTV નું ફૂટેજ રજુ કર્યું. તેમાં સાફ દેખાતું હતું કે આકાંક્ષા કેવી રીતે ધીરે રહીને પોતાના પર્સમાંથી ચપ્પુ કાઢે છે, પોતાના હાથે બ્લાઉઝમાં બ્લેડ મારે છે. પોતાના હાથેથી ચીરો પહોળો કરે છે.

ત્યાંથી હળવેથી આકાશ પાસે જાય છે, તેના વાળ ખેંચે છે અને માં બહેનને ગાળો આપે છે. એટલી ખરાબ ગાળો આપે છે કે કાનમાંથી કીડા ખરે. આકાશ પર ગડદા પાટુનો વરસાદ વરસાવે છે. આકાશ સ્તબ્ધ થઇ જાય છે.

આકાંક્ષાની તો કાપો તો લોહી ન નીકળે તેવી સ્થતિ થઇ ગઈ.

તમે કહેતા હતા તેવું તો આમાં કંઈ જ નથી આકાંક્ષા, મિલન શર્મા મર્મમાં હસ્યા.

ચાલો આપણે ફરીથી પ્લે કરીએ. કદાચ તમારી વાત સાચી હોય.

આવું પણ બની શકે તેનો તો આકાંક્ષાને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો.

આકાંક્ષા થર થર ધ્રુજવા લાગી. આખું શરીર કાંપવા લાગ્યું.

હવે ચુપ ચાપ આના પહેલાના ચાર કિસ્સા તમે ઉપજાવી કાઢ્યા હતા તેના વિષે કહો

નહિ તો હમણાં જ પોલીસને ફોન કરી બોલાવું છું. અને પુરાવાઓ તો તમારી સામે જ છે

તાડુકતા હોય તેવા અવાજે મિલન શર્માએ ઘાંટો પાડ્યો.

વિજયે ખાલી મશ્કરી કરી હતી તેનો ખાર રાખી રાહુલ અને વિજયને કેવી રીતે તેણે અને તેના મળતિયાઓએ ફસાવ્યા તે વિષે પોપટની જેમ બોલતી રહી. ગુંડા જેવા અને રાજકારણમાં પડેલ શેખરે કેવી રીતે તેમના ટેબલ પર શરાબની બોટલ મૂકી, કંપનીમાં બહુ શરીફ ગણાતા રાકેશે કેવી રીતે ચવાણું, કોકાકોલા ગોઠવ્યા તે બધું બોલતી રહી.

સાહિલને કંપનીમાંથી કઢાવવા તેણે અને જુના કર્મચારી જેને આકાંક્ષા અને બીજા કર્મચારી દીદી કહેતા તે મીનાબેન અને તેણે સાથે મળીને કેવો હળહળતો આરોપ સાહિલ પર મુક્યો હતો અને બંનેએ સાથે મળીને સાહિલને નોકરી છોડવા મજબુર કર્યો. તે વિષે આકાંક્ષા બોલતી રહી.

બસ હવે બહુ થયું. તને એકવાર પણ કોઈ નિર્દોષ પર આરોપ મુકતા એવો વિચાર ન આવ્યો કે તેમના પર શું વીતશે? માલિકનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો.

અબી હાલ આ કંપની છોડીને જતી રહે હરામી, નહિ તો પોલીસને ફોન કરું છું. માલિક ગર્જ્યા.

દર વખતે પોલીસનું નામ વચ્ચે લાવતી આકાંક્ષા આ વખતે પોલીસનું નામ સાંભળી પૂંછડી દબાવી ભાગી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED